Home Blog Page 295

Entertainment : પહેલા પિતાને કર્યા અનફોલો, હવે હટાવી સરનેમ…! થલપતિ વિજયના પુત્ર જેસનનો મોટો નિર્ણય!

0

થોડા સમય પહેલા, થલાપતિ વિજય અને સંગીતાના છૂટાછેડાની ચર્ચા ખૂબ જ ચર્ચામાં હતી, જેના પર ઘણા લોકોએ પ્રતિક્રિયાઓ આપી હતી. થલાપતિ વિજયના પુત્રએ પોતાના નામમાંથી પિતાનું નામ કાઢી નાખ્યું અને પોતાની માતાનું નામ ઉમેર્યું.

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજય હાલમાં હેડલાઇન્સમાં છે. તેમની પત્ની સંગીતાએ છૂટાછેડા માટે અરજી કરી હતી. આ સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. સંગીતાએ વિજય પર બીજી સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. 25 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડાથી બધાને આઘાત લાગ્યો હતો. આ દરમિયાન, તેમના પુત્રની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે પોતાના નામમાં ફેરફાર કર્યા છે.

થલાપતિ વિજયના પુત્ર, જેસન સંજયે પોતાના નામમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. મૂળ નામ જેસન સંજય હતું, પરંતુ હવે તેણે તેનું નામ બદલીને જેસન સંજય એસ રાખ્યું છે. S તેના પિતાના નામને બદલે તેની માતા સંગીતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ફેરફારથી ઘણા લોકો આશ્ચર્યચકિત થયા છે. ઘણા લોકો માને છે કે આ પુત્રની તેની માતાની પડખે ઊભા રહેવાની રીત છે. જેસન ફિલ્મ દિગ્દર્શક બનવાની ઇચ્છા રાખે છે.

જ્યારે માતા-પિતા ઝઘડે છે, ત્યારે બાળકોને સૌથી વધુ દુઃખ થાય છે. તેઓ સૌથી વધુ પ્રભાવિત અને દુઃખી થાય છે. જેસને તેના પિતા વિજયને સોશિયલ મીડિયા પર અનફોલો પણ કરી દીધા છે, જેનાથી અફવાઓ વધુ ફેલાઈ ગઈ છે. વિજય અને સંગીતાને બે બાળકો છે, પુત્ર જેસન અને પુત્રી દિવ્યા શાશા. પરિવાર પહેલા ખુશ દેખાતો હતો, પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. બાળકો તેમના માતા-પિતા વચ્ચે ફસાઈ જાય છે, જેના કારણે તેમના માટે નિર્ણયો લેવાનું મુશ્કેલ બને છે.

થલાપતિ વિજય અભિનેત્રી ત્રિશા સાથેના લગ્નમાં હાજરી આપી હતી. ત્રિશા અને વિજય વચ્ચેના અફેરની અફવાઓ ખૂબ જ ચર્ચામાં છે. લગ્ન સમારોહમાં તેમના એકસાથે દેખાવાએ આ અફવાઓને વધુ વેગ આપ્યો, જેના કારણે વિવિધ ટિપ્પણીઓ થઈ. જોકે, થલાપતિ વિજય કે ત્રિશા બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

Breaking News : ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે વડોદરામાં પોલીસ ફરિયાદ

ટી 20 વર્લ્ડ કપમાં થયેલી જીતની ઉજવણીમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન ભાન ભૂલ્યા હતા, રાષ્ટ્ર ધ્વજના કરેલા અપમાન અંગે વડોદરાના કારેલીબાગ પોલીસ મથકે રિપબ્લિકન પાર્ટીના અગ્રણી શૈલેષ શુક્લએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની થયેલી જીત બાદ તમામ ભારતીય પ્લેયરો શાનદાર ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યારે શરીર પર તિરંગો બાંધીને હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને તેની ગર્લફ્રેન્ડ સાથે રાષ્ટ્રધ્વજ શરીર પર લપેટીને અતરંગ ફોટા પડાવ્યા હતા.

હાર્દિક પંડ્યા એ તો એક જગ્યાએ સૂતા સૂતા ફોટોગ્રાફરોને વિવિધ પોઝ આપ્યા હતા અને ભારતીય તિરંગાનું હળાહળ અપમાન કર્યું હતું. પરિણામે વિવિધ રાજ્યમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે તિરંગાના અપમાનની ફરિયાદો થઈ હતી. ત્યારબાદ વડોદરા ખાતે રિપબ્લિકન પાર્ટીના હોદ્દેદારોએ પણ કારેલીબાગ પોલીસ મથકે તિરંગાના અપમાન કરવા બદલ હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Surat : NH-48 પર ટાયર ફાટતા ટેમ્પો પલટ્યો, કામરેજના વાવ ગામ પાસે સર્જાયો અકસ્માત

0

સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આજે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. કામરેજ તાલુકાના વાવ ગામ નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ટેમ્પોનું અચાનક ટાયર ફાટી ગયું હતું.

સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આજે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. કામરેજ તાલુકાના વાવ ગામ નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ટેમ્પોનું અચાનક ટાયર ફાટી ગયું હતું. ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો અધવચ્ચે જ પલટી મારી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પરના ટ્રાફિક પર થોડી અસર પડી હતી.

આ અકસ્માતમાં ટેમ્પો ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે, આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટેમ્પોમાં રહેલા સામાન અને વાહનને નુકસાન પહોંચ્યું છે.

ઘટનાની જાણ થતા જ જિલ્લા ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ક્રેઈનની મદદથી પલટી ગયેલા ટેમ્પોને