Home Blog Page 55

National : મહારાષ્ટ્રમાં છૂટક ખાદ્ય તેલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ , FDA કમિશનર તુકારામ મુંઢેએ કડક સૂચનાઓ સાથે આપ્યો મોટો આદેશ

મહારાષ્ટ્રમાં હવે દુકાનદાર મોટા ડબ્બા, ટાંકી અથવા કન્ટેનરમાંથી તેલ કાઢીને ગ્રાહકોને તેની જરૂરિયાત હિસાબથી આપી શકશે નહીં, એટલે કે સરળ ભાષામાં કહીએ તો હવે ગ્રાહકોને છૂટક તેલ મળશે નહીં. એટલે કે અડધો લીટર, એક લીટર અથવા જેટલું ગ્રાહક માગશે એટલું ખુલ્લામાં વેચવાની રીત બંધ થશે. સરકારે ખુલ્લા ખાદ્ય તેલના વેચાણ પર રોક લગાવી દીધી છે.એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ આ જાણકારી આપી છે. અત્યાર સુધી મહારાષ્ટ્રની કેટલીય દુકાનો પર ગ્રાહકો પોતાની જરૂરિયાત અને બજેટના હિસાબથી છૂટક તેલ ખરીદતા હતા. દુકાનદાર મોટા ડબ્બામાંથી તેલ કાઢીને ગ્રાહકોને પોતાની જરૂરિયાત હિસાબ અને ખુલ્લું તેલ ખરીદતા હતા. કોઈને અડધો લીટર જોઈએ તો અડધો લીટર, કોઈને એક લીટર જોઈએ તો એક લીટર. ખાસ કરીને ઓછી માત્રામાં તેલ ખરીદનારા ગ્રાહકો માટે આ રીત સુવિધાજનક હતી. નવા નિર્ણય બાદ આ વ્યવસ્થા પર રોક લાગી જશે. એટલે કે બદલાવ તેલ ખરીદવામાં નહીં પણ તેલ વેચવાની રીતમાં જોવા મળશે.

આ નિર્ણય બાદ ગ્રાહકોને બજારમાંથી મળતા ખાદ્ય તેલ હવે પેકિંગમાં જ ખરીદવું પડશે. એટલે કે દુકાન પર જઈને મોટા ડબ્બામાંથી તેલ કાઢવાની જગ્યાએ પેક કરેલું તેલ લેવું પડશે. આવા સમયે ગ્રાહકોને તેલ ખરીદતી વખતે પેકેટ અથવા બોટલ પર લખેલી જાણકારી જરૂરથી જોવી જોઈએ. તેમાં કંપનીનું નામ, તેલની માત્રા અને પેકિંગ સાથે જોડાયેલી બીજી જાણકારી પણ મળી જશે. એટલે કે હવે ગ્રાહકો માટે ખુલ્લા તેલની જગ્યાએ પેકિંગ જોઈ ખરીદી કરવી વધારે જરૂર થઈ જશે.

દુકાનદારો પર આ નિર્ણયની સીધી અસર થશે. જે દુકાનો પર મોટા ડબ્બામાંથી તેલ કાઢીને અલગ અલગ માત્રામાં ગ્રાહકોને વેચતા હતા, તેમને હવે પોતાના ધંધાની રીત બદલવી પડશે. તેઓ ગ્રાહકોની માગ અનુસાર, કન્ટેનરથી તેલ કાઢીને વેચી શકશે નહીં. તેમને એફડીએના નિર્દેશો અનુસાર, પેકિંગમાં વેચાતા ખાદ્ય તેલ રાખવા અને વેચવા પડશે. નાના દુકાનદારો માટે આ બદલાવ એટલા માટે મહત્ત્વનો છે કેમ કે તેમને પોતાના હાલના વેચાણ મોડલ અને સ્ટોક વ્યવસ્થામાં બદલાવ કરવો પડશે.

જો કે અહીં એક જરૂરી વાત સમજવી પણ કામની છે. એફડીએએ ખાદ્ય તેલના વેચાણ પર સંપૂર્ણપણે રોક નથી લગાવી. રોક ખુલ્લી રીતે વેચાતા તેલની વ્યવસ્થા પર લગાવી છે. પેકિંગમાં મળતા ખાદ્ય તેલ બજારમાં વેચાતા રહેશે. એટલે કે ગ્રાહકો દુકાનેથી તેલ ખરીદવાનું ચાલુ રાખી શકશે, પણ હવે તેમને પેકિંગમાં તેલ મળશે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે દુકાનોમાં પહેલાથી જે સ્ટોક ખુલ્લામાં રાખેલો છે, તેનું શું થશે? નિયમ તોડવા બદલ એફડીએ કેવી એક્શન લેશે. હાલમાં મળેલી જાણકારીમાં આ સવાલોના જવાબ હજુ સ્પષ્ટ નથી થયા. એટલા માટે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો પર વિશ્વાસ કરવાની જગ્યાએ એફડીએના સત્તાવાર લેખિત આદેશની રાહ જોવી જોઈએ.

National : વિદ્યાર્થીઓ હવે પોતાની વાત રજૂ કરવા આગળ આવી રહ્યા છે, આને રોકી શકાય તેમ નથી— કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીનો સીધો પ્રહાર

0

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે વિદ્યાર્થીઓ હવે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે આગળ આવી રહ્યા છે, અને આને રોકી શકાતું નથી. તેમણે વિદ્યાર્થીઓને આ ઉર્જાનો ઉપયોગ દેશના યુવાનો માટે મૂળભૂત પરિવર્તન લાવવા માટે કરવા વિનંતી કરી.

તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા, તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીનું એક એવા ભારતનું સ્વપ્ન જ્યાં દરેક વ્યક્તિ સ્વરાજના માર્ગ પર ચાલી શકે છે તે ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે સરકાર યુવાનો માટે રસ્તા ખોલે અને દેશ તેમને તે માર્ગ પર ચાલવામાં મદદ કરે.

લોકસભામાં વિપક્ષના નેતાએ ભાજપ-આરએસએસ પર લઘુમતીઓ પર હુમલો કરવાનો, આદિવાસીઓ પાસેથી જમીન છીનવી લેવાનો અને દલિતો પર અત્યાચાર કરવાનો આરોપ પણ લગાવ્યો, અને કહ્યું કે આ બાબતોમાં ફેરફાર થવાની જરૂર છે.

તેમણે કહ્યું, “સરકાર અને દેશનું કામ તમારી કલ્પના માટે માર્ગ ખોલવાનું અને તમને અનુભૂતિ કરાવવાનું છે, તમારામાં જે સાચું છે તેમાં વિશ્વાસ અને વિશ્વાસ જગાડવાનું છે. દેશે તમને તે માર્ગ પર ચાલવામાં મદદ કરવી જોઈએ. આ ભારત માટે ગાંધીજીનું સ્વપ્ન છે અને આ સ્વરાજનો માર્ગ છે.” રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને અપીલ કરતા કહ્યું કે ફક્ત યુવાનો જ ભયમુક્ત સમાજનું નિર્માણ કરી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના રાજકીય દબાણ કે વહીવટી કાર્યવાહીથી ડર્યા વિના શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે અન્યાય સામે એક થવા અને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મજબૂતીથી રજૂ કરવા પ્રેરણા આપી.

Sports : ગૉલમાં ભારત સામે કારમી હાર બાદ શ્રીલંકન કેપ્ટનનું દર્દ છલકાયું

0

શ્રીલંકાને ગૉલમાં ભારત સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયા સામે મળેલી કારમી હાર બાદ શ્રીલંકન કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ હારનું કારણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, અમારી ટીમે મેચમાં સારી ફાઈટ આપી, પરંતુ ચોથી ઈનિંગ્સમાં બેટિંગ કરવી સરળ નથી હોતી.

ગૉલની પીચ પરથી બીજા દિવસથી જ સ્પિનરોને મદદ મળવા લાગી હતી, જેના કારણે બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી થઈ રહી હતી. બીજી ઈનિંગ્સમાં ટીમ ઇન્ડિયા પણ 193 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી, કારણ કે પીચ પરથી સ્પિનરો માટે સારી એવી મદદ ઉપલબ્ધ હતી. મેચમાં પરાજય બાદ ડી સિલ્વાએ હારના કારણો ગણાવ્યા. તેમનું કહેવું છે કે, ટીમે ઝડપથી વિકેટો ગુમાવી દીધી, જેના કારણે હારનો સામનો કરવો પડ્યો.

શ્રીલંકન કેપ્ટને હારના કારણો જણાવ્યા

પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં વાત કરતાં ડી સિલ્વાએ કહ્યું કે, ‘મને લાગે છે કે બીજા દિવસથી જ અમે મેચમાં ટકી રહ્યા હતા. ચોથી ઈનિંગ્સમાં પણ અમારા ખેલાડીઓએ સખત ટક્કર આપી. મને લાગે છે કે આ એક સરસ મેચ હતી. અહીં પ્રથમ ત્રણ દિવસ બેટિંગ કરવી સરળ હતી. સ્પષ્ટ વાત છે કે, ગાલેમાં ચોથી ઈનિંગ્સ સરળ નથી હોતી, આ વાત તો સૌ જાણે છે. મને લાગે છે કે કેએલ રાહુલ અને દેવદત્ત પડિક્કલે જે સારી શરૂઆત અપાવી, ત્યાંથી જ અમારા પર દબાણ બની ગયું હતું. ટોસની પણ અસર પડી કારણ કે તેમણે ટોસ જીતીને પહેલા રન બનાવ્યા. અમે જ્યારે બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે ઝડપથી વિકેટો ગુમાવી દીધી અને ત્યાંથી જ અમે દબાણમાં આવી ગયા.’

શ્રીલંકાની ફ્લોપ બેટિંગ

શ્રીલંકન ટીમની ભારત સામે બેટિંગ ફ્લોપ રહી હતી. શ્રીલંકા તરફથી પ્રથમ ઈનિંગ્સમાં સોનલ દિનુશાએ સદી અને નિરોશન ડિકવેલાએ અડધી સદી ફટકારી હતી. જોકે, આ બંને સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર નોંધાવી શક્યો ન હતો, જેના કારણે તેમની પ્રથમ ઈનિંગ્સ 284 રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી ઈનિંગ્સમાં પણ આવું જ થયું, જ્યાં કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને દિનુશાએ અડધી સદી ફટકારી પરંતુ તેમના સિવાય તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. ટીમ ઇન્ડિયાએ આ મેચ 165 રને પોતાના નામે કરી લીધી હતી.

Health : રોજબરોજની આ 5 કુટેવો મગજ માટે નુકસાનકારક! ધીમે ધીમે ઓછી થઈ જશે યાદશક્તિ

0

મગજ આપણા શરીરનું સૌથી કોમ્પલિકેટેડ અને સેન્સેટિવ અંગ છે, જે માત્ર આપણી વિચારવાની, સમજવાની અને યાદ રાખવાની ક્ષમતાને જ નિયંત્રિત નથી કરતું પરંતુ આખા શરીરની ફંક્શનિંગને કંટ્રોલ પણ કરે છે.

આવી સ્થિતિમાં એક સ્વસ્થ મગજ સારી નિર્ણય લેવાની ક્ષમતા, શાર્પ મેમોરી પાવર અને માનસિક સ્થિરતા માટે જરૂરી છે, પરંતુ આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં આપણે જાણ્યે-અજાણ્યે કેટલીક એવી કુટેવો અપનાવીએ છીએ, જે ધીમે-ધીમે મગજની ફંક્શનિંગને નુકસાન પહોંચાડે છે.

જો સમયસર આ ટેવો પર ધ્યાન ન આપવામાં આવે તો તે ઘણા પ્રકારના માનસિક રોગો જેવા કે, સ્ટ્રેસ, એંગ્ઝાઈટી અને અલ્ઝાઈમર જેવા સીરિયસ પ્રોબ્લેમનું કારણ બની શકે છે. તો ચાલો જાણીઓ આવી કેટલીક ટેવો વિશે વિસ્તારથી જાણીએ જે દરરોજ આપણા મગજને નબળી બનાવી રહી છે.

ઊંઘનો અભાવ

સ્વસ્થ મગજ અને યાદશક્તિ માટે દરરોજ 7-8 કલાક ગાઢ ઊંઘ લેવી જરૂરી છે. સતત ઊંઘનો અભાવ બ્રેન સેલ્સને નુકસાન પહોંચાડે છે, જેનાથી નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો થાય છે.

વધુ સ્ટ્રેસ લેવો

સતત સ્ટ્રેસમાં રહેવાથી મગજમાં કોર્ટિસોલ નામનો હોર્મોન વધે છે, જે ન્યૂરોન્સને નુકસાન પહોંચાડીને યાદશક્તિ અને શીખવાની ક્ષમતાને અસર કરે છે.

ખાવા-પીવાની ટેવો

જંક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અથવા ખાંડનું વધુ પડતું સેવન મગજની રચના અને કમ્યુનિકેશન સ્કિલને બગાડી શકે છે. ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન બી અને એન્ટીઑકિસડન્ટની ઉણપ પણ મગજના સ્વાસ્થ્યને અસર કરે છે.

ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ

દરરોજ એક્સરસાઈઝ ન કરવાથી મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વો નથી મળતા, જેના કારણે તેની કાર્યક્ષમતા ધીમે-ધીમે ઘટી જાય છે.

ઓછું પાણી પીવું

ઓછું પાણી પીવાથી મગજમાં થાક, એકાગ્રતામાં ઘટાડો અને ચીડિયાપણું થઈ શકે છે. મગજને યોગ્ય કાર્ય કરવા માટે હાઈડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે.

ઊંચા અવાજમાં મ્યુઝિક સાંભળવું

સતત ઊંચા અવાજમાં હેડફોન દ્વારા મ્યુઝિક સાંભળવાની ટેવ શ્રવણ શક્તિને નબળી પાડે છે અને મગજના ઓડિટરી પ્રોસેસિંગ પર અસર કરે છે.

મલ્ટીટાસ્કિંગ

મલ્ટિટાસ્કિંગની ટેવ મગજને વધુ સ્ટ્રેસ આપે છે, જેનાથી તેના ફોકસ અને કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે.

સામાજિક સંપર્કનો અભાવ

લાંબા સમય સુધી એકલા રહેવાથી અથવા બીજા સાથે સંવાદ ન કરવાથી મગજને નિષ્ક્રિય કરી શકે છે, જેના કારણે ડિપ્રેશન અને યાદશક્તિની સમસ્યાઓ થઈ શકે છે. 

બ્રેકફાસ્ટ ન કરવું

બ્રેકફાસ્ટ મગજને દિવસભર માટે ઉર્જા આપે છે. બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી ફોકસ અને વિચારવાની શક્તિ પર નેગેટિવ ઈફેક્ટ પડે છે. 

ધૂમ્રપાન અને દારૂનું સેવન

નશીલા પદાર્થનું સેવન ધીમે-ધીમે મગજના જ્ઞાનતંતુઓને નુકસાન પહોંચાડે છે, જેનાથી યાદશક્તિ, વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડે છે.

Business : RBIનો નવો ડ્રાફ્ટ: વર્ષ 2027થી બદલાશે પર્સનલ અને હોમ લોનનો નિયમ, જાણો EMI પર શું અસર થશે

0

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આગામી સમયમાં એક એવા મહત્ત્વપૂર્ણ ફેરફારનો પ્રસ્તાવ લાવી રહી છે, જેનાથી ફ્લોટિંગ રેટ લોન પર વ્યાજ દરોમાં થતા ફેરફારની અસર ગ્રાહકો પર ખૂબ ઝડપથી જોવા મળશે. RBIની આ નવી ફ્રેમવર્ક યોજના હાલમાં માત્ર એક ડ્રાફ્ટ (ખરડો) છે, જેના પર 11 સપ્ટેમ્બર 2026 સુધી સૂચનો મંગાવવામાં આવ્યા છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો આ નિયમ 1 એપ્રિલ, 2027થી અમલમાં આવશે. જોકે આ નિયમથી હોમ લોનની EMIમાં તુરંત કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ રિઝર્વ બેન્ક દ્વારા દરોમાં ઘટાડો કે વધારો કરવાનો લાભ કે અસરો લોન ધારકો સુધી પહોંચવાની પ્રક્રિયા ઘણી બદલાઈ જશે.

વ્યાજ દરો રીસેટ કરવાની ફ્રીક્વન્સીમાં મોટો ફેરફાર

RBIનો સૌથી મોટો પ્રસ્તાવિત ફેરફાર વ્યાજ દરોના રીસેટ સમયગાળા સાથે જોડાયેલો છે. હાલમાં મોટાભાગની ફ્લોટિંગ-રેટ લોન વર્ષમાં માત્ર એક જ વાર રીસેટ થાય છે. આના કારણે RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ પણ લોન ધારકોને તેનો લાભ મેળવવામાં મહિનાઓ લાગી જતા હતા. પ્રસ્તાવિત નિયમ હેઠળ હવે ફ્લોટિંગ રેટ લોન વધુમાં વધુ ત્રણ મહિનાની અંદર રીસેટ કરવી પડશે. આનાથી રેપો રેટ આધારિત હોમ લોન લેનારાઓને વ્યાજ દરો ઘટવાનો લાભ ઝડપથી મળશે, પરંતુ સામે પક્ષે વ્યાજ દરો વધવાની સ્થિતિમાં તેની અસર પણ વહેલી જોવા મળશે.

પર્સનલ અને ઓટો લોનની EMI પર શું અસર પડશે?

RBIનો આ નવો રીસેટ ફ્રેમવર્ક મુખ્યત્વે ફ્લોટિંગ-રેટ લોન પર લાગુ થાય છે. રિટેલ લેન્ડિંગ ક્ષેત્રે તે ખાસ કરીને હોમ લોન પર અસર કરશે. મોટાભાગની પર્સનલ અને ઓટો લોન ફિક્સ-રેટ આધારિત હોવાથી આ નિયમોને કારણે હયાત પર્સનલ લોનની EMIમાં અચાનક કોઈ બદલાવ નહીં આવે. જોકે, નવા લોન ધારકો માટે પારદર્શિતા વધશે અને લોન એગ્રીમેન્ટમાં જ બેન્ચમાર્ક, રેટ રીસેટની ફ્રીક્વન્સી અને રીસેટ તારીખ જેવી વિગતો સ્પષ્ટપણે દર્શાવવી પડશે. આ ઉપરાંત ડ્રાફ્ટમાં સ્પ્રેડના નોન-ક્રેડિટ હિસ્સામાં ત્રણ વર્ષ સુધી કોઈ ફેરફાર ન કરવાનો પ્રસ્તાવ પણ છે.

હયાત હોમ લોન ધારકોએ શું કરવું?

ફ્લોટિંગ-રેટ પર ચાલી રહેલી જૂની હોમ લોન ધરાવતા ગ્રાહકોએ હાલમાં કંઈ કરવાની જરૂર નથી. પ્રસ્તાવિત નિયમ મુજબ, હયાત લોન 1 એપ્રિલ 2029 સુધીમાં નવી સિસ્ટમમાં ટ્રાન્સફર કરી દેવાશે, જેના માટે ગ્રાહક સંમતિ જરૂરી રહેશે. આ ફેરફાર માટે બેન્કો કોઈ પ્રોસેસિંગ ફી લઈ શકશે નહીં કે માત્ર સિસ્ટમ બદલાવાને કારણે વ્યાજ દર વધારી શકશે નહીં. રીસેટ સમયે ગ્રાહકો પાસે ફિક્સ-રેટ લોન પર શિફ્ટ થવાનો અથવા ક્રેડિટ પ્રોફાઈલ સુધરી હોય તો ઓછા સ્પ્રેડની માંગ કરવાનો પણ વિકલ્પ રહેશે.

લોન લેતી વખતે આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવું

અગામી સમયમાં નવી હોમ લોન લેતી વખતે ગ્રાહકોએ મુખ્યત્વે 3 વાતો ધ્યાનમાં રાખવી જોઈએ:

1) સ્પ્રેડ ચકાસો: માત્ર જાહેરાતોમાં દર્શાવાતા ઓછા વ્યાજ દર સરખાવવાને બદલે મૂળ બેન્ચમાર્ક પરનો સ્પ્રેડ ચેક કરો, કારણ કે તે વર્ષો સુધી તમારી સાથે રહે છે.

2) રીસેટ ફ્રીક્વન્સી: તમારી બેન્ક કે ધિરાણ સંસ્થા વ્યાજ દર ક્યારે અને કેટલા સમયાંતરે બદલશે તેની સ્પષ્ટ જાણકારી મેળવો.

3) આર્થિક સુરક્ષા અને સ્થિરતા: ભવિષ્યમાં વ્યાજ દર વધે તો પણ તમારા માસિક હોમ બજેટ પર કોઈ માઠું પરિણામ ન આવે તે માટે EMI સંભાળવાની આર્થિક તૈયારી રાખો.

World : યુરોપમાં અમેરિકાના સ્થળો પર હુમલાની ઇરાનની તૈયારી

0

ઇરાન હવે અમેરિકા સામેના યુદ્ધને યુરોપ સુધી લઈ જવાનું ખોફનાક આયોજન તૈયાર કરી રહ્યુ છે. ઇરાન અમેરિકા પર એવો બરોબરનો પ્રહાર કરવાની તૈયારીમાં લાગી ગયું છે કે તે મધ્યપૂર્વની દિશા જ ભૂલી જાય. ઇરાન અમેરિકા સાથે આર પાર કરવાના મિજાજમાં છે. જો ટ્રમ્પ હજી પણ યુદ્ધ વધારશે તો ઇરાન મધ્યપૂર્વથી આગળ વધીને યુરોપમાં અમેરિકાના લશ્કરી થાણા પર હુમલા કરશે.


ઇરાને આ યુદ્ધને અત્યાર સુધીમાં ફક્ત મધ્યપૂર્વ સુધી જ સીમિત રાખ્યું હતું. અમેરિકન હુમલાનો જવાબ ઇરાન દુબઈ, કુવૈત જેવા સ્થળો પર હુમલા કરીને આપતું હતું, પરંતુ ઇરાન હવે આ યુદ્ધને ફક્ત મધ્યપૂર્વ પૂરતુ મર્યાદિત ન રાખતા યુરોપ સુધી લઈ જવા પર ગંભીર રીતે વિચારી રહ્યુ છે અને તેની તૈયારીમાં પણ લાગી ગયું છે.
ઇરાનની સરકારના બે નજીકના લોકોને ટાંકીને બ્રિટિશ અખબારે જણાવ્યું હતું કે ઇરાનનું લશ્કર દક્ષિણ-પૂર્વી યુરોપના દેશોમાં અમેરિકના લશ્કરના કેન્દ્રો પર હુમલા કરી શકે છે. તેમા બલ્ગેરિયાનો પણ સમાવેશ થાય છે. બલ્ગેરિયાએ ગયા મહિને જ અમેરિકાના રીફ્યુલિંગ એરક્રાફ્ટ માટે પોતાના બેજમર એરબેઝનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી.
એક સૂત્ર મુજબ સાઇપ્રસને પણ અમેરિકાના નવા હુમલાની સ્થિતિમાં ઇરાનનું સંભવિત લક્ષ્યાંક માનવામાં આવી રહ્યું છે. સાઇપ્રસમાં માર્ચમાં એક બ્રિટિશ એરબેઝ પર ડ્રોનથી હુમલો થયો હતો. અહેવાલમાં કહેવાયું છે કે ઇરાનના લશ્કરે અલગથી હોર્મુઝની ખાડીમાં નીચે ફાઇબર ઓપ્ટિક કેબલને નિશાન બનાવવાની સંભાવનાની ચકાસણી કરી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે જો ટ્રમ્પ ઇરાની ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કરવાની ધમકીઓ પર કાયમ રહે છે તો ઇરાન યુદ્ધમા વધુ આગળ આકરી કાર્યવાહી કરવાના અકલ્પનીય વિકલ્પો તૈયાર કરી રહ્યું છે.તેમા યુરોપમાં હુમલો કરવો તે મહત્ત્વનો વિકલ્પ છે.


બીજી બાજુએ ઇરાનના મિસાઇલ હુમલાથી કંટાળેલા યુએઈએ તેની સાથેના બધા જ વ્યાપારિક સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી છે. આ ઇરાન માટે મોટો ફટકો માનવામાં આવે છે. આ પગલાંના લીધે ઇરાન મધ્યપૂર્વમાં એકલું અટુલુ પડી જાય તેમ માનવામાં આવે છે. મંગળવારે યુએઈ પર ઇરાન દ્વારા વધુ બે મિસાઇલ છોડવામાં આવ્યા હતા, તેના પગલે યુએઈએ જણાવ્યું હતું કે હવે તેમની ધીરજનો અંત આવી ગયો છે. એક સમયના મહત્ત્વના વ્યાપારિક ભાગીદાર ઇરાન અને યુએઈના વ્યાપારી સંબંધો હવે ખતમ થઈ ગયા છે. એક સમયે યુએઈ ઇરાનમાંથી ૨૧ અબજ ડોલરની આયાત કરતું હતું. ઇરાનને હવે અમેરિકા વ્યાપારીક ધોરણે પણ એકલું અટુલુ પાડવાનું આયોજન ધરાવે છે.
જ્યારે ઇરાનનો દાવો છે કે તેણે કોઈ મિસાઇલ છોડયા નથી. યુદ્ધ દરમિયાન ઇરાને યુએઈ, કુવૈત પર સંખ્યાબંધ ડ્રોન હુમલા કર્યા હતા અને આ હુમલા અમેરિકાના થાણા પર કર્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેના હુમલાએ યુએઈ અને સાઉદી અરેબિયાની કમર તોડી નાખી છે. તેમનું રિયલ્ટી માર્કેટ અને ટુરિઝમ બંધુ ધ્વસ્ત થઈ ગયુ છે. એક સમયે વિશ્વના સૌથી સલામત મનાતા અબુધાબી અને દુબઈ આજે સૌથી અસલામત ગણાય છે.


ઇઝરાયેલે ગાઝામાં જારી રાખેલા અવિરત હુમલામાં સાતના મોત થયા છે. તેમા એક બાળક સહિત સાતના મોત થયા છે, એમ શિફા હોસ્પિટલે જણાવ્યું હતું. ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે તેઓએ શાતિ વિસ્તારમાં હમાસના કમાન્ડરને ધ્યાનમાં રાખીને હુમલો કર્યો હતો, જે ઇઝરાયેલ પર હુમલો કરવાનંય આયોજન કરી રહ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે યુદ્ધવિરામ પછી પણ ઇઝરાયેલના જારી રહેલા છ હુમલામાં ૧,૨૬૬ પેલેસ્ટાઇનીઓના મોત થયા છે.

National : મોંઘવારીનો માર! તહેવારો ટાણે જ ખાંડનો ભાવ વધતાં સરકાર લાવી નવો નિયમ

0

ભારત દુનિયામાં ખાંડનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારોને કારણે દેશમાં ખાંડની માંગમાં મોટો ઉછાળો આવે છે. તહેવારોની સિઝનમાં વધતી માંગ અને મોંઘવારીને પહોંચી વળવા માટે સરકારે ખાંડના સ્ટોક સંબંધિત નિયમો વધુ કડક બનાવ્યા છે. હવે એક મહિનામાં 10 મેટ્રિક ટનથી વધુ ખાંડનો ઉપયોગ કે વેપાર કરતા ડીલરો 15 દિવસથી વધુનો સ્ટોક પોતાની પાસે રાખી શકશે નહીં. આ નવો નિયમ 1 સપ્ટેમ્બરથી લાગુ થશે અને 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધારવાનો અને કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે.

તહેવારોમાં જમાખોરી રોકવા સ્ટોક લિમિટ અડધી કરાઈ

તહેવારોના દિવસોમાં ઘરો ઉપરાંત બિસ્કિટ, મીઠાઈ અને અન્ય ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ મોટા પાયે ખાંડની ખરીદી કરે છે. વેપારીઓ જરૂરિયાત કરતાં વધુ સ્ટોક ભેગો ન કરે અને જમાખોરીના કારણે ભાવ ન વધે તે માટે સરકારે આ પગલું ભર્યું છે. અગાઉ સરકારે વેપારીઓ માટે સ્ટોક રાખવાની મર્યાદા 30 દિવસ કરી હતી, પરંતુ તેમ છતાં ભાવમાં વધારો ચાલુ રહેતાં હવે આ સમયગાળો ઘટાડીને માત્ર 15 દિવસ કરી દેવાયો છે.

ખાંડના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા એક મહિનામાં ખાંડની કિંમતોમાં આશરે 10 ટકાનો વધારો નોંધાયો છે. ઉદ્યોગ સંગઠનના આંકડા મુજબ, મંગળવારે દેશમાં ખાંડની સરેરાશ એક્સ-મિલ કિંમત ₹5400 થી ₹5500 પ્રતિ ક્વિન્ટલ રહી હતી, જે એક વર્ષ પહેલાં ₹3900 પ્રતિ ક્વિન્ટલ હતી. બીજી તરફ રિટેલ બજારમાં પણ 18 ઓગસ્ટે ખાંડની સરેરાશ કિંમત ₹52.30 પ્રતિ કિલો પહોંચી ગઈ છે, જે ગત વર્ષે આ સમયે ₹46.34 પ્રતિ કિલો હતી. આમ, વાર્ષિક ધોરણે રિટેલ ભાવમાં 13 ટકાનો વધારો થયો છે.

નવા પાક અને ઓછા વરસાદને લીધે ચિંતા

ખાંડની નવી સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થાય છે, પરંતુ આ વખતે શરૂઆતી સ્ટોકને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉદ્યોગના અંદાજ મુજબ, નવી સિઝનની શરૂઆતમાં 40થી 42 લાખ ટન ખાંડ ઉપલબ્ધ થઈ શકે છે, જ્યારે દેશની સ્થાનિક જરૂરિયાત આશરે 50 લાખ ટન છે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ અને સૂકું વાતાવરણ રહેવાને કારણે શેરડીના પાકને પણ અસર પહોંચી છે, જેનાથી આગામી સમયમાં ઉત્પાદન પર અસર પડી શકે છે.

હાલની સિઝનની સ્થિતિ અને સરકારની નજર

હાલની 2025-26ની સિઝનમાં દેશમાં કુલ ખાંડની ઉપલબ્ધતા આશરે 320 લાખ ટન રહેવાનો અંદાજ છે, જેની સામે સ્થાનિક વપરાશ 285 લાખ ટન છે. આશરે 7 લાખ ટન નિકાસ બાદ સિઝનના અંતે 35 લાખ ટન સ્ટોક બચવાની શક્યતા છે. ખાદ્ય મંત્રાલય ખાંડના સ્ટોક પર સતત નજર રાખી રહ્યું છે અને શુગર મિલોને ઓનલાઇન ફોર્મ તથા વેરિફાઇડ ઇમેઇલ આઇડી દ્વારા વેચાણ અને ઉપાડની સાચી માહિતી આપવા આદેશ આપ્યો છે, જેથી દેશમાં ખાંડની ચોક્કસ સ્થિતિ જાણી શકાય.

Bollywood : જિંદગી ના મિલેગી દોબારા ટુ બની રહી હોવાનું કન્ફર્મ

0

૨૦૧૧માં આવેલી હૃતિક, અભય દેઓલ તથા ફરહાન અખ્તર અને કેટરિના કૈફની હીટ ફિલ્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મને પદર વર્ષ થયા તે નિમિત્તે એક ફિલ્મોત્સવમાં વાત કરતાં ઝોયા અખ્તરે ફિલ્મની સિક્વલ આવી રહી હોવાનું જણાવ્યું હતું.

ઝોયાએ જણાવ્યું હતું કે તે રીમા કાગતી સાથે મળી આ સિક્વલની સ્ટોરી ડેવલપ કરી રહી છે. જોકે, ઝોયાએ કાસ્ટિંગ કે પછી શૂટિંગ શિડયૂલ વિશે હાલ કોઈ માહિતી આપી નથી. ઝોયાએ જણાવ્યું હતું કે ફિલ્મના પાત્રો તેમની જિંદગીના વિવિધ તબક્કે પહોંચ્યા હોય અને તેમની સ્ટોરી રસપ્રદ બની રહેશે તો જ પ્રોજેક્ટ આગળ વધશે. જો અમને લાગશે કે બધું બરાબર છે અને આ પાત્રોને આજે મળવાની મજા આવશે તો અમે આગળ વધીશું.દરમ્યાન ઝોયાએ ફોડ પાડયો હતો કે ફિલ્મમાં નતાશાનું પાત્ર ભજવનાર કલ્કિ કોચલીન ફિલ્મની ખલનાયિકા નહોતી.


‘જિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મનું નિર્માણ એક્સલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ૪૫ કરોડ રૂપિયાના બજેટમાં કરવામાં આવ્યું હતું. સ્પેન, ભારત અને યુકેમાં શૂટ કરવામાં આવેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૧૫૩ કરોડ રૂપિયા રળી હીટ નીવડી હતી.

National : ચીનની હિલચાલ પર મોદી સરકારના મંત્રીનું મોટું નિવેદન,ઘૂસણખોરીનો દાવો ખોટો પણ બોર્ડર પર સમસ્યા તો છે..

0

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી અને અરુણાચલ પ્રદેશના સાંસદ કિરેન રિજિજૂએ ભારત-ચીન સરહદ (LAC) ને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન બોર્ડર પર સરહદ રેખાંકિત ન હોવાને કારણે સમસ્યા ચોક્કસ છે. જોકે, તેમણે ચીની સેના દ્વારા અરુણાચલ પ્રદેશમાં 60 કિલોમીટર અંદર સુધી ઘૂસણખોરી કરવાના અહેવાલોને તથ્યહીન ગણાવીને ફગાવી દીધા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી અફવાઓથી ભારતીય સેનાનું મનોબળ તૂટે છે, પરંતુ સરહદી વિસ્તારોમાં ચાઇનીઝ આર્મીની વધેલી ગતિવિધિઓને ગંભીરતાથી લેવી જરૂરી છે.

સરહદ નિર્ધારણ ન હોવું એ જ તણાવનું મુખ્ય કારણ

કિરેન રિજિજૂએ ભારત-ચીન સરહદ વિવાદ વિશે વિગતવાર વાત કરતા જણાવ્યું કે, અરુણાચલ પ્રદેશમાં બંને દેશો વચ્ચે ખૂબ જ લાંબી સીમા છે. પરંતુ જમીન પર બોર્ડર પિલર કે સ્પષ્ટ રેખાંકન (Demarkation) નથી. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે તિબ્બત એક અલગ રાષ્ટ્ર હતું ત્યારે પણ ભારત અને તિબ્બત વચ્ચે સરહદનું પરિસીમન થયું નહોતું. તેમણે ઉમેર્યું કે દુર્ગમ અને ઊંચાઈ વાળા વિસ્તારોમાં ગામડાં નથી હોતા, ગામડાં માત્ર ખીણમાં હોય છે. સ્થાનિક લોકો પરંપરાગત રીતે પશુઓ ચરાવવા, શિકાર કરવા કે વેપાર માટે ઉપરના વિસ્તારોમાં જતા હતા. સરહદનું સીમાંકન ન હોવાને કારણે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અવારનવાર તણાવ સર્જાય છે.

ભૂતકાળની નીતિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ

સરહદી વિવાદના મૂળ કારણો વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ચીને પહેલા સરહદ પાસે રસ્તાઓ, હાઇવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, “કોંગ્રેસના શાસનકાળ દરમિયાન તત્કાલીન સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીએ સંસદમાં નિવેદન આપ્યું હતું કે અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં રસ્તા ન બનાવવા એ ભારત સરકારની નીતિ છે. જ્યારે બીજી તરફ ચીન સતત રસ્તાઓ અને કેમ્પ બનાવતું રહ્યું. આપણો રસ્તો ન હોવાથી અને ચીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી લીધું હોવાથી ઊંચાઈ વાળા વિસ્તારોમાં તેમણે કબજો કરી લીધો.”

જોકે, વર્ષ 2014 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે આ નીતિ બદલી નાખી અને સરહદ પર ઝડપથી રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ શરૂ કર્યું. રિજિજૂએ સ્પષ્ટ કર્યું કે, “એવું નથી કે ચીને આવીને આપણાં ગામડાં પર કબજો કરી લીધો છે, પણ સીમાંકન ન હોવાને કારણે કેટલીક જમીન પર તેમની નજર છે.”

લોંગજુ અને ટોપ રિજ પર ચાઇનીઝ આર્મીની ગતિવિધિઓ

કિરેન રિજિજૂએ ઐતિહાસિક સંદર્ભ આપતા જણાવ્યું કે, લોંગજુ (Longju) થી આગળ જ્યાં નદીનું મિલન થાય છે, ત્યાં ચાઇનીઝ PLA ના કેટલાક સ્ટ્રક્ચર અને બિલ્ડિંગો બનેલા છે. પરંતુ આ જમીન પર ચીને 1959માં કબજો કર્યો હતો, જ્યાં આસામ રાઇફલ્સના જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું કે હાલમાં જ્યાં આપણી બોર્ડર પોઇન્ટ અને પોસ્ટ છે, ત્યાં 1962 પછી આનાકાની બંધ છે. પરંતુ ટોપ રિજ (ટોચના વિસ્તારો) પર ચીની સેનાની ગતિવિધિઓ ચોક્કસપણે વધી છે અને સરહદી ગામના લોકોએ વ્યક્ત કરેલી ચિંતા વ્યાજબી છે, જેને ભારત સરકારે ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે.

1914ની મેકમોહન લાઇન અને LAC વચ્ચેનો તફાવત
અરુણાચલ પ્રદેશને લઈને ભારત અને ચીન વચ્ચેનો મૂળ વિવાદ સરહદની વૈધતા અને સાર્વભૌમત્વનો છે. ભારત સમગ્ર અરુણાચલ પ્રદેશને પોતાનો અવિભાજ્ય અંગ માને છે, જ્યારે ચીન આ વિસ્તાર પર પોતાનો દાવો કરીને તેને ‘ઝાંગનાન’ (Zangnan) અથવા ‘દક્ષિણ તિબ્બત’ કહે છે, જેને ભારતે હંમેશા ફગાવી દીધું છે.

આ વિવાદનું મૂળ 1914ની મેકમોહન લાઇન (McMahon Line) છે. 1914માં બ્રિટિશ ભારત, તિબ્બત અને ચીનના પ્રતિનિધિઓ વચ્ચે શિમલા સંમેલનમાં સરહદ નક્કી થઈ હતી, જેને મેકમોહન લાઇન કહેવામાં આવે છે. ભારત તેને જ આંતરરાષ્ટ્રીય સરહદ માને છે. જોકે, ચીન આ રેખાને ગેરકાયદેસર ગણાવે છે કારણ કે તેના મતે 1914માં તિબ્બત પાસે આવો કરાર કરવાનો કોઈ સ્વતંત્ર અધિકાર નહોતો.

બીજી તરફ, LAC (Line of Actual Control) એ વાસ્તવિક નિયંત્રણ રેખા છે, જ્યાં સુધી બંને દેશોની સેનાઓ જમીન પર પ્રત્યક્ષ નિયંત્રણ ધરાવે છે. ચોક્કસ સીમાંકન ન હોવાને કારણે બંને દેશોની સેનાઓની પોતાની ધારણા મુજબ LAC અલગ-અલગ સ્થાને છે. આથી જ પેટ્રોલીંગ દરમિયાન બંને દેશોના સૈનિકો સામસામે આવી જાય છે અને ઘર્ષણની સ્થિતિ સર્જાય છે.

તાકસિંગ ક્ષેત્રનો તાજો વિવાદ અને ભારત સરકારનું વલણ

અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લાના અતિ દુર્ગમ સરહદી વિસ્તાર તાકસિંગ (Taksing) માં તાજેતરમાં સ્થાનિક સંગઠન ‘નાહ વેલફેર સોસાયટી’ (NWS) અને પ્રાદેશિક પક્ષ ‘પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ’ (PPA) દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચીનની PLA ભારતીય વિસ્તારમાં રસ્તા, પુલ અને મિલિટ્રી કેમ્પ બનાવી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે સ્થાનિક લોકોના પરંપરાગત શિકાર અને પશુચરાણના વિસ્તારો પર ચીને કબજો કરી લીધો છે. જોકે, ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે આ દાવાઓને સન્સનાટીપૂર્ણ ગણાવી ફગાવ્યા હતા. બીજી તરફ, ભારતીય સેનાએ પણ ચીનના નવા કેમ્પ કે હાલના અતિક્રમણના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા

ભારતના વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું છે કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી અત્યંત જરૂરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જેસવાલે જણાવ્યું હતું કે ભારતે દ્વિપક્ષીય વાટાઘાટોમાં હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે ભારતીય વિસ્તારોમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના મુદ્દા ખૂબ જ ગંભીર છે અને સરહદ પરની પરિસ્થિતિની સીધી અસર ભારત-ચીનના સમગ્ર સંબંધો પર પડશે.

World : અનુકૂળ વાતાવરણ’ ઊભું કરવાની શરતને કારણે બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની ભારતની પ્રસ્તાવિત મુલાકાત અનિશ્ચિત બની

0

ગયા અઠવાડિયે, રાજધાની ઢાકામાં રાજદ્વારી સૂત્રોએ મજબૂત સંકેતો આપ્યા હતા કે વડા પ્રધાન તારિક રહેમાન ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં ભારતની તેમની બહુપ્રતિક્ષિત પ્રથમ મુલાકાત લેશે. દિલ્હીમાં કેન્દ્રીય વિદેશ મંત્રાલયના સૂત્રોએ આ ભાવનાનો પડઘો પાડ્યો હતો. જોકે, રવિવારે, બાંગ્લાદેશે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની પ્રત્યાર્પણ વિનંતી અને અન્ય ઘણા ભાગેડુ ગુનેગારોની મુક્તિ પર ઝડપી નિર્ણય લેવાની માંગ કરી હતી. ઢાકાએ આ માંગણીઓને આગામી મુલાકાત માટે “અનુકૂળ વાતાવરણ” બનાવવાની શરતો તરીકે વર્ણવી હતી.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એકેએમ શાહિદુલ કરીમે રાજધાની ઢાકામાં પત્રકારોને જણાવ્યું હતું કે, “ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાનું પ્રત્યાર્પણ અને ઉસ્માન હાદીની હત્યાના આરોપીઓની મુક્તિ બંને દેશો વચ્ચેના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ છે.”

તેમણે કહ્યું કે વડા પ્રધાનની ભારત મુલાકાત અંગે બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે, પરંતુ ભારતમાં શેખ હસીનાની વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સે અવરોધ ઊભો કર્યો. કરીમે કહ્યું, “અમે હસીનાના કેસ પર અમારું વલણ સ્પષ્ટ કરી દીધું છે.” બાંગ્લાદેશમાં ભારત વિરોધી લાગણીઓ
બાંગ્લાદેશમાં 2024 ના વિરોધ પ્રદર્શનનો ચહેરો રહેલા વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીને ગયા વર્ષે 12 ડિસેમ્બરે ઢાકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક અઠવાડિયા પછી સિંગાપોરની એક હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેમના મૃત્યુથી દેશભરમાં વ્યાપક વિરોધ અને રમખાણો થયા. પોલીસે દાવો કર્યો હતો કે આરોપી શેખ હસીનાના અવામી લીગ પક્ષના વિદ્યાર્થી પાંખનો હતો. કેટલાક સંગઠનોએ ભારત પર હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હુમલાખોરોએ કથિત રીતે સરહદ પાર કરીને ભારતમાં આશરો લીધો હતો. આનાથી દેશમાં ભારત વિરોધી લાગણીઓ વધુ ભડકી.

શેખ હસીનાની વાત કરીએ તો, તે 5 ઓગસ્ટ, 2024 ના રોજ તેમની સરકાર વિરુદ્ધ થયેલા બળવા પછી ભારતમાં આશરો લઈ રહી છે. બાંગ્લાદેશ સરકારે ઔપચારિક રીતે તેમના પ્રત્યાર્પણની માંગ કરી છે. આ મહિને, હસીનાએ દિલ્હીમાં એક ઓનલાઈન કાર્યક્રમને સંબોધિત કર્યો, જેના કારણે બાંગ્લાદેશમાં આક્રોશ ફેલાયો અને વડા પ્રધાન તારિક રહેમાનની મુલાકાત જોખમમાં મુકાઈ ગઈ.

શેખ હસીનાએ બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી

બીજી બાજુ, ભારત સરકાર દલીલ કરે છે કે શેખ હસીનાના પ્રત્યાર્પણ માટેની બાંગ્લાદેશની વિનંતી પર સ્થાપિત કાનૂની પ્રક્રિયાઓ અનુસાર વિચારણા કરવામાં આવી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે શરીફ ઉસ્માન હાદી હત્યાના આરોપીઓ ભારતમાં હોવાના દાવાઓની હાલમાં તપાસ ચાલી રહી છે. આનાથી એ સવાલો ઉભા થાય છે કે શું શેખ હસીનાનું પ્રત્યાર્પણ વડા પ્રધાન તારિક રહેમાન અને તેમની સરકાર માટે એક કટ્ટરપંથી બની ગયું છે. રહેમાન પર શેખ હસીના વિરુદ્ધ કડક વલણ અપનાવવા માટે ભારે દબાણ છે. ખાસ કરીને, કટ્ટરપંથી રાજકીય પક્ષો હસીનાના પ્રત્યાર્પણ વિનંતી પર નિર્ણય લીધા વિના રહેમાનની ભારત મુલાકાત ક્યારેય સ્વીકારશે નહીં.

વિશ્લેષકો પ્રશ્ન કરે છે કે શું રહેમાન ઘરેલુ રાજકારણના દબાણ હેઠળ પોતાના શક્તિશાળી પાડોશી સાથેના સંબંધો જોખમમાં મૂકવા તૈયાર છે. હસીના સરકારને હટાવ્યા પછી સંબંધો પહેલાથી જ સૌથી નીચા સ્તરે છે. તારિક રહેમાન સરકારે સત્તા સંભાળ્યા પછી સુધારાની આશા ઉભી થઈ હતી. પરંતુ હજુ સુધી સુધારાના કોઈ સંકેતો નથી.

રાજકીય વિશ્લેષક બિશ્વનાથ ચક્રવર્તી DW ને કહે છે, “હસીનાના કેસ પર કડક વલણ અપનાવીને, રહેમાન બતાવી શકે છે કે તેમની સરકાર પાછલી હસીના સરકારથી સંપૂર્ણપણે અલગ માર્ગે ચાલી રહી છે.”

તેમણે કહ્યું કે રહેમાન જમાત-એ-ઇસ્લામી અને સરકારમાં અન્ય સાથીઓ સહિત અનેક કટ્ટરપંથી રાજકીય દળોના દબાણનો સામનો કરી રહ્યા છે. આ સંગઠનો હસીના સરકાર સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશની વિદેશ નીતિ પર ઘરેલુ રાજકારણનો પ્રભાવ
કોલકાતાની એક કોલેજમાં રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર માલવિકા ચક્રવર્તી DW ને કહે છે, “હાલનું રાજકીય સમીકરણ રહેમાન માટે અત્યંત મુશ્કેલ છે. જો તેઓ હસીનાના પ્રત્યાર્પણની તેમની માંગણીથી પાછા હટી જાય છે, તો તેમને ઘરે આકરી ટીકાનો સામનો કરવો પડી શકે છે. બીજી બાજુ, આ માંગણી પર અડગ રહેવાથી બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસો જોખમમાં મુકાઈ શકે છે.”

રાજકીય વિશ્લેષક શિખા મુખર્જી DW ને કહે છે, “રહેમાન મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. હસીના સામે કડક વલણ અપનાવીને, તેઓ દેશમાં રાજકીય સંગઠનોનો ટેકો મજબૂત કરી શકે છે, પરંતુ આનાથી ભારત સાથે કાર્યકારી સંબંધો પુનઃસ્થાપિત કરવાનું મુશ્કેલ બની શકે છે.”

વિશ્લેષકો કહે છે કે બોલ હવે બાંગ્લાદેશ સરકારના કોર્ટમાં છે. રહેમાનને નક્કી કરવું પડશે કે તેઓ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરવામાં ક્યાં સુધી જશે અને શું તેઓ આ મુદ્દા પર ભારત સાથે રાજદ્વારી સંબંધોનું જોખમ લેવા તૈયાર છે.