ભારતની પ્રાઈવેટ ફ્યૂઝન રિસર્ચ ફર્મ પ્રનોસ ફ્યૂઝને કૃત્રિમ સૂર્ય બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે. ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન જેવા ઘણાં દેશો કૃત્રિમ સૂર્ય બનાવવાના પ્રયોગો કરી રહ્યા છે. હવે એમાં ભારતમાં થયેલા સંશોધનને પણ ગણતરીમાં લેવાશે. ભારતીય કંપનીએ કૃત્રિમ સૂર્યના પ્લાઝ્મા બનાવવાનો સૌપ્રથમ સફળ પ્રયોગ કરી બતાવ્યો છે.
ભારતીય સંશોધકોએ લગભગ આઠ મહિનાની મહેનત બાદ ટોકામક મશીન બનાવ્યું છે. એ મશીનનો ઉપયોગ પ્લાઝમા કંટ્રોલ કરવા માટે થાય છે. તે ઉપરાંત અન્ય ફ્યૂઝનને લગતી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કૃત્રિમ સૂર્ય બનાવવામાં થાય છે. ૪૦ સેન્ટીમીટરના રેડિયન્સ ધરાવતા ટોકામક મશીનથી સંશોધકોએ પ્રજ્ઞા નામના આ સૂર્યનો સફળ પ્રયોગ કર્યો હતો. ૨૦ કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડની ઉર્જા નિર્માણનો મહાપ્રયોગ સફળ થતાં હવે કંપનીએ નેટ એનર્જી રિએક્ટર બનાવવાનો લક્ષ્યાંક સેટ કર્યો છે. આ પ્રયોગમાં ગેસને એટલું ઊંચું તાપમાન આપવામાં આવે છે કે પ્લાઝ્મા બની જાય છે. આ લાવા જેવો ગરમ પ્લાઝ્મા ચુંબકીય બળથી કંટ્રોલ થાય છે.

પ્રજ્ઞાનો હેતુ અત્યારે વીજળી ઉત્પાદનનો નથી. અત્યારે માત્ર પરીક્ષણો થશે. જોકે, કંપનીની યોજના છે કે આ પ્રોજેક્ટ બે દશકા સુધી ચાલશે. દર વર્ષે ત્રણ હજાર પ્લાઝ્મા શોટ લેવાનો ટાર્ગેટ છે. એનો અર્થ એ કે દરરોજ દસથી ૧૨ વખત પ્લાઝ્મા તૈયાર કરાશે. તેનાથી દેશમાં આર્ટિફિશિયલ સૂર્ય બનાવવાનો અને ફ્યૂઝન રિએક્ટરના નિર્માણનો માર્ગ મોકળો થશે. કંપનીના કહેવા પ્રમાણે ૨૦૨૭માં એક મેગ્નેટ રિએક્ટર બનાવી લેવાશે. તે પછી ૨૦૩૦ સુધીમાં ધરતી પર સૂર્ય હોય તે દિશામાં કામ શરૂ થશે. એટલે કે નેટ એનર્જી ગેઈન રિએક્ટર બનાવાશે. નેટ એનર્જી ગેઈન રિએક્ટર એટલે ફ્યૂઝનથી મળતી ઉર્જા એ બનાવવા પાછળ ખર્ચાયેલી ઉર્જાથી વધારે હોય, તો વધેલી ઉર્જાનો ઉપયોગ અન્ય મશીનો ચલાવવામાં થઈ શકે. આ એક રીતે ઉર્જાનું રોકાણ કર્યા પછી ઉર્જાના સ્વરૂપમાં નફો મેળવવા જેવું કામ છે. જથ્થાબંધ ઉર્જાનું ઉત્પાદન થાય તો તેનાથી લાંબાંગાળે ફાયદો મેળવી શકાય.


