Home Blog Page 264

Business : ચાંદી રૂ. 28,000 સસ્તી થઈ! એક સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટ

0

આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો નોંધાયો છે. સોનાના ભાવમાં એક જ સપ્તાહમાં 11,000 રૂપિયાનો ઘટાડો આવતા તે 1.47 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે, જે ગત 13 માર્ચે 1.58 લાખ રૂપિયાના સ્તરે હતું.

ચાંદીના ભાવમાં પણ 28,000 રૂપિયાનો ધરખમ ઘટાડો થયો છે, જેને કારણે તેની કિંમત પ્રતિ કિલો 2.60 લાખથી ઘટીને હવે 2.32 લાખ રૂપિયા થઈ ગઈ છે. નિષ્ણાતો માને છે કે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવને પગલે રોકાણકારો સોનામાંથી રોકાણ પાછું ખેંચીને રોકડ(ડૉલર) એકત્ર કરી રહ્યા છે, જેની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે.

2026ના વર્ષમાં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું તેના સર્વોચ્ચ સ્તરથી અત્યાર સુધીમાં 28,903 રૂપિયા સસ્તું થયું છે, જ્યારે ચાંદી તેના ઓલટાઈમ હાઈ એટલે કે 3.86 લાખ રૂપિયાથી ઘટીને હવે 1.53 લાખ રૂપિયા જેટલી સસ્તી થઈ ગઈ છે. આમ, છેલ્લા 50 દિવસમાં ચાંદીના ભાવમાં થયેલો આ ઘટાડો રોકાણકારો અને ગ્રાહકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

National : દેશમાં ખુલશે 100 નવી સૈનિક સ્કૂલ, NCCનું પણ થશે વિસ્તરણ; રક્ષા મંત્રીની જાહેરાત

0

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને દેશભક્તિના મૂલ્યોને વધુ મજબૂત કરવા માટે મોટી જાહેરાતો કરી છે. સૈનિક સ્કૂલ ઘોડાખાલના હીરક મહોત્સવને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે, સરકાર દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓ ખોલવા જઈ રહી છે અને NCC ના વ્યાપમાં પણ મોટો વિસ્તાર કરવામાં આવશે.

રાજનાથ સિંહે નેશનલ કેડેટ કોરના (NCC) વિસ્તાર અંગે માહિતી આપતા કહ્યું કે, “અમે NCC માં ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કર્યો છે. પહેલા ભરતીનો લક્ષ્યાંક 17 લાખ હતો, જેને હવે વધારીને 20 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.” આ પગલાથી વધુમાં વધુ બાળકોને રાષ્ટ્ર નિર્માણ માટેના સંસ્કારો શીખવાની તક મળશે.

સૈન્યલક્ષી શિક્ષણના વ્યાપને વધારવા માટે સરકારે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ દેશમાં 100 નવી સૈનિક શાળાઓ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. રક્ષા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ સંસ્થાઓ માત્ર રક્ષા સેવાઓ માટે જ નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ પૂરૂ પાડવા માટે પણ યુવાનોને સક્ષમ બનાવશે.

રાજનાથ સિંહે સૈનિક શાળાઓમાં છોકરીઓના પ્રવેશને મંજૂરી આપવાના સરકારના નિર્ણયને ઐતિહાસિક અને ક્રાંતિકારી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, “આ નિર્ણય મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું સીમાચિહ્ન છે. મહિલા કેડેટ્સના પ્રદર્શને સાબિત કરી દીધું છે કે આપણી દીકરીઓ દરેક ક્ષેત્રમાં દીકરાઓની સમોવડી છે.”

આ પ્રસંગે તેમણે ઘોડાખાલ સૈનિક સ્કૂલની સિદ્ધિઓની પ્રશંસા કરતા જણાવ્યું કે, આ શાળાએ અત્યાર સુધીમાં 800 થી વધુ વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) ને આપ્યા છે. 2,000 થી વધુ કેડેટ્સ અહીંથી અભ્યાસ કરીને CDS અને AFCAT જેવા માધ્યમો દ્વારા દેશની સેવા કરી રહ્યા છે.

કેડેટ્સમાં જોશ ભરતા રાજનાથ સિંહે શિસ્ત અને તત્પરતા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે બાળકોને મંત્ર આપતા કહ્યું, “તૈયાર રહો, હંમેશા તૈયાર રહો.” કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે માનસિક મજબૂતી અને શારીરિક ફિટનેસ અનિવાર્ય છે. તેમણે અંતમાં ઉમેર્યું કે, એક સશક્ત રાષ્ટ્ર ત્યારે જ બને છે જ્યારે તેના નાગરિકો કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે માનસિક અને શારીરિક રીતે સજ્જ હોય.

Business : ઔદ્યોગિક ડીઝલમાં તોતિંગ વધારો, ફેક્ટરી ઉત્પાદન ખર્ચ વધતા રોજિંદી વસ્તુઓના ભાવ વધશે

0

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસર હવે ભારતીય ઉદ્યોગો પર દેખાવા લાગી છે. IOC દ્વારા ઔદ્યોગિક ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 21.92 નો નાટ્યાત્મક વધારો કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસર હવે ભારતીય ઉદ્યોગો પર દેખાવા લાગી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) દ્વારા ઔદ્યોગિક (Bulk) ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹21.92 નો નાટ્યાત્મક વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે ઔદ્યોગિક ડીઝલનો ભાવ ₹87.67 થી વધીને ₹109.59 પ્રતિ લિટર પર પહોંચી ગયો છે.

ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શું આ ડીઝલ સામાન્ય ડીઝલથી અલગ છે? હકીકતમાં, ઔદ્યોગિક ડીઝલ અને પેટ્રોલ પંપ પર મળતું છૂટક ડીઝલ બંને સમાન ‘હાઇ સ્પીડ ડીઝલ’ (HSD) જ છે. તફાવત માત્ર તેની ખરીદીની પદ્ધતિ અને ટેક્સ માળખામાં છે.છૂટક ડીઝલ જે સામાન્ય વાહનચાલકો પેટ્રોલ પંપ પરથી પુરાવે છે.ઔદ્યોગિક ડીઝલ જે તેલ કંપનીઓ સીધા ટેન્કરો દ્વારા મોટા ઉદ્યોગો, મોલ, હોસ્પિટલો અથવા વીજ મથકોને જથ્થાબંધ સપ્લાય કરે છે.

તેલ કંપનીઓએ આ ભાવવધારા પાછળ રશિયા-યુક્રેન સંકટ અથવા આંતરરાષ્ટ્રીય અસ્થિરતાને કારણે વધેલા ક્રૂડ ઓઈલના ભાવને જવાબદાર ગણાવ્યા છે. છેલ્લા 25 દિવસમાં ક્રૂડ ઓઈલ 35% મોંઘું થઈને પ્રતિ બેરલ $107 ની આસપાસ પહોંચી ગયું છે, જેની સીધી અસર જથ્થાબંધ ખરીદદારો પર પડી છે.

જોકે પેટ્રોલ પંપ પરના ભાવ અત્યારે સ્થિર છે, પરંતુ ઔદ્યોગિક ડીઝલ મોંઘું થવાથી મોંઘવારીનું ચક્ર ગતિમાન થશે.સિમેન્ટ, સ્ટીલ અને અન્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં મશીનરી ચલાવવા ડીઝલ વપરાય છે. ખર્ચ વધતા આ વસ્તુઓ મોંઘી થશે.મોટા જનરેટર (DG સેટ) પર ચાલતા ઉદ્યોગો અને હાઉસિંગ સોસાયટીઓમાં વીજળીનો ખર્ચ વધશે.મોટા મોલ, ઓફિસ કોમ્પ્લેક્સ અને હોસ્પિટલોમાં બેકઅપ પાવર માટે ડીઝલ વપરાય છે, જે અંતે ગ્રાહકોના બિલમાં ઉમેરાશે.

National : Eid-ul-Fitr 2026: દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઈદની ઉજવણી, PM મોદીએ પાઠવી શુભકામના

0

દેશભરમાં ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી! એક મહિનાના પવિત્ર રમઝાન બાદ મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવી છે

આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્ર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે. એક મહિનાના ઉપવાસ પછી, લોકો મસ્જિદોમાં નમાઝ અદા કરે છે, એકબીજાને ગળે લગાવે છે અને શુભેચ્છાઓ આપે છે. મસ્જિદો અને ઈદગાહમાં ઈદની નમાઝનો સમય પહેલાથી જ નક્કી થઈ ગયો છે. ઈદનો દિવસ “ઈદ નમાઝ” નામની ખાસ નમાઝથી શરૂ થાય છે, જે ખુલ્લી જગ્યાઓ અથવા મસ્જિદોમાં અદા કરવામાં આવે છે. નમાઝ પછી, લોકો એકબીજાને ગળે લગાવે છે અને ઈદ મુબારક કહે છે. પીએમ મોદીએ ઇદ તહેવારની શુભકામના પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદના અવસર પર શુભેચ્છા પાઠવતા કહ્યું કે આ તહેવાર ભાઈચારો અને માનવતાને વધુ મજબૂત બનાવે છે. સૌને ખુશી અને સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવતા તેમણે ઈદ મુબારક પાઠવ્યા. તેમણે નવરોઝના ખાસ પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પણ પાઠવી. તેમણે કહ્યું કે આ વર્ષ સૌ માટે ખુશી અને સમૃદ્ધિ લાવે, સૌ સ્વસ્થ રહે અને તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય.

દેશભરમાં ઇદ તહેવારની ઉજવણીને લઈને સુરક્ષા રાખવામાં આવી રહી છે. સવંદેનશીલ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ટાળવા ખાસ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે ઈદ માટે સમગ્ર નવી દિલ્હીમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરી છે. તેમણે લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ખોટી માહિતીથી દૂર રહેવાની પણ અપીલ કરી છે.

સમગ્ર મુસ્લિમ સમુદાય આખું વર્ષ ઈદની રાહ જુએ છે. પવિત્ર રમઝાન મહિનાના અંતે ઇદનો તહેવાર ઉજવવામાં આવે છે, જે આખા મહિના માટે ઉપવાસ દ્વારા ચિહ્નિત થયેલ છે, તે આનંદ અને ભાઈચારોનો દિવસ છે, જ્યાં લોકો તેમની ખુશીઓ વહેંચવા માટે ભેગા થાય છે. ઇદ તહેવારનું મુસ્લિમ સમુદાય ખૂબ મહત્વ છે. આ દિવસે નવા કપડાં પહેરવાનો રિવાજ છે, અને દરેક ઘરમાં ખાસ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. આ દિવસની ખુશીઓ ફક્ત પોતાના પરિવાર સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજના દરેક સભ્યનો સમાવેશ થાય છે. ઈદ ગરીબો અને જરૂરિયાતમંદોને કરુણા અને સહાયનો સંદેશ પણ આપે છે.

Ahmedabad : અમદાવાદ રેલવે સ્ટેશન પર માત્ર 20 રૂપિયામાં પણ એરપોર્ટ જેવો આલીશાન અનુભવ મળી શકે છે, AC વેઇટિંગ હોલના મુસાફરોએ વખાણ કર્યા

અમદાવાદના કાલુપુર રેલવેના એક સફળ પ્રયોગે સાબિત કર્યું છે કે માત્ર 20 રૂપિયામાં પણ એરપોર્ટ જેવો આલીશાન અનુભવ મળી શકે છે. છેલ્લા ત્રણ મહિનામાં 1 લાખથી વધુ મુસાફરોએ સ્ટેશનના એસી વેઇટિંગ હોલનો લાભ લીધો છે.

કાલુપુર સ્ટેશનનો એસી વેઇટિંગ હોલ હાલ મુસાફરોની પહેલી પસંદ બન્યો છે. પશ્ચિમ રેલવેના આંકડા મુજબ, દરરોજ હજારો મુસાફરો પ્લેટફોર્મ પર પ્રતીક્ષા કરવાને બદલે આ સુવિધાજનક હોલ પસંદ કરી રહ્યા છે. માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં થયેલી 25 લાખની કમાણી આ પ્રોજેક્ટની ભવ્ય સફળતાનો પુરાવો છે.

શાવર, સ્વચ્છ શૌચાલય, ન્યૂઝ પેપર અને ફૂડ કેન્ટીન જેવી સુવિધાઓથી સજ્જ આ હોલ મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. અહીં મહિલાઓ માટે અલગ બેઠક વ્યવસ્થા અને નાના બાળકો માટે ‘બેબી-કેર રૂમ’ની વિશેષ સગવડ પણ ઉપલબ્ધ છે. નાગપુરના વેપારી હોય કે સ્થાનિક મુસાફર, દરેક વ્યક્તિ અહીંની સ્વચ્છતા અને આરામદાયક સોફાના વખાણ કરી રહ્યા છે. મધ્યમ વર્ગના મુસાફર માટે 20 રૂપિયાનું આ રોકાણ મુસાફરીનો તમામ થાક ઉતારી દે છે.

આ અભૂતપૂર્વ પ્રતિસાદને જોતા, ભારતીય રેલવે આગામી દિવસોમાં અન્ય મોટા શહેરોમાં પણ આવા જ કિફાયતી એસી હોલ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. રેલવેનો આ બદલાતો ચહેરો સામાન્ય માનવીની સફરને વધુ સુખદ અને ગૌરવશાળી બનાવી રહ્યો છે.

Sports : એક મિનિટનો પણ વ્યય ના કરશો! IPL પહેલા RCBના ખેલાડીઓને વિરાટ કોહલીનો ગુરુ મંત્ર

0

IPL 2026ની સીઝન શરૂ થાય તે પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પોતાની ટીમના સાથી ખેલાડીઓને સાવધ કરી દીધા છે. આરસીબીના પ્રથમ ટ્રેનિંગ સેશન દરમિયાન કોહલીએ ખેલાડીઓમાં જોશ ભરતા જણાવ્યું હતું કે, ગત વર્ષે ચેમ્પિયન બન્યા બાદ હવે ટીમ પર દબાણ વધશે અને આ સીઝન વધુ મુશ્કેલ બની રહેશે. તેણે ભારતીય ખેલાડીઓને સંબોધતા કહ્યું કે, આપણે ગત સીઝનમાં ખૂબ મહેનત કરી છે, તેથી હવે અન્ય ટીમો આપણી સામે વધુ તાકાતથી રમશે. કોહલીએ દરેક ખેલાડીને આગામી અઢી મહિના સુધી પોતાનું 120% યોગદાન આપવા અને પ્રેક્ટિસના એક પણ મિનિટનો બગાડ ન કરવા સલાહ આપી છે.

ટીમના કોચ એન્ડી ફ્લાવરે પણ નવા ખેલાડીઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ઓક્શન બાદ આપણી ટીમ પહેલા કરતા વધુ મજબૂત બની છે. રજત પાટીદાર અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ સાથે નવી ટીમ બનાવવાનો રોમાંચ અલગ જ છે. કોચે વધુમાં ઉમેર્યું કે, આપણી જર્સી પર હવે ‘સ્ટાર’ (ચેમ્પિયનનો લોગો) છે જે ગર્વની વાત છે, પરંતુ ગત સીઝન હવે ઈતિહાસ છે અને આપણે નવા પડકારો માટે તૈયાર રહેવું પડશે. ટીમનો મુખ્ય લક્ષ્ય આ વર્ષે પણ આઈપીએલ જીતીને ટાઇટલ જાળવી રાખવાનો છે.

જોકે, આ પ્રથમ ટ્રેનિંગ સેશનમાં તેજ બોલર યશ દયાલની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. યશ દયાલ હાલમાં ગંભીર જાતીય સતામણી અને શારીરિક હિંસાના આરોપોનો સામનો કરી રહ્યો છે, જેમાં એક સગીરાનો પણ સમાવેશ થાય છે. આ કાનૂની વિવાદોને કારણે તે હાલ ટીમની પ્રેક્ટિસથી દૂર જોવા મળ્યો હતો. તેમ છતાં, આરસીબીની આખી ટીમ નવા જોશ અને વ્યૂહનીતિ સાથે મેદાનમાં ઉતરવા માટે આતુર દેખાઈ રહી છે.

Ahmedabad : બોપલ પોલીસના PSI જયેશભાઇનો પિત્તો જોરદાર! ફરિયાદીને કહ્યું ચલ નીકળ લુખ્ખા, મામલો SP પાસે પહોંચ્યો

બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા એક યુવકને PSI ના કડવા અનુભવનો સામનો કરવો પડતા, તેણે આ મામલે અમદાવાદ ગ્રામ્ય એસપી (SP) ને લેખિત ફરિયાદ કરી છે.અમદાવાદના બોપલ પોલીસ મથકના એક PSI દ્વારા અરજદારના મિત્ર સાથે કરવામાં આવેલી કથિત ગેરવર્તણૂકનો મામલો હવે ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચ્યો છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા એક યુવકને PSI ના કડવા અનુભવનો સામનો કરવો પડતા, તેણે આ મામલે અમદાવાદ ગ્રામ્ય એસપી (SP) ને લેખિત ફરિયાદ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એક યુવક તેના મિત્ર સાથે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો. આ યુવકની તાજેતરમાં જ હિપ સર્જરી (થાપાનું ઓપરેશન) થયેલી હોવાથી તેને ઉભા રહેવામાં તકલીફ પડતી હતી. આ શારીરિક મજબૂરીના કારણે તે પોતાની ગાડીના બોનેટ પર ટેકો લઈને બેઠો હતો. આ જોઈને ત્યાં ફરજ પરના PSI જયેશ કાલોતરા ઉશ્કેરાઈ ગયા હતા.

અરજદારનો આક્ષેપ છે કે PSI જયેશ કાલોતરાએ તેને જોઈને અપમાનજનક શબ્દો વાપર્યા હતા. PSI એ કથિત રીતે કહ્યું હતું કે, “નીકલ લુખ્ખા, આ મારું પોલીસ સ્ટેશન છે અને અહીં મારું જ ચાલશે.” કાયદાના રક્ષક ગણાતા પોલીસ અધિકારી દ્વારા આવા શબ્દપ્રયોગ અને તોછડા વર્તનથી યુવક અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો.

પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા ગયેલા યુવકને બદલે અપમાન મળતા તેણે હવે અમદાવાદ ગ્રામ્ય એસપીનો દરવાજો ખટખટાવ્યો છે. અરજદારે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની તપાસ કોઈ સિનિયર પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવે અને PSI વિરુદ્ધ કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે. પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો સાથે પોલીસનું વર્તન કેવું હોવું જોઈએ, તે બાબતે ફરી એકવાર આ ઘટનાએ સવાલો ઉભા કર્યા છે.

Baroda : વડોદરાના કપુરાઈ અને ગાયત્રી નગર વિસ્તારમાં તારીખ 23મીએ પાણીનો કકળાટ સર્જાશે

0

વડોદરા શહેરના છેવાડે કપુરાઈ ટાંકી ખાતેથી વિસ્તારમાં તા.23મીએ સાંજનું પાણી મળશે નહીં. તંત્ર દ્વારા હાલની ડીલેવરી પાણીની લાઈન સાથે જોડાણની કામગીરી કરવાની હોવાથી આ વિસ્તારના 50 હજાર લોકોને ભર ઉનાળે પાણી વિના તરસ્યા રહેવાનો અને બીજા દિવસે ઓછા દબાણથી ઓછો સમય પાણી મળતા સર્જાશે.

ઉલ્લેખનીય છે કે મહાનગર પાલિકાના પાણી પુરવઠા શાખાની કપૂરાઈ ટાંકી ખાતે હાલની 600 મીમી ડીલેવરી પાણીની લાઈન સાથે જોડાણની કામગીરી સોમવાર, તા.23મીએ કરવાની છે. જેથી આ ટાંકી વિસ્તારના લોકોને જે તે દિવસે તા.23મીએ સાંજનું પાણી મળશે નહીં તથા બીજા દિવસે તા.24મીએ મંગળવારે સવારનું પાણી નિયત સમય કરતા મોડેથી અને ઓછા દબાણથી ઓછા સમય માટે અપાશે. એજ પ્રમાણે વડોદરા શહેરના ગાયત્રીનગર પાણીની ટાંકી ખાતે મુખ્ય ફીડર લાઈનમાં ફ્લો મીટર ફીટીંગની કામગીરી અંગે તા.23મીએ ઝોનના તમામ વિસ્તારમાં સાંજનું ઓછો સમય, ઓછા પ્રેશરથી અપાશે.

ઉલ્લેખનીય છે કે, શહેરના ગાયત્રીનગર પાણીની ટાંકી ખાતે 450 મીમી વ્યાસની મુખ્ય લાઈનમાં ફ્લો મીટર મીટીંગની કામગીરી તા.23મીએ સવારના પાણી આપવાના સમય બાદ કરવામાં આવશે. જેથી ગાયત્રી નગર ટાંકીથી પાણી મેળવતા વિસ્તારોમાં તા.23 સાંજે તમામ ઝોનમાં પાણી મોડેથી અને ઓછા પ્રેશરથી, ઓછો સમય અપાશે જેથી પાણીનો સંગ્રહ કરી લેવા કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.

World : હોર્મુઝમાં ટ્રમ્પે હાર સ્વીકારી? કહ્યું- જેમના જહાજ હોય તે દેશ રક્ષા કરે, જરૂર પડે તો મદદ કરીશ

0

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ અત્યારે ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. મધ્ય પૂર્વ (West Asia) માં ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે અને ખાડી દેશોમાં હડકંપ મચેલો છે. તેલ અને ગેસના પ્લાન્ટ્સ હવે સુરક્ષિત નથી, અને ભારત સહિત અનેક દેશોમાં ઇંધણની અછત વર્તાવા લાગી છે. આ મહાસંકટ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું નિવેદન આપ્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાએ ઈરાન સામે ઘૂંટણ ટેકી દીધા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ, જેઓ અત્યાર સુધી ઈરાનને ખતમ કરવાની મોટી-મોટી વાતો કરી રહ્યા હતા, તેમણે હવે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને મુક્ત કરાવવાની જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પના આ નિવેદનને ઈરાન સામે અમેરિકાની મોટી હાર અને સરન્ડર તરીકે જોવામાં આવે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે સ્પષ્ટ કહી દીધું કે, હોર્મુઝ સ્ટ્રેટને ગાર્ડ અને પોલીસ કરવાની જવાબદારી તે દેશોની છે જેઓ તેનો ઉપયોગ કરે છે. અમેરિકા તેનો ઉપયોગ કરતું નથી. જો આ દેશો પ્રયાસ કરશે તો અમે તેમને મદદ કરીશું, પરંતુ ઈરાનનો ખતરો ખતમ થયા પછી તેની જરૂર ન હોવી જોઈએ.”

અત્યાર સુધી અમેરિકા દાવો કરતું હતું કે, તેણે ઈરાનની નેવી, એરફોર્સ અને એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમને નષ્ટ કરી દીધી છે. પરંતુ હકીકત એ છે કે હોર્મુઝ સ્ટ્રેટ હજુ પણ ઈરાનની માઈન્સ, ડ્રોન્સ અને મિસાઈલોથી બંધ છે. ટ્રમ્પે ચીન, જાપાન, ફ્રાન્સ, બ્રિટન અને દક્ષિણ કોરિયા જેવા સાથી દેશોને હોર્મુઝમાં વોરશિપ મોકલવા વિનંતી કરી હતી. પરંતુ ઈરાનના ડરથી કોઈ તૈયાર ન થયું.

નાટોએ પણ સહકાર આપવાનો ઇનકાર કરી દીધો, જેનાથી નારાજ ટ્રમ્પે નાટો સહયોગીઓને ‘કાયર’ સુધી કહી દીધા હતા. ઉપરાંત નાટોને અમેરિકા વગર નખ વગરનો વાઘ ગણાવ્યો હતો. ફ્રાન્સ, જાપાન અને જર્મની જેવા દેશો હોર્મુઝમાંથી સુરક્ષિત રસ્તો ઈચ્છતા હતા, પરંતુ તેમણે સીઝફાયરની શરત મૂકી, જેના માટે ટ્રમ્પ તૈયાર નથી.

Baroda : વડોદરામાં મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ પઢી ખુદાની બંદગી કરી

0

પવિત્ર રમઝાન માસ પૂરો થતા જ મુસ્લિમ સમુદાય દ્વારા વિવિધ મસ્જિદો સહિત પ્રતાપ નગર સ્થિત મોટી સંખ્યામાં એકત્ર મુસ્લિમ બિરાદરો એ ઈદગાહ મેદાન ખાતે સામુહિક નમાજ અદા કરીને સૌ એકબીજાને ગળે મળીને ઈદ-ઉલ-ફિત્ર રમઝાન ઈદની મુબારક બાદ પાઠવી ખુશી મનાવી હતી.મુસ્લિમ બિરાદરોમાં રમઝાન માસનું વિશેષ મહત્વ રહેલું છે. ખૂબ જ કઠિન રીતે દિવસ દરમિયાન રમઝાન માસના રોઝા રાખે છે.

વડોદરામાં મુસ્લિમ બિરાદરો એ આજે રમજાન -ઈદ-ઉલ-ફિત્રની સામૂહિક નમાજ જુમ્મા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદો તથા પ્રતાપ નગર સ્થિત ઇદગાહ મેદાન ખાતે યોજાઈ હતી. તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને મુબારકબાદી પાઠવી હતી. જ્યારે અનેક મુસ્લિમ બિરાદરોએ શહેરના વિવિધ કબ્રસ્તાન ખાતે જઈને મૃત સ્વજનોની યાદમાં દુઆ ગુજારી હતી.

પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા જ મુસ્લિમ સમુદાયમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ભારે આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જુમ્મા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદો અને પ્રતાપનગર સ્થિત ઈદગાહ મેદાન ખાતે એકત્રિત થઈ સામૂહિક નમાજ અદા કરી હતી. નમાજ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદ પાઠવી અને ભાઈચારા તથા એકતાનો સંદેશ આપ્યો હતો.રમઝાન માસ મુસ્લિમ સમાજ માટે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં રોજા રાખીને લોકો આત્મશુદ્ધિ, સંયમ અને પરોપકારનું પાલન કરે છે. દિવસભર ઉપવાસ રાખ્યા બાદ ઈબાદત, દુઆ અને સદકાના કાર્યો કરવામાં આવે છે. ઈદ-ઉલ-ફીત્ર-રમજાન ઈદના દિવસે અનેક મુસ્લિમ બિરાદરોએ શહેરના વિવિધ કબ્રસ્તાનોમાં જઈ પોતાના મૃત સ્વજનોની યાદમાં દુઆ પણ કરી હતી. આ પ્રસંગે સૌએ શાંતિ, સૌહાર્દ અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરતા ઉત્સવની ઉજવણી કરી હતી. ઈદનો તહેવાર માત્ર ખુશીનો જ નહીં પરંતુ એકતા, ક્ષમા અને સહઅસ્તિત્વનો સંદેશ આપતો પવિત્ર અવસર છે.

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ ઇદગાહ મેદાન ખાતે ઈદ ઉલ ફિત્ર નિમિત્તે વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી ઈમાન અને એકતાનો સંદેશ આપ્યો હતો.

નમાજ પૂર્ણ થયા બાદ લોકો એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવતા ભાઈચારા અને સૌહાર્દનો સુંદર નજારો સર્જાયો હતો. આ પ્રસંગે ખતીબ સૈયદ અમીરુલ્લા સુકરુલ્લાએ આયોજનમાં સહકાર બદલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડોદરાની સંસ્કારી નગરીનું બિરુદ અકબંધ રહેવું જોઈએ અને તમામ તહેવારો હળી-મળી ઉજવવા જોઈએ. તેમણે મુસ્લિમ સમાજને અપીલ કરી હતી કે, કોઈની લાગણીને ઠેસ ન પહોંચે તેવો વ્યવહાર રાખવો જોઈએ અને સૌ સાથે મળીને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું જોઈએ. અંતમાં તેમણે શહેરના તમામ નાગરિકોને ઈદ મુબારક પાઠવી શુભેચ્છાઓ આપી હતી.