Home Blog Page 257

Surat : 9 કિલો ગાંજા સાથે બે કિશોર ઝડપાયા, પોલીસે 4.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

0

સુરતની ઉધના પોલીસે 9.08 કિલો ગાંજાના જથ્થા સાથે બે કિશોરોની ધરપકડ કરી છે. કુલ 4.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી NDPS હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.ડ્રગ્સ મુક્ત સુરતના અભિયાન હેઠળ સુરત પોલીસની ઉધના ટીમને મોટી સફળતા મળી છે. ઉધના પોલીસે બાતમીના આધારે રેડ કરીને બે બાળ કિશોરોને ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી લીધા છે. આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો ગાંજો અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉધના પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, બે કિશોર નશીલા પદાર્થોની હેરાફેરી કરી રહ્યા છે. જે અંતર્ગત પોલીસે વોચ ગોઠવી બે બાળ કિશોરોને અટકાવ્યા હતા. તેમની તપાસ કરતા તેમની પાસેથી અંદાજે 9.08 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બજારમાં આ ગાંજાની કિંમત આશરે 4.54 લાખ રૂપિયા હોવાનું અંદાજવામાં આવ્યું છે.

પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત કિશોરો પાસેથી મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી કુલ 4.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બાબતે સુરત પોલીસના ડીસીપી ડો. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, બંને કિશોરો વિરૂદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ગાંજો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે. હાલમાં પોલીસે બંને કિશોરોની અટકાયત કરી આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Rajkot : ‘કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી…’, ડ્રેસ કોડ અને પ્રસંગોમાં ખોટા ખર્ચ અંગે બોલ્યા રૂપાલા

0

રાજકોટના ઈશ્વરીયા ગામ ખાતે કડવા પાટીદારના મહાસંમેલન દરમિયાન ડ્રેસ કોડ અને પ્રસંગોમાં ખોટા ખર્ચ અંગે પરષોત્તમ રૂપાલાએ ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, ‘કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી…’

રાજકોટમાં યોજાયેલા કડવા પાટીદાર સંમેલનમાં પરષોત્તમ રૂપાલાએ સમાજમાં લગ્ન સંબંધિત કેટલીક બાબતો પર ટકોર કરતાં કહ્યું કે, ‘લગ્નમાં પહેલા પ્રિ વેડિંગનો રિવાજ ન હતો. જેમાં સિદસર ઉમિયાધામ નક્કી કરતું તે તારીખે જ લગ્ન થતાં. ગામડે અને સહકુંટુંબમાં દીકરી આપવી નથી એ ચિંતાજનક છે. આ બાબતે ચિંતન કરજો નકર પ્રાણીઓ જેવી સ્થિતિ આવશે.’

વધુમાં તેમણે કહ્યું કે, ‘પહેલા લગ્નમાં જેટલો ખર્ચ થતો એટલો તો આજે ફક્ત આલ્બમમાં કરાય છે. જ્યારે અંગપ્રદર્શન થાય એવા ડ્રેસ કોડને પ્રમોશન આપવું ન જોઈએ. આમ, કડવા પાટીદાર સમાજમાં બંધારણની જરૂર છે.’તમને જણાવી દઈએ કે, આજે(22 માર્ચ) રાજકોટના ઈશ્વરીયા ગામે કડવા પાટીદારોનું સંમેલન યોજાયું હતું. અહીં રૂ.125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરાયું હતું. સંમેલન દરમિયાન સામાજિક માળખું, લગ્ન સહિતની બાબતે પરષોત્તમ રૂપાલાએ સમાજને ટકોર કરી હતી.

Gujarat : પેટલાદના બામરોલીમાં પ્રેમ લગ્ન મુદ્દે હોબાળો: યુવતીને બગીમાંથી ઉતારી મંદિરે દર્શન કરતા અટકાવાઈ

0

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બામરોલી ગામમાં પ્રેમ લગ્ન કરનાર એક યુવતી સાથે ગેરવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક સ્તરે ભારે તણાવ જોવા મળ્યો હતો.

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બામરોલી ગામમાં પ્રેમ લગ્ન કરનાર એક યુવતી સાથે ગેરવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક સ્તરે ભારે તણાવ જોવા મળ્યો હતો. શનિવારે રાત્રે જ્યારે નવદંપતીનો વરઘોડો નીકળ્યો હતો, ત્યારે સમાજના કેટલાક આગેવાનોએ પ્રેમ લગ્નનો વિરોધ કરી વરઘોડો અધવચ્ચે જ અટકાવી દીધો હતો. રોષે ભરાયેલા આગેવાનોએ યુવતીને બગીમાંથી નીચે ઉતારી દીધી હતી, જેને પગલે લગ્નના પ્રસંગમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ વિવાદ વધુ ત્યારે વકર્યો જ્યારે નવદંપતી પોતાના કુળદેવી માતાના દર્શન કરવા માટે મંદિર પહોંચ્યું હતું. સમાજના આગેવાનોએ તેમને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા અને દર્શન કરવા દેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. પ્રેમ લગ્ન કર્યા હોવાને કારણે સામાજિક વિરોધ દર્શાવવા માટે આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જોકે ન્યૂઝ ચેનલ આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરતું નથી.

પરિસ્થિતિ વણસતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે મધ્યસ્થી કરી દંપતીને સુરક્ષિત રીતે મંદિરે દર્શન કરાવ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. હાલમાં ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે, પરંતુ સામાજિક રીતે આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે.

Entertainment : બોક્સ ઓફિસ પર ધુરંધરનો દબદબો! 3 દિવસની કમાણી જોઈ બોલિવૂડ પણ સ્તબ્ધ, એનિમલ-પઠાણનો રેકોર્ડ તૂટ્યો

0

19 માર્ચના રોજ રિલીઝ થયેલી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવિંજ’ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ કમાણીના નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. આ ફિલ્મે તેની વિસ્ફોટક કમાણી સાથે શાહરૂખ ખાનની ‘જવાન’ અને ‘પઠાન’ તેમજ રણબીર કપૂરની ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. તમામ ભાષાઓમાં મળીને ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં વૈશ્વિક સ્તરે 499 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે.

બોક્સ ઓફિસ ડેટા એનાલિસિસ ‘સેકનિલ્ક’ના રિપોર્ટ અનુસાર, ‘ધુરંધર 2’ એ ભારતમાં શરૂઆતના બે દિવસમાં જ 226.27 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. આ આંકડો તાજેતરમાં રિલીઝ થયેલી અન્ય મોટી ફિલ્મોના બે દિવસના કલેક્શન કરતા ઘણો વધારે છે. ભારતમાં પહેલા બે દિવસનું ગ્રોસ કલેક્શન 269.39 કરોડ રૂપિયા નોંધાયું હતું, જ્યારે ત્રીજા દિવસે પણ ફિલ્મે પોતાની પકડ મજબૂત રાખતા 105 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન મેળવ્યું છે.

ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણીના આંકડા ખુબ જ આશ્ચર્યજનક છે. ભારતમાં કુલ નેટ કલેક્શન: 339.27 કરોડ રૂપિયા નોંધાયું છે. ભારતમાં કુલ ગ્રોસ કલેક્શન 402.50 કરોડ રૂપિયા છે જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન 499 કરોડ રૂપિયા છે. નિષ્ણાતોનું માનવું છે કે રવિવારના અંત સુધીમાં આ ફિલ્મ અગાઉના તમામ રેકોર્ડ્સ તોડીને નવો ઇતિહાસ રચશે.

જિયો સ્ટુડિયો અને B62 સ્ટુડિયો દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવશે, પરંતુ તે પહેલા કોમસ્કોરે ઓવરસીઝ કલેક્શનના આંકડા શેર કર્યા છે. અમેરિકામાં 46.34 કરોડ, કેનેડા: 18.75 કરોડ, UK: 11.60 કરોડ, ઓસ્ટ્રેલિયા: 9.80 કરોડ, જર્મની: 2.82 કરોડ, ન્યૂઝીલેન્ડ: 1.25 કરોડ રૂપિયા ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં પ્રદર્શનની વાત કરીએ તો ફિલ્મનું સૌથી વધુ વર્ચસ્વ હિન્દી ભાષામાં જોવા મળ્યું છે. અન્ય ભાષાઓની વાત કરીએ તો તેલુગુ: 6.30 કરોડ, તમિલ: 3.39 કરોડ, કન્નડ અને મલયાલમ વર્ઝનમાં ફિલ્મ હજુ 1 કરોડનો આંકડો પાર કરી શકી નથી.

National : DRIની નવી મુંબઈમાં મોટી કાર્યવાહી, 9.25 કરોડના ચીની વોકી-ટોકી કર્યા જપ્ત

0

શનિવારે જાહેર કરેલા એક સત્તાવાર નિવેદન મુજબ મુંબઈની બે ફર્મના માલિક એક પિતા-પુત્રની જોડીએ કોઈ પરવાનગી વગર આ સામાન ઈમ્પોર્ટ કરાવ્યો હતો. ત્યારે તેમને કસ્ટમ્સ એક્ટ હેઠળ તેમની ધરપકડ કરી લીધી છે.

DRIએ નવી મુંબઈના ન્હાવા શેવા બંદર પર 11,060 પ્રતિબંધિત વોકી-ટોકી સેટ અને સેકન્ડ હેન્ડ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જપ્ત કરી છે. જેની કૂલ કિંમત 9.25 કરોડ રૂપિયા છે. આ વાતની જાણકારી એક પોલીસ અધિકારીએ આપી છે.શનિવારે જાહેર કરેલા એક સત્તાવાર નિવેદન મુજબ મુંબઈની બે ફર્મના માલિક એક પિતા-પુત્રની જોડીએ કોઈ પરવાનગી વગર આ સામાન ઈમ્પોર્ટ કરાવ્યો હતો. ત્યારે તેમને કસ્ટમ્સ એક્ટ હેઠળ તેમની ધરપકડ કરી લીધી છે. વિશેષ ગુપ્ત જાણકારીના આધાર પર DRI અધિકારીઓની એક ટીમે 2.5 કરોડ રૂપિયાના વોકી-ટોકી અને 6.75 કરોડ રૂપિયાના સેકન્ડ-હેન્ડ HDDSને જપ્ત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રતિબંધિત સામાનોને 21 કરોડ રૂપિયાના અન્ય ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની વચ્ચે છુપાડીને રાખવામાં આવ્યા હતા. ચીનથી મોકલવામાં આવેલા 8 કન્ટેનરમાં આવેલા 30.25 કરોડ રૂપિયાના સમગ્ર માલને ખોટી જાહેરાતના આરોપમાં જપ્ત કરી લેવામાં આવ્યો.

સાથે જ આ પ્રકારના વોકી-ટોકીને DOT દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવેલા છે, કારણ કે તે ફ્રિકવન્સીની બહાર કામ કરે છે અને તેનો ઉપયોગ અનધિકૃત સંદેશાવ્યવહાર માટે કરવામાં આવે છે. જેનાથી રાષ્ટ્રીય સુરક્ષાનું જોખમ ઉભું થાય છે. આ ઉપકરણો માટે વિશેષ લાયસન્સની જરૂર હોય છે.

Jamnagar : ધોરણ 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું, પોક્સો અને એટ્રોસિટી હેઠળ ધરપકડ

0

જામનગરમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના અંતિમ દિવસે એક અત્યંત શરમજનક અને ચકચારી ઘટના સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી પરીક્ષા આપવા આવેલી એક સગીર વિદ્યાર્થિનીને કારમાં બેસાડી, નવા ઓવરબ્રિજ નીચે લઈ જઈ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં ચોંકાવનારી વિગત એ છે કે આરોપી જામનગરની એક મહિલા પોલીસ કર્મચારીનો પતિ (મૈત્રી કરારથી રહેતો) છે.

