Home Blog Page 296

National : હરિયાણામાં વિસ્ફોટકો ભરેલા બેગ સાથે 3 શખ્સો ઝડપાયા

0

હરિયાણા STFની અંબાલા ટીમે સમયસર મોટી કાર્યવાહી કરીને મોટી દુર્ઘટના ટાળી છે. ટીમે બરાડા પાસે એક મહત્ત્વનું ઓપરેશન પાર પાડીને ત્રણ યુવકોની ધરપકડ કરી છે. આ યુવકો કોઈ મોટી હોનારત સર્જવાના ઈરાદે વિસ્ફોટક સામગ્રી લઈ જઈ રહ્યા હતા. આરોપીઓ પાસેથી આશરે બે કિલોગ્રામ જેટલો વિસ્ફોટક જથ્થો મળી આવ્યો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

અંબાલા એસટીએફના ડીએસપી અમન અને પ્રભારી પ્રતીક કુમારને ગુપ્ત માહિતી મળી હતી કે, ત્રણ યુવકો શંકાસ્પદ વિસ્ફોટકો સાથે બરાડા તરફથી અંબાલા આવી રહ્યા છે. આ બાતમીના આધારે એસટીએફની ટીમે રસ્તામાં જ ઘેરાબંધી કરી બાઈક પર સવાર ત્રણેય યુવકોને દબોચી લીધા હતા. તેમની તપાસ દરમિયાન એક બેગમાંથી 1 કિલો 975 ગ્રામ વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.

પકડાયેલા આરોપીઓ હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમાં અંબાલાના કંબાસી ગામનો એક યુવક, રાજસ્થાનના અજમેરનો એક અને ઉત્તર પ્રદેશના મેરઠનો એક યુવક સામેલ છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ યુવકોના તાર કયા સંગઠન સાથે જોડાયેલા છે અને તેઓ આ વિસ્ફોટકો ક્યાં લઈ જઈ રહ્યા હતા.

મામલાની ગંભીરતાને જોતા તાત્કાલિક બોમ્બ નિરોધક દસ્તાને બોલાવવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ સ્થળ પર જ પહોંચીને આ વિસ્ફોટક સામગ્રીને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરી દીધી છે. હાલમાં એસટીએફ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ આ ત્રણેય યુવકોની કડક પૂછપરછ કરી રહી છે જેથી મોટા ષડયંત્રનો ખુલાસો થઈ શકે.

Weather Update : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મોટા સમાચાર, માર્ચમાં માવઠાની આગાહી

0

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવામાન પલટાશે. 18 થી 20 માર્ચ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીને કારણે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો થશે.ગુજરાતમાં આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસમાં રાજ્યના તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે માર્ચ મહિનામાં જ ‘પ્રી-મોન્સૂન એક્ટિવિટી’ શરૂ થવા જઈ રહી છે, જેના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

18 માર્ચ: કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.
19 માર્ચ: વરસાદનો વ્યાપ વધશે. સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ અને સુરતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
20 માર્ચ: ગીર સોમનાથ, દીવ, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં મેઘમહેર જોવા મળી શકે છે.


ખેડૂતોમાં ચિંતાનો માહોલ
એક તરફ ગરમીથી રાહત મળશે, પરંતુ બીજી તરફ માર્ચ મહિનામાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. ખેતરમાં ઉભા રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન પલટાને કારણે એપીએમસી (APMC) માં રાખેલા અનાજને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે.

Sports : ‘બુમરાહ જેવું યોર્કર દુનિયામાં કોઈ ફેંકતું નથી…’, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને પણ જસ્સી પર ફીદા

0

ભારતીય ટીમની તાજેતરની ટી20 વર્લ્ડ કપ જીતમાં પાયાની ભૂમિકા ભજવનારા જસપ્રીત બુમરાહના અત્યારે વિશ્વભરમાં વખાણ થઈ રહ્યા છે. હવે આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કનું નામ પણ જોડાઈ ગયું છે. તેણે બુમરાહની પ્રશંસા કરતા તેને હાલના સમયનો સૌથી શ્રેષ્ઠ અને ‘મેચ વિનર’ બોલર ગણાવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે જણાવ્યું હતું કે, ‘બુમરાહની સૌથી મોટી તાકાત મોટી મેચોમાં દબાણ સહન કરવાની તેની અદભૂત ક્ષમતા છે. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 15 રન આપીને 4 વિકેટ ઝડપવાનું તેનું પ્રદર્શન જ બતાવે છે કે તે કેમ દુનિયાનો સર્વશ્રેષ્ઠ બોલર છે. બુમરાહનું પ્રદર્શન 100 માંથી 99 વખત એકદમ સચોટ હોય છે.’

બુમરાહની બોલિંગ કૌશલ્ય વિશે વાત કરતા ક્લાર્કે જણાવ્યું કે, ‘બુમરાહ પાસે એટલા બધા વિકલ્પો છે જે બહુ ઓછા ફાસ્ટ બોલરો પાસે હોય છે. તે પિચને સમજવામાં માહેર છે. તેણે સપાટી જોઈને નક્કી કર્યું કે ધીમા બોલ તેનું હથિયાર બનશે અને તેનું પરિણામ સૌની સામે છે. બુમરાહના સ્લોઅર બોલ બેઝબોલના ‘કર્વબોલ’ જેવા છે જે હવામાં રસ્તો બદલે છે.’

માઈકલ ક્લાર્કે બુમરાહની તુલના ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલરો પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ સાથે કરતા એક મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે, ‘આ ત્રણેય મહાન બોલરો છે, પરંતુ તેમની પાસે બુમરાહ જેવી વિવિધતા નથી. તમે ક્યારેય આ ત્રણેયને ધીમા બોલથી 3-4 વિકેટ લેતા જોયા છે? 145 કિમીની ઝડપ, નવા બોલને સ્વિંગ કરવાની ક્ષમતા અને બુમરાહ જેવું યોર્કર દુનિયામાં કોઈ ફેંકતું નથી.’

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપની ફાઈનલમાં શાનદાર બોલિંગ કરનાર જસપ્રીત બુમરાહને ‘પ્લેયર ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો. બુમરાહે આ મેચમાં 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સાથે તે 40 વિકેટ લઈને T20 વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની ગયો છે.

Entertainment : રિશી કપૂરના મરણોપરાંત પર્સનાલિટી રાઈટ્સ મેળવાયા

0

રિશી કપૂરનાં નિધનનાં છ વર્ષ બાદ હવે કપૂર પરિવારે તેની પર્સનાલિટીનાં મરણોત્તર કોપીરાઈટ્સ મેળવ્યા છે. હવે પછીથી રિશી કપૂરનાં નામનો કોઈપણ પ્રકારે ધંધાદારી ઉપયોગ કરનારી વ્યક્તિ કે સંસ્થાએ પહેલાં કપૂર પરિવારની આગોતરી મંજૂરી લેવી પડશે. રિશી કપૂરનો વારસો જાળવી રાખવા માટે આ પગલું લેવાયું છે.

વિશ્વભરમાં મૃત્યુ પામી ચૂકેલા કલાકારોની પર્સનાલિટી તથા ઈમેજ જાળવી રાખવા માટે આ પ્રકારના રાઈટ્સ મેળવવાની પ્રથા છે. હાલમાં એઆઈની મદદથી મૃત્યુ પામી ચૂકેલા કલાકારોના અવાજ, ઈમેજ, વિડીયો હૂબહૂ રિજનરેટ કરવાનો ચીલો શરુ થયો છે. આવા કોઈ પ્રયાસો સામે રક્ષણ મેળવવા માટે કપૂર પરિવારે આ પગલું લીધું હોવાનું મનાય છે.

Entertainment : રેપર બાદશાહની થશે ધરપકડ, પાસપોર્ટ થશે જપ્ત, Tateeree ગીતના વિવાદ પર મહિલા આયોગનું મોટું એક્શન!

0

બાદશાહ વિવાદમાં ફસાયેલા છે. તેમના નવા ગીત Tateereeને લઈને વિવાદ એટલો વધી ગયો છે કે હરિયાણા મહિલા આયોગે ગાયકની ધરપકડની માંગ કરી છે.

પ્રખ્યાત ગાયક અને રેપર બાદશાહ ઘણા સમયથી વિવાદમાં ફસાયેલા છે. તેનું નવું ગીત Tateeree થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું હતું, જેના કારણે વિવાદ થયો હતો. હરિયાણા મહિલા આયોગે આ ગીતને લઈને ગાયક સામે કાનૂની કાર્યવાહી કરી છે. હવે, વિવાદ એ હદ સુધી વધી ગયો છે કે તેમની ધરપકડની માંગણીઓ શરૂ થઈ ગઈ છે.

હરિયાણા મહિલા આયોગે Tateeree ગીત વિવાદના સંદર્ભમાં બોલીવુડ ગાયક-રેપર બાદશાહ સામે ધરપકડનો આદેશ જાહેર કર્યો છે. ગાયકને 13 માર્ચે કમિશન સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થયો નહીં. તેના વકીલોએ દલીલ કરી હતી કે બાદશાહ પ્રોફેશનલ કમિટમેન્ટ કારણે હાજર રહી શક્યો નથી. આ પછી, વધુ સમય લંબાવવાની વિનંતી કરી.

મહિલા આયોગના અધ્યક્ષ રેણુ ભાટિયા બેઠક દરમિયાન બાદશાહના વકીલની દલીલથી ગુસ્સે ભરાયા. તેણે ચેતવણી આપી, જો બાદશાહ બપોરે 3 વાગ્યા પહેલા હાજર નહીં થાય, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ તેમણે પંચકુલા અને પાણીપતના પોલીસ અધિક્ષકોને તેની ધરપકડ કરવા અને તેનો પાસપોર્ટ જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે બાદશાહ દેશ છોડીને જતા અટકાવવા માટે તેનો પાસપોર્ટ જપ્ત કરવો જોઈએ. મહિલાઓ અને પુત્રીઓની સુરક્ષા માટે આયોગ હવે આગળ આવ્યું છે.

વિવાદ વધ્યા બાદ બાદશાહે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને માફી માગી હતી. વીડિયોમાં બાદશાહે કહ્યું હતું કે તેના ગીતથી કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો તેનો કોઈ ઈરાદો નહોતો. તેમણે માફી માગી અને તરત જ ગીતને બધા પ્લેટફોર્મ પરથી દૂર કરી દીધું. જોકે, આનાથી મહિલા આયોગને કોઈ વાંધો નહોતો, જે ગાયક સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.

Sabarkantha : થ્રેસર મશીનમાં દુપટ્ટો ફસાતા 17 વર્ષની સગીરાનું મોત, માથુ ધડથી થયું અલગ

0

સાબરકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એક એવી ઘટના બની છે, જે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠે. ખેતરમાં કામ કરી રહેલી એક 17 વર્ષની સગીરાનું થ્રેસર મશીનમાં ફસાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સગીરાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટના મળતી માહિતી અનુસાર, ગુજરાત-રાજસ્થાન સરહદ પાસે આવેલા કોટાડા વિસ્તારમાં એક શ્રમિક પરિવાર ખેતરમાં ઘઉં કાપણીનું કામ કરી રહ્યો હતો. આ પરિવારની દીકરી હીના (ઉંમર 17 વર્ષ), જે ધોરણ 11માં અભ્યાસ કરતી હતી, તે પણ ખેતરમાં પૂળા નાખવામાં મદદ કરી રહી હતી. ખેતરમાં ઘઉંના પૂળા થ્રેસરમાં નાખતી વખતે અચાનક હીનાનો દુપટ્ટો મશીનના ફરતા પટ્ટામાં ખેંચાઈ ગયો હતો.

દુપટ્ટો ખેંચાતાની સાથે જ સેકન્ડોના ભાગમાં હીનાનું માથું પણ મશીનની અંદર આવી ગયું હતું. મશીનની ગતિ એટલી તેજ હતી કે જોતજોતામાં દીકરીનું માથું ધડથી અલગ થઈ ગયું અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોતાની નજર સામે જ વ્હાલસોયી દીકરીનો આવો અંત જોઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ ઘટના ખેતીકામ કરતા શ્રમિકો અને ખેડૂતો માટે લાલબત્તી સમાન છે. ખાસ કરીને બહેનો અને દીકરીઓએ ખેતીના મશીનો (થ્રેસર, કટર) પાસે કામ કરતી વખતે દુપટ્ટો, સાડી કે ઢીલા કપડાં બાબતે અત્યંત સાવધ રહેવું જોઈએ. નાનકડી ચૂંક જીવનભરનું સંતાપ આપી શકે છે. હાલમાં આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat : PM પોષણ યોજનાના કમિશનરનો આદેશ, શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ

0

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ઊભી થયેલી એલપીજી ગેસની અછતની સીધી અસર શાળાઓના મધ્યાહન ભોજન પર ન પડે તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. પીએમ પોષણ યોજનાના કમિશનરે તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને પત્ર લખીને શાળાઓ અને સેન્ટ્રલાઈઝ્ડ કિચન માટે ગેસનો પુરવઠો કોઈપણ અવરોધ વિના અને પ્રાથમિકતાના ધોરણે પૂરો પાડવા સૂચના આપી છે.

પીએમ પોષણ યોજનાના સંયુક્ત કમિશનર એન.એસ. ગુપ્તા દ્વારા 13મી માર્ચ 2026ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) 2013 અંતર્ગત આવે છે. બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકોને નિયમિત ભોજન પહોંચાડવું એ રાજ્ય સરકારની કાનૂની બાંહેધરીરૂપ ફરજ છે. આથી, કોઈપણ સંજોગોમાં શાળાઓમાં રસોઈ બંધ થવી જોઈએ નહીં.

પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટેનું ભોજન એલપીજી સિલિન્ડર પર રાંધવામાં આવે છે, જ્યારે એનજીઓ સંચાલિત શાળાઓમાં સેન્ટ્રલાઈઝ્ડ કિચન મારફતે ભોજન તૈયાર થાય છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે ગેસ સપ્લાયમાં અડચણો આવી રહી છે, ત્યારે ગેસ એજન્સીઓને પીએમ પોષણ યોજનાના કેન્દ્રોને અગ્રતા આપવા આદેશ અપાયો છે. જિલ્લા પુરવઠા અધિકારીઓને ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા જવાબદારી સોંપવામાં આવી છે. સેન્ટ્રલાઈઝ્ડ કિચન માટે જરૂરી ઇંધણના જથ્થામાં કોઈ વિઘ્ન ન પડે તે જોવાની તાકીદ કરી છે.

આ ગંભીર મુદ્દે શિક્ષણ વિભાગ અને અન્ન તથા નાગરિક પુરવઠા વિભાગના નાયબ સચિવોને પણ જાણ કરવામાં આવી છે. તમામ મહાનગરપાલિકાઓના નાયબ કલેક્ટરોને આદેશ અપાયો છે કે તેઓ સ્થાનિક સ્તરે ગેસ સપ્લાય પર દેખરેખ રાખે જેથી બાળકોના પોષણ પર કોઈ વિપરીત અસર ન પડે.

ઉલ્લેખનીય છે કે 11 માર્ચે આણંદ જિલ્લાની આસોદર પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય દ્વારા મધ્યાહન ભોજન યોજના (PM પોષણ યોજના) ખોરવાય નહીં તે માટે વહીવટી તંત્ર પાસે ગેસ સિલિન્ડરની માગ કરી હતી. અને આ ગંભીર મુદ્દે ગેસ એજન્સીને પત્ર લખીને જણાવ્યું હતું કે, માર્ચ 2026થી શાળાના મધ્યાહન ભોજન માટે પુરવઠામાં 6 રાંધણગેસના સિલિન્ડરની ફાળવણી તાત્કાલિક ધોરણે કરવામાં આવે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોને આપવામાં આવતા ભોજનમાં ગેસની અછતને કારણે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ભવિષ્યમાં બાળકોનું ભોજન બંધ ન થાય તે માટે આ પૂર્વતૈયારીના ભાગરૂપે રજૂઆત કરાઈ હતી. સમય જતા રાજ્યના અનેક જિલ્લામાં આવી સમસ્યા સામે આવી હોવાથી સરકારે આ નિર્ણય લીધો હોઈ શકે છે.

National : ખાડી દેશોના નાગરિકોને ભારતે આપી મોટી રાહત, યુદ્ધ વચ્ચે લીધો આ મોટો નિર્ણય

0

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ભારતે અસરગ્રસ્ત વિદેશી નાગરિકોના વિઝા 30 દિવસ માટે લંબાવી દીધા છે. ફસાયેલા વિદેશી નાગરિકો માટે એક્ઝિટ પરમિટ ફીમાંથી મફત મુક્તિની જાહેરાત કરવામાં આવી છે.મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને, ભારતે શુક્રવારે જાહેરાત કરી કે તેણે અસરગ્રસ્ત વિદેશી નાગરિકોના વિઝા 30 દિવસ માટે લંબાવી દીધા છે. વધુમાં વિદેશી નાગરિકો પર તેમની પરવાનગીની અવધિ કરતાં વધુ સમય રોકાવવા બદલ લાદવામાં આવતા દંડમાં માફીની જાહેરાત કરી.

દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે શુક્રવારે સાંજે ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી. નિયમોમાં આ છૂટછાટ તમામ પ્રકારના વિઝા પર લાગુ પડે છે – નિયમિત વિઝા અને ઈ-વિઝા બંને. આ જાહેરાત અમેરિકા અને ઇઝરાયલ દ્વારા મધ્ય પૂર્વમાં ઈરાન સામે કરવામાં આવેલા હુમલાઓથી ઉદ્ભવેલા સંકટ વચ્ચે આવી છે, જે એક મોટા પ્રાદેશિક સંઘર્ષમાં પરિણમી છે.

વિઝા વિસ્તરણ અને દંડમાં માફી વિવિધ દેશોના વિદેશી નાગરિકોને લાગુ પડશે, જેમાં ગલ્ફ ક્ષેત્રના લોકોનો પણ સમાવેશ થાય છે. દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત નાગરિકો માટે તમામ પ્રકારના વિઝા અને ઈ-વિઝા – ભલે તે હાલમાં સમાપ્ત થઈ ગયા હોય અથવા સમાપ્તિ નજીક હોય – એક મહિના માટે લંબાવવામાં આવશે. આ વિસ્તરણ ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) દ્વારા કેસ-બાય-કેસ આધારે મંજૂર કરવામાં આવશે.

28 ફેબ્રુઆરી, 2026 થી વધુ સમય માટે તેમની પરવાનગી આપવામાં આવેલી મુદત કરતાં વધુ સમય માટે રોકાણ કરવા બદલ અસરગ્રસ્ત વિદેશી નાગરિકો પર લાદવામાં આવેલા દંડ પણ માફ કરવામાં આવ્યા છે. ભારતીય અધિકારીઓએ વધુમાં જાહેરાત કરી છે કે ફસાયેલા વિદેશી નાગરિકોને એક્ઝિટ પરમિટ અને કામચલાઉ લેન્ડિંગ પરમિટ માટે મફતમાં માફી આપવામાં આવશે.

કોન્સ્યુલેટે વધુમાં જાહેરાત કરી હતી કે અસરગ્રસ્ત વિદેશી નાગરિકોને એક્ઝિટ પરમિટ મફતમાં જારી કરવામાં આવશે. આ ચોક્કસ સંદર્ભમાં, વિદેશી નાગરિક દ્વારા એક્ઝિટ પરમિટ માટે અરજી કરવામાં નિષ્ફળતા – અને તેના બદલે તેમના વિઝાને લંબાવવાનો વિકલ્પ પસંદ કરવો – કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવશે નહીં. વધુમાં, ભારતે જાહેરાત કરી હતી કે તે ફ્લાઇટ ડાયવર્ઝનને કારણે દેશમાં આવતા વિદેશી નાગરિકોને કામચલાઉ લેન્ડિંગ પરમિટ (TLP) આપશે.

સંઘર્ષ ફાટી નીકળ્યા પછી તરત જ 1 માર્ચના રોજ ભારતે દેશમાં હાજર વિદેશી નાગરિકોને તેમના વિઝાના વિસ્તરણ અંગે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવા વિનંતી કરી હતી. વિદેશ મંત્રાલય (MEA) એ એક સલાહકાર જાહેર કરીને વિદેશી નાગરિકોને અપીલ કરી છે કે જો તેમને વિઝા વિસ્તરણમાં સહાયની જરૂર હોય તો તેઓ નજીકના વિદેશી પ્રાદેશિક નોંધણી કાર્યાલય (FRRO) નો સંપર્ક કરે.

Gujarat : આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ

0

ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલી લોકગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્ન વિવાદમાં મોડી રાત્રે ચોંકાવનારો વળાંક આવ્યો છે. સુરક્ષાની માંગણી કરતી અને મક્કમતાથી વીડિયો બનાવતી કિંજલને આખરે બે સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ પરિવારને સોંપી દેવામાં આવી છે.રાધનપુરના સિનાડ ગામની વતની જાણીતી ગાયક કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો હતો કે, તેને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પાસે રક્ષણની માંગ કરી હતી.

આ મામલે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે તણાવ વધતા બંને સમાજના મોભીઓ અને આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. લાંબી ચર્ચા અને સમજાવટ બાદ, ચૌધરી સમાજના આગેવાનોએ કિંજલને તેના પરિવારને પરત સોંપવાની બાહેંધરી આપી હતી.મોડી રાત્રે કિંજલ રબારી અને અશોક ચૌધરીને અલગ કરવામાં આવ્યા હતા. જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કિંજલ કાયદાકીય લડત અને મક્કમતાની વાતો કરતી હતી, તે તમામ વીડિયો અને પોસ્ટ્સ એકાએક ડિલીટ કરી દેવામાં હતી. બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય તે હેતુથી આગેવાનોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે.

National : યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્જ

0

એર ઈન્ડિયા બાદ ઈન્ડિગો એરલાઇને પ્રવાસીઓના ખિસ્સા પર બોજ વધારતા ‘ફ્યુઅલ ચાર્જ’ (Fuel Charge) લાગુ કરવાની જાહેરાત કરી છે. 14 માર્ચ, 2026ના રોજ રાત્રે 00:01 વાગ્યાથી (આજે રાત્રે 12 વાગ્યે અને 1 મિનિટે) તમામ નવા બુકિંગ પર આ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે વિમાનના ઈંધણ (ATF)ના ભાવમાં 85 ટકાથી વધુનો તોતિંગ વધારો થયો છે, જેના પરિણામે એરલાઇને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.

નવા ફ્યુઅલ ચાર્જની જાહેરાત પ્રમાણે ભારતમાં ડોમેસ્ટિક રૂટ અને ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (ભારતીય ઉપખંડ)ના રૂટ પર મુસાફરોએ 425 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય રૂટ પર આ ચાર્જ વધુ રહેશે, જેમાં મધ્ય પૂર્વ માટે 900 રૂપિયા અને યુરોપના રૂટ પર સૌથી વધુ 2,300 રૂપિયા સુધીનો ફ્યુઅલ ચાર્જ વસૂલવામાં આવશે. એરલાઇને જણાવ્યું છે કે, ‘ઓપરેટિંગ ખર્ચમાં થયેલા અચાનક વધારાને કારણે આ પગલું લેવું અનિવાર્ય બન્યું છે’. આ નવો ચાર્જ 14 માર્ચની (આજે રાત્રે 12 વાગ્યે અને 1 મિનિટે) મધરાતની લાગુ થશે. જેની સીધી અસર હવાઈ ટિકિટ પર પડશે.

ઈન્ડિગોએ જાહેર કરેલો નવો ફ્યુઅલ ચાર્જ

-ભારતમાં સ્થાનિક ઉડાન(ડોમેસ્ટિક): 425 રૂપિયા

-ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ: 425 રૂપિયા

-મધ્ય પૂર્વ: 900 રૂપિયા

-દક્ષિણ પૂર્વ એશિયા અને ચીન: 1,800 રૂપિયા

-આફ્રિકા અને પશ્ચિમ એશિયા: 1,800 રૂપિયા

-યુરોપ: 2,300 રૂપિયા

મહત્વનું છે કે આ પહેલા 10 માર્ચે એર ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાની જાહેરાત કરી હતી, જેમાં ડોમેસ્ટિક ફ્લાઈટમાં 399 રૂપિયા તો મિડલ ઈસ્ટમાં 900 રૂપિયા, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના ફ્લાઈટ માટે અંદાજિત 1800નો વધારો કર્યો હતો. મહત્વનું છે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એરલાઇનના સંચાલન ખર્ચના લગભગ 40% હિસ્સો ધરાવે છે, જેના કારણે ફ્યુઅલ સરચાર્જ વધારી ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.