Home Blog Page 150

Vadodara : વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી

0

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આજે (15મી એપ્રિલ) નાટકીય વળાંક આવ્યો છે. વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ અંતિમ દિવસે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા રાજકીય ક્ષેત્રે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ સાથે જ વોર્ડ નંબર 11ની આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિ બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જે ભાજપ માટે કોર્પોરેશનની પહેલી જીત ગણાય છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી કનુ પ્રજાપતિ પર ફોર્મ પરત ખેંચવા માટે ભારે રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું હતું. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર દ્વારા દબાણ થતું હોવાની ગંધ આવતા કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સતર્ક બન્યા હતા. તેઓ કનુભાઈને સમજાવવા તેમના ઘરે પહોંચ્યા હતા, પરંતુ કનુભાઈએ આનાકાની કરતા તેમને તાત્કાલિક અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ચર્ચા એવી છે કે, વડોદરાના ભાજપના એક પૂર્વ ધારાસભ્ય અને મેયરના પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ સાથેના અંગત સંબંધો આ કિસ્સામાં નિર્ણાયક સાબિત થયા હતા. કાયદાકીય ગૂંચ ટાળવા માટે કનુભાઈને પ્રદેશ સમિતિએ છૂટા મૂકી દીધા હોવાની વિગતો બહાર આવી છે. ત્યારબાદ પૂર્વ ધારાસભ્યના ટેકેદારો તેમને વડોદરા પરત લાવ્યા હતા અને આજે (15મી એપ્રિલ) ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે તેમની પાસે ફોર્મ પરત ખેંચાવ્યું હતું.

પોતાની ઉમેદવારી પરત ખેંચ્યા બાદ કનુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘મેં કોઈ પણ રાજકીય દબાણને વશ થઈને આ નિર્ણય લીધો નથી. મેં કોંગ્રેસમાં વોર્ડ નંબર 10માંથી ટિકિટ માંગી હતી, પરંતુ પક્ષે મને વોર્ડ નંબર 11માંથી ટિકિટ આપી હતી, જે મારા નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે.’

કોંગ્રેસના ઉમેદવારને અમદાવાદ સુધી લઈ જવા છતાં અંતે તેમણે ફોર્મ પરત ખેંચી લેતા વડોદરા કોંગ્રેસના અગ્રણીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ચૂંટણી પૂર્વે જ વડોદરામાં ભાજપનું પલ્લું ભારે રહ્યું છે અને કોંગ્રેસ પોતાની પેનલ જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે.

બીજી તરફ વડોદરા જિલ્લા પંચાયતની રણોલી બેઠક પરથી ચૂંટણી અંગે ઉમેદવારી નોંધાવનારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારોએ પોતપોતાના ફોર્મ આજે પરત ખેંચી લેતા રણોલી બેઠકના ભાજપના ઉમેદવાર કૈરવીબા જાડેજા બિનહરીફ ચૂંટાયેલા જાહેર છે.

Surat : સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા, સોશિયલ મીડિયા પર મજાક ઊડી

0

સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ એક ગંભીર ક્ષતિને કારણે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું છે. શહેરના વોર્ડ નંબર 14માં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ચૂંટણી કાર્યાલય પર ‘સામાન્ય ચૂંટણી’ના બદલે ‘પેટા ચૂંટણી કાર્યાલય’ લખવામાં આવતા વિરોધ પક્ષો અને સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓના ફોટા સાથે આ કાર્યાલયનું ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે, કાર્યાલયના મુખ્ય બોર્ડ પર જ ‘પેટા ચૂંટણી’ શબ્દનો પ્રયોગ કરવામાં આવતા આ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પાટીદાર બહુમતી ધરાવતા આ વિસ્તારમાં થયેલી આ ભૂલ ભાજપ માટે મુસીબત બની ગઈ છે.

રાજકીય વિશ્લેષકો આ ઘટનાને માત્ર ટાઈપિંગ મિસ્ટક તરીકે નહીં, પરંતુ ભાજપના સંગઠનમાં રહેલા સંકલનના અભાવ તરીકે જોઈ રહ્યા છે. આટલી મહત્ત્વની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો હોય, ત્યારે કાર્યાલયના બોર્ડ જેવી પાયાની બાબતમાં થયેલી બેદરકારીએ પક્ષની તૈયારીઓ પર સવાલો ઉભા કર્યા છે.

આ ભૂલ સામે આવતા જ વિરોધ પક્ષો માટે આ મુદ્દો ‘હોટ કેક’ બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો આ બોર્ડના ફોટા શેર કરીને ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. લોકો ‘અભણ નેતાઓ’ અને ‘તંત્રની પોલ ખુલી ગઈ’ જેવી અનેક કોમેન્ટ્સ કરીને પક્ષની મજાક ઉડાવી રહ્યા છે. હાલમાં આ મામલે ભાજપના સ્થાનિક કે પ્રદેશ નેતાઓ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ જે રીતે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, તેને જોતા ભાજપે જલ્દી ખુલાસો કરવો પડશે અથવા બોર્ડમાં સુધારો કરવો પડશે તે નક્કી છે. એક નાનકડા ‘પેટા’ શબ્દે ભાજપની આખી ચૂંટણી વ્યૂહનીતિને સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ બનાવી દીધી છે.

Bihar : બિહારમાં પહેલીવાર બીજેપી CM, સમ્રાટ ચૌધરીએ લીધા શપથ

0

75 વર્ષ બાદ પહેલીવાર બિહારમાં બીજેપીના મુખ્યમંત્રી બન્યા છે. નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરીએ બિહારની કમાન સંભાળી છે. સમ્રાટ ચૌધરી નીતિશ કુમારના કાર્યકાળમાં નાયબ મુખ્યમંત્રી હતા.બિહારમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત 14 એપ્રિલે જ થઇ ગઇ. આજે સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સમ્રાટ ચૌધરી બિહારના 24માં સીએમ બન્યા છે. જ્યારે વિજેન્દ્ર યાદવ અને વિજય ચૌધરીએમ બે લોકો જેડીયુમાંથી નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

કોઈરી (કુશવાહ) સમુદાયના ચૌધરી, નીતિશ કુમારની આગેવાની હેઠળની NDA સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદ માટે એક મજબૂત દાવેદાર છે. ભાજપની OBC છબીને મજબૂત બનાવનારા આ ગતિશીલ નેતાએ ઉથલપાથલભરી રાજકીય સફર કરી છે.1999માં તેઓ રાબડી દેવી સરકારમાં કૃષિ મંત્રી બન્યા, પરંતુ 25 વર્ષથી ઓછી ઉંમરના વિવાદને કારણે નવેમ્બર 1999માં તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા.

તેઓ 2000 અને 2010માં પરબટ્ટા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, અને 2010માં વિરોધ પક્ષના મુખ્ય દંડક બન્યા હતા.2014માં, તેઓ જનતા દળ (યુનાઇટેડ) માં જોડાયા હતા અને જીતન રામ માંઝી સરકારમાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી તરીકે સેવા આપી હતી.

સમ્રાટ ચૌધરી 2017-18માં ભાજપમાં જોડાયા અને ઝડપથી પદોન્નતિ પામ્યા.
તેઓ બિહાર ભાજપના ઉપપ્રમુખ અને પ્રમુખ બંને બન્યા.
તેઓ 2020માં વિધાન પરિષદમાં ચૂંટાયા હતા.
મંત્રી પદો: તેમણે 2021-2022માં પંચાયતી રાજ મંત્રીનું પદ સંભાળ્યું હતું.

વિપક્ષનું નેતૃત્વ: ઓગસ્ટ 2022 થી ઓગસ્ટ 2023 સુધી, તેઓ બિહાર વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા હતા.પ્રદેશ પ્રમુખ: તેમણે માર્ચ 2023 થી જુલાઈ 2024 સુધી બિહાર ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પક્ષનું નેતૃત્વ કર્યું. આ સમય દરમિયાન, તેમણે ભાજપ સત્તામાં પાછી ન આવે ત્યાં સુધી પાઘડી પહેરવાની અને તેને ઉતારવાની પ્રતિજ્ઞા લીધી.

જાન્યુઆરી 2024 માં ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા પછી, તેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા.
તેમણે નાણાં, આરોગ્ય અને શહેરી વિકાસ જેવા મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા.
2025 ની વિધાનસભા ચૂંટણીમાં, તેમણે તેમની પૈતૃક બેઠક તારાપુર પરથી 122,480 મતોથી જંગી વિજય મેળવ્યો, જેમાં RJD ના અરુણ કુમારને 45,843 મતોના મોટા માર્જિનથી હરાવ્યા.
તેમના પિતા, શકુની, પણ દાયકાઓ સુધી ધારાસભ્ય હતા.
સમ્રાટ ચૌધરીનો જન્મ 16 નવેમ્બર, 1968 ના રોજ મુંગેર જિલ્લાના લખનપુર ગામમાં થયો હતો. તેઓ કોઈરી જાતિના છે.
તેમનો પરિવાર દાયકાઓથી બિહારના રાજકારણના કેન્દ્રમાં રહ્યો છે. તેમના પિતા, શકુની ચૌધરી, સાત વખત ધારાસભ્ય અને સાંસદ તરીકે સેવા આપી ચૂક્યા છે.
તેમની માતા, પાર્વતી દેવી, 1995 માં તારાપુરથી ધારાસભ્ય હતા.
કેટલુ ભણેલા છે સમ્રાટ ચૌધરી
ચૌધરીએ તેમનું શાળાકીય શિક્ષણ તેમના વતનમાં પૂર્ણ કર્યું. ભલે તેઓ મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાંથી ડોક્ટર ઓફ લિટરેચર (ડી. લિટ.) ની ડિગ્રીને તેમના ઉચ્ચ શિક્ષણ તરીકે દર્શાવે છે, તેમનું શિક્ષણ હંમેશા વિવાદાસ્પદ રહ્યું છે, તેમણે 2010 ના ચૂંટણી સોગંદનામામાં ફક્ત 7 મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હોવાનો દાવો કર્યો હતો અને પ્રશાંત કિશોરે 2025 માં તેમની ડિગ્રીની અધિકૃતતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમની પત્ની, મમતા કુમારી, એક વકીલ છે, અને તેમને બે બાળકો છે.

Sabarkantha : પુત્રની લગ્નની કંકોત્રી આપવા નીકળેલા પિતાનું અકસ્માતમાં મોત નિપજ્યું

0

કાંકરેજ તાલુકાના શિહોરી-પાટણ હાઈવે પર બનાસ નદી બિજ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન દ્વારા બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.જેના કારણે તેમનું મોત થયું હોવાનું અનુમાન છે.

કાંકરેજ તાલુકાના શિહોરી-પાટણ હાઈવે પર બનાસ નદી બિજ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ અજાણ્યા વાહન દ્વારા બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.જેના કારણે તેમનું મોત થયું હોવાનું અનુમાન છે.મૃતકની ઓળખ વીરચંદજી નાનજીજી ઠાકોર ગામ કંબોઈ તરીકે થઈ છે.અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો ઘટનાસ્થળે કોડી આવ્યા હતા અને ઇજાચસ્તને તાત્કાલિક શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ઘટનાને પગલે પરિવારજનો દ્વારા શિહોરી પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાવવામાં આવી છે.સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા વાહનચાલકને શોધવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.વિશેષ વાત એ છે કે મૃતકના પુત્રના લગ્નના ગણતરીના દિવસો બાકી હતા અને તેઓ લગ્નની કંકોત્રી સગા-સંબંધીઓને આપવા માટે નીકાળ્યા હતા.આવા સમયે અકસ્માતમાં તેમનું અવસાન થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડયો છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Entertainment : ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!

0

ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાઈ ચૂક્યો છે. Jio સ્ટુડિયોઝ અને B62 સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી ‘ધુરંધર’ ફિલ્મ સીરિઝે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર દ્વારા નિર્મિત આ ફ્રેન્ચાઈઝી હવે વિશ્વભરમાં 3000 કરોડ રૂપિયાથી વધુનો ગ્રોસ બિઝનેસ કરનારી ભારતની પ્રથમ ફિલ્મ સીરિઝ બની ગઈ છે.

‘ધુરંધર’ના બંને ભાગ મળીને વિશ્વભરમાં 3,000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ, આંકડા પર કરો નજર

બે ફિલ્મો અને બંને 1000 કરોડની ક્લબમાં!

‘ધુરંધર’ ભારતની એકમાત્ર એવી ફિલ્મ સીરિઝ છે જેના બંને ભાગોએ વ્યક્તિગત રીતે 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.

ધુરંધર 1

આ ફિલ્મે રિલીઝ સાથે જ ધમાકો કર્યો હતો અને ઘરેલુ તેમજ વૈશ્વિક સ્તરે 1300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને મજબૂત પાયો નાખ્યો હતો.

ધુરંધર 2

પહેલા ભાગની સફળતાના માત્ર ચાર મહિના બાદ રિલીઝ થયેલી આ સીક્વલે તો ઈતિહાસ જ પલટી નાખ્યો. રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મે વિશ્વભરમાં 1712.00 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

આ સીરિઝની બીજી ફિલ્મ એટલે કે ધુરંધર 2એ માત્ર હિન્દીમાં જ સૌથી વધુ કમાણીનો રેકોર્ડ નથી બનાવ્યો, પરંતુ ભારતની એવી પ્રથમ ફિલ્મ બની છે જેણે એક જ ભાષામાં ભારતીય બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયા નેટ કલેક્શન મેળવ્યું હોય.

ભારતની અન્ય કોઈ પણ બે કે ત્રણ ભાગવાળી ફિલ્મ સીરિઝે ભેગા મળીને આટલી કમાણી નથી કરી

-બાહુબલી ફ્રેન્ચાઈઝી (પાર્ટ 1 + 2): કુલ કમાણી અંદાજે રૂ. 2,400 કરોડની આસપાસ છે.

-KGF ફ્રેન્ચાઈઝી (પાર્ટ 1 + 2): કુલ કમાણી અંદાજે રૂ. 1,500 કરોડની આસપાસ છે.

ધુરંધર (પાર્ટ 1 + 2): કુલ કમાણી અંદાજે 3,000 કરોડ કરતાં વધુ

Jio સ્ટુડિયોઝના વિઝન અને આદિત્ય ધરના શાનદાર નિર્દેશનને કારણે આજે આ ફ્રેન્ચાઈઝી ગ્લોબલ બોક્સ ઓફિસ પર ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. 3000 કરોડ રૂપિયાનો આ આંકડો સૂચવે છે કે ભારતીય દર્શકો હવે મોટા પાયા પર બનતી ગુણવત્તાયુક્ત એક્શન ફિલ્મોને મન ભરીને માણી રહ્યા છે.

Rajkot : લીંબુના ભાવમાં ભડકો, 15 દિવસમાં 70 રૂપિયાનો અસહ્ય વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું!

0

રાજકોટમાં ભીષણ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં મોટો ઉછાળો. છૂટક બજારમાં ભાવ ₹260 સુધી પહોંચતા ગ્રાહકો પરેશાન. આગામી સમયમાં ભાવ ₹300 થવાની શક્યતા છે.સૌરાષ્ટ્રમાં આકરી ગરમીની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવમાં ભીષણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટના માર્કેટ યાર્ડ અને છૂટક બજારમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસ માટે શરબત પીવું પણ મોંઘું બન્યું છે. છેલ્લા 15 દિવસમાં જ લીંબુના ભાવમાં રૂપિયા 50થી રૂપિયા 60નો વધારો ઝીંકાયો છે.

અગાઉ જે લીંબુ રૂપિયા 110થી રૂપિયા 120 પ્રતિ કિલો મળતા હતા, તેના ભાવ હવે બેવડાઈ ગયા છે. હોલસેલ માર્કેટમાં લીંબુનો ભાવ રૂપિયા 170થી રૂપિયા 210 બોલાઈ રહ્યો છે, જ્યારે સ્થાનિક છૂટક બજારમાં વેપારીઓ રૂપિયા 220થી રૂપિયા 260 સુધીના ભાવે લીંબુ વેચી રહ્યા છે. ગરમીમાં લીંબુનો ઉપાડ વધતા અને આવક ઓછી થતા ભાવમાં આ મોટો વધારો જોવા મળ્યો છે.

લીંબુના ભાવ વધતા ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર પડી છે. અગાઉ જે લોકો અડધો કિલો લીંબુની ખરીદી કરતા હતા, તેઓ હવે માત્ર 250 ગ્રામથી કામ ચલાવી રહ્યા છે. હોટલ અને રેસ્ટોરાં સંચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. લીંબુના ભાવ વધતા ગૃહિણીના બજેટ પર મોટી અસર પડી છે.વેપારીઓના મતે આગામી એક મહિના સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા છે. જો ગરમીનો પારો આ જ રીતે વધતો રહેશે, તો આગામી દિવસોમાં લીંબુનો ભાવ રૂપિયા 300 પ્રતિ કિલોને પાર કરી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Vadodara : વડોદરાના દંતેશ્વર રોડ પર સ્પા સેન્ટરમાં પરપ્રાંતિય યુવતીઓ પાસે મસાજ કરાવનાર સંચાલકની ધરપકડ

0

વડોદરા દંતેશ્વર રોડ વિસ્તારમાં પોલીસે સ્પા સેન્ટરમાં દરોડો પાડી મારો પ્રાંતીય યુવતીઓને ગેરકાયદે રાખનાર સંચાલકની સામે ગુનો નોંધ્યો હતો.દંતેશ્વર રોડના સિદ્ધાર્થ મંગલમ કોમ્પલેક્ષમાં ચાલતા હેવન સ્પામાં પોલીસે તપાસ કરતા પરપ્રાંતિય યુવતીઓ મળી આવી હતી. જેમની પાસે મસાજ સહિતના કામો કરાવવામાં આવતા હોવાની વિગતો જાણવા મળી હતી.

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ પરપ્રાંતીય યુવતીઓને રાખવા બદલ જાણ નહીં કરી હોવાથી પોલીસે પાના સંચાલક જયદીપ બીપીનભાઈ પટેલ (માલેથા ગામ, શિનોર)ની સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Entertainment : ​’જિસ દેશ મેં ગંગા બહતી હૈ’: ભારતીય સિનેમાની સંવેદનશીલતા અને નૈતિકતાનો સંગમ

0

​​ભારતીય સિનેમાના ઇતિહાસમાં ૧૯૬૦નું વર્ષ એક માઇલસ્ટોન સમાન રહ્યું છે. આ એ સમય હતો જ્યારે ભારત આઝાદીના એક દશક પછી પોતાના સામાજિક અને નૈતિક મૂલ્યોને આકાર આપી રહ્યું હતું. આ સમયગાળામાં રાજ કપૂરના નિર્માણ હેઠળ બનેલી ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ એ માત્ર મનોરંજનનું સાધન નહોતી, પરંતુ તે ભારતીય આત્માનો અવાજ હતી.

​૧. ફિલ્મની ભૂમિકા અને નિર્માણ
​રાજ કપૂર હંમેશા એવી ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા જે સામાન્ય માણસની સંવેદનાઓને સ્પર્શે. ‘આવારા’ અને ‘શ્રી ૪૨૦’ પછી ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ એ તેમની સામાજિક ફિલ્મોની શ્રેણીમાં એક મહત્વનું સોપાન હતું. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત સિનેમેટોગ્રાફર રાધુ કરમાકર દ્વારા કરવામાં આવ્યું હતું. એક કેમેરામેન જ્યારે દિગ્દર્શનની ધુરા સંભાળે ત્યારે દ્રશ્યોની ભવ્યતા અને સચોટતા કેવી હોય, તે આ ફિલ્મમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
​૨. વાર્તાનું હાર્દ: ભોળપણ અને હિંસા વચ્ચેનો સંઘર્ષ
​ફિલ્મની વાર્તા ‘રાજુ’ (રાજ કપૂર) નામના એક અત્યંત ભોળા, નિખાલસ અને ડફલી વગાડતા રખડતા યુવાનની આસપાસ ફરે છે. રાજુ એ ભારતની સામાન્ય જનતાનું પ્રતીક છે, જેમના દિલમાં કોઈ પાપ નથી અને જેઓ ‘સત્ય’ને જ પોતાનો ધર્મ માને છે.
​વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે રાજુ અજાણતા ડાકુઓની એક ટોળકીના સંપર્કમાં આવે છે. તે માને છે કે આ લોકો સારા માણસો છે, પરંતુ જ્યારે તેને સત્યની ખબર પડે છે કે આ લોકો લૂંટફાટ અને હિંસાના માર્ગે ચાલે છે, ત્યારે તેના મનમાં મોટું મંથન શરૂ થાય છે. અહીંથી ફિલ્મની મુખ્ય લડાઈ શરૂ થાય છે – જે હથિયારોની નહીં, પણ વિચારોની લડાઈ છે.


​૩. ગાંધીવાદી વિચારોનું પ્રતિબિંબ
​આ ફિલ્મની સૌથી મોટી વિશેષતા તેમાં વણાયેલા ગાંધીવાદી વિચારો છે. રાજુ ડાકુઓને પકડાવવા માટે હિંસાનો સહારો નથી લેતો, પરંતુ તેમના હૃદય પરિવર્તન (Heart Transformation) માટે પ્રયાસ કરે છે. તે માને છે કે “પાપથી નફરત કરો, પાપીથી નહીં.” ફિલ્મનો અંતિમ ભાગ જ્યાં રાજુ ડાકુઓને સમજાવે છે કે આ દેશ ગંગાનો દેશ છે, જે પવિત્રતા અને ક્ષમા માટે ઓળખાય છે, તે દ્રશ્ય પ્રેક્ષકોની આંખો ભીની કરી દે છે. આજના યુગમાં જ્યારે હિંસા ચારેબાજુ દેખાય છે, ત્યારે આ ફિલ્મની અહિંસાની ફિલોસોફી વધુ પ્રસ્તુત લાગે છે.
​૪. પાત્રાલેખન: અભિનયની પરાકાષ્ઠા
​રાજ કપૂર (રાજુ): રાજ કપૂરે આ ફિલ્મમાં ‘રાજુ’ના પાત્રને જીવંત કર્યું છે. તેમની આંખોમાં દેખાતી માસૂમિયત અને તેમના ચહેરા પરની મુસ્કાન દર્શાવે છે કે એક સાચો ભારતીય કેવો હોય. તે ન્યાય માટે અડગ છે, પણ રસ્તો અહિંસાનો છે.
​પદ્મિની (કમલી): પદ્મિનીએ એક ડાકુની દીકરી ‘કમલી’ તરીકે અદભૂત અભિનય કર્યો છે. તેમના નૃત્યના દ્રશ્યો અને રાજુ પ્રત્યેનો તેમનો પ્રેમ વાર્તામાં ભાવનાત્મક ઊંડાણ ઉમેરે છે.
​પ્રાણ (રાકા): પ્રાણે નેગેટિવ પાત્રમાં ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ શા માટે દિગ્ગજ કલાકાર હતા. રાકાનું પાત્ર ક્રૂરતાનું પ્રતીક છે, જે રાજુની સાદગીનો વિરોધ કરે છે.
​૫. શંકર-જયકિશનનું અમર સંગીત
​જો આ ફિલ્મમાંથી સંગીત કાઢી લેવામાં આવે, તો તે અધૂરી લાગે. શંકર-જયકિશનની જોડીએ આ ફિલ્મમાં એવું સંગીત આપ્યું જે દાયકાઓ પછી પણ તાજગીભર્યું લાગે છે.
​”હોઠોં પે સચ્ચાઈ રહતી હૈ…”: આ ગીત માત્ર ફિલ્મી ગીત નથી, પણ તે ભારતીય સંસ્કૃતિનું રાષ્ટ્રગીત સમાન છે. મકેશના અવાજમાં આ ગીત જ્યારે વાગે છે, ત્યારે તે ‘ભારતીયતા’ની સાચી વ્યાખ્યા રજૂ કરે છે. “હમ ઉસ દેશ કે વાસી હૈ જિસ દેશ મેં ગંગા બહતી હૈ” – આ પંક્તિ ગર્વની લાગણી જન્માવે છે.
​”આ અબ લૌટ ચલેં…”: આ ગીત ભટકેલા લોકોને સાચા માર્ગે પાછા ફરવા માટેનું એક આહ્વાન છે. શૈલેન્દ્રના શબ્દોમાં એક પ્રકારની વેદના અને આશા બંને છે.
​”મૈં ક્યા કરું રામ, મુઝે બુઢ્ઢા મિલ ગયા…”: આ ગીત પદ્મિનીના ચંચળ અભિનય અને નૃત્ય કૌશલ્યને કારણે ખૂબ લોકપ્રિય થયું હતું.
​૬. સામાજિક નૈતિકતા અને મૂલ્યો
​ફિલ્મમાં એક સંવાદ છે કે, “ભૂખ માણસને ડાકુ બનાવે છે, પણ હૃદય તો માણસનું જ હોય છે.” આ ફિલ્મ તે સમયની ગરીબી અને બેરોજગારી તરફ પણ ઈશારો કરે છે જે લોકોને ખોટા માર્ગે લઈ જતી હતી. રાજુ આ લોકોને કાયદાથી ડરાવવાને બદલે ‘નૈતિકતા’નો અરીસો બતાવે છે. તે સમજાવે છે કે સાચું સુખ લૂંટફાટમાં નથી, પણ મહેનત અને પ્રમાણિકતામાં છે.
​૭. પુરસ્કારો અને વિવેચન
​૧૯૬૧માં આ ફિલ્મને ‘શ્રેષ્ઠ ફિલ્મ’નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. રાજ કપૂરને તેમના અભિનય માટે ‘શ્રેષ્ઠ અભિનેતા’નો એવોર્ડ મળ્યો. આ પુરસ્કારો સાબિત કરે છે કે આ ફિલ્મે માત્ર વ્યવસાયિક સફળતા જ નહોતી મેળવી, પરંતુ વિવેચકોના દિલ પણ જીત્યા હતા.
​૮. ઉપસંહાર
​’જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ એ માત્ર એક જૂની ફિલ્મ નથી, પણ તે એક દર્શન છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે એ ભૂમિ પર જન્મેલા છીએ જ્યાં ગંગા જેવી પવિત્ર નદી વહે છે. આપણું જીવન અને આપણા વિચારો પણ એટલા જ પવિત્ર હોવા જોઈએ. રાજુનું પાત્ર આજે પણ આપણને શીખવે છે કે દુનિયામાં ગમે તેટલી બૂરાઈ હોય, પણ જો તમારા હૃદયમાં સચ્ચાઈ અને હોઠ પર સત્ય હોય, તો તમે આખી દુનિયા બદલી શકો છો.
​આ ફિલ્મ ભારતીય સિનેમાના સુવર્ણ યુગની એવી ધરોહર છે, જે આવનારી પેઢીઓને પણ માનવતા અને શાંતિનો પાઠ ભણાવતી રહેશે.


​લેખક : અશ્વિન ગોહિલ ની કલમે (લેખક, કવિ, સાહિત્યકાર)

Article : કાઠી દરબારોની સાડા ત્રણ દિવસની સુર્ય‌ ઉપાસના શનિવારથી

0

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
કવિ મેકરણ લીલા કાઠી દરબારો માટે લખે છે


“અશ્ર્વ સવાર થઈ, હાથ તલવાર લઈ, કાઠીએ કાઠીયાવાડ કીધો’ એટલે પોતાના ઘોડા અને બાહુબળથી કાઠીયાવાડને ઉભો કરવામાં કાઠિઓનું શૌર્ય અને સામર્થ્ય કારણભૂત હતું. તેથી આજે કાઠીયાવાડ એક પ્રાંત તરીકે એક જ્ઞાતિના નામથી ઓળખ ધરાવે છે.આજે તેઓની સૂર્ય ઉપવાસના માટે જણાવવું છે.કાઠી દરબારો કચ્છના કંથકોટ તરફથી સૌરાષ્ટ્રના કાઠીયાવાડ પ્રદેશમાં સવંત 1372માં પ્રવેશ્યા હોવાનું ઈતિહાસમાં ઉલ્લેખિત છે. સૂર્ય એ સનાતન ધર્મના એક દેવ તરીકે પ્રસિદ્ધ છે પરંતુ કાઠી દરબારો સૂર્ય ભગવાનને ઈષ્ટદેવ તરીકે પૂજતા આવ્યા છે.તેથી આ શક્તિ સ્વરૂપ જ્ઞાતિ તેના સંતાન તરીકે સ્થાપિત થઈ છે. સ્વભાવિક છે કે જે ઈષ્ટદેવ હોય તેનું અનુષ્ઠાન કે આરાધના તેઓ સતત કરતા રહે પણ અહીં સાડા ત્રણ દિવસના ઉપવાસનું એક વિશેષ મહત્વ હોવાનું ઈતિહાસ જણાવે છે.સુર્ય ઉપાસના 11 મી સદીથી થતી હોવાની પણ એક માન્યતા છે.તે સદીમા કુલ 12 સુર્ય મંદિર હતાં તેમ કહેવાય છે.


એક વાત એવી પણ છે કે સને 1658માં મોગલ સામ્રાજ્યનો છેલ્લો શાસક ઔરંગઝેબ થયો અને તેણે ઇસ્લામની વિસ્તારવાદી પ્રવૃત્તિને હાથ ધરીને હિન્દુ ધર્મસ્થાનો પર કબજો કરી તેને નષ્ટ કરવા માટે મનસુબો અને યોજનાઓ અમલમાં મુકી.તેના ભાગરૂપે અમદાવાદના સુબા કરતલબ ખાન ઉર્ફે સુજાતખાનને સને 1690 માં દ્વારકાનું મંદિર અને થાનગઢ પાસે આવેલું સૂર્યમંદિર નષ્ટ કરવા,તોડી નાખવા હુકમ કરેલો. તેથી સુજાતખાન પોતાના સૈન્ય સાથે ધંધુકા થઈને થાનગઢ તરફ આગળ વધે છે. જ્યાં અત્યારે જૂનું સૂર્યમંદિર કે જે જુના સુરજ દેવળ તરીકે ઓળખાય છે ત્યાં વૈશાખ સુદ એકમથી કાઠીઓ અને સુજાતખાનના સૈન્ય વચ્ચે લડાઈ થાય છે. કાઠીઓ પોતાના ઈષ્ટદેવ સૂર્યદેવના મંદિરને બચાવવા માટે મરણિયા પ્રયાસો કરીને વીરગતિને પામે છે. આ થાનગઢની લડાઈ સાડા ત્રણ દિવસ સુધી ચાલી હોવાનું માનવામાં આવે છે.પણ તેમાં કાઠીઓ વિજયી થઈ શકતા નથી કારણ કે તેમનું સૈન્ય ખૂબ નાનું હતું અને તે સુજાતખાન અને ઔરંગઝેબની સરખામણીમાં એક નાનકડા અંશ બરાબર હતું. તેથી તે સફળ થઈ શકતા નથી પરંતુ તેમની લડાઈ સુજાતખાનના સૈન્યને અનેક રીતે ભારે પડે છે.

આખરે સુજાતખાન થાનગઢ ઉપર પોતાનો કબજો જમાવે છે અને ત્યાં મોગલ સામ્રાજ્ય સ્થાપિત થાય છે. જોકે માનવામાં આવે છે કે આ સામ્રાજ્ય સાતેક વર્ષ સુધી ટકી રહે છે અને ફરી પાછા કાઠિઓ મોગલ ઉપર હાવી થઈ જતા તેને ઉકેડી ફેંકે છે.પરંતુ સાડા ત્રણ દિવસ ચાલેલા આ યુદ્ધની સ્મરણાંજલિ અને સાધના માટે કાઠી દરબાર પુરુષો આજે પણ વૈશાખ સુદ એકમથી વૈશાખ સુદ ચતુર્થી સુધી ઉપવાસ કરે છે. આજે પણ આ ઉપવાસ નવા સુરજદેવળ મંદિરમાં એક સાધના ઉત્સવ તરીકે યોજાઈ રહ્યા છે.નવા સુરજ દેવળ મંદિર પણ સંવત 1991 વૈશાખ સુદી 11 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે.જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કાઠી દરબારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતાં હોય છે.ચાલુ વર્ષે આ ઉપવાસ 18 એપ્રિલ થી 21 એપ્રિલ દરમિયાન યોજાનાર છે.

Article : કિરદાર ઈમાનદાર રખના,”જનાજા” શાનદાર નિકલેગા….

0

જીવો એવું કે વિદાય પણ ઉત્સવ બની જાય!

કર્મની શાહિથી લખો કીરદાર, તો જ મળશે શાનદાર સત્કાર

આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો ‘શું મેળવ્યું?’ પાછળ દોડી રહ્યા છે, ત્યાં આ પંક્તિ યાદ અપાવે છે કે અંતે તો ‘તમે કેવા હતા?’ એ જ મહત્વનું છે.
વ્યક્તિત્વની સુગંધ જ્યારે પદ નહીં, પણ કિરદાર બોલે છેમાણસ આખી જિંદગી સંપત્તિ, સત્તા અને હોદ્દા પાછળ ખર્ચાય જાય છે. તેને લાગે છે કે બંગલાની ઊંચાઈ તેની પ્રતિષ્ઠા વધારશે, પણ હકીકતમાં માણસની ઊંચાઈ તેના બંગલાથી નહીં, પણ તેના કિરદાર (ચરિત્ર)થી મપાય છેઈમાનદારી એટલે માત્ર પૈસાની બાબતમાં પારદર્શક રહેવું એવું નથી. ઈમાનદારી એટલે તમારા શબ્દો, તમારા વ્યવહાર અને તમારી ફરજ પ્રત્યે વફાદાર રહેવું. જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે પણ તમે સાચો રસ્તો પસંદ કરો, એ જ તમારી સાચી ઈમાનદારી છે.


શા માટે ‘જનાજો’ શાનદાર નીકળશે?
જ્યારે કોઈ વ્યક્તિ દુનિયા છોડીને જાય છે, ત્યારે લોકો તેની બેંક બેલેન્સ જોવા નથી આવતા. લોકો એ યાદ કરે છે કે તે માણસ મુશ્કેલીમાં કેટલો અડગ હતો, કોઈના આંસુ લૂછવામાંતેનો હાથ કેટલો આગળ હતો અને તેના શબ્દોમાં કેટલી સચ્ચાઈ હતી.કિંમત હંમેશા કપડાંની હોય છે, પણ કદર હંમેશા કિરદારની થાય છે.
જેનું ચરિત્ર શુદ્ધ છે, તેના વિદાય ટાણે આખું શહેર ઉમટી પડે છે. એ ભીડ ભાડે લાવેલી નથી હોતી, પણ તે વ્યક્તિએ જીવનભર કમાયેલા પ્રેમ અને સન્માનનું પરિણામ હોય છે. એ ‘શાનદાર’ જનાજો એ વાતની સાબિતી છે કે આ માણસે પૃથ્વી પર જીવીને જગતને કંઈક સારું આપ્યું છે. ઇતિહાસ સાક્ષી છે.


લાલ બહાદુર શાસ્ત્રી દેશના વડાપ્રધાન હોવા છતાં તેમની પાસે પોતાની માલિકીની કાર ખરીદવાના પૈસા નહોતા. લોન લઈને કાર લીધી હતી. આજે પણ જ્યારે તેમનું નામ લેવાય છે, ત્યારે લોકો નતમસ્તક થઈ જાય છે. આ છે ‘ઈમાનદાર કિરદાર’ની તાકાત.અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ ભવન છોડતી વખતે તેમની પાસે માત્ર થોડા પુસ્તકો અને કપડાં જ હતા. પણ જ્યારે તેમનું નિધન થયું, ત્યારે આખા દેશે આંસુ સારેલા. એ જનાજો માત્ર શાનદાર નહોતો, તે ઐતિહાસિક હતો.આપણે બધા ‘સેલિબ્રિટી’ બનવા માંગીએ છીએ, પણ ‘વ્યક્તિત્વ’ (Personality) બનાવવાનું ભૂલી જઈએ છીએ. યાદ રાખો, રૂપ અને રંગ સમય જતાં કરમાઈ જશે, પણ તમારો સ્વભાવ અને તમારી ઈમાનદારી પેઢીઓ સુધી જીવતી રહેશે.તમારા જીવનનું પુસ્તક એવી રીતે લખો કે જ્યારે છેલ્લું પાનું વંચાય, ત્યારે વાંચનારની આંખમાં આંસુ હોય અને દિલમાં તમારા માટે સન્માન.દુનિયામાં આવ્યા છો તો ભલે ખાલી હાથે જવાનું હોય, પણ પાછળ એવો ‘સુવાસ’ છોડતા જજો કે લોકો કહે, માણસ ભલે ગયો, પણ તેની માનવતા આજે પણ આપણી વચ્ચે જીવે છે.

Writer : દર્શના પટેલ (નેશનલ એવોર્ડથી સન્માનિત) સ્પોર્ટ્સ ટીચર