Home Blog Page 394

AI Impact Summit 2026 : PM મોદી સાથે સ્ટેજ પર 29 વર્ષીય અબજોપતિ! કોણ છે એલેક્ઝાન્ડર વાંગ?

0

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં પીએમ નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર કરનાર 29 વર્ષીય યુવા નેતા સૌની નજરમાં આવ્યા. તેમની ઉંમરથી વધુ તેમનું કામ અને વિઝન લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે.

AI ઇમ્પેક્ટ સમિટ 2026નો ચોથો દિવસ વિશ્વભરના ટોપના ટેક નેતાઓ માટે ખાસ રહ્યો. ગૂગલના CEO Sundar Pichai, OpenAIના CEO Sam Altman અને Anthropicના CEO Dario Amodei જેવી જાણીતી હસ્તીઓ હાજર હતી. પરંતુ આ સમિટમાં સૌથી રસપ્રદ નામ હતું Alexander Wang મેટાના CEO Mark Zuckerberg ગેરહાજર રહ્યા, પરંતુ તેમની તરફથી ભારતમાં મેટાની સુપરઇન્ટેલિજન્સ ટીમનું પ્રતિનિધિત્વ એલેક્ઝાન્ડર વાંગે કર્યું.

એલેક્ઝાન્ડર વાંગ ઉંમરમાં સૌથી નાના હોવા છતાં સમિટના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે. તેઓ હાલમાં Metaમાં સુપરઇન્ટેલિજન્સ લેબ્સ (MSL)ના વડા છે અને કંપનીની ભવિષ્યની AI દિશા નક્કી કરે છે. PM Narendra Modi સાથે સ્ટેજ પર તેમની હાજરીએ સ્પષ્ટ સંકેત આપ્યો કે ભારત હવે વૈશ્વિક AI નકશામાં કેન્દ્રસ્થાને આવી રહ્યું છે.

વાંગે MITમાં અભ્યાસ અધવચ્ચે છોડી 2016માં Scale AIની સ્થાપના કરી. આ કંપની AI માટે ડેટા લેબલિંગ અને મોડેલ ટ્રેનિંગનું મહત્વપૂર્ણ કામ કરે છે. NVIDIA, Amazon અને Meta જેવી મોટી કંપનીઓ તેના ગ્રાહકો છે. આ સફળતાના કારણે વાંગની સંપત્તિ અંદાજે $3.2 થી $3.6 બિલિયન સુધી પહોંચી છે, જેના કારણે તેઓ વિશ્વના સૌથી યુવા અબજોપતિઓમાંના એક બન્યા.

2025માં મેટાએ Scale AIમાં આશરે $14.3 બિલિયનનું રોકાણ કરી લગભગ 49% હિસ્સો મેળવ્યો. આ સાથે વાંગને મેટાની સુપરઇન્ટેલિજન્સ લેબ્સનું નેતૃત્વ સોંપવામાં આવ્યું. આ સોદો AI ઉદ્યોગના સૌથી મોટા “ટેલેન્ટ એક્વિઝિશન” તરીકે જોવામાં આવ્યો.

વાંગનું માનવું છે કે ભારત AI અપનાવવાની દ્રષ્ટિએ સૌથી ઝડપી દેશોમાંનું એક છે. WhatsApp, Instagram અને Facebook પર AI ફીચર્સનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી ભારત મેટા માટે મુખ્ય પરીક્ષણ કેન્દ્ર બની રહ્યું છે. તેમનો મુખ્ય ખ્યાલ છે પર્સનલ સુપરઇન્ટેલિજન્સ, એટલે કે ભવિષ્યમાં દરેક વ્યક્તિ પાસે પોતાનું વ્યક્તિગત AI હશે, જે શીખવા, નોકરી, વ્યવસાય અને દૈનિક જીવનમાં નિર્ણયો લેવા મદદ કરશે.

સુપરઇન્ટેલિજન્સ એવી AI છે જે માનવ બુદ્ધિથી પણ આગળ હશે. તે દવાઓની શોધ, રોગચાળો અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓમાં મોટો ફર્ક પાડી શકે છે. પરંતુ જો નિયંત્રણ ન રહે, તો જોખમ પણ એટલું જ મોટું છે. તેથી જ સલામતી અને માનવ નિયંત્રણ પર ભાર આપવામાં આવી રહ્યો છે.

