Home Blog Page 261

Article : ધુરંધર 2′: સિનેમાના પડદે વાસ્તવિકતા અને કલ્પનાનું અટપટું મિશ્રણ – એક તાર્કિક વિશ્લેષણ

0

સિનેમા એ સમાજનું દર્પણ ગણાય છે, પરંતુ ક્યારેક એ દર્પણ ‘કોન્વેક્સ’ કે ‘કોનકેવ’ લેન્સ જેવું થઈ જાય છે, જેમાં સત્ય ક્યાંક નાનું દેખાય છે તો ક્યાંક અત્યંત વરવું અને મોટું કરી દેવામાં આવે છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર 2’ વિશે ચર્ચાઓનો દોર ગરમાયો છે. આ ફિલ્મ જોયા પછી સામાન્ય પ્રેક્ષક તો કદાચ તાળીઓ પાડીને બહાર નીકળી જાય, પણ એક જાગૃત નાગરિક અને સાહિત્યકાર તરીકે જ્યારે હું આ ફિલ્મની પરત ઉખેડું છું, ત્યારે અનેક તાર્કિક પ્રશ્નો સામે આવે છે.
​૧. ડિસ્ક્લેમરની માયાજાળ: સત્ય કે કલ્પના?
​ફિલ્મ શરૂ થાય એ પહેલાં જ પડદા પર એક લાંબુ-લચક ડિસ્ક્લેમર આવે છે: “આ ફિલ્મ સંપૂર્ણપણે કાલ્પનિક છે, જે વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેરિત છે… આ કોઈ ડોક્યુમેન્ટ્રી નથી…”
​અહીં જ પહેલો વિરોધાભાસ ઊભો થાય છે. જો ફિલ્મ કાલ્પનિક છે, તો ‘રિયલ ઇવેન્ટ્સ’ થી પ્રેરિત હોવાનો દાવો શા માટે? આ એક એવી છટકબારી છે જેનો ઉપયોગ ફિલ્મ સર્જકો વારંવાર કાયદાકીય ગૂંચવણોથી બચવા માટે કરે છે. પરંતુ સવાલ એ છે કે, જો તમે ઇતિહાસ કે વર્તમાનની કોઈ ચોક્કસ ઘટનાને આધારે ફિલ્મ બનાવો છો, તો પ્રેક્ષકો તેને સત્ય માની બેસે છે. જ્યારે તમે તેને ‘નાટકીય’ બનાવો છો, ત્યારે સત્યનો ગળું ઘોંટાઈ જાય છે. ભિયા, આને રિયલ ઇન્સ્પિરેશન કહેવું કે ફિક્શનના નામે ચલાવાયેલું અર્ધસત્ય?
​૨. હમઝાની ડાયરી: પ્રોફેશનલ જાસૂસ કે પબજી પ્લેયર?
​રણવીર સિંહે ભજવેલું ‘હમઝા’નું પાત્ર એક એવો RAW એજન્ટ છે જે છેલ્લા દસ વર્ષથી ISI અને પાકિસ્તાની અંડરવર્લ્ડમાં ઘૂસપેઠ કરીને ટોચ પર પહોંચ્યો છે. આટલી ઊંચાઈએ પહોંચવા માટે લોખંડી સંયમ અને અતિશય સાવધતા જોઈએ. પરંતુ હમઝા શું કરે છે? એ પોતાની પાસે રહેલો સૌથી મોટો પુરાવો—એક સિક્રેટ હિટ લિસ્ટ ડાયરી—પોતાના ઘરના કબાટમાં રાખે છે!
​આજના ડિજિટલ યુગમાં, જ્યાં ક્લાઉડ સ્ટોરેજ અને એન્ક્રિપ્ટેડ ડેટાની સુવિધા છે, ત્યાં એક પ્રોફેશનલ જાસૂસ શું હજી પણ કાગળ પર ડાયરી લખતો હશે? અને તે પણ એવી રીતે કે તેની પત્ની યલીના એક જ વાર તલાશી લેતા તેને શોધી કાઢે અને ગન તાણી દે? હમઝાને એટલી પણ ગતાગમ નહોતી કે તેની બીવી કબાટ ખોલશે? આ જાસૂસી વિજ્ઞાનનો અપમાન કરવા જેવું છે.
​૩. એસ.પી. ખાન અને સુરક્ષાની એસીતૈસી
​ફિલ્મમાં સંજય દત્ત ‘એસ.પી. ખાન’ ના રોલમાં છે. એક પોલીસ ઓફિસર જે હમઝા પર શક કરે છે, તે તેની સાથે વાત કરવા ક્યાં જાય છે? હમઝાના જ ઘરના ડ્રાઈવવેમાં! કોઈ પણ ગોપનીયતા વગર, ખુલ્લેઆમ! હમઝા આ બધું આસાનીથી સાંભળી લે છે અને તેને હેન્ડલ પણ કરી લે છે. વાસ્તવિક જીવનમાં ગુપ્તચર એજન્સીઓના ઓપરેશન આટલા બાલિશ નથી હોતા. શું આપણી પોલીસ અને એજન્સીઓ આટલી બિનઅનુભવી છે કે શંકાસ્પદના ઘરના આંગણે જઈને જ પ્લાનિંગ ડિસ્કસ કરે?
​૪. નોટબંધી અને ૬૦,૦૦૦ કરોડનું ગણિત
​ફિલ્મનો સૌથી વિવાદાસ્પદ મુદ્દો નોટબંધી (Demonetisation) છે. ફિલ્મ એવો દાવો કરે છે કે ISI ભારતની અર્થવ્યવસ્થાને તોડવા માટે ૬૦,૦૦૦ કરોડની ફેક કરન્સી ઘુસાડવાનું હતું, તેથી નોટબંધી કરવામાં આવી. ફિલ્મમાં એક પાત્ર પાસે ફેક નોટોથી ભરેલું ગોદામ રહી જાય છે અને તે જે રીતે કાર્ટૂની અંદાજમાં ગભરાય છે, તેના પર થિયેટરમાં તાળીઓ પડે છે.
​પરંતુ આંકડાકીય સત્ય કંઈક અલગ છે. RBI ના સત્તાવાર રિપોર્ટ મુજબ, નોટબંધી પછી ૯૯.૩% નોટો સિસ્ટમમાં પાછી આવી હતી. તો પછી એ ૬૦,૦૦૦ કરોડની નકલી નોટો ક્યાં ગઈ? શું તે બધી પકડાઈ ગઈ હતી? ફિલ્મ વાસ્તવિક આંકડાઓને નજરઅંદાજ કરીને વિજયનો ખોટો અહેસાસ કરાવે છે. સિનેમામાં મનોરંજન હોય તે ઠીક છે, પણ તે આર્થિક સત્યના ભોગે ન હોવું જોઈએ.
​૫. ઉત્તર પ્રદેશની સરકાર અને પાકિસ્તાની ડોન
​ફિલ્મમાં એક સંવાદ છે જ્યાં પાકિસ્તાની ડોન કહે છે કે “હવે યુપીમાં આપણી સરકાર બનાવવી મુશ્કેલ બનશે.” આ સંવાદ સાંભળતા જ અનેક પ્રશ્નો થાય છે. શું ભારતના સૌથી મોટા રાજ્યની સરકારો અત્યાર સુધી પાકિસ્તાનમાં નક્કી થતી હતી? આ સંવાદ માત્ર રાજકીય દ્વેષ અને સનસનાટી ફેલાવવા માટે જ લાગે છે. અખિલેશ યાદવ જેવા નેતાઓ સામે પરોક્ષ રીતે આંગળી ચીંધીને ફિલ્મ સર્જકો શું સાબિત કરવા માંગે છે? લોકશાહીમાં જનતા મતના આધારે સરકાર પસંદ કરે છે, નહીં કે વિદેશી ફંડિંગના આધારે.
​૬. ટાઈમલાઈનની ગરબડ: હમઝાનો સંસાર
​ફિલ્મની સ્ક્રિપ્ટમાં લજિકની ભારે ખામી જોવા મળે છે. હમઝા કહે છે કે તેણે તેની પત્ની સાથે બે વર્ષ વિતાવ્યા છે. પરંતુ ફિલ્મમાં તેની અને યલીનાની લગ્નજીવનની અવધિ અને તેમનું ૩-૪ વર્ષનું બાળક ટાઈમલાઈન સાથે મેચ થતું નથી. આ પ્રકારની ભૂલો દર્શાવે છે કે ફિલ્મ માત્ર ઇમોશનલ અત્યાચાર અને એક્શન પર જ ધ્યાન આપે છે, વિગતો (Details) પર નહીં. ઓમ રાઉત જેવા નિર્દેશકોની ટ્રેનિંગમાં કદાચ લોજિક ગૌણ બની જતું હોય તેવું લાગે છે.
​૭. પ્રોફેશનલ જાસૂસ કે ઈમ્પલ્સિવ ગુંડો?
​એક જાસૂસનું સૌથી મોટું શસ્ત્ર તેનું ‘ઠંડુ મગજ’ હોય છે. પરંતુ હમઝા તો આખી ફિલ્મમાં ગુસ્સા અને અહંકારમાં જ નિર્ણયો લે છે. તે વારંવાર ઈમ્પલ્સિવ (આવેગશીલ) બની જાય છે. જે માણસ દસ વર્ષથી અન્ડરકવર રહ્યો હોય, તે આટલો અસ્થિર મગજનો કેવી રીતે હોઈ શકે? જો તે આટલો જ ગુસ્સેલ હોત, તો ISI એ તેને પહેલા જ દિવસે ઠાર કર્યો હોત.
​૮. હિંસા અને અશ્લીલતાનો અતિરેક
​ફિલ્મમાં ગાળોનો જે રીતે વરસાદ થયો છે, તે સાંભળીને કાન લાલ થઈ જાય. હિંસા પણ એવી કે માનવતા કંપી ઉઠે. કોઈના મોઢામાં ગન નાખીને ગોળી મારવી, તો કોઈના કાનમાં. હદ તો ત્યારે થાય છે જ્યારે હમઝા એક નીચે પડેલા માણસના ગુદામાર્ગ (Rectum) માં ગનની નલી ફસાવીને ગોળી મારે છે. આ સીન શું દર્શાવવા માંગે છે? શું આ બહાદુરી છે? કે પછી વિકૃત માનસિકતાનું પ્રદર્શન? શૂટિંગ દરમિયાન આ સીન ફિલ્માવતી વખતે કલાકારોને હસવું આવ્યું હશે કે કમકમાટી? આ પ્રકારની હિંસા સિનેમાને કઈ દિશામાં લઈ જઈ રહી છે?
​૯. ‘બડા સાહેબ’ અને પાકિસ્તાની સત્તાની વાસ્તવિકતા
​ફિલ્મમાં દાઉદ ઈબ્રાહિમ જેવું જ એક પાત્ર ‘બડા સાહેબ’ તરીકે બતાવ્યું છે, જે આખું પાકિસ્તાન ચલાવે છે. અહીં ફિલ્મ મેકર્સ પાકિસ્તાની આર્મી અને ISI ને જાણે કે ગૌણ સાબિત કરી દે છે. આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાનની સત્તાની ધુરા ત્યાંની આર્મી પાસે છે, દાઉદ પાસે નહીં. દાઉદ જેવા લોકો ત્યાં માત્ર આશરો લઈને બેઠા છે. આ રીતે વિલનનું ગ્લોરીફિકેશન કરવું એ આંતરરાષ્ટ્રીય રાજકારણની ખોટી સમજ આપે છે.
​૧૦. નિષ્કર્ષ: જાગૃત પ્રેક્ષકોની જરૂર
​’ધુરંધર 2′ જેવી ફિલ્મો જ્યારે રાષ્ટ્રવાદના નામે અતિશયોક્તિ અને અતાર્કિકતા પીરસે છે, ત્યારે તે સમાજ માટે હાનિકારક બની શકે છે. રાષ્ટ્રવાદ એટલે માત્ર પાકિસ્તાન વિરોધી નારા લગાવવા કે રૂંવાડા ઉભા કરી દે તેવી હિંસા જોવી એ નથી. રાષ્ટ્રવાદ એટલે સત્ય અને ન્યાયના પક્ષે ઉભા રહેવું.
​આ ફિલ્મ કદાચ બોક્સ ઓફિસ પર કરોડો કમાઈ લેશે, પણ શું તે ઇતિહાસના પન્ના પર એક સાચી અને સચોટ ફિલ્મ તરીકે જીવંત રહેશે? ના. સિનેમામાં જ્યારે સત્યને કલ્પનાના રંગે એ રીતે રંગવામાં આવે કે સત્ય જ ઓળખાય નહીં, ત્યારે તે માત્ર એક પ્રોપગેન્ડા બનીને રહી જાય છે.
​જય હિન્દ, જય ભારત.
​લેખક અશ્વિન ગોહિલ

Vadodara : ગોત્રીની 3189 ફૂટ જમીન પડાવવા ડેવલોપરે બાેગસ સહીઓ કરાવી નકશા મંજૂર કરાવી લીધા

0

શહેરના ગોત્રી વિસ્તારની જમીનમાં કોમ્પ્લેક્સ બનાવવા માટે ડેવલપમેન્ટ કરાર કરનાર પેઢી અને મૂળ જમીન માલિકના પાવર ઓફ એટર્ની ધરાવતા શખ્સે બોગસ દસ્તાવેજો કરી રજાચિઠ્ઠી મેળવતાં પોલીસ ફરિયાદ થઇ છે.

જૂનાપાદરા રોડની મેઘ ધનુષ્ય  સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષના એસ્ટેટ બ્રોકર ભૂપેન્દ્રભાઇ દલવાડીએ પોલીસને કહ્યું છે કે, મારા દાદાએ વર્ષ-૧૯૮૧માં ગોત્રીની ૧૦૮૮૯ ફૂટ જમીન ઉપર બાંધકામ કરવા રજાચિઠ્ઠી માગી હતી.તેમનું અવસાન થતાં મારા પિતા મદનલાલે રજાચિઠ્ઠી છોડાવી હતી.જેમાં જમીન કપાતમાં જતી હોવાથી સંપાદન વખતે ૩૧૮૯ ફૂટ ભાગનું વળતર મળશે તેવી શરત હતી.

બ્રોકરે કહ્યું છે કે,આ પૈકી ૭૭૦૦ ફૂટ જમીન સેવાસીના અરવિંદ રતિલાલ પટેલ અને પ્રવિણ ડાહ્યાભાઇ પટેલને રૃ.૪.૯૨ લાખમાં વેચી હતી.જેથી બાકીની ૩૧૮૯ ફૂટ જમીનના વળતર માટે અમારો અધિકાર હતો.જમીન લેનારે આ જમીન પર રૃક્ષ્મણી કોમ્પ્લેક્સ બનાવવા માટે રવિ ચન્દ્રકાન્ત પટેલ(રવિ ફાર્મ,ખાનપુર)ને આપી ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝ ના નામે પેઢી બનાવી હતી.તેમણે મારા પિતાનો પાવર ઓફ એટર્ની ધરાવતા મનહરસિંહ ઉર્ફે મહેશ નાનભા ઝાલા(મંગલ દિપ સોસાયટી,ઓપી રોડ)ને હાથમાં લઇ પિતાની બોગસ સહીઓ અને કબૂલાત રજી કરીને રિવાઇઝ નકશા મંજૂર કરાવ્યા હતા.જેને કારણે વળતર જતું કરવાથી પેઢીને એક માળ વધારાની એફએસઆઇ મળી હતી.આમ બોગસ ડોક્યુમેન્ટથી અમને રૃ.૧.૮૮ કરોડનું નુકસાન થયું છે.પોલીસે ચારેય જણા સામે ગુનો નોંધ્યો છે.

Ahmedabad : હિમાલયા મોલમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક ધંધા સામે આવ્યા

શહેરના વસ્ત્રાપુરમાં આવેલા હિમાલયા મોલ સ્થિત એક સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા એક સ્પામાં દરોડો પાડીને મસાજની આડમાં ચાલતા દેહવિક્રયના કારોબારને ઝડપીને પોલીસે નોર્થ ઇસ્ટની ત્રણ યુવતીઓને છોડાવીને મુખ્ય સંચાલક સહિત બે વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

