Home Blog Page 216

National : મુંબઈ કોસ્ટલ રોડ પર રાત્રિના સમયે ‘જય હો’ ટ્યુન પર પ્રતિબંધ, રહેવાસીઓની ફરિયાદ બાદ BMCનો નિર્ણય

0

મુંબઈના કોસ્ટલ રોડ પર બ્રીચ કેન્ડી પાસે બનેલા બહુચર્ચિત ‘મ્યુઝિકલ રોડ’નો રોમાંચ હવે તમને 24 કલાક નહીં મળે. આ રોડ પર ગાડી ચલાવતી વખતે જે ખાસ ધૂન સંભળાતી હતી, તેનાથી આસપાસના લોકોને ઘણી પરેશાની થઈ રહી હતી. સ્થાનિકોની ફરિયાદો બાદ હવે BMCએ આ મ્યુઝિકલ હિસ્સાને અમુક ખાસ કલાકો માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ધર્મવીર સ્વરાજ રક્ષક છત્રપતિ સંભાજી મહારાજ કોસ્ટલ રોડ પર 12 ફેબ્રુઆરી 2026ના રોજ આ ‘મ્યુઝિકલ પેચ’ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ રસ્તાની સપાટી પર ખાસ પ્રકારની ધારીઓ (ગ્રૂવ્સ) બનાવવામાં આવી છે. જ્યારે કોઈ પણ ગાડી 70 થી 80 કિમી/કલાકની સતત ઝડપે આના પરથી પસાર થાય છે, ત્યારે ટાયર અને રસ્તાના ઘર્ષણથી ઓસ્કાર વિનિંગ ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ની પ્રખ્યાત ધૂન ‘જય હો’ વાગવા લાગે છે. આ ટેકનોલોજી હંગેરી દેશમાંથી લેવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ એ છે કે ડ્રાઇવરો એકસરખી ઝડપે ગાડી ચલાવે, સાથે જ તેમને ડ્રાઇવિંગનો એક નવો અનુભવ પણ મળે.

વાહન ચાલકો માટે તો આ અનોખુ હતું પરંતુ બ્રીચ કેન્ડીની આસપાસ રહેતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. બ્રીચ કેન્ડી રેસિડેન્ટ્સ ફોરમની ફરિયાદ મુજબ, 25થી વધુ રહેણાંક બિલ્ડિંગમાં આ ધૂનનો અવાજ સતત ગુંજતો રહેતો હતો. ખાસ કરીને વૃદ્ધોને દિવસ-રાત આવતા આ અવાજથી ઘણી મુશ્કેલી પડી રહી હતી.

ફરિયાદ મળ્યા બાદ BMCના અધિકારીઓએ આસપાસના ઘરોમાં જઈને સાઉન્ડ લેવલ ચેક કર્યું, જે લગભગ 60-65 ડેસિબલની વચ્ચે જોવા મળ્યું. આ ઘોંઘાટ બહુ વધારે ન હતો, પરંતુ સ્થાનિક લોકોની શાંતિ અને સુવિધાને જોતા BMCએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી આ મ્યુઝિકલ રોડ સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવારે 11 વાગ્યા સુધી સંપૂર્ણપણે શાંત રહેશે. રાત્રિના સમયે અવાજ રોકવા માટે રોડના આ ખાસ હિસ્સા પર બેરિકેડ લગાવી દેવામાં આવશે, જેથી ગાડીઓ તેના પરથી પસાર ન થઈ શકે.

જેનો સીધો અર્થ એ છે કે હવે તમે માત્ર દિવસના સમયે, એટલે કે સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યાની વચ્ચે જ આ મ્યુઝિકલ રોડના રોમાંચનો આનંદ માણી શકશો. લોકો માટે રાહતની વાત એ છે કે રસ્તા પરથી આ મ્યુઝિકલ સ્ટ્રીપ્સ હટાવવામાં આવી નથી, પરંતુ માત્ર તેના ઉપયોગનો સમય નક્કી કરવામાં આવ્યો છે. BMCના આ તાત્કાલિક અને સંતુલિત નિર્ણયથી સ્થાનિક લોકો ઘણા ખુશ છે અને તેમણે વહીવટીતંત્રના આ પગલાની પ્રશંસા પણ કરી રહ્યા છે.

