HomeSportsSports : શ્રીલંકાએ ભારતને બીજી ટેસ્ટમાં જીતથી વંચિત રાખી મેચ ડ્રો કરાવી,...

Sports : શ્રીલંકાએ ભારતને બીજી ટેસ્ટમાં જીતથી વંચિત રાખી મેચ ડ્રો કરાવી, ‘ફોલો-ઓન’ રમવા છતાં સોનલ દીનુશાએ બંને દાવમાં સદી ફટકારી

શ્રીલંકાના બેટ્સમેન સોનલ દિનુષાની લડાયક સદીના દમ પર શ્રીલંકાએ ભારત સામેની બીજી ટેસ્ટ મેચ ડ્રો કરાવી લીધી છે. મેચના પાંચમા દિવસે ભારતને જીત માટે શ્રીલંકાની બાકીની 4 વિકેટો ઝડપવાની જરૂર હતી, પરંતુ ભારતીય બોલરો આખો દિવસ પ્રયાસ કરવા છતાં સફળ થઈ શક્યા નહીં. શ્રીલંકાએ પોતાની બીજી ઈનિંગ્સ 429/9 ના સ્કોર પર ડિકલેર કરી અને બંને ટીમોની સંમતિથી મેચ ડ્રો જાહેર થઈ. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ 165 રને જીતી હોવાથી આ 2 ટેસ્ટ મેચની સિરીઝ 1-0 થી પોતાના નામે કરી લીધી છે. જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામેની જીત બાદ ભારતની વિદેશી ધરતી પર આ પહેલી ટેસ્ટ સિરીઝ જીત છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ પણ આ વિદેશમાં પહેલી ટેસ્ટ સિરીઝ જીત રહી છે.

દિનુષાની અણનમ 133 રનની ઈનિંગ્સ

દિનુષાએ પાંચમા દિવસે 264 બોલનો સામનો કરીને અણનમ 133 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી. તેણે લગભગ 420 મિનિટ સુધી ક્રિઝ પર ટકી રહીને ભારતીય બોલરોને વિકેટ માટે તરસાડ્યા હતા. આ સમગ્ર સિરીઝ દરમિયાન દિનુષાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, જેમાં તેમણે 2 ટેસ્ટની તમામ 4 ઈનિંગ્સમાં 50 થી વધુનો સ્કોર નોંધાવ્યો હતો અને 3 સદી ફટકારી હતી. તેણે આ સિરીઝમાં કુલ 722 બોલ રમીને ક્રિઝ પર 1139 મિનિટ વિતાવી હતી. આ મેચની પ્રથમ ઈનિંગ્સમાં પણ તેણે 103 રન બનાવ્યા હતા, જ્યારે ગૉલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી.

ફોલોઓન બાદ બંને ઈનિંગ્સમાં સદીનો વર્લ્ડ રેકોર્ડ

આ મેચમાં સોનલ દિનુષાએ એક ખાસ સિદ્ધિ પણ પોતાના નામે કરી છે. તે ફોલોઓન થયા બાદ એક જ ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારનારા વિશ્વનો ત્રીજા બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં માત્ર ભારતના વિજય હજારે અને ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવર જ આ પ્રકારની અનોખી સિદ્ધિ મેળવી શક્યા હતા.

229/6થી આગળ વધીને શ્રીલંકાએ સ્કોર 429/9 પહોંચાડ્યો

શ્રીલંકાએ પાંચમા દિવસે પોતાની બીજી ઈનિંગ્સ 229/6ના સ્કોરથી આગળ વધારી હતી, ત્યારે તેમની પાસે માત્ર 16 રનની લીડ હતી અને ભારતની જીત નિશ્ચિત જણાતી હતી. પરંતુ દિનુષા અને કેશરા નુવંથાએ મજબૂત લડત આપીને 7મી વિકેટ માટે 112 રનની ભાગીદારી નોંધાવી હતી. નુવંથાએ 150 બોલમાં 46 રન બનાવી પ્રથમ સેશનમાં ભારતને એક પણ વિકેટ લેવા દીધી નહોતી. લંચ પછી માનવ સુથારે નુવંથાને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.

ભારતીય બોલરોનો સંઘર્ષ

ભારત તરફથી માનવ સુથારે 121 રન આપીને 3 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 94 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. પાંચમા દિવસે ફાસ્ટ બોલરોએ શોર્ટ પિચ બોલ અને સ્પિનરોએ સતત દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શ્રીલંકાના બેટ્સમેનોએ સંયમપૂર્વક બેટિંગ કરીને ખરાબ શોટ્સ રમવાનું ટાળ્યું હતું. દિનુષાએ મજબૂત ડિફેન્સ સાથે માત્ર ખરાબ બોલ પર જ બાઉન્ડ્રી મેળવી હતી.

સિરીઝ જીત છતાં ભારત માટે ચિંતાના પ્રશ્નો

સિરીઝ જીતવા છતાં આ મેચનું પરિણામ ભારત માટે કેટલાક સવાલો ઊભા કરી ગયું છે. પ્રથમ ઈનિંગ્સમાં 213 રનની મોટી લીડ મેળવ્યા બાદ પણ ભારતીય ટીમ પાંચમા દિવસે શ્રીલંકાની છેલ્લી 4 વિકેટો ઝડપી શકી નહીં. સતત બે ઈનિંગ્સમાં બોલિંગ કરવાને કારણે બોલરોમાં થાક સ્પષ્ટ દેખાતો હતો અને મોહમ્મદ સિરાજ પણ પોતાની લયમાં જોવા મળ્યા નહોતા. મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતની કેપ્ટનશીપ અને ફિલ્ડિંગ વ્યૂહરચના સામે પણ સવાલો ઊભા થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments