Gold and Silver MCX Price : છેલ્લા કેટલાક દિવસોથી કિંમતી ધાતુઓમાં જોવા મળી રહેલી સતત તેજી બાદ આજે શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે અચાનક તીવ્ર કડાકો નોંધાયો છે. ધનતેરસના દિવસે જ નફારૂપી વેચવાલી અને આંતરરાષ્ટ્રીય સંકેતો વચ્ચે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવ ગગડી જતાં રોકાણકારોમાં ખળભળાટ મચી ગયો છે.
ચાંદીમાં અચાનક ₹3,440 નો કડાકો
ચાંદીના વાયદા બજારની વિગતો જોઈએ તો, ગુરુવારનું જૂનું ક્લોઝિંગ (Prev. Close) ₹1,87,140 પર રહ્યું હતું. આજે શુક્રવારે બજાર ખુલતાં ચાંદી ₹1,85,499 ની સપાટીએ ઓપન (Open) થઈ હતી અને આ જ સ્તર તેનો દિવસનો હાઈ (High) પણ રહ્યો હતો. જોકે, ખુલ્લા બજારે અચાનક જ જોરદાર વેચવાલીનું દબાણ આવતાં ચાંદી ગગડીને પ્રતિ કિલોએ ₹1,83,700 ની નીચલી સપાટી (Low) એ પહોંચી ગઈ હતી.
આમ, ગુરુવારના ક્લોઝિંગ ભાવ સામે ચાંદીમાં એકઝાટકે ₹3,440 નો મોટો કડાકો બોલાઈ ગયો છે.

સોનું પણ એકઝાટકે ₹1,994 ગગડ્યું
બીજી તરફ સોનાના ભાવમાં પણ પ્રારંભિક કારોબારમાં જ મોટું ગાબડું પડ્યું છે. સોનાનું ગઈકાલનું ક્લોઝિંગ (Prev. Close) ₹1,44,095 હતું. આજે શુક્રવારે સોનાનું ઓપનિંગ (Open) ₹1,42,161 પર થયું હતું અને તે વધીને ₹1,42,601 ના હાઈ (High) સુધી પહોંચ્યું હતું. પરંતુ મંદીવાળાઓની પકડ મજબૂત બનતાં સોનું ઘટીને પ્રતિ 10 ગ્રામ ₹1,42,101 ની નીચલી સપાટી (Low) એ સ્પર્શ્યું હતું. જેથી અગાઉના બંધ ભાવની તુલનાએ સોનામાં એકઝાટકે ₹1,994 નો તીવ્ર ઘટાડો નોંધાયો છે.
વૈશ્વિક બજારમાં ડોલરની સ્થિતિ અને પ્રોફિટ બુકિંગના કારણે કીમતી ધાતુઓમાં આ નરમાઈ જોવા મળી રહી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.


