Home Blog Page 153

National : બિહારમાં નીતિશ યુગનો અંત, મુખ્યમંત્રી પદેથી નીતિશ કુમારે આપ્યું રાજીનામુ

0

બિહારમાં નવી સરકારની રચના માટે આજે એક મોટો દિવસ છે. નીતિશ કુમાર મંગળવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ. . રાજ્યના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા નીતિશ કુમાર રાજ્યમાં પહેલીવાર ભાજપની આગેવાની હેઠળની સરકારનો માર્ગ મોકળો થયો. . આ સાથે, ભાજપ આજે નવા મુખ્યમંત્રીના ચહેરા પર નિર્ણય લેશે.

મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામા સાથે, બિહારમાં એક નવી રાજકીય ઇનિંગ શરૂ થવાની ધારણા છે. ભાજપ પહેલીવાર રાજ્યમાં સ્વ-નેતૃત્વવાળી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ધારાસભ્ય પક્ષની બેઠક બાદ નવા નેતાનું નામ અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.

Surat : સુરતમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કર્યા બાદ ગંદકી પણ ફેલાવતા હોવાની વ્યાપક ફરિયાદ

0

સુરત શહેરમાં પાલિકા-સરકારનો વિવિધ વેરો ભરનારા વેપારીઓ ગંદકી કરે તો પાલિકા દંડ ફટકારે છે પરંતુ માથા ભારે દબાણ કરનારાઓ ગંદકી કરે તો તેમની સામે કોઈ પગલા ભરાતા નથી. વેરો ભરનાર સામે પગલાં અને દબાણ કરનારાઓ સામે કોઈ પગલાં ન ભરાતા હોવાથી અસંતોષની લાગણી ફેલાઈ રહી છે. માથાભારે દબાણ કરનાર સામે આકરા પગલાં ભરી ગંદકી હટાવવા માંગણી થઈ રહી છે.

સુરત મ્યુનિ. કમિશનર એમ.નાગરાજન રોજ વહેલી સવારે શહેરના જુદા જુદા વિસ્તારમાં જઈ સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. મ્યુનિ. કમિશનરની આ ઝુંબેશના કારણે શહેરમાં સફાઈનું સ્તર સુધર્યું છે. પરંતુ કેટલાક માથાભારે દબાણ કરનારાઓ પાલિકાના સફાઈ અભિયાનને હાની પહોંચાડી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારમાં કેનાલની આસપાસ દબાણ કરનારાઓનો રાફડો ફાટ્યો છે. આ વિસ્તારમાં પાલિકા સઘન સફાઈ અભિયાન કરીને વિસ્તાર ચોખ્ખો ચણાક કરી દે છે પરંતુ દિવસ ભર દબાણ કરનારા માથાભારે તત્વો શાકભાજી સાથેનો વધેલો કચરો કેનાલમાં પધરાવી રહ્યાં છે. આ કચરો કહોવાઈને ગંધાઈ રહ્યો છે અને લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થઈ રહ્યો છે. પાલિકા તંત્ર આવા દબાણ કરનારા ઓને કાયમી ધોરણે હટાવી શકતી નથી અને આ ગંદકીની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે.

બીજી તરફ શહેરના રાજમાર્ગ પર રવિવારી બજાર ભરાઈ રહી છે ત્યાર બાદ રાત્રીના મોટી માત્રામાં પ્લાસ્ટિક સહિતનો કચરો જાહેર રસ્તા પર ઉડતો જોવા મળે છે. આ ઉપરાંત ચૌટા બજારમાં પણ દબાણ કરનારા માથાભારે તત્વો જાહેરમાં કચરો ફેંકતા હોવાથી સફાઈ કામદારોની કામગીરીમાં સતત વધારો થઈ રહ્યો છે.

માથાભારે દબાણ કરનારઓ સામે પાલિકા તંત્ર કોઈ નક્કર કામગીરી કરતી નથી તો બીજી તરફ પાલિકા અને સરકારનો વિવિધ વેરો ભરનારા વેપારીઓની દુકાન બહાર કચરો ફેંકાયેલો હોય કે તેઓ ગંદકી કરતા માલુમ પડે તો પાલિકા આકરો દંડ કરે છે. આ ગંદકી કરનારા વેપોરીઓને ગંદકી બદલ દંડ ફટકારે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ માથા ભારે દબાણ કરનારા શહેરમાં ગંદકી ફેલાવી રહ્યાં છે તેમની સામે કોઈ આકરા પગલા ભરાતા નથી. પાલિકાની આ વિવાદી કામગીરીના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Surat : ગરમીથી રાહત મેળવવા તાપીમાં નહાવા પડેલા ડીંડોલીના યુવકનું ડૂબી જવાથી કરુણ મોત

0

સુરતના ડભોલી બ્રિજ નીચે તાપી નદીમાં નહાવા પડેલા ડીંડોલીના એક યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. ડૂબવાની જાણ થતા જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

સુરત શહેરમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. કાળઝાળ ગરમીથી બચવા અને રાહત મેળવવા માટે લોકો નદી કે સ્વિમિંગ પૂલ તરફ વળી રહ્યા છે, પરંતુ ક્યારેક આ આનંદ જીવલેણ સાબિત થાય છે. સુરતના ડભોલી બ્રિજ નીચે તાપી નદીમાં નહાવા પડેલા ડીંડોલીના એક યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો 31 વર્ષીય વિકાસ રાજુભાઈ નાયકા તેના મિત્રો સાથે ડભોલી બ્રિજ નીચે તાપી નદીના કિનારે ફરવા ગયો હતો. ઉનાળાની બપોરે ગરમીથી બચવા માટે વિકાસે નદીના પાણીમાં નહાવા માટે કૂદકો માર્યો હતો. જોકે, નદીમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તે જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

વિકાસના ડૂબવાની જાણ થતા જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાના બીજા દિવસે તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વિકાસના અકાળે અવસાનથી તેના પરિવારે ઘરનો મુખ્ય આર્થિક આધાર ગુમાવ્યો છે, જેને પગલે પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

Ahmedabad : વૃદ્ધ શિક્ષિકા અને તેમના પતિને ડિજિટલ એરેસ્ટ કરી 33 લાખ પડાવી લીધા

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વૃદ્ધ શિક્ષિકા અને તેમના પતિને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ઠગો ૩૩ લાખ ચાંઉ કરી ગયાની વધુ એક ઘટના અમદાવાદ સાયબર સેલમાં સોમવારે પ્રકાશમાં આવી છે.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વૃદ્ધ શિક્ષિકા અને તેમના પતિને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ઠગો ૩૩ લાખ ચાંઉ કરી ગયાની વધુ એક ઘટના અમદાવાદ સાયબર સેલમાં સોમવારે પ્રકાશમાં આવી છે. એટીએસ અધિકારી તરીકે સાયબર ઠગે ઓળખ આપી નિવૃત્ત શિક્ષિકાને જણાવ્યું કે, એટીએસએ આતંકીના ફાર્મમાં રેડ કરતા તમારા પતિનું આધારકાર્ડ અને હથિયારો મળ્યા છે. તમે પતિ-પત્ની શંકાના દાયરામાં હોવાથી તમારી ધરપકડ કરવી પડશે.

આ રીતે ડરાવી ધમકાવી વૃદ્ધ દંપતીના રોકાણની વિગતો મેળવી આરોપીઓએ 33 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.બીજા 33 લાખ ટ્રાન્સફર કરવાના હતા જો કે, સહી મેચ ના થતા બેંકમાં નાણાં ટ્રાન્સફર ના થતા અને દંપતીએ બહેન-બનેવી સાથે વાત કરતા પૈસા બચી ગયા હતા. મહિલાને અજાણી વ્યક્તિનો વોટસએપ કોલ આવ્યો અને એટીએસના અધિકારી તરીકે ઓળખ આપીને હિન્દીમાં વાત કરતા શખ્સે ટેરરીસ્ટ આશીફના ફાર્મમાં રેડ કરતા હથિયાર, રોક્ડ અને આધારકાર્ડ જપ્ત કર્યા છે જેમાં તમારા પતિનું આધારકાર્ડ મળ્યું છે.

સાયબર ઠગોએ વૃદ્ધાને જણાવ્યું કે, પહેલગામમાં આતંકીઓએ તમારા પતિના નામે બેંક ખાતું ખોલાવ્યું છે.બાદમાં અન્ય અધિકારીએ તમે તમારા બેંક ખાતાની એફડી તોડી અમે આપેલા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરો. તમે આ કેસમાં નિદોર્ષ જાહેર થશો ત્યારે પૈસા પરત મળી જશે તેમ કહ્યું હતું.આ રીતે દંપતીએ 33 લાખ ટ્રાન્સફર કર્યા બાદમાં જોઈન્ટ એકાઉન્ટમાં રહેલાં 30 લાખ ટ્રાન્સફર કરવા પ્રોસેસ કરી હતી. જો કે, બેંકમાંથી સહી મેચ ના થતી હોવાનો કોલ આવતા સોમવારે ફરી બેંક પર આવવા જણાવ્યું હતું. આ દરમિયાન દંપતીને શંકા જતા તેમના બહેન-બનેવી સાથે વાત કરતા ડિજિટલ એરેસ્ટ ફ્રોડ થયાનું તેઓએ જણાવ્યું હતું.

Entertainment : 8 વર્ષ પહેલા ગુમનામ થયેલા આ એક્ટરની Ramayana માં રાવણ તરીકેની એન્ટ્રી, એક ફિલ્મની લઇ રહ્યો છે 100 કરોડ ફી!

0

ભારતીય સિનેમામાં ભાગ્યે જ કોઈ એવો અભિનેતા હશે જેણે આટલા ટૂંકા ગાળામાં સમગ્ર દેશમાં પોતાનો સિક્કો જમાવ્યો હોય. અમે વાત કરી રહ્યા છીએ કન્નડ સુપરસ્ટાર યશની, જે આજે માત્ર દક્ષિણ ભારત જ નહીં પણ વૈશ્વિક સ્તરે જાણીતું નામ છે.

ભારતીય સિનેમામાં ભાગ્યે જ કોઈ એવો અભિનેતા હશે જેણે આટલા ટૂંકા ગાળામાં સમગ્ર દેશમાં પોતાનો સિક્કો જમાવ્યો હોય. અમે વાત કરી રહ્યા છીએ કન્નડ સુપરસ્ટાર યશની, જે આજે માત્ર દક્ષિણ ભારત જ નહીં પણ વૈશ્વિક સ્તરે જાણીતું નામ છે. આઠ વર્ષ પહેલાં સુધી જે અભિનેતા માત્ર કન્નડ સિનેમા પૂરતો સીમિત હતો, તે આજે ₹4000 કરોડના બજેટમાં બની રહેલી ભવ્ય ફિલ્મ ‘રામાયણ’માં લંકેશ એટલે કે રાવણની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.

બરાબર ચાર વર્ષ પહેલાં, એટલે કે 14 એપ્રિલ, 2022 ના રોજ રિલીઝ થયેલી ‘KGF: ચેપ્ટર 2’ એ ભારતીય સિનેમાના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા. પ્રશાંત નીલ દ્વારા નિર્દિશિત આ ફિલ્મમાં યશે ‘રોકી ભાઈ’ તરીકે જે એક્ટિંગ કરી, તેનાથી તે રાતોરાત પાન-ઈન્ડિયા સ્ટાર બની ગયો. ₹100 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં ₹1200 થી 1250 કરોડની જંગી કમાણી કરી હતી. આ ફિલ્મ કન્નડ ઇન્ડસ્ટ્રીની પહેલી એવી ફિલ્મ હતી જેણે IMAX માં રિલીઝ થઈને ઇતિહાસ રચ્યો હતો.

યશની આ સફર એટલી સરળ નહોતી. કોરોના મહામારીને કારણે KGF 2 ની રિલીઝ ડેટ ઘણી વખત લંબાવવામાં આવી હતી. દશેરા 2020 થી લઈને જુલાઈ 2021 સુધી અનેક મુશ્કેલીઓ બાદ આખરે એપ્રિલ 2022 માં તે પડદા પર આવી. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મના કેટલાક આઇકોનિક ડાયલોગ્સ, જેમ કે “Violence… Violence… I don’t like it,” ખુદ યશે જ લખ્યા હતા. આ સંવાદોએ તેને ઘરે-ઘરે લોકપ્રિય બનાવી દીધો.

નિર્દેશક નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’માં યશ રાવણનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ માટે તે એક ફિલ્મ દીઠ ₹100 કરોડ જેટલી મોટી રકમ ચાર્જ કરી રહ્યો હોવાના અહેવાલો છે. જ્યાં રણબીર કપૂર રામની ભૂમિકામાં હશે, ત્યાં યશ રાવણ તરીકે ટકરાશે, જે જોવું દર્શકો માટે અત્યંત રોમાંચક રહેશે.
રિલીઝના પહેલા જ દિવસે ₹134 કરોડની ઓપનિંગ મેળવનાર KGF 2 ના હિન્દી વર્ઝનનો ક્રેઝ આજે પણ અકબંધ છે. માત્ર બે જ દિવસમાં ચેપ્ટર 1 ની કુલ કમાણીને વટાવી જનાર આ ફિલ્મે યશને એવા સ્થાને બેસાડી દીધો છે, જ્યાંથી તે હવે ભારતીય સિનેમાનો ‘નવો સુપરસ્ટાર’ ગણાય છે. ‘રામાયણ’ની ઝલક જોયા બાદ હવે ચાહકો આતુરતાથી તેના લંકેશ અવતારની રાહ જોઈ રહ્યા છે.

Gujarat : ભીષણ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા

0

ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં ગરમ અને સૂકા પવન ફૂંકાતા ગરમીમાં વધારો થયો છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.

ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં ગરમ અને સૂકા પવન ફૂંકાતા ગરમીમાં વધારો થયો છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગે ભીષણ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. 19 અને 20 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, ભીષણ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 અને 20 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહિસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદ સામાન્યથી ઓછો હોવાનું પૂર્વાનુંમાન પણ કરવામાં આવ્યું છે. ભુજમાં હાલમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

કચ્છ જિલ્લાના મુખ્ય મથક એવા ભુજમાં હાલમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો છે. આકરી ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે. બપોર પડતાની સાથે જ રસ્તા સુમસામ બની જાય છે. જાહેર રસ્તા અને શેરીઓમાં લોકોની અવરજવરમાં ઘટાડો થયો છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પાણીના સહારે હોવાનું જાણવા મળ્યું છે.

Gujarat : ચૂંટણીમાં વહીવટી તંત્રની મનમાની સામે ગેનીબેનનો હુંકાર, કહ્યું- ‘લોકશાહીનું હનન કરનારા અધિકારીઓને ખુલ્લા પાડીશું’

0

ઉત્તર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વાવ અને થરાદ પંથકમાં ફોર્મ ચકાસણી દરમિયાન વહીવટી તંત્રની કામગીરી વિવાદના ઘેરામાં આવી છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે અધિકારીઓ પર રાજકીય દબાણ હેઠળ પક્ષપાતી નીતિ અપનાવવાનો ગંભીર આક્ષેપ કરી આરપારની લડાઈના સંકેત આપ્યા છે.

થરાદની ભોરોલ જિલ્લા પંચાયત સીટ પર ઉમેદવાર જોગાજી રાજપૂતે કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષો તરફથી ફોર્મ ભરતા કાયદાકીય ગૂંચ ઉભી થઈ છે. આ મામલે ગેનીબેને પ્રહાર કરતા જણાવ્યું કે, ‘ચૂંટણીના નિયમ મુજબ જે ફોર્મ સમય ક્રમમાં પ્રથમ ભરાયું હોય તેને જ માન્યતા મળવી જોઈએ. તેમ છતાં વહીવટી તંત્ર સત્તાધારી પક્ષના ઈશારે ભેદભાવભર્યું વલણ દાખવી રહ્યું છે.’

ભાભર તાલુકાની મીઠા સીટ પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવતા મામલો ગરમાયો છે. ગેનીબેને આક્ષેપ કર્યો છે કે ‘પૂરતા દસ્તાવેજો હોવા છતાં રાજકીય દબાણ હેઠળ ફોર્મ રદ કરાયું છે, જ્યારે અન્ય ઉમેદવારના સમાન કિસ્સામાં ફોર્મ માન્ય રખાયું છે. જે અધિકારીઓ લોકશાહીની હત્યા કરી રહ્યા છે, તેમના નામ અમે જનતાની વચ્ચે જઈને જાહેર કરીશું અને આ અન્યાય સામે અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું.’

ચૂંટણી ટાણે જ થરાદ તાલુકાના તેમના અત્યંત નજીકના સાથી (સારથિ) કે જેઓ ભાજપમાં જોડાઈ ગયા છે, તેના પર પ્રહાર કરતા ગેનીબેને જણાવ્યું કે, ‘જે લોકોએ પક્ષ અને જનતાના વિશ્વાસ સાથે દ્રોહ કર્યો છે, તેમને આવનારા દિવસોમાં પ્રજા જ પાઠ ભણાવશે. ગદ્દારી કરનારાઓને જનતા ક્યારેય માફ નહીં કરે.’

વહીવટી તંત્રને આડે હાથ લેતા સાંસદે ગેનીબેને કહ્યું કે, ‘અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવે છે, કોઈ પક્ષના ગુલામ બનીને કામ ન કરવું જોઈએ. જો નિષ્પક્ષતા નહીં જળવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.’ કોંગ્રેસ નેતાના આ આક્રમક વલણથી સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Gujarat : ભાજપના તોડજોડના ભયથી કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ગાયબ થયા

0

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ રિસોર્ટ પોલિટિક્સ જોવા મળ્યું છે. પોરબંદર, સુરત, રાજકોટ, અમદાવાદ, નવસારી, મોરબી, સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવારોને તૂટવાના ભયે રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં લોકસભા અને વિધાનસભા અને ખાસ કરીને રાજ્યસભાની ચૂંટણી વખતે રિસોર્ટ પોલિટિક્સ સામે આવતું હોય છે પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારો તૂટવાના ભયે ચાલ રમવી પડી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પણ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોને તૂટતા બચાવવા માટે રિસોર્ટ પોલિટિક્સનો સહારો લઈ રહી છે. ભાજપના ડરને કારણે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ભાજપના ભયને કારણે અજ્ઞાત સ્થળે પહોંચી ગયા છે. લોભ લાલચ અને ડરાવવાનો ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉમેદવારી પાછી ખેંચવા ડરાવવાનો આક્ષેપ કરાયો છે. આમ આદમી પાર્ટીના 40 કરતા વધુની ઉમેદવારી પાછી ખેંચાવવાના પ્રયાસનો આક્ષેપ કરાયો છે. ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થયા બાદ ઉમેદવારોને પરત લાવવામાં આવશે.

સુરત મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 40 જેટલા ઉમેદવારોને શહેરથી દૂર અજ્ઞાત સ્થળો પર લઈ જવામાં આવ્યા છે. મોરબીમાં પણ મનપાના ચાર ઉમેદવારોને ભાજપા દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા છે. આ અંગે રાજકોટના કોંગ્રેસના નેતા ગાયત્રી બા વાઘેલાએ કહ્યું હતું કે, અમારા ઉમેદવારોને ધમકીના ફોન આવ્યા હોવાથી શહેર પ્રમુખને તેની જાણ થઈ હતી. જેથી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજકોટમાંથી 12 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કલોલમાં પણ કોંગ્રેસના 40 ઉમેદવારોને ખાનગી સ્થળે મોકલાયા છે.

Ahmedabad : શીલજ સર્કલ પાસેથી 8.57 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે શીલજ સર્કલ પાસેથી લાખોની કિંમતના પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે યુવકોની ધરપકડ કરી છે. આ જથ્થાની કિંમત અંદાજે 8,57,000 આંકવામાં આવી રહી છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાના વધતા જતા દૂષણને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે શીલજ સર્કલ પાસેથી લાખોની કિંમતના પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે યુવકોની ધરપકડ કરી છે.

ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે શીલજ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા યશ ચૌહાણ અને નીરજ પટેલની ઝડપી પાડીને તપાસ કરતા તેમની પાસેથી 245 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે ₹8,57,000 આંકવામાં આવી રહી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ નશાના કારોબારમાં કેનીલ પટેલ નામનો અન્ય એક ડ્રગ્સ સપ્લાયર પણ સંડોવાયેલો છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

National : વડોદરામાં ઢોલ-નગારા સાથે પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવારોને મતદારોએ ઘેર્યા : ઉગ્ર બોલાચાલી

0

વડોદરા શહેરની રાવપુરા વિસ્તારમાં આવેલી કાપડી પોળમાં ઉભરાતી ગટરોના પ્રશ્નોથી સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ચૂંટણી પ્રચારમાં ઢોલ નગારા સાથે આવતા ઉમેદવારો સામે સ્થાનિકો પ્રાથમિક સુવિધાના પ્રશ્નો અંગે સતત સવાલો ઉઠાવતા જોવા મળ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી આગામી તા. 26મીએ યોજાશે. આ અંગે ઉમેદવારોના ફોર્મની ચકાસણી પણ થઈ ગઈ છે ત્યારબાદ હવે ઉમેદવારોએ પોતપોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ઢોલ નગારાના તાલે મતદારોને આકર્ષવા ઘરે ઘરે રૂબરૂ સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું. આવી જ રીતે શહેરની મધ્યમાં આવેલા રાવપુરા વિસ્તારની કાપડી પોળમાં ઢોલ નગારા વગાડતા કાર્યકરો સાથે ઉમેદવારોએ મતદારોનો રૂબરૂ સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું.

જ્યારે બીજી બાજુ કાપડી પોળમાં ગટરના ગંદા પાણી ઉભરાવવાનો કાયમી પ્રશ્ન હોવાથી સ્થાનિકોએ પ્રચારમાં આવનારા ઉમેદવારો સમક્ષ પ્રાથમિક સુવિધાઓ અંગે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. આ ઘટના વખતે સ્થાનિકોએ પોતાના વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે અને સુવિધાઓ નહિ મળવા બાબતે પણ ઉમેદવારો સમક્ષ સતત પ્રશ્નોનો મારો વરસાવ્યો હતો. જેથી ઉમેદવારો અને સ્થાનિક રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉગ્ર વાતાવરણ જોઈને આખરે ઉમેદવારોને ચુપકીદી સેવીને સ્થળ છોડીને ચાલ્યા જવાની ફરજ પડી હતી.