Home Blog Page 254

Vadodara : સાવલીમાં ગેસની બોટલો લઈને જતી ગાડીને રોકી લોકોએ ભરેલી બોટલો લઈ લીધી

0

ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને લઈને ગેસની અછત સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસની બોટલ માટે સરકારે એક ગાઈડલાઈન નક્કી કરી છે. માત્ર ઘરેલુ વપરાશ માટે ગેસની બોટલોનું વિતરણ કરાઈ રહ્યું છે.

ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને લઈને સમગ્ર ભારત દેશમાં ગેસની અછત સર્જાઈ છે. ત્યારે વડોદરાના સાવલી પંથકમાં રાંધણગેસની બોટલોની અછત સર્જાતા લોકો રઘવાયા બન્યા હતાં. ગેસની બોટલોની ડીલીવરી કરવા માટે આવેલી ગાડીને રસ્તા વચ્ચે જ રોકીને લોકોએ પડાપડી કરીને ગેસની બોટલો પડાવી લીધી હતી.

ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને લઈને ગેસની અછત સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસની બોટલ માટે સરકારે એક ગાઈડલાઈન નક્કી કરી છે. માત્ર ઘરેલુ વપરાશ માટે ગેસની બોટલોનું વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે વડોદરાના સાવલીમાં ગેસની બોટલો લઈને એક ગાડી ગોઠડા ગામ તરફ જતી હતી. આ દરમિયાન ગેસની ગાડીને લોકોએ અધ્ધવચ્ચે જ રોકી લીધી હતી.

લોકો પોતાના વાહનોમાં ખાલી બોટલો લઈને આવ્યા હતાં અને ભરેલી બોટલ લેવા માટે પડાપડી કરી હતી. જ્યારે ગોઠડા ગામમાં ગેસની રાહ જોતા લોકો અટવાયા હતાં. આ અંગે સાવલીના મામલતદારે કહ્યું હતું કે, ગેસની કોઈ તંગી નથી સરકારની ગાઈડલાઈન પ્રમાણે બોટલોનું વિતરણ થાય છે. ગેસની એજન્સીઓ દ્વારા નિયમિત રીતે બોટલોનું વેચાણ થાય છે. લોકો ગેસ નહીં મળે તેવી અફવાઓથી દૂર રહે. ગેસ માટે પડાપડી કરવાની કોઈ જરૂર નથી.

Gandhinagar : રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ બુધવારે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત માર્ચ-2026નો રાજ્ય સ્વાગત બુધવાર તા.25મી માર્ચે યોજવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત માર્ચ-2026નો રાજ્ય સ્વાગત બુધવાર તા.25મી માર્ચે યોજવામાં આવશે.વડાપ્રધાન મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

માર્ચ મહિનાના ચોથા ગુરુવાર તા. 26 માર્ચે રામનવમીની જાહેર રજાને અનુલક્ષીને માર્ચ-2026નો રાજ્ય સ્વાગત આ વખતે બુધવાર, તા. 25 માર્ચે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો બુધવાર, તા. 25મી માર્ચના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.મુખ્યમંત્રી બુધવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.

Entertainment : 40 વર્ષની વયે પણ ગજબની ફિટનેસ! કંગના રનૌતના આહારના રહસ્યો આવ્યા સામે

0

બોલીવુડ અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌત આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ઉંમરે પણ તેની ફિટનેસ પાછળનું રહસ્ય તેનો ખાસ ડાયેટ પ્લાન છે

બોલીવુડ અભિનેત્રી અને રાજકારણી કંગના રનોતા આજે 40 વર્ષની થઈ. 23 માર્ચે પોતાનો ૪૦મો જન્મદિવસ ઉજવી રહેલી કંગના રનૌતની ઘણીવાર તેની ફિટનેસ અને ચમકતી ત્વચા માટે પ્રશંસા કરવામાં આવે છે. કંગના 40 વર્ષે પણ ગજબની ફિટ દેખાય છે. હાલમાં જ કંગાનાએ પોતાની ફિટનેસનું રહસ્ય જણાવ્યું હતું. બોલીવુડમાં કવીન તરીકે ફેમસ થયેલ કંગનાએ કહ્યું કે તેનો દૈનિક આહાર સિમ્પલ છે. તે આહારમાં પરંપરાગત દાળ, શાકભાજી, દહીં અને નાળિયેર પાણીનો ઉપયોગ કરે છે. જાણો ફિટ રહેવા કંગનાના ડાયેટ પ્લાન શું છે.

કંગનાએ કહ્યું કે કેટલાક લોકો જાણવા માંગે છે કે હું દિવસમાં શું ખાઉં છું. તેણે કહ્યું કે હું ફક્ત અભિનેત્રી છે એટલે જ ફિટનેસ પર ધ્યાન આપું છું તેવું નથી. ગંભીર બીમારીથી બચવા દરેક વ્યક્તિએ પોતાની ફિટનેસ જાળવવી જોઈએ. અભિનેત્રીએ ડાયેટ પ્લાન શેર કરતાં કહ્યું કે તે મસાલાદેરા, ચટાકાથી ભરપૂર તળેલા નાસ્તા નથી લેતી. પ્રતિબંધિત આહારથી દૂર, અભિનેત્રી અને ભાજપ નેતા ભારતીય પરંપરા અને સ્થાનિક વસ્તુઓમાંથી બનેલ ખોરાક ખાવાનું વધુ પસંદ કરે છે.

અભિનેત્રીએ કહ્યું કેતે દિવસની શરૂઆત એક ગ્લાસ હૂંફાળું પાણી પીને કરે છે. ત્યારબાદ હું પલાળેલી બદામ + કિસમિસ લઉ છું. પછી સામાન્ય ખાંડવાળી ચા અને પૌષ્ટીક નાસ્તો લઉ છું. જે લોકો સવારે ઉઠયા બાદ તરત જ ચા-કોફી પીતા હોય તેમના માટે પણ ખાસ ટીપ્સ છે. કંગનાએ કહ્યું કે ચા-કોફી વાળા કેફીન ડ્રિંકસ પીવાનું તમે ના છોડી શકતા હોવ તો તમે સવારે ‘આલ્કલાઈઝિંગ વોટર’ લઈ શકો છો. ખાસ કરીને જે લોકોની પ્રકૃતિ પિત અને એસિડિટી હોય તેમના માટે આ પીણું ફાયદાકારક છે.

કંગનાએ શેર કર્યું કે તેણીને ઉચ્ચ પિત્તા છે – આયુર્વેદમાં શરીરનો પ્રકાર ગરમી, એસિડિટી અને ચયાપચય સાથે સંકળાયેલ છે. આને નિયંત્રિત કરવા માટે, તેણીની સવારની દિનચર્યા એસિડિટી શરૂ થાય તે પહેલાં તેને નિષ્ક્રિય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સવારના ડ્રિંકસ અને નાસ્તા બાદ બપોરના ભોજનમાં તે ભારે, રાંધેલું ભોજન ખાવાનું ટાળે છે. બપોરના લંચમાં તે પ્રાદેશિક વાનગી મોટે ભાગે દાળ , સબઝી અને ભાત ખાય છે. ભારતીય શૈલીનો પકોડા કઢી ભાત અને ક્યારેક મને મહારાષ્ટ્રિયન પાન-ફ્રાઇડ ખાય છે. સાંજના નાસ્તામાં પ્રોટીનથી ભરપૂર પ્રોટીન બાર ખાય છે. તો કયારેક કુદરતી કોકોનટ પાણી પણ લે છે. જયારે રાત્રિના ભોજનમાં તે ખીચડી, પૌંઆ જેવું હળવું ભોજન કરે છે. કંગનાએ કહ્યું કે ફિટ રહેવા મારી ફિલસૂફી સરળ છે: સ્થાનિક ખોરાક ખાઓ અને તમારા શરીરને સાંભળો.

Chhota udaipur : નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ

0

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા નારધા ગામના જંગલ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં અચાનક લાગેલી આ આગને કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં નાના-મોટા વૃક્ષો અને વનસ્પતિ બળીને ખાખ થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, નારધા ગામની સીમમાં આવેલા ડુંગરો પર લાગેલી આગ ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. પવનની ગતિને કારણે આગ જંગલના ઊંડા વિસ્તારોમાં પ્રસરી રહી છે. આ ભીષણ આગમાં જંગલની અમૂલ્ય સંપત્તિ સમાન હજારો વૃક્ષો બળી રહ્યા છે, જેના કારણે વન્યજીવોના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે.

જંગલ વિસ્તારમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. આગ લાગ્યાના કલાકો વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી. વન વિભાગની આ કથિત નિષ્ક્રિયતાને કારણે કુદરતી સંપત્તિનો સોથ વળી રહ્યો છે.

આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાય છે. જો આગ પર વહેલી તકે કાબૂ મેળવવામાં નહીં આવે, તો આસપાસના ખેતરો અને રહેણાંક વિસ્તારો સુધી આગ પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.

Rajkot : સ્પાઈ કેમેરા કાંડમાં સાથી ડોક્ટરને જ ફસાવનાર ઝડપાયો, ખંડણી અને બ્લેકમેઇલિંગના મામલે તપાસ તેજ

0

રાજકોટમાં એક તબીબના ક્લિનિકમાં સ્પાઈ કેમેરો લગાવી આપત્તિજનક વીડિયો ઉતારવાના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે સફળતા મેળવી છે. આ મામલે પોલીસે BHMS તબીબની ધરપકડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

રાજકોટ શહેરમાં એક તબીબના ક્લિનિકમાં સ્પાઈ કેમેરો લગાવી આપત્તિજનક વીડિયો ઉતારવાના ચકચારી કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે મહત્વની સફળતા મેળવી છે. આ મામલે પોલીસે BHMS તબીબ કમલ નાંઢાની ધરપકડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઈમ એસીપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ મામલે વિગતો જાહેર કરી છે.

રાજકોટના એક ક્લિનિકમાં ખાનગીમાં સ્પાઈ કેમેરો પ્લાન્ટ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા આપત્તિજનક વીડિયો શૂટ કરવામાં આવ્યા હતા. આ વીડિયોનો ઉપયોગ બ્લેકમેઇલિંગ અને ખંડણી ઉઘરાવવા માટે કરવામાં આવતો હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. તપાસ દરમિયાન આ સમગ્ર કાવતરામાં ડોક્ટર કમલ નાંઢાની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરી છે.

પોલીસ હવે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં નીચેની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સ્પાઈ કેમેરો ક્યાંથી ખરીદવામાં આવ્યો અને તેને પ્લાન્ટ કરવામાં અન્ય કોઈ ટેકનિકલ નિષ્ણાતની મદદ લેવાઈ હતી કે કેમ? બ્લેકમેઇલિંગ દ્વારા મેળવેલા ખંડણીના પૈસામાં કમલ નાંઢાને કેટલો હિસ્સો મળ્યો હતો?આપત્તિજનક વીડિયોનો બ્લેકમેઇલિંગ સિવાય અન્ય કોઈ જગ્યાએ દુરુપયોગ કરવામાં આવ્યો છે કે કેમ?આજે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આરોપી કમલ નાંઢાને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ રિમાન્ડ દરમિયાન આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આ ડોક્ટરે અન્ય કેટલા લોકોને આ રીતે નિશાન બનાવ્યા છે તે અંગેના ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

Weather Update: દેશના 15 રાજ્યમાં આગામી 5 દિવસ માટે આંધી, તોફાન અને વરસાદની IMDની આગાહી

0

દેશના 15 રાજ્યમાં આગામી 5 દિવસ માટે આંધી, તોફાન અને વરસાદ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.ઘણા વિસ્તારોમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે જ વીજળી પડવાની અને ઓલાવૃષ્ટિ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.તાપમાનમાં ઘટાડાને કારણે ગરમીમાંથી થોડી રાહત મળશે, પરંતુ અસ્થિર હવામાનને કારણે ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સમય મુશ્કેલ બની શકે છે, કારણ કે પાકને નુકસાન થવાનો ભય છે.

ખાસ કરીને ખેડૂતો માટે આ સમય ચિંતાજનક છે. ખેતરોમાં ઉભા પાકને તેજ પવન, વરસાદ અને ઓલાવૃષ્ટિના કારણે નુકસાન થવાની શક્યતા છે. ઘઉં, સરસવ અને દાળ જેવી પાકો હાલ પાકવાની સ્થિતિમાં છે, તેથી આ હવામાન બદલાવ આર્થિક નુકસાનનું કારણ બની શકે છે.

આ પરિસ્થિતિમાં દેશભરના હવામાન પર નજર રાખવી ખૂબ જરૂરી છે, જેથી આગોતરા સાવચેતી રાખી શકાય અને નુકસાન ઘટાડવામાં મદદ મળે. માર્ચ મહિનો સામાન્ય રીતે વધતી ગરમીના સંકેત આપે છે, પરંતુ આ વખતે હવામાને અચાનક પલટો લીધો છે. IMD દ્વારા દેશના 15 રાજ્યોમાં આગામી 5 દિવસ માટે આંધીઓ, તોફાન, વરસાદ અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. તેથી લોકોને ‘રેનકોટ’ અને છત્રી તૈયાર રાખવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ, ઘણા વિસ્તારોમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે જ ગાજવીજ સાથે વરસાદ અને કેટલાક સ્થળોએ ઓલાવૃષ્ટિ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વીય રાજ્યોમાં આ બદલાવનો વધુ પ્રભાવ જોવા મળી શકે છે.

આ અચાનક બદલાયેલા હવામાનનું મુખ્ય કારણ પશ્ચિમી વિક્ષોભ (Western Disturbance) માનવામાં આવે છે, જે સક્રિય થતાં વાતાવરણમાં અસ્થિરતા લાવી રહ્યો છે. તેના કારણે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેથી લોકોને ગરમીથી રાહત મળશે, પરંતુ તેજ પવન અને વરસાદ મુશ્કેલી પણ ઊભી કરી શકે છે.

IMD દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ખરાબ હવામાન દરમિયાન ખુલ્લામાં ન રહેવું, ઝાડ અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવું અને સુરક્ષિત જગ્યાએ આશરો લેવો. મુસાફરી દરમિયાન પણ સાવચેત રહેવાની જરૂર છે.

Entertainment : શિવ ઠાકરેના શિરે સજાયો “The 50” નો તાજ, સેલિબ્રિટીઓને હરાવી મેળવી ભવ્ય જીત

0

રિયાલિટી શો “The 50” હવે સમાપ્ત થઈ ગયો છે. અઠવાડિયાની તીવ્ર સ્પર્ધા અને મનોરંજક એપિસોડ પછી, શોને આખરે તેનો વિજેતા મળી ગયો છે. શિવ ઠાકરે “The 50″ના વિનર બન્યા. શરૂઆતમાં, શોમાં ટેલિવિઝન, સોશિયલ મીડિયા અને મનોરંજન ઉદ્યોગ સહિતના કુલ 50 સ્પર્ધકોએ ભાગ લીધો હતા. પરંતુ અંતિમ એપિસોડ સુધીમાં ફક્ત થોડા જ સ્પર્ધકો બાકી રહ્યા હતા. આખરે સેલિબ્રિટીઓને હરાવી શિવ ઠાકરએ ટ્રોફી જીતી અને ₹50 લાખની ઇનામી રકમ પણ પ્રાપ્ત કરી. જોકે, શોના ફોર્મેટ મુજબ, તેમણે જીતેલી રકમ એક ચાહકને દાનમાં આપી દીધી.

“The 50″ના ગ્રાન્ડ ફિનાલેમાં ફૈઝુ, રજત, કાકા, શિવ અને ક્રિષ્ના શોફ ટોચના 5માં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ એક ગેમમાં રજત હારી જતા શોમાં અંતિમ 4 લોકો વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ હતી. ફૈજુ, કાકા અને કૃષ્ણા શ્રોફ સાથે જોરદાર સ્પર્ધા બાદ શિવ ઠાકરેએ ‘ધ 50’ ની પ્રથમ ટ્રોફી જીતી. તેમને ટ્રોફી સાથે ₹50 લાખનું રોકડ ઇનામ પણ મળ્યું. જયારે અન્ય સ્પર્ધકોને “The 50″ના સંસ્થાપક દ્વારા દુબઈ ફરવાની ટિકિટને ભેટ અપાઈ. ચાહકોએ સોશિયલ મીડિયા પર શિવ ઠાકરેને અભિનંદન પાઠવ્યા, અને તેમની જીતને યોગ્ય ગણાવી. આ જીત સાથે, તેમણે ફરી એકવાર રિયાલિટી ટીવી જગતમાં તેમની વિશાળ ચાહક ફોલોઇંગ અને લોકપ્રિયતા સાબિત કરી છે.

પોતાની જીત વિશે બોલતા, શિવ ઠાકરેએ કહ્યું, “50નો અનુભવ મારા માટે સંપૂર્ણપણે નવો હતો. હું શિવ ઠાકરેનો એક અલગ પાસું બતાવવા માંગતો હતો, જે માને છે કે તમારે તમારી વાત રજૂ કરવા માટે બૂમો પાડવાની કે લડવાની જરૂર નથી. તમે તમારા પૂરા હૃદયથી રમત રમી શકો છો, તમારી જાત પ્રત્યે સાચા રહી શકો છો અને છતાં પણ જીતી શકો છો. પહેલી જ સિઝન જીતવી – ખાસ કરીને 50 અદ્ભુત ખેલાડીઓ વચ્ચે – એક એવી સિદ્ધિ છે જેને હું હંમેશા યાદ રાખીશ. તે મને અપાર આનંદ આપે છે.”

રિયાલિટી શો “The 50″માં શરૂઆતમાં ટેલિવિઝન, સોશિયલ મીડિયા અને મનોરંજનની દુનિયાના 50 સેલેબ્સ સામેલ હતો. જોકે, એક પછી એક, સ્પર્ધકો બહાર થઈ ગયા, અને શો તેના અંતિમ એપિસોડ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં, ફક્ત થોડા જ સ્પર્ધકો બાકી રહ્યા. સ્પર્ધકોમાં કરણ પટેલ, ફૈઝલ શેખ, દિવ્યા અગ્રવાલ, રિદ્ધિ ડોગરા, શિવ ઠાકરે, પ્રિન્સ નરુલા, ઉર્વશી ધોળકિયા, કૃષ્ણા શ્રોફ, નેહા ચુડાસમા, રજત દલાલ અને લવેકેશ કટારિયા લોકોના ફેવરિટ હતા. ઘણા અનુભવીઓ સામે સ્પર્ધા કર્યા બાદ આખરે શિવ ઠાકરેએ બાજી મારી. “ધ ૫૦” વિનર બન્યા શિવ ઠાકરે.

National : ભારત શાંતિપૂર્ણ સમાધાનના પક્ષમાં, જુઠ્ઠાણુ ફેલાવનારા સફળ નહી થાય, બોલ્યા પીએમ મોદી

0

ખાડી દેશોમાં 1 કરોડ ભારતીયો છે. આખી દુનિયા અત્યારે સંકટમાંથી પસાર થઇ રહી છે. ભારત સામે અનેક પડકારો છે. તેમ પીએમ મોદીએ લોકસભામાં સંબોધન કરતા જણાવ્યું.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિથી સૌ કોઇ વાફેફ છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે નાગરિકોમાં દહેશતની સ્થિતિ છે. ગેસ અને ઓઇલના ભાવોમાં વધારો થતા નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની ગંભીર અસરો જોવા મળી છે. ત્યારે મિડલ ઇસ્ટમાં સંકટને લઇને પીએમ મોદી લોકસભામાં સંબોધન કરી રહ્યાસ છે.

પશ્ચિમ એશિયા સંઘર્ષમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ ચિંતાજનક છે. છેલ્લા 2-3 અઠવાડિયામાં, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ ગૃહને પરિસ્થિતિની વિગતો આપી છે. આ સંઘર્ષ 3 અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહ્યો છે. તેની વૈશ્વિક અર્થતંત્ર અને લોકોના જીવન પર ગંભીર અસર પડી રહી છે, અને તેથી જ વિશ્વ આ સંઘર્ષના વહેલા ઉકેલ માટે તમામ પક્ષોને વિનંતી કરી રહ્યું છે. વધુમાં કહ્યું કે ભારતને ગેસ અને ઇંધણ મિડલ ઇસ્ટના દેશો પુરા પાડે છે. પ્રભાવિત દેશો સાથે ભારતના વેપારના સંબંધો છે. પશ્ચિમ એશિયાની સ્થિતિ ચિંતા જનક છે. આર્થિક અને આઁતરિક સુરક્ષા મોટો પડકાર છે. કાચા તેલનો મોટો જથ્થો ખાડી દેશોમાંથી આવે છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે જ્યારથી આ યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અસરગ્રસ્ત દેશોમાં દરેક ભારતીયને સહાય પૂરી પાડવામાં આવી છે. મેં મોટાભાગના પશ્ચિમ એશિયાઈ દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે ફોન પર વાત કરી છે. બધાએ ભારતીયોની સુરક્ષાની ખાતરી આપી છે. સંઘર્ષ દરમિયાન, કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, અને કેટલાક ઘાયલ થયા છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સરકાર પાસે ખાદ્ય અન્ન પર્યાપ્ત પ્રમાણમાં છે. ખાદ્ય સંકટ વચ્ચે 6 યૂરિયા પ્લાન્ટ શરૂ કર્યા છે. સાથે જ કહ્યું કે ભારતમાં કોલસાનો સ્ટોક પર્યાપ્ત પ્રમાણમાં છે. રિન્યુએબલ એનર્જી પર સતત કામ થઇ રહ્યું છે. ડિઝલ પર ખેડૂતોની નિર્ભરતા ઘટી છે. આવનારા સમયમાં વીજળીની ડિમાન્ડ વધશે. હાલ વીજળી ઉત્પાદન પ્રભાવિત થયુ નથી. કોરોના કાળમાં પણ સપ્લાય ચેઇન તૂટી ગઇ હતી.

Valsad : દલવાડામાં ભંગારના ગોડાઉનમાં આગ, કેમિકલના કારણે આગ વધુ ભડકી

0

દમણના દલવાડા ગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.સંઘપ્રદેશ દમણના દલવાડા ગામમાં આજે એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

મળતી માહિતી મુજબ, દલવાડા ગામે આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આ ગોડાઉનમાં પ્લાસ્ટિકનો ભંગાર અને કેમિકલયુક્ત પદાર્થોનો મોટો જથ્થો હોવાથી આગ વધુ તીવ્ર બની હતી. આગ એટલી ભીષણ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગને પગલે આસપાસના રહીશોમાં પણ જીવ બચાવવા દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ દમણ ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, કેમિકલ અને પ્લાસ્ટિક હોવાના કારણે આગ વારંવાર ભભૂકી રહી છે, જેને કારણે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

Baroda : આલમગઢ તળાવમાં બે યુવકો અને શિનોરમાં પરિક્રમાવાસી નર્મદામાં ડૂબ્યા

0

વડોદરા જિલ્લામાં રવિવારે (22મી માર્ચ) ડૂબવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. વાઘોડિયાના આલમગઢ તળાવમાં નહાવા પડેલા ચાર મિત્રોમાંથી બે યુવકો લાપતા થયા છે, જ્યારે શિનોર પાસે નર્મદા નદીમાં એક પરિક્રમામાં આવેલો યુવક ડૂબ્યો હોવાની ઘટના બની છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા ત્રણેયની શોધખોળ તેજ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે ગઈકાલે (22મી માર્ચ) ચાર યુવકો તળાવમાં નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન અચાનક ચારેય યુવકો ડૂબવા લાગ્યા હતા. જોકે, બે યુવકોને તરતા આવડતું હોવાથી તેઓ જીવ બચાવીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે યુવકો ડૂબ્યા હતા. સાંજ સુધી બંનેની કોઈ ભાળ ન મળતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. ફાયર ટીમ દ્વારા બોટ અને ડાઈવર્સની મદદથી તળાવમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

બીજી ઘટના શિનોર તાલુકામાં બની છે, જ્યાં નર્મદા પરિક્રમા માટે આવેલો એક યુવક નદીમાં ડૂબ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવક નર્મદા મૈયાના દર્શન કરવા અને સ્નાન કરવા ગયો હતો, આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગઈકાલથી ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. આજે ફરીથી વહેલી સવારથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બંને સ્થળોએ વડોદરા ફાયર બ્રિગેડની ટીમો કાર્યરત છે. જ્યારે ગ્રામ્ય પોલીસ પણ આ બંને મામલે તપાસ કરી રહી છે.