વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે શનિવારે દ્વિપક્ષીય વાટાઘાટો થયા પછી બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વર્ષ ૨૦૩૦ સુધીમાં બમણો કરીને રૂ. ૩૫,૦૦૦ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય નિશ્ચિત કરાયું હતું. આ સાથે ન્યૂઝીલેન્ડે ભારતમાં રૂ. ૨૦,૦૦૦ કરોડનું રોકાણ કરવા તૈયારી દર્શાવી છે. બંને નેતાઓની બેઠકમાં ૧૦ કરાર પર હસ્તાક્ષર થયા હતા.
વડાપ્રધાન મોદી અને ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને સાથે મળીને ‘વિઝન ૨૦૩૦’નો રોડમેપ તૈયાર કર્યો છે, જેનો આશય બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી મજબૂત કરવાનો છે. બંને નેતા એકબીજાના બજારોમાં પહોંચ સરળ બનાવવા, રોકાણ વધારવા અને વ્યાપારિક સહયોગ વધારવા માટે સહમત થયા હતા.
ભારત સાથે આર્થિક સંબંધો વધારવા ન્યૂઝીલેન્ડે આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૨૦ અબજ ડોલરનું રોકાણ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. બંને દેશ વચ્ચે વેપાર વધવાથી ન્યૂઝીલેન્ડ ભારત માટે કૃષિ, ડેરી અને ટેકનિક જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભાગીદાર બની શકે છે જ્યારે ભારત ન્યૂઝીલેન્ડ માટે ફાર્મા, આઈટી, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં મોટું બજાર બની શકે છે. બંને નેતાએ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રી સહયોગ વધારવા સહમતી વ્યક્ત કરી હતી.

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન લક્સન મુજબ બંને દેશ વચ્ચે એફટીએ લાગુ થયા પછી પહેલા દિવસથી જ ન્યૂઝીલેન્ડની ૫૭ ટકા નિકાસને ભારતમાં ટેરિફ વિના પ્રવેશ મળશે. તેનાથી ન્યૂઝીલેન્ડના કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, ડેરીના સામાનની ભારતીય બજારમાં પહોંચ સરળ બનશે. બીજીબાજુ ભારતને પણ ન્યૂઝીલેન્ડના બજારમાં તેના ઉત્પાદનો માટે વધુ સારી તકો મળવાની આશા છે.
ભારત-ન્યૂઝીલેન્ડ બિઝનેસ ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારતના ઝડપથી વધતા અર્થતંત્ર, ડિજિટલ ક્રાંતિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વૈશ્વિક કંપનીઓ માટે અનોખી તક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાન વૈશ્વિક વિકાસનું લોન્ચ પેડ છે. પીએમ મોદી ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચ્યા હતા. પીએમ મોદી ૪૦ વર્ષ પછી ન્યૂઝીલેન્ડ પહોંચનારા ભારતના પહેલા વડાપ્રધાન બન્યા હતા.


