ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય ખન્નાએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં E20 પેટ્રોલના બદલે E10 કરવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ નથી. તેમણે જણાવ્યું કે હાલમાં ચાલી રહેલી ચર્ચા માત્ર એ બાબત પર છે કે શું જૂના વાહનો માટે 10% ઇથેનોલ મિશ્રણ ધરાવતા E10 ઇંધણનો વિકલ્પ આપવો જોઈએ કે નહીં. BPCLની વાર્ષિક સામાન્ય સભા પછી યોજાયેલી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી.
સરકારના નિર્ણય સામે BPCL સજ્જ
સંજય ખન્નાએ જણાવ્યું કે જો સરકાર ઇથેનોલ મિશ્રણ નીતિમાં કોઈ ફેરફાર કરવાનો નિર્ણય લેશે, તો BPCL માટે E20 માંથી E10 માં શિફ્ટ થવામાં કે તેને સંભાળવામાં કોઈ ઓપરેશનલ અથવા લોજિસ્ટિકલ પડકાર નથી. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું, “મેં એવું ક્યારેય નથી કહ્યું કે E20 ને E10 માં બદલવામાં આવશે. કેટલાક વર્તુળોમાં માત્ર એ જ ચર્ચા થઈ રહી છે કે જૂના વાહનોના ચાલકોને ઓછું ઇથેનોલ ધરાવતા પેટ્રોલનો વિકલ્પ મળવો જોઈએ કે નહીં.”
જૂના વાહનો માટે ઇંધણના વિકલ્પો
ઉલ્લેખનીય છે કે E10 પેટ્રોલમાં 10% ઇથેનોલ અને 90% પેટ્રોલ હોય છે, જ્યારે E20 માં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલ હોય છે. BPCLના પ્રમુખે ઉમેર્યું કે જૂના વાહનો માટે E10 ઉપલબ્ધ કરાવવાના વિકલ્પો ચકાસવામાં આવી રહ્યા છે. એક જ સમયે પેટ્રોલના અલગ-અલગ ગ્રેડને સપ્લાય કરવા અને તેને હેન્ડલ કરવા સંબંધિત કેટલાક પડકારો ચોક્કસ છે, અને તે બાબતે હાલમાં વિચારણા ચાલી રહી છે.
પેટ્રોલિયમ મંત્રાલયની સ્થિતિ સ્પષ્ટ
તાજેતરમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક ફેક્ટશીટ બહાર પાડીને એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે 2023 પહેલાં બનેલા વાહનો E20 પેટ્રોલ પર ચાલી શકતા નથી. મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 3.5 વર્ષથી વધુ સમયથી E15-પ્લસ અને 2.5 વર્ષથી વધુ સમયથી E19-E20 ઇંધણનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન એન્જિન ખરાબ થવાની કે વાહન ખોટકાયાની કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. જો ઇથેનોલ મિશ્રણથી એન્જિનને નુકસાન થતું હોત તો મોટી સંખ્યામાં વોરંટી ક્લેમ કે ફરિયાદો સામે આવી હોત.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે શહેરની બહેનો અને બાળકો માટે એક ખુશીના સમાચાર આપતી જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષની પોતાની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ AMC દ્વારા રક્ષાબંધનના પર્વ પર મહિલાઓ અને બાળકોને ઉત્સવની વિશેષ ભેટ આપવામાં આવી છે.
બહેનો અને બાળકો કરી શકશે મફત સવારી
આજના આખા દિવસ દરમિયાન અમદાવાદ શહેરની તમામ AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) બસોમાં મહિલાઓ અને નાના બાળકો માટે સફર સંપૂર્ણપણે ફ્રી રહેશે. બહેનો પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા સરળતાથી અને વિનામૂલ્યે પહોંચી શકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી રક્ષાબંધનના પર્વ પર સિટી બસોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
દર વર્ષે યોજાય છે આ ખાસ સુવિધા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર દિવસે મહિલાઓ માટે આ મફત મુસાફરીની યોજના અમલમાં મૂકવામાં આવે છે. આ નિર્ણયથી શહેરની લાખો મહિલાઓને આર્થિક રાહત સાથે સુગમ વાહનવ્યવહારની સુવિધા પ્રાપ્ત થાય છે.
નેપાળમાં ભોટેકોશી નદીના વિનાશક પૂરના આઘાત વચ્ચે હવે વધુ એક ગંભીર કુદરતી સંકટે ચિંતા વધારી દીધી છે. નેપાળ-ચીન સરહદ નજીક ચોચેન ખોલા અને પુરેપુ ત્સાંગપો નદીઓના સંગમ પર એક વિશાળ ‘અવરોધ તળાવ’ (Barrier Lake) રચાયું છે. ચીનના જળ સંસાધન મંત્રાલયે આ કુદરતી તળાવ અંગે હાઇ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી 72 કલાકને અત્યંત જોખમી તથા મહત્વપૂર્ણ ગણાવ્યા છે.
2 થી 3 મિલિયન ઘન મીટર પાણી એકઠું થયું
વૈજ્ઞાનિકો અને જળ નિષ્ણાતોના અંદાજ મુજબ, આ કુદરતી બંધ પાછળ આશરે 2 થી 3 મિલિયન ઘન મીટર પાણી એકઠું થઈ ચૂક્યું છે. જો પાણીનું દબાણ વધવાથી આ બંધ તૂટે છે, તો તે ગ્લોફ (જળાશય વિસ્ફોટ પૂર) જેવી ભયાનક સ્થિતિ સર્જી શકે છે. આ સ્થિતિમાં પાણી ધીમે-ધીમે વધવાને બદલે અચાનક ખૂબ જ ઝડપથી નીચે તરફ વહેશે, જે પોતાની સાથે મોટા ખડકો, માટી અને કાટમાળ વહાવીને ભારે તારાજી સર્જી શકે છે.
ભારતીય વિસ્તારો પર પણ સંકટના વાદળો
આ સ્થળ ભારતની સરહદથી સીધું જોડાયેલું નથી, પરંતુ તેની નદી વ્યવસ્થા ભારત સાથે ગાઢ રીતે જોડાયેલી છે. આ તળાવ અને નદીઓનો સંગમ ભારતીય સરહદથી ઉત્તરમાં આશરે ૧૨૦ થી ૧૪૦ કિલોમીટરના અંતરે આવેલો છે. અહીંથી ઉદ્ભવતું પાણી નેપાળમાંથી વહીને અંતે ગંડક (નારાયણી) નદી દ્વારા ભારતના બિહાર રાજ્યમાં પ્રવેશ કરે છે. આ કારણોસર, ભલે આ તળાવ ચીન-નેપાળ સરહદે હોય, પરંતુ તેનાથી નીચાણવાળા ભારતીય વિસ્તારો પર પણ સંકટના વાદળો ઘેરાયા છે.
આગામી 72 કલાક ભારત માટે મહત્વના
આગામી 72 કલાક દરમિયાન શું અપેક્ષિત છે તે અંગે ચીન અને નેપાળનું તંત્ર રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરી રહ્યું છે. હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ તળાવ માત્ર ઓવરફ્લો થશે કે આખો બંધ અચાનક તૂટી જશે. જો પાણી સામાન્ય રીતે ઓવરફ્લો થાય તો નીચલા વિસ્તારોને તૈયારીનો સમય મળી શકે છે, પરંતુ જો બંધ અચાનક તૂટે તો અતિ ટૂંકા સમયમાં પૂરનું મોજું ત્રાટકી શકે છે.
ભારત એલર્ટ મોડ પર
આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ચીન અને નેપાળના સંબંધિત વિભાગો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. નદી પ્રણાલીના માર્ગમાં આવતા નેપાળ અને ભારતના નીચાણવાળા તથા દરિયાકાંઠાના વિસ્તારોને પણ અગમચેતીના ભાગરૂપ સાવધ કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ મોટી જાનહાનિ ટાળી શકાય.
શ્રીલંકાના બેટ્સમેન સોનલ દિનુષાની લડાયક સદીના દમ પર શ્રીલંકાએ ભારત સામેની બીજી ટેસ્ટ મેચ ડ્રો કરાવી લીધી છે. મેચના પાંચમા દિવસે ભારતને જીત માટે શ્રીલંકાની બાકીની 4 વિકેટો ઝડપવાની જરૂર હતી, પરંતુ ભારતીય બોલરો આખો દિવસ પ્રયાસ કરવા છતાં સફળ થઈ શક્યા નહીં. શ્રીલંકાએ પોતાની બીજી ઈનિંગ્સ 429/9 ના સ્કોર પર ડિકલેર કરી અને બંને ટીમોની સંમતિથી મેચ ડ્રો જાહેર થઈ. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ 165 રને જીતી હોવાથી આ 2 ટેસ્ટ મેચની સિરીઝ 1-0 થી પોતાના નામે કરી લીધી છે. જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામેની જીત બાદ ભારતની વિદેશી ધરતી પર આ પહેલી ટેસ્ટ સિરીઝ જીત છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ પણ આ વિદેશમાં પહેલી ટેસ્ટ સિરીઝ જીત રહી છે.