મળતી માહિતી અનુસાર, જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીર વિદ્યાર્થિની 16મી માર્ચના રોજ પોતાનું અંતિમ પેપર આપવા માટે એસ.ટી. બસમાં જામનગર આવી હતી. ડેપો પર ઉતરતા જ ચાર દિવસ પહેલાં સંપર્કમાં આવેલો ભરત બામરોટિયા નામનો શખસ તેને મળ્યો હતો. ભરતે વિદ્યાર્થિનીને પોતાની કારમાં બેસાડી સાત રસ્તા થઈ નવા ઓવરબ્રિજ નીચેના એકાંતવાળા ભાગમાં લઈ ગયો હતો. ત્યાં કારના ડાર્ક કાચ ચડાવી, વિદ્યાર્થિનીને ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના છતાં વિદ્યાર્થિનીએ હિંમત હાર્યા વગર તે દિવસનું પેપર આપ્યું હતું. મોડી સાંજે જ્યારે તે ઘરે પહોંચી, ત્યારે તેના ગળાના ભાગે ઈજાના નિશાનો જોઈ માતા અને ભાઈએ પૂછપરછ કરી હતી. વિદ્યાર્થિનીએ રડતા-રડતા સમગ્ર આપવીતી જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. રાત્રે જ પરિવાર જામનગર સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

ભોગ બનનાર સગીરા અને દલિત હોવાથી પોલીસે આરોપી ભરત બામરોટિયા સામે એસ્ટ્રોસિટી તેમજ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે. ગુનામાં વપરાયેલી કાર, મોબાઈલ ફોન અને તે સમયે પહેરેલા કપડાં પણ કબજે કરવામાં આવ્યા છે. અદાલતે આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે ભરત બામરોટિયા કારની લે-વેચનો વ્યવસાય કરે છે. તેના અગાઉ પ્રેમ લગ્ન થયા હતા અને એક સંતાન પણ છે, પરંતુ પત્ની સાથે અણબનાવ થતા તે છૂટો પડ્યો હતો. હાલમાં તે જામનગરમાં એક મહિલા પોલીસ કર્મચારી સાથે મૈત્રી કરારથી સંબંધમાં હતો અને તેની સાથે પોલીસ હેડક્વાર્ટરમાં જ રહેતો હતો. પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા શખસે જ સગીરા સાથે આવું કૃત્ય આચરતા પોલીસ બેડામાં પણ ચર્ચાઓ જાગી છે.

Rajkot : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ: આવતીકાલે રાહુલ ગાંધી અને 24 માર્ચથી કેજરીવાલ-માન ગુજરાતના પ્રવાસે

0

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. બીજી તરફ ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત ચૂકી છે ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આપના મોટા ગજાના નેતાઓ ગુજરાતની સ્થાનિક ચૂંટણી જીતવા સતત રાજ્યનો પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે આવતીકાલે 23 માર્ચે રાહુલ ગાંધી વડોદરાની મુલાકાતે છે, તો 24 થી 27 માર્ચ દરમિયાન AAPના સંયોજક કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસ ખેડશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કેજરીવાલ અને ભગવંત માનનો આ ગુજરાત પ્રવાસ આમ આદમી પાર્ટી માટે ખૂબ મહત્વનો છે. 24 થી 27 માર્ચ દરમિયાન બંને નેતાઓ ખાસ કરીને સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાના છે. 24 તારીખે સાંજે રાજકોટમાં તેમનું આગમન થશે. 25 તારીખે રાજકોટ ખાતે પ્રદેશ નેતૃત્વ બેઠક કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ઉમરેઠની પેટા ચૂંટણી અંગે ચર્ચા તેમજ આગામી વ્યૂહનીતિ ઘડશે. કેજરીવાલ ગુજરાતમાં ત્રણ જાહેર સભાને સંબોધન કરશે જેમાં અમરેલી, લાલપુર અને દેવગઢ બારીયા ખાતે આપ પાર્ટી દ્વારા તૈયારીઓને આદરી દેવામાં આવી છે.

બીજી તરફ રાહુલ ગાંધી વડોદરા મુલાકાતે આવશે. એવી અટકળો ચાલી રહી છે કે, રાજ્ય વિધાનસભાનું સત્ર 25 માર્ચે પૂર્ણ થશે. આ પછી 26 માર્ચે, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો સમયપત્રક જાહેર કરી શકે છે. 2021માં ગુજરાતના મુખ્ય શહેરોમાં ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે સુરતથી AAPએ રાજ્યમાં પ્રવેશ કર્યો હતો.

વડોદરામાં છેલ્લા સમયતી કોંગ્રેસ પક્ષની જીત થઈ નથી. જો કે, વડોદરાને અડીને આવેલા આદિવાસી પટ્ટામાં કોંગ્રેસે મજબૂત હાજરી જાળવી રાખી છે. આ પટ્ટાના મુખ્ય પ્રદેશોમાં છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ અને નર્મદાનો સમાવેશ થાય છે. 2027ની ચૂંટણીમાં ભાજપને પડકારવા માટે કોંગ્રેસે રાજ્યમાં પક્ષને પુનર્જીવિત કરવા માટે ‘સંગઠન નિર્માણ અભિયાન’ શરૂ કર્યું છે.

રાહુલ ગાંધીના પ્રવાસ કાર્યક્રમ માટે કેન્દ્રીય નેતૃત્વ તરફથી મંજૂરી મળ્યા બાદ શહેર અને રાજ્ય ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના પ્રભારી હાલ રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક છે. તાજેતરમાં અટકળો વહેતી થઈ હતી કે, પાર્ટી સચિન પાયલટને કમાન સોંપી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના નેતાઓ ભૂતકાળમાં પણ ગુજરાતના પ્રભારી તરીકે સેવા આપી ચૂક્યા છે. રાહુલ ગાંધી ઘણા સમય પછી વડોદરાની મુલાકાત આવશે. રાહુલ ગાંધીએ છેલ્લે જૂનાગઢની પહોંચ્યા હતા, ત્યારે તેમણે તમામ જિલ્લા પ્રમુખોની સભાને સંબોધિત કરી હતી.

Surendranagar : વઢવાણના આંગણે હુડો રાસ, ગોફ-ગૂંથણ અને પઢાર નૃત્યની પ્રસ્તુતિએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા, ઝાલાવાડની જનતા ઉમટી પડી

0

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વઢવાણના ઐતિહાસિક હવા મહેલ ખાતે આયોજિત બે દિવસીય ‘મિલેટ મહોત્સવ-૨૦૨૬’ ના પ્રથમ દિવસની સાંજ લોકકલા અને સંસ્કૃતિના અનોખા સંગમ સમાન બની રહી હતી.ઐતિહાસિક વિરાસત સમાન હવા મહેલને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યો હતો, જ્યાં રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ દરમિયાન યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. કલાકારોએ પોતાની પ્રસ્તુતિ દ્વારા ગુજરાતની ભાતીગળ પરંપરાને રંગેચંગે જીવંત કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જાણીતા કલાકાર પ્રદિપ એ. પરમાર અને તેમની ટીમે સૌરાષ્ટ્રની શાન ગણાતા ‘હુડો રાસ’ ની જોરદાર રમઝટ બોલાવી હતી. ત્યારબાદ, અત્યંત જટિલ ગણાતા ‘ગોફ-ગૂંથણ’ નૃત્યની અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં કલાકારોએ પરસ્પર તાલબદ્ધ રીતે દોરીની ગૂંથણી કરી અને ફરી તેને ગૂંચવણ વગર ઉકેલી નાખી પોતાની અદભૂત કુશળતાનો પરિચય આપ્યો હતો. મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે રામભાઈ પોપટભાઈ પઢાર અને તેમના સાથી કલાકારો દ્વારા વિશ્વવિખ્યાત ‘પઢાર નૃત્ય’ મંજીરા રાસ રજૂ કરવામાં આવ્યું હતું. નળકાંઠાના પઢાર સમુદાયની વિશિષ્ટ શૈલીમાં રજૂ થયેલા આ નૃત્ય અને મંજીરાના નાદે પ્રેક્ષકોને ડોલાવ્યા હતા.

આ સાથે જ કલાકાર વૈશાલીબેન મિસ્ત્રીએ આદ્યશક્તિની આરાધનાના પ્રતીક સમાન પ્રાચીન-અર્વાચીન ગરબા રજૂ કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે મુલાકાતીઓએ ધાન્ય આધારિત પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ વિવિધ વાનગીઓનો રસાસ્વાદ માણ્યો હતો. બાળકો માટે તૈયાર કરવામાં આવેલ વિશેષ ‘ચિલ્ડ્રન પ્લે એરિયા’ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના સુચારુ આયોજનના પરિણામે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઝાલાવાડવાસીઓ આ ઉત્સવમાં ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહોત્સવના બીજા દિવસે એટલે કે આજરોજ ખ્યાતનામ કલાકાર હિતેશકુમાર બારોટ દ્વારા ‘કસુંબલનો રંગ’ લોકસાહિત્યનો કાર્યક્રમ યોજાનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સાહિત્યિક મિજબાનીમાં પધારવા તમામ નાગરિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Amreli : જિલ્લાના નાગરિકોને 707 કરોડના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ, APMCમાં વિરાટ શેડનું લોકાર્પણ

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપતા અને જન સુખાકારીના 700થી વધુ કરોડના 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપતા અને જન સુખાકારીના 700થી વધુ કરોડના 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાની પ્રગતિને નવી દિશા આપતા પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી અમરેલી એ.પી.એમ.સી ખાતે વિશાળ જનસભા સંબોધી હતી.ખેડૂતોના ઉત્પાદનોના રક્ષણ માટે 12 કરોડના ખર્ચે બે લાખ ચોરસ ફૂટમાં નિર્મિત વિરાટ શેડનું તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર ઉદાર હાથે જોઈએ તેટલા નાણા આપશે.

તેમણે ઉમેર્યું હતું કે, અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે એક નવી તત્પરતા પણ જોવા મળી રહી છે, તાજેતરમાં યોજાયેલી સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ સમિટમાં માત્ર અમરેલી જિલ્લાના વિકાસ માટે જુદા જુદા પ્રોજેક્ટમાં રોકાણ અર્થે આશરે 36000 કરોડના એમ.ઓ.યુ પણ થયા છે. ઉપરાંત એક નવી જી.આઈ.ડી.સી પણ મંજુર કરવામાં આવી છે. છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે આયોજનબદ્ધ વિકાસ કાર્યો થાય તે જરૂરી છે, સાથે જ શહેરોમાં જે સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે તેટલી જ ગ્રામ્ય વિસ્તારમાં આપવા માટે ભાર મૂક્યો હતો. આજે ગુજરાતમાં નાણાંના અભાવે વિકાસનું કોઈપણ કાર્ય અટકતું નથી. અમરેલી જિલ્લાના લોકો પાણી માટેની મુશ્કેલીઓની પરિસ્થિતિને સારી રીતે અવગત છે, વરસાદી પાણીના સંગ્રહ માટે ધારાસભ્યોને દર વર્ષે 50 લાખની અલગથી ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી છે.

અમરેલીમાં મુખ્યમંત્રીએ આપેલા વિકાસકાર્યોની ભેટ થકી આગામી સમયમાં લાઠી રોડ, રેલવે ફાટક પર રૂ. 95 કરોડના ખર્ચે ઓવરબ્રીજ તૈયાર થશે. બાબાપુર માર્ગે રૂ. 35 કરોડના ખર્ચે કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ તૈયાર થવાની છે. વડિયા શહેર અને તાલુકાને પ્રથમ વિજ્ઞાન કોલેજની સુવિધા મળી છે. યુવાનો માટે રૂ.25 કરોડના ખર્ચે વિજ્ઞાન કેન્દ્ર અને રૂ. 16 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર થઈ રહ્યા છે. ગત બજેટમાં લાઇબ્રેરી માટે રૂ. 15 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ વરસડા ખાતે રૂ. 35 કરોડના ખર્ચે પાણી પુરવઠાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. થોડા સમય અગાઉ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક ખેડૂતો માટે રૂ. 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરી અને તાત્કાલિ સહાયતા જમા કરાવી હતી.

Business : યુદ્ધને કારણે અમેરિકા ખાતે મસાલાની મોસમના પ્રારંભે જ નિકાસ રૂંધાઇ

0

મુંબઈ : મસાલાની મોસમની સાથોસાથ ઈરાન યુદ્ધ ફાટી નીકળતા ભારત ખાતેથી અમેરિકામાં મસાલાની નિકાસ વર્તમાન વર્ષે નબળી રહેવાની શકયતા જોવાઈ રહી છે. એપ્રિલ-મે ભારતમાં મસાલાની વ્યસ્ત મોસમ તરીકે ઓળખાય છે. આ સમયગાળા દરમિયાન નવા મસાલા બજારમાં આવતા હોય છે.

ભારતના મસાલાના નિકાસકારોનો સંપર્ક સાધવાનું અમેરિકાના નિકાસકારોએ હાલમાં મોકૂફ રાખ્યું હોવાનું મસાલા બજારના સુત્રો જણાવી રહ્યા છે. અમેરિકા ખાતે ભારતની મસાલાની વાર્ષિક નિકાસ ૫૦ કરોડ ડોલર જેટલી છે.ભારતના મસાલા માટે અમેરિકા એક મોટુ નિકાસ મથક છે. યુદ્ધ લાંબુ ચાલશે તો દેશમાં મસાલાનો ભરાવો થશે જેને પરિણામે ઘરઆંગણે ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે, જે છેવટે ખેડૂતોની આવક પર અસર કરશે એમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાના ખરીદદારો તરફથી કોઈ જ પૂછપરછ આવતી નહીં હોવાનું સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું. નૂર ખર્ચમાં વધારા, વેપાર માર્ગ પર ખલેલ તથા યુદ્ધને કારણે બજારની અનિશ્ચિતતાને પગલે ખરીદદારો હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. યુદ્ધ શરૂ થવા પહેલા અપાયેલા ગયેલા ઓર્ડરો પણ રવાના થઈ શકયા નથી અને જે કંઈ રવાના થયા છે તેને પહોંચવામાં ઢીલ થઈ રહી છે, કારણ કે શિપિંગ કંપનીઓએ જહાજોના માર્ગ બદલવાની ફરજ પડી છે.

ભારત ખાતેથી અમેરિકામાં નિકાસ થતા મસાલામાં મુખ્યત્વે કરી પાવડર, મરચાં, મરી, હળદર તથા એલચીનો સમાવેશ થાય છે. નાણાં વર્ષ ૨૦૨૫માં મસાલાનો વાવણી વિસ્તાર ૫૦.૯૦ લાખ હેકટર રહ્યો હતો અને ઉત્પાદન ૪ ટકા વધી ૧.૩૦ કરોડ ટન રહ્યું હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું. નાણાં વર્ષ ૨૦૨૬માં ઉત્પાદન ઘટી ૧.૨૮ કરોડ ટન રહેવા ધારણાં છે.