Home Blog Page 340

National : દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે

0

ચૂંટણી સમયે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા અપાતા ‘મફત ભેટ’ (Freebies) અને બેંક ખાતામાં સીધા રોકડ જમા કરાવવાના વાયદાઓ હવે દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બન્યા છે. ભારતીય સ્ટેટ બેંક (SBI) ના તાજેતરના રિપોર્ટમાં આ અંગે ગંભીર ચેતવણી આપવામાં આવી છે.

SBI ના સંશોધન અહેવાલ મુજબ, ચૂંટણીલક્ષી મફત યોજનાઓ પાછળ રાજ્યોના જીએસડીપી (GSDP) ના 0.1% થી 2.7% જેટલો જંગી ખર્ચ થાય છે. આ ખર્ચ રાજ્યોની પોતાની કુલ મહેસૂલી આવકના લગભગ 5 થી 10% જેટલો હોય છે. રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે આવી યોજનાઓ પરના ખર્ચની મર્યાદા GSDP ના ચોક્કસ ટકા સુધી મર્યાદિત હોવી જોઈએ, જેથી શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી જરૂરી કલ્યાણકારી યોજનાઓ ખોરવાય નહીં.

માત્ર આર્થિક નિષ્ણાતો જ નહીં, પણ સુપ્રીમ કોર્ટે પણ આ ‘રેવડી સંસ્કૃતિ’ પર લાલ આંખ કરી ચુકી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “સરકારે લોકોને મફત ભેટ કે રોકડ આપવાને બદલે રોજગારના અવસરો ઉભા કરવા જોઈએ, જેથી નાગરિકો આત્મસન્માન સાથે જીવી શકે.” કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, શું આપણે સક્ષમ અને હાંસિયામાં ધકેલાયેલા લોકો વચ્ચે તફાવત ભૂલી રહ્યા છીએ? જો ભેદભાવ વગર દરેકને મફત આપવામાં આવે, તો તે માત્ર ‘તુષ્ટિકરણની નીતિ’ બની જશે જે દેશના વિકાસમાં અવરોધક છે.

SBI રિપોર્ટમાં એક રસપ્રદ બાબત એ પણ સામે આવી કે, જે રાજ્યોમાં મહિલા કેન્દ્રિત યોજનાઓ (જેમ કે લાડલી બહેના વગેરે) અમલમાં છે, ત્યાં મહિલા મતદારોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આવી યોજનાઓ ધરાવતા 19 રાજ્યોમાં 2024માં મહિલા મતદારોની ભાગીદારીમાં સરેરાશ 7.8 લાખનો વધારો થયો છે. જે રાજ્યોમાં આવી યોજનાઓ નથી, ત્યાં આ વધારો માત્ર 2.5 લાખ સુધી જ સીમિત રહ્યો છે.

એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબોની મદદ કરવી અનિવાર્ય છે, પરંતુ મફતની હોડમાં રાજ્યોની આર્થિક સ્થિતિ જોખમમાં ન મુકાય તે જોવું પણ એટલું જ જરૂરી છે. શું રાજકીય પક્ષો ‘સેમિ ફાઇનલ’ જેવી ગણાતી આ ચૂંટણીઓમાં આર્થિક શિસ્ત જાળવશે? તે જોવું રહ્યું.

Vadodara : વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ

સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર દીકરીની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. શહેરના આજવા રોડ પર મહાવીર હોલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં ભાડે રહેતા યુવકે ખાનગી કોલેજની વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

મળતી વિગતો અનુસાર, આરોપી આકાશ આજવા રોડ મહાવીર હોલ પાસેના એક કોમ્પલેક્ષમાં ભાડેથી રહે છે. તેણે પરિચિત એવી ખાનગી કોલેજની વિદ્યાર્થીનીને કપડા ધોવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી. યુવતી જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે આરોપીએ એકાએક દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. યુવતી કંઈ સમજે તે પહેલા જ આરોપીએ તેને ડરાવી-ધમકાવી તેની સાથે બળજબરી કરી હતી. નરાધમની ચુંગાલમાંથી યુવતી માંડ માંડ પોતાનો જીવ બચાવીને ભાગી છૂટી હતી અને સમગ્ર આપવીતી પોતાના પરિવારને જણાવી હતી.

યુવતીએ હિંમત દાખવીને બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. મોડી રાત્રે બાપોદ પોલીસની ટીમ એફએસએલ (FSL) ના નિષ્ણાતો સાથે આરોપી આકાશના ઘરે પહોંચી હતી. જે સ્થળે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યાંથી ફોરેન્સિક ટીમે વૈજ્ઞાનિક પુરાવા અને સેમ્પલ એકત્રિત કર્યા છે. જેથી કોર્ટમાં આરોપી વિરુદ્ધ મજબૂત કેસ બનાવી શકાય.

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક કોમ્પલેક્ષમાં ભાડે રહેતા શખ્સ દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવતા લોકો સુરક્ષા બાબતે ચિંતિત બન્યા છે. હાલમાં પોલીસે આરોપી આકાશને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Article : તે એક વ્યક્તિ તમને એટલા “સમજદાર” બનાવી દેશે કે…..

0

જો કોઈ પગમાં બેસીને રડશે તો પણ તમે હસશો, પણ ભરોસો નહીં કરો.

જ્યારે ઠોકર આપણને સમજદાર બનાવે છે
કહેવાય છે કે પુસ્તકો જે નથી શીખવી શકતા, તે જીવનના અનુભવો અને અમુક ખાસ વ્યક્તિઓ શીખવી જાય છે .
અનુભવ એ સૌથી મોટો શિક્ષક છે જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક ભાવનાત્મક રીતે છેતરાય છે. જ્યારે આપણે કોઈના પર આંધળો વિશ્વાસ કરીએ છીએ અને તે વ્યક્તિ આપણને અધવચ્ચે છોડી દે છે અથવા દગો આપે છે, ત્યારે તે સમય ખૂબ જ પીડાદાયક હોય છે. પરંતુ, આ પીડા જ આપણને ‘સમજદારી’ તરફ દોરી જાય છે. તે આપણને શીખવે છે કે દુનિયામાં દરેક વ્યક્તિ જેવો દેખાય છે તેવો હોતો નથી.


ભાવનાત્મક મક્કમતા (Emotional Resilience)
જ્યારે કોઈ વ્યક્તિ એકવાર ખરાબ રીતે તૂટી જાય, ત્યારે તેની ભાવનાત્મક સહનશક્તિ વધી જાય છે. “કોઈ પગમાં પડીને રડશે તો પણ તમે હસશો,” તેનો અર્થ એ નથી કે વ્યક્તિ ક્રૂર બની જાય છે. તેનો અર્થ એ છે કે હવે તે વ્યક્તિ દેખાડા અને સત્ય વચ્ચેનો તફાવત સમજી ગઈ છે. તેને ખબર છે કે આંસુ હંમેશા સાચા નથી હોતા અને દરેક માફી પાછળ પસ્તાવો નથી હોતો.


ભરોસો એ કાચ જેવો છે, એકવાર તૂટી જાય પછી તેને ગમે તેટલો સાંધો, તેમાં તિરાડ દેખાય જ છે. એક વ્યક્તિ દ્વારા મળેલો દગો આપણને એટલા સાવધ કરી દે છે કે આપણે ફરીથી કોઈ પણ વ્યક્તિને આપણા જીવનમાં સરળતાથી પ્રવેશવા દેતા નથી. આ ‘અવિશ્વાસ’ નથી, પણ ‘આત્મરક્ષણ’ છે.આવી સમજદારી આવ્યા પછી વ્યક્તિ
વાતો કરતા કર્મો (Actions) પર વધુ ધ્યાન આપે છે.


ભાવનાઓમાં વહી જવાને બદલે તર્ક (Logic) થી વિચારે છે.
પોતાની માનસિક શાંતિનેપ્રાધાન્ય આપે છે.
જીવનમાં આવતી આવી મુશ્કેલ વ્યક્તિઓ વાસ્તવમાં આપણને મજબૂત બનાવવા આવે છે. ભલે તે અનુભવ કડવો હોય, પણ તે આપણને દુનિયાના અસલી ચહેરા ઓળખતા શીખવે છે. સાચી સમજદારી એ જ છે કે તમે બીજા પર ભરોસો કરતા પહેલા પોતાની જાત પર વિશ્વાસ રાખતા શીખો.
“ખરાબ અનુભવ એ એક કડવી દવા જેવો છે, જે ભલે સ્વાદમાં ખરાબ હોય, પણ જીવનભરની માંદગી (મૂર્ખામી) મટાડી દે છે.”

Reporter : દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

Gujarat : સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફાયરની ઓફિસ સામે ભુવો પડ્યો

0

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફાયર વિભાગની ઓફિસની બરોબર સામે જ આજે સાંજે અચાનક એક ભુવો પડી ગયો હતો. ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર ભુવો પડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આમ તો સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ભુવા પડે છે. પરંતુ આજે ગરમીની વચ્ચે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની બાજુમાં ફાયર વિભાગની ઓફિસ આવી છે તેના દરવાજાની સામે જ ભુવો પડી ગયો હતો. આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે જેને કારણે અચાનક ભુવો પડી જતા વાહન ચાલકો અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પાલિકા દ્વારા તાત્કાલિક આવવાની આસપાસ બેરકેટીંગ કરી દેવામાં આવ્યું હતું. ભુવો પડ્યો તેની નીચેથી પાણીની લાઈન પસાર થઈ રહી છે જેના કારણે ભુવો મોટો થાય તેવી શક્યતા છે.

Technology : આંધ્ર પ્રદેશમાં હવે AI ડોક્ટર કરશે દર્દીઓની સારવાર, જાણો કેવી રીતે…

0

આંધ્ર પ્રદેશ સરકારે આરોગ્ય ક્ષેત્રમાં એક મોટી ડિજિટલ પહેલની જાહેરાત કરી છે. આ પહેલમાં હવે AI ડોક્ટરની સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ પગલું રાજ્યભરમાં તમામ લોકોને ડોક્ટરની સેવા મળી શકે અને એ પણ સારી મળી શકે એ હેતુથી ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂએ વિઝિયાનગરમ જિલ્લામાં જાહેર સભા દરમિયાન આ જાહેરાત કરી હતી. આ પહેલને સંજીવની ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે અને આશરે પાંચ કરોડ રહેવાસીઓને તેનો લાભ મળશે એવી આશા છે.

AI ડોક્ટર કેવી રીતે કામ કરશે?

AI ડોક્ટર એક ડિજિટલ તબીબી સહાયક તરીકે કામ કરશે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કામ કરશે. દર્દીને તાવ, દુખાવો અથવા ઉધરસ જેવા લક્ષણોની તે તપાસ કરશે. સાથે જ તેમના વ્યક્તિગત ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સ, બ્લડ ટેસ્ટ રિપોર્ટ્સ અને સ્ક્રીનિંગ રિપોર્ટ્સને પણ સ્ટડી કરશે. આ માહિતીના આધારે સિસ્ટમ તેમને સલાહ આપશે, જરૂરી સાવચેતીઓ રાખવા વિશે સૂચવશે અને દવાઓ વિશે માર્ગદર્શન પણ આપશે. તેમજ ભોજનમાં શું લેવું અને શું નહીં એ વિશે પણ જણાવશે. કેવી કસરત કરવી એનું રૂટીન પણ સૂચવશે.રોગની વહેલી ઓળખ

AI ડોક્ટર જરૂર પડે તો દર્દીઓને નજીકની હોસ્પિટલમાં જવા અથવા એક્સપર્ટની સલાહ લેવા માર્ગદર્શન આપશે. અધિકારીઓ કહે છે કે આ સિસ્ટમ વ્યક્તિગત ડોક્ટરની જેમ કાર્ય કરશે અને ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને હૃદય સંબંધિત રોગો જેવી સ્થિતિઓને પ્રારંભિક તબક્કામાં ઓળખવામાં મદદરૂપ બનશે. આ નવા પ્રયોગ દ્વારા રાજ્ય સરકાર જાહેર આરોગ્ય સેવાઓને ટેક્નોલોજીની મદદથી વધુ સુધારવા માટે પ્રયત્ન કરી રહી છે.

સંજીવની પ્રોજેક્ટ સાથે કરવામાં આવશે કનેક્ટ

સંજીવની પ્રોજેક્ટ હેઠળ આંધ્ર પ્રદેશના રહેવાસીઓ માટે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) આઈડી સાથે જોડાયેલા આજીવન ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સ બનાવવામાં આવશે. આ પહેલનું પાયલોટ પ્રોજેક્ટ પહેલેથી જ કુપ્પમ અને ચિત્તૂર જિલ્લાઓમાં અમલમાં મૂકવામાં આવ્યું છે અને હવે તેને રાજ્યભરમાં પહોંચાડવામાં આવશે. AI ડોક્ટરમાં ગામ આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHCs) અને આશા કાર્યકર્તાઓ દ્વારા ઘરેઘરે 41 પરિમાણોને આવરી લેતી આરોગ્ય તપાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.સેવાનો લાભ કેવી રીતે મેળવવો?

AI ડોક્ટર સેવા હજી સંપૂર્ણ રીતે શરૂ થઈ નથી, પરંતુ આવનારા મહિનાઓમાં તે શરૂ થવાની અપેક્ષા છે. સેવા શરૂ થયા પછી રહેવાસીઓ Google Play Store પરથી ABHA અથવા સંજીવની એપ ડાઉનલોડ કરી શકશે અને તેને આધાર વિગતો સાથે લિંક કરી શકશે. ત્યારબાદ વપરાશકર્તાઓ પોતાના લક્ષણો દાખલ કરીને AI દ્વારા જનરેટ થયેલી તબીબી સલાહ મેળવી શકશે. સ્માર્ટફોન ન ધરાવતા લોકો નજીકના PHCs અથવા ગામ આરોગ્ય કેન્દ્રોમાં જઈ શકશે, જ્યાં આશા કાર્યકર્તા અથવા ડોક્ટરો તેમને આ સેવા મેળવવામાં મદદ કરશે.

Bollywood : કાર્તિકની નાગઝિલામાં સાઉથની પ્રીતિ મુકન્દન હિરોઈન હશે

0

કાર્તિક આર્યનની ફિલ્મ ‘નાગઝિલ્લા’માં સાઉથની પ્રીતિ મુકુન્દન હિરોઈન હોવાનું જાહેર થયું છે. પ્રીતિ  અત્યાર સુધી તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ તેની પહેલી હિન્દી ફિલ્મ હશે. 

કાર્તિક આર્યન બોલિવુડમાં આવતાં પહેલાં બી ટેક કરી ચૂક્યો છે. તેની નવી  હિરોઈન પ્રીતિએ પણ ગ્લેમર વર્લ્ડમાં ઝંપલાવતાં  પહેલાં બી. ટેક.ની ડિગ્રી મેળવી છે.   આ ફિલ્મમાં કાર્તિક આર્યન ઇચ્છાધારી નાગના રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ ચોથી ઓગસ્ટના રીલિઝ  કરવાની યોજના હતી. પરંતુ વીએફએક્સનું અને પોસ્ટ પ્રોડક્શનનું ઘણું કામ બાકી હોવાથી ફિલ્મની રીલિઝ  પાઠળ ઠેલાઈ જાય તેવી સંભાવના છે. 

ઉલ્લેખનીય છ ેકે, ૨૦૨૫માં  કાર્તિક  આર્યન ‘તુ  મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’માં જોવામાં મળ્યો હતો. આ ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઇ હતી. 

Gujarat : ગીર સોમનાથ બન્યું મરચાંનું હબ, કાજલી યાર્ડમાં મબલખ આવક, ખેડૂતોને મળ્યા સારા ભાવ

0

ગીરસોમનાથ જિલ્લાનું વેરાવળ નજીક આવેલું કાજલી માર્કેટિંગ યાર્ડ હાલ સૌરાષ્ટ્રમાં લીલા મરચાંના વેપારનું મુખ્ય કેન્દ્ર બનીને ઉભરી આવ્યું છે. આ યાર્ડમાં દરરોજ 10 થી 15 ટન લીલા મરચાંની આવક નોંધાઈ રહી છે, જેની નિકાસ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત ન રહેતા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યો સુધી વિસ્તરી છે. કાજલી યાર્ડની વિશેષતા એ છે કે અહીં લાલ મરચાંના બદલે માત્ર લીલા મરચાંના સોદા મોટા પાયે થાય છે, જે તેને અન્ય માર્કેટિંગ યાર્ડ્સથી અલગ પાડે છે. સાનુકૂળ દરિયાકાંઠાની આબોહવાને કારણે સોનારીયા, ઇન્દ્રોય અને મીઠાપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં મરચાંનું મબલખ ઉત્પાદન થતા આ વિસ્તાર હવે ‘ચિલી હબ’ તરીકે ઓળખાઈ રહ્યો છે.

વેરાવળ APMC ના સેક્રેટરી કનકસિંહ પરમારના જણાવ્યા અનુસાર, યાર્ડમાં કાર્યરત ‘પાટલા સિસ્ટમ’ એટલે કે હરાજીની પારદર્શક પદ્ધતિને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. આ પદ્ધતિમાં ખેડૂતો સીધા વેપારીઓ સાથે સંકળાય છે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઘટે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. 3 માસની ટૂંકી સિઝન દરમિયાન આ યાર્ડમાં અંદાજે 10 થી 15 હજાર ટન મરચાંનો વેપાર થવાની શક્યતા છે.

કૃષિ નિષ્ણાતોના મતે, આ વિસ્તારની જમીનમાં રહેલી ક્ષારયુક્ત ભેજવાળી હવા મરચાંની તીખાસ અને ગુણવત્તા જાળવવામાં મદદરૂપ થાય છે, જેના કારણે અન્ય રાજ્યોના વેપારીઓ પણ અહીંના માલને વધુ પસંદ કરી રહ્યા છે. વધતી જતી માગને જોતા સ્થાનિક ખેડૂતો હવે પરંપરાગત પાક છોડીને મરચાંની રોકડિયા ખેતી તરફ વળી રહ્યા છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી આપી રહ્યું છે.

World : ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં

0

મધ્ય પૂર્વના યુદ્ધની અસરો હવે વૈશ્વિક અર્થતંત્ર પર દેખાવા લાગી છે. એક અહેવાલ મુજબ, ખાડી દેશો હવે અમેરિકામાંથી પોતાનું જંગી રોકાણ પાછું ખેંચવાનું વિચારી રહ્યા છે, જે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

ખાડી દેશોના બજેટ પર યુદ્ધની અસર

ઈરાન સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે સાઉદી અરેબિયા, યુએઈ (UAE), કુવૈત અને કતર જેવા દેશોની આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડી રહી છે. ઊર્જા (ઓઇલ-ગેસ), શિપિંગ અને પ્રવાસન ક્ષેત્રમાંથી થતી આવકમાં ધરખમ ઘટાડો થવાને કારણે આ દેશોના બજેટ પર ભારે દબાણ (Budget Stains) સર્જાયું છે. પરિણામે, 4માંથી 3 મોટા ખાડી દેશો હવે અમેરિકા અને અન્ય વિદેશી રોકાણોમાંથી ખસી જવાની ચર્ચા કરી રહ્યા છે.

2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ જોખમમાં

અહેવાલો અનુસાર, ખાડી દેશો દ્વારા અમેરિકામાં કરવામાં આવેલું અંદાજે ૨ ટ્રિલિયન ડૉલર(આશરે 160 લાખ કરોડ રૂપિયાથી વધુ) થી પણ વધુનું રોકાણ અત્યારે જોખમમાં છે. આ દેશો અમેરિકા પ્રત્યેની તેમની રોકાણ પ્રતિબદ્ધતાઓની પુનઃ સમીક્ષા કરી શકે છે. જો આ રોકાણ પાછું ખેંચવામાં આવે, તો અમેરિકાના બજારમાં મોટો ભૂકંપ આવી શકે છે.

ટ્રમ્પ સરકાર પર દબાણ વધારવાની વ્યૂહરચના

આ પગલાને એક ‘સાવચેતીના પગલા’ (Precautionary Measure) તરીકે જોવામાં આવી રહ્યો છે, પરંતુ આડકતરી રીતે તે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર દબાણ લાવવાની વ્યૂહરચના પણ હોઈ શકે છે. ખાડી દેશો ઇચ્છે છે કે અમેરિકા આ યુદ્ધને રોકવા અથવા સ્થિતિ થાળે પાડવા માટે સક્રિય ભૂમિકા ભજવે. અમેરિકાના રોકાણને જોખમમાં મૂકીને આ દેશો વૉશિંગ્ટન પર દબાણ વધારી રહ્યા છે.

વૈશ્વિક બજારમાં અસ્થિરતા

જો ખાડી દેશો ખરેખર પોતાનું રોકાણ પાછું ખેંચે છે, તો તેની અસર માત્ર અમેરિકા જ નહીં પણ સમગ્ર વિશ્વના શેરબજારો અને અર્થતંત્ર પર પડશે. યુદ્ધના વધતા ખર્ચ અને ઘટતી આવક વચ્ચે આ દેશો હવે પોતાના અનામત ભંડોળને બચાવવા માટે આ આકરો નિર્ણય લઈ શકે છે.

Surendranagar : વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ

0

 વિરમગામમાં જીપીસીબીની તપાસમાં ક્ષતિઓ જણાતા પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને ૧૫ દિવસમાં બંધ કરવા આદેશ આપ્યો છે. કંપની દ્વારા તળાવ અને ખેતરમાં કેમિકલયુક્ત જોખમી પાણીનો ગેરકાયેસર રીતે નીકાલ કરતા નુકસાન પહોંચ્યું છે.

વિરમગામના જુના પાઘર ગામ પાસે આવેલી ‘રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ કંપની દ્વારા ખેતીની જમીન અને કુદરતી તળાવમાં જોખમી રાસાયણિક પાણી છોડવામાં આવતું હતું. સર્વે નંબર ૧૭૫ના ખેડૂતોએ આ બાબતે મામલતદાર, નાયબ કલેક્ટર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને વારંવાર લેખિત રજૂઆતો કરી હતી. બે મહિના અગાઉ આવેદનપત્ર આપી પ્રદૂષિત પાણી બંધ કરાવવા માંગ ઉઠી હતી, જેના પગલે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ગ્રામ્યના પ્રાદેશિક અધિકારી દ્વારા હાથ ધરાયેલ સ્થળ તપાસમાં કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. તપાસ અહેવાલના આધારે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પાણી અધિનિયમ-૧૯૭૪ની કલમ ૩૩-એ હેઠળ કડક કાર્યવાહી કરી છે. બોર્ડ દ્વારા રોકેટ ઇન્ડિયા કંપનીને ૧૫ દિવસની અંદર કામગીરી બંધ કરવા માટેનો લેખિત ક્લોઝર ઓર્ડર ફટકારવામાં આવ્યો છે. તંત્રની આ કડક કાર્યવાહીથી પર્યાવરણને નુકસાન પહોંચાડતા એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Sports : IND vs NZની ફાઈનલ મેચ જોવા કેટલા રૂપિયા ખર્ચવા પડશે?

0

ICC T20 વર્લ્ડકપ 2026 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. રોમાંચક સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ ભારતે સતત બીજી વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ટીમ ઇન્ડિયા હવે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરશે. આ મેચ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. પરિણામે, ફાઇનલ ટિકિટ બુકિંગ અને સ્ટેડિયમ પ્રવેશને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે.

ટિકિટ કેવી રીતે બુક કરવી
ફાઇનલ માટેની ટિકિટો સત્તાવાર રીતે BookMyShow અને ICC પોર્ટલ દ્વારા વેચવામાં આવી રહી છે. માંગ વધુ હોવાથી, મોટાભાગની કેટેગરીઓમાં હાલમાં વેચાઈ ગઈ છે. જોકે, ક્રિકેટ ચાહકો માટે હજુ પણ આશા છે.સામાન્ય રીતે, કેટલીક ટિકિટો મુખ્ય મેચોના 24 થી 48 કલાક પહેલા ફરીથી જાહેર કરવામાં આવે છે. મુંબઈમાં સેમિ-ફાઇનલ મેચ દરમિયાન પણ આવું જ બન્યું હતું. તેથી, જે ચાહકો ટિકિટ મેળવી શક્યા નથી તેમને સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશન પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

ટિકિટના ભાવ શું છે?

ઉપરના સ્ટેન્ડ માટે ટિકિટના ભાવ લગભગ રૂ 3,000 થી શરૂ થાય છે, જ્યારે પ્રીમિયમ હોસ્પિટાલિટી અને ક્લબ લાઉન્જ સીટની કિંમત રૂ50,000 થી રૂ75,000 ની વચ્ચે હોય છે.

સ્ટેડિયમમાં પ્રવેશ માટે કડક નિયમો

ફાઇનલ મેચ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.સ્ટેડિયમના દરવાજા સાંજે 4 વાગ્યે ખુલશે,મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.સુરક્ષા તપાસમાં વિલંબ ટાળવા માટે દર્શકોને ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા પહોંચવાની સલાહ આપવામાં આવે છે. સ્ટેડિયમની અંદર અમુક વસ્તુઓ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પાવર બેંક, બેગ, પાણીની બોટલ અને છત્રી જેવી વસ્તુઓ પર સખત પ્રતિબંધ રહેશે.ચાહકોને ફક્ત તેમના મોબાઇલ ફોન અને પાકીટ અંદર લઈ જવાની મંજૂરી રહેશે.

મેચ જોનારાઓ માટે મહત્વપૂર્ણ માહિતી

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલું,આ સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાંનું એક છે અને તેમાં આશરે 1.3 લાખ દર્શકોની બેસવાની ક્ષમતા છે. મોટી ભીડને કારણે મોબાઇલ નેટવર્ક પ્રભાવિત થઈ શકે છે, તેથી ડિજિટલ ટિકિટો અગાઉથી ડાઉનલોડ કરવી અને તેમને ઑફલાઇન સાચવવી મહત્વપૂર્ણ છે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ ફક્ત એક મેચ કરતાં વધુ હશે,પરંતુ ક્રિકેટ ચાહકો માટે એક મુખ્ય ઉજવણી હશે. તેથી, મેચમાં હાજરી આપવા માંગતા ચાહકોએ અગાઉથી ટિકિટ અને પ્રવેશની બધી વ્યવસ્થા કરવી જોઈએ.