Home Blog Page 165

World : યુદ્ધ રોકવા અમેરિકા-ઇરાનની વાટાઘાટો અનિર્ણિત

0

અમેરિકા અને ઇરાન વચ્ચે કાયમી શાંતિ માટે ઉગ્ર ચર્ચા થઈ રહી છે. તેના બે રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે અને હવે ત્રીજો રાઉન્ડ આવતીકાલે યોજાય તેમ માનવામાં આવે છે. આ ચર્ચાની સૌથી મોટી ફળશ્રુતિ એ છે કે હજી સુધી આ મંત્રણા અટકી નથી કે ખતમ થઈ નથી.  અહીં આશ્ચર્યની વાત એ છે કે ઇઝરાયેલે શાંતિમંત્રણા છતાં પણ લેબનોનમાં હુમલા ચાલુ રાખીને ૨૦નો ભોગ લીધો હોવા છતાં પણ ઇરાને અમેરિકા સાથે મંત્રણા કરી હતી, જેના માટે એક સમયે તે ઇન્કાર કરતું હતું. બીજી બાજુ અમેરિકાએ પણ શાંતિમંત્રણાના બે તબક્કામાં ઇરાનની અત્યાર સુધી ફ્રીઝ કરેલી એસેટ્સ ડીફ્રીઝ કરવાની તૈયારી દાખવી હતી. આ સિવાય બીજા કોઈ મુદ્દે હજી સુધી પ્રગતિ થઈ નથી તો તેની સામે આશ્વાસન લેવા લાયક બાબત એ પણ છે કે આ મંત્રણા હજી ખોરવાઈ પણ નથી. ઇરાનના મીડિયાએ દાવો કર્યો છે કે આ મંત્રણા રવિવારે આગળ ચાલી શકે છે. આ મંત્રણામાં અમેરિકા તરફથી વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સની આગેવાની હેઠળ આવેલા અમેરિકન પ્રતિનિધિમંડળમાં જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફનો સમાવેશ થાય છે. જ્યારે ઇરાનનું પ્રતિનિધિમંડળ સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફ વાઘેરની આગેવાની હેઠળના ૭૦ સભ્યો સાથે આવ્યું છે. ઇરાન આ મંત્રણા શરુ થઈ હોવા છતાં હોર્મુઝ ન ખોલવાની તેની ધમકી પર અડગ રહ્યું છે.

ઇઝરાયેલના લેબનોનમાં 200 સ્થળોએ હુમલા- 20નાં મોત

અમેરિકા અને ઇરાન વચ્ચે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા ચાલી રહી છે ત્યારે પણ ઇઝરાયેલે લેબનોનમાં તેના હુમલા જારી રાખતા ૧૨ સિક્યોરિટી ગાર્ડ સહિત કુલ ૨૦ના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેેલે લેબનોન પર છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦થી વધુ હવાઈ હુમલા કર્યા હતા. આમ શાંતિમંત્રણાનો જે એક મુદ્દો છે તેનો ઇઝરાયેલે છેદ ઉડાવી દીધો છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનો દાવો છે કે ઇરાનનું સંચાલન હવે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કરે છે. આમ ઇરાન હવે પહેલાં કરતાં પણ વધુ કટ્ટર હાથોમાં પહોંચી ગયું છે. વિશ્વએ આગામી દિવસોમાં તેની કટ્ટરતાનો અહેસાસ થશે.

હોર્મુઝની ખાડી ખોલવા ગયેલા અમેરિકન જહાજ પરત ફર્યા

મધ્યપૂર્માં ચાલતા જંગ વચ્ચે હોર્મુઝ ની ખાડી ખોલવાના પ્રયત્નોમાં અમેરિકાને નિષ્ફળતા સાંપડી હોવાના સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝની ખાડી ખોલવા માટે ગયેલા અમેરિકાના યુદ્ધજહાજો ઇરાનના નૌકાદળની કડક ચેતવણીના લીધે પરત ફરવાની ફરજ પડી છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે કે અમેરિકા આ અત્યંત મહત્ત્વના સમુદ્રી રસ્તાને ખોલવાની પ્રક્રિયા શરૂ કરી ચૂક્યું છે.ઇરાનના સરકારી ટીવીનું કહેવું છે કે અમેરિકન યુદ્ધજહાજોને ચેતવણી આપવામાં આવી હતી કે જો તે હોર્મુઝની ખાડી પાર કરે છે તો ૩૦ મિનિટની અંદર તેના પર હુમલો કરવામાં આવશે. ઇરાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે ચેતવણી પછી અમેરિકન યુદ્ધજહાજ પરત જતું રહ્યું. આમ હોર્મુઝની ખાડી ખોલવા જવાનો અમેરિકાનો પ્રયત્ન નિષ્ફળ નીવડયો છે.

