HomeLIFE STYLEKali Chaudas 2026 : કાળી ચૌદસનો પવિત્ર તહેવાર, જાણો પૂજા-વિધિથી લઈને પ્રાચીન...

Kali Chaudas 2026 : કાળી ચૌદસનો પવિત્ર તહેવાર, જાણો પૂજા-વિધિથી લઈને પ્રાચીન માન્યતાઓ

દિવાળીના પાંચ દિવસીય મહાપર્વમાં બીજો મહત્વપૂર્ણ દિવસ એટલે કાળી ચૌદસ. આ દિવસે અસત્ય પર સત્યનો વિજય,શારીરિક શુદ્ધિ,અકાળ મૃત્યુના ભયમાંથી મુક્તિ અને નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. કાળી ચૌદસને નરક ચતુર્દશી,રૂપ ચતુદર્શી અથવા નાની દિવાળી પણ કહેવામાં આવે છે. કાળી ચૌદસના મહત્વ વિશે જાણીએ.. નરકાસુર વઘ અને અસત્ય પર વિજય

કાળી ચૌદસના પર્વ પાછળ એક ખૂબ જ પ્રચલિત અને રોચક પૌરાણિક કથા જોડાયેલી છે

કાળી ચૌદસના પર્વ પાછળ એક ખૂબ જ પ્રચલિત અને રોચક પૌરાણિક કથા જોડાયેલી છે. પ્રાચીન સમયમાં રાજા નરકાસુરે પોતાના અત્યાચારથી પૃથ્વી અને સ્વર્ગ લોકમાં ત્રાસ મચાવ્યો હતો. તેણે દેવતાઓ,ઋષિમુનિઓ અને સામાન્ય પ્રજા પર અત્યાચારો કરતાં હતાં,એટલું જ નહીં,પરંતુ ૧૬,૧૦૦ રાજકન્યાઓને પણ બંદી બનાવીને કેદ કરી હતી. તેના ત્રાસથી મુક્તિ મેળવવા માટે તમામ દેવતાઓ અને શ્રીકૃષ્ણની પત્ની સત્યભામાની મદદથી ભગવાન શ્રીકૃષ્ણે આ દિવસે નરકાસુરનો સંહાર કર્યો હતો.

ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વઘ કરીને ત્રણેય લોકને તેના ત્રાસથી મુક્ત કર્યા અને કેદ કરાયેલી તમામ કન્યાઓને સન્માનપૂર્વક મુક્ત કરાવીને તેમને સામાજિક પ્રતિષ્ઠા અપાવી. આ દુષ્ટ અસુરના અંતની ખુશીમાં અને અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતિક રૂપે આ દિવસને નરક ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે. યમરાજની પૂજા અને અકાળ મૃત્યુથી મુક્તિકાળી ચૌદસની સાંજે અથવા રાત્રે મૃત્યુના દેવતા ધર્માધિપતિ ભગવાન યમરાજની પૂજા કરવાનું અનોખું ધાર્મિક મહત્વ છે. એવી માન્યતા છે કે આ દિવસે યમરાજની ઉપાસના કરવાથી પરિવારના સભ્યો પરથી અકાળ મૃત્યુનું જોખમ ટળી જાય છે. આ પરંપરા અંતર્ગત સાંજે ઘરના મુખ્ય દરવાજાની બહાર અથવા આંગણામાં ચાર વાટવાળો દીવો જેને યમ દીપક કહે છે પ્રગટાવીને મૂકવામાં આવે છે. આ દીપદાન કરવા પાછળનો ભાવ એ છે કે યમરાજ પ્રસન્ન રહે અને ઘરમાં અંધકાર તથા અકાળ મુસીબતોનો પ્રવેશ ન થાય. આ વિધિ પરિવારની રક્ષા અને દીર્ઘાયુ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે.

મહાકાળી અને હનુમાનજીની ઉપાસના

કાળી ચૌદસના દિવસે રાત્રે જગતજનની મા કાલી,ભગવાન શિવ અને સંકટમોચન હનુમાનજીની પૂજાનું વિશેષ સ્થાન છે. ધાર્મિક માન્યતાઓ મુજબ,આ રાત્રે નકારાત્મક શક્તિઓ,ભૂત-પ્રેત કે તંત્ર-મંત્ર જેવી અસરો વધુ સક્રિય હોય છે,તેથી સાધકો અને ભક્તો માતા કાળી તથા હનુમાનજીની વિશેષ આરાધના કરીને આધ્યાત્મિક બળ અને રક્ષણ પ્રાપ્ત કરે છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ દિવસે હનુમાન મંદિરોમાં રાત્રે ભક્તોની ભીડ જોવા મળે છે. હનુમાનજીની પૂજા કરવાથી ભય,ડર અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સાધક નિર્ભય બને છે. શારીરિક શુદ્ધિ અને રૂપ ચતુર્દશીનું મહત્વ

આ ધાર્મિક દિવસ માત્ર આધ્યાત્મિક જ નહીં,પરંતુ સ્વાસ્થ્ય અને સૌંદર્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાળી ચૌદસના દિવસે સૂર્યોદય પહેલાં વહેલા ઉઠીને તલના તેલનું માલિશ કરવું અને સ્નાન કરવું જેને અભ્યંગ સ્નાન કહે છે,તે અત્યંત પુણ્યદાયક અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર,આ દિવસે જળમાં તીર્થો અને દેવતાઓનો વાસ હોય છે. આ પવિત્ર સ્નાન કરવાથી શરીરના તમામ રોગો નાશ પામે છે,ત્વચા ચમકદાર બને છે અને સુંદરતા તથા ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે,આ જ કારણે આ દિવસને રૂપ ચતુર્દશી પણ કહેવામાં આવે છે.

ચણાના લોટના ભજીયા એ નવગ્રહનું દાન

કાળી ચૌદસના દિવસે ભોગ સ્વરૂપે ચણાના લોટોના ભજીયા બનાવીને આખા ઘરમાંથી નજર ઉતારીને પાણીનો લોટો ભરીને ચાર રસ્તે મુકવામાં આવે છે. આવો ઉતાર નજીકના ચાર રસ્તે ભજીયા મુકીને તેની ફરતે પાણીનું ગોળ કુંડાળું કરાય છે. કકળાટ કાઢવાની પરંપરા આદિ અનાદી કાળથી ચાલી આવેલી છે. ચણાના લોટના ભજીયા એ નવગ્રહનું દાન કહેવાય છે. તેને સ્ટ્રીટ ડોગ પણ ખાય છે અને ગરીબ સુધી પણ પહોંચાડવામાં આવે છે,જેથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ટૂંકમાં કહીએ તો,કાળી ચૌદસ એ માત્ર એક ધાર્મિક વિધિ કે તહેવાર નથી,પરંતુ તે આપણા જીવનમાંથી અંધકાર,અજ્ઞાન,ભય અને આંતરિક અવગુણો જેવા કે ક્રોધ,લોભ,અહંકાર અને નકારાત્મકતા રૂપી નરકાસુરનો નાશ કરવાનો પવિત્ર અવસર છે. આ દિવસે પ્રગટાવવામાં આવતો દરેક દીવો આપણા જીવનમાં સદ્દગુણોનો પ્રકાશ ફેલાવે છે અને આપણને માનવતા તથા ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments