Home Blog Page 245

Gandhinagar : મિલકત વેચતા પહેલા હવે કલેક્ટરની મંજૂરી ફરજિયાત, જાણો શું છે નવા નિયમો

ગુજરાત સરકારે સ્થાવર મિલકતની તબદિલી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે નવા નિયમોની જાહેરાત કરી છે. હવેથી કોઈપણ વ્યક્તિએ પોતાની સ્થાવર મિલકત વેચવી હશે કે ટ્રાન્સફર કરવી હશે, તો તેણે સૌથી પહેલા જિલ્લા કલેક્ટરને વિધિવત અરજી કરવાની રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ મિલકત હડપ કરી લેવાના બનાવો અટકાવવાનો અને સામાજિક સૌહાર્દ જાળવી રાખવાનો છે.

નવા નિયમો મુજબ, મિલકત તબદિલ કરનારે કલેક્ટર કચેરીમાં અરજી કર્યા બાદ, જો કોઈ પક્ષકારને આ સોદા સામે વાંધો હોય, તો તેઓ પોતે નારાજગી વ્યક્ત કરી શકશે અને વાંધો રજૂ કરી શકશે. કલેક્ટર બંને પક્ષોની દલીલો સાંભળશે અને ત્યારબાદ જ આખરી નિર્ણય લેશે. મિલકત ટ્રાન્સફરની અરજી મંજૂર કરવી કે નામંજૂર કરવી, તેની સંપૂર્ણ સત્તા હવે કલેક્ટર હસ્તક રહેશે.

આ સમગ્ર પ્રક્રિયામાં તપાસને વેગ આપવા અને તટસ્થતા જાળવવા માટે એક ‘ખાસ સલાહકાર સમિતિ’ ની રચના કરવામાં આવશે. આ સમિતિમાં એક અધ્યક્ષ અને અન્ય નિષ્ણાત સભ્યોનો સમાવેશ થશે. આ સમિતિ મિલકતની સ્થિતિ, સોદાની સત્યતા અને આસપાસના વિસ્તારની ભૌગોલિક સ્થિતિની તપાસ કરશે. સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા વિગતવાર રિપોર્ટના આધારે જ કલેક્ટર મિલકત ટ્રાન્સફરનો આખરી નિર્ણય લેશે.

ઘણીવાર દબાણ હેઠળ કે છેતરપિંડીથી મિલકતો ટ્રાન્સફર કરાવી લેવામાં આવતી હોય છે. નવા નિયમોથી છેવાડાના માનવીની મિલકત સુરક્ષિત બનશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં જનસંખ્યાનું સંતુલન જળવાઈ રહે અને કોઈને અન્યાય ન થાય તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હવેથી કલેક્ટરની મંજૂરી વિના કરવામાં આવેલી મિલકતની લે-વેચ કાયદેસર ગણાશે નહીં.

Gujarat : UCC બિલ પાસ થવા પર ગૃહપ્રધાન અમિત શાહે CM ભુપેન્દ્ર પટેલને આપી શુભકામના

0

ગૃહપ્રધાને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો લાંબા સમયથી સંકલ્પ રહ્યો છે કે દેશમાં દરેક માટે એકસરખો કાનૂન હોવો જોઈએ. તેમણે ઉમેર્યું કે UCCના અમલથી સમાજમાં સમાનતા અને ન્યાયની ભાવના મજબૂત બનશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પાસ થવા બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે આ પગલાને ઐતિહાસિક ગણાવીને જણાવ્યું કે દેશ અને રાજ્યમાં તમામ નાગરિકો માટે સમાન કાનૂન લાવવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ છે.ગૃહપ્રધાને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો લાંબા સમયથી સંકલ્પ રહ્યો છે કે દેશમાં દરેક માટે એકસરખો કાનૂન હોવો જોઈએ. તેમણે ઉમેર્યું કે UCCના અમલથી સમાજમાં સમાનતા અને ન્યાયની ભાવના મજબૂત બનશે. આ નિર્ણય કોઈ એક વર્ગ માટે નહીં પરંતુ સમગ્ર સમાજના હિત માટે લેવામાં આવ્યો છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા વારંવાર ‘સર્વે માટે સમાન કાનૂન’ની વાત કરવામાં આવી છે અને આ બિલ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ગૃહપ્રધાને સ્પષ્ટ કહ્યું કે સરકાર તુષ્ટીકરણની રાજનીતિમાં વિશ્વાસ રાખતી નથી, પરંતુ તમામ નાગરિકોને સમાન અધિકાર અને ન્યાય મળે તે માટે પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે રાજ્ય માટે એક નવી દિશા નક્કી કરે છે. ગૃહપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે UCCના અમલથી સામાજિક એકતા વધુ મજબૂત બનશે અને નાગરિકોમાં સમાનતાનો સંદેશ વ્યાપક રીતે ફેલાશે. આ ઘટનાને રાજકીય અને સામાજિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને આગામી સમયમાં તેની અસર દેશભરમાં જોવા મળી શકે છે.

Sports : આર્યમાન બિરલાએ 22 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી કેમ લીધી નિવૃત્તિ? જાણો શું છે કારણ

0

આર્યમાન બિરલા હવે RCBનો નવા માલિક બન્યો છે. તે ખેલાડી તરીકે પણ લીગનો ભાગ હતો. આર્યમાનનું ક્રિકેટ કરિયર 22 વર્ષની ઉંમરે સમાપ્ત થઈ ગયું છે.

RCBના નવો માલિક આર્યમાન બિરલા છે. તેને તાજેતરમાં જ 16,700 કરોડ રૂપિયાથી વધુમાં ફ્રેન્ચાઈઝી ખરીદી છે. RCBના માલિક બનતા પહેલા આર્યમાન લીગમાં ખેલાડી હતો. તેને મધ્યપ્રદેશ માટે સ્થાનિક ક્રિકેટ પણ રમી હતી.પરંતુ તેનું ક્રિકેટ કરિયર માત્ર 22 વર્ષની ઉંમરે સમાપ્ત થઈ ગયું છે. આર્યમાન 22 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હતો. પરંતુ તેને આ કેમ કર્યું? તેને એવી ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું જ્યારે ઘણા ખેલાડીઓના કરિયર શરૂ થાય છે.

તમે વિચારી રહ્યા હશો કે આર્યમાન બિરલાએ 22 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ કેમ લીધી. તમને જણાવી દઈએ કે તેને માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને કારણે આ નિર્ણય લીધો હતો. આર્યમાન બિરલાએ 2019 માં ક્રિકેટ છોડી દીધું હતું. ક્રિકેટમાંથી તેમની નિવૃત્તિ માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને કારણે હતી. તે સમયે તેને કહ્યું હતું કે તે તેના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માગે છે અને ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે વિરામ લઈ રહ્યા છે. પરંતુ આ વિરામ પછી તે ક્યારેય ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો નહીં અને ધીમે ધીમે તેનાથી દૂર થઈ ગયો.

IPL ટીમના માલિક બનતા પહેલા આર્યમાન બિરલા લીગમાં ખેલાડી હતો. IPL 2018 પહેલા તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. પરંતુ તેને ત્યાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી.IPLમાં જોડાતા પહેલા તેને મધ્યપ્રદેશ માટે પોતાનું ડોમેસ્ટિક ડેબ્યૂ કરી લીધું હતું. તેને 2017 માં પોતાનું ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. આર્યમાન બિરલા પોતાની ફર્સ્ટ-ક્લાસ મેચ ઓડિશા સામે રમ્યો હતો. તેને 2018માં હૈદરાબાદ સામે લિસ્ટ A ડેબ્યૂ કર્યું હતું.

આર્યમાન બિરલા ફક્ત 2 વર્ષ માટે ઘરેલુ ક્રિકેટમાં એક્ટિવ હતો. આ સમયગાળા દરમિયાન તેઓ IPLમાં એક પણ મેચ રમી શક્યો ન હતો. ઘરેલુ ક્રિકેટમાં તેનું પ્રદર્શન પણ ખૂબ સારું ન હતું. આર્યમાન બિરલા મધ્યપ્રદેશ માટે ફક્ત 9 ફર્સ્ટ ક્લાસ અને 4 લિસ્ટ A મેચ રમ્યો હતો. તેના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં તેને 1 સદી અને 1 અડધી સદી સાથે 27.60 ની એવરેજથી 414 રન બનાવ્યા હતા. લિસ્ટ A માં તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જ્યાં તેને 12.00 ની એવરેજથી ફક્ત 36 રન બનાવ્યા હતા. હવે તેઓ IPLમાં RCB ના નવા ચેરમેનની ભૂમિકામાં જોવા મળશે.

Sports : ‘હું ધોનીને જ કહીશ કે…’, IPL પહેલા MS ધોનીના રિટાયરમેન્ટ પર ગાંગુલીનું મોટું નિવેદન

0

એમએસ ધોની IPL 2026માં છેલ્લીવાર મેદાન પર ખેલાડી તરીકે જોવા મળશે કે કેમ, તે અંગે ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ છે. ધોની પ્રથમ સીઝનથી જ ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) સાથે જોડાયેલો છે અને પોતાની કેપ્ટનશિપમાં ટીમને 5 ખિતાબ અપાવ્યા છે. જોકે, છેલ્લા 4-5 વર્ષથી તેની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે, પરંતુ તેનો સાચો જવાબ માત્ર ધોની પાસે જ છે. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ધોનીના રિટાયરમેન્ટ અંગે સંકેત આપતા જણાવ્યું હતું કે, ‘હું આ અંગે ધોની સાથે વાત કરીશ, પરંતુ મીડિયાને અત્યારે કંઈ જણાવશે નહીં.’

બીજી તરફ, પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાનું માનવું છે કે આ ધોનીની છેલ્લી આઈપીએલ સીઝન હોઈ શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે સંજૂ સેમસન હવે CSKમાં જોડાઈ ગયો છે, જેને ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. ચેન્નાઈએ ટ્રેડ દ્વારા રવિન્દ્ર જાડેજાને રાજસ્થાન રોયલ્સને આપીને સંજૂ સેમસનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આકાશ ચોપરાએ જણાવ્યું કે, ધોની પાસે રમતને પારખવાની અદભૂત ક્ષમતા છે, પરંતુ આ સીઝન બાદ તેણે સંન્યાસ લઈ લેવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, એમએસ ધોની હાલ 44 વર્ષનો છે અને તેણે આઈપીએલમાં અત્યાર સુધી 278 મેચ રમીને 5439 રન બનાવ્યા છે. એવી પણ શક્યતા છે કે આઈપીએલ 2026ની મોટાભાગની મેચમાં ધોની ‘ઇમ્પેક્ટ પ્લેયર’ તરીકે મેદાનમાં જોવા મળી શકે છે. સંજૂ સેમસન જેવો મજબૂત વિકલ્પ ટીમ પાસે હોવાથી ધોની માટે હવે નિવૃત્તિનો માર્ગ સરળ બની શકે છે.

Rajkot : ક્રિકેટ રમતા વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત, ભૂત બંગલામાં થઈ દૂર્ઘટના

0

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા પ્રખ્યાત ‘અવધના ભૂત બંગલા’ તરીકે ઓળખાતી જગ્યાએ આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. VVP એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો તેજસ્વી વિદ્યાર્થી ધર્મિન મોરીધરા પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો, જ્યાં બંધ સ્વિમિંગ પૂલમાં પડેલો બોલ લેવા જતાં ડૂબી જવાથી તેનું કરૂણ મોત નીપજ્યું છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, ધર્મિન આજે પોતાની કોલેજની પરીક્ષા આપીને મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે અવધના ભૂત બંગલાના મેદાનમાં ગયો હતો. રમત દરમિયાન ક્રિકેટનો બોલ બાજુમાં આવેલા અને લાંબા સમયથી બંધ હાલતમાં રહેલા સ્વિમિંગ પૂલમાં પડ્યો હતો. બોલ લેવા માટે ધર્મિન પૂલમાં ઉતર્યો હતો, પરંતુ પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

મિત્રોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ધર્મિનને બચાવી શકાયો ન હતો. જવાન દીકરાના મોતના સમાચાર મળતા જ મોરીધરા પરિવાર પર આભ ફાટ્યું છે. હોસ્પિટલ ખાતે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બંગલો અને સ્વિમિંગ પૂલ જે લાંબા સમયથી બિનવારસી હાલતમાં છે, ત્યાં સુરક્ષાના અભાવ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

National : કોંગ્રેસના પીઢ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

0

કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની મોડી રાત્રે અચાનક તબિયત બગડતા તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હોસ્પિટલમાં માતાની દેખરેખ માટે આવ્યા છે. હાલમાં ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યનું સતત ચેકઅપ કરી રહી છે. હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી.

સોનિયા ગાંધીની તબિયત બે મહિના પહેલા જાન્યુઆરી 2026માં પણ લથડી હતી. તે સમયે તેમને છ દિવસ સુધી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ તેમના નિવાસસ્થાને તેમની સારવાર સતત ચાલતી હતી. ઉલ્લેખનીય છે કે, 5 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, પ્રદૂષણ અને ઠંડા હવામાનને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા તેમની સ્થિતિ બગડી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમનો ‘બ્રોન્કિયલ અસ્થમા’ સામાન્ય રીતે વધી ગયો હતો.

79 વર્ષીય કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને ખાંસીની સમસ્યા ઘણા સમયથી છે, જેના કારણે તેઓ નિયમિત ચેક-અપ માટે ડોક્ટરોની મુલાકાત લેતા રહે છે. ગયા વર્ષે 7 જૂન, 2025ના રોજ હિમાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન પણ તેમની તબિયત બગડી હતી. તે સમયે તેઓ શિમલામાં પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરે રોકાયા હતા. ત્યાં તબિયત લથડતા તેમને પહેલા શિમલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દિલ્હી પરત ફર્યા પછી ફરી સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

World : Iran તરફથી Donald Trump ને મળી રહસ્યમયી ભેટ, તેલ અને ગેસ સાથે જોડાયેલી છે ખાસ ગિફ્ટ!

0

વ્હાઇટ હાઉસમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા નિવેદને વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથે ચાલી રહેલી પડદા પાછળની વાટાઘાટો વચ્ચે તેમને ઈરાન તરફથી એક અત્યંત ‘મૂલ્યવાન અને ખાસ’ ભેટ મળી છે. આ ભેટ શું છે તેની સ્પષ્ટ વિગત આપવાનો તેમણે ઇનકાર કર્યો હતો, પરંતુ એટલું જરૂર કહ્યું કે તે તેલ અને ગેસ ઉદ્યોગ સાથે સંબંધિત છે.

જ્યારે મીડિયા દ્વારા ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈરાની પક્ષના લોકો પર વિશ્વાસ કરે છે, ત્યારે તેમણે લાક્ષણિક અંદાજમાં જવાબ આપ્યો કે તેઓ કોઈ પર વિશ્વાસ કરતા નથી. જોકે, તેમણે ઉમેર્યું કે, “અમે ઈરાનમાં યોગ્ય લોકો સાથે વાત કરી રહ્યા છીએ અને આ ભેટ તે વાતનો પુરાવો છે.” ટ્રમ્પના મતે આ ભેટ સોમવારે જ મળી છે અને તે ખૂબ જ મોટી છે. આ નિવેદનને ઈરાન સાથેના સંબંધો સુધારવાની દિશામાં એક હકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે, અમેરિકાએ ઈરાનને યુદ્ધવિરામ માટે 15-મુદ્દાનો એક વિગતવાર પ્રસ્તાવ મોકલ્યો હોવાના અહેવાલો છે. ટ્રમ્પે અગાઉ ઈરાની ઉર્જા સ્થાપનો પરના હુમલા પર પાંચ દિવસનો પ્રતિબંધ પણ જાહેર કર્યો હતો. જોકે, એક તરફ શાંતિની વાતો થઈ રહી છે, તો બીજી તરફ અમેરિકા પશ્ચિમ એશિયામાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે જો વાટાઘાટો નિષ્ફળ જશે, તો અમેરિકા ઈરાન સામે સીધી સૈન્ય કાર્યવાહી અથવા જમીન પર આક્રમણ પણ કરી શકે છે.

ટ્રમ્પના દાવાઓથી વિપરીત, ઈરાની સૈન્ય (Iranian Military) એક અલગ જ સૂર આલાપી રહ્યું છે. ઈરાની સૈન્યના પ્રવક્તાએ ટ્રમ્પના વાટાઘાટોના દાવાને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું કે, અમેરિકા પોતાની હારને છુપાવવા માટે તેને ‘સમાધાન’નું નામ આપી રહ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા હવે ઈરાની સૈન્યના હાથમાં છે અને ભવિષ્યમાં તેલ કે ગેસના ભાવ અમેરિકાની મરજી મુજબ રહેશે નહીં.

Entertainment : ‘મને ખોટી રીતે સ્પર્શ કર્યો’, મહાકુંભ ગર્લ મોનાલિસાએ ડાયરેક્ટર પર લગાવ્યા ગંભીર આરોપ, બોલી- તે ગંદા કામ કરે છે!

0

મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાએ ડાયરેક્ટર સનોજ મિશ્રા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે સનોજ મિશ્રાએ તેને ઘણી વખત અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો અને તેનો પરિવાર તેને ટેકો આપતો ન હતો.

મહાકુંભ વાયરલ ગર્લ તરીકે જાણીતી મોનાલિસા ભોસલે અત્યારે તેની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. હાલમાં જ મોનાલિસાએ કેરલમમાં તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ફહમાન ખાન સાથે હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા, જેના કારણે તેના પર લવ જિહાદના આરોપો પણ લાગ્યા છે. આ વિવાદો વચ્ચે, મોનાલિસાએ ડાયરેક્ટર સનોજ મિશ્રા પર જાતીય શોષણના ગંભીર આરોપો લગાવીને સનસનાટી મચાવી દીધી છે.

કોચ્ચીમાં પતિ ફહમાન સાથે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રડતા રડતા મોનાલિસાએ કહ્યું કે, સનોજ મિશ્રાએ મને ઘણી વાર ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. જ્યારે મેં આ વિશે મારા પરિવારને જણાવ્યું, તો તેમણે સાથ આપવાને બદલે કહ્યું કે આ તારી પહેલી ફિલ્મ છે, કંઈ ન કર. શું પહેલી ફિલ્મ માટે હું મારું રેપ થવા દઉં? તેણે વધુમાં ઉમેર્યું કે સનોજ મિશ્રા નાની ઉંમરની છોકરીઓને ફિલ્મની લાલચ આપીને તેની સાથે છેડછાડ કરે છે.

મોનાલિસાએ આક્ષેપ કર્યો કે સનોજ મિશ્રા તેની અંગત જિંદગીમાં દખલ કરી રહ્યો છે અને દેશમાં રમખાણો કરાવવા માગે છે. તેણે કહ્યું, સનોજ મિશ્રા ઈચ્છે છે કે હું તેની પાસે જાઉં, મેં ફહમાન સાથે લગ્ન કેમ કર્યા તે તેને ગમ્યું નથી. હવે મારા પતિ પર આતંકવાદી હોવાના ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. અમને જાહેરમાં મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને અમારા પોસ્ટરો સળગાવવામાં આવી રહ્યા છે.

મોનાલિસાએ 11 માર્ચ 2026ના રોજ કેરલમના તિરુવનંતપુરમમાં એક મંદિરમાં મંત્રીઓની હાજરીમાં ફહમાન ખાન સાથે લગ્ન કર્યા હતા. 2025ના કુંભ મેળા પછી વાયરલ થયેલી મોનાલિસાએ સનોજ મિશ્રા સાથે તેની ડેબ્યુ ફિલ્મ સાઈન કરી હતી, પરંતુ હવે આ વિવાદને કારણે મામલો ગરમાયો છે. મોનાલિસાએ સરકાર પાસે મદદ અને ન્યાયની માંગ કરી છે.

Sabarkantha : ખેડબ્રહ્મા-અસારવા રેલવે લાઈન પર ટ્રાયલ રન સફળ, ટૂંક સમયમાં દોડશે નવી ટ્રેન

0

ઉત્તર ગુજરાતના રેલવે મુસાફરો અને લાખો શ્રદ્ધાળુઓ માટે મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્માથી અમદાવાદના અસારવા સુધી વાયા હિંમતનગર નવી ઈલેક્ટ્રિક રેલવે સેવા શરૂ થવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા આ રૂટ પર ઈન્સ્પેક્શન ટ્રેન એન્જિન સાથેનું સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું છે.

હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેના મીટરગેજ ટ્રેકને ઈલેક્ટ્રિક બ્રોડગેજમાં રૂપાંતરિત કર્યા બાદ, હવે ટ્રેન દોડાવવા માટેનું પરીક્ષણ તેજ કરવામાં આવ્યું છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ સીઆરએસ (CRS) બાદ હવે ફાઈનલ ટ્રાયલ રન ઈન્સ્પેક્શન કર્યું છે. આ ટ્રાયલ રનનો રિપોર્ટ સબમિટ થયા બાદ ટૂંક સમયમાં જ આ રૂટ પર નિયમિત ટ્રેન સેવા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરેલી રજૂઆત બાદ આ પ્રોજેક્ટમાં ગતિ આવી છે. સાંસદની સક્રિયતાને કારણે હવે એવી સંભાવના છે કે એપ્રિલ 2026 સુધીમાં ખેડબ્રહ્મા-અસારવા ટ્રેન સેવા ઉત્તર ગુજરાતની જનતા માટે કાર્યરત થઈ જશે. આ નવી સુવિધાને કારણે ખેડબ્રહ્માથી અમદાવાદ પહોંચવું ઘણું સરળ અને ઝડપી બનશે.

આ રેલવે લાઈન શરૂ થવાથી સૌથી મોટો લાભ ભાદરવી પૂર્ણિમાના મેળામાં જતા લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓને મળશે. ખેડબ્રહ્મા સ્થિત નાના અંબાજીના દર્શને આવતા ભક્તો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે. એટલું જ નહીં, સાંસદ દ્વારા ખેડબ્રહ્માથી અંબાજી સુધી પણ રેલવે સુવિધા લંબાવવાની રજૂઆત કરવામાં આવી છે, જેના પર હાલ કાર્યવાહી ગતિમાં છે. ભવિષ્યમાં આ લાઈન અમદાવાદથી વાયા ખેડબ્રહ્મા સીધી અંબાજી સુધી જોડાશે, જેનાથી સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રવાસન અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ આવશે.

Gandhinagar : ગુજરાતભરના આંગણવાડી બાળકો માટે મોટા સમાચાર, મધ્યાહન ભોજનમાં હવે અન્ન મિલેટ સુખડી અપાશે

ગુજરાતભરના આંગણવાડીમાં ભણતા બાળકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, 38.50 લાખ આંગણવાડી બાળકો માટેના સમાચાર છે જેમાં મધ્યાહન ભોજનમાં હવે અન્ન મિલેટ સુખડી અપાશે.

અલ્પાહાર યોજનામાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે અને શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે, મધ્યાહન ભોજન યોજનામાં સુખડી બંધ કરાઈ છે, ફીટ ઇન્ડિયા મુમેન્ટ અંતર્ગત નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં બાળકોને સોમવારે મગ ચાટ અપાશે, મંગળવારે વેજીટેલબલ પૌવા આપવામાં આવશે, બુધવારે મિક્સ કઠોળ ચાટ અપાશે, ગુરુવારે મિલેટ સુખડી અપાશે, શુક્રવારે વેજીટેબલ ઉપમા, શનિવારે વેજીટેબલ પૌવા અપાશે.

આ બાબતે વિગતે માહિતી આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં ૨,૦૦૦ નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઈ, આંગણવાડી કેન્દ્રો ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ કન્સેપ્ટ પર બનશે, જેમાં મોડ્યુલર ફર્નિચર, RO મશીન, LED ટીવી સ્ક્રીન અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક સુવિધાઓ મળશે.

આદિજાતિ વિસ્તારોના ૫૩ ઘટકોમાં દૂધ સંજીવની યોજનાનો વિસ્તાર કરાશે. દૂધમાં ફેટનું પ્રમાણ ૧.૫% થી વધારીને ૩% અને ૪.૫% (પાયલોટ પ્રોજેક્ટ તરીકે નર્મદા, દાહોદ અને ડાંગમાં) કરવા માટે રૂ. ૩૮.૬૪ કરોડની જોગવાઈ, ઓછા વજન ધરાવતા બાળકોના સુધારા માટે હેલ્થ ચેકઅપ અને હોમ વિઝિટ માટેના પોષણ સંગમ કાર્યક્રમો માટે રૂ.૧૬ કરોડ, આંગણવાડીઓ અને પોષણ સ્તરનું સઘન મોનિટરિંગ કરવા માટે પોષણ પ્રગતિ અને નિરીક્ષણ કેન્દ્રની બનાવાશે, આંગણવાડીના બાળકોની હાજરી અને મોનિટરિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇમેજ પ્રોસેસિંગ સિસ્ટમ માટે AI બેઝ્ડ અટેન્ડન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.

રાશનની ચોરી અટકે અને ડિજિટલ ટ્રેકિંગ થઈ શકે તે માટે પૂરક પોષણ યોજના-THRના પેકેજિંગ પર QR કોડ લગાવાશે કિશોરીઓમાં નેતૃત્વના ગુણો વિકસે અને પંચાયતી રાજ તેમજ બાળ અધિકારો પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી બાલિકા પંચાયત યોજના માટે રૂ. ૧.૦૩ કરોડની ફાળવણી, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરતી બાલિકા પંચાયતોને સન્માનિત કરાશે આ પરિષદમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સચિવ રાકેશ શંકર સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.