અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદના દસક્રોઈ જિલ્લાના ટીંબા ગામેથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેને ઓલવવા માટે ફાયરબ્રિગેડના 15 વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી.
માહિતી અનુસાર યુનાઇટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ નામની કંપનીના સ્પિનિંગ ખાતામાં આ આગ લાગી હતી. આગની ઘટના મોડી રાતે લગભગ બે વાગ્યાની આસપાસ બની હતી જેના પગલે અફરાતફરી મચી ગઇ હતી.
અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ-માળિયા હાઈવે પરથી પોલીસે એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.
શાકભાજી અને ભૂસાની આડમાં છુપાવ્યો હતો દારૂ
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-માળિયા હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક ટ્રકને અટકાવી તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગરોએ પોલીસની નજરમાંથી બચવા માટે ટ્રકની ઉપરના ભાગે કોબીજના કોથળા ભરી દીધા હતા. અંદરના ભાગે ભૂસા નાખીને દારૂની પેટીઓ છુપાવી હતી.
કુલ 23,664 બોટલો જપ્ત
પોલીસે ટ્રકમાંથી શાકભાજી અને ભૂસું હટાવીને તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓનો ખડકલો જોવા મળ્યો હતો. ગણતરીના અંતે કુલ 23,664 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. કુલ મળીને 62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આ મામલે ટ્રકચાલકની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે.
આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ રેકેટમાં અન્ય કેટલા મોટા માથાઓ સામેલ છે તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.
આલિયા ભટ્ટ આ વખતે ૭૯મા બાફટા એવોર્ડ સમારોહની પ્રેઝન્ટર બનશે. બ્રિટિશ એકેડમીએ એક પ્રેઝન્ટર તરીકે આલિયાના નામની જાહેરાત કરી છે.
બાફટા દ્વારા કરવામાં આવેલી જાહેરાતને આલિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી અને ચાહકોને પ્રેઝન્ટર્સની યાદીમાં પોતાનું નામ તપાસવા જણાવ્યું હતું.
આલિયા સિલિયન મર્ફી, મોનિકા બેલુચી, બ્રિયાન ક્રેન્સ્ટન અને ગ્લેમ ક્લોઝ સહિતની હસ્તીઓની સાથે આ એવોર્ડ પ્રેઝન્ટ કરશે.
ભારતમાંથી ભૂતકાળમાં દીપિકા પદુકોણ તથા પ્રિયંકા ચોપરા આ એવોર્ડમાં પ્રેઝન્ટર રહી ચૂૂક્યાં છે. આ વખતે આ એવોર્ડ સમારોહમાં ચિલ્ડ્રન ફિલ્મની કેટેગરીમાં મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ પણ હોડમાં છે.
દેશની રાજધાનીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઈમ્પેક્ટ સમિટ ચાલી રહી છે તેમા ગૂગલના ડીપમાઇન્ડના સીઇઓ ડેમિસ હસાબિસે એઆઈ ટેકનોલોજીને બેધારી તલવાર ગણાવી હતી. તેનો સૂદુપયોગ માનવજાત માટે જ્ઞાનની ક્રાંતિ લાવશે અને દૂરુપયોગ માનવજાતને મોટી હાનિ પહોંચાડશે. વર્તમાન દાયકાના અંત સુધીમાં આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (એજીઆઈ) હકીકત બનશે તેમ કહ્યુ હતું.
તેમણે જણાવ્યું હતું કે માનવ જગત આજે નવી જ ટેકનોલોજીકલ ક્રાંતિના આરે આવીને ઊભું છે. આજે માનવીઓ પાસે એકદમ સ્વતંત્ર, રચનાત્મક જનરલ ઇન્ટેલિજન્સ ધરાવતા ટૂલ્સ ઉપલબ્ધ થવા લાગ્યા છે. આ ટેકનોલોજીકલ પ્રગતિ એટલી ઝડપથી થઈ રહી છે કે દાયકાના અંત સુધીમાં આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ(એજીઆઈ)નું પ્રભાત ઉગતુ દેખાશે. તેઓ એઆઈ સમિટ્સમાં પ્રવર્તતી જબરદસ્ત ઉર્જાથી પ્રભાવિત થયા હતા. તેમણે યુવાનોને એઆઈ ટૂલ્સના ઉપયોગ કરીને તેની ધાર વધુ કસવા આહવાન કર્યુ હતું. વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા અને યુવાન દેશ એવા ભારતના યુવાનો માટે એઆઈ મોટી તક બની આવ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
એઆઈ એજીઆઇના વિકાસનું પ્રભાત ઉગાડશે
તેમણે ઉમેર્યુ હતું કે આજે એઆઈ ફાઉન્ડેશન મોડેલથી આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (એજીઆઈ) તરફ આગળ વધી રહ્યું છે. એજીઆઈમાં તર્કબદ્ધતા, આયોજનશક્તિ, શીખવાની ક્ષમતા, લવચીકતા અને માનવ જેવી સાતત્યતા હશે. તાજેતરની ટેકનોલોજીકલ પ્રગતિના કારણે એઆઈ વધુ એડવાન્સ બન્યું છે. તેમણે સ્વીકાર્યુ હતું કે એજીઆઈનું પ્રભાત હજી ઉગવાને આઠેક વર્ષની વાર છે, હજી કમસેકમ દાયકાનો અંત આવશે ત્યારે એજીઆઈ ક્ષિતિજ પર દેખાશે.
એજીઆઇના વિકાસ માટે હાઇબ્રિડ અભિગમ અપનાવવો પડશે
તેમનું માનવું છે કે એજીઆઈના વિકાસ માટે હાઇબ્રિડ અભિગમ અપનાવવો પડશે. તેમા જબરદસ્ત જાણકારી ધરાવતા ફાઉન્ડેશન મોડેલની સાથે શીખવાની ક્ષમતા ધરાવતા પ્લાનિંગ અને રીઝનિંગ ક્ષમતાવાળા મોડેલ્સ પણ જરુરી હશે. મારા માનવા મુજબ જેમિની જેવા ફાઉન્ડેશન મોડેલ્સ અલ્ટીમેટ એજીઆઈ સોલ્યુશનનો મહત્ત્વનો હિસ્સો બની શકે છે.તેની સાથે તેમણે એઆઈને લઈેને આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત કરવા પર અને સાઇબર એટેકરો કરતાં ડિફેન્ડરો વધારે મજબૂત હોવા પર ભાર મૂક્યો હતો. એઆઇના વર્તમાન મોડેલોમાં સાતત્યતાનો અભાવ
એઆઈના વર્તમાન ફાઉન્ડશન મોડેલોમાં વિવિધ કાર્યોને લઈને સાતત્યતાનો અભાવ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કેટલીક સિસ્ટમ્સ અત્યંત જટિલ મુશ્કેલીઓ ઉકેલી કાઢે છે. જ્યારે બીજી કેટલીક સિસ્ટમ્સ પ્રાથમિક કક્ષાના ગણિતના સવાલોનો જવાબ આપવામાં પણ નિષ્ફળ જાય છે. આ બતાવે છે કે હજી કેટલીક વૃદ્ધિ જરુરી છે.
રોબોટિક્સમાં એઆઈ વૃદ્ધિની નવી તકો સર્જશે
આગામી વર્ષોમાં રોબોટિક્સ ક્ષેત્રમાં એઆઈનો વધુને વધુ ઉપયોગ જોવા મળી શકે છે. તેના કારણે આગામી ત્રણેક વર્ષમાં તો જેમિની જેવા એઆઈ મોડેલ્સ રોબોટ બોડીમાં ફિટ કરીને તેને વધારે કાર્યક્ષમ બનાવી શકાશે. તેની સાથે રોબોટિક્સનો ઉપયોગ વધુને વધુ જટિલ કામોમાં કરવાના દરવાજા પણ ખૂલશે, એમ તેમણે જણાવ્યું હતું.
વિજ્ઞાન માટે નવી ક્ષિતિજો ઉઘાડશે
એઆઈ વિજ્ઞાન માટે નવી ક્ષિતિજો ઉઘાડનારુ પુરવાર થશે. તેના કારણે જ્ઞાનનો એવો પ્રવાહ વહેશે જેની કલ્પના પણ નહીં કરવામાં આવી હોય. આમ એઆઈના લીધે આગામી 10 વર્ષ વિજ્ઞાન માટે જાણે સુવર્ણયુગ સમાન હશે. આલ્ફા ટૂલ્સ જેવા અકલ્પનીય ટૂલ્સનો ઉપયોગ કરીને સંશોધનો અને વૈજ્ઞાનિક શોધોની ઝડપમાં નોંધપાત્ર વધારો કરી શકાશે.
નેધરલેન્ડ્સ સામે ટી20 વર્લ્ડ કપ 2026ના 36મા મુકાબલામાં 17 રને વિજય મેળવ્યો છે. બેટિંગમાં 66 રન અને બોલિંગમાં 2 વિકેટ ઝડપનાર શિવમ દુબેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. આ મેચ બાદ દુબેએ ખુલાસો કર્યો કે કેપ્ટન અને કોચે તેને મિડલ ઓવરોમાં આવતાની સાથે જ સ્ટ્રાઈક રેટ ઊંચો રાખવાની સૂચના આપી હતી. ભારતે શિવમ દુબેની અડધી સદીની મદદથી 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 7 વિકેટ ગુમાવીને 176 રન જ બનાવી શકી હતી.
પિચ અને દબાણ પર શિવમ દુબેનું નિવેદન
‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યા બાદ શિવમ દુબેએ કહ્યું, “વિકેટ થોડી મુશ્કેલ હતી, પરંતુ આ એવી સ્થિતિ છે જેમાં મને બેટિંગ કરવી ગમે છે અને હું તેનો આનંદ માણી રહ્યો હતો. ક્યારેક દબાણ પણ હતું, ખાસ કરીને ઓફ-સ્પિનરે મને સારી બોલિંગ કરી. ચાર ડોટ બોલ ગયા અને તે ઓવર બોલરના પક્ષમાં રહી, પરંતુ મને ખબર હતી કે હું પાછળથી તેની ભરપાઈ કરી લઈશ.
“બોલ સ્કીડ થઇ રહ્યો હતો
દુબેએ વધુમાં ઉમેર્યું, “બોલ સ્કીડ થઈ રહ્યો હતો અને નીચો પણ રહી રહ્યો હતો. તે સમયે મારા માટે એ સમજવું જરૂરી હતું કે, હું હિટ કરી શકું છું, પરંતુ મેચની સ્થિતિ કંઈક અલગ માંગતી હતી, તેથી તે મુજબ રમવું પડ્યું. મને સિક્સર મારવી ગમે છે, પરંતુ જ્યારે બોલર સારો હોય ત્યારે પરિસ્થિતિ મુજબ બાઉન્ડ્રી મારવા માટે તૈયાર રહેવું પડે છે.”
બોલરોની રણનીતિ સામે ખાસ તૈયારી
દુબેએ પોતાની રણનીતિ વિશે જણાવ્યું કે, “મેં પહેલેથી જ એવી તૈયારી કરી હતી કારણ કે મને ખબર છે કે બોલરો મને બ્લોક કરવાનો પ્રયાસ કરશે. તેઓ યોર્કર કે લેન્થ બોલ નહીં નાખે, પરંતુ શોર્ટ અને સ્લોઅર બોલ નાખશે. તેથી હું તેની જ રાહ જોઈ રહ્યો હતો.”
બોલિંગમાં સુધારો
દુબેએ આ મેચમાં 3 ઓવરમાં 35 રન આપીને 2 મહત્વની વિકેટો ઝડપી હતી. પોતાની બોલિંગ વિશે તેણે કહ્યું “હું મારી બોલિંગ પર ઘણી મહેનત કરી રહ્યો છું અને તેના પરિણામો પણ દેખાઈ રહ્યા છે. આ ટી20 ગેમ છે, ક્યારેક તમે રન ફટકારશો તો ક્યારેક રન આપવા પણ પડશે, પરંતુ સાથે વિકેટ પણ મળશે.”
કારેલીબાગ પોલીસે આરીશ ગુલફામ મલિક,કલીમ સલીમ અંસારી અને હાકીબ રીયાજુદ્દીન કુરેશી(ત્રણેય રહે.મેરઠ,યુપી)ને ઝડપી પાડી તપાસતાં તેમની પાસેના થેલામાંથી બીએસએનએલના પીલરોમાં લાગતા ૧ હજાર નંગ ડિસ્ટ્રિબ્યુશન મોડયુલ મળી આવ્યા હતા.જેની કિંમત રૃ.૨ લાખ જેટલી થાય છે.
પોલીસની તપાસમાં ટોળકી દ્વારા જુદાજુદા વિસ્તારોમાંથી ઉપરોકત સાધનોની ચોરી કરવામાં આવી હોવાની વિગતો ખૂલી હતી.જેથી ત્રણ મોબાઇલ અને ચોરીનો સામાન મળી કુલ રૃ.પોણા ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
છેતરપિંડી અને મની લોન્ડરિંગના અનેક કેસોનો સામનો કરી રહેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બુધવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે પોતે ક્યારે ભારત પાછા ફરી શકશે તેમ કહી શકાય તેવું નથી કારણ કે તેમના પર યુકે છોડવા પર કાયદેસર રીતે પ્રતિબંધ છે.
માલ્યાએ પોતાના વકીલ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે રદ થયા પછી તેમની પાસે સક્રિય પાસપોર્ટ નથી અને તેથી, તેઓ ભારત પાછા ફરવાની ચોક્કસ તારીખ આપી શકતા નથી.
ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંકડની બેન્ચે ગયા અઠવાડિયે સ્પષ્ટ કર્યું હતું કે માલ્યા ભારત પાછા ન આવે ત્યાં સુધી ભાગેડુ આથક ગુનેગાર જાહેર કરવાના આદેશ સામેની અરજી પર સુનાવણી કરવામાં આવશે નહીં. આ નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ કોર્ટે ભૂતપૂર્વ લીકર બેરોનને સ્પષ્ટ કરવા કહ્યું હતું કે તેનો ભારત પાછા ફરવાનો ઇરાદો છે કે નહીં.
૨૦૧૬ થી યુનાઇટેડ કિંગડમમાં રહેતા માલ્યાએ હાઇકોર્ટમાં બે અરજીઓ દાખલ કરી છે – એક તેમને ભાગેડુ આથક ગુનેગાર જાહેર કરવાના આદેશને પડકારતી અને બીજી ભાગેડુ આથક ગુનેગાર કાયદાની બંધારણીય કાયદેસરતા સામે સવાલ ઉઠાવતી અરજી છે.
૭૦ વર્ષીય દારૂના વેપારી પર અનેક હજાર કરોડ રૂપિયાની લોન ચુકવણીમાં ડિફોલ્ટ કરવાનો અને મની લોન્ડરિંગના આરોપો છે.
માલ્યાએ હાઈકોર્ટ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ તેમના પરત ફરવાની ચોક્કસ તારીખ આપી શકતા નથી કારણ કે તેમની પાસે તેમનો ભારતીય પાસપોર્ટ નથી, જે સરકારે ૨૦૧૬ માં રદ કર્યો હતો, ે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કોર્ટના આદેશાએ તેમને દેશ છોડવાથી પ્રતિબધ ફરમાવેલો છે. માલ્યાને ઈંગ્લેન્ડ અને વેલ્સ છોડવાની કે છોડવાનો પ્રયાસ કરવાની અથવા કોઈપણ આંતરરાષ્ટ્રીય મુસાફરી દસ્તાવેજ માટે અરજી કરવાની અથવા તેની પાસે રાખવાની પરવાનગી નથી. કોઈપણ સંજોગોમાં, અરજદાર ભારત ક્યારે પરત ફરશે તે ચોક્કસ રીતે કહી શકતો નથી,એમ વકીલે કોર્ટમાં નિવેદન વાંચ્યું હતું,
વરિષ્ઠ વકીલે પુનરોચ્ચાર કર્યો હતો કે માલ્યાની ભાગેડુ ટેગ અને કાયદાની જોગવાઈઓ વિરુદ્ધની અરજીઓ સાંભળવા માટે કોર્ટમાં તેમની હાજરી દેશમાં જરૂરી નથી.
જો તેઓે (માલ્યા) ભારતમાં હાજર થાય, તો આ બધી કાર્યવાહી અપ્રસ્તુત બની જશે કારણ કે કાયદામાં કહેવામાં આવ્યું છે કે એકવાર ગુનેગાર સંબંધિત કોર્ટમાં હાજર થાય, પછી આ બધા આદેશો રદ કરવામાં આવશે,એમ વકીલે કોર્ટને જણાવ્યું હતું.
બેન્ચે કેન્દ્ર સરકારને માલ્યાના નિવેદનનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો અને આ મામલાની વધુ સુનાવણી આવતા મહિને મુલતવી રાખી છે.
માલ્યાને જાન્યુઆરી ૨૦૧૯ માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસોની સુનાવણી કરતી એક વિશેષ અદાલત દ્વારા ભાગેડુ આથક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો.
મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં ત્રણ દિવસ કેન્દ્રની ટીમ આવવાની હોવાથી હોસ્પિટલની કાયાકલ્પ કરવા માટે આજે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મેદાનમાં ઉતર્યા હતાં. હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા ઉપરાંત દવા અને દર્દીઓ માટે ઉપયોગી સાધનોની જરૃરિયાતની ચકાસણી કરી હતી. અનેક વોર્ડમાં અસુવિદ્યા જાતે જ જોતા તેઓ ચોંકી ગયા હતાં.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રની નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ્સ (એનએબીએચ)ની ટીમના સભ્યો તા.૨૦મીથી ત્રણ દિવસ સુધી સયાજી હોસ્પિટલની મુલાકાતે આવવાના છે. કેન્દ્રની ટીમને સયાજી હોસ્પિટલ વધુ સારી સુવિદ્યાવાળી છે તેમ દર્શાવવા માટે આજે હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જાતે દરેક વોર્ડમાં પહોંચીને દર્દીઓને મળતી સુવિદ્યાઓની ચકાસણી કરતા અનેક ખામીઓ જણાઇ હતી.દાઝેલાના વોર્ડમાં તપાસ કરતાં વર્ષો જૂના ખખડધજ એસી જણાયા હતાં. કેટલાક એસી તો ચાલતા પણ ન હતાં જેથી કેન્દ્રની ટીમ આવે તે પહેલાં તાત્કાલિક ૨૩ એસી બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્રની ટીમને હોસ્પિટલ સારી છે તે બતાવવા માટે તંત્ર દ્વારા છેલ્લી ઘડીના પ્રયત્નો હાથ ધરાયા છે. સુપ્રિન્ટેન્ડન્ટને સોનોગ્રાફી રૃમમાં પણ સ્વચ્છતા જણાઇ ન હતી અને બહાર બોક્સના ઢગલા જોઇ તેઓ ચોંકી ગયા હતાં. બોક્સ તાત્કાલિક હટાવવાની તેમણે સૂચના આપી હતી.
આ ઉપરાંત ઇમરજન્સી બિલ્ડિંગના ત્રીજા માળની વિઝિટમાં અંધારપટ જોવા મળેલ. એક પડદા પાછળ વ્હીલચેર તેમજ સ્ટ્રેચર મોટી સંખ્યામાં છૂપાયેલા જણાતા તેઓ તુરંત જ બોલી ઉઠયા હતાં કે લાખો કરોડોનો ભ્રષ્ટાચાર પડદા પાઠળ દેખાય છે. સયાજી હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓની ટીમ કેન્દ્રની ટીમ જ્યારે મુલાકાતે આવવાની છે ત્યારે જ દોડતા થતાં દર્દીઓને આશ્ચર્ય થયું હતું. આવુ ધ્યાન આખું વર્ષ રાખવામાં આવે તેવી લાગણી પણ દર્દીઓ અને સગાઓએ વ્યક્ત કરી હતી.
સોના-ચાંદીના બજારમાં છેલ્લા બે દિવસથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઇકાલે ફરી એકવાર રાત સુધીમાં સોના-ચાંદીમાં ભારે તેજી જોવા મળી. એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓએ તેજીનો વળાંક લીધો છે.
ચાંદીમાં તેજીનો માહોલ
છેલ્લા 24 કલાકમાં ચાંદી ફરી મોંઘી થઈ છે. ચાંદી ગઈકાલે બજારની શરુઆતમાં 4000 રૂપિયા મોંઘી હતી પરંતુ દિવસના અંત સુધીમાં ચાંદી એકઝાટકે 13000 રૂપિયા જેટલી ઉછળી હતી અને આજે બજાર શરુ થતાં જ ચાંદીએ ફરી 1000 રૂપિયાથી વધુની તેજી બતાવતા 246214ની સપાટી કૂદાવી દીધી હતી. એટલે કે મંગળવારના મોટા કડાકા બાદ છેલ્લા 24 કલાકમાં જ જે ચાંદી 226000ના નીચલા લેવલે પહોંચી હતી તે ફરી એકવાર 245000ની સપાટીને કૂદાવી ગઈ હતી. આજે ચાંદી 242439ના ભાવે ખૂલી હતી અને વાયદા બજારમાં ટ્રેડિંગ શરુ થતાં જ તે 246214ના લેવલને કૂદાવી ગઈ હતી. આમ છેલ્લા 24 કલાકમાં ચાંદીમાં કુલ 14000થી વધુનો ઉછાળો આવ્યો છે.
સોનામાં પણ ઉછાળો
સોનાની વાત કરીએ તો વાયદા બજારમાં જે સોનું મંગળવારે મોડી રાતે 150000ના લેવલે પહોંચી ગયું હતું. તે આજે ગુરુવાર સુધીમાં ફરી તેજી દર્શાવતા 156312ના સ્તરે આવી ગયું છે. ગઈકાલે સોનું 4343 રૂપિયા જેટલું મોંઘું થયું હતું. રાતે સોનામાં પણ એકઝાટકે તેજી આવી હતી. જોકે આજે બજાર શરુ થતાં જ સોનામાં તેજીનો માહોલ જળવાઈ રહ્યો અને સોનું 550 રૂપિયાની તેજી સાથે હાલ 156000ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધના ભણકારાને પગલે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે જેના પગલે સોનું-ચાંદી મોંઘા થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) મથુરામાં એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. લગ્ન પ્રસંગમાં જઈ રહેલા ચાર મિત્રોની કાર બેકાબૂ થઈને નહેરમાં ખાબકતા ચારેય યુવકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટના બાદ લગ્નવાળા ઘરમાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મથુરાના મગોરા પોલીસ સ્ટેશન વિસ્તારના નગલા દેવિયા વળાંક પાસે બુધવારે રાત્રે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મથુરાના મહાવનથી રાજસ્થાનના ડીગમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહેલા ચાર યુવકોની કાર અચાનક અનિયંત્રિત થઈ ગઈ હતી. કારની ઝડપ એટલી વધારે હતી કે વળાંક પર સંતુલન ગુમાવતા કાર સીધી પાણીની ટાંકી સાથે અથડાઈને 6 મીટર ઉંડી નહેરમાં જઈ પડી હતી.
ઉંડા પાણી અને અંધારામાં ફસાયા યુવકો
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, કાર નહેરમાં ઉંધી પડી હોવાથી અંદર ફસાયેલા યુવકોને બહાર નીકળવાની કોઈ તક મળી ન હતી. રાત્રિના અંધકાર અને નહેરના ઉંડા પાણીને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી હતી. ગ્રામજનોએ પોલીસના પહોંચતા પહેલા બે યુવકોને બહાર કાઢ્યા હતા, પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. બાદમાં ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવતા અન્ય બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.
મૃતકોની ઓળખ જાહેર કરાઈ
મૃતકોની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે. જેમાં મહાવન વિસ્તારના રાહુલ વર્મા (23), મોહિત (22) અને અમિત (23) નો સમાવેશ થાય છે, જ્યારે ચોથા યુવકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. મૃતકોમાં મોહિત લો (Law) નો વિદ્યાર્થી હતો, જ્યારે અમિત પણ અભ્યાસ કરતો હતો. રાહુલ સિલાઈ કામ કરતો હતો અને અકસ્માતગ્રસ્ત કાર તેના મોટાભાઈની હતી.
પોલીસ તપાસ શરૂ
એસપી દેહાત સુરેશ ચંદ્ર રાવતે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં અતિશય ઝડપ અને રસ્તાનો તીખો વળાંક અકસ્માતનું કારણ જણાય છે. પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.