Home Blog Page 318

World : ‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ…’ મિનાબની સ્કૂલ પરના હુમલા મુદ્દે તહેરાન ટાઈમ્સનો આક્રોશ

0

ઈરાનના દક્ષિણ શહેર મિનાબમાં અમેરિકા દ્વારા કરાયેલા કથિત મિસાઈલ હુમલાએ સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. આ હુમલામાં પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ કરતા 150થી 165 જેટલા બાળકોના કરુણ મોત નિપજ્યાના અહેવાલ છે. ઈરાનના અખબાર ‘તહેરાન ટાઈમ્સ’એ આ ઘટનાના વિરોધમાં ફ્રન્ટ પેજ પર મૃતક બાળકોની તસવીરો છાપી છે, જેનું શીર્ષક છે- ‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ.’ આ ફોટો સાથેના અહેવાલમાં તહેરાન ટાઈમ્સે અમેરિકાની આકરી ટીકા કરી છે.

બીજી તરફ, અમેરિકાના પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઇમ મેગેઝિનના તાજા અંકના કવરમાં મેક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA) લખેલી લાલ રંગની 8 કેપ દર્શાવાઈ છે, જેના પર 8 અલગ-અલગ દેશના નામ વ્યંગાત્મક રીતે લખેલા છે. જેમ કે, મેક અમેરિકા ગ્રેટ અગેઈનની જેમ, મેક ઈરાન ગ્રેટ અગેઈન. જાણે ટ્રમ્પનું આ સૂત્ર આ બધા દેશો સુધી પહોંચી ગયું હોય. આ એ છે દેશો છે, જેની સામે ટ્રમ્પે લશ્કરી કાર્યવાહી કરી છે. આ અહેવાલ મુજબ, 2025માં જ ટ્રમ્પે એટલા હવાઈ હુમલાનો આદેશ આપ્યો જેટલા અગાઉના કેટલાક પ્રમુખોએ તેમના સમગ્ર કાર્યકાળમાં પણ આપ્યા નહોતા.

ઈરાનના જણાવ્યાનુસાર, મિનાબમાં સ્કૂલ પર કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં 150થી 165 લોકોના મોત થયા છે, જે તમામ નિર્દોષ બાળકો હતા. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાની જવાબદારી સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. તેમણે વળતો આક્ષેપ કરતા જણાવ્યું કે, આ હુમલો ઈરાનના જ ખામીયુક્ત શસ્ત્રોને કારણે થયો હોઈ શકે છે.

આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. દુનિયાભરમાં વિવિધ સંઘર્ષને લગતી બાબતોનું સંશોધન કરીને પ્રકાશિત કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા બેલિંગકેટના નિષ્ણાત ટ્રેવર બોલના વિશ્લેષણ મુજબ, આ હુમલાના ફૂટેજ દર્શાવે છે કે, તેમાં ‘ટોમાહોક’ ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ થયો છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, ટોમાહોક મિસાઈલ સિસ્ટમ મુખ્યત્વે અમેરિકા પાસે છે, જ્યારે ઈઝરાયલ પાસે આવી સિસ્ટમ નથી. એટલું જ નહીં, ન્યૂયોર્ક ટાઈમ્સની તપાસમાં પણ એવું તારણ નીકળ્યું છે કે આ હુમલો મોટા ભાગે અમેરિકન સૈન્ય દ્વારા જ કરાયો છે.

નોંધનીય છે કે, ટ્રમ્પે પ્રેસિડેન્શિયલ ઈલેક્શન કેમ્પેનમાં ‘કોઈ નવું યુદ્ધ નહીં’ (No New Wars) નું વચન આપ્યું હતું. તેઓ પોતાની જાતને ‘પ્રેસિડેન્ટ ઓફ પીસ’ તરીકે રજૂ કરતા અને દાવો કરતા કે તેમની સરકાર અમેરિકાને વિદેશી યુદ્ધો અને ઝઘડાથી દૂર રાખશે. પરંતુ તેમના કાર્યકાળના માત્ર 2 વર્ષમાં જ આ દાવા પર પ્રશ્નચિહ્નો સર્જાયા છે. દુનિયાભરમાં પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને તેના આગામી અંકમાં ‘Trump’s War’ નામે કવર સ્ટોરી પ્રકાશિત કરી છે, જેમાં ટ્રમ્પના ‘No New Wars’ વચન અને વાસ્તવિક લશ્કરી કાર્યવાહી વચ્ચેનો તફાવત દર્શાવાયો છે.

Gujarat : હાથ-પગમાં સાંકળ બાંધી ગબડતા વૈષ્ણોદેવી જવા નીકળેલા શ્રદ્ધાળુ ગુજરાત પહોંચ્યા, પુત્રના જીવનદાન માટે પિતાનું કઠોર તપ

0

શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે મનુષ્ય માટે અશક્ય કામ પણ શક્ય બની જાય છે. આવો જ એક આસ્થાનો અનોખો કિસ્સો પંચમહાલના શહેરામાં જોવા મળ્યો છે. મહારાષ્ટ્રના અમરાવતીના એક પિતા પોતાના દીકરાને મળેલા નવજીવન બદલ માતાજીની માનતા પૂરી કરવા માટે હાથ-પગમાં સાંકળ બાંધી, ભીષણ ગરમીમાં ડામરના રોડ પર ગબડતા-ગબડતા 1700 કિલોમીટર લાંબી વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળ્યા છે.

મહારાષ્ટ્રના અમરાવતી શહેરના રતનગણ કિશન નાથ બાબા મંદિર નજીક રહેતા અને લુહારકામ કરતા દેવીદાસ શિરપાદ થોરાતનો પુત્ર દુર્ગેશ જ્યારે પાંચ વર્ષનો હતો, ત્યારે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા હાઈટેન્શન લાઈનનો કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયો હતો. તબીબોએ પણ દીકરો બચવાની આશા છોડી દીધી હતી. તે સમયે લાચાર પિતાએ વૈષ્ણોદેવી માતાજીને બાધા રાખી હતી કે, ‘જો મારો પુત્ર બચી જશે તો હું પાંચ વાર તમારા દર્શને આવીશ, જેમાં ચાર વાર મારા ઘરેથી વૈષ્ણોદેવી સુધી ગબડતા-ગબડતા અને હાથ-પગમાં સાંકળ બાંધીને આવીશ.’

માતાજીની કૃપા અને પ્લાસ્ટિક સર્જરીના સફળ ઓપરેશન બાદ દુર્ગેશનો આબાદ બચાવ થયો. આજે તે પુત્ર સાજો સ્વસ્થ છે, અને તેના બદલામાં પિતા પોતાની કઠોર માનતા પૂરી કરી રહ્યા છે. દેવીદાસભાઈ અગાઉ બે વખત આ યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે, હાલ તેઓ ત્રીજી વખત આ કઠિન માર્ગ પર નીકળ્યા છે. તે દરરોજ અંદાજે 10થી 12 કિ.મી જેટલું અંતર રસ્તા પર ગબડતા-ગબડતા (આળોટીને) કાપે છે.

