એર ઇન્ડિયાએ શનિવારે જણાવ્યું હતું કે દિલ્હીની એક હોટલમાં રોકાયેલા એર ઇન્ડિયાના પાઇલટનું બેભાન હાલતમાં મૃત્યુ થયું છે. એરલાઇને જણાવ્યું હતું કે તે આજે સવારે ફ્લાઇટ ચલાવવાનો હતો. મુંબઈનો રહેવાસી પાઇલટ દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં એક હોટલમાં રોકાયો હતો જ્યાં તે ગઈકાલે સાંજે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, પાઇલટે 10 સપ્ટેમ્બરના રોજ હોટેલમાં ચેક ઇન કર્યું હતું. 11 સપ્ટેમ્બરની સાંજે, મૃતકના ભાઈએ હોટલ મેનેજરને ફોન કરીને જાણ કરી કે તેનો ભાઈ તેના ફોનનો જવાબ આપી રહ્યો નથી. જ્યારે મેનેજર રૂમમાં ગયો, ત્યારે તેણે જોયું કે દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે માસ્ટર ચાવીથી રૂમ ખોલવામાં આવ્યો, ત્યારે મૃતક બેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ મામલાની તપાસ માટે ક્રાઈમ ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. 12 સપ્ટેમ્બરના રોજ સફદરજંગ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ તપાસ કરવામાં આવી હતી. અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તબીબી અભિપ્રાય પછી મૃત્યુનું ચોક્કસ કારણ નક્કી થશે. વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશને IPCની કલમ 194 હેઠળ તપાસ શરૂ કરી હતી.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે પાઇલટ અગાઉ એર ઇન્ડિયા એક્સપ્રેસમાં કામ કરતો હતો અને થોડા મહિના પહેલા જ એર ઇન્ડિયામાં જોડાયો હતો. તે શનિવારે સવારે ફ્લાઇટ ચલાવવાનો હતો. એર ઇન્ડિયાએ કહ્યું કે તે તેમના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે અને તેમના પરિવાર સાથે સંપર્કમાં છે અને આ દુઃખના સમયમાં તેમને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહી છે.