દિનુષાની અણનમ 133 રનની ઈનિંગ્સ
દિનુષાએ પાંચમા દિવસે 264 બોલનો સામનો કરીને અણનમ 133 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી. તેણે લગભગ 420 મિનિટ સુધી ક્રિઝ પર ટકી રહીને ભારતીય બોલરોને વિકેટ માટે તરસાડ્યા હતા. આ સમગ્ર સિરીઝ દરમિયાન દિનુષાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, જેમાં તેમણે 2 ટેસ્ટની તમામ 4 ઈનિંગ્સમાં 50 થી વધુનો સ્કોર નોંધાવ્યો હતો અને 3 સદી ફટકારી હતી. તેણે આ સિરીઝમાં કુલ 722 બોલ રમીને ક્રિઝ પર 1139 મિનિટ વિતાવી હતી. આ મેચની પ્રથમ ઈનિંગ્સમાં પણ તેણે 103 રન બનાવ્યા હતા, જ્યારે ગૉલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી.
ફોલોઓન બાદ બંને ઈનિંગ્સમાં સદીનો વર્લ્ડ રેકોર્ડ
આ મેચમાં સોનલ દિનુષાએ એક ખાસ સિદ્ધિ પણ પોતાના નામે કરી છે. તે ફોલોઓન થયા બાદ એક જ ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારનારા વિશ્વનો ત્રીજા બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં માત્ર ભારતના વિજય હજારે અને ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવર જ આ પ્રકારની અનોખી સિદ્ધિ મેળવી શક્યા હતા.
229/6થી આગળ વધીને શ્રીલંકાએ સ્કોર 429/9 પહોંચાડ્યો
શ્રીલંકાએ પાંચમા દિવસે પોતાની બીજી ઈનિંગ્સ 229/6ના સ્કોરથી આગળ વધારી હતી, ત્યારે તેમની પાસે માત્ર 16 રનની લીડ હતી અને ભારતની જીત નિશ્ચિત જણાતી હતી. પરંતુ દિનુષા અને કેશરા નુવંથાએ મજબૂત લડત આપીને 7મી વિકેટ માટે 112 રનની ભાગીદારી નોંધાવી હતી. નુવંથાએ 150 બોલમાં 46 રન બનાવી પ્રથમ સેશનમાં ભારતને એક પણ વિકેટ લેવા દીધી નહોતી. લંચ પછી માનવ સુથારે નુવંથાને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.
ભારતીય બોલરોનો સંઘર્ષ
ભારત તરફથી માનવ સુથારે 121 રન આપીને 3 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 94 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. પાંચમા દિવસે ફાસ્ટ બોલરોએ શોર્ટ પિચ બોલ અને સ્પિનરોએ સતત દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શ્રીલંકાના બેટ્સમેનોએ સંયમપૂર્વક બેટિંગ કરીને ખરાબ શોટ્સ રમવાનું ટાળ્યું હતું. દિનુષાએ મજબૂત ડિફેન્સ સાથે માત્ર ખરાબ બોલ પર જ બાઉન્ડ્રી મેળવી હતી.
સિરીઝ જીત છતાં ભારત માટે ચિંતાના પ્રશ્નો
સિરીઝ જીતવા છતાં આ મેચનું પરિણામ ભારત માટે કેટલાક સવાલો ઊભા કરી ગયું છે. પ્રથમ ઈનિંગ્સમાં 213 રનની મોટી લીડ મેળવ્યા બાદ પણ ભારતીય ટીમ પાંચમા દિવસે શ્રીલંકાની છેલ્લી 4 વિકેટો ઝડપી શકી નહીં. સતત બે ઈનિંગ્સમાં બોલિંગ કરવાને કારણે બોલરોમાં થાક સ્પષ્ટ દેખાતો હતો અને મોહમ્મદ સિરાજ પણ પોતાની લયમાં જોવા મળ્યા નહોતા. મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતની કેપ્ટનશીપ અને ફિલ્ડિંગ વ્યૂહરચના સામે પણ સવાલો ઊભા થયા છે.
આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં ગુરુવારે સવારે એક દર્દનાક રોડ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે વિજયવાડાથી તિરુપતિ જઈ રહેલી એક ખાનગી બસે ઓટો-રિક્ષાને જોરદાર ટક્કર મારી દીધી હતી.
બર્થડે પાર્ટીમાંથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત
પોલીસે આપેલી વિગતો મુજબ, આ દુર્ઘટના પલનાડુ જિલ્લાના ચિલકાલૂરીપેટમાં અડ્ડા રોડ નજીક બની હતી. ઓટો-રિક્ષામાં આશરે 15 લોકો સવાર હતા. પીડિતો ચિલકલુરીપેટ મંડળના વેલુરુ ગામના રહેવાસી હતા અને તેઓ પ્રકાશમ જિલ્લાના કોંડામાં જુલુરથી એક બર્થડે પાર્ટી ઉજવીને પરત ફરી રહ્યા હતા. ટક્કર એટલી ભીષણ હતી કે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 2 લોકોના ગુન્ટૂરની સરકારી જનરલ હોસ્પિટલમાં અને 1 વ્યક્તિનું ચિલકલુરીપેટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
મૃતકો અને ઘાયલોની વિગત
અકસ્માતમાં ચાર બાળકો સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ગુન્ટૂરની સરકારી જનરલ હોસ્પિટલ અને ચિલકલુરિપેટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોની ઓળખ બોન્ટૂ બાબૂ (62), બોન્ટૂ માનેમ્મા (55), સંપૂર્ણમ્મા (70), ગંગમ્મા (50), લક્ષ્મમ્મા (75), ચૌતુપલ્લી સ્વાર્થમ્મા (45) અને મારીયમ્મા (45) તરીકે થઈ છે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ
આ ભયાનક રોડ’ અકસ્માત પર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સાંત્વના પાઠવી હતી અને અધિકારીઓને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સતત દેખરેખ રાખવાના નિર્દેશ આપ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે પણ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને જિલ્લા સત્તાધીશોને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ
દરમિયાન, રાજ્યના ગૃહમંત્રી વંગાલપુડી અનીતાએ પલનાડુના એડિશનલ એસપી સાથે વાતચીત કરીને અકસ્માતના કારણો અને રાહત કામગીરીની જાણકારી મેળવી હતી. 7 લોકોના મોતની ઘટનાને અત્યંત દુઃખદ ગણાવતા તેમણે તપાસના આદેશ આપ્યા છે. ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે બસની સ્પીડ, ડ્રાઈવરની બેદરકારી અને અકસ્માત માટે જવાબદાર તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવે. ભવિષ્યમાં આવી હોનારત રોકવા માટે ખાનગી વાહનો માટેના રોડ સેફ્ટી નિયમોનું કડક પાલન કરાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
ભાજપ સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેમજ યોગ ગુરુ બાબા રામદેવ વચ્ચે ઘેરાયેલો વિવાદ સતત વકરી રહ્યો છે. કંગનાના ‘ગટર જેન-ઝી’ વાળા નિવેદનથી શરૂ થયેલા આ વિવાદમાં હવે એક્ટ્રેસે બાબા રામદેવ પર ફરીથી તીખો પ્રહાર કર્યો છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કંગનાએ વળતો પ્રશ્ન કરતાં કહ્યું હતું કે, ‘શું બાબા રામદેવ મારા રૂમમાં ચામાચીડિયું બનીને ઊંધા લટકતા હતા? તેમણે મારી જવાનીમાં એવું તે શું જોયું છે, તે સ્પષ્ટપણે જણાવવું જોઈએ.
‘યોગ-આયુર્વેદથી ગારમેન્ટ્સ સુધીનો વેપાર
ઈન્ટરવ્યૂ દરમિયાન બાબા રામદેવ પર નિશાન સાધતા કંગનાએ કહ્યું હતું કે, ‘જ્યારે બાબા રામદેવનો સ્વદેશીનો વિચાર ચાલતો હતો ત્યારે સરકારે પણ તેમને પૂરતો સહયોગ આપ્યો હતો. પરંતુ એક તબક્કે પહોંચ્યા પછી સનાતની વિચારધારા મૂડીવાદ (Capitalism) સામે ટકરાવા લાગે છે. યોગ અને આયુર્વેદથી શરૂઆત કર્યા બાદ હવે તેઓ બનિયાન અને અંડરગાર્મેન્ટ્સ વેચી રહ્યા છે અને પૂર્ણપણે એક વેપારી બની ચૂક્યા છે.’ આ સાથે જ કંગનાએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે તબીબી અસરો અંગેના ખોટા અને ગેરમાર્ગે દોરનારા દાવા બદલ સુપ્રીમ કોર્ટ દ્વારા બાબા રામદેવને સખત ઠપકો આપવામાં આવ્યો હતો.
‘ગટર જનરેશન’ વાળા નિવેદનથી વિવાદ
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે CJP પ્રોટેસ્ટ દરમિયાન કંગના રનૌતે Gen Z માટે ‘ગટર જનરેશન’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જોકે, વિવાદ વધતાં કંગનાએ સ્પષ્ટતા કરી હતી કે તેણે સમગ્ર પેઢીને નહીં પરંતુ અભદ્ર ભાષા વાપરનારા કેટલાક પ્રદર્શનકારીઓને જ આવું કહ્યું હતું.
પરંતુ આ નિવેદન પર બાબા રામદેવે એક કાર્યક્રમમાં કંગના પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘કંગનાનું બાળપણ કેવું રહ્યું છે, જવાની કેવી રહી છે અને ભૂતકાળના કારનામા કેવા રહ્યા છે તે સૌ જાણે છે. હું આવી વિકૃત માનસિકતા ધરાવતા લોકો વિશે વાત કરવા નથી માગતો અને તેમની પાર્ટીએ આ બાબતે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ.’
સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી શરૂ થયેલો યુદ્ધ
બાબા રામદેવના આ આક્ષેપો બાદ કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પલટવાર કરતાં લખ્યું હતું કે, ‘બાબાજી, મારી જવાની કે બેડરૂમ અંગે દિવસના સપના જોવાનું બંધ કરો. મને તબીબી અસરોના ખોટા અને છેતરપિંડીભર્યા દાવા કરવા બદલ સુપ્રીમ કોર્ટની ફટકાર તો નથી જ મળી.’ કંગનાના આકરા પ્રહાર સામે બાબા રામદેવે ફરી પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, ‘હું આવા ક્ષુલ્લક અને નીચા સ્તરના લોકો વિશે વધુ કોઈ ટિપ્પણી કરવા માગતો નથી.’ હાલમાં આ બંને અગ્રણી હસ્તીઓ વચ્ચેની આ તકરાર વધુ ઘેરી બની રહી છે.
બે વર્ષથી ડેટિંગ કરી રહેલાં અનન્યા પાંડે અને વોકર બ્લેન્કો વચ્ચે બ્રેક અપ થઇ ગયું હોવાની ચર્ચા થઇ રહી છે. જો કે, બંને જણાંએ ડેટિંગની જેમ બ્રેક અપને પણ હજી કન્ફર્મ કર્યું નથી. બે વર્ષ ડેટિંગ કર્યા બાદ અનન્યાએ ગયા અઠવાડિયે બ્રેક અપનો નિર્ણય લીધો હતો.
બંને જણાંએ પરસ્પર સંમતિથી સંબંધો પુરા કર્યા હોવાની વાત જાણવા મળી છે. અનન્યાના જન્મદિને વોકરે જણાવ્યું હતું કે યુ આર સો સ્પેશ્યલ. આઇ લવ યુ, એની! અનન્યા પણ વોકરને લાડમાં વોકી કહીને બોલાવતી હતી. અનન્યા પણ વોકર બ્લેન્કોના નામના પ્રથમ અક્ષર ધરાવતો નેકલેસ પહેરી અનેક સ્થળે મહાલતી દેખાઇ હતી.
રસપ્રદ વાત એ છે કે વોકર સાથે સંબંધ બંધાયો એ પહેલાં અનન્યા આદિત્ય રોય કપૂરને ડેટિંગ કરતી હતી. બે વર્ષ બાદ તેમની વચ્ચે પણ બ્રેક અપ થઇ ગયું હતું. આ બ્રેક અપનું કારણ પણ કદી બહાર આવ્યું નથી.
ઓસ્ટ્રેલિયા U19 સામેની ઘરઆંગણે રમાનારી શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ભારતની U19 ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમ પસંદગીમાં પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીઓના પુત્રો પર સૌની નજર રહેશે. ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને પૂર્વ કેપ્ટન તથા હેડ કોચ રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડની પસંદગીને લઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. BCCIના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયા દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે.
કેપ્ટનશીપની જવાબદારી કોને?
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડે મેચોની શ્રેણી માટે લક્ષ્ય રાયચંદાનીને કેપ્ટન બનાવવામાં આવ્યા છે, જ્યારે યશવર્ધન ચૌહાણ વાઈસ કેપ્ટન રહેશે. ચાર દિવસીય (મલ્ટી-ડે) શ્રેણી માટે યશવર્ધન ચૌહાણ કેપ્ટનશિપ સંભાળશે અને લક્ષ્ય રાયચંદાની વાઈસ કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવશે.
રાજકોટ અને અમદાવાદમાં રમાશે શ્રેણી
ઓસ્ટ્રેલિયા U19 નો આ ભારત પ્રવાસ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે. તમામ ત્રણ વનડે મેચ અને પ્રથમ મલ્ટી-ડે મેચ રાજકોટ ખાતે રમાશે. શ્રેણીની બીજી અને અંતિમ મલ્ટી-ડે મેચ અમદાવાદના ‘બી’ ગ્રાઉન્ડ ખાતે રમાશે.
અમેરિકામાં જઈને અસાઈલમ (આશ્રય) માગનારા વિદેશીઓ સામે ટ્રમ્પ પ્રશાસને અત્યાર સુધીની સૌથી મોટી વિઝા કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. અમેરિકન તંત્ર દ્વારા B1 (બિઝનેસ) અને B2 (ટૂરિસ્ટ) કેટેગરીના વિઝા ધરાવતા એવા લોકોના વિઝા ગમે ત્યારે રદ કરવામાં આવી શકે છે, જેમણે દેશમાં પ્રવેશ્યા બાદ અસાઈલમ માટે અરજી કરી છે અથવા જેઓની અસાઈલમ પ્રક્રિયા હાલમાં પેન્ડિંગ છે. અંદાજે 2 લાખ સુધીના લોકોના વિઝા રદ થવાની શક્યતાને પગલે અરજદારોમાં ભારે ચિંતાનો માહોલ છે. જો આ નિર્ણય અમલમાં મુકાશે તો તે યુએસ ઈતિહાસનું સૌથી મોટું માસ વિઝા રિવોકેશન બની રહેશે.
અંદાજે 14 હજાર ગુજરાતીઓ પર સંકટના વાદળ
આ નિર્ણય ગુજરાત અને ગુજરાતીઓ માટે પણ અત્યંત ચિંતાજનક સાબિત થઈ શકે છે. જોકે યુએસ સરકારે અસરગ્રસ્ત ગુજરાતીઓનો કોઈ સત્તાવાર આંકડો બહાર પાડ્યો નથી, પરંતુ જ્હોન્સ હોપકિન્સના આંકડા અનુસાર 2001થી 2022 દરમિયાન ભારતીય અસાઈલમ અરજદારોમાં આશરે 7% લોકો ગુજરાતી ભાષી હતા. આ ટકાવારીને સંભવિત 2 લાખ અસરગ્રસ્તો પર લાગુ કરવામાં આવે તો અંદાજે 14,000 જેટલા ગુજરાતીઓ પણ આ કડકાઈની ઝપેટમાં આવી શકે તેમ છે.
ઈમિગ્રેશન સિસ્ટમના દુરુપયોગ સામે કડક વલણ
ગુજરાતીઓ માટે અમેરિકા હંમેશાંથી પ્રિય ફોરેન ડેસ્ટિનેશન રહ્યું છે. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએના ડેટા મુજબ અમેરિકામાં અંદાજે 17 લાખ ગુજરાતી મૂળના લોકો વિવિધ સંગઠનો સાથે જોડાયેલા છે, જેમાંના ઘણા પરિવારોને આ કડકાઈની આડકતરી અસર પહોંચી શકે છે. અમેરિકન ઈમિગ્રેશન અધિકારીઓના જણાવ્યા મુજબ, કેટલાક લોકો B1/B2 વિઝા પર કાયદેસર રીતે પ્રવેશ કર્યા બાદ અસાઈલમની અરજી કરીને લાંબો સમય રોકાવાનો પ્રયાસ કરે છે. ટ્રમ્પ સરકારે આ બાબતને ઈમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ ગણાવીને આવા કેસો સામે આકરા પગલાં ભરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.
દેશમાં JEE, NEET અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાનગી કોચિંગનો ખર્ચ ઘણા પરિવારો માટે મોટો આર્થિક બોજ બની રહ્યો છે. ખાસ કરીને નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત કોચિંગ, અનુભવી શિક્ષકો અને નિયમિત ટેસ્ટ સિસ્ટમ સુધી પહોંચ એકસરખી નથી. આ પૃષ્ઠભૂમિમાં PM મોદીએ 15 ઓગસ્ટ 2026ના 80મા સ્વતંત્રતા દિવસના ભાષણમાં વિવિધ પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે ફ્રી ઓનલાઈન કોચિંગ નેટવર્ક ઊભું કરવાની જાહેરાત કરી હતી.
આ જાહેરાત બાદ શિક્ષણ મંત્રાલયમાં આ પહેલને અમલમાં મૂકવા અંગે ચર્ચાઓ શરૂ થઈ હોવાના અહેવાલો છે. અહીં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે સ્કૂલ, કોલેજ અને CSCને જોડીને એક કરોડથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું જે માળખું ચર્ચાઈ રહ્યું છે, તે હાલમાં પ્રસ્તાવિત આયોજન તરીકે જોવું જોઈએ; તેની સંપૂર્ણ અમલી વિગતો, સત્તાવાર પ્લેટફોર્મ, નોંધણી પ્રક્રિયા અને અંતિમ સમયપત્રક અંગે કેન્દ્ર તરફથી હજુ અલગથી વિગતવાર જાહેર માર્ગદર્શિકા ઉપલબ્ધ નથી.
સ્કૂલ, કોલેજ અને CSC બનશે પહોંચનું માધ્યમ પ્રસ્તાવિત મોડલનો મુખ્ય વિચાર માત્ર એક વેબસાઇટ અથવા એપ બનાવીને વિદ્યાર્થીઓને ઓનલાઈન વીડિયો ઉપલબ્ધ કરાવવાનો નથી. અહેવાલો અનુસાર દેશભરના 12મા ધોરણ સુધીના સ્કૂલ-કોલેજ ઉપરાંત Common Service Centres એટલે કે CSCને પણ આ નેટવર્ક સાથે જોડવાની વિચારણા છે. આ વ્યવસ્થા ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની શકે છે, જેમની પાસે ઘરે પૂરતું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા વ્યક્તિગત કોચિંગની સુવિધા નથી.
CSC નેટવર્કનો ઉપયોગ કરીને ડિજિટલ શિક્ષણની પહોંચ એવા વિસ્તારો સુધી વધારી શકાય છે જ્યાં વિદ્યાર્થીઓ પાસે વ્યક્તિગત લેપટોપ અથવા સ્થિર ઇન્ટરનેટની સુવિધા મર્યાદિત હોય. જોકે આ નેટવર્કમાં કયા CSCને કેવી રીતે જોડવામાં આવશે, ત્યાં કઈ સુવિધાઓ મળશે અને શિક્ષકો અથવા મેન્ટર્સની ભૂમિકા શું રહેશે તેની અંતિમ વિગતો હજુ જાહેર થવાની બાકી છે.
શરૂઆત JEE અને NEET-UGથી, પછી SSC અને UPSC હાલની યોજના મુજબ ફ્રી કોચિંગ નેટવર્કમાં શરૂઆતના તબક્કે JEE અને NEET-UG જેવી મોટી પ્રવેશ પરીક્ષાઓની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની ચર્ચા છે. JEE મુખ્યત્વે એન્જિનિયરિંગ પ્રવેશ માટે અને NEET-UG મેડિકલ શિક્ષણમાં પ્રવેશ માટે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ છે. આ બંને પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓનો મોટો વર્ગ દર વર્ષે તૈયારી કરે છે, જેના કારણે મફત અને વ્યાપક ડિજિટલ કોચિંગની જરૂરિયાત પણ વિશાળ છે.
આગળના તબક્કામાં SSC અને UPSC સહિત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓને પણ નેટવર્ક સાથે જોડવાની યોજના હોવાનું જણાવાયું છે. જો આ માળખું તબક્કાવાર અમલમાં આવે છે, તો એક જ સરકારી ડિજિટલ શિક્ષણ નેટવર્ક દ્વારા પ્રવેશ પરીક્ષા, ભરતી પરીક્ષા અને ઉચ્ચ સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો વ્યાપક પ્રયાસ બની શકે છે. પરંતુ કઈ પરીક્ષા કયા તબક્કે ઉમેરાશે તેની અંતિમ સત્તાવાર યાદી હજુ જાહેર કરવામાં આવી નથી.
SATHEE પહેલેથી જ છે આધાર, હવે મોટા નેટવર્કની વિચારણા નવી યોજના માટે SATHEE પહેલ મહત્વપૂર્ણ આધાર બની શકે છે. Ministry of Education અને IIT Kanpur દ્વારા વિકસાવવામાં આવેલા SATHEE એટલે કે Self-Assessment Test and Help for Entrance Exams પ્લેટફોર્મ પર JEE અને NEET સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ છે. IIT Kanpurના જણાવ્યા અનુસાર JEE માટે પ્લેટફોર્મ પર લાઈવ અને રેકોર્ડેડ ક્લાસ, પ્રેક્ટિસ પ્રશ્નો, અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો, મૉક ટેસ્ટ, AI આધારિત વિશ્લેષણ અને ડાઉટ-ક્લિયરિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
NEET માટે પણ SATHEE પર Physics, Chemistry અને Biologyના લાઈવ તથા રેકોર્ડેડ અભ્યાસક્રમ, NCERT આધારિત પ્રશ્નો, મૉક ટેસ્ટ, અગાઉના વર્ષોના પ્રશ્નો અને AI આધારિત ડાઉટ-ક્લિયરિંગ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. પ્લેટફોર્મ મુજબ NEET માટે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને સામગ્રી 12 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
આથી પ્રસ્તાવિત નવા નેટવર્કને સંપૂર્ણપણે શૂન્યથી શરૂ કરવાને બદલે SATHEEના અનુભવ, ડિજિટલ કન્ટેન્ટ અને ટેક્નોલોજીકલ માળખાનો ઉપયોગ કરીને વધુ મોટા સ્તરે વિસ્તૃત કરવાની શક્યતા છે. જોકે નવા નેટવર્ક અને SATHEE વચ્ચેનું ચોક્કસ ટેક્નિકલ અથવા વહીવટી માળખું હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
એકસાથે એક કરોડથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો લક્ષ્યાંક અહેવાલો મુજબ નવા નેટવર્કની ક્ષમતા એક કરોડથી વધુ વિદ્યાર્થીઓને એકસાથે સેવા આપી શકે તે રીતે વિકસાવવાની વિચારણા છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક પાછળનો હેતુ ખાનગી કોચિંગના મર્યાદિત સીટવાળા મોડલથી અલગ, મોટા પાયે ડિજિટલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે.
પ્રસ્તાવિત પ્લેટફોર્મ માત્ર recorded lectures પૂરતું મર્યાદિત નહીં રહે અને તેને interactive બનાવવાની પણ વાત છે. એટલે વિદ્યાર્થી કોઈ વિષય અથવા પ્રશ્ન સમજી ન શકે તો ડાઉટ-ક્લિયરિંગ સિસ્ટમ દ્વારા પ્રશ્ન પૂછી શકે. SATHEEમાં હાલમાં પણ નિર્ધારિત સમય દરમિયાન લાઈવ ડાઉટ-ક્લિયરિંગ ઉપલબ્ધ છે, જેમાં Physics, Chemistry, Mathematics અને Biology સંબંધિત પ્રશ્નોના જવાબ મેળવવાની સુવિધા છે.
અહેવાલોમાં 24 કલાક મદદ ઉપલબ્ધ કરાવવાના વિચારનો પણ ઉલ્લેખ છે, પરંતુ આ સુવિધા નવા રાષ્ટ્રીય નેટવર્કમાં કયા ટેક્નિકલ મોડલથી ઉપલબ્ધ થશે—માનવીય મેન્ટર, AI આધારિત સિસ્ટમ કે બંનેના સંયોજનથી—તે અંગે હજુ અંતિમ સત્તાવાર વિગતો સામે આવી નથી.
ખાનગી ક્ષેત્ર અને નિષ્ણાત શિક્ષકોને પણ જોડવાની શક્યતા નવા મોડલને ખાનગી કોચિંગ સાથે સ્પર્ધાત્મક બનાવવા માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતો અને શિક્ષણ ક્ષેત્રના અનુભવી લોકોની મદદ લેવાની ચર્ચા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સાથે જ દેશભરના શિક્ષણ સંસ્થાનોમાંથી એવા શિક્ષકો અને નિષ્ણાતોની ઓળખ કરવાની વાત છે, જે વિદ્યાર્થીઓને મફતમાં માર્ગદર્શન આપવામાં યોગદાન આપી શકે.
આ મોડલ સફળ બનાવવા માટે માત્ર મોટી સંખ્યામાં વીડિયો ઉપલબ્ધ કરાવવો પૂરતો નહીં રહે. JEE અને NEET જેવી પરીક્ષાઓમાં syllabus coverage, નિયમિત mock tests, performance tracking, doubt resolution, mentorship અને સતત assessment જેવા તત્વો પણ મહત્વપૂર્ણ છે. SATHEE પહેલેથી જ આમાંથી ઘણા તત્વોનો ઉપયોગ કરી રહ્યું છે. IIT Kanpurના જણાવ્યા મુજબ 2025માં પંજાબની 569 સરકારી સંસ્થાઓમાં SATHEEનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યાં JEE Main તથા NEET માટે qualifying વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો.