Home Blog Page 390

Rajkot : જંગલેશ્વરમાં આજી નદીના કાંઠે આવતીકાલે મેગા ડિમોલિશન

0

રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવા માટેની એક ખૂબ જ મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવા માટેની એક ખૂબ જ મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આજી નદીના કાંઠા વિસ્તારમાં વર્ષોથી ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ આખરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અંદાજે 1487 જેટલા મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવશે. આ કામગીરીથી અંદાજે 87 હજાર ચોરસ મીટર કિંમતી જગ્યા ગેરકાયદે દબાણમાંથી મુક્ત થશે.



આજી નદીના પટ અને કાંઠાના વિસ્તારોમાં થયેલા કાચા-પાકા દબાણો. તંત્ર દ્વારા લેવામાં આવેલા ડ્રોન ફૂટેજ અને આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આજી નદીના કાંઠે મોટા પાયે ગેરકાયદે બાંધકામ ફૂટી નીકળ્યું હતું. નદીના કુદરતી પ્રવાહને અવરોધતા આ દબાણો દૂર કરવા કોર્ટ અને સરકારના આદેશ બાદ હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આવતીકાલે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનેક જેસીબી અને બુલડોઝરની મદદથી આ ઓપરેશન શરૂ કરવામાં આવશે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો પણ તૈનાત રહેશે. આ મેગા ડિમોલિશનને પગલે જંગલેશ્વર વિસ્તારમાં ભારે ફફડાટ અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Entertainment : ખામોશ! શત્રુઘ્ન સિન્હાની પર્સનાલિટી અને ડાયલોગના દુરુપયોગ પર બોમ્બે હાઈકોર્ટની રોક

0

દિગ્ગજ અભિનેતા અને નેતા શત્રુઘ્ન સિન્હાને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તેમના નામ, અવાજ, તસવીર અને ફેમસ ડાયલોગ ‘ખામોશ’ના સોશિયલ મીડિયા, ઈ-કોમર્સ અને અશ્લીલ વેબસાઈટ્સ પર થતા દુરુપયોગ સામે વચગાળાનો મનાઈહુકમ(Injunction Order) જાહેર કર્યો છે.

79 વર્ષીય અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, મારી મંજૂરી વિના જ મારી કોમર્શિયલ ઓળખનો અયોગ્ય રીતે ઉપયોગ કરાઈ રહ્યો છે. આ મામલે તેમણે ટેક કંપનીઓ અને અજાણી વ્યક્તિઓ પાસેથી ₹20 કરોડના વળતરની પણ માંગ કરી છે.

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ શર્મિલા દેશમુખે આ અંગે મહત્ત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, અભિનેતા શત્રુઘ્ન સિન્હાના નામ, દેખાવ, અવાજની નકલ અને તેમના ‘પર્સનાલિટી રાઈટ્સ’નું રક્ષણ કરવું અનિવાર્ય છે. આ બાબતને ગંભીરતાથી લેતા કોર્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI), ડીપ ફેક, ફેસ મોર્ફિંગ, મીમ્સ, GIF અને ડિજિટલ સ્ટીકર્સ દ્વારા થતા તેમના વ્યક્તિત્વના દુરુપયોગ પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો છે. વધુમાં, કોર્ટે નોંધ્યું હતું કે કોઈપણ કલાકારના પ્રદર્શનને વિકૃત કરવું એ કોપીરાઈટ એક્ટની કલમ 38B હેઠળ તેમના નૈતિક અધિકારોનું સીધું ઉલ્લંઘન છે.

આ દરમિયાન હાઈકોર્ટે સોશિયલ મીડિયા અને ઈ-કોમર્સ સાઇટ્સને પણ આદેશ આપ્યો છે કે, આ પ્રકારનું કન્ટેન્ટ અપલોડ કરનારા કે વેચનારા લોકોની વિગતો(સરનામું, સંપર્ક નંબર વગેરે) જાહેર કરવામાં આવે. આ દરમિયાન હાઈકોર્ટે અજાણ્યા તત્ત્વો અને વિવિધ પ્લેટફોર્મ્સ વિરુદ્ધ એક્સ-પાર્ટી ઓર્ડર પાસ કર્યો છે. આ મનાઈ હુકમ 30 માર્ચ સુધી અમલમાં રહેશે, ત્યારબાદ આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે.

Jammu and Kashmir : કિશ્તવાડના ચતરુ જંગલમાં એન્કાઉન્ટર, જૈશના બે આતંકવાદી ઠાર

0

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી છે. ચતરુ જંગલ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં જૈશના બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લોમાં સુરક્ષા દળોને મહત્વપૂર્ણ સફળતા મળી છે. જિલ્લાના દૂરવર્તી અને કઠિન ભૂગોળ ધરાવતા ચતરુ જંગલ વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે એન્કાઉન્ટર થયું. આ કાર્યવાહીમાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓની હાજરી અંગે મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા CRPFની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરતાં એન્કાઉન્ટર ભડકી ઊઠ્યું. લાંબા સમય સુધી ચાલેલા ગોળીબારમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા.

સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યો છે અને કોઈ અન્ય આતંકવાદી છુપાયેલો તો નથી ને, તે માટે સઘન સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. એન્કાઉન્ટર બાદ વિસ્તારમાં વધુ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ચતરુ જંગલ વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ગતિવિધિઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. ગયા મહિને પણ આ જ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અનેક વખત ગોળીબાર થયો હતો. તે સમયે એક બહાદુર સૈનિક શહીદ થયો હતો, જ્યારે એક આતંકવાદી માર્યો ગયો હતો. આ ઘટનાઓ બાદથી સુરક્ષા દળોએ વિસ્તારમાં પોતાની ચોકસાઈ અને પેટ્રોલિંગ વધારી હતી. વ્હાઇટ નાઈટ કોર્પ્સ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે આ સંયુક્ત કાર્યવાહી આતંકવાદની કમર તોડવા માટે મહત્વપૂર્ણ છે. સૈનિકો અને સુરક્ષા કર્મીઓએ વિસ્તારને કાબૂમાં રાખ્યો છે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ એન્કાઉન્ટરથી સ્પષ્ટ થાય છે કે સુરક્ષા દળો આતંકવાદ સામે કડક વલણ અપનાવી રહ્યા છે અને કિશ્તવાડ જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ આતંકવાદીઓને કોઈ પણ રીતે છૂટ આપવામાં આવશે નહીં. આવનારા દિવસોમાં પણ આવા ઓપરેશનો ચાલુ રહેવાની શક્યતા છે.

Gujarat : કચ્છમાં વધુ એક પ્રેમ સંબંધનો લોહિયાળ અંત, ગાંધીધામની હોટેલમાં પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી

0

કચ્છ જિલ્લામાં વધુ એક પ્રેમ સંબંધનો લોહિયાળ અંત આવ્યો છે. ગાંધીધામના ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં શનિવારે (21મી ફેબ્રુઆરી) પ્રેમીએ પોતાની પ્રેમિકાની ગળેટૂંપો આપી હત્યા કરી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી અનુસાર, ગાંધીધામના ખન્ના માર્કેટની એક હોટેલમાં શનિવારે એક યુવક અને યુવતી રૂમ રાખીને રોકાયા હતા. સાંજના સમયે યુવક એકલો હોટેલની બહાર નીકળી ગયો હતો. થોડી કલાકો બાદ જ્યારે હોટેલ સ્ટાફે રૂમ તપાસ્યો, ત્યારે અંદર યુવતીનો મૃતદેહ મળી આવતા ફફડાટ વ્યાપી ગયો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો, જેમાં યુવતીનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું સ્પષ્ટ થયું હતું.

પોલીસે યુવતી સાથે રોકાયેલા યુવક દિલીપ રાઠોડને દબોચીને કડક પૂછપરછ કરતા તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મૃતક ભાવના લોંચા એકાકી જીવન જીવતી હતી. તેના અગાઉ બે લગ્ન થયા હતા. પ્રથમ પતિના અવસાન બાદ બીજા પતિ સાથે છૂટાછેડા થતા તે સ્વતંત્ર રહેતી હતી. આરોપી દિલીપ રાઠોડ પણ પત્નીથી અલગ થઈ એકલો રહેતો હતો. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો.

દિલીપને શંકા હતી કે ભાવના અન્ય પુરુષો સાથે પણ મૈત્રી સંબંધો ધરાવે છે. આ બાબતે હોટેલના રૂમમાં ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઈને દિલીપે ભાવનાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ પોલીસે આરોપી દિલીપ રાઠોડ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વિધિવત્ ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

Business : કોર્ટના નિર્ણય અને નવા ટેરિફે વધારી બેઠક અંગેની અનિશ્ચિતતા, નવી તારીખ અંગે જોવાઇ રહી છે રાહ

0

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ અંગે હલચલ જોવા મળી રહી છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી અઠવાડિયે બન્ને દેશ વચ્ચે યોજાના દ્વીપક્ષીય ટ્રેડ ડીલની બેઠક હાલ પુરતી રદ્દ કરાઇ છે. આ મામલે આગામી તારીખ જલદી જ જાહેર કરાશે. ટેરિફ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પને ફટકાર લગાવવામાં આવી હતી. અમેરિકાની સુપ્રીમ કોર્ટે અગાઉ 10 ટકા અને બાદમાં 15 ટકા ટેરિફ લગાવવા માટે આદેશ જાહેર કર્યો છે.

આ નિર્ણય અમેરિકા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લેવાયો છે. મુખ્ય ન્યાયાધિશ જોન રોબર્ટસની આગેવાનીની ખંડપીઠે કહ્યુ હતુ કે, IEEPA હેઠળ લગાવવામાં આવેલા રેસિપ્રોકલ અને ડ્રગ્સ ટ્રેફિંકિંગ સાથે જોડાયેલા ટેરિફ ગેરકાયદેસર છે. આ ટ્રમ્પ માટે મોટા ઝટકા સમાન છે. આ ટેરિફના કારણે અમેરિકાએ ભારત પર ભારે ડ્યુટી લગાવી હતી. કોર્ટના નિર્ણ બાદ ટ્રમ્પે જવાબી કાર્યવાહી કરી હતી.

ભારત-અમેરિકા વચ્ચે ફેબ્રુઆરીની શરૂઆતમાં ટ્રેડ ફ્રેમવર્ક પર સહમિત બની હતી. સંયુક્ત નિવેદનમાં અમેરિકાએ ભારતથી આયાત પર ટેરિફને 18 ટકા ઓછુ કરવા માટે વાત કરી હતી. આ ટેરિફ અમુક કિસ્સાઓમાં 50 ટકા સુધી લગાવાયા હતા. જ્યારે ભારતે અમેરિકાના સામાનો પર ઝીરો ટેરિફ આપવા માટે સહમતિ દર્શાવી હતી. આ વ્યાપક બાઇલેટર ટ્રેડ એગ્રીમેન્ટની દિશામાં પ્રથમ પગલું હતુ. પરંતુ કોર્ટના નિર્ણય અને નવા ટેરિફે હવે અનિશ્ચિતતા વધારી છે.

Sports : રોહિત શર્મા પત્ની રિતિકા સાથે પહોંચ્યો શિખર ધવનના લગ્નમાં, વિરાટ કોહલીએ આપી શુભેચ્છા

0

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઓપનર શિખર ધવન ફરી એકવાર લગ્નગ્રંથિથી જોડાઈ ગયો છે. પ્રથમ પત્ની આયશા મુખર્જી સાથે છૂટાછેડા લીધા બાદ ધવને આયર્લેન્ડની સોફી શાઈન સાથે બીજીવાર લગ્ન કર્યા છે. સોફી અને શિખરની મુલાકાત પ્રથમવાર દુબઈમાં થઈ હતી, જે બાદ તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. શનિવાર, 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા આ લગ્ન સમારોહમાં ક્રિકેટ જગતના અનેક દિગ્ગજોએ હાજરી આપી હતી.

40 વર્ષીય શિખર ધવનના લગ્નમાં ભારતીય ટીમના ખેલાડીઓનો જમાવડો જોવા મળ્યો હતો. ધવનના જૂના મિત્ર અને ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પત્ની રિતિકા સજદેહ સાથે ખાસ દિલ્હી પહોંચ્યો હતો. આ ઉપરાંત સુરેશ રૈના, યુઝવેન્દ્ર ચહલ, ઇરફાન પઠાન અને બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર આ સેલિબ્રિટીઝે લગ્નની તસવીરો શેર કરીને ધવનને શુભેચ્છાઓ પાઠવી છે.

વિરાટ કોહલી હાલમાં જ પત્ની અનુષ્કા શર્મા સાથે ભારત આવ્યો છે, જેના વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. જોકે, કોહલી લગ્ન પાર્ટીમાં જોવા મળ્યો નહોતો, પરંતુ તેણે ઈન્સ્ટાગ્રામ પર શિખર ધવનની લગ્નની પોસ્ટ પર કમેન્ટ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કોહલીએ ધવનને વધામણી આપતા લખ્યું, ‘મુબારકાં જટ જી’, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યું છે.

શિખર ધવનની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો, તેણે વર્ષ 2010માં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું અને 29 જુલાઈ, 2021ના રોજ તેની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમી હતી. પોતાના 11 વર્ષના કરિયરમાં ધવને 34 ટેસ્ટમાં 2315 રન, 167 વનડેમાં 6793 રન અને 68 T20 મેચમાં 1759 રન બનાવ્યા છે. ‘ગબ્બર’ તરીકે ઓળખાતા આ આક્રમક બેટરની નવી ઇનિંગ માટે ફેન્સ પણ સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.

Entertainment : ‘મારો આખો દિવસ ખરાબ થઈ ગયો’, યુઝર્સની ગંદી કોમેન્ટ્સથી કંટાળીને એક્ટ્રેસે લીધો મોટો નિર્ણય!

0

ટેલિવિઝન અને ફિલ્મી અભિનયથી પ્રખ્યાત અભિનેત્રી ગૌતમી કપૂર હાલમાં સોશિયલ મીડિયાથી દૂર છે. તેણે છેલ્લા બે મહિનાથી ઇન્સ્ટાગ્રામ પર કંઈ પોસ્ટ કર્યું નથી. હવે, તેણે આ બ્રેક શા માટે લીધો તે ખુલાસો કર્યો છે. ગૌતમીએ ખુલાસો કર્યો કે તેને સતત ખરાબ અને અપમાનજનક કોમેન્ટ્સ મળી રહી હતી. સવારે જ્યારે તે પોતાનો ફોન ચેક કરતી ત્યારે સૌથી પહેલા તે નકારાત્મક કોમેન્ટ્સ વાંચતી.

ગૌતમીએ કહ્યું કે તેને કોઈની ઓળખની જરૂર નથી. તે તેના પરિવાર અને તેના નાના વર્તુળથી ખુશ છે. પરંતુ જ્યારે આ સમાચાર તેના નજીકના લોકો સુધી પહોંચ્યા અને તેના વિશે નકારાત્મક વાતો લખવામાં આવી, ત્યારે તેને લાગ્યું કે પોતાને દૂર રાખવું વધુ સારું છે. ઇન્સ્ટાગ્રામથી દૂર રહ્યા પછી, તેને ખ્યાલ આવ્યો કે તેની પાસે ઘણો સમય અને શાંતિ છે.

ગૌતમીએ એક ઘટનાનું વર્ણન કર્યું જ્યાં એક સવારે, જ્યારે તેણે તેના રીલ્સ તપાસ્યા, ત્યારે તેને ટોચ પર એક ખરાબ અને અપમાનજનક કોમેન્ટ મળી. તે એટલી અપમાનજનક હતી કે તેનાથી તેનો આખો દિવસ બગાડ્યો. તેને લાગ્યું કે તે આવી નકારાત્મકતાને લાયક નથી. ત્યારથી, તે તેના અંગત જીવનને સોશિયલ મીડિયાથી દૂર રાખ્યું છે. જો કે, તે સોશિયલ મીડિયા પર ત્યારે જ પાછા ફરશે જ્યારે તે પાસે તેના કામ સાથે સંબંધિત કંઈક કહેવા માટે હશે.

ગૌતમીએ એમ પણ કહ્યું કે આજકાલ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ઈન્ડસ્ટ્રીમાં પ્રોજેક્ટ્સ મેળવવા માટે એક મહત્વપૂર્ણ પરિબળ બની ગયા છે. તેણે હંમેશા ઓર્ગેનિક રીતે ફોલોઅર્સ બનાવ્યા છે. તેને સમજાતું નથી કે કલાકારની મહેનત અને અનુભવ તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સ દ્વારા કેવી રીતે માપી શકાય. ગૌતમી કપૂર લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીનો ભાગ છે અને અસંખ્ય શોમાં જોવા મળી છે. તે ફિલ્મ દે દે પ્યાર દે 2 માટે સમાચારમાં હતી.

Gujarat : ‘લાલા’ના દર્શનની લગન: બોટાદનો ‘સંજય’ આંખે પાટા બાંધી 360 કિમીની દ્વારકાની પદયાત્રાએ, પત્ની બની ‘શ્રવણ’

0

કહેવાય છે કે ભક્તિમાં જો સાચો વિશ્વાસ હોય તો ઈશ્વર પથ્થરમાંથી પણ માર્ગ કાઢી આપે છે. આવો જ કંઈક નઝારો હાલ જામનગર-દ્વારકા હાઈવે પર જોવા મળી રહ્યો છે. હોળી-ધૂળેટીના પર્વે દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં લાખો ભક્તો ઉમટતા હોય છે, પરંતુ આ ભીડમાં બોટાદનો એક કૃષ્ણભક્ત આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ યુવાન પોતાની માનતા પૂરી કરવા માટે આંખે પાટા બાંધીને બોટાદથી દ્વારકા સુધીની 360 કિલોમીટરની કપરી પદયાત્રા કરી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર,બોટાદનો વતની સંજય પડેલિયા અગાઉ ખૂબ જ કષ્ટમય જીવન જીવી રહ્યો હતો. આ કપરા સમયમાં તેણે દ્વારકાધીશના શરણોમાં બાધા માની હતી કે, જો તેની પરિસ્થિતિ સુધરશે, તો તે આંખે પાટા બાંધીને પગપાળા દ્વારકા દર્શન કરવા આવશે. આજે જ્યારે ભગવાનની કૃપાથી તેનું જીવન સુખમય બન્યું છે, ત્યારે તે પોતાની આ અનોખી માનતા પૂરી કરવા નીકળ્યો છે.

સંજયે અંદાજે છથી સાત દિવસ પહેલા બોટાદથી પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ સફરમાં સૌથી પ્રેરણાદાયી બાબત એ છે કે, આંખે પાટા હોવા છતાં સંજય ડગમગ્યા વગર ચાલી રહ્યો છે, કારણ કે તેની પત્ની તેની સાથે રહીને ડગલે ને ડગલે માર્ગ બતાવી રહી છે. રવિવારે (22મી ફેબ્રુઆરી) સવારે આ પદયાત્રી જામનગર જિલ્લામાં આવી પહોંચ્યો હતો. જામનગરથી હવે તેણે દેવભૂમિ દ્વારકા તરફ પ્રયાણ કર્યું છે. આગામી 4 દિવસમાં તે દ્વારકાધીશના જગત મંદિર પહોંચી શીશ ઝુકાવશે.

સંજયની આ કઠિન ભક્તિ જોઈને માર્ગ પરથી પસાર થતા અન્ય પદયાત્રીઓ અને વાહનચાલકો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. તેની સાથે અન્ય કેટલાક મિત્રો અને ભક્તો પણ ઉત્સાહભેર જોડાયા છે. દ્વારકાધીશના નાદ સાથે આ સંઘ અવિરતપણે દ્વારકા ભણી આગળ વધી રહ્યો છે.

Delhi : દિલ્હીથી મેરઠ હવે ફક્ત 55 મિનિટમાં, PM મોદીએ ‘નમો ભારત રેપિડ રેલ’ના સંપૂર્ણ ભાગનું ઉદ્ઘાટન કર્યું

0

દિલ્હીથી મેરઠ વચ્ચેનું અંતર હવે સમયની દૃષ્ટિએ ઘણું નજીક આવ્યું છે. ‘નમો ભારત રેપિડ રેલ’ શરૂ થતાં મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક પ્રવાસનો અનુભવ મળશે. PM નરેન્દ્ર મોદી દ્વારા આજે 82 કિલોમીટર લાંબા દિલ્હી–મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ના બાકીના તમામ ભાગોનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઐતિહાસિક પગલાંથી દિલ્હી થી મેરઠ વચ્ચેની મુસાફરી હવે માત્ર 55 મિનિટમાં પૂર્ણ થશે, જે પહેલાં ઘણો સમય લેતી હતી.

આ પ્રોજેક્ટમાં દિલ્હીના સરાય કાલે ખાનથી ન્યૂ અશોક નગર સુધીનો 5 કિમીનો વિભાગ અને મેરઠ દક્ષિણથી મોદીપુરમ સુધીનો 21 કિમીનો વિભાગ સામેલ છે. સાથે જ 23 કિલોમીટર લાંબી મેરઠ મેટ્રોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે દેશની સૌથી ઝડપી મેટ્રો સેવાઓમાંની એક છે. ઉદ્ઘાટન બાદ આજે સાંજે 6 વાગ્યાથી આ બંને સેવાઓ સામાન્ય જનતા માટે શરૂ કરવામાં આવી.

પ્રધાનમંત્રીનું સ્વાગત ગાઝિયાબાદ સ્થિત હિંડોન એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ બંને મેરઠ પહોંચ્યા, જ્યાં ઉદ્ઘાટન સમારોહ સાથે એક જાહેર રેલીને પણ સંબોધન કરવામાં આવ્યું. આ પહેલા પ્રધાનમંત્રીએ મેરઠમાં અંદાજે ₹12,930 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને NCRTCના અધિકારીઓએ શતાબ્દી નગરથી મેરઠ દક્ષિણ સુધી ‘નમો ભારત’ ટ્રેનમાં મુસાફરી કરી અને મુસાફરો સાથે સંવાદ કર્યો. અધિકારીઓએ રેપિડ રેલની કામગીરી, સુરક્ષા વ્યવસ્થા અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપી.

‘નમો ભારત રેપિડ રેલ’માં મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અંદાજે 80 ટકા ડ્રાઇવર સ્ટાફ મહિલાઓનો રહેશે. ટ્રેનમાં મહિલાઓ માટે ખાસ કોચ, વિશાળ સામાન જગ્યા, વધારાની ઊભા રહેવાની જગ્યા, પાણી બોટલ હોલ્ડર, મેગેઝિન સ્ટેન્ડ અને ફૂટરેસ્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

ટેક્નોલોજીની દૃષ્ટિએ પણ આ રેલ અત્યંત આધુનિક છે. ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ગતિએ દોડી શકે છે, સંપૂર્ણ ડિજિટલ ડ્રાઇવર કન્સોલ ધરાવે છે અને પ્રીમિયમ કોચમાં મોબાઇલ-લેપટોપ ચાર્જિંગ પોઇન્ટ તથા સૂર્યપ્રકાશથી બચાવ માટે બ્લાઇન્ડ કર્ટેન્સ આપવામાં આવ્યા છે. સરાય કાલે ખાન સ્ટેશન પર સ્માર્ટ ટિકિટિંગ, QR કોડ આધારિત ટિકિટિંગ અને ભવિષ્યમાં દિલ્હી–અલવર તથા દિલ્હી–કરનાલ રેપિડ રેલ જોડાણ માટે છ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. આ રીતે ‘નમો ભારત રેપિડ રેલ’ દિલ્હી–NCR વિસ્તારમાં આધુનિક, ઝડપી અને વિશ્વસ્તરીય પરિવહન તરફનું એક મોટું પગલું સાબિત થશે.

Ahmedabad: કરાઈ પાસે નર્મદા કેનાલમાં ખાબકેલા યુવકનો લોકોએ જીવ બચાવ્યો ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ દિલધડક રેસ્ક્યુ

0

કરાઈ પાસે નર્મદા કેનાલમાં યુવક કેનાલના ઊંડા પાણીમાં તણાઈ રહ્યો હતો. ત્યાં હાજર સ્થાનિક લોકોએ અદભૂત હિંમત બતાવીને તે યુવકને મોતના મુખમાંથી બહાર ખેંચી લીધો હતો.શહેરના કરાઈ વિસ્તાર પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ગઈકાલે એક યુવક રહસ્યમય સંજોગોમાં ખાબક્યો હતો. યુવક કેનાલના ઊંડા પાણીમાં તણાઈ રહ્યો હતો અને તેનો જીવ જોખમમાં હતો, ત્યારે ત્યાં હાજર સ્થાનિક લોકોએ અદભૂત હિંમત બતાવીને તે યુવકને મોતના મુખમાંથી બહાર ખેંચી લીધો હતો.

ઘટનાની વિગત મુજબ, યુવક કેનાલમાં પડ્યો હોવાનું જોતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. યુવક પાણીમાં ગરકાવ થઈ રહ્યો હતો ત્યારે લોકોએ સમય વેડફ્યા વગર દોરડાની વ્યવસ્થા કરી હતી. સ્થાનિક લોકોએ એકબીજાની મદદથી કેનાલમાં દોરડું નાખ્યું હતું અને યુવકને તે પકડી રાખવા સૂચના આપી હતી. ભારે જહેમત બાદ યુવકને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત બહાર ખેંચી લેવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ પોતાની સૂઝબૂઝથી યુવકનો જીવ બચાવી લીધો હતો. આ દિલધડક રેસ્ક્યુનો લાઈવ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકોની બહાદુરીના વખાણ થઈ રહ્યા છે.