Home Blog Page 333

Surat : માતા-પિતાની એનિવર્સરી ઉજવ્યાના બીજા જ દિવસે વિદ્યાર્થિનીએ બહેનપણી સાથે કર્યો આપઘાત

0

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળવાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળવાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. મૃતક રોશની શિરશાઠ અને જોસના ચૌધરીએ એનેસ્થેસિયાના ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી એનેસ્થેસિયાની બોટલો અને ઇન્જેક્શન મળી આવ્યા છે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

આ કેસમાં સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે, રોશનીએ 5 ફેબ્રુઆરીએ જ પોતાના માતા-પિતાની મેરેજ એનિવર્સરી અત્યંત ધામધૂમથી ઉજવી હતી. આ ખુશીના માહોલના 24 કલાકની અંદર જ તેણે પોતાની સહેલી જોસના સાથે મળીને આવું આત્યંતિક પગલું કેમ ભર્યું, તે પ્રશ્ન સૌને મૂંઝવી રહ્યો છે. પોલીસને બાથરૂમના વોશબેસિન પરથી જોસનાનું બેગ મળી આવ્યું છે, જેમાં બંનેના સાથેના ફોટા, કેલ્ક્યુલેટર, રોકડ રકમ અને મોબાઈલ ફોન હતા. જ્યારે રોશનીના સામાનમાંથી પુસ્તકો અને હોળીના રંગો મળી આવ્યા છે.

પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આ બંને યુવતીઓએ આપઘાત કરતા પહેલા મોબાઈલ અને ચેટ જીપીટી પર ‘આત્મહત્યા કેવી રીતે કરવી’ તે અંગે સર્ચ કર્યું હતું. હાલમાં ડીંડોલી પોલીસે બંનેના મોબાઈલ ફોન કબજે કરી એફએસએલ (FSL) માં મોકલી આપ્યા છે. પરિવારજનો અને મિત્રોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ આ સામૂહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ પણ એક રહસ્ય બની રહ્યું છે.

National : PM મોદીએ બંગાળમાં રાષ્ટ્રપતિના અપમાનને લઈને કહ્યું ‘આ શરમજનક છે, TMCએ તમામ મર્યાદાઓ પાર કરી’

0

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પદના મહત્ત્વને પણ રેખાંકિત કર્યું છે અને જણાવ્યું કે રાષ્ટ્રપતિ પદ રાજનીતિથી હંમેશા ઉપર હોવું જોઈએ. રાષ્ટ્રપતિ પદને સર્વોત્તમ સન્માન મળે તે માટે દેશના તમામ લોકો અને સરકારોનું કર્તવ્ય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના તાજેતરના નિવેદન પર ગંભીર પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટથી પોસ્ટ કરી છે. તેમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિએ જે પીડા વ્યક્ત કરી છે તે સમગ્ર દેશ માટે ચિંતાજનક છે અને આ મામલે યોગ્ય કાયદેસરની કાર્યવાહી જરૂરી છે.

વડાપ્રધાને કહ્યું કે તૃણમૂલ કૉંગ્રેસ (TMC)એ તમામ મર્યાદાઓ પાર કરી છે અને રાષ્ટ્રપતિના અપમાન માટે જવાબદાર છે. મોદીએ આ સ્પષ્ટ કર્યું કે આ પ્રકારના વર્તન અસ્વીકાર્ય છે અને આ ઘટના શરમજનક છે, જે પહેલાં ક્યારેય જોવા મળી નથી. તેમના શબ્દોમાં TMCએ ખાસ કરીને આદિવાસી સમુદાયનું અપમાન કર્યું છે, જે દેશની સાંસ્કૃતિક અને સમાજિક સંવેદનાશીલતા સામે જાય છે.

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પદના મહત્ત્વને પણ રેખાંકિત કર્યું છે અને જણાવ્યું કે રાષ્ટ્રપતિ પદ રાજનીતિથી હંમેશા ઉપર હોવું જોઈએ. રાષ્ટ્રપતિ પદને સર્વોત્તમ સન્માન મળે તે માટે દેશના તમામ લોકો અને સરકારોનું કર્તવ્ય છે. તેમના મતે બંગાળ સરકારની આ ઘટનામાં સીધી જવાબદારી છે અને સરકાર દ્વારા આવી ઘટનાઓને રોકવા માટે તરત પગલાં લેવા આવશ્યક છે.

વડાપ્રધાન મોદીનું નિવેદન દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે સૌને યાદ અપાવ્યું કે રાષ્ટ્રપતિ પદની મૂલ્યવાનતા અને સૌજન્યનું હંમેશા સન્માન થવું જોઈએ. આ પોસ્ટ દ્વારા વડાપ્રધાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ રાજકીય પક્ષ રાષ્ટ્રપતિ પદ અથવા તેની પ્રતિષ્ઠા પર પ્રહારો ન કરે. આ ઘટનાને લઈને રાજકીય દળોમાં તીવ્ર ચર્ચા શરૂ થઈ છે અને લોકોમાં ચિંતાનો માહોલ છે. વડાપ્રધાનના નિવેદનથી સાબિત થાય છે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિના સન્માનની કડક સુરક્ષા માટે જાગૃત છે.

India vs New Zealand Final Live: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર, દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં મહામુકાબલો

0

આજે (8 માર્ચ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચનો મહામુકાબલો રમાશે. બંને ટીમો પહેલીવાર ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાશે. વર્ષ 2023માં આ મેદાન પર ભારતીય ટીમને વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં હાર મળી હતી. જોકે, સૂર્યા બ્રિગેડ ચેમ્પિયન બનવાના ઈરાદે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેદાનમાં ઉતરશે. જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાએ સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં જગ્યા બનાવી હતી.

બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન

  • ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.
  • ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન: ટિમ સાઇફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), કોલ મેકકોન્ચી, મેટ હેનરી અને લોકી ફર્ગ્યૂસન

ન્યૂઝીલેન્ડ હજુ સુધી એક પણ T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતી શક્યું નથી. તેઓ ફક્ત 2021 માં સેમિફાઇનલમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા.

ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડ સામે એક પણ મેચ જીતી શકી નથી. અત્યાર સુધી બંને દેશો વચ્ચે ત્રણ મેચ રમાઈ છે, અને કિવી ટીમે ત્રણેય જીતી છે.

જો ભારત આજે ન્યૂઝીલેન્ડને હરાવે છે અને T20 વર્લ્ડ કપ જીતે છે, તો તે ત્રણ ઇતિહાસ બનાવશે. ભારત ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ બનશે. આ ટીમ ઇન્ડિયાનો સતત બીજો T20 વર્લ્ડ કપ હશે, જે કોઈ અન્ય ટીમે હાંસલ કર્યો નથી. આ ભારતનો ત્રીજો T20 વર્લ્ડ કપ ટ્રોફી હશે. કોઈ પણ ટીમે બે વારથી વધુ T20 વર્લ્ડ કપ જીત્યો નથી.

ટૂર્નામેન્ટમાં ઈશાનનું પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે કરોડરજ્જુ સમાન રહ્યું છે. તેના આંકડા જ તેની તાકાતની સાક્ષી પૂરે છે. કિશને કુલ 8 (8 ઇનિંગ્સ) રમી છે. જેમાં 263 રન બનાવ્યા છે. પાકિસ્તાન સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં રમેલી 77 રનની યાદગાર ઇનિંગ રમી છે. અત્યાર સુધી 29 ચોગ્ગા અને 14 ગગનચુંબી છગ્ગા ફટકારી ચૂક્યો છે. આ ઉપરાંત 2 શાનદાર ફિફ્ટી પણ ફટકારી છે.

ઈશાન કિશન માત્ર રન નથી બનાવી રહ્યો, પરંતુ લગભગ 190ના સ્ટ્રાઈક રેટથી બોલરોની લાઇન-લેન્થ બગાડી રહ્યો છે. કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યાએ તેના પર જે ભરોસો મૂક્યો છે, તેના પર તે 100 ટકા ખરો ઉતર્યો છે. ઈશાન ઓપનર તરીકે તોફાની શરૂઆત આપે જ છે, પરંતુ જરૂર પડ્યે નંબર-3 પર આવીને પણ ઇનિંગને સંભાળવાની ક્ષમતા ધરાવે છે.

ન્યૂઝીલેન્ડના કેમ્પમાં અત્યારે જો કોઈ એક બેટ્સમેનનો સૌથી વધુ ખોફ હોય તો તે ઈશાન કિશન છે. અમદાવાદની પીચ બેટ્સમેનોને અનુકૂળ રહેવાની શક્યતા છે, અને જો ઈશાન તેની લયમાં આવી ગયો, તો પાવરપ્લેમાં જ મેચ ન્યૂઝીલેન્ડના હાથમાંથી છીનવી શકે છે.

National : 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો કે.જી. જ્યોર્જનું 95 વર્ષની વયે નિધન, કેરળમાં લીધા અંતિમ શ્વાસ

0

કેરળના કોટ્ટાયમમાં રહેતા અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના બહાદુર સૈનિક લાન્સ હવાલદાર (નિવૃત્ત) કે.જી. જ્યોર્જનું 95 વર્ષની વયે નિધન થયું છે. શનિવારે સવારે ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેમણે પોતાના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ફેબ્રુઆરી 1931માં જન્મેલા જ્યોર્જે યુદ્ધ દરમિયાન ભારતીય સેનામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ભારતીય સેનાની કોર્પ્સ ઓફ સિગ્નલ્સ યુનિટમાં તૈનાત કે.જી. જ્યોર્જે 1965ના યુદ્ધમાં અદમ્ય સાહસનો પરિચય આપ્યો હતો. 6થી 10 સપ્ટેમ્બર 1965 દરમિયાન વાઘા સેક્ટરમાં દુશ્મન દેશ દ્વારા સતત ગોળીબાર અને હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા. આ ભયાનક સ્થિતિ વચ્ચે પણ તેમણે પોતાની ટીમનું નેતૃત્વ કર્યું અને ક્ષતિગ્રસ્ત થયેલી કોમ્યુનિકેશન લાઈનોને વારંવાર રીપેર કરી હતી. 8 અને 9 સપ્ટેમ્બરની રાત્રે ભારે હુમલા વચ્ચે તેમણે પોતાના જીવના જોખમે બ્રિગેડ હેડક્વાર્ટર અને સરહદ પર તૈનાત બટાલિયન વચ્ચે સંપર્ક સ્થાપિત કર્યો હતો. આ બહાદુરી માટે તેમને પ્રતિષ્ઠિત વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કે.જી. જ્યોર્જના પૌત્ર રેમો જોનના જણાવ્યા અનુસાર પરિવારના કેટલાક સભ્યો હાલ દુબઈમાં છે અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે તેઓ તાત્કાલિક ભારત પહોંચી શક્યા નથી. તેઓ મંગળવાર સુધીમાં ભારત આવે તેવી શક્યતા છે. ત્યાં સુધી તેમના પાર્થિવ દેહને સ્થાનિક મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. પરિવારના સભ્યો પરત ફર્યા બાદ કોટ્ટાયમમાં પૂરા સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દેશની રક્ષા માટે આપેલી સેવા અને અપ્રતિમ સાહસ બદલ તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.

Entertainment : ઉદય, મજનૂ અને ઘુંઘરૂ ફરી સાથે…વેલકમ 3 પહેલા વેલકમ 4 અંગે આવ્યું મોટું અપડેટ!

0

અક્ષય કુમારની મલ્ટીસ્ટારર ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ, જેને વેલકમ 3 તરીકે પણ ઓળખવામાં આવે છે, આ વર્ષે જૂનમાં રિલીઝ થશે. ફિલ્મ લગભગ પૂર્ણ થઈ ગઈ છે, ફક્ત એક ગીતનું શૂટિંગ બાકી છે. ચાહકો ત્રીજા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે નિર્માતાઓએ ચોથા હપ્તાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હા, આ સાચું છે. જોકે, ચોથા હપ્તાને ત્રીજા હપ્તા સાથે કોઈ સંબંધ રહેશે નહીં અને તે એક નવી વાર્તા હશે. જોકે, ફેન્સ માટે સારા સમાચાર એ છે કે ઉદય શેટ્ટી, મજનૂ ભાઈ અને ડૉ. ઘુંઘરુ ફરી એકવાર વેલકમ 4 માં સાથે જોવા મળશે.

મિડ-ડેના અહેવાલ મુજબ, વેલકમ 4ની સ્ક્રિપ્ટ હવે એન્ડવાસ સ્ટેજ પર છે. નાના પાટેકર, અનિલ કપૂર અને પરેશ રાવલ ચોથા ભાગ માટે ફરી સાથે આવી રહ્યા છે, અને ત્રણેય કલાકારો પ્રથમ ભાગમાંથી તેમની પ્રતિષ્ઠિત ભૂમિકાઓ ફરીથી ભજવશે. જ્યારે તેઓ બધા પ્રથમ ભાગમાંથી તેમની ભૂમિકાઓ ફરીથી ભજવશે, ત્યારે અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વેલકમ 4ની સ્ટોરી સંપૂર્ણપણે ફ્રેશ હશે. આનો અર્થ એ છે કે પાત્રો સિવાય, અગાઉના ત્રણ ભાગનો આ ફિલ્મ સાથે કોઈ સંબંધ રહેશે નહીં.

વેલકમ ટુ ધ જંગલનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે. નિર્માતાઓ પાસે હવે ફક્ત એક ગીત ફિલ્માંકન કરવાનું બાકી છે. આ ફિલ્મ 26 જૂન, 2026 ના રોજ રિલીઝ થશે. અહેમદ ખાન ત્રીજા ભાગનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, રવિના ટંડન, દિશા પટણી, જેક્લીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી અને પરેશ રાવલ સહિત ડઝનબંધ સ્ટાર્સ છે.

પરેશ રાવલે વેલકમના પહેલા અને બીજા ભાગમાં ડોક્ટર ઘુંઘરુ તરીકે ધૂમ મચાવી હતી. જોકે, ત્રીજા ભાગમાં, પરેશ ડોક્ટર ઘુંઘરુ નહીં, પણ એક અલગ પાત્ર ભજવતા જોવા મળશે. આનો અર્થ એ થયો કે તે એક જ ફિલ્મ ફ્રેન્ચાઇઝમાં બે પાત્રો ભજવશે. હવે, તે ચોથા ભાગમાં ફરીથી ડોક્ટર ઘુંઘરુની ભૂમિકા ભજવશે. એવું પણ જાણવા મળ્યું છે કે ચોથા ભાગમાં બીજા કોમિક વિલનને રજૂ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે વેલકમ 4 માં ફક્ત એક જ નહીં, પરંતુ અનેક ડોન હશે.

Jamnagar : હાપા ઈન્ડસ્ટ્રીયલ એરિયાની મસાલા ફેક્ટરીમાં ભીષણ આગ, 35 ટન મરચાનો જથ્થો બળીને ખાખ

0

જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી મધુસુદન મસાલા નામની ફેક્ટરીમાં રવિવારે અકસ્માતે આગ લાગી હતી, અને આશરે 35 ટન જેટલો મરચાનો જથ્થો સળગી ઉઠ્યો હતો. ફાયર વિભાગની ટુકડીએ ભારે જહેમત લઈને પાણીના ત્રણ ટેન્કરો વડે આગને કાબુમાં લઈ લીધી હતી, જેથી ફેક્ટરીની મશીનરી બચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, જામનગરના વેપારી હિરેનભાઈ કોટેચા વગેરેની માલિકીની હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એક ફેક્ટરીમાં બહારના ભાગમાં આશરે 35 ટન જેટલો સુકા મરચાનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જ્યાં કોઈપણ રીતે આગ લાગી હતી. જે આગ જોતજોતામાં ફેલાઈ ગઈ હતી, અને મરચાનો વિશાળ જથ્થો સળગી ઊઠતાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, તેમ જ ખૂબ જ આંખોમાં બળતરા થાય તે પ્રકારનું વાતાવરણ બની ગયું હતું.

આગના આ બનાવ અંગેની ફાયર વિભાગને જાણ કરાતાં ફાયર જવાનોને ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અલગ-અલગ ત્રણ ફાયર ટેન્ડરની મદદથી આખરે સવા કલાકની જહેમત લઈને આગને કાબુમાં લઈ લીધી હતી. મરચામાં આગ લાગી હોવાથી તેનો ધુમાડો નીકળ્યો હતો અને આંખો બળે તેવી પરિસ્થિતિ હોવાથી ફાયર વિભાગના સ્ટાફે ખાસ પ્રકારના ડ્રેસ પહેરીને કામગીરી કરવી પડી હતી. સમયસર આગ કાબૂમાં આવી ગઈ હોવાથી કારખાનાની અંદરની મશીનરી વગેરેનો બચાવ થયો હતો. આગની આ ઘટનાને લઈને કારખાનેદારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને આશરે 35 ટન જેટલો મરચાનો જથ્થો ભશ્મીભૂત થયો છે. જેની સર્વેની કામગીરી ચાલી રહી છે.

Sabarkantha : પ્રાંતિજમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી, 5 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ

0

સાબરકાંઠાના પ્રાંતિજમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે 5.177 કિલો ગ્રામ ગાંજાના જથ્થા સાથે માલજી બુબડીયાની ધરપકડ કરી છે. આ કેસમાં એક સગીર સામે પણ કાર્યવાહી કરાઈ છે.

ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની ટીમ દ્વારા બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોની શોધખોળ તેજ કરી છે.એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે હાથ ધરેલી તપાસમાં પ્રાંતિજ વિસ્તારમાંથી કુલ 5.177 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. આ જથ્થાની કિંમત બજારમાં લાખો રૂપિયા આંકવામાં આવી રહી છે. ટાસ્ક ફોર્સની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી માલજી બુબડીયાની સ્થળ પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરની સંડોવણી પણ સામે આવી છે, જેની વિરૂદ્ધ પણ નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ નશીલા પદાર્થનો જથ્થો ભુજના વીરા પઠાણ નામના કુખ્યાત ગાંજા સપ્લાયર દ્વારા મોકલવામાં આવ્યો હતો. હાલમાં વીરા પઠાણ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ફરાર જાહેર કરી, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા તેને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ રેકેટ પાછળ અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને આ માલ ક્યાં સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Mumbai : સાંજે 4 વાગ્યે વિસ્ફોટ’ની ધમકીથી મુંબઈની નાયર હોસ્પિટલમાં હડકંપ

0

રવિવારે મુંબઈમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. નાયર હોસ્પિટલને મળેલા એક ધમકીભર્યા ઈમેલ બાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક હરકતમાં આવી ગયા હતા.

મુંબઈની પ્રખ્યાત નાયર હોસ્પિટલને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈમેલ મોકલીને દાવો કરવામાં આવ્યો હતો કે હોસ્પિટલ પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને સાંજે 4 વાગ્યે વિસ્ફોટ કરવામાં આવશે. આ ઈમેલ મળતા જ હોસ્પિટલના વહીવટીતંત્રમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. હોસ્પિટલમાં તે સમયે અનેક દર્દીઓ, તેમના પરિવારજનો અને સ્ટાફ હાજર હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.

હોસ્પિટલ પ્રશાસને વિલંબ કર્યા વિના સ્થાનિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ મુંબઈ પોલીસ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સમગ્ર હોસ્પિટલ પરિસર, ઈમરજન્સી વિભાગ, ઓપીડી, વોર્ડ અને પાર્કિંગ વિસ્તાર સહિત દરેક ખૂણે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લીધા હતા. કેટલીક જગ્યાએ દર્દીઓ અને સ્ટાફને સતર્ક રાખવામાં આવ્યા હતા, પરંતુ કોઈ અફવા ન ફેલાય તે માટે પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે સંભાળવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ મળ્યો નહોતો. ત્યારબાદ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ ધમકી ખોટી અને છેતરપિંડીભરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યા અંગે આવી ખોટી ધમકીઓ આપવી ગંભીર ગુનો છે. આ પ્રકારની હરકતોના કારણે લોકોમાં ભય ફેલાય છે અને તાત્કાલિક સેવાઓ પર પણ અસર પડે છે. હાલ પોલીસ દ્વારા અજાણ્યા ઈમેલ મોકલનાર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.ટેકનિકલ ટીમની મદદથી ઈમેલનો સોર્સ શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. IP એડ્રેસ અને અન્ય ડિજિટલ માહિતીના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે. અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં આરોપીને પકડી લેવામાં આવશે.

આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ચર્ચા જગાવી છે. શહેરમાં મહત્વપૂર્ણ અને જાહેર સ્થળોએ સુરક્ષા વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે. સાથે જ નાગરિકોને પણ અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે. સદભાગ્યે, આ ઘટના માત્ર ખોટી ધમકી સાબિત થઈ અને કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી. છતાં, આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે ચેતવણીરૂપ છે અને કાયદા-વ્યવસ્થા માટે પડકારરૂપ બની રહે છે.

Business : Google ના CEOને સુંદર પિચાઇને અધધધધ રૂપિયાનું મળ્યું પેકેજ, જાણો પિચાઇના જેકપોટનું ગણિત

0

ભારતીય મૂળના અને Google ના CEO Sundar Pichai ફરી એકવાર વૈશ્વિક હેડલાઇન્સમાં છવાઈ ગયા છે. આ વખતે ચર્ચા કોઈ નવા ટેક પ્રોડક્ટ અથવા AI ઇનોવેશનની નથી, પરંતુ તેમના ભવ્ય પગાર પેકેજની છે. અહેવાલો અનુસાર, આગામી ત્રણ વર્ષ માટે પિચાઈ માટે લગભગ $692 મિલિયન (આશરે ₹6,300 કરોડ) નું પેકેજ નક્કી કરવામાં આવ્યું છે.

પિચાઈનું આ પેકેજ કોઈ સામાન્ય પગાર ધોરણ નથી. જો આપણે તેને ત્રણ વર્ષમાં વહેંચીએ, તો તે વાર્ષિક ₹2,100 કરોડ થાય છે. જોકે, આમાં રોકડ પગાર માત્ર $2 મિલિયન (આશરે ₹18 કરોડ) છે. પેકેજનો મોટો હિસ્સો ‘પર્ફોર્મન્સ સ્ટોક યુનિટ્સ’ અને શેર પર આધારિત છે.

જો પિચાઈ કંપનીના નિર્ધારિત લક્ષ્યો પૂરા કરે, તો જ તેમને $252 મિલિયન સુધીની રકમ મળશે. જો તેઓ નિષ્ફળ જાય, તો આ રકમ શૂન્ય પણ થઈ શકે છે.ભવિષ્યના પ્રોજેક્ટ્સ પર નજર: પ્રથમ વખત ગૂગલે સ્વાયત્ત પ્રોજેક્ટ્સ (Autonomous Projects) માટે $350 મિલિયનના પ્રોત્સાહનો જાહેર કર્યા છે. જેમાં વેમો (Waymo) અને વિંગ (Wing) જેવા ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ્સના શેરનો સમાવેશ થાય છે.

2004માં ગૂગલમાં જોડાયેલા સુંદર પિચાઈએ ક્રોમ બ્રાઉઝર અને એન્ડ્રોઇડ જેવી પાયાની સેવાઓ વિકસાવી છે. એક સમયે ChatGPT ના આગમન બાદ ગૂગલની AI ક્ષમતા પર સવાલો ઉઠ્યા હતા અને પિચાઈની ટીકા થઈ હતી. પરંતુ, તેમણે મજબૂત વાપસી કરીને એડવાન્સ્ડ AI મોડલ્સ લોન્ચ કર્યા અને ગૂગલને ફરીથી ટેક રેસમાં મોખરે લાવી દીધું છે.

Panchmahal : ગોધરા સબ જેલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ, મહિલા કેદીઓને કાનૂની અધિકારો અંગે માર્ગદર્શન અપાયું

0

પંચમહાલની ગોધરા સબ જેલમાં મહિલા કેદીઓ અને સ્ટાફ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાનુની માર્ગદર્શન અને ભજન-પ્રાર્થનાના કાર્યક્રમો યોજાયા હતા.

સમગ્ર વિશ્વમાં જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લાની ગોધરા સબ જેલ ખાતે પણ એક વિશેષ અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલના સળિયા પાછળ રહેલી મહિલાઓના જીવનમાં સકારાત્મકતા લાવવા અને તેમને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 150 જેટલા બંદીવાનો, જેમાં મહિલા બંદીવાનોનો પણ સમાવેશ થાય છે, તેમજ જેલના મહિલા સ્ટાફે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેલના વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મહિલા દિવસની આ વિશેષ ઉજવણી માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહેતા, મહિલા કેદીઓના સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સભ્યો દ્વારા મહિલા કેદીઓને તેમના કાનૂની હકો, જેલમાં મળતી વિવિધ સગવડો અને ન્યાયિક પ્રક્રિયા અંગે વિસ્તૃત કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કેદીઓને તેમની મુશ્કેલીઓ રજૂ કરવાની અને કાયદાકીય સહાય કેવી રીતે મેળવવી તે અંગેની સમજ પૂરી પાડવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત અને મધ્યમાં આધ્યાત્મિક શાંતિ માટે પ્રાર્થના અને ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણને કારણે કેદીઓના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય અને તેઓ સમાજની મુખ્યધારામાં પાછા ફરવા પ્રેરાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જેલ અધિક્ષક આર. બી. મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જેલ પ્રશાસન તરફથી મહિલા કેદીઓના કલ્યાણ માટે લેવાતા પગલાંની માહિતી આપી હતી. આ ઉપરાંત, જેલ મુલાકાતી બોર્ડના સભ્ય અને નિવૃત પ્રિન્સિપાલ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિષ્ઠિત સભ્યોએ હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમ દ્વારા જેલ પ્રશાસને સાબિત કર્યું છે કે, જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી, પરંતુ સુધારણાનું ધામ પણ બની શકે છે.