Gujarat : આવતીકાલથી નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો થશે, ફાસ્ટેગનો પણ ભાવ વધશે

0

આવતી કાલે પહેલી એપ્રિલથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર વાહન ચાલકોએ ટોલ ફીમાં રૂ.5થી રૂ.20 સુધીનો વધારો ચૂકવવો પડશે.આ ટોલ ફી વધારો માત્ર ગુજરાતમાંથી પસાર થતાં માર્ગો ઉપર જ નહિ પણ દેશના મહત્વના માર્ગો ઉપર ચૂકવવો પડશે.

આવતી કાલે પહેલી એપ્રિલથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર વાહન ચાલકોએ ટોલ ફીમાં રૂ.5થી રૂ.20 સુધીનો વધારો ચૂકવવો પડશે.આ ટોલ ફી વધારો માત્ર ગુજરાતમાંથી પસાર થતાં માર્ગો ઉપર જ નહિ પણ દેશના મહત્વના માર્ગો ઉપર ચૂકવવો પડશે.જે સરેરાશ વાહન પ્રમાણે 3 ટકાથી 5 ટકાનો વધારો વાહન ચાલકો ઉપર આવશે.બીજી તરફ ટોલ પ્લાઝા ઉપર રોકડેથી ટોલ ફી સ્વીકારવામાં નહિ આવે.વાહન ચાલકોએ યુપીઆઈ કે ફાસ્ટેગથી જ તેની ચૂકવણી કરવી પડશે.ટોલ ફીમાં વધારો થવાના કારણે કરોડો રૂપિયાનો બોજો વાહન ચાલકો ઉપર પડશે.

એક્સપ્રેસ વે નેશનલ હાઈવે એક ઉપર હવે નવી ટોલ ફી મુજબ વડોદરાથી અમદાવાદના કાર -જીપના રૂ.5 વધારીને રૂ.145, એલસીવી મિની બસના રૂ.235, બસ-ટ્રકના રૂ.490 લેવામાં આવશે. વડોદરાથી ઔડા રિંગ રોડ માટે કાર -જીપના રૂ.140, મિની બસ-એલસીવી રૂા.225, બસ ટ્રકના રૂ.470, વડોદરાથી નડિયાદ કાર જીપના રૂા.75 યથાવત રખાયા છે.એલસીવી-મિનીબસના રૂ.125, બસ-ટ્રકના રૂ.260 લેવાશે. જ્યારે વડોદરાથી આણંદના કાર -જીપના રૂ.55 યથાવત રખાયા છે. જ્યારે મિની બસ -એલસીવીના રૂ.85, બસ – ટ્રકના રૂ.185 લેવામાં આવશે.

નેશનલ હાઇવે 48 ઉપર ખેડા જિલ્લા રઘવાણજ ખાતે કાર – જીપના રૂ. 115, એલસીવી – મિની બસના રૂ.180, બસ -ટ્રકના રૂ.370 લેવાશે. જયારે વાસદખાતે કાર -જીપના રૂ.160,મિની બસના રૂ.255, બસ ટ્રેકના રૂ.520 લેવામાં આવશે. નેશનલ હાઇવે 48 ઉપર વડોદરાથી ભરૂચ જવા માટે કરજણ તાલુકાના ભરથાણા ખાતે આવેલા ટોલ પ્લાઝા ઉપર પણ ભાવ વધારો જાહેર કરાયો છે.દેશના સૌથી વ્યસ્ત ગણાતા દિલ્હી-મુંબઈ કોરીડોરના આ ટોલ પ્લાઝા ઉપર એલસીવી, બસ ટ્રક માટે દર વધારવામાં આવ્યા છે.

જયારે કાર અને જીપના દરમાં કોઈ ફેરફાર કરાયો નથી.કાર- જીપના રૂ.155 યથાવત છે. જયારે મિનીબસ – એલસીવીના રૂ.5 વધારીને રૂ.255,ટ્રક -બસમાં રૂ.10 વધારીને રૂ.520 અને થ્રીએક્સેલ વાહનમાં રૂ.15 વધારીને રૂ.565 કરાયા છે. નવી દિલ્હી -વડોદરા -મંબઇ એક્સપ્રેસ વે NE4 ઉપર વડોદરાથી ગણદેવા સુધીના માર્ગ ઉપર પણ ટોલ ફી વધારો ચૂકવવો પડશે. દોડકા, ફાજલપુર, સમિયાલા, સાંપા, દેહગામ, મોટીનરોલી અને એનાના ટોલ પ્લાઝા ઉપર પણ વાહન ચાલકોએ રૂા.પ થી રૂા.૨૦ સુધીનો ટોલ વધુ ચૂકવવો પડશે.

Surendranagar : પાટડીના બજાણા પાસે એસ.ટી. બસ અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત, 3 મુસાફરો સહિત ચાલકોને ઈજા

0

પાટડી તાલુકાના બજાણા ગામ પાસે એક એસ.ટી. બસ અને ટ્રેઈલર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 3 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.ઝાલવાડ પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામ પાસે એક એસ.ટી. બસ અને ટ્રેઈલર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 3 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી વિગતો મુજબ, બજાણા ગામ પાસે આવેલા એક જોખમી વળાંક પર એસ.ટી. બસ અને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેઈલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બન્ને વાહનોના ચાલકોને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ બજાણા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી, જેથી પોલીસે તાત્કાલિક ક્રેઈન મંગાવી બન્ને વાહનોને રોડ પરથી દૂર કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Mumbai : 6 દિવસ માટે મુંબઇ ડબ્બાવાલાની સેવા બંધ, સામે આવ્યું આ કારણ

0

મુંબઈ ડબ્બાવાલા એસોસિએશને 30 માર્ચથી 4 એપ્રિલ સુધી છ દિવસ માટે તેમની સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે, જેનાથી શહેરની સૌથી વિશ્વસનીય સેવાઓમાંથી એક અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ છે.મુંબઈ ડબ્બાવાલા એસોસિએશને 30 માર્ચથી 4 એપ્રિલ સુધી છ દિવસ માટે તેમની સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે, જેનાથી શહેરની સૌથી વિશ્વસનીય સેવાઓમાંથી એક અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ છે.

આ છ દિવસની રજા દર વર્ષે રાખવામાં આવે છે. કારણ કે આ દરમિયાન ડબ્બાવાળા પોતાના વતન જવા અને ધાર્મિક દેવતાઓના અનુષ્ઠાન અને પરંપરાગત તહેવારોમાં ભાગ લેવાનો હોય છે. આ સમયગાળા દરમિયાન, મુંબઈ અને તેના ઉપનગરોમાં ટિફિન ડિલિવરી સંપૂર્ણપણે સ્થગિત રહેશે, જેના કારણે લાખો ઓફિસ જનારાઓ પર અસર પડશે જેઓ દરરોજ ઘરે બનાવેલા ભોજન પર આધાર રાખે છે.

એસોસિએશનના પ્રમુખ સુભાષ તાલેકરે જણાવ્યું હતું કે આ નિર્ણય લાંબા સમયથી ચાલતી પરંપરાનો એક ભાગ છે. તેમણે ટિપ્પણી કરી હતી કે મુંબઈના ડબ્બાવાળા 135 વર્ષથી વધુ સમયથી શહેરની સેવા કરી રહ્યા છે. અમે પુણે જિલ્લાના પશ્ચિમી ભાગોમાંથી આવીએ છીએ, અને દર વર્ષે, અમે અમારા દેવતાઓની પૂજા કરવા માટે આ સમય દરમિયાન રજા લઈએ છીએ.

મોટાભાગના ડબ્બાવાળા માવલ, મુલશી, આંબેગાંવ, જુન્નાર, ખેડ, અકોલે અને સંગમનેર જેવા ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. આ વિરામ દરમિયાન, તેઓ ગામડાના મેળાઓ, ધાર્મિક સમારંભો અને કૃષિ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે છે, જેનાથી તેમના મૂળ સાથે મજબૂત જોડાણ જળવાઈ રહે છે.આ કામચલાઉ સસ્પેન્શનથી હજારો ઓફિસ જનારાઓને અસર થવાની ધારણા છે જેઓ તેમના દૈનિક ભોજન માટે આ સેવા પર આધાર રાખે છે. તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ બહારથી જમવાનું મંગાવે અથવા તો તેઓ પોતે ટિફિન લઇને જ જાય, જેથી કોઇ અસુવિધા ન થાય.

સેવામાં વિક્ષેપ હોવા છતાં એસોસિએશને વિનંતી કરી છે કે ગ્રાહકો આ રજાના સમયગાળા માટે વેતન કાપવાનું ટાળે. બાકીના વર્ષ દરમિયાન તેમની સતત સેવા પર ભાર મૂકતા, સંસ્થાએ આ ટૂંકા વિરામ દરમિયાન સમજણ અને સહકાર માટે અપીલ કરી છે. તેમની કાર્યક્ષમતા અને ચોકસાઈ માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત, મુંબઈના ડબ્બાવાળા ભાગ્યે જ તેમના કાર્યો બંધ કરે છે.

National : આ એક સહિયારી જવાબદારી, પેટર્નિટી લિવ અંગે રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાએ ઉઠાવી માંગ

0

સોમવારે રાજ્યસભાના સત્ર દરમિયાન દેશમાં પેટર્નિટી લિવનો કાયદાકીય અધિકારનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી હતી. આ પગલાની હિમાયત કરતા આમ આદમી પાર્ટી (AAP) ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકોના ઉછેરની જવાબદારી ફક્ત માતાની નથી પરંતુ સહિયારી જવાબદારી છે.

ઉપલા ગૃહમાં ‘વિશેષ ઉલ્લેખ’ દ્વારા આ મુદ્દો ઉઠાવતા, AAP ના સાંસદે નોંધ્યું હતું કે જ્યારે હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 15 દિવસની (પિતૃત્વ) રજાની જોગવાઈ છે, ત્યારે ખાનગી ક્ષેત્રમાં આવી કોઈ જોગવાઈ અસ્તિત્વમાં નથી. તેમણે ધ્યાન દોર્યું હતું કે ખાનગી ક્ષેત્ર દેશના કુલ કાર્યબળના લગભગ 90 ટકા – જે એક વિશાળ બહુમતી છે – રોજગારી આપે છે. તેથી તેઓ પણ આ અધિકારના હકદાર હોવા જોઈએ.

વિવિધ દેશોના ઉદાહરણો ટાંકીને ચઢ્ઢાએ ભાર મૂક્યો હતો કે ઘણા દેશોમાં કર્મચારીઓને લાંબા સમય સુધી રજા આપવામાં આવે છે. તેમણે ભારતમાં માનસિકતામાં પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, અને પુનરાવર્તિત કર્યું હતું કે બાળકોનો ઉછેર એ ફક્ત માતાની ફરજ નથી પરંતુ એક સહિયારી જવાબદારી છે. ત્યારબાદ, સોશિયલ મીડિયા પર તેમના ભાષણની વિડિઓ ક્લિપ શેર કરતા તેમણે લખ્યું, “મેં સંસદમાં માંગ કરી હતી કે ભારતમાં ‘પિતૃત્વ રજા’ ને કાનૂની અધિકાર તરીકે માન્યતા આપવામાં આવે.

તેમણે આગળ લખ્યું, “જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે બંને માતાપિતાને અભિનંદન આપવામાં આવે છે. છતાં બાળકની સંભાળની જવાબદારી ફક્ત એક જ વ્યક્તિ પર કેમ આવે છે – ખાસ કરીને માતા પર? પિતાને તેના નવજાત બાળકની સંભાળ રાખવા અને તેની નોકરી જાળવી રાખવા વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડવી જોઈએ નહીં. વધુમાં માતાએ તેના પતિના ટેકા વિના બાળજન્મ અને ત્યારબાદ સ્વસ્થ થવાની પ્રક્રિયામાં નેવિગેટ કરવું ન જોઈએ.

નપતિની હાજરીની સૌથી વધુ જરૂર હોય છે. આ સમયગાળા દરમિયાન તેની પત્નીની સંભાળ રાખવાની પતિની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેમણે લખ્યું, મેં સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો કારણ કે બાળ સંભાળ એક સહિયારી જવાબદારી છે. આ સિદ્ધાંત આપણા કાયદાઓમાં પણ પ્રતિબિંબિત થવો જોઈએ.

National : gucciના 50 હજારના ડાયપર, “આટલી તો અમારી CTC હોય છે”

0

gucci બ્રાન્ડને લઈને સોશિયલ મીડિયામાં ચોંકાવનારો દાવો વાયરલ થયો છે, અમીર લોકોના બાળકો માટે પ્રીમિયમ ડાયપર લોન્ચ કર્યા છે, જેના એક પેકની કિંમત આશરે 50 હજાર રૂપિયા બતાવી છે.

વાયરલ પોસ્ટ્સમાં બતાવવામાં આવ્યું છે કે સાત ડાયપરના પેકની કિંમત લગભગ 500 ડોલર છે, એટલે કે એક ડાયપરનો ભાવ લગભગ 7 હજાર રૂપિયા થાય છે. સામાન્ય રીતે બજારમાં મળતા ડાયપર 10થી 25 રૂપિયામાં મળે છે, ત્યારે આ દાવો લોકોને અવિશ્વસનીય લાગ્યો. તો ઘણા યુઝર્સે મજાકમાં લખ્યું કે “શું આ ડાયપર પહેરવાથી બાળકો રડવાનું બંધ કરી દેશે.” “આટલી તો અમારી CTC હોય છે” તો અન્ય એક યુઝર્સે કહ્યું “એક ડાયપરની કિંમતમાં અમારા આખા મહિનાનો ખર્ચ નીકળી જાય”આ ડાયપર વિશે વધુમાં એવું પણ કહેવામાં આવ્યું કે તેમાં ઓર્ગેનિક કોટન, સોફ્ટ મેમરી ફોમ અને એન્ટી-બેક્ટેરિયલ લેયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બાળકની સ્કિનને સુરક્ષિત રાખે છે. સાથે જ, આ ડાયપર બાયોડિગ્રેડેબલ હોવાનું પણ દાવો કરવામાં આવ્યો, એટલે કે પર્યાવરણને નુકસાન ન થાય તેવું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, પ્રોડક્ટને પ્રીમિયમ લક્ઝરી બોક્સમાં પેક કરવામાં આવે છે, જે તેની ખાસિયત વધારવાનું કામ કરે છે.

પરંતુ આ સમગ્ર દાવાની સચ્ચાઈ કંઈક અલગ જ છે. ફેક્ટ ચેક બાદ જાણવા મળ્યું કે Gucciએ આવા કોઈ ડાયપર સત્તાવાર રીતે લોન્ચ કર્યા નથી. આ સમગ્ર વાત સોશિયલ મીડિયા પર ફેલાયેલા એક વાયરલ મીમનો ભાગ છે, જેને લોકો સાચું માનીને શેર કરી રહ્યા છે.હકીકતમાં, Gucci બેબી ડાયપર નહીં પરંતુ ડાયપર બેગ જેવી લક્ઝરી વસ્તુઓ વેચે છે, જેના ભાવ પણ ઊંચા હોય છે. પરંતુ ડાયપર લોન્ચ કરવાની વાત સંપૂર્ણપણે ભ્રામક અને ખોટી સાબિત થઈ છે.

સોશિયલ મીડિયા પર દેખાતી દરેક માહિતી સાચી નથી હોતી. કોઈ પણ સમાચાર કે દાવા પર વિશ્વાસ કરતા પહેલા તેની સાચાઈ તપાસવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને બ્રાન્ડ્સ અને સેલિબ્રિટીઝને લઈને ફેલાતી અફવાઓ ઘણીવાર ભ્રમ ફેલાવવાનું કામ કરે છે.આ વાયરલ દાવાએ ભલે લોકોને મનોરંજન આપ્યું હોય, પરંતુ સાથે જ ડિજિટલ યુગમાં માહિતીની સાચી-ખોટી વચ્ચે ફરક સમજવાનો સંદેશ પણ આપ્યો છે.

Auto : હવે તમારાં લોકેશન પર જ થશે તમારી કારની સર્વિસ, મારુતિ સુઝુકીએ લોન્ચ કરી QuickStop મોબાઇલ સર્વિસ

0

ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ તેના ગ્રાહકોના વ્યસ્ત જીવનને ધ્યાનમાં રાખીને એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. કંપનીએ ‘ક્વિકસ્ટોપ’ (QuickStop) નામની મોબાઈલ સર્વિસ સુવિધા લોન્ચ કરી છે.

ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ તેના ગ્રાહકોના વ્યસ્ત જીવનને ધ્યાનમાં રાખીને એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. કંપનીએ ‘ક્વિકસ્ટોપ’ (QuickStop) નામની મોબાઈલ સર્વિસ સુવિધા લોન્ચ કરી છે. આ સેવા ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે જેમને ઓફિસ કે ઘરના કામકાજ વચ્ચે કારને વર્કશોપ સુધી લઈ જવાનો સમય મળતો નથી.

ક્વિકસ્ટોપ એ હકીકતમાં એક ચાલતું-ફરતું સર્વિસ સેન્ટર છે. તે એક ખાસ ડિઝાઇન કરેલા કન્ટેનર અથવા વાનમાં ઉપલબ્ધ હોય છે, જે કારની સર્વિસિંગ માટે જરૂરી તમામ આધુનિક સાધનો અને મશીનરીથી સજ્જ હોય છે. આ સુવિધા ઓન-ડિમાન્ડ મોડલ પર કામ કરે છે, જેનો અર્થ છે કે હવે ગ્રાહકોએ સર્વિસ સેન્ટર પર કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી.

મારુતિ સુઝુકીએ હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશના મુખ્ય શહેરોમાં 10 ક્વિકસ્ટોપ યુનિટ્સ તૈનાત કર્યા છે. આ યાદીમાં ગુજરાતના સુરત શહેરનો પણ સમાવેશ થાય છે. આ સિવાય દિલ્હી-એનસીઆર, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ, બાગડોગરા અને કાલિકટ જેવા શહેરોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે.

કંપની આ મોબાઈલ યુનિટ્સને એવી જગ્યાએ તૈનાત કરી રહી છે જ્યાં વાહનોની અવરજવર વધુ હોય, જેમ કે મોટા કોર્પોરેટ ઓફિસ પરિસરો, એરપોર્ટ પાર્કિંગ, મોટા ફ્લીટ હબ (ટેક્સી અથવા લોજિસ્ટિક્સ કંપનીઓ)

ગ્રાહકો સવારે પોતાની ઓફિસ જતી વખતે કાર અહીં છોડી શકે છે અને સાંજ સુધીમાં સર્વિસ થયેલી કાર પાછી મેળવી શકે છે. આ યુનિટ્સનું સંચાલન મારુતિના અધિકૃત ડીલર ભાગીદારો દ્વારા કરવામાં આવે છે, જે કામની ગુણવત્તાની ખાતરી આપે છે.

સેવાના મુખ્ય ફાયદા

  1. સમયની બચત: વર્કશોપ સુધી જવાનો અને ત્યાં રાહ જોવાનો સમય બચે છે.
  2. ઝડપી નિવારણ: નાની-મોટી મિકેનિકલ સમસ્યાઓ અને રેગ્યુલર સર્વિસ સ્થળ પર જ પૂરી થાય છે.
  3. વધારે સુવિધા: મારુતિ સુઝુકીના સીઈઓ હિસાશી તાકેઉચીના જણાવ્યા મુજબ, આ સેવાનો મુખ્ય ધ્યેય કારની જાળવણીને ગ્રાહકોના રોજિંદા જીવનનો એક સહજ અને સરળ ભાગ બનાવવાનો છે.

National : બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ

0

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા તૃમણૂલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનરજીને મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ મુજબ પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ ભાજપમાં જોડાયે છે. પેસે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને સુકાંત મજૂમદારની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. બંગાળ ચૂંટણી પહેલા લિએન્ડર પેસનું ભાજપમાં જોડાવું મોટું ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. અગાઉ જ્યારે ભાજપ અધ્યક્ષ નિતિન નવીન બંગાળની મુલાકાતે ગયા હતા, ત્યારે પેસે તેમની સાથે મુલાકાત કરી હતી.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Election-2026)ને ધ્યાને રાખીને લિએન્ડર પેસનો ભાજપમાં જવાનો નિર્ણય ઘણો મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં મંત્રી કિરણ રિજિજૂએ પૂર્વ ટેનિસ ખેલાડીને ભાજપનું સભ્યપદ આપીને પક્ષમાં સામેલ કર્યા છે. ભાજપે બુકે આપીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. બીજીતરફ લિએન્ડર પેસે પણ હાથ જોડીને આભાર કરતા જોવા મળ્યા છે અને તેમના ચહેરા પર પણ ખુશી જોવા મળી છે.

ભાજપમાં જોડાયા બાદ પૂર્વ ટેનિસ ખેલાડીએ કહ્યું કે, ‘આજે મારા જીવનનો સૌથી મોટો દિવસ છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ નિતિન નવીનનો આભાર માનું છું. ભાજપે મને દેશના લોકો અને યુવાઓની સેવા કરવાની તક આપી છે, તે માટે હું તેમનો આભારી છું. મને ભાજપનું જે સભ્યપદ મળ્યું છે, તે મારા માટે મોટી જવાબદારી છે.

લિએન્ડર પેસ ભાજપમાં જોડાતા ભાજપને પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે. કારણ કે બંગાળમાં તેમના અનેક ચાહકો છે. લોકો તેમને પસંદ કરે છે. આવી સ્થિતિમાં તેઓ મોટી વોટ બેંકને ભાજપ તરફ ખેંચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જો ભાજપ તેમને ઉમેદવાર બનાવશે તો શહેરના મતદારો પર તેની અસર ચોક્કસ જોવા મળશે. યુવા મતદારો પણ ભાજપ તરફ આકર્ષિત થશે. યુવા મતદારોની ટકાવારી વધવાથી ભાજપને ફાયદો થઈ શકે છે.

Ahmedabad : જુહાપુરામાં મધરાતે ચોરીનો નિષ્ફળ પ્રયાસ, મકાનમાલિક જાગી જતાં તસ્કર ખાલી હાથે ફરાર

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં તસ્કરોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જુહાપુરામાં આવેલા લવલી પાર્ક સોસાયટીમાં ગત રાત્રે ચોરીનો એક નિષ્ફળ પ્રયાસ થયો હતો.

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં તસ્કરોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જુહાપુરામાં આવેલા લવલી પાર્ક સોસાયટીમાં ગત રાત્રે ચોરીનો એક નિષ્ફળ પ્રયાસ થયો હતો. મકાનમાલિકની સતર્કતાને કારણે તસ્કર ચોરી કરવામાં નિષ્ફળ રહ્યો હતો અને બૂમાબૂમ થતાં જ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મધરાતના સમયે એક અજાણ્યો શખ્સ ચોરી કરવાના ઈરાદે લવલી પાર્કના એક મકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તસ્કર જ્યારે ઘરનું તાળું તોડવા કે અંદર ઘૂસવાની પેરવીમાં હતો, ત્યારે જ મકાનમાલિક અચાનક જાગી ગયા હતા. ઘરમાં કોઈની હાજરીનો અહેસાસ થતાં મકાનમાલિકે તાત્કાલિક બૂમાબૂમ કરી મૂકી હતી.

મકાનમાલિકની બૂમો સાંભળીને ગભરાયેલો ચોર પકડાઈ જવાના ડરે ત્યાંથી ખાલી હાથે ભાગી છૂટ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તસ્કરની શંકાસ્પદ હિલચાલ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ ઘટનાને પગલે લવલી પાર્ક અને આસપાસની સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે તસ્કરની ઓળખ મેળવી તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Goa : ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના

0

ગોવાના બાગા બીચ પર પ્રવાસીઓ માટે એડવેન્ચર જીવલેણ સાબિત થતા રહી ગઈ. રવિવારે સાંજે પેરાસેલિંગ કરી રહેલા એક પ્રવાસીનો હવામાં જ કેબલ તૂટી જતાં તે અનેક ફૂટની ઊંચાઈએથી સીધો ઊંડા દરિયામાં ખાબક્યો હતો. આ સમગ્ર ઘટના કિનારે ઉભેલા એક વ્યક્તિએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

અહેવાલો અનુસાર, 30મી માર્ચની સાંજે જ્યારે બીચ પર પ્રવાસીઓની ભારે ભીડ હતી, ત્યારે એક યુવક પેરાસેલિંગની મજા માણી રહ્યો હતો. બોટ દ્વારા પેરાશૂટને હવામાં ખેંચવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક પેરાશૂટ અને બોટને જોડતો મજબૂત કેબલ વચ્ચેથી તૂટી ગયો હતો. કેબલ તૂટતાની સાથે જ પેરાશૂટ પરથી કાબૂ ગુમાવ્યો અને પળવારમાં જ પ્રવાસી દરિયાના મોજાંઓ વચ્ચે પટકાયો હતો.

આ ભયાનક દ્રશ્ય જોઈને કિનારા પર હાજર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે, રાહતની વાત એ રહી કે, પ્રવાસીએ સુરક્ષાના નિયમો મુજબ લાઇફ જેકેટ પહેર્યું હતું, જેના કારણે તે પાણીમાં ડૂબ્યો નહીં. ઘટનાના તુરંત બાદ બોટ સ્ટાફ અને સ્થાનિક લાઇફગાર્ડ્સે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ગણતરીની મિનિટોમાં પ્રવાસીને સહીસલામત રીતે પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો.

આ ઘટનાને પગલે ગોવા પ્રવાસન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે ગંભીર નોંધ લીધી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, પેરાસેલિંગમાં વપરાતા સાધનોની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. જો ઓપરેટરની બેદરકારી અથવા જૂના સાધનોનો ઉપયોગ સામે આવશે, તો તેમનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે. જવાબદાર સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાના પણ આદેશ અપાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગોવામાં દર વર્ષે લાખો પ્રવાસીઓ વોટર સ્પોર્ટ્સ માટે આવતા હોય છે, પરંતુ સમયાંતરે બનતી આવી ઘટનાઓએ સલામતીના માપદંડો સામે સવાલ ઉભા કર્યા છે. નિષ્ણાતોના મતે, પ્રવાસીઓની સુરક્ષા માટે ઓપરેટરોએ નિયમિતપણે કેબલ્સ અને પેરાશૂટની મજબૂતાઈ તપાસવી અનિવાર્ય છે. પ્રવાસી સુરક્ષિત હોવા છતાં, આ ઘટનાએ પ્રવાસન ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતા જગાવી છે.