અમેરિકા ઇરાનની ટાંચમાં લીધેલી એસેટ્સ છોડવા માટે તૈયાર

અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિમંત્રણા ચાલી રહી છે ત્યારે અમેરિકા ઇરાનની કતાર અને અન્ય દેશોમાં જપ્ત કરવામાં આવેલી એસેટ્સને છોડવા સંમત થયું છે. જો કે ઇરાનની ટાંચમાં લીધેલી એસેટ્સ અંગે અમેરિકાએ ક્યારેય જાહરમાં કોઈ ટિપ્પણી કરી નથી. આ અંગે સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ રીતે મિલકતો મુક્ત કરવાનો હેતુ હોર્મુઝની ખાડીમાંથી સલામત રીતે પસાર થવા સાથે જોડાયેલો છે. હોર્મુઝની ખાડી વર્તમાન મંત્રણામાં ચાવીરૂપ મુદ્દો છે.

અમેરિકાએ એક જ વર્ષમાં બે વખત અમારો વિશ્વાસ તોડયોઃ ઇરાન

અમેરિકાએ ઇરાન સાથેના શાંતિમંત્રણામાં ઇરાનની વિશ્વસનીયતા અંગે સવાલ ઉઠાવતા ઇરાને પણ વળતો જવાબ આપ્યો છે. ઇરાનના સ્પીકર ગાલિબાફે જણાવ્યું હતું કે અમેરિકા પોતાને વિશ્વની મહાસત્તા કહેવડાવે છે, પરંતુ તેને પોતાના જ વચનોની કિંમત નથી. તેણે છેલ્લા એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં બે-બે વખત અમારો વિશ્વાસ તોડયો છે અને ચાલુ મંત્રણાએ તેણે અમારા પર બોમ્બાર્ડિંગ શરૂ કરી દીધુ હતુ. ગયા વર્ષે તેણે જૂનમા આવું કર્યુ હતુ અને આ વર્ષે ૨૮મી ફેબુ્રઆરીથી તેનો પ્રારંભ કર્યો હતો.

પાક.નો મંત્રણા માટે અસાધારણ સ્તરની સુરક્ષા ગોઠવ્યાનો દાવો

પાકિસ્તાને અમેરિકા-ઇરાન માટે અસાધારણ સ્તરની સુરક્ષા ગોઠવ્યાનો દાવો કર્યો છે. આ માટે આખી ઇસ્લામાબાદ રાજધાનીને જાણે પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ હતી અને અભેદ્ય ગઢ સમાન બનાવી દેવાઈ હતી. અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થામાં લગભગ ૧૦ હજારથી પોલીસ કર્મચારીઓ ગોઠવાયેલા છે. તેમા પણ ખાસ કરીને ઇરાનના પ્રતિનિધિમંડળને લાવવામાં તો પાકને પરસેવો છૂટી ગયો હતો. ઇરાનના પ્લેનના ટ્રાન્સપોન્ડર ઓફ હોવાના કારણે તેની સાથે-સાથે સતત પાકિસ્તાની એરલાઇન્સનું પ્લેન ઉડાડવું પડયું હતું. ઇરાનનું પ્રતિનિધિમંડળ તહેરાનથી ૪૦૦ કિ.મી. દૂર આવેલા કાસ્પિયન સી ખાતેના ગોર્ગન એરપોર્ટ પરથી ઉપડયું હતું. પાક. એર ટ્રાફિક કંટ્રોલરોનએ એડવાન્સમાં જ જણાવી દેવાયું હતું કે તેના પ્લેનના ટ્રાન્સપોન્ડરો ઓફ હશે. તેના કારણે કોમર્સિયલ ફ્લાઇટ્સના રાડાર પર આ એરક્રાફ્ટ ડિટેક્ટ નહીં થઈ શકે. જો કે તે મિલિટરી રાડાર પર દેખાતું હતું.

ઇરાનમાં અટવાયેલા 312 ભારતીય માછીમારો પરત ફર્યા

ઇરાનમાં પ્રાદેશિક તનાવના લીધે અટવાયેલા ૩૧૨ ભારતીય માછીમારો પરત ફર્યા છે. તેઓ આર્મેનિયાના રુટે બહાર આવ્યા હતા, એમ વિદેશપ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું. ઇરાનમાંથી અગાઉ ૩૪૫ માછીમારોને બચાવાયા પછીનો આ બીજો મોટો જથ્થો છે.

અમેરિકામાં ઇરાની અધિકારીઓના સંબંધીઓના ગ્રીન કાર્ડ રદ કરવાની તજવીજ

વોશિંગ્ટન : ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકામાં લાબા સમયથી રહેતા અને ગ્રીન કાર્ડ ધરાવતા ઇરાનીયનોનું ગ્રીન કાર્ડ સ્ટેટસ રદ કરવા માંડયું છે. આ ઇરાનીયનો મુખ્યત્વે વરિષ્ઠ ઇરાનીયનોની સાથે સંબંધ ધરાવે છે. વિદેશ વિભાગે શનિવારે જણાવ્યું હતું કે લોસ એન્જલ્સ સ્થિત મનોવિજ્ઞાાનના પ્રાધ્યાપક સૈયદ આઇસા હાશમી, તેમની પત્ની અને તેમના પુત્ર બધા કાયદેસરના અમેરિકન નાગરિક હતા. તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. વિભાગે જણાવ્યું હતું કે ઇમિગ્રશન સત્તાવાળાઓએ તેમને ડિપોર્ટેશન માટે કસ્ટડીમાં લીધા છે. હાશેમી ૧૯૭૯માં તહેરાનમાં અમેરિકન રાજદૂતાવાસના હુમલાખોરોની પ્રવક્તા હતી અને તેને પછી સૌપ્રથમ ઇરાની મહિલા પ્રમુખ તરીકે પ્રમોટ કરવામાં આવી હતી. ગયા સપ્તાહે વિદેશ વિભાગે ભૂતપૂર્વ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના વડા કાસેમી લુલેમાનીના ભત્રીજા અને ભત્રીજીનું ગ્રીન કાર્ડ પણ છીનવ્યુ હતુ, કાસિમ સુલેમાની ૨૦૨૦ના પ્રારંભમાં અમેરિકાના બગદાદ પરના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.

World : અમેરિકાનું ઓઈલ અને ગેસ ખરીદવા વિશ્વભરમાંથી ટેન્કરો આવી રહ્યા છે : ટ્રમ્પ

0

અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા થઈ રહી છે તેવા સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે હોર્મુઝની ખાડી બંધ થવાથી અમેરિકાને જ લાભ છે. અમેરિકા પાસે ભરપૂર ઓઈલ છે. અમેરિકાનું સ્વીટ ગુણવત્તાસભર ઓઈલ અને ગેસ ખરીદવા માટે દુનિયાભરના ખાલી ઓઈલ ટેન્કરો અમેરિકા આવી રહ્યા છે. જોકે, ટ્રમ્પે અમેરિકામાં ખાતરના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝની ખાડી બંધ થઈ જતા દુનિયામાં ઓઈલ કટોકટી સર્જાઈ છે ત્યારે પ્રમુખ ટ્રમ્પે હોર્મુઝની ખાડી પર ઈરાનની નાકાબંધીને અમેરિકા માટે ફાયદાકારક ગણાવી છે.

પ્રમુખ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, દુનિયાના સૌથી મોટા ખાલી ઓઈલ ટેન્કરો મોટી સંખ્યામાં અમેરિકા તરફ આવી રહ્યા છે, જેથી તેઓ દુનિયાનું સૌથી ગુણવત્તાસભર અને સ્વીટ ઓઈલ અને ગેસ લોડ કરી શકે. અમારી પાસે આગામી બે સૌથી મોટા ઓઈલ અર્થતંત્રોના કુલ ઓઈલ કરતાં પણ વધુ ઓઈલ છે અને તેની ગુણવત્તા પણ વધુ સારી છે. ટ્રમ્પે અમેરિકન ઓઈલની પ્રશંસા કરતા દુનિયાને સંદેશો આપ્યો કે હોર્મુઝ બંધ રહેશે તો પણ અમેરિકા પાસે ભરપૂર ઓઈલ છે.

હોર્મુઝની ખાડી બંધ રહેવાને અમેરિકા માટે ફાયદાકારક ગણાવવાની સાથે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું કે, ઈરાનના સૈન્યને અમે ખતમ કરી નાંખ્યું છે અને અમેરિકાએ હવે હોર્મુઝની ખાડીને સાફ કરવાનું શરૂ કર્યું છે. જોકે, ટ્રમ્પની પોસ્ટ પરથી એ બાબત સ્પષ્ટ નહોતી થતી કે ટ્રમ્પ હોર્મુઝની ખાડીમાં ઈરાને પાથરેલી સુરંગો હટાવવાની વાત કરી રહ્યા છે કે કેમ. ટ્રમ્પે એટલું જ લખ્યું કે, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની અને અન્ય અનેક દેશો સહિત દુનિયા માટે હોર્મુઝની ખાડીને સ્વચ્છ કરવાની પ્રક્રિયા અમે શરૂ કરી છે. તેમનામાં આ કામ કરવાની હિંમત નથી, પરંતુ અમે તેમના માટે હોર્મુઝની ખાડીને ખોલીશું.

પાકિસ્તાનમાં ચાલી રહેલી શાંતિ વાર્તા વચ્ચે ટ્રમ્પે ઈરાનને એક નિષ્ફળ દેશ ગણાવ્યો હતો, પરંતુ સાથે તેમણે એમ પણ કહ્યું કે, શાંતિ વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધશે તો સ્થિતિમાં સુધારો થઈ શકે છે. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે હોર્મુઝની ખાડી ટૂંક સમયમાં જ ખુલી શકે છે, જ્યાંથી દુનિયાના ૨૦ ટકા ક્રૂડ ઓઈલ અને ગેસનો સપ્લાય થાય છે.

દરમિયાન ટ્રમ્પે ઓઈલ કટોકટી વચ્ચે અમેરિકામાં ખાતરના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, તેઓ ખાતરના ભાવ પર નજર રાખી રહ્યા છે અને ખેડૂતો માટે ખર્ચમાં વધારામાં કોઈપણ વધારો તેઓ સ્વીકારશે નહીં. અમેરિકન ખેડૂતોને ટ્રમ્પ સરકારનું સંપૂર્ણ પીઠબળ છે. હોર્મુઝની ખાડી પર ઈરાનના નિયંત્રણના કારણે દુનિયામાં કુદરતી ગેસનો પુરવઠો ખોરવાઈ જવાના કારણે ખાતરના ભાવમાં પણ વધારો થયો છે.

Ahmedabad : કઠવાડા અને ઇસનપુરમાં પરિવાર ધાર્મિક સ્થળે ગયું મકાનમાંથી રૃા. ૧૫.૮૫ લાખની મતા ચોરાઇ

કઠવાડામાં આરબીઆઇના ફાર્માસીસ્ટ પરિવાર સાથે વૈષ્ણોદેવી ફરવા ગયા અને તસ્કરો ઘરમાંથી રોકડા રૃા. ૮ લાખ તથા દાગીના સહિત કુલ રૃા. ૧૪.૬૩ લાખની ચોરીની કરી હતી. જ્યારે ઇસનપુરમાં પરિવારજનો બહુચરાજી  મંદિરે પગપાળા સઘમાં ગયા હતા અને મકાનના તાળા તોડી તસ્કરો રૃા. ૧.૨૨ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી.

ઇસનપુરમાં પરિવારજનો બહુચરાજી મંદિરે પગપાળાં સઘમાં ગયા અને રૃા.૧.૨૨ લાખની મતાની ચોરી નિકોલ-ઇસનપુર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

કઠવાડામાં રહેતા અને રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયામાં ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૪ના રોજ પરિવાર સાથે વૈષ્ણોદેવી-જમ્મું છ દિવસ ફરવા ગયા હતા. ફરીને તા. ૯ ના રોડ ટ્રેનમાં બેસીને ઘરે પરત આવતા હતા ત્યારે સોસાયટી પડોશીએ પિતાને ફોન કરીને તમારા મકાનના તાળા તૂટેલા હોવાથી ચોરી થઇ હોય તેવું લાગી રહ્યું છે. જેથી ફરિયાદીએ તેમના મિત્રને ઘર જઈને તપાસ કરવાનું કહેતા મિત્રે જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી બીજી દિવસે બાદમાં તેઓ ઘરે પહોંચતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલ હતો અને ઘરમાં તપાસ કરતા રોકડા રૃા. ૮ લાખ અને દાગીના સહિત કુલ રૃા. ૧૪.૬૩ લાખની મતાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.

બીજા બનાવમાં ઇસનપુરમાં રહેતો યુવક તેમના પરિવાર સાથે ૨૮-૦૩-૨૬ના રોજ ચાલતા પગપાળા સંઘમાં બહુચરાજી દર્શન કરવા ગયા હતા. તા ૫ના રોજ તેમનો પુત્ર ઘરે જઇને જોતા ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું અને દાગીના સહીત કુલ રૃા.૧.૨૨ લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.

Gujarat : રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર મનપાની 240 બેઠકો માટે 1209 ઉમેદવારો મેદાને

0

સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ જોવા મળ્યો હતો. સવારથી જ વિવિધ પક્ષોના અધિકૃત ઉમેદવારો અને અપક્ષો મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે ઉમટી પડયા હતાં. બપોરે ફોર્મ ભરવા ઉમેદવારોની લાંબી લાઇનો લાગતા અનેક કચેરીઓમાં ટોકન સીસ્ટમ રાખવાની નોબત આવી હતી. ઉમેદવારોના ધસારાને લીધે વહીવટી તંત્ર પર ભારે દબાણ જોવા મળ્યું હતું. 4 મહાનગરપાલિકામાં 1209 ઉમેદવારોએ, 8 જિલ્લા પંચાયતમાં 975 ઉમેદવારો, 55 તાલુકા પંચાયતોમાં 3460 ઉમેદવારોએ જ્યારે 18 નગરપાલિકામાં 1536 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. જો કે ફોર્મ ભરવાની છેલ્લી મિનિટો સુધી પક્ષના મેન્ડેટ મેળવવા માટે ટિકિટવાંચ્છુઓમાં ભારે ખેંચતાણ અને દોડધામ જોવા મળી હતી. ચકાસણી તથા ફોર્મ ખેંચવાની મુદત બાદ સાચું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ ની 72 બેઠકો માટે 554 ફોર્મ ભરાયા છે. જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠકો પર 748 અને ગોંડલ નગરપાલિકાની 44 બેઠક માટે 132 ફોર્મ ભરાયા છે.છેલ્લે દિવસે ટિકિટો માટે નાટકિય બનાવો બન્યો હતો. ઉમેદવારોએ જ