મોલના સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે મોલમાં પરિવાર સાથે લોકો ફરવા આવે છે અહીયા મોટો પ્રમાણમાં મસાજ સેન્ટરની આડમાં દેહવિક્રયનો કારોબાર ચાલે છે.અમદાવાદ ક્રાઇમબ્રાંચના તાબામાં આવતા એન્ટી હ્યુમન ટફિકીંગ યુનિટના  સ્ટાફને બાતમી મળી હતી કે  હિમાલયા મોલ બીજા માળે આવેલા બુધ્ધા સ્પામાં બહારથી થેરાપીસ્ટના નામે યુવતીઓને લાવીને તેમની પાસે મસાજની આડમાં દેહવિક્રયનો કારોબાર કરવામાં આવે છે. જેના આધારે ડમી ગ્રાહક મોકલીને મેનેજર સની સંતોષ સાથે વાત કરીને ડીલ નક્કી થતા પોલીસે દરોડો પાડતા ત્રણ યુવતીઓ મળી આવી હતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સ્પાનો સંચાલક ઇરશાદ સૈયદ (રહે. કારંજ) સ્પા ચલાવતો હતો અને યુવતીઓને ગ્રાહક દીઠ એક હજાર અપાવવાનું કહીને કાળો કારોબાર ચલાવતો હતો. તેણે સ્પા સેન્ટરમાં સાત રૂમ પણ બનાવ્યા હતા.આ દરોડાને પગલે મોલમાં ચાલતા અન્ય સ્પા સેન્ટર સંચાલકોએ નાસી ગયા હતા. હિમાલયા મોલમાં વિવિધ શોપના સંચાલકોએ જણાવ્યું હતું કે હિમાલયા મોલમાં લોકો પરિવાર સાથે આવતા હોય છે. પરંતુ, મોલમાં સ્પાના નામે ચાલતા સેન્ટરમાં અનૈતિક ધંધા ચાલતા હોવાથી અમે પરેશાન થઇ ગયા છે. પરંતુ, પોલીસ તેમના વહીવટદારના એજન્ટની મદદથી પૈસા લઇને બધુ બેરોકટોક રીતે ચાલવા દે છે અને મોલમાં પોલીસની રહેમનજર હેઠળ સ્પા સેન્ટર વધી ગયા છે. બીજી તરફ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે બુઘ્ઘા સ્પાની બાજુમાં આવેલા લી થાઇ નામના સ્પાના સંચાલક યુવરાજની પણ પોલીસ સાથે મિલીભગત છે. જે હિમાલયા મોલમાં આવેલા તમામ સ્પા માટે નાણાં ઉઘરાવીને પોલીસને પહોંચતા કરે છે. જેથી પોલીસનો દરોડો પડતો નથી. પરંતુ, બુદ્ઘા સ્પા સંચાલક સાથે હપતા ખોરી બાબતે વિવાદ થતા દરોડો પાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે. યુવરાજ નિયમિત રીતે મોલ સ્થિત સ્પા માટે વહીવટ કરતો હતો.

Rashi : 22 માર્ચ, 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ

આજે નવા અવસરો મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને અટકેલા કામ પૂરા થશે. ક્યાંકથી શુભ સમાચાર મળી શકે છે.

વૃષભ

પરિવારમાં સુમેળ રહેશે. ધનલાભના યોગ છે. કોઈ નવા કાર્યની શરૂઆત માટે સમય ઉત્તમ છે.

મિથુન

તમારો સંવાદ કૌશલ્ય સહાયરૂપ બનશે. કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓ સફળ થશે. મિત્રો તરફથી સહકાર મળશે.

કર્ક

ઘર-પરિવારમાં શાંતિ રહેશે. ભાવુક નિર્ણય લેવાનું ટાળો. આરોગ્યનું ધ્યાન રાખો.

સિંહ

આજે તમારું વ્યક્તિત્વ આકર્ષક રહેશે. નોકરી તથા વ્યવસાયમાં પ્રગતિના સંકેત છે. કોઈ જૂના કામથી લાભ મળી શકે છે.

કન્યા

કાર્યક્ષેત્રમાં સાવધાની રાખો. અનાવશ્યક ખર્ચથી બચો. કોઈ સલાહકારની મદદથી લાભ થશે.

તુલા

માન-સન્માન વધશે. ભાગીદારીમાં કામ કરવાથી લાભ મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

વૃશ્ચિક

આજે ગુપ્ત કામોમાં સાવધાની રાખો. કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત ટાળો. પરિવાર તરફથી સહકાર મળશે.

ધનુ

મુસાફરીના યોગ છે. પ્રગતિના નવા અવસર મળી શકે છે. વિવાદોથી દૂર રહો.

*મકર

આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મહેનતનું ફળ મળશે. પરિવાર સાથે સારું સમય પસાર થશે.

કુંભ

આજે તમારો મન સર્જનાત્મક કાર્યોમાં લાગશે. અચાનક ધનલાભ શક્ય છે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે.

મીન

આજે ચિંતા ઓછી થશે. કામકાજમાં ઝડપ આવશે. પ્રેમ અને પરિવારિક જીવન સુખદ રહેશે.

Patan : જીલિયા ફાર્મ હાઉસ હુમલા બાદ મોટી કાર્યવાહી, LCBના 4 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

0

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકા સ્થિત જીલિયા ફાર્મ હાઉસ પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. આ હુમલા બાદ પોલીસની કામગીરી અને આરોપીઓ સાથેના વ્યવહારને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકા સ્થિત જીલિયા ફાર્મ હાઉસ પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. આ હુમલા બાદ પોલીસની કામગીરી અને આરોપીઓ સાથેના વ્યવહારને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો. સમાજની લાગણી દુભાતા વિરોધ પ્રદર્શનો અને જાહેર સભાનું આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પર ભારે દબાણ સર્જાયું હતું.

સ્થિતિને કાબૂમાં લેવા માટે આજે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓ અને પાટણ જિલ્લા પોલીસ વડા વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજ દ્વારા મૂકવામાં આવેલી વિવિધ માંગણીઓ અંગે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. અંતે, પોલીસ વડાએ સમાજની વાજબી માંગણીઓનો સ્વીકાર કરતા અને આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. પોલીસના હકારાત્મક વલણને જોતા સમાજ દ્વારા યોજાનારી જાહેર સભા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણમાં ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ પાટણ LCB (Local Crime Branch) ના 4 પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોપીઓની જાહેરમાં ‘સરભરા’ કરવાના મામલે શિસ્તભંગના પગલાં લેવાતા પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા પોલીસ વડાની આ કડક કાર્યવાહીને પગલે સમાજમાં શાંતિનો માહોલ સ્થપાયો છે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે તંત્ર સજ્જ હોવાનો સંદેશ વહેતો થયો છે.

Anand : ઉમરેઠના લીંગડા પાસે કન્ટેનર કાંસમાં ખાબક્યું, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ

0

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના લીંગડા ગામ પાસે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. કેનાલ નજીક પસાર થઈ રહેલા એક વિશાળ કન્ટેનરના ચાલકે અન્ય એક વાહનને બચાવવાના પ્રયાસમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર પાણી ભરેલા કાંસમાં ખાબક્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉમરેઠના લીંગડા ગામે કેનાલ પાસેના માર્ગ પરથી એક કન્ટેનર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન સામેથી આવતા એક ટેમ્પોને બચાવવા જતાં કન્ટેનર ચાલકે અચાનક બ્રેક મારી હતી અને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. પરિણામે, કન્ટેનર રોડની સાઈડમાં આવેલા પાણીથી ભરેલા ઉંડા કાંસમાં પલટી ખાઈ ગયું હતું.

કન્ટેનર કાંસમાં ખાબકતા મોટો અવાજ થયો હતો, જેને પગલે આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણી ભરેલા કાંસમાં કન્ટેનર હોવા છતાં, ડ્રાઈવર સમયસૂચકતા વાપરીને સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. ગ્રામજનોએ ડ્રાઈવરને પ્રાથમિક મદદ પૂરી પાડી હતી.

ઘટનાની જાણ થતા જ ઉમરેઠ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી કન્ટેનરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કેનાલ રોડ પર વારંવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

National : Central Governmentનો મોટો નિર્ણય, LPG સપ્લાયમાં 20 ટકાનો વધારો કરાશે

0

આ વધારાની ફાળવણી બાદ કુલ સપ્લાય સંકટ પૂર્વના સ્તરના 50 ટકા સુધી પહોંચી જશે. સરકારે આ વધારાની ફાળવણીને પ્રાથમિકતા આધારિત વિતરણ માટે સૂચનાઓ આપી છે.

કેન્દ્ર સરકારે LPG સપ્લાય વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તમામ રાજ્ય સરકારોને આ અંગે પત્ર લખીને જાણ કરી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સચિવ ડૉ. નીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને આ પત્ર મોકલ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે 23 માર્ચ 2026થી આગામી સૂચના સુધી રાજ્યોને વધારાના 20 ટકા LPG ફાળવણી કરવામાં આવશે.

આ વધારાની ફાળવણી બાદ કુલ સપ્લાય સંકટ પૂર્વના સ્તરના 50 ટકા સુધી પહોંચી જશે. સરકારે આ વધારાની ફાળવણીને પ્રાથમિકતા આધારિત વિતરણ માટે સૂચનાઓ આપી છે. આ નિર્ણય હેઠળ રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ, ઔદ્યોગિક કેન્ટીન, ખાદ્ય પ્રક્રિયા એકમો અને ડેરી ઉદ્યોગોને LPG ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત રાજ્ય સરકારો અથવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી સબસિડાઈઝ્ડ કેન્ટીન, કોમ્યુનિટી કિચન અને જાહેર ભોજન કેન્દ્રોને પણ ગેસ ફાળવણી આપવામાં આવશે.

સાથે જ પ્રવાસી શ્રમિકો માટે 5 કિલોગ્રામ FTL (ફ્રી ટ્રાન્સફરેબલ લિમિટ) હેઠળ LPG ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વધારાની ફાળવણીનો દુરુપયોગ ન થાય તે માટે જરૂરી દેખરેખ અને નિયંત્રણ વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવશે. આ પગલાને કારણે નાના ઉદ્યોગો, હોટેલ અને ખાદ્ય ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓને મોટી રાહત મળશે તેવી અપેક્ષા છે.

National : 6 વર્ષ બાદ ચીન અને ભારત વચ્ચે ડાયરેક્ટ એર ચાઈનાની ફ્લાઈટ ઉડાન ભરશે

0

ચીની દૂતાવાસના પ્રવક્તા યૂ જિંગે આજે શનિવારે એક મહત્વની જાહેરાત કરી છે. એર ચાઈના બીજિંગ અને દિલ્હી વચ્ચે સીધી ફ્લાઈટ્સ ફરી શરૂ કરવા જઈ રહી છે. યૂ જિંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, આ માત્ર મુસાફરી નથી પરંતુ વેપાર, પ્રવાસન, વિશ્વાસ અને SCO, બ્રિક્સ જેવા મંચો પર લોકો વચ્ચે સહયોગ વધારવા માટેનું એક મોટું પગલું છે. જેનાથી બંને દેશોના નાગરિકોને સીધી કનેક્ટિવિટી મળશે, સમય અને ખર્ચની બચત થશે. લોકો ટ્રાન્ઝિટ વગર બંને દેશોની રાજધાનીઓ વચ્ચે સરળતાથી મુસાફરી કરી શકશે, જે કોરોના બાદ સંબંધો સામાન્ય થવાનું પ્રતીક છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં કોવિડ-19 મહામારી અને સરહદ પરના તણાવને કારણે ભારત અને ચીન વચ્ચેની તમામ સીધી ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી હતી. લગભગ 6 વર્ષ પછી, ઓક્ટોબર 2025માં આ ઉડાન સેવાઓ ફરી શરૂ થઈ. ઈન્ડિગોએ કોલકાતા-ગ્વાંગઝૂ રૂટ શરૂ કર્યો, ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સે શાંઘાઈ-દિલ્હી ફ્લાઈટ્સ શરૂ કરી અને એર ઈન્ડિયાએ ફેબ્રુઆરી 2026થી દિલ્હી-શાંઘાઈ ફ્લાઈટ્સ શરૂ કરી. હવે એર ચાઈનાની બીજિંગ-દિલ્હી ફ્લાઈટ્સ આ મુસાફરીને વધુ મજબૂત બનાવશે. અગાઉ પણ એર ચાઈના દિલ્હી અને મુંબઈ સુધી ઉડાન ભરતી હતી, પરંતુ મહામારી અને તણાવને કારણે બધું અટકી ગયું હતું. આ પગલું બંને દેશોની કૂટનીતિમાં સકારાત્મક ફેરફાર દર્શાવે છે.

આ ફ્લાઈટ ફરીથી શરૂ થતાં વેપાર અને પ્રવાસનને મોટું પ્રોત્સાહન મળશે. બંને દેશો વચ્ચે વેપારી આદાનપ્રદાન સરળ બનશે અને વેપારીઓ ઝડપથી મુસાફરી કરી શકશે. પ્રવાસીઓ ટ્રાન્ઝિટ વગર બીજિંગના ઐતિહાસિક સ્થળો અને દિલ્હીના સાંસ્કૃતિક વારસાને જોઈ શકશે. તેનાથી લોકો વચ્ચે પરસ્પર સમજણ વધશે અને વિશ્વાસ નિર્માણમાં મદદ મળશે. આર્થિક દૃષ્ટિકોણથી તે બંને અર્થતંત્રો માટે ફાયદાકારક સાબિત થશે, કારણ કે પ્રવાસન અને વેપારથી રોજગારી અને આવક વધશે. SCO અને બ્રિક્સ જેવા મંચો પર સહયોગ વધુ મજબૂત બનશે, જે પ્રાદેશિક વિકાસ માટે જરૂરી છે.

ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવાની દિશામાં વધુ એક સકારાત્મક પગલું છે. બ્રિક્સ અને SCO જેવા મંચો પર સહયોગ વધારવા માટે વધુ સારી કનેક્ટિવિટી જરૂરી છે. બંને દેશો વિશ્વની બે સૌથી મોટી વસ્તી ધરાવતા રાષ્ટ્રો છે અને તેમની વચ્ચે સારા સંબંધો પ્રાદેશિક સ્થિરતા માટે જરૂરી છે. આશા છે કે ભવિષ્યમાં વધુ રૂટ્સ ખુલશે અને ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થશે. પરંતુ સરહદી મુદ્દાઓ પર વાતચીત ચાલુ રાખવી પણ એટલી જ જરૂરી છે. નવા સંબંધોની શરૂઆત બંને દેશોની કૂટનીતિમાં પરિપક્વતા દર્શાવે છે અને ભવિષ્યમાં મજબૂત ભાગીદારીનો પાયો નાખશે.

Tharad : ઢીમાં ચાર રસ્તા પાસે ચાલતી બસમાં લાગી આગ, ડ્રાઈવરની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ

0

થરાદના ઢીમાં ચાર રસ્તા પાસે ચાલતી બસમાં અચાનક આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી. ડ્રાઈવરની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી, તમામ મુસાફરો સુરક્ષિત છે.

વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આજે એક મોટી દુર્ઘટના ટળી છે. થરાદના ધરણીધર ઢીમાં ચાર રસ્તા પાસે એક ચાલતી બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, બસ ચાલકની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, મુસાફરો ભરેલી બસ જ્યારે ધરણીધર તાલુકા મથક નજીક ઢીમાં ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ચાલુ બસે ધુમાડા નીકળતા જોઈ ડ્રાઈવર તરત જ સતર્ક થઈ ગયો હતો અને બસને ઊભી રાખી દીધી હતી. ડ્રાઈવરે બૂમાબૂમ કરતા મુસાફરોમાં અફરા-તફરી મચી ગઈ હતી, પરંતુ સમયસર તમામ મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા.

મુસાફરો નીચે ઉતર્યાની ગણતરીની મિનિટોમાં જ આગે આખી બસને લપેટમાં લઈ લીધી હતી. બસ સળગતી જોઈ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ એકઠા થઈને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાક થઈ ગઈ હતી.

સદનસીબે ડ્રાઈવરની હાજરબુદ્ધિ અને સમયસૂચકતાને કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. જો ડ્રાઈવરે સમયસર બસ ન ઊભી રાખી હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Entertainment : PM મોદીને કારણે આ વ્યક્તિ ઈન્ટરનેટ પર છવાયો, યુવરાજ દુઆની રીલે મચાવી ધૂમ

0

યુવરાજ દુઆએ એક ફની રીલ બનાવી હતી જેમાં તેને પિતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ફેન છે અને તેમની દરેક વાત માને છે. આ રીલ પર પીએમ મોદીએ ફની જવાબ આપ્યો.

યુવરાજ દુઆનું નામ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. હકીકતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર યુવરાજ દુઆની રીલ શેર કરી છે. પીએમ મોદીના આ રિલ કર્યા પછી યુવરાજ દુઆ અચાનક ચર્ચાનો વિષય બની ગયો છે, અને લોકો તેના વિશે વધુ જાણવા માટે ઉત્સુક છે.

યુવરાજ દુઆએ તાજેતરમાં એક ફની રીલ બનાવી હતી જેમાં તેને પોતાના પિતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ મોટા ફેન છે અને તેમની દરેક વાત માને છે.રીલમાં યુવરાજ દુઆએ પીએમ મોદીને અપીલ કરતા કહ્યું કે “સાહેબ, આગલી વખતે જ્યારે તમે મન કી બાતમાં હોવ, ત્યારે કૃપા કરીને એમને ઓછી ખાંડ ખાવાની સલાહ આપો.” લોકોને તેની આ અનોખી રિક્વેસ્ટ ખૂબ ગમી, અને યુવરાજની રીલ ઝડપથી વાયરલ થઈ ગઈ.

આ વાયરલ રીલ જોઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રીલ શેર કરતા લખ્યું કે “યુવરાજની વિનંતી પર, હું તેમના પિતા (અને દરેકને) ખાંડનું સેવન ઓછું કરવા માટે પ્રોત્સાહિત કરવા માગુ છું. સ્વસ્થ રહો, ખુશ રહો.” પીએમ મોદીનો જવાબ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેમની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.