Home Blog Page 355

Ahmedabad : રામોલમાં કોલેજિયન યુવતી સાથે 6 લાખની છેતરપિંડી થઈ છે. ફોર એવર લિવિંગ પ્રોડક્ટમાં રોકાણના નામે મિત્રએ 6 લાખના દાગીના પડાવ્યા

અમદાવાદ શહેરમાં વધુ એક છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કોલેજમાં અભ્યાસ કરતી એક માસૂમ યુવતીને તેની જ મિત્રએ વિશ્વાસમાં લઈને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. ‘ફોર એવર લિવિંગ’ નામની પ્રોડક્ટમાં રોકાણ કરવાથી મોટો ફાયદો થશે, તેવી લાલચ આપીને યુવતીના સોનાના દાગીના ગીરવે મુકાવી દેવામાં આવ્યા હતા, જે બાદમાં પરત ન આપીને છેતરપિંડી આચરવામાં આવી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર યુવતીની મિત્ર માલિની પંડ્યાએ તેને પ્રોડક્ટ્સમાં રોકાણ કરવા માટે લલચાવી હતી. રોકાણ માટે નાણાં ન હોવાથી માલિનીએ યુવતીને તેના દાગીના ગીરવે મૂકવા માટે દબાણ કર્યું હતું. આ દરમિયાન જય નાગર નામના યુવકે મધ્યસ્થી બનીને અંદાજે 6 લાખ રૂપિયાની કિંમતના દાગીના લઈ લીધા હતા અને તેના બદલામાં રોકાણ માટે જરૂરી રકમ આપવાનું વચન આપ્યું હતું.

યુવતીએ જ્યારે પોતાના દાગીના કે તેના બદલામાં મળવાપાત્ર રકમની માંગણી કરી, ત્યારે માલિની અને જયે તેને ગોળ-ગોળ જવાબો આપી છેતરપિંડી કરી હતી. અંતે ન્યાય ન મળતા યુવતીએ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી માલિની પંડ્યા અને જય નાગરની શોધખોળ હાથ ધરી છે. આ કિસ્સો સોશિયલ મીડિયા કે મિત્ર વર્તુળમાં થતા આંધળા વિશ્વાસ સામે લાલબત્તી સમાન છે. પોલીસ હાલ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે.

Entertainment : કિયારા અડવાણી અને યશની જોડીનો જાદુ! ટૉક્સિકના પહેલા ગીતે ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ!

0

સાઉથ સુપરસ્ટાર યશ લાંબા સમયથી તેની આગામી ફિલ્મ ટોક્સિક માટે ચર્ચામાં છે. આ ફિલ્મે ખૂબ જ ચર્ચા જગાવી છે. તે 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ગીતુ મોહનદાસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં છે. થોડા સમય પહેલા ફિલ્મનો એક ટીઝર વીડિયો રિલીઝ થયો હતો, જેનાથી સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ હતી. ટીઝર પછી, મેકર્સે હવે ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કર્યું છે.

આ ગીતનું નામ તબાહી છે. તેના શબ્દો રાજ શેખરે લખ્યા છે અને વિશાલ મિશ્રાએ ગાયું છે. વિશાલે આ ગીતને કંપોઝ પણ કર્યું છે, સાથે જ તેમાં પોતાનો અવાજ પણ આપ્યો છે. જોકે, અત્યાર સુધી ફક્ત લિરિકલ વર્ઝન રિલીઝ થયું છે. હાલમાં વીડિયો વર્ઝન ક્યારે રિલીઝ થશે તે અંગે કોઈ માહિતી નથી. તબાહી હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ થઈ છે.

જોકે ગીતનું ફક્ત લિરિકલ વર્ઝન જ રિલીઝ થયું છે, તે સૂચવે છે કે વીડિયો વર્ઝનમાં કિયારા અડવાણી યશ સાથે જોવા મળશે. આનું કારણ એ છે કે યુટ્યુબ પરના લિરિકલ વર્ઝનમાં યશ સાથે કિયારા અડવાણીનો ફોટો વપરાય છે. જોકે, તારા સુતારિયા, નયનતારા અને હુમા કુરેશી પણ ફિલ્મનો ભાગ છે.

યશના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ચાર વર્ષ પછી મોટા પડદા પર તેમનું પુનરાગમન દર્શાવે છે. તેઓ છેલ્લે 2022માં આવેલી ફિલ્મ KGF-2 માં જોવા મળ્યા હતા. ત્યારથી, ફેન્સ તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે, જે હવે પૂર્ણ થવાના આરે છે. ટીઝરમાં લોકોને યશનો અંદાજ ખૂબ જ ગમી. હવે જોવાનું એ છે કે તેઓ આ ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે.

Lifestyle : હોળી પર આંખોને નુકસાન પહોંચાડી શકે રંગ, આવી રીતે રાખો સંભાળ

0

કેમિકલવાળા રંગો ત્વચા, વાળ અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં હોળી રમતી વખતે ત્વચા, વાળ અને આંખોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

હોળી રંગોનો તહેવાર છે. આ અવસર પર લોકો સવારે એકબીજા પર રંગ ફેંકે છે. પરંતુ માર્કેટમાં આજકાલ ભેળસેળ અને કેમિકલ વાળા રંગો પણ વેચાય છે. કેમિકલવાળા રંગો ત્વચા, વાળ અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં હોળી રમતી વખતે ત્વચા, વાળ અને આંખોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

હોળી એ રંગો અને આનંદનો તહેવાર છે, પરંતુ રાસાયણિક રંગો તમારી આંખોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. હોળી રમતી વખતે, રંગ અથવા ગુલાલ અચાનક આંખોમાં પ્રવેશી શકે છે, જેનાથી બળતરા, લાલાશ અને પાણી આવી શકે છે. ઘણા લોકો ગભરાઈ જાય છે અને ખોટી રીતે આંખો ઘસે છે, જે સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે. હોળી રમતી વખતે આંખોને સુરક્ષિત રાખવા તમે આ ટિપ્સ અજમાવો. મિત્રો કે પરિવારના લોકો સાથે હોળી રમવામાં જો રંગ આંખોમાં જાય તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ બાબત જરૂર જાણો.

જ્યારે પણ કોઈ તમારા ચહેરા પર રંગ લગાવતું હોય, ત્યારે તમારી આંખોને ચુસ્ત રીતે બંધ કરી દો. આમ છતાં આંખમાં રંગ જાય તો આંખોને સુરક્ષિત રાખવા તેના પર ઠંડા પાણીનું કોમ્પ્રેસ લગાવો. ઠંડા પાણીમાં સ્વચ્છ કપડું પલાળી રાખો અને તેને તમારી બંધ આંખો પર હળવેથી મૂકો. આ બળતરા અને સોજો દૂર કરશે. તમારી આંખોમાં કોઈ રસાયણો કે સાબુ ન નાખવાનું ધ્યાન રાખો. જો રંગ આંખમાં જાય, તો તેને ઘસવાને બદલે તરત જ ઠંડા અને ચોખ્ખા પાણીના છંટકાવ કરો. આંખમાં સામાન્ય બળતરા થતી હોય, તો શુદ્ધ ગુલાબજળના બે ટીપાં નાખી શકાય છે, પરંતુ જો તમને કોઇ પ્રકારની એલર્જી થતી હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લો.

આંખને સુરક્ષિત રાખવા હોય તો હોળી રમતા પહેલા ભૂલ્યા વગર સનગ્લાસ પહેરી લો. જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો હોળી રમતી વખતે તરત જ તેને કાઢી નાખો, નહીં તો તમારી આંખોને નુકસાન થઈ શકે છે. તમારી આંખોની આસપાસ અને પાંપણો પર કોકોનટ ઓઈલ (નાળિયેર તેલ) અથવા કોઈ સારી કોલ્ડ ક્રીમ લગાવો. આનાથી જો રંગ આંખમાં જશે તો પણ તે સપાટી પર ચોંટશે નહીં અને સરળતાથી નીકળી જશે. હોળી આનંદનો તહેવાર છે, પરંતુ સ્વાસ્થ્ય સર્વોપરી છે. થોડી સાવધાની અને યોગ્ય કાળજી તમારી આંખોને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે.

Maharashtra : 13 વર્ષના માસૂમે ફાંસો ખાધો, સ્કૂલ પ્રિન્સિપાલે ફરિયાદ કરતાં માતાએ ઠપકો આપ્યો હતો

0

મહારાષ્ટ્રના થાણેમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. વાગલે એસ્ટેટ ક્ષેત્રમાં રહેવાવાળા 13 વર્ષના વિદ્યાર્થીએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. ઘટના શુક્રવાર રાતની હોવાનું ખૂલ્યું છે. પોલીસ મુજબ, વિદ્યાર્થી ઘરના ત્રીજા માળે સ્થિત એક રૂમમાં પંખાથી લટેકલી હાલતમાં મળ્યો, પરિવારજનો તાત્કાલિક તેને એક ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાંથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પણ હાજર ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો.

મૃતકની ઓળખ રુદ્ર રાકેશ સિંહના રૂપે થઈ છે. તે મુંબઈના મુલુંડ વિસ્તારમાં આવેલી એક શાળામાં અભ્યાસ કરતો હતો. પોલીસ અધિકારી જણાવ્યું કે, હાલમાં જ શાળાના આચાર્યએ રુદ્રના તોફાનીપણાની જાણ કરવા વાલીને બોલાવ્યા હતા. શાળામાંથી જાણવા મળ્યું છે કે સાથી વિદ્યાર્થીઓ સાથે તે સતત મજાક અને ફ્રેન્ક કરતો હતો, જે તેની આદત બની જતાં આચાર્ય નારાજ હતા.

ઘટના સમયે રુદ્રના પિતા શહેરથી બહાર હતા, તે માટે આચાર્ય પાસે તેની માતા ગઈ હતી. માતાએ ઘરે આવીને દીકરા રુદ્રને મીઠો ઠપકો આપ્યો અને તેના શાળામાં વ્યવહાર અંગે નારાજગી દર્શાવી. સાથે જ કહ્યું કે તારા પિતાને જાણકારી આપી દીધી છે. જે બાદ આશંકા છે કે પરિવારજનો અને ખાસ કરીને પિતાના ઠપકાના ડરથી વિદ્યાર્થીએ અંતિમ પગલું ભરી લીધું.

શ્રીનગર પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પ્રાથમિક તપાસ બાદ સ્પષ્ટ કર્યું છે કે હાલ સુધીમાં કોઈ પ્રકારનું કાવતરું કે બાહ્ય દબાણના કોઈ સંકેતો મળ્યા નથી, પરંતુ દરેક પાસાની તપાસ ગહન રીતે ચાલુ છે, પોલીસ પરિવારજનોના નિવેદનો નોંધી રહી છે, શાળાના પ્રશાસનનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.

Home Tips : શિયાળા બાદ રજાઈ સ્વચ્છ રાખવાની સરળ ટીપ્સ, આખું વર્ષ કબાટમાં મૂકી શકશો

0

શિયાળામાં કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવવા આપણે રજાઈનો ઉપયોગ કરીએ છીએ. ઠંડીમાં આપણું રક્ષા કવચ બને છે રજાઈ. ઠંડીના દિવસોમાં રજાઈનો દરરોજ ઉપયોગ થાય છે. રોજિંદા ઉપયોગને કારણે, તેમાં ધૂળ, પરસેવો અને ભેજ એકઠો થાય છે, જે દુર્ગંધ અને જંતુઓ તરફ દોરી શકે છે. તેથી, તમારા રજાઈને યોગ્ય રીતે અને નિયમિતપણે સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે રજાઈનો ઉપયોગ થશે નહીં. એટલે કબાટમાં આખું વર્ષ માટે રજાઈને મૂકતા પહેલા આટલું જરૂર જાણો. રજાઈને સાફ કરવું મુશ્કેલ નથી. થોડા સરળ, ઘરેલું ઉપાયો દ્વારા, તમે રજાઈને લાંબા સમય સુધી સ્વચ્છ, નરમ અને તાજી રાખી શકો છો.

મહિનામાં ઓછામાં ઓછા એક કે બે વાર, તમારા રજાઇને તેજસ્વી સૂર્યપ્રકાશમાં 3-4 કલાક માટે પાથરીને રાખો. આ ભેજ અને ગંધ દૂર કરે છે. તે જંતુઓનો પણ નાશ કરે છે. રજાઇને તડકામાં મૂક્યા પછી, ધૂળ દૂર કરવા માટે તેને લાકડી અથવા તમારા હાથથી હળવેથી ટેપ કરો. આનાથી અંદર જમા થયેલી કોઈપણ ગંદકી અને ધૂળ દૂર થઈ જશે.

ડ્યુવેટ કવર (કવરલેટ) કાઢી નાખો અને તેને અઠવાડિયામાં એકવાર ધોઈ લો. હૂંફાળા પાણી અને હળવા ડિટર્જન્ટનો ઉપયોગ કરો. ડ્યુવેટ સંપૂર્ણપણે સુકાઈ જાય પછી જ તેને ફરીથી ઇન્સ્ટોલ કરો. તમારા રજાઇ પર આછો ડાઘ હોય, તો એક કપ નવશેકા પાણીમાં થોડું પ્રવાહી ડિટર્જન્ટ મિક્સ કરો. ડાઘવાળી જગ્યાને કપડાથી હળવેથી સાફ કરો. ખૂબ જોરથી ઘસો નહીં, કારણ કે આ રજાઇના ભરણને નુકસાન પહોંચાડી શકે છે.

તમે રજાઇ હાથથી ધોઈ શકતા નથી, અને જો રજાઇ હલકી હોય, તો તમે તેને વોશિંગ મશીનમાં “જેન્ટલ મોડ” પર ધોઈ શકો છો. ભારે રજાઇ ડ્રાય-ક્લીન શ્રેષ્ઠ છે. ધોયા પછી તડકામાં સંપૂર્ણપણે સૂકવવી જરૂરી છે. રજાઇ ધોયા હોય, તો તેને સંપૂર્ણપણે સુકાઈ ગયા પછી જ પેક કરો. તેને હવાચુસ્ત બેગ અથવા કપાસની થેલીમાં સંગ્રહિત કરો. જંતુઓથી બચવા માટે તમે અંદર લીમડાના પાન અથવા કપૂર મૂકી શકો છો.

રજાઈને સાફ કર્યા બાદ પેક કરો. પેક કરતા પહેલા રજાઈને 2-3 કલાક કડક તડકામાં રાખો, જેથી તેમાં રહેલો ભેજ અને ગંધ દૂર થઈ જાય. પેક કરતી વખતે અંદર લીમડાના સૂકા પાન અથવા કપૂરની ગોળીઓ રાખવાથી જીવાત પડતી નથી. જો પ્લાસ્ટિક બેગ ન હોય, તો સફેદ સુતરાઉ ચાદરમાં વીંટાળીને રાખવાથી રજાઈમાં હવા ઉજાસ જળવાઈ રહે છે.

Surat : દક્ષેશ્વરનગરથી અલથાણ ખાડી સુધી પાલિકા-પોલીસનો સપાટો, રોડ પરના ગેરકાયદે દબાણો અને વાહનો દૂર કરાયા

0

SMC અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.શહેરના દક્ષેશ્વરનગરથી લઈને અલથાણ ખાડી સુધીના વિસ્તારોમાં લાંબા સમયથી પ્રવર્તતી ટ્રાફિકની ગંભીર સમસ્યાને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા (SMC) અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ માર્ગો પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો અને આડેધડ પાર્કિંગને કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.

દક્ષેશ્વરનગર અને તેની આસપાસના રસ્તાઓ પર લોકોએ પોતાના ટુ-વ્હીલર અને કાર જેવા મોટા વાહનો જાહેર માર્ગ પર જ પાર્ક કરી દીધા હતા, જેના કારણે રસ્તો સાંકડો થઈ જતો હતો અને દરરોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર પોલીસ અને પાલિકાને રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સુરત ટ્રાફિક પોલીસ અને SMCના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા રોડ પર ખડકાયેલા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જે વાહન માલિકોએ રોડ પર ગેરકાયદે પાર્કિંગ કર્યું હતું, તેમના વાહનો ટોઈંગ કરીને જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે રસ્તાઓ ખુલ્લા થયા છે અને વાહનવ્યવહાર પૂર્વવત થયો છે.

Israel Iran war: ઈરાનમાં મોટી અસ્થિરતા ભારત પર ગંભીર અસરો પાડી શકે

0

ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ આયાત કરે છે. જોકે ભારત અત્યારે સીધું ઈરાન પાસેથી તેલ નથી ખરીદતું, પરંતુ ઈરાન પરના હાલના હુમલા કે અસ્થિરતાને કારણે Strait of Hormuz પ્રભાવિત થશે.દુનિયાના તેલ વેપારનો 20% હિસ્સો આ રસ્તેથી પસાર થાય છે. જો આ રસ્તો બંધ થાય, તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ $100 થી $150 પ્રતિ બેરલ ને પાર કરી શકે છે. આ કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, ટ્રાન્સપોર્ટ મોંઘું થશે અને ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે.

ભારતે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા માટે ઈરાનમાં ચાબહાર પોર્ટ વિકસાવવા માટે કરોડો ડોલરનું રોકાણ કર્યું છે. જો ઈરાન બરબાદ થાય, તો ભારતનો આ “ગેટવે ટુ સેન્ટ્રલ એશિયા” નો પ્રોજેક્ટ જોખમમાં મુકાઈ શકે છે. પાકિસ્તાનને બાયપાસ કરીને વેપાર કરવાની ભારતની વ્યુહાત્મક ક્ષમતા ઘટી શકે છે.

ભારત, ઈરાન અને રશિયા મળીને આ એક મોટો ટ્રેડ રૂટ બનાવી રહ્યા છે જે યુરોપ સુધી જાય છે. ઈરાનમાં અસ્થિરતા આ પ્રોજેક્ટને વર્ષો પાછળ ધકેલી શકે છે. તેનું પરિણામ એ આવે કે ભારતની નિકાસને મોટો ફટકો પડે.આ ઉપરાંત, ગલ્ફ દેશો જેમ કે UAE, સાઉદી અરેબિયામાં લગભગ 90 લાખ જેટલા ભારતીયો વસે છે. જો ઈરાન અને તેના પાડોશી દેશો વચ્ચે ખરા અર્થમાં યુદ્ધ ફાટી નીકળે, તો અહીં રહેતા ભારતીયોની સુરક્ષા અને નોકરીઓ પર મોટું જોખમ ઊભું થશે. ખાડી દેશોમાંથી આવતું વિદેશી હૂંડિયામણ ઘટે, જે ભારતની અર્થવ્યવસ્થા માટે મોટા ફટકા સમાન સાબિત થાય.

ભારત ઈરાનને મોટા પ્રમાણમાં બાસમતી ચોખા, ચા, ખાંડ અને દવાઓની નિકાસ કરે છે. ઈરાનની આર્થિક પાયમાલીથી ભારતના નિકાસકારોને મોટું નુકસાન સહન કરવું પડે. હાલની તણાવપૂર્ણ સ્થિતિને કારણે ભારતની ચોખાની નિકાસ પહેલેથી જ પ્રભાવિત થઇ છે.ભારત ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં યુરિયા અને અન્ય ખાતરોની આયાત કરે છે. જો સપ્લાય અટકે, તો ભારતીય ખેડૂતોને ખાતરની અછત વર્તાઈ શકે છે અને ખેતીના ખર્ચમાં વધારો થઈ શકે છે.

એટલે ઈરાનની સ્થિરતા ભારત માટે માત્ર વેપાર માટે જ નહીં, પણ રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક મજબૂતી માટે પણ અનિવાર્ય છે. કોઈપણ પ્રકારનું યુદ્ધ ભારતના આયાત બિલમાં અબજો ડોલરનો વધારો કરી શકે છે.

Ahmedabad : 65 વર્ષીય વૃદ્ધે માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા, પોલીસે ધરપકડ કરી

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જેમાં દાદાની ઉંમરના એક 65 વર્ષીય વૃદ્ધે નવ વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. વિશ્વાસના સબંધને કલંકિત કરતી આ ઘટનામાં નિકોલ પોલીસે ગણતરીના કલાકોમાં વૃદ્ધની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર બાળકીની માતા નિકોલ વિસ્તારની એક દુકાનમાં કામ કરે છે. આરોપી વૃદ્ધ પણ આ જ દુકાનમાં સાથે કામ કરતો હતો. પરિચિત હોવાને કારણે અને એક જ જગ્યાએ કામ કરતા હોવાને લીધે પરિવારનો તેના પર વિશ્વાસ હતો. જ્યારે માતા કામથી બહાર ગઈ હોવાથી બાળકી દુકાનમાં એકલી હતી, ત્યારે આરોપી વૃદ્ધે માસૂમની એકલતાનો લાભ ઉઠાવી તેણે બાળકી સાથે અડપલાં કર્યા હતા. જ્યારે સીસીટીવી ચેક કરતા આ સમગ્ર ઘટના સામે આવી હતી.

બાળકીની માતાએ તાત્કાલિક નિકોલ પોલીસ સ્ટેશનમાં નરાધમ વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મ મામલાની ગંભીરતાને સમજીને ત્વરિત તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે 65 વર્ષીય આરોપી વૃદ્ધની ધરપકડ કરી લીધી છે.

Entertainment : ગુજરાતી સિનેમાનો ઈતિહાસ બદલનાર ફિલ્મ લાલો કૃષ્ણની OTT પર એન્ટ્રી, ડિજિટલ પ્લેટફોર્મ પર મચાવશે ધૂમ!

0

ગુજરાતી સિનેમાની સુપરહિટ ફિલ્મ લાલો-કૃષ્ણ સદા સહાયતે હવે OTT પર રિલીઝ થવા માટે તૈયાર છે. થિયેટરોમાં જબરદસ્ત સફળતા મેળવ્યા પછી, આ ફિલ્મ હવે ઘરે બેઠા દર્શકો સુધી પહોંચશે. માત્ર ₹50 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹100 કરોડથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. નિર્માતાઓએ હવે તેની ડિજિટલ રિલીઝ તારીખ કન્ફર્મ કરી છે. આ ફિલ્મ 6 માર્ચ, 2026 થી સોની લિવ પર સ્ટ્રીમ થશે અને ગુજરાતીમાં રિલીઝ થશે. જો કે, એવી અપેક્ષા છે કે હિન્દી વર્ઝન પણ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.

ફિલ્મની સ્ટોરી શ્રુહદ ગોસ્વામી દ્વારા ભજવવામાં આવેલા લિલો નામના ઓટો-રિક્ષા ડ્રાઇવરની છે. લાલો એક એવો માણસ છે જે ભૂતકાળના નિર્ણયો અને પસ્તાવોથી ઘેરાયેલો છે. તે ડિપ્રેશનનો સામનો કરે છે અને ધીમે ધીમે દારૂનો વ્યસની બને છે. જીવનથી નિરાશ, લાલો, ઝડપી પૈસાની શોધમાં, એક દિવસ એક ઉજ્જડ ફાર્મહાઉસમાં ફસાયેલો જોવા મળે છે, જ્યાં તે પોતાને સંપૂર્ણપણે એકલો શોધે છે.

આ એકલતા વચ્ચે, તેને ભગવાન કૃષ્ણના દર્શન થવા લાગે છે, જે તેને તેના ભય, અપરાધભાવ અને નબળાઈઓમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે. લાલોના વિચારો તેની પત્ની, તુલસી અને પુત્રી, તુલસી, જે રીવા રાચ દ્વારા ભજવવામાં આવી છે, દ્વારા સતાવતા હોય છે. ભગવાન કૃષ્ણની દિવ્ય ઝલક દ્વારા, લાલો તેના ભૂતકાળનો સામનો કરે છે અને ધીમે ધીમે પોતાને બદલવાનો પ્રયાસ કરે છે.

દિગ્દર્શક અંકિત સખિયાએજણાવ્યું હતું કે આ સ્ટોરી તેમના માટે ખૂબ જ વ્યક્તિગત અને ભાવનાત્મક હતી. આ ફિલ્મ 10 ઓક્ટોબર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ધીમે ધીમે દર્શકોમાં લોકપ્રિયતા મેળવી હતી. તેનું હિન્દી વર્ઝન પણ 9 જાન્યુઆરી, 2026 ના રોજ રિલીઝ થયું હતું, જેનાથી તેની પહોંચ વધુ વિસ્તરી હતી. માત્ર 51 દિવસમાં 100 કરોડ ક્લબમાં પ્રવેશ કરીને, તેણે ગુજરાતી સિનેમામાં એક નવો રેકોર્ડ બનાવ્યો, અગાઉની મોટી હિટ ફિલ્મોને પાછળ છોડી દીધી. હવે, OTT રિલીઝ સાથે, આ આધ્યાત્મિક અને ભાવનાત્મક સ્ટોરી દેશભરના દર્શકો સુધી પહોંચવા માટે તૈયાર છે.

Ahmedabad : વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના, ગુજરાત કોલેજ કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી

અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતાં શૈક્ષણિક વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. વિધાના ધામ સમાન ગણાતી કોલેજના પરિસરમાં આવી ઘટના સામે આવતાં સવાલો ઉઠ્યા છે.

માહિતી અનુસાર, કેમ્પસમાંથી અનેક ખાલી બોટલો મળી આવી હતી. ઘટના સામે આવતા કોલેજ પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.કોલેજના પ્રિન્સિપાલ મનોજ પટેલે જણાવ્યું હતું કે, દારૂની બોટલો એકત્ર કરી વીડિયો બનાવવામાં આવ્યો છે અને સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે કેમ્પસમાં ન્યુસન્સ ફેલાઇ રહ્યું હતું, જેને કાબૂમાં લેવા સતત પ્રયાસ કરી રહ્યા છીએ.પ્રિન્સિપાલે જણાવ્યું કે પોલીસ કમિશનરને ત્રણ વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે, છતાં કેટલાક તત્વો કેમ્પસને અડ્ડો બનાવી બેસે છે.તેમણે કહ્યું કે એડમિશન ના ધરાવતા કેટલાક વિદ્યાર્થીઓ તથા બહારના તત્વો દ્વારા પરિસરમાં અયોગ્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આવા અનેક વિદ્યાર્થીઓ અહી અડ્ડો જમાવીને બેસે છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, રાજકીય પાર્ટીના બોર્ડવાળી ગાડીઓ પણ કેમ્પસ આસપાસ ન્યુસન્સ ફેલાવે છે.”

કોલેજ પ્રશાસને ચેતવણી આપી છે કે જો કોઈ વિદ્યાર્થી સંડોવાયેલો હોવાનું સામે આવશે તો તેના એડમિશન રદ કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે.ઘટનાને લઈ વિદ્યાર્થી અને વાલીઓમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. શિક્ષણના પવિત્ર સ્થળે આવી પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.