Home Blog Page 252

Rajkot : મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી

0

સગાઇ તૂટી જતાં આરોપીએ પૂર્વ મંગેતરને ગાળો ભાંડી ધમકી આપી : સગાઇ થયાના થોડા સમય પછી જ આરોપીએ લગ્નનો ઇન્કાર કર્યો : સગાઇ તોડવાની મીટિંગ દરમિયાન માથાકૂટસાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી અને એક બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતી યુવતીએ સગાઇ તોડી નાખતા આરોપી દિવ્યેશ દિલિપ સવજીયાણી (રહે. સ્વામીનારાયણનગર, જામનગર)એ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં નોંધાઇ છે.

જેમાં યુવતીએ જણાવ્યું છે કે, ગત ફેબ્રુઆરી માસમાં તેની સગાઇ થઇ હતી. આરોપી સાથે સુરત ફરી આવ્યા બાદ આરોપીએ તેને કહ્યું કે તેના પિતાને કેન્સર છે, જેથી તેને લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી તેને તેની સાથે લગ્ન કરવા નથી. આ પછી તેણે પરિવારજનોને વાત કરતા સગાઇ તોડવાનું તથા સગાઇમાં એકબીજાને આપેલી વસ્તુઓ પરત આપવાનું પણ નક્કી થયું હતું. તેની સાથે રહેતા માસીએ આરોપીના પિતાને આ નિર્ણય અંગે જાણ કરી એકબીજાની વસ્તુઓ પરત આપી દેવાનું કહ્યું હતું. આરોપીના પિતાએ સહમતી આપ્યા બાદ પંદરેક દિવસ સુધી કોઇ જવાબ આપ્યો ન હતો.

આખરે ગઇ તા. 21નાં રોજ તેના માસીએ ફરીથી ક્યારે આવો છો તેમ પૂછતાં બીજા દિવસે આવવાની વાત કરી હતી. એટલું જ નહીં પામ યુનિવર્સમાં રહેતા સગા વિશાલ સવજીયાણીને ત્યાં બોલાવ્યા હતા. જ્યાં તેના માસી સાથે જતાં આરોપી તેના માતા-પિતા, બહેન વગેરે સાથે હાજર હતો. બંને પક્ષોએ એકબીજાની વસ્તુઓ પરત આપી દીધી હતી.

જતી વખતે અચાનક આરોપીએ સગાઇ તોડવા બાબતે તેને બેફામ ગાળો ભાંડી હતી. તેણે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ તેને મારવા દોડયો હતો. તેના માસી વચ્ચે પડતાં તેના ગાલ પર વાગ્યું હતું. જતી વખતે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

Entertainment : Dhurandhar 2નું બોક્સઓફિસ પર ધુઆંધાર પ્રદર્શન, જાણો કેમ રણવીર સિંહની ‘ધુરંધર-2’ પ્રતિબંધ કરવાની ઉઠી માગ

0

રણવીર સિંહની “ધુરંધર 2” બોક્સ ઓફિસ પર 800 કરોડની કમાણી સાથે ઐતિહાસિક સફળતા મેળવી રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુઆંધાર પ્રદર્શન કરી રહી છે છતાં ફિલ્મ પ્રતિબંધ કરવાની માગ ઉઠી.

“ધુરંધર 2” રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. રણવીર સિંહની “ધુરંધર 2” બોક્સ ઓફિસ પર 800 કરોડની કમાણી સાથે ઐતિહાસિક સફળતા મેળવી રહી છે. ફિલ્મનો લોકોમાં એટલો ક્રેઝ છે કે તેઓ થિયેટરમાં ફરી ફિલ્મ જોવા જઈ રહ્યા છે. “ધુરંધર 2” ધુઆંધાર પ્રદર્શન કરી રહી છે દરમિયાન વિરોધ પક્ષો અને કેટલાક વિવેચકો ફિલ્મને પોલિટિકલ પ્રોપગેન્ડા ગણાવી રહ્યા છે. એટલે જ આગામી દિવસોમાં તમિલનાડુમાં યોજાનાર ચૂંટણીમાં આ ફિલ્મ મતો પર અસર કરી શકે છે. તેવી આશંકાને લઈને તમિલનાડુની ચૂંટણી પહેલા રણવીર સિંહની “ધુરંધર 2″ની રિલીઝ અટકાવવાની માંગણીઓ થઈ રહી છે.

આદિત્ય ધર અને રણવીર સિંહની “ધુરંધર 2” શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મને કેટલાક લોકો પ્રોપગેન્ડા ફિલ્મ હોવાનું કહેતા પ્રતિબંધની માગ કરી રહ્યા છે. તમિલનાડુમાં ચૂંટણીના વાતાવરણ વચ્ચે ફિલ્મની રિલીઝ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ‘ધુરંધર 2’ રિલીઝ થયાને માત્ર પાંચ દિવસ થયા છે, અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગણીઓ પહેલાથી જ કરવામાં આવી છે. મદ્રાસ હાઇકોર્ટમાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ પર તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી અરજી દાખલ કરવામાં આવી છે.

મદ્રાસ કોર્ટમાં શીલા નામના વકીલે રાજ્ય વિધાનસભા ચૂંટણી અંગે બેંચને અપીલ કરી હતી. વકીલે દલીલ કરી હતી કે ફિલ્મમાં ઊંડો રાજકીય પ્રભાવ છે અને તે મતદારોની લાગણીઓને પ્રભાવિત કરી શકે છે. તેમણે એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે ફિલ્મની રાજકીય રીતે સંવેદનશીલ વાર્તા ચૂંટણીઓને અસર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુની ચૂંટણીમાં ભાજપ અને મમતા વચ્ચે ખરાખરીનો જંગ છે. “ધુરંધર 2″માં બતાવવામાં આવેલ બાબતો સરકાર તરફી હોવાનું વિવેચકો કહે છે. આ ફિલ્મની જો લોકો પર અસર થાય તો તમિલનાડુમાં ભાજપને સકારાત્મક પ્રતિસાદ મળી શકે છે. ચૂંટણી પહેલા આ ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવી તેના પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠતા વિવાદ સર્જાયો છે.

19 માર્ચે રિલીઝ થયેલ ‘ધુરંદર: ધ રીવેન્જ “ને લઈને વિવાદ વકર્યો છે. તાજેતરમાં, તમિલનાડુમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી, જેના કારણે મામલો મદ્રાસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. રણવીર સિંહની ફિલ્મની અસર ફક્ત બોલીવુડની ફિલ્મો પર જ નહીં હોલીવુડની ફિલ્મોમાં પણ દેખાઈ. “પ્રોજેક્ટ હેઇલ મેરી” ભારતમાં મુલતવી રાખવામાં આવી જયારે અક્ષય કુમારે પણ પોતાની ફિલ્મ ભૂત બંગલાની રિલીઝ પાછી ઠેલી. ‘ધુરંદર: ધ રીવેન્જ “નો લોકોમાં એટલો ક્રેઝ છે કે તેઓ ફરી ફિલ્મ જોવા થિયેટરમાં જઈ રહ્યા છે.

Sports : IPL માટે BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિવાર કે મિત્રોને સાથે રાખી મુસાફરી નહીં કરી શકે

0

IPL 2026: ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર! 28 માર્ચથી શરૂ થઈ રહેલી IPL 2026 માટે BCCI એ 7 નવા નિયમો જાહેર કર્યા છે. 19મી સીઝન દરમિયાન તમામ 10 ટીમોએ આ નિયમોનું પાલન કરવું પડશે. આ નવા નિયમો રમત કરતાં પણ વધુ ટીમોની પ્રેક્ટિસ અને ટ્રેનિંગ સાથે જોડાયેલા છે. આવો જાણીએ એક-એક કરીને આ તમામ 7 નિયમો વિશે.

IPL 2026 માટે BCCI ના 7 નવા નિયમો

  1. મેચના દિવસે પ્રેક્ટિસ પર પ્રતિબંધ

BCCI ના નવા નિયમ મુજબ, હવે કોઈ પણ IPL ટીમને મેચના દિવસે પ્રેક્ટિસ કે ટ્રેનિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

  1. પ્રેક્ટિસ મેચો પર અંકુશ

કોઈ પણ ટીમને 2 થી વધુ પ્રેક્ટિસ મેચ રમવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રેક્ટિસ મેચ રમવા માટે પણ ટીમોએ BCCI પાસેથી મંજૂરી લેવી પડશે અને પ્રેક્ટિસ મેચ 3.5 કલાકથી વધુ સમય સુધી રમી શકાશે નહીં.

  1. પ્રેક્ટિસ નેટ્સ શેરિંગ પર પ્રતિબંધ

કોઈ પણ ટીમ હવે પ્રેક્ટિસ માટે નેટ્સ શેર કરી શકશે નહીં. દરેક ટીમને પ્રેક્ટિસ માટે નવી નેટ્સ મળશે. એક ટીમને બીજી ટીમની નેટ્સ વાપરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, પછી ભલે તે નેટ્સ ખાલી જ કેમ ન હોય.

  1. મુખ્ય પીચ પર પ્રેક્ટિસ નહી

કોઈ પણ હોમ ટીમ જે પીચ પર પોતાની પ્રથમ મેચ રમવાની હોય, તેના પર 4 દિવસ પહેલાથી ટ્રેનિંગ કે પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો : શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પનો નવો પેંતરો! પોતાની જ સરકારના મંત્રી પર ઢોળ્યો યુદ્ધના દોષનો ટોપલો

  1. મુખ્ય વિકેટ ફાળવાશે

ટીમોને રેન્જ હિટિંગ, થ્રો ડાઉન, રન-અપ અને ડ્રીલ્સ માટે અલગથી વિકેટ આપવામાં આવશે. હોમ ટીમને પ્રેક્ટિસ માટે પહેલી પસંદગી મળશે. જો ટીમો એકબીજાની તરત જ પછી પ્રેક્ટિસ કરે, તો તેમને દરેક વખતે નવી તૈયાર કરેલી પીચ પૂરી પાડવામાં આવશે.

  1. ખેલાડીઓના પરિવાર અને મિત્રો પર નિયંત્રણો

ખેલાડીઓના પરિવાર અને મિત્રોને ખેલાડીઓ સાથે પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ખેલાડીઓએ પ્રેક્ટિસ કે મેચ માટે જવા માટે ટીમ બસનો જ ઉપયોગ કરવો પડશે.

  1. LED બોર્ડ પાસે બેસવા પર પ્રતિબંધ

મેદાન પર લાગેલા LED બોર્ડ પાસે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને બેસવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ નવા નિયમો આઈપીએલ 2026 ને વધુ રોમાંચક બનાવવાની અપેક્ષા છે. હવે જોવાનું એ રહેશે કે ટીમો આ નવા નિયમોને કેવી રીતે અપનાવે છે.

World : શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પનો નવો પેંતરો! પોતાની જ સરકારના મંત્રી પર ઢોળ્યો યુદ્ધના દોષનો ટોપલો

0

ઈરાન પરના હુમલા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે તેમને આ યુદ્ધ શરૂ કરવા માટે પ્રોત્સાહન અને સલાહ કોણે આપી હતી. અત્યાર સુધી એવી ચર્ચાઓ હતી કે નેતન્યાહૂએ ટ્રમ્પને આ હુમલા માટે ઉકસાવ્યા છે, પરંતુ ટ્રમ્પે મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે તેમના વોર સેક્રેટરી પીટ હેગસેથ તે પ્રથમ વ્યક્તિ હતા જેમણે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની સલાહ આપી હતી. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે પોતાના દિગ્ગજ મંત્રીઓ અને જનરલ કેન સાથે ઈરાન અંગેની ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ઈરાન છેલ્લા 47 વર્ષથી આતંક ફેલાવી રહ્યું છે અને તે પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ જ નજીક છે.

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, તેમણે પોતાના નેતાઓ સામે બે વિકલ્પ મૂક્યા હતા: કાં તો અમેરિકા આગળ વધીને આ સમસ્યાને મોટી થવા દે અથવા તો અત્યારે જ હસ્તક્ષેપ કરીને મિડલ ઈસ્ટની આ મોટી સમસ્યાનો અંત લાવે. આ દરમિયાન પીટ હેગસેથે સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો હતો અને ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માટે હુમલો કરવાનું સમર્થન કર્યું હતું. ટ્રમ્પે આ અંગે વધુમાં કહ્યું કે આ વ્યૂહાત્મક વાતચીત અને પ્લાનિંગ હુમલાની એક-બે રાત પહેલા જ શરૂ થઈ ગયું હતું, જેના પરિણામે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સંયુક્ત રીતે આક્રમણ કરવામાં આવ્યું.

નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર ભીષણ બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું હતું. આ યુદ્ધને હવે 25 દિવસ વીતી ચૂક્યા છે અને આ સમયગાળા દરમિયાન ઈરાનના અનેક દિગ્ગજ નેતાઓએ જીવ ગુમાવ્યા છે. ટ્રમ્પના આ તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઈરાન વિરુદ્ધની આ આખી વ્યૂહનીતિમાં પીટ હેગસેથની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહી છે.

Entertainment : નોરા ફતેહીને ભારતમાંથી દેશનિકાલ કરવાની માંગ

0

મુંબઇ: નોરા ફતેહીએ ‘સરકે ચુનર તેરી સરકે’ અશ્લીલ ગીત દ્વારા વર્ક પરમીટની શરતોનો ભંગ કર્યો હોવાનો દાવો કરી તેને દેશનિકાલ કરી દેવાની માગણી વકીલોના એક જૂથ દ્વારા કરાઈ છે. આ વકીલોએ સંબંધિત સરકારી વિભાગો તથા વિવિધ એજન્સીઓ સમક્ષ આ માગણી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આ ગીત દ્વારા ભારતીય મહિલાઓનું અપમાન કરાયું છે અને જાહેર નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરાયું છે. મૂળ એક કન્નડા ફિલ્મ ‘કેડી ઃ ધી ડેવિલ’નાં ગીતના અશ્લીલ શબ્દોને કારણે વિવાદ થતાં કેન્દ્ર સરકારે આ ગીત પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુ ટયુબ સહિતનાં પ્લેટફોર્મ પરથી પણ આ ગીત હટાવી લેવાયું છે.

જોકે નોરા ફતેહીએ દાવો કર્યો હતો કે પોતે ભાષાથી અજાણ હોવાથી તે ગીતના અશ્લીલ શબ્દો વિષે કોઇ સમજ નહોતી.પોતાને ગીતના શબ્દો બાબતે અંધારામાં રાખવામાં આવી હોવાનો દાવો તેણે કર્યો હતો. ખાસ વાત એ છે કે આ ગીતમાં નોરા સાથે ડાન્સ કરનાર સંજય દત્ત વિરુદ્ધ કોઈએ એક શબ્દ પણ કહ્યો નથી કે તેની વિરુદ્ધ કાર્યવાહીની વાત કોઈ ઉચ્ચારતું નથી.

Business : સોના ચાંદીની કિંમત આજે પણ ઘટી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

0

સ્થાનિક વાયદા બજારમાં, મંગળવાર, 24 માર્ચના રોજ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. MCX પર, સોનાના વાયદામાં આશરે ₹1,950નો ઘટાડો જોવા મળ્યો.શેરબજારમાં તેજી વચ્ચે, મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં વધુ એક ઘટાડો જોવા મળ્યો. મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) પર સોના અને ચાંદીના ભાવ નોંધપાત્ર રીતે નીચા સ્તરે ખુલ્યા.

મંગળવાર, 24 માર્ચના રોજ, સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. આ લેખન સમયે, 2 એપ્રિલ, 2026 ની સમાપ્તિ તારીખ ધરાવતા સોનાના વાયદાના કરારો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આશરે ₹1,950 ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા . MCX પર, સોનાનો વાયદો ₹138,411 (પ્રતિ 10 ગ્રામ) પર ખુલ્યો. પાછલા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું ₹139,260 પર બંધ થયું હતું

MCX પર, 5 મે, 2026 ના રોજ સમાપ્તિ તારીખ ધરાવતા ચાંદીના વાયદા ₹216,652 (પ્રતિ કિલો) પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે 3.78 ટકા – અથવા આશરે ₹8,500 ઘટીને હતા. ચાંદીનો ટ્રેડિંગ સત્ર ₹218,628 પર ખુલ્યો. ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન, ચાંદી ₹219,658 ની ઊંચી સપાટીને સ્પર્શી ગઈ.દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં, 10 ગ્રામ ચાંદી હાલમાં ₹2,350 ના ભાવે વેચાઈ રહી છે. દરમિયાન, 100 ગ્રામ ચાંદી ખરીદવા માંગતા ગ્રાહકોએ ₹23,500 ખર્ચ કરવા પડશે. ચેન્નાઈમાં, 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹2,400 છે..

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,40,400 1,28,700
વડોદરા 1,40,400 1,28,700
રાજકોટ 1,40,400 1,28,700
સુરત 1,40,400 1,28,700
મુંબઈ 1,40,350 1,28,650
દિલ્હી 1,40,500 1,28,800
સ્પોટ માર્કેટમાં સોનાના ભાવ

જ્યારે વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો સ્પષ્ટ છે, ત્યારે સ્પોટ માર્કેટમાં બંને ધાતુઓના ભાવમાં પણ ઘટાડો થયો છે. ‘ગુડ રિટર્ન્સ’ ના ડેટા અનુસાર, દિલ્હીમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે, સોનાના ભાવ ₹2,940 પ્રતિ 10 ગ્રામ ઘટીને ₹140,500 પર સ્થિર થયા છે.

વૈશ્વિક બજારમાં સોનું અને ચાંદી
આંતરરાષ્ટ્રીય બજારમાં, સોનાના ભાવમાં સતત દસમા સત્રમાં ઘટાડો નોંધાયો છે. 0227 GMT સુધીમાં, સ્પોટ ગોલ્ડ 1.6% ઘટીને $4,335.18 પ્રતિ ઔંસ થયું. સોમવારે, આ ધાતુ 24 નવેમ્બર પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ. દરમિયાન, સ્પોટ સિલ્વર 2.9% ઘટીને $67.11 પ્રતિ ઔંસ થયું.

National : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST ન ગણી શકાય

0

સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તનના મામલે એક ઐતિહાસિક અને મહત્ત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, ધર્મ પરિવર્તન કર્યા બાદ વ્યક્તિને અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો મળી શકશે નહીં. કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે, જે વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ પણ ધર્મ સ્વીકારે છે, તેને અનુસૂચિત જાતિના સભ્ય ગણી શકાય નહીં. અદાલતે ખાસ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તેને SC/ST એક્ટ હેઠળ મળતા રક્ષણ કે લાભનો અધિકાર રહેશે નહીં.

સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ પોતાનો મૂળ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તે અનુસૂચિત જાતિ (SC)ના સભ્ય તરીકેનો પોતાનો દરજ્જો ગુમાવે છે. જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ એ વી અંજારિયાની બેન્ચે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા જણાવ્યું હતું કે, જે વ્યક્તિ સક્રિયપણે ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે, તે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989 હેઠળ રક્ષણ કે અન્ય કોઈ બંધારણીય લાભોનો દાવો કરી શકે નહીં.

અદાલતે ભારપૂર્વક નોંધ્યું હતું કે હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાયના અન્ય કોઈ પણ ધર્મમાં પરિવર્તન કરવાથી અનુસૂચિત જાતિનો દરજ્જો આપોઆપ સમાપ્ત થઈ જાય છે. આ નિર્ણય મુજબ, ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ પોતાની જૂની જ્ઞાતિના આધારે અનામત કે કાયદાકીય સુરક્ષા મેળવવા માટે હકદાર રહેતી નથી. આ ચુકાદો ધર્મ પરિવર્તન અને જ્ઞાતિ આધારિત અધિકારો વચ્ચેની કાયદાકીય સ્થિતિને વધુ સ્પષ્ટ કરે છે.

સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાની વિગતો મુજબ, કેસનો મુખ્ય પક્ષકાર છેલ્લા 10 વર્ષથી ખ્રિસ્તી ધર્મનું પાલન કરતો હતો અને પાદરી તરીકે રવિવારની પ્રાર્થનાઓ પણ કરાવતો હતો, જે બાબત કોર્ટના રેકોર્ડ પર સાબિત થઈ હતી. આ તથ્યોને આધારે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ ઠેરવ્યું કે, જે વ્યક્તિ લાંબા સમયથી અન્ય ધર્મની પરંપરાઓનું પાલન કરતી હોય, તેને અનુસૂચિત જાતિ (SC)ના સભ્ય માની શકાય નહીં. આથી, આવી વ્યક્તિને SC/ST એક્ટ હેઠળ મળતું કાયદાકીય રક્ષણ આપવું ઉચિત નથી.

આ ચુકાદાથી હવે કાયદાકીય સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે કે, જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મ સિવાયનો અન્ય કોઈ ધર્મ અપનાવે છે, તો તે પોતાની મૂળ જ્ઞાતિના આધારે મળતા અનામત કે અન્ય બંધારણીય લાભો મેળવવા માટે હકદાર રહેશે નહીં. ધર્મ પરિવર્તન કરવાની સાથે જ અનુસૂચિત જાતિ તરીકેનો તેનો દરજ્જો અને તે સાથે જોડાયેલા તમામ સરકારી કે કાયદાકીય અધિકારો આપોઆપ સમાપ્ત થઈ જાય છે.

Gujarat : 32 હજાર શાળાઓમાં સપ્તાહમાં એક દિવસ અપાતી સુખડી પણ હવે બંધ કરાઈ

0

વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનની સાથે સપ્તાહમાં એક વખત અપાતી સુખડી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ફિટ ઇન્ડિયાના નામે તેલની માત્રા ઓછું કરવાનું કારણ ધરી માત્ર બે જ વર્ષમાં સુખડી યોજનાનુ શટર પાડી દેવાયું છે.

રાજ્યની 32230 શાળાઓના અંદાજે 38.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનની સાથે સપ્તાહમાં એક વખત અપાતી સુખડી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ફિટ ઇન્ડિયાના નામે તેલની માત્રા ઓછું કરવાનું કારણ ધરી માત્ર બે જ વર્ષમાં સુખડી યોજનાનુ શટર પાડી દેવાયું છે. આ સાથે ભોજન ઉપરાંત અપાતા નાસ્તાના મેનૂમાં પણ મોટો ફેરફાર કરાયો છે.

અત્યાર સુધી નાસ્તામાં ચણા ચાટ અને શ્રી અન્ન મિલેટ સુખડી અપાતી હતી. જેના બદલે હવે મગચાટ, વેજિટેબલ પૌંવા, મિક્ષ કઠોળ ચાટ, શ્રી અન્ન મિલેટ સુખડી અને વેજિટેબલ ઉપમા આપવામાં આવશે. રાજ્યની તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન અપાય છે. માર્ચ 2024માં રાજય સરકારે ભોજન ઉપરાંત સપ્તાહમાં એક દિવસ વિદ્યાર્થીઓને સુખડી આપવા અંગે સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરાયો હતો. એ પછી નવેમ્બર-૨૦૨૪માં બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર આપવાની ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ શરૂ કરાઈ હતી.

જોકે આ યોજનામાં ચણાચાટ અને શ્રી અન્ન મિલેટ સુખડી આપવાનો નિર્ણય કરાયો હતો. આ પ્રમાણે છેલ્લા બે વર્ષથી બાળકોને ભોજન અને નાસ્તો અપાતો હતો. જોકે ફરી નાસ્તાના મેનૂમા ફેરફાર કરવા સાથે સપ્તાહમાં એક દિવસ અપાતી અલાયદી સુખડીને પણ હટાવી દેવાનો નિર્ણય થયો છે. જેમાં કારણ આપ્યું છે કે, ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત પ્રોટિન-એનર્જી રેશિયાને ધ્યાને લેતા તેલની માત્રા ઓછી કરવા બાબતે કમિટી દ્વારા ભલામણ કરાઈ હતી. આથી સુખડીને બંધ કરવામાં આવે છે.

Rajkot : ધાણા, જીરું અને તુવેરની મબલખ આવક, વેકેશન પહેલા માલ વેચવા ખેડૂતોની લાઈન

0

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકના તમામ રેકોર્ડ તૂટ્યા છે. માર્ચ એન્ડિંગના વેકેશન પૂર્વે ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ઉમટી પડ્યા છે, યાર્ડમાં ઠેર-ઠેર જણસીના ઢગલા જોવા મળી રહ્યા છે.

નાણાકીય વર્ષ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકના તમામ રેકોર્ડ તૂટ્યા છે. માર્ચ એન્ડિંગના વેકેશન પૂર્વે ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ઉમટી પડ્યા છે, જેના કારણે યાર્ડના મેદાનમાં ઠેર-ઠેર જણસીના ઢગલા જોવા મળી રહ્યા છે.આજના દિવસે યાર્ડમાં વિવિધ પાકોની નોંધપાત્ર આવક જોવા મળી છે.ઘઉં સૌથી વધુ 1.50 લાખ મણની આવક નોંધાઈ છે.ધાણા 80 હજાર મણની આવક સાથે યાર્ડ ધાણાથી મઘમઘી ઉઠ્યું છે.તુવેર 15 હજાર મણની આવક નોંધાઈ છે.જીરું 12 હજાર મણ જીરાની આવક થઈ છે.

26 માર્ચથી મોટાભાગના માર્કેટયાર્ડમાં હિસાબી કામકાજ માટે હરાજી બંધ થવાની હોવાથી, ખેડૂતો માર્ચ એન્ડિંગ પહેલા પોતાની જણસીનો નિકાલ કરવા માંગે છે. રાજકોટ યાર્ડમાં રાત-દિવસ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. યાર્ડ પ્રશાસન દ્વારા પણ આટલી મોટી આવકને પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Surat : ઉધનામાં ધોળા દિવસે ઘરફોડ ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ, પોલીસે 3 આરોપીઓને દબોચી મુદ્દામાલ કર્યો જપ્ત

0

ઉધના વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શહેરના ઉધના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધોળા દિવસે બંધ મકાનોના તાળા તૂટવાની ઘટનાઓ વધી હતી. આ મામલે ઉધના પોલીસે સઘન તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ અત્યંત ચાલાકીથી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. તેઓ ધોળા દિવસે રહેણાંક વિસ્તારોમાં રેકી કરી એવા મકાનો શોધતા હતા જે બંધ હોય. મકાન બંધ હોવાની ખાતરી થતા જ, આરોપીઓ ગણતરીની મિનિટોમાં દરવાજાનો નકુચો કાપી અંદર પ્રવેશતા હતા. ઘરમાંથી કિંમતી સામાન અને દાગીના ઉઠાવી તેઓ પળવારમાં પલાયન થઈ જતા હતા.

ઉધના પોલીસની ટીમે બાતમીદારો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ટોળકીએ અન્ય કેટલીક જગ્યાએ પણ હાથફેરો કર્યો હોવાની કબૂલાત કરી છે.