વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
કવિ મેકરણ લીલા કાઠી દરબારો માટે લખે છે
“અશ્ર્વ સવાર થઈ, હાથ તલવાર લઈ, કાઠીએ કાઠીયાવાડ કીધો’ એટલે પોતાના ઘોડા અને બાહુબળથી કાઠીયાવાડને ઉભો કરવામાં કાઠિઓનું શૌર્ય અને સામર્થ્ય કારણભૂત હતું. તેથી આજે કાઠીયાવાડ એક પ્રાંત તરીકે એક જ્ઞાતિના નામથી ઓળખ ધરાવે છે.આજે તેઓની સૂર્ય ઉપવાસના માટે જણાવવું છે.કાઠી દરબારો કચ્છના કંથકોટ તરફથી સૌરાષ્ટ્રના કાઠીયાવાડ પ્રદેશમાં સવંત 1372માં પ્રવેશ્યા હોવાનું ઈતિહાસમાં ઉલ્લેખિત છે. સૂર્ય એ સનાતન ધર્મના એક દેવ તરીકે પ્રસિદ્ધ છે પરંતુ કાઠી દરબારો સૂર્ય ભગવાનને ઈષ્ટદેવ તરીકે પૂજતા આવ્યા છે.તેથી આ શક્તિ સ્વરૂપ જ્ઞાતિ તેના સંતાન તરીકે સ્થાપિત થઈ છે. સ્વભાવિક છે કે જે ઈષ્ટદેવ હોય તેનું અનુષ્ઠાન કે આરાધના તેઓ સતત કરતા રહે પણ અહીં સાડા ત્રણ દિવસના ઉપવાસનું એક વિશેષ મહત્વ હોવાનું ઈતિહાસ જણાવે છે.સુર્ય ઉપાસના 11 મી સદીથી થતી હોવાની પણ એક માન્યતા છે.તે સદીમા કુલ 12 સુર્ય મંદિર હતાં તેમ કહેવાય છે.

એક વાત એવી પણ છે કે સને 1658માં મોગલ સામ્રાજ્યનો છેલ્લો શાસક ઔરંગઝેબ થયો અને તેણે ઇસ્લામની વિસ્તારવાદી પ્રવૃત્તિને હાથ ધરીને હિન્દુ ધર્મસ્થાનો પર કબજો કરી તેને નષ્ટ કરવા માટે મનસુબો અને યોજનાઓ અમલમાં મુકી.તેના ભાગરૂપે અમદાવાદના સુબા કરતલબ ખાન ઉર્ફે સુજાતખાનને સને 1690 માં દ્વારકાનું મંદિર અને થાનગઢ પાસે આવેલું સૂર્યમંદિર નષ્ટ કરવા,તોડી નાખવા હુકમ કરેલો. તેથી સુજાતખાન પોતાના સૈન્ય સાથે ધંધુકા થઈને થાનગઢ તરફ આગળ વધે છે. જ્યાં અત્યારે જૂનું સૂર્યમંદિર કે જે જુના સુરજ દેવળ તરીકે ઓળખાય છે ત્યાં વૈશાખ સુદ એકમથી કાઠીઓ અને સુજાતખાનના સૈન્ય વચ્ચે લડાઈ થાય છે. કાઠીઓ પોતાના ઈષ્ટદેવ સૂર્યદેવના મંદિરને બચાવવા માટે મરણિયા પ્રયાસો કરીને વીરગતિને પામે છે. આ થાનગઢની લડાઈ સાડા ત્રણ દિવસ સુધી ચાલી હોવાનું માનવામાં આવે છે.પણ તેમાં કાઠીઓ વિજયી થઈ શકતા નથી કારણ કે તેમનું સૈન્ય ખૂબ નાનું હતું અને તે સુજાતખાન અને ઔરંગઝેબની સરખામણીમાં એક નાનકડા અંશ બરાબર હતું. તેથી તે સફળ થઈ શકતા નથી પરંતુ તેમની લડાઈ સુજાતખાનના સૈન્યને અનેક રીતે ભારે પડે છે.
આખરે સુજાતખાન થાનગઢ ઉપર પોતાનો કબજો જમાવે છે અને ત્યાં મોગલ સામ્રાજ્ય સ્થાપિત થાય છે. જોકે માનવામાં આવે છે કે આ સામ્રાજ્ય સાતેક વર્ષ સુધી ટકી રહે છે અને ફરી પાછા કાઠિઓ મોગલ ઉપર હાવી થઈ જતા તેને ઉકેડી ફેંકે છે.પરંતુ સાડા ત્રણ દિવસ ચાલેલા આ યુદ્ધની સ્મરણાંજલિ અને સાધના માટે કાઠી દરબાર પુરુષો આજે પણ વૈશાખ સુદ એકમથી વૈશાખ સુદ ચતુર્થી સુધી ઉપવાસ કરે છે. આજે પણ આ ઉપવાસ નવા સુરજદેવળ મંદિરમાં એક સાધના ઉત્સવ તરીકે યોજાઈ રહ્યા છે.નવા સુરજ દેવળ મંદિર પણ સંવત 1991 વૈશાખ સુદી 11 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે.જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કાઠી દરબારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતાં હોય છે.ચાલુ વર્ષે આ ઉપવાસ 18 એપ્રિલ થી 21 એપ્રિલ દરમિયાન યોજાનાર છે.