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો આંતરકલહ સપાટી પર આવ્યો હતો. ભાજપની નો રિપિટ થીયરીએ જૂના જોગીઓને નારાજ કર્યા છે. અને અમુક આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડી અન્ય પક્ષનો ખેસ પહેર્યો છે. જામનગર મનપાની 16 વોર્ડની 64 બેઠકો માટે 317 ઉમેદવારીપત્રો ભરાયા છે. જેમાં ભાજપના 123 કોંગ્રેસના 86 અને આપના 64 સહિતનો સમાવેશ થાય છે. જામનગર જિ.પં.ની 24 બેઠક માટે 132 ઉમેદવારી ફોર્મ જ્યારે 6 તાલુકા પંચાયતની 112 બેઠકો માટે 474 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવાની છે ત્યારે 13 વોર્ડની 52 બેઠકો માટે કુલ 134 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં ભાજપના 52, કોંગ્રેસના 35, આપ દ્વારા 39, બસપાના 2 અને 6 અપક્ષોએ ફોર્મ ભર્યાં છે. જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠક માટે 57 તથા 3 તાલુકા પંચાયતોની 54 બેઠકો માટે 130 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક બેઠકો પર કોંગ્રેસે ફોર્મ ભર્યા નથી. તો આપ દ્વારા પણ તમામ બેઠકો પર ફોર્મ ભરાયા નથી. ભાજપ માટે વિન-વિન સીચ્યુએશન જોવા મળી રહી છે.

મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પર 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેમજ વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે 63, ટંકારાની 24 બેઠકો માટે 63 અને માળિયા પાલિકાની 24 બેઠકો માટે 77 મળીને ત્રણ પાલિકાની 76 બેઠકો માટે 203 ફોર્મ રજૂ થયા છે. પાંચ તાલુકા પંચાયત પૈકી મોરબી તાલુકા પંચાયતની 22 બેઠક માટે 83 ફોર્મ, માળિયાની તાલુકા પંચાયતની 16 બેઠક માટે 76 ફોર્મ, વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 103 ફોર્મ, ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 65 અને હળવદ તાલુકા પંચાયતની 20 બેઠક માટે 88 સહિત પાંચ તાલુકા પંચાયતની 98 બેઠકો માટે 415 ફોર્મ ભરાયા છે. તેમજ મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે કુલ 117 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આમ મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકા માટે કુલ 939 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે 161 ફોર્મ, 9 તાલુકા પંચાયતોની 158 બેઠકો માટે 714 જ્યારે કેશોદ નગરપાલિકાની 36 બેઠક માટે 118 ફોર્મ ભરાયા છે.દ્વારકા જિલ્લા પંચાયતમાં 22 બેઠકો માટે 108 ઉમેદવારી પત્રો, 4 તાલુકા પંચાયતોની 80 બેઠકો માટે 340 જ્યારે બે નગરપાલિકાની 60 બેઠક માટે 181 ફોર્મ ભરાયા છે.ગીર સોમનાથ જિલ્લા પંચાયતની 28 બેઠકો માટે 113, જ્યારે 4 નગરપાલિકા માટે સાંજ સુધીમાં જાહેર આંકડા મુજબ 263 તથા 6 તાલુકા પંચાયતની 128 બેઠકો માટે 471 ફોર્મ ભરાયા છે.અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 127, 11 તાલુકા પંચાયતની 190 બેઠકો માટે 639 તથા 6 નગરપાલિકાની 548 બેઠકો માટે 356 ફોર્મ ભરાયા છે

Gujarat : મ.ન.પા. પામેલાં મોરબીમાં ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા: વધુ 12નો બળવો

0

નગરપાલિકામાંથી મહાપાલિકામાં પરિવર્તિત મોરબીમાં પહેલી જ વખત મહાપાલિકાની ચૂંટણી થઈ રહી છે ત્યારે ભાજપે અહીં સત્તા માટેની લડાઈમાં ઉતરતાં પહેલાં ટિકિટ વહેંચણીના મુદ્દે આંતરિક અસંતોષને ઠારવા ઘરમાં જ મશક્કત કરવાની નોબત આવી પડી છે. આજે વધુ 12 બળવાખોરોએ ચૂંટણીમાં ઝૂકાવ્યું એ દરમિયાન જાહેરમાં ચણભણ પણ થઈ હતી.

આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયા સવારે માળિયા મિયાણા ખાતે તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનાં નામાંકન વેળા હાજર રહીને બપોરે તેનાં નગર મોરબી પહોંચ્યા ત્યારે તાલુકા સેવા સદન ખાતે વોર્ડ નં  06 ના પડતા મુકાયેલા પૂર્વ કાઉન્સિલર અનોપસિંહ જાડેજાના પરિવારે અમૃતિયા સાથે બોલાચાલી કરી હતી. ટિકિટ નહિ મળતાં તેનાં માતા- પત્નીએ રકઝક કરી તેના જવાબમાં અમૃતિયાએ માફી માગી હતી. નોંધનીય છે કે અનોપસિંહ ઉપરાંત તેમનાં પત્ની સીતાબાએ પણ આ વોર્ડમમાંથી અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે. 

દરમિયાન, મોરબી ભાજપ આગેવાન- પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના પુત્ર- ગત ટર્મના કાઉન્સિલર અમિતને ટિકિટ નહિ આપવામાં આવતાં વોર્ડ નં.1 માંથી ગત ચૂંટણી લડેલા અમિત સહિતના ચારેય પૂર્વ કાઉન્સિલરે આ વખતે ત્યાંથી જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

આ ઉપરાંત, આજે ભાજપ શહેર મહિલા મોરચા પ્રમુખ અલ્પાબેન કક્કડ અને બે પૂર્વ કાઉન્સિલરોએ વોર્ડ નં. 7માં, એક ભાજપ અગ્રણીએ વોર્ડ નં. 10માં, પૂર્વ મહિલા કાઉન્સિલરે વોર્ડ નં. 8માં તેમજ સ્થાનિકે 108 તરીકે ઓળખાતા ગત ટર્મના ભાજપના કાઉન્સિલર ગિરિરાજસિંહ ઝાલાનાં પત્ની સંગીતાબાએ વોર્ડ નં. 5માં અપક્ષ ઉમેદવારી કરી છે. આ પહેલાં વોર્ડ નં. 9માં માજી સુધરાઈ પ્રમુખ લલિત કામરિયાએ તથા પૂર્વ કાઉન્સિલર નરેન્દ્ર પરમારે અપક્ષ તરીકે ફોર્મ ભર્યાં છે એ જોતાં ભાજપમાં સતત અસંતોષ જોવા મળી રહ્યો છે.

Vadodara : વિધર્મી યુવકે પ્રેમિકાને એસિડ એટેકની ધમકી આપી

0

મહિલાના ઘરે હોબાળો મચાવી પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા વિધર્મી યુવકની કપુરાઈ પોલીસે અટકાયત કરી છે.

ફરિયાદ મુજબ, વાઘોડિયા રોડ ખાતે રહેતી ૩૧ વર્ષની નયનાબેન (નામ બદલ્યું છે ) કપડાનો વેપાર કરે છે. તેને છેલ્લા બે વર્ષથી નઈમ અસદ બિલ્લાવાલા (રહે. ઝેનિથ અમીન સોસાયટી, આજવા બાયપાસ) સાથે પ્રેમસંબંધ હતો. દરમિયાન મહિલા એ પ્રેમસંબંધ રાખવાનો ઈન્કાર કરતા નઈમ રોષે ભરાયો હતો.

મહિલા પોતાના ઘરે મિત્ર શેતુલ સાથે હાજર હતી તે સમયે નઈમ ધસી ગયો હતો અને શોર મચાવી પ્રેમસંબંધ રાખવા દબાણ કર્યું હતું. મહિલાએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા નઈમે ઝઘડો કરી ગાળો આપી પ્રેમસંબંધ ના રાખે તો મહિલાની ગાડી સળગાવી દેવાની અને તેની પર એસિડ નાખવાની ધમકી આપી હતી. આ સમયે મહિલાના મિત્ર શેતુલ અને પરિવારના સભ્યોને પણ ધમકી આપી હતી.

અગાઉ મહિલાએ નઈમને હાથ ઉછીના રૂા. ૭ લાખ ટુકડે ટુકડે આપ્યા છે જે પરત માગતા નઈમે અવારનવાર મારી નાખવાની ધમકી આપી હોઈ પરંતુ મહિલા એડરથી કોઈ કાર્યવાહી નહિ કરી હોવાનું જણાવ્યું છે.

ઉક્ત ફરિયાદના આધારે પોલીસે આરોપી નઈમ ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot : ગિરનાર ક્ષેત્રમાં ક્યાંય સર્વે નંબર નથી છતાં એ સાથેના નક્શા તૈયાર થઈ ગયા !

0

તાજેતરમાં ગિરનાર પરની એક જગ્યાએ વનવિભાગની મંજૂરી આપતા વિવાદ થયો છે. આ મુદ્દે ગતરાત્રીના ભૂતનાથ મંદિરે ગિરનાર બચાવ સમિતિની બેઠક મળી હતી. તેમાં ઉપસ્થિત સાધુ-સંતો તેમજ અન્ય સંગઠનના કાર્યકરો- આગેવાનોએ એવો સૂર વ્યક્ત કર્યો કે ગિરનાર ક્ષેત્રમાં ક્યાંય સર્વે નંબર નથી છતાં સર્વે નંબર સાથેના નકશા તૈયાર થઈ ગયા છે, જે ગેરકાયદેસર છે. આ અંગેની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે તા. 23 એપ્રિલના આવેદનપત્ર આપવા નિર્ણય લેવાયો હતો.

ગિરનારની પાછળની સીડી પર શેષાવન નજીક 1979માં કલેક્ટરે જગ્યા શ્રી શ્વેતાંબર તપગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘને ફાળવી હતી. 2008માં અભયારણ્ય જાહેર થયા બાદ સેટલમેન્ટ કમિશન સમક્ષ હક્ક દાવો રજૂ કર્યો ન હતો. અભ્યારણની જમીન બની ગઈ હતી છતાં સરકારમાંથી આ જમીન ફાળવવા આદેશ કરાવવામાં આવ્યો હતો. આ બાબત સામે આવતા સાધુ સંતો અને અન્ય સંગઠનોએ સવાલ ઉઠાવ્યા છે. આ મુદ્દે ગઈકાલે ભૂતનાથ મંદિર ખાતે ગિરનાર બચાવ સમિતિની બેઠક મહેશગીરીબાપુ, સુખરામદાસ બાપુ, ભગવતીદાસ બાપુ સહિતના સાધુ-સંતોની હાજરીમાં મળી હતી. આગેવાનોએ કહ્યું કે ‘ગિરનાર એ આપણા બધાનો છે જેને બચાવવો જરૃરી છે.’ આ બેઠકમાં જીતુભાઇ કુંભાણીએ ગિરનારના નકશા સાથે જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત પર કોઈ સર્વે નંબર નથી પરંતુ આ વિસ્તારમાં સર્વે નંબર સાથેના નકશા તૈયાર થઈ ગયા છે. જેના માટે લેન્ડ રેકર્ડના અધિકારી અને સરકારના ઉપરની કક્ષાએ બેસેલા અધિકારીઓ જવાબદાર છે. અગાઉ જે 46- 47 જગ્યા હતી તે હવે 102 જેટલી થઈ ગઈ છે. સાર્વજનિક સ્થાન જેવા કે ભીમકુંડ, હાથીકુંડ જેવા પાણીના સ્ત્રોત પર પણ કબ્જો ગયો છે. આ નિયમોનું ઉલ્લંઘન છે. આ બાબતે તા. 23ના આવેદનપત્ર આપી તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી અને જ્યાં કબ્જો થયો છે એવી જગ્યા પર દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવશે.

Ahmedabad : એપીકે ફાઇલ ભૂલમાં ઇન્સ્ટોલ થતા યુવકના ખાતામાંથી રૃા. ૯૦ હજાર કપાયા

સાયબર ગઠિયાએ મજૂરગામમાં રહેતા શ્રમજીવી યુવકના મોબાઇલમાં એક એપ મોકલી હતી. યુવકે ભુલથી એપીકે ફાઇલ ઇસ્ટોલ કરતાની સાથે બેન્ક એકાઉન્ટમાંથી રૃા. ૯૦ હજાર ઉપરડી ગયા હતા. શ્રમજીવી યુવકની ફરિયાદ આધારે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મજુરગામમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે

૨૪-૦૩-૨૬ના રોજ યુવક તેમના ઘરે હાજર હતા ત્યારે મોબાઈલ ફોનમાં મેસેજ જોતા હતા. આ દરમ્યાન અચાનક તેમના મોબાઈલમાં એપીકે ફાઈલ ઇન્સ્ટોલ થઇ જતા તેમના બેંક એકાઉન્ટમાં રહેલા રૃા. ૯૦ હજાર કપાઈ ગયા બાદ અને મોબાઈલમાં રહેલો તમામ ડેટા પણ ઉડી ગયો હતો.

Business : સોનામાં પીછેહટ,ચાંદી ઉંચકાઈ: ક્રૂડમાં વિકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો

0

મુંબઈ ઝવેરીબજારમાં શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે મિશ્ર હવામાન વચ્ચે સોનાના ભાવ ઘટયા હતા જ્યારે ચાંદીના ભાવ વધી આવ્યા હતા. વિશ્વબજારના સમાચાર પણ સોના- ચાંદીમાં સામસામા રાહ બતાવી રહ્યા હતા.

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૭૭૦થી ૪૭૭૧ વાળા ઘટી ૪૭૪૯થી ૪૭૫૦ ડોલર છેલ્લે સપ્તાહના અંતે રહ્યા હતા જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૭૫.૭૮થી ૭૫.૭૯થી વધી ૭૫.૮૭થી ૭૫.૮૮ ડોલર છેલ્લા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના ૧૦ ગ્રામના રૂ.૧૪૯૭૨૫ વાળા રૂ.૧૪૯૦૦૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૦૩૨૭ વાળા રૂ.૧૪૯૬૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૩૯૯૩૪ વાળા રૂ.૨૪૨૦૦૦ બોલા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૯૮.૯૫ વાળો ઉંચામાં ૯૯.૦૧ થયા પછી નીચામાં આ ઈન્ડેક્સ ૯૮.૫૪ થઈ છેલ્લે ૯૮.૭૦ રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં ફુગાવો ઉંચો જતાં તથા બેરોજગારીના દાવા વધતાં ત્યાં હવે વ્યાજના દરમાં ઘટાડો કરવાના બદલે વધારો કરવાની વાતો વહેતી થયાના વાવડ મળ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૨.૬૮ વાળા વધી રૂ.૯૨.૯૦ આસપાસ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૧૦૦૦ વધી રૂ.૨૩૭૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ બ્રેન્ટના બેરલના ૯૫.૩૯ વાળા ઉંચામાં ૯૮.૨૬ તથા નીચામાં ભાવ ૯૪.૨૦ થઈ છેલ્લે ભાવ ૯૫.૨૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૯૭.૫૬ વાળા ઉંચામાં ૧૦૦.૪૨ તથા નીચામાં ભાવ ૯૫.૫૧ થઈ છેલ્લે ભાવ ૯૬.૫૭ ડોલર રહ્યા હતા.

યુએસ ક્રૂડના ભાવ આ સપ્તાહમાં ૧૩થી ૧૪ ટકા તૂટયા છે તથા વિકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો છે. દરમિયાન, રશિયનું ઓઈલ ખરીદવા વિવિધ દેશોને અમેરિકા દ્વારા આપવામાં આવેલી ૩૦ દિવસની મુદત પુરી થતાં હવે આવી મુદત વધારવામાં આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૨૦૮૧થી ૨૦૮૨ વાળા ઘટી ૨૦૪૮થી ૨૦૪૯ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૫૩૦થી ૧૫૩૧ વાળા છેલ્લે ૧૫૨૬થી ૧૫૨૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૨.૧૧ ટકા પ્લસમાં રહ્યા હતા. ચીનમાં કોપરની માગ વધ્યાના વાવડ હતા.

Bollywood : ભણશાલીની આગામી ફિલ્મ સાઉથના સ્ટાર રામ ચરણ સાથે

0

સંજય લીલા ભણશાલી પોતાની આગામી ફિલ્મ માટે બોલીવૂડના સ્ટાર્સને છોડીને સાઉથના સુપરસ્ટાર રામ ચરણ  પર દાંવ લગાડવાની તૈયારીમાં છે. નિર્માતા-દિગ્દર્શક એક પૈન ઇન્ડિયા ફિલ્મ લાવવાની તૈયારી કરી રહ્યો છે જે એક પીરિયડ ડ્રામા ફિલ્મ હશે, એટલું જ નહીં આ ફિલ્મની વાર્તા સાઉથના એકટરના વ્યક્તિત્વ સાથે મેળ ખાતી હોવાથી તેણે રામ ચરણને પોતાની ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે પસંદ કર્યો છે.

આ ફિલ્મને પાંચ ભાષામાં બનાવવાની યોજના છે. એક રિપોર્ટના અનુસાર, આ ફિલ્મ એક હિસ્ટોરિકલ એડવેન્ચર ડ્રામા હશે જેની વાર્તા એક જંગલમાં સેટ હશે. ૨૦૨૪માં સંજય લીલા ભણશાલીએ રામ ચરણ સાથે અમીશ ત્રિપાઠીનીા પુસ્તક લીજેન્ડ ઓપ સુહેલદેવ પર આધારિત ફિલ્મ બનાવવાની યોજના કરી હતી,  પરંતુ સમુસુથરું પાર પડયુ ન હતું.હવે તેઓ બે વરસ પછી ફરી સાથે કામ કરવાની યોજના કરી રહ્યા છે.