ચોંકાવનારી વિગત એ છે કે, નવાગામ બેઠક પરથી મનીષાબેન દિનેશભાઈ રામોલિયાએ કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ફોર્મ ચકાસણી સમયે જાણવા મળ્યું કે, પક્ષ તરફથી મનીષાબેનના બદલે હેતલ સોલંકીના નામનું મેન્ડેટ મોકલવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે કે, હેતલ સોલંકીએ આ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ જ ભર્યું ન હતું. આ ટેકનિકલ ખામીને કારણે મનીષાબેન રામોલિયાનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે.
આ સમગ્ર વિવાદ પાછળ પક્ષનો પરિવારવાદ જવાબદાર હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. જેમના નામનું મેન્ડેટ આવ્યું છે તે હેતલ સોલંકીના પતિ તેજસસિંહ સોલંકીએ કામરેજ તાલુકા પંચાયતની સેવણી બેઠક પરથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. પતિ-પત્ની બંનેને અલગ-અલગ બેઠકો પર સેટ કરવાના પ્રયાસમાં નવાગામ બેઠક પર ખોટા ઉમેદવારના નામે મેન્ડેટ પહોંચી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નવાગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા હવે અહીં ત્રિપાંખિયા જંગના બદલે દ્વિપાંખિયો જંગ જોવા મળશે. મેદાનમાં હવે ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે. કોંગ્રેસના ગઢ ગણાતી બેઠકો પર આ પ્રકારની ભૂલ પક્ષને ભારે પડી શકે તેમ છે.