Entertainment : મલાઇકા અરોરાએ નવા બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવ્યો? સોશિયલ મીડિયામાં ફોટો થયો વાઈરલ

0

મલાઈકા અરોરા પર્સનલ લાઈફને લઈને ફરી ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા ઉપયોગકર્તાને લાગી રહ્યું છે કે અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ મલાઈકા હવે આગળ વધી છે. તેવામાં મિસ્ટ્રી મેન સાથે મલાઈકાનો એક ફોટો રેડિટ પર વાઈરલ થઈ રહ્યો છે. જેને લઈને નેટિજન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, મલાઇકા અરોરાએ નવા બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવ્યો? જોકે, ફોટો વાઈરલ થતાં એક્ટ્રેસે સ્પષ્તા કરી છે.

રેડિટ માધ્યમનો ઉપયોગ કરતાં એક વ્યક્તિએ મલાઈકાનો મિસ્ટ્રી મેન સાથેનો એક ફોટો શેર કરીને લખ્યું હતું કે, ‘ટ્રેવી ફાઉન્ટેન પર મલાઈકાનું વેલેન્ટાઈન? 14 ફેબ્રુઆરીએ ટ્રેવી ફાઉન્ટેન પર મલાઈક અરોરાને તેના બોયફ્રેન્ડ સાથે સ્પોટ કરવામાં આવી…’ ફોટોમાં પ્રખ્યાત ટ્રેવી ફાઉન્ટેન સામે મલાઈક સાથે મિસ્ટ્રી મેન સેલ્ફી લેતો દેખાય છે. આ તસવીર મામલે કેટલાક યુઝર્સનું કહેવું છે કે, આ કોઈ એક પીઆર સ્ટન્ટ હોય શકે છે. જોકે, ફોટોને લઈને મલાઈકાએ કોઈ રિએક્શન આપ્યું નથી.

ગત વર્ષે મુંબઈમાં એક કોન્સર્ટમાં સામેલ થયા બાદ મલાઈકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં તે એક વ્યક્તિ સાથે વાત કરતી જોવા મળી હતી. આ વીડિયો ક્લિપ બાદ મલાઈકાની રિલેશનશીપને લઈને અનેક અફવાહ ચગી હતી. જેમાં કેટલાક ઈન્ટાગ્રામ યુઝર્સે દાવો કર્યો હતો કે, મલાઈક સાથે દેખાયેલો વ્યક્તિ 33 વર્ષીય ડાયમંડ મર્ચન્ટ હર્ષ મહેતા છે. જોકે, આ દાવાની કોઈ પુષ્ટિ થઈ ન હતી.

આ વર્ષની શરૂઆતમાં નમ્રતા ઝકરિયા શૉમાં એક ચેટ દરમિયાન મલાઈકાએ મિસ્ટ્રી મેન પર પોતાનું મૌન તોડતા કહ્યું હતું કે, “લોકોને વાત કરવી ગમે છે. જો તમે કોઈની સાથે જોવા મળો છે, તો તે ચર્ચાનો મોટો વિષય બની જાય છે. હું ખરેખર બિનજરૂરી રીતે વાતચીતને વેગ આપવા માંગતી નથી. મારો વિશ્વાસ કરો… જ્યારે પણ હું બહાર જાવ છું ત્યારે કોઈપણ જૂના મિત્ર, પરિણીત દોસ્ત, મેનેજર હોય કે કોઈપણ, હું તરત તે વ્યક્તિ સાથે જોડાઈ જાવ છું. અમે હસીમજાક કરીએ.”

Gujarat : 1 દાયકામાં પહેલીવાર આ વખતે ફેબ્રુઆરીમાં સામાન્ય કરતાં નોંધાયું નીચું તાપમાન, કાળઝાળ ઉનાળો આ તારીખથી શરુ થઇ જશે

0

અત્યારે ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે . હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હજું પણ રાજ્યમાં તાપમાન 35 ડિગ્રી કરતા નીચું રહેશે.અત્યારે ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હજું પણ રાજ્યમાં તાપમાન 35 ડિગ્રી કરતા નીચું રહેશે અને 8 માર્ચ પછી ક્રમશ: રાજ્યમાં તાપમાન વધશે અને ઉનાળાની શરુઆત થશે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે સામાન્ય રીતે 15 ફેબ્રુઆરી પછી ક્રમશ: તાપમમાન વધે છે અને ઉનાળાનો અનુભવ થાય છે પણ અત્યારે ફેબ્રુઆરી મહિનામાં ઉનાળો શરુ થયો નથી અને તેનું કારણ એ છે કે હિમાલયન રેન્જમાં હજું પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહ્યું છે જેના કારણે રાજ્યમાં તાપમાન 35 ડિગ્રી કરતા નીચું જોવા મળી રહ્યું છે.

તેમણે કહ્યું કે આગામી 1 બે દિવસમાં તાપમાન હજું પણ નીચું જશે અને ડબલ ઋતુનો અહેસાસ થશે. રાત્રે શિયાળાનો અનુભવ અને બપોરે ગરમીનો અનુભવ નાગરિકોને થશે. ગુજરાત પર હાલ ઉત્તર-ઉત્તર પૂર્વથી પવનો આવી રહ્યા છે જેના કારણે તાપમાન 35 ડિગ્રી કરતા ઓછું રહે છે.

તેમણે કહ્યું કે હજું પણ કેટલાક સેન્ટરમાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. પણ છેલ્લા 1 દાયકામાં જોવા જઇએ તો દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 35 ડિગ્રી કરતા વધુ હોય છે પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં તાપમાન 2થી 3 ડિગ્રી સુધી નીચું રહ્યું છે અને માર્ચમાં પણ તાપમાન 32થી 36 ડિગ્રી રહેશે

પરેશ ગોસ્વામીએ કહ્યું કે 8 માર્ચ પછી રાજ્યમાં ક્રમશ: તાપમાનમાં વધારો થતો જશે અને ઉનાળાનો અહેસાસ થઇ જશે. 8 માર્ચ સુધી તાપમાન નીચું રહેશે પણ ત્યારબાદ ઉનાળાની શરુઆત થશે અને 15 જૂન સુધી આકરો તાપ અને હિટવેવની અસર જોવા મળી શકે છે.

Gujarat : અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં હોબાળો, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપો

0

અમરેલીની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે આવેલી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઘટનાને પગલે હોસ્પિટલ સામે રોષ જોવા મળ્યો હતો.બોટાદ જિલ્લાના ટાટમ ગામના વતની ભનીબેન મણદુરિયા નામના મહિલાને ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ઓપરેશન બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પરિવારનો આરોપ છે કે તબીબોની બેદરકારીને કારણે ભનીબેનનું મોત નીપજ્યું છે.

ઘટનાની જાણ થતા જ કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી અને આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી હતી.હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા પરિવારને ખાતરી આપવામાં આવી છે કે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે. પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. જો કોઈની બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે.

MP : ક્યારેય આવી શિવભક્તિ જોઈ છે! મધ્ય પ્રદેશમાં શિવલિંગ પર માથું ફેરવતા વાઘ….

0

શું તમે ક્યારેય કોઈ વાઘની શિવભક્તિ જોઈ છે? જો નથી જોઈ તો આજે અમે તમને એક વીડિયોના માધ્યમથી એક વાઘની શિવભક્તિ બતાવીશું. આ ઘટના મધ્ય પ્રદેશના એક જંગલની છે, જ્યાં વાઘ શિવલિંગ પર માથું ફેરવીને જાણે મહાદેવ પાસે કંઈક માંગી રહ્યો હોય. મધ્ય પ્રદેશના કટની જિલ્લાના ઢીમરખેડા તહસીલના સડાર જંગલોમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જંગલમાં સ્થિત ભગવાન શિવના શિવલિંગ પર એક વાઘ પોતાનું માથું ફેરવી રહ્યો છે. વન્યજીવન અને ભક્તિના આ અનોખા સંગમનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ રહ્યો છે.

સ્થાનિક ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે આ દુર્લભ નજારો ગત બુધવારનો સાંજના સમયનો છે. સડાર ગામ નજીક સ્થિત જંગલમાં મહાદેવનું એક પ્રાચીન શિવલિંગ સ્થાપિત છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વાઘ ખૂબ જ શાંત સ્વભાવે શિવલિંગ પાસે પહોંચે છે અને ઘણાં સમય સુધી શિવલિંગ પર પોતાનું માથું અને જીભ ફેરવતો રહે છે.

સડાર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વાઘ અને દીપડાની હાજરી એ કોઈ નવી નથી. વન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓના મતે આ વિસ્તારમાં વન્યજીવોની અવરજવર સતત રહે છે. જોકે, માનવ વસાહતોની આટલી નજીક વાઘનું આ વર્તન ચર્ચાનો વિષય બની ગયું છે. આ ઘટનાને કેટલાક લોકો ભક્તિ સાથે જોડી રહ્યા છે, તો બીજી તરફ વન અધિકારીઓનું માનવું છે કે જંગલી પ્રાણીઓ ઘણીવાર પોતાની ગંધ છોડવા અથવા ખંજવાળ હટાવવા માટે પથ્થરો અથવા ઠોસ વસ્તુઓ પર માથું ફેરવે છે.

આ વીડિયો વાઈરલ થયા બાદ એક તરફ લોકો તેને ચમત્કાર માનીને શેર કરી રહ્યા છે, તો બીજી તરફ આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ છે. આ મામલે પાન ઉમરિયા રેન્જ ઓફિસર અજય મિશ્રાએ જણાવ્યું કે, આ વીડિયો સડાર ગામથી લગભગ 400 મીટર દૂરનો છે. પેટ્રોલિંગ ટીમો સતત ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. ગામલોકોને સતર્ક અને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે અને જંગલ તરફ ન જવા માટે કહ્યું છે.

Surat : યોગી ચોકમાં દારૂડિયો બેફામ, સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક

0

સુરતના યોગીચોકમાં દારૂ પીધેલી હાલતમાં રિક્ષાચાલકે લોકોને અડફેટે લીધા અને ગાળાગાળી કરી હતી. ઉશ્કેરાયેલા લોકોએ રિક્ષાચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.

ડાયમંડ સિટી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. સુરત શહેરના યોગી ચોક વિસ્તારમાં એક નશાખોર રિક્ષાચાલકે દારૂના નશામાં ચકચૂર થઈને જાહેર માર્ગ પર ભારે હોબાળો મચાવ્યો હતો. બેફામ બનેલા આ રિક્ષાચાલકે અનેક લોકોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના યોગી ચોક પાસે એક રિક્ષાચાલકે દારૂ પીધેલી હાલતમાં રિક્ષા હંકારી હતી. નશામાં ભાન ભૂલેલા આ ચાલકે રોડ પર જઈ રહેલા 3 થી 4 નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જ્યા બાદ પસ્તાવો કરવાને બદલે તે નશામાં બેફામ બની લોકોને અભદ્ર ભાષામાં ગાળો આપવા લાગ્યો હતો. રિક્ષાચાલકના આ વર્તનને જોઈને ત્યાં હાજર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

રિક્ષાચાલકની દાદાગીરી અને નશાખોરી જોઈને લોકોનો સંયમ ખૂટ્યો હતો. ઉશ્કેરાયેલા સ્થાનિકોએ રિક્ષાચાલકને પકડી લીધો હતો અને તેને જાહેરમાં ‘મેથીપાક’ ચખાડી બરોબરનો પાઠ ભણાવ્યો હતો. લોકોના ટોળાએ તેને મેથીપાક આપ્યા બાદ તેના સાથીઓ તેને સમજાવીને લઈને જતા રહ્યા હતા.આ ઘટના બાદ સ્થાનિકોમાં એક જ ચર્ચા જાગી છે કે, શું આવા અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર જ નથી? જાહેરમાં દારૂ પીને લોકોના જીવ જોખમમાં મૂકતા આવા રિક્ષાચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માગ ઉઠી છે.

Narmada: કેવડિયામાં કોંગ્રેસ પ્રમુખના પરિવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ, 97 નામો કાઢી નખાતા વિવાદ છંછેડાયો

0

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થઈ છે. ગત 17 ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેવામાં નર્મદામાંથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પરિવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ જતાં વિરોધનો સૂર છેડાયો છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીના પત્ની (માજી મહિલા મોરચા પ્રમુખ), માતા, કાકાઓ અને અન્ય પરિવારજનોના નામ મતદાર યાદીમાંથી કમી કરાયા છે.

ફાઈનલ મતદાર યાદી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જોતાં તેમાંથી નામ ગુમ છે, જે બાદ કોંગ્રેસ નેતાએ આરોપ કર્યો છે કે સરકાર જાણી જોઈને કોંગ્રેસ સમર્થકો અને નેતાઓના નામો ટાર્ગેટ કરીને કાઢી રહી છે. આ મામલે કોંગ્રેસ દ્વારા ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે અને વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.

નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીએ સમગ્ર મામલે કહ્યું કે, ‘મારા ગામ સાંઢીયામાંથી 97 નામ મતદારયાદીમાંથી નીકળી ગયા છે, 598નું વોટિંગ છે જેમાંથી 97 નામ કમી થઈ ગયા છે. એમાં મારા માતા રમીલાબેન દિનેશભાઇ તડવી, આ ઉપરાંત મારી પત્નીનું નામ પણ નથી, મારા કાકા અને ભત્રીજા અને અન્ય ભાઈઓ મળીને કુલ મારા જ પરિવારમાંથી 25 નામ નીકળી ગયા છે. તો રાહુલ ગાંધી કહે છે તેમ વોટચોરી છે. અમારા ગામ અને મારા પરિવારમાંથી કોંગ્રેસને વોટ આપે છે તેવા 25 નામ નીકળી ગયા છે. તો નાનું મોટું ઈલેક્શન હોય જિલ્લા કે તાલુકાનું જો આમ જ દરેક ગામથી 50 વોટ નીકળી જાય તો હજાર જેટલા વોટ સીધા કોંગ્રેસના જ કપાઈ જાય જેનો સીધો જ ભાજપને ફાયદો થાય’

‘મેં મારુ અને પરિવારના ફોર્મ BLO પાસે ભર્યા છે, તેના પુરાવા પણ છે તેમ છતાં અમારા નામ કાઢી નાખ્યા છે, મારુ ટૂંકમાં કહેવું છે કે કેમ ફક્ત કોંગ્રેસના વોટ જ કાઢી નાખવામાં આવ્યા, અધિકારીને વાત કરી તો એમને BLO પર બધુ ઢોળી દીધુ, BLOનું તો ખાલી નામ છે, સરકાર જ આ બધુ કરે છે. સરકાર તરફથી જ આ લોકો અમારા જેવા કોંગ્રેસીઓના નામ કાઢી નાખે છે. અમે આ બાબતે સોમવાર સુધીમાં આવેદનપત્ર આપીશું, કલેકટરને પણ મળીશું’

ગુજરાત સમાચાર દ્વારા જ્યારે અધિકારીને સમગ્ર બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે બોલવાનું ટાળ્યું છે. જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે ક્યાંકને ક્યાંક નર્મદા જિલ્લામાં SIRની કામગીરીમાં કચાશ રહી છે.

મહત્વનું વાત એ છે કે ફાઈનલ મતદાર યાદી જાહેર થઈ તેમાં 4,39,379 લાખ મતદારો નોંધાયા છે. તેમજ 5,797 નવા મતદારોના નામ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે તો 971 મતદારોના નામ વિવિધ કારણોસર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 4,826 મતદારોનો ચોખ્ખો વધારો થયો છે. તેવામાં પ્રશ્ન એ છે કે જિલ્લામાં 971 મતદારોના નામ કમી થયા છે તેમાંથી સાંઢીયા ગામમાંથી 97 નામ મતદારયાદીમાંથી નીકળી ગયા છે, તો શું આ BLOની ભૂલ છે કે પછી કોંગ્રેસ નેતાના દાવા પ્રમાણે જાણી જોઈને કાઢી નાખવામાં આવ્યા છે

Ahmedabad: માતા ભદ્રકાળીના આર્શિવાદ થકી અમદાવાદ થયું સમૃદ્ધ, જાણો ભદ્રકાળી મંદિરનો ઇતિહાસ

0

26 ફેબ્રુઆરી, 2026 ના રોજ ગુજરાતનું આર્થિક કેન્દ્ર ગણાતા અમદાવાદનો જન્મદિવસ છે. આ વર્ષે અમદાવાદ શહેર પોતાના 615મા સ્થાપના દિવસની ઉજવણી કરશે.

અમદાવાદ શહેરમાં સ્થાપના દિવસની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. એક સમયે અમદાવાદને મિલોનું શહેર કહેવાતું હતું એટલે જ આ શહેર આજે પણ ‘બિઝનેસ હબ’ પણ ગણાય છે. આ ઉપરાંત અમદાવાદ ભારતની આઝાદીમાં યોગદાન આપનાર લડવૈયાઓની તપોભૂમિ અને કર્મભૂમિ પણ છે. આ મહિનાના અંતમાં 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ ગુજરાતનું આર્થિક કેન્દ્ર ગણાતા અમદાવાદનો જન્મદિવસ છે. આ વર્ષે અમદાવાદ શહેર પોતાના 615મા સ્થાપના દિવસની ઉજવણી કરશે. એવું કહેવાય છે કે માતા ભદ્રકાળીના આર્શીવાદથી આ શહેર આટલું સમૃદ્ધ છે. જાણો ભદ્રકાળી મંદિરનો ઇતિહાસ.

ભદ્રકાળી મંદિર અમદાવાદ શહેરની ધાર્મિક ઓળખ બન્યું છે. દુનિયા આજે જે અમદાવાદને જોઈ રહી છે તે ચારે દિશામાં ફેલાયેલુ છે. મૂળ અમદાવાદ શહેરના પૂર્વ એટલે કે પોળ વિસ્તાર ગણાય છે. શહેરના પૂર્વમાં જ ભદ્ર કિલ્લાની અંદર માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. ભદ્રકાળી મંદિર એ શહેરના સૌથી પ્રાચીન અને શ્રદ્ધાના કેન્દ્રોમાંનું એક છે. આ મંદિર અમદાવાદ શહેરની સ્થાપના કરનાર સુલતાન અહમદ શાહના સમયમાં (1411ની આસપાસ) બાંધવામાં આવેલા ભદ્રના કિલ્લામાં આવેલું છે.

હાલમાં ભદ્રકાળી મંદિર છે ત્યાં માતાની મૂર્તિની સ્થાપના 18મી સદીમાં મરાઠા શાસન દરમિયાન કરવામાં આવી હતી. મરાઠાઓએ આ કિલ્લા પર વિજય મેળવ્યો ત્યારે તેમણે અહીં માતાજીના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અન્ય એક માન્યતા મુજબ પાટણના રાજા અને કર્ણાવતીના સ્થાપક કર્ણદેવે સાબરમતી નદીના કિનારે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી.

1895 માં ભદ્રકાળી મંદિરમાં ગર્ભગૃહને ચાંદીનું છત્ર અર્પણ કરાયું હતું. જયારે 1936 માં મંદિરને સંગેમરમરથી સુશોભિત કરી ભક્તો માટે મંદિરનો વિસ્તાર વધારવામાં આવ્યો હતો. આ સાથે દર્શન મંડપના બન્ને દ્વાર તથા મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનો પણ જીર્ણોદ્વાર કરાયો. મંદિર ભદ્રના કિલ્લાની અંદર આવેલું હોવાથી તેનું સ્થાપત્ય ઐતિહાસિક છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “ભદ્ર પ્લાઝા” પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનાથી મંદિરની આસપાસની જગ્યા વધુ સુંદર અને અવરજવર માટે સરળ બની છે.

મંદિર સાથે એક ખૂબ જ પ્રચલિત કથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે સદીઓ પહેલાં દેવી લક્ષ્મી રાત્રે ભદ્રના કિલ્લાના દરવાજાથી શહેર છોડીને જઈ રહ્યા હતા. ત્યારે કિલ્લાના ચોકીદાર સિદ્દિક સૈયદે તેમને ઓળખી લીધા અને વિનંતી કરી કે જ્યાં સુધી તે રાજાની પરવાનગી ન લઈ આવે ત્યાં સુધી દેવી અહીં જ રોકાય. શહેરની સમૃદ્ધિ (લક્ષ્મી) કાયમ ટકી રહે તે માટે સિદ્દિક સૈયદે રાજા પાસે જઈને પોતાનું બલિદાન આપ્યું (અથવા પરત ન આવ્યા), જેથી લક્ષ્મીજી વચન મુજબ કિલ્લાની બહાર ન જઈ શક્યા. આ જ કારણ છે કે અમદાવાદ હંમેશા વેપાર અને લક્ષ્મીમાં મોખરે રહ્યું છે. એવી લોકવાયકા છે કે માતા ભદ્રકાળી શહેરની રક્ષા કરે છે અને તેમની કૃપાથી જ અમદાવાદ આજે આટલું સમૃદ્ધ છે. એટલે જ ભદ્રકાળી માતાને અમદાવાદના “નગર દેવી” માનવામાં આવે છે.

National : AI સમિટમાં કોંગ્રેસનું પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત’, દિલ્હી પોલિસનો મોટો દાવો

0

પટિયાલા હાઉસ કોર્ટે ભારત મંડપમમાં આયોજિત ‘ઈન્ડિયા-AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન અર્ધનગ્ન હાલતમાં સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રદર્શન કરનારા યુથ કોંગ્રેસના 4 કાર્યકરોની જામીન અરજી ફગાવી દીધી છે અને તેમને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે આ કાર્યકરો અંગે મોટો દાવો કર્યો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું કે, આ વિરોધ પ્રદર્શન નેપાળમાં થયેલા હિંસક ‘જેન-ઝી’ (Gen-Z) આંદોલનથી પ્રેરિત હતું, જેણે ત્યાંની સરકાર ઉથલાવી દીધી હતી.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રદર્શન પાછળ મોટું ષડયંત્ર હોઈ શકે છે. અદાલતમાં પોલીસે દલીલ કરી હતી કે, આરોપીઓને સામસામે બેસાડીને અને ડિજિટલ પુરાવાઓ સાથે રાખીને પૂછપરછ કરવી જરૂરી છે. સાથે જ એ તપાસ પણ થવી જોઈએ કે આ પ્રદર્શન માટે ફંડિંગ ક્યાંથી આવ્યું અને ટી-શર્ટ છપાવવાનો ખર્ચ કોણે ઉઠાવ્યો. આ ટી-શર્ટ પર ‘PM is Compromised’, ‘India-US Trade Deal’ અને ‘Epstein Files’ જેવા સૂત્રો લખેલા હતા, જેમાં વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરો પણ હતી.

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ના લગભગ 10 કાર્યકરો શુક્રવારે ભારત મંડપમમાં પ્રવેશ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. દિલ્હી પોલીસે આ મામલે યુથ કોંગ્રેસના ચાર કાર્યકરોની અટકાયત કરી હતી અને શનિવારે સવારે તેમને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપીઓના વકીલે પોલીસના દાવાઓનો વિરોધ કરતા કહ્યું કે, પ્રદર્શન શાંતિપૂર્ણ હતું અને કોઈના પર હુમલો કરવામાં આવ્યો નહોતો. ઉલટું, પ્રદર્શનકારીઓ સાથે મારપીટ કરવામાં આવી હતી.

આ ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખું રાજકીય યુદ્ધ છેડાયું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભૂપેન્દ્ર યાદવ સહિત અનેક ભાજપના નેતાઓએ યુથ કોંગ્રેસના આ કૃત્યને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય મહેમાનો સામે ભારતની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપની યુવા પાંખ BJYM એ નવી દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભિવંડીમાં રાહુલ ગાંધીને કાળા વાવટા બતાવ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસે આ પ્રદર્શનને લોકશાહી અધિકાર ગણાવીને યુથ કોંગ્રેસના કાર્યકરોનો બચાવ કર્યો હતો.

Vadodara : તમાકુના થેલામાંથી 28,500નો વિદેશી દારૂનો જથ્થો મળ્યો

0

વડોદરા શહેર નજીકના વઢવાણા ગામે ડભોઇ પોલીસે પાડેલા દરોડા દરમિયાન મકાનની બાજુના બાથરૂમમાં મુકેલા વિમલના થેલામાંથી દેશી બનાવટના વિદેશી દારૂ રૂ. 28,500થી વધુના 60 ક્વાર્ટરિયા મળી આવતા પોલીસે કબજે લઈ ફરાર આરોપી ઘનશ્યામ ઉર્ફે ગુનાની તપાસ હાથ ધરી છે.

શહેર નજીકના વઢવાણા ગામે ડભોઇ પોલીસે ગઈ રાત્રે ઘનશ્યામ ઉર્ફે ગનો નારાયણ પાટણવાડીયાના મકાનની બાજુના બાથરૂમમાં મકાનની બાજુના બાથરૂમમાં બાતમી આધારે દરોડો પાડયો હતો. દરોડામાં બાથરૂમમાંથી વિમલનો થેલો મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા દેશી બનાવટના વિદેશી દારૂ રૂપિયા 28,500ના 60 ક્વાટરિયા મળી આવતા પોલીસે કબજો લીધા હતા. તપાસ દરમિયાન આરોપી ઘનશ્યામ ઉર્ફે ગનો નારાયણ પાટણવાડીયા (રહે વઢવાણા ગામ) ફરાર જણાયો હતો. બનાવ અંગે પોલીસે કાનુની કાર્યવાહી કરી હતી.