બોલિવૂડનો ‘કિંગ’ શાહરુખ ખાન ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. વર્ષ 2023માં ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપીને બોક્સ ઑફિસ પર શાનદાર વાપસી કર્યા બાદ હવે શાહરુખ પોતાની આગામી મોટી ફિલ્મ ‘કિંગ’ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. વર્ષ 2026 શાહરુખ ખાનની કારકિર્દી માટે ખાસ માનવામાં આવી રહ્યું છે.
એક્શન-થ્રિલર ફિલ્મ ‘કિંગ’
તેમની 24 ડિસેમ્બર, 2026ના રોજ ક્રિસમસના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં જ ફિલ્મના નિર્માતાઓએ તેનું નવું અને દમદાર પોસ્ટર જાહેર કર્યું છે. ફિલ્મના નવા પોસ્ટરમાં શાહરુખ ખાન આગ અને વિસ્ફોટોથી ઘેરાયેલા સ્થળની વચ્ચે ઊભેલા જોવા મળે છે. તેમના ચહેરા પર ઈજાનાં નિશાન છે, હાથમાં રિવૉલ્વર છે અને મોઢામાં લાલ ગુલાબ છે. તેમનો આ અંદાજ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધારી રહ્યો છે.
શાહરુખ ખાનની ‘કિંગ’નું નવું પોસ્ટર
શાહરુખ ખાનનો નવો લુક અને તેમનો ડાયલોગ સોશિયલ મીડિયા પર સામે આવતાં જ ચાહકોમાં વાયરલ થઈ ગયાં છે. આ પહેલાં શાહરુખના જન્મદિવસ પર ફિલ્મનો તેમનો પહેલો લુક અને પ્રી-ટીઝરની ઝલક જાહેર કરવામાં આવી હતી, જેને ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી હતી. નવા પોસ્ટરમાં શાહરુખ ખાન સોલ્ટ એન્ડ પેપર લુકમાં જોવા મળે છે. તેમના ચહેરા અને શરીર પર ઈજાઓ તથા લોહીના નિશાન દેખાય છે. આ લુક તેમના પાત્રના ખતરનાક અંદાજ અને એક્શનથી ભરપૂર ભૂમિકાની ઝલક આપે છે. પોસ્ટરની સૌથી ખાસ વાત શાહરુખ ખાનનો અલગ અંદાજ છે. એક હાથમાં રિવૉલ્વર અને મોઢામાં લાલ ગુલાબ સાથે તેઓ જોવા મળે છે.

આ દમદાર લુક તેમના ડાયલોગ “કાતિલ નહીં, આશિક છું…” સાથે એકદમ બંધબેસે છે. પોસ્ટરની પાછળનું આગ અને તબાહીના માહોલ જેવું દૃશ્ય ફિલ્મમાં જબરદસ્ત એક્શન અને હાઈ-ઓક્ટેન સિક્વન્સ જોવા મળવાના સંકેત આપે છે. શાહરુખનો આ અંદાજ ફિલ્મ ‘કિંગ’ને લઈને ચાહકોની ઉત્સુકતા વધારી રહ્યો છે.
દમદાર સ્ટારકાસ્ટ અને સુહાના ખાનનું થિયેટર ડેબ્યૂ
ફિલ્મ ‘કિંગ’નું દિગ્દર્શન એક્શન ફિલ્મો માટે જાણીતા સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન આ ફિલ્મથી મોટા પડદા પર પોતાનું થિયેટર ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મમાં શાહરુખ ખાન અને સુહાના ખાન ઉપરાંત અભિષેક બચ્ચન, અભય વર્મા, અનિલ કપૂર અને દીપિકા પાદુકોણ જેવા જાણીતા કલાકારો પણ જોવા મળશે. દમદાર સ્ટારકાસ્ટને કારણે ફિલ્મને લઈને ચાહકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.
2023ની સફળતા બાદ મોટા પડદા પર વાપસી
વર્ષ 2023 શાહરુખ ખાનની કારકિર્દી માટે યાદગાર રહ્યું હતું. ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો દ્વારા તેમણે બોક્સ ઑફિસ પર અનેક રેકોર્ડ બનાવ્યા હતા. હવે લાંબા સમય બાદ વર્ષ 2026માં શાહરુખ ખાન ફિલ્મ ‘કિંગ’ સાથે મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેમનો એક્શન અવતાર અને નવી ભૂમિકા જોવા માટે ચાહકો આતુર છે.