પોતાના વતન મહારાષ્ટ્રના અમરાવતીથી ગબડતા ગબડતા હાલ તેઓ ગુજરાતના પંચમહાલ જિલ્લાના માર્ગો પરથી પસાર થઈ શહેરા ખાતે આવી પહોંચ્યા હતા. વૈષ્ણોદેવીની યાત્રા કરવા ગબડતા ગબડતા જઈ રહેલા દેવીદાસ આગામી 9 મહિના પછી વૈષ્ણોદેવી પહોંચશે,જ્યાં તેઓની માનતા મુજબ ત્રીજી યાત્રા પૂર્ણ કરશે. જોકે તેઓની આસ્થા અને માતાજીની કૃપા નિહાળી પ્રભાવિત થયેલા પાડોશી પણ હાલ તેમની સાથે આસ્થાભેર માતાજીના દર્શને સાયકલ લઈને પગપાળા જઈ રહ્યા છે અને પોતાના પાડોશીને મદદરૂપ પણ થઈ રહ્યા છે. વૈષ્ણોદેવી જઈ રહેલા આ બંને આધેડ હાલ માર્ગમાં આવતા પાવાગઢ દર્શન કર્યા બાદ અંબાજી પણ દર્શન કરવાનું જણાવી રહ્યા છે. પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે તેઓ જે સાયકલ લઈને જઈ રહ્યા છે તે સાયકલને પેડલ પણ નથી રાખવામાં આવ્યા કે ચેઇન પણ નથી બેસાડવામાં આવી આ લોકો પૈડલ અને ચેન વગરની સાયકલનો ઉપયોગ માત્ર ને માત્ર તેઓ સામાન મૂકવા માટે જ કરી રહ્યા છે.

Sports : T20 વર્લ્ડ કપ જીત્યા પછી કુલદીપ યાદવ જિંદગીની નવી ઇનિંગ માટે તૈયાર, આ તારીખે કરશે લગ્ન

0

ટીમ ઇન્ડિયાના ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ T20 વર્લ્ડ કપ જીત્યા પછી હવે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. 14 માર્ચ 2026ના રોજ ઉત્તરાખંડના મસૂરી સ્થિત એક રિસોર્ટમાં વંશિકા સાથે કુલદીપ સાત ફેરા લેશે. આ સમારોહમાં BCCIના અધિકારીઓ અને ભારતના વર્તમાન પૂર્વ ક્

ટીમ ઇન્ડિયાના ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ T20 વર્લ્ડ કપ જીત્યા પછી હવે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. 14 માર્ચ 2026ના રોજ ઉત્તરાખંડના મસૂરી સ્થિત એક રિસોર્ટમાં વંશિકા સાથે કુલદીપ સાત ફેરા લેશે. આ સમારોહમાં BCCIના અધિકારીઓ અને ભારતના વર્તમાન પૂર્વ ક્રિકેટરો ઉપસ્થિત રહેવાની આશા છે. બંને કાનપુરના જ રહેવાસી છે અને બાળપણથી એકબીજાને ઓળખે છે.

કુલદીપ યાદવે 4 જૂન 2025ના રોજ લખનઉની એક હોટેલમાં લગ્ન કર્યા હતા. તેની થનાર દુલ્હન વંશિકાના પિતા એલઆઈસીમાં કામ કરે છે. લગ્ન પહેલાંની વિધિઓ 13 માર્ચથી શરૂ થશે. જેમાં હળદી અને મહેંદી સહિતની વિધિઓ ઉત્તરાખંડના પહાડોમાં નજીકના પરિવાર અને મિત્રો વચ્ચે થશે. લગ્નનો કાર્યક્રમ પણ ખૂબ જ પ્રાઇવેટ રાખવામાં આવ્યો છે, જેમાં માત્ર પરિવારના નજીકના સભ્યો જ મસૂરી રિસોર્ટમાં ઉપસ્થિત રહેશે.

પહેલા લગ્ન નવેમ્બર 2025માં થવાના હતા, પરંતુ કુલદીપ યાદવની T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં પસંદગી થતાં લગ્નની તારીખ મોડી લેવામાં આવી હતી. આ વિલંબ ખરેખર ખાસ સાબિત થયો છે. ભારતે અમદાવાદમાં ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજી વાર T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો અને ગત ખિતાબને સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યો. કુલદીપે આ ટુર્નામેન્ટમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. પાકિસ્તાન સામે હાઈ-વોલ્ટેજ મેચમાં તેણે 3 ઓવરમાં 14 રન આપીને એક વિકેટ લીધી હતી અને ભારતને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેનું પ્રદર્શન એ દર્શાવે છે કે કુલદીપ ભારતીય ટીમ માટે કેટલો મહત્ત્વનો ખેલાડી છે. ત્રણેય ફોર્મેટમાં 365 વિકેટ સાથે તેની દેશનો સૌથી વિશ્વાસપાત્ર અને ખતરનાક બોલર્સની યાદીમાં ગણતરી થાય છે. પછી તે ટેસ્ટ હોય, વનડે હોય કે T20 ફોર્મેટ હોય. આવા ખેલાડી માટે વધુ એક વર્લ્ડ કપ જીતવા માટે લગ્નને ટાળવા કોઈ મોટી વાત નથી. લગ્ન પહેલાં કુલદીપના પિતા રામ સિંહ યાદવે 8 માર્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી, તેને વ્યક્તિગત રીતે લગ્નનું નિમંત્રણ આપ્યું હતું.મસૂરીમાં લગ્ન પછી 17 માર્ચે લખનઉની હોટેલ સેન્ટ્રમમાં એક ભવ્ય રિસેપ્શન રાખવામાં આવ્યું છે. જેમાં BCCI, ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘના અધિકારીઓ અને દેશભરમાંથી મહેમાનો ઉપસ્થિત રહેવાની આશા છે. આ સમારોહ ભારતના સર્વશ્રેષ્ઠ મેચ વિનર્સમાંથી એક કુલદીપ યાદવ નવી ઇનિંગની શરૂઆતનો સાક્ષી બનશે.

National : તેલ-ગેસના સંકટને લઇ PM મોદીને મળ્યા પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી

0

ઇરાન ઇઝરાયલ યુએસ વચ્ચે યુદ્ધનો આજે 11મો દિવસ છે. ત્યારે ભારત સહિત અનેક દેશોમાં ઓઇલ અને ગેસનું સંક્ટ તોળાઇ રહ્યુ છે. તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી મળવા પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે વિદેશમંત્રી એસ જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ચર્ચા કરી.

પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 11 મા દિવસે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ વધુ ઘેરું બન્યું છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતની ગેસ આયાતમાં 30%નો ઘટાડો નોંધાયો છે, જેનાથી દેશમાં ઓઈલ અને ગેસના પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે. આ કટોકટી વચ્ચે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ મુલાકાતમાં દેશની ઉર્જા સુરક્ષા જાળવવા, ઇંધણના ભાવ પર અંકુશ રાખવા અને વૈકલ્પિક આયાત માર્ગો શોધવા અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ભારતમાં વધી રહેલી LPGની અછત પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકાર અત્યારે ESMA (એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ) હેઠળ ઘરેલુ ગ્રાહકોને ૧૦૦% પુરવઠો આપવા માટે કટિબદ્ધ છે, પરંતુ જો યુદ્ધ લાંબુ ખેંચાય તો ઉદ્યોગો અને ખાતર પ્લાન્ટ્સ પર તેની વધુ માઠી અસર પડી શકે છે. પીએમ મોદીએ મંત્રીઓને આદેશ આપ્યો છે કે તેલ અને ગેસના નવા આંતરરાષ્ટ્રીય ભાગીદારો શોધવામાં આવે જેથી આરબ દેશો પરની નિર્ભરતા ઘટાડી શકાય.

વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતાં ભારતના મધ્યમ વર્ગ અને ગૃહિણીઓના રસોડાના બજેટ પર તેની ન્યૂનતમ અસર થાય તેવા પ્રયાસો કરવામાં આવે. આ બેઠક બાદ ટૂંક સમયમાં ગેસ વિતરણ અંગે નવી ગાઈડલાઈન્સ જાહેર થવાની શક્યતા છે.

Rajkot : મનપા ફૂડ વિભાગની ખાણીપીણીની 47 પેઢીઓમાં તપાસ, 7 કિલો અખાદ્ય જથ્થો ઝડપી નાશ કરાયો

0

રાજકોટમાં ફૂડ વિભાગની ટીમે ખાણીપીણીની કુલ 47 પેઢીઓમાં ઓચિંતી તપાસ કરીને ખાદ્ય સુરક્ષાના ધોરણોની ચકાસણી કરી હતી. કેટલીક જગ્યાએથી વાસી અને અખાદ્ય ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા.શહેરના ફૂડ વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે ફૂડ વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની કુલ 47 પેઢીઓમાં ઓચિંતી તપાસ કરીને ખાદ્ય સુરક્ષાના ધોરણોની ચકાસણી કરી હતી.

તપાસ દરમિયાન કેટલીક જગ્યાએથી વાસી અને અખાદ્ય ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા. ફૂડ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને કુલ 7 કિલો જેટલો અખાદ્ય જથ્થો સ્થળ પર જ જપ્ત કર્યો હતો અને નાશ કર્યો હતો. આ પ્રકારની બેદરકારી ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ આકરી કામગીરી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન માત્ર અખાદ્ય પદાર્થો જ નહીં, પરંતુ ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન પણ જોવા મળ્યું હતું. જેમાંથી 9 જેટલી પેઢીઓને તેમના રજીસ્ટ્રેશન કે લાયસન્સની વિસંગતતાઓને લઈને કડક નોટિસ ફટકારવામાં આવી છે. ફૂડ વિભાગે આ તમામ ધંધાર્થીઓને નિયમોનું પાલન કરવા અને લાયસન્સ અદ્યતન રાખવા કડક સૂચના આપી છે.

Bhakri Recipe : બિસ્કીટ જેવી ક્રિસ્પી ભાખરી કેવી રીતે બનાવવી? ફોલો કરો આ રેસીપી, ચા સાથે ખાવાની મજા આવશે

0

Gujarati Bhakri Recipe: ભાખરી ગુજરાતની પ્રખ્યાત વાનગી, જે ઘઉંના લોટ માંથી બને છે. ભાખરી શાક કે ચા સાથે ખાવાની મજા પડે છે. સવારે કે સાંજે નાસ્તામાં તમે આ રીતે ભાખરી બનાવીને સર્વ કરી શકો છો. તો નોંધી લો ભાખરી બનાવવાની એકદમ સરળ રેસીપી.

ભાખરી એક ગુજરાતની પ્રખ્યાત વાનગી છે જે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. પરંતુ, ભાખરી નિયમિત ઘઉંની રોટલી કરતાં થોડી જાડી અને કડક હોય છે. સવારે કે સાંજે નાસ્તામાં તમે આ રીતે ભાખરી બનાવીને સર્વ કરી શકો છો. ચા કે શાક સાથે આ ભાખરી એકદમ પરફેક્ટ લાગે છે. આ ભાખરી એકવાર બન્યા પછી લાંબા સમય સુધી પોચી થતી નથી અને ક્રિસ્પી રહે છે તેથી તમે ટિફિનમાં કે પછી ફરવા જવાનું થાય ત્યારે પણ સાથે લઈ જઈ શકો છો.


.
સામગ્રી

ઘઉંનો જાડો લોટ અથવા ભાખરનો લોટ
જીરું પાઉડર
અજમો
શુદ્ધ ઘી
સ્વાદ મુજબ મીઠું

ભાખરી કેવી રીતે બનાવવી?

-સૌપ્રથમ, એક બાઉલમાં ભાખરનો લોટ લો. તેમાં ૩ ચમચી શુદ્ધ ઘી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તમે ઘીના બદલે તેલ પણ વાપરી શકો છો. ભાખરીને ક્રિસ્પી બનાવવા માટે મુઠ્ઠી પડતું મોણ ઉમેરવું જરૂરી છે.

-હવે લોટમાં જીરું, અજમો અને મીઠું ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.
-પછી, થોડું થોડું પાણી ઉમેરીને કઠણ કણક બનાવો. ધ્યાન રાખો કે કણક નરમ ન બને, કારણ કે કઠણ કણક ભાખરીને વધુ ક્રિસ્પી બનાવે છે.
-કણક બની ગયા પછી તેને ભીના કપડાથી ઢાંકી દો અને 15-20 મિનિટ માટે બાજુ પર રાખી દો.
-પછી, કણકને ફરીથી હળવા હાથે એને મસળી લો અને સમાન કદના ગોળા બનાવો.
-હવે, ચૂલા પર તવાને ગરમ કરો અને ભાખરીને વણી લો, પછી તવા પર ધીમા તાપે બંને બાજુ સારી રીતે શેકો.
-જ્યારે ભાખરી બંને બાજુ થોડી ક્રિસ્પી થઈ જાય, ત્યારે તેને કાઢી લો.
-હવે, તૈયાર કરેલી ભાખરી પર થોડું ઘી લગાવો અને તેને ગરમ શાકભાજી અથવા દહીં-ચટણી સાથે પીરસો.

ભાખરીને ક્રિસ્પી બનાવવી હોય તો એક વાત યાદ રાખવી કે સ્લો ગેસ પર જ ધીમા તાપે તેને શેકવી. ભાખરી ગરમ હોય ત્યાં સુધી તેને છૂટી રાખવી જેથી તે ઠંડી થયા પછી પણ ક્રિસ્પી રહે. જો તમે બધી જ ભાખરીને એક પર એક રાખી દેશો તો વરાળના કારણે ભાખરી સોફ્ટ થઈ શકે છે.

Gujarat : ‘સલામત ગુજરાત’માં બાળકો અસલામત! 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, હજુ 553નો કોઈ અતોપતો નથી!

0

સલામત ગુજરાતમાં બાળકો પણ સલામત રહ્યા નથી. ગુજરાતમાં ગૂમ થતાં બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આજે ગુજરાત વિધાનસભામાં મિસિંગ ચિલ્ડ્રનનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષે માનવ તસ્કરીની આશંકા સાથે સરકારને સાણસામાં લીધી હતી. ખુદ સરકારે સ્વીકાર્યું કે, 24 જિલ્લામાં ગૂમ થયેલા 553 બાળકોનો કોઈ અતોપતો નથી. 2 વર્ષ પછી પણ ગૂમ થયેલા બાળકોને પોલીસ શોધી શકી નથી.

બજેટ સત્ર હવે જ્યારે અંતિમ તબક્કામાં છે ત્યારે વિધાનસભા ગૃહમાં કાયદા વ્યવસ્થાને લઈને ગરમાગરમ બહસ જામી હતી. વિપક્ષે રાજ્યમાં ગૂમ થતાં બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી કે, ગૂમ થયેલા બાળકોને શોધવા માટે ગૃહવિભાગે ખાસ ડ્રાઈવ કરવી જોઈએ. પોલીસે સક્રિય થવું જોઈએ. તેનું કારણ એ છે કે, છેલ્લાં 2 વર્ષમાં ગુજરાતમાં 24 જિલ્લામાં ગૂમ થયેલા બાળકોની સંખ્યા 6240 છે જે પૈકી હજુ 553 બાળકો મળી આવ્યા નથી જે ચિંતાનું કારણ છે.

જિલ્લો ગૂમ બાળકો શોધવાના બાકી
અમદાવાદ 809 41
સુરત 841 76
રાજકોટ 477 36
વડોદરા 352 18
પંચમહાલ 176 25
દાહોદ 263 52
આણંદ 166 26
ગાંધીનગર 208 51
છોટાઉદેપુર 107 13
મહેસાણા 296 46
ભરૂચ 160 10
ખેડા 188 29
સાબરકાંઠા 150 15
અરવલ્લી 170 16
કચ્છ 242 14

બે વર્ષમાં ગુજરાતમાં 67 મહિલાઓ ગૂમ થઈ

ગૂમ થતાં બાળકોની સાથે સાથે ગૂમ થતી મહિલાઓને લઈને પણ ગૃહમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. છેલ્લાં બે વર્ષમાં કુલ મળીને 67 મહિલાઓ ગૂમ થઈ હતી. અમદાવાદમાં સૌથી વધુ 20 અને સુરતમાં 15 મહિલાઓ ગૂમ થઈ હતી. 15થી વધુ જિલ્લામાં મહિલા ગૂમ થયાની ફરિયાદો મળી હતી. જોકે, ગૃહવિભાગે દાવો કર્યો કે, ગૂમ થયેલી મહિલાઓ સલામત રીતે પરત ફરી છે. હવે એકેય મહિલા શોધવાની બાકી નથી. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એવી આશંકા વ્યક્ત કરી કે, શું ગુજરાતમાં માનવ તસ્કરી તો થઈ રહી નથી ને. કોઈ ગેંગ તો સક્રિય નથી.

National : 2034માં પડનાર NASAનો સેટેલાઇટ આજે ધરતી પર થશે ધડામ

0

આ સેટેલાઇટ વેન એલન પ્રોબ A છે, જેનું વજન લગભગ 600 કિલોગ્રામ છે. તેને ઑગસ્ટ 2012માં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે લગભગ 14 વર્ષ પછી તે પોતાનો અંતિમ સફર પૂર્ણ કરી રહ્યો છે.અમેરિકન સ્પેસ ફોર્સે 9 માર્ચે માહિતી આપી હતી કે આ સેટેલાઇટ ભારતીય સમય મુજબ રાત્રે લગભગ 8 થી 9 વાગ્યાના આસપાસ વાયુમંડળમાં પ્રવેશ કરશે. જોકે સમયમાં 24 કલાક સુધીનો ફેરફાર શક્ય છે. દર કલાકે નવી માહિતી મળી રહી છે અને સ્પેસ ફોર્સ સતત તેની દેખરેખ રાખી રહી છે.

નાસાના જણાવ્યા મુજબ સેટેલાઇટનો મોટાભાગનો ભાગ વાયુમંડળમાં પ્રવેશ સમયે હવાના ઘર્ષણથી બળી જશે, પરંતુ કેટલાક મજબૂત ભાગો બચી શકે છે. તેમ છતાં પૃથ્વી પર કોઈને નુકસાન થવાની શક્યતા ખૂબ જ ઓછી હોવાનું જણાવાયું છે.

વેન એલન પ્રોબ A અને તેનો જોડિયો ઉપગ્રહ પ્રોબ B પૃથ્વીના આસપાસ આવેલા રેડિયેશન બેલ્ટ (વિકિરણ ક્ષેત્ર)નો અભ્યાસ કરવા માટે બનાવવામાં આવ્યા હતા. આ બેલ્ટ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના કારણે સૂર્યમાંથી આવતા ખતરનાક કણોને રોકી રાખે છે. આ બેલ્ટનું નામ વૈજ્ઞાનિક જેમ્સ વેન એલનના નામ પર રાખવામાં આવ્યું છે.

બંને સેટેલાઇટ 2012માં લોન્ચ થયા હતા. મૂળરૂપે તેમનું મિશન માત્ર 2 વર્ષનું હતું, પરંતુ તેઓ 2019 સુધી કાર્યરત રહ્યા. પ્રોબ B જુલાઈ 2019માં અને પ્રોબ A ઓક્ટોબર 2019માં બંધ કરવામાં આવ્યા હતા.આ ઉપગ્રહો પૃથ્વીથી સૌથી નજીક 621 કિમી અને સૌથી દૂર 3,04,155 કિમી સુધીની અંડાકાર કક્ષામાં ફરતા હતા, જેના કારણે તેમણે રેડિયેશન બેલ્ટના દરેક ભાગનો મહત્વપૂર્ણ ડેટા એકત્ર કર્યો હતો.

આજ સુધી વૈજ્ઞાનિકો આ ડેટાનો અભ્યાસ કરીને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સૂર્યની પ્રવૃત્તિ સેટેલાઇટ, અંતરિક્ષયાત્રીઓ અને પૃથ્વી પર મોબાઇલ, GPS, ઇન્ટરનેટ તથા વીજળીની લાઇનોને કેવી રીતે અસર કરે છે.મિશન પૂર્ણ થયા બાદ વૈજ્ઞાનિકોએ અનુમાન કર્યું હતું કે આ ઉપગ્રહો 2034 સુધી કક્ષામાં રહેશે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સૂર્ય ખૂબ સક્રિય રહ્યો છે. સૂર્યની વધેલી પ્રવૃત્તિને કારણે પૃથ્વીનું વાયુમંડળ થોડું ફેલાઈ ગયું, જેના કારણે કક્ષામાં ફરતા ઉપગ્રહો પર હવાના ઘર્ષણમાં વધારો થયો છે.

આ વધેલા ઘર્ષણને કારણે સેટેલાઇટ ઝડપી ગતિએ નીચે આવવા લાગ્યા. પ્રોબ A સૌથી પહેલાં પડી રહ્યો છે, જ્યારે પ્રોબ B થોડું વધુ ઊંચે છે, તેથી તે 2030 પહેલાં પડવાની શક્યતા નથી .સૂર્યની આ અણધારી પ્રવૃત્તિને કારણે પહેલાની તમામ ગણતરીઓ બદલાઈ ગઈ છે. હવે પ્રોબ A આજે પોતાનો અંતિમ સફર પૂર્ણ કરી રહ્યો છે.

Gujarat : હિંમતનગરના મોતીપુરા સર્વિસ રોડ પરના દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું, 12 મીટર પહોળો રસ્તો ખુલ્લો કરાયો

0

હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના વ્યસ્ત ગણાતા મોતીપુરા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શામળાજી નેશનલ હાઈવેને અડીને આવેલા સર્વિસ રોડ પર લાંબા સમયથી ખડકાયેલા કાચા-પાકા દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ કામગીરીને પગલે વર્ષોથી સાંકડો બનેલો રસ્તો ફરીથી તેના અસલી સ્વરૂપમાં ખુલ્લો થયો છે.નેશનલ હાઈવેની બાજુમાં આવેલા સર્વિસ રોડના રી-સરફેસિંગ અને નવીનીકરણના કામો શરૂ કરવાના હોવાથી આ કાર્યવાહી અનિવાર્ય બની હતી. રસ્તાના કામમાં અવરોધરૂપ બનતા દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા અગાઉથી જ સૂચના આપવામાં આવી હતી, જે બાદ આજે સત્તાવાર રીતે તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ હતી.

મોતીપુરા વિસ્તારના શામળાજી નેશનલ હાઈવે પાસેનો સર્વિસ રોડ પરના દબાણો દૂર થતા હવે 12 મીટર પહોળો રોડ ફરીથી વાહનવ્યવહાર માટે ઉપલબ્ધ થયો છે. આ દબાણો દૂર કરીને સર્વિસ રોડનું નવીનીકરણ કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવી.મોતીપુરા વિસ્તાર હાઈવેને જોડતો મુખ્ય પોઈન્ટ હોવાથી ત્યાં સતત ટ્રાફિક જામની સ્થિતિ રહેતી હતી. સર્વિસ રોડ પર લારી-ગલ્લા અને અન્ય દબાણોને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી. હવે રસ્તો પહોળો થતા અને નવું કામ શરૂ થતા સ્થાનિક રહીશો અને હાઈવે પરથી પસાર થતા ચાલકોને મોટી રાહત મળશે.

Gujarat : અમદાવાદમાં આજે ‘ઑરેન્જ ઍલર્ટ’, રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે

0

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં હિટવેવની આગાહી પણ જાહેજ કરવામાં આવી છે. અમદાવાદમાં આજે (10મી માર્ચ) ગરમીને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 11મી માર્ચના રોજ યલો ઍલર્ટ રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ગાંધીનગરમાં પણ ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં યલો ઍલર્ટની ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 7 ડિગ્રીથી વધુ છે. આ સાથે જ 10થી 13 માર્ચ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, ’10મી અને 11મી માર્ચના રોજ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ગંભીર હિટવેવની સ્થિતિ રહેશે. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનની આ સ્થિતિ યથાવત્ રહેશે અને કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. હાલમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફની છે.’