બ્રિક્સ શિખર સંમેલન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનને યુક્રેન સામેનું યુદ્ધ બંધ કરવા અપીલ કરી હતી. આ સાથે તેમણે પુતિન સમક્ષ કાળા સમુદ્રમાં ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ઉપરાંત ભારત અને રશિયાની દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતાઓએ વધતી ભૂ-રાજકીય અનિશ્ચિતતા અને તણાવ વચ્ચે વર્ષ ૨૦૩૦ સુધીમાં બંને દેશોનો પારસ્પરિક વેપાર વધારીને ૧૦૦ અબજ ડોલર સુધી લઈ જવા પર સહમતી વ્યક્ત કરી હતી. બિઝનેસ ફોરમમાં પીએમ મોદી, પ્રમુખ પુતિન અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને આર્થિક સહયોગ, સ્થાનિક કરન્સી અને સુરક્ષિત સમુદ્રી માર્ગો પર ભાર મૂક્યો હતો.
બ્રિક્સ સંમેલન માટે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર પુતિનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાર પછી શુક્રવારે બપોરે ભારત મંડપમ્માં પીએમ મોદી અને પ્રમુખ પુતિન સહિત બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી પીએમ મોદી અને પુતિન એક સાથે રશિયન પ્રમુખની અત્યંત સુરક્ષિત કારમાં ભારત મંડપમ્માં બિઝનેસ ફોરમના સ્થળ સુધી ગયા હતા.

બંને નેતા ભારત અને રશિયાની વિશેષ તથા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા સહમત થયા હતા. દ્વિપક્ષીય બેઠકમાં ભારત અને રશિયા પારસ્પરિક વેપાર હાલમાં ૬૫ યુએસ ડોલરથી વધારીને ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ યુએસ ડોલર સુધી લઈ જવા સહમત થયા છે.
રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને બ્રિક્સના સભ્ય દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેપાર, લોજિસ્ટિક્સ અને ટેક્નોલોજીમાં વિવિધ પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા એનડીબી આધારિત નવા રોકાણ પ્લેટફોર્મ્સની ભલામણ કરી હતી. આ સાથે તેમણે બ્રિક્સ સંગઠનનું આર્થિક સહકારનો વિકાસ કોઈના પણ વિરુદ્ધ નહીં હોવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું સંગઠનનો આશય તેના સભ્યોના રાષ્ટ્રીય હિતોને આગળ વધારવાનો છે.
વધુમાં પ્રમુખ પુતિને રશિયા પર પ્રતિબંધો મૂકનારા જી-૭ સહિતના પશ્ચિમી દેશો પર કટાક્ષ કરતા કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં દુનિયાના જીડીપીમાં ૪૦ ટકાથી વધુ હિસ્સો બ્રિક્સ દેશોએ પેદા કર્યો છે જ્યારે તથાકથિત જી-૭ દેશોનું યોગદાન માત્ર ૨૯ ટકા છે. બ્રિક્સ દેશોની સભ્ય સંખ્યા વધીને હવે ૨૧ થઈ ગઈ છે. એક સમયે આર્થિક વિકાસનું નેતૃત્વ કરનારા તથાકથિત નેતાઓ જૂના થઈ ગયા છે. તેમની જગ્યા હવે વિકાસનું નેતૃત્વ નવા દેશો કરી રહ્યા છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા બદલાઈ રહી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રશિયન પ્રમુખ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, ટેક્નોલોજી, સંરક્ષણ અને સંસ્કૃતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વધુમાં ૨૦૩૦ સુધીમાં આર્થિક સહકાર માટેના કાર્યક્રમ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ બંને દેશો વચ્ચે ૨૪મી વાર્ષિક સમિટની ચર્ચા માટે રશિયા આવવાનું પ્રમુખ પુતિનનું આમંત્રણ સ્વીકાર્યું છે.
પીએમ મોદી અને પ્રમુખ પુતિન વચ્ચે લગભગ ૪૫ મિનિટ સુધી દ્વિપક્ષીય બેઠક ચાલી હતી. આ બેઠકમાં બંને વચ્ચે સંરક્ષણ, ક્રિટિકલ મિનરલ્સ, નાગરિક પરમાણુ ઊર્જા, ખાતર પુરવઠા અને લોકોથી લોકોના સંબંધોના મુદ્દે સહકાર વધારવા સહમતી બની હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રશિયન પ્રમુખને યુક્રેન યુદ્ધનો અંત લાવવા અપીલ કરી હતી. સાથે જ કાળા સમુદ્રમાં વ્યાપારિક જહાજોના પરિવહન અને ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
રશિયા સાથેની દ્વિપક્ષીય બેઠક પછી ભારત મંડપમમાં પીએમ મોદીએ પુતિન અને ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાનની હાજરીમાં યુદ્ધો વચ્ચે વૈશ્વિક વેપારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, વૈશ્વિક વ્યાપારિક જળમાર્ગો, પુરવઠા ચેઈન અને નાવિકો સુરક્ષિત હોય તો જ વૈશ્વિક વેપાર શક્ય બને છે. આ કારણે ભારત આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મુક્ત પરિવહન અને નાવિકોની સુરક્ષાનું સમર્થન કરે છે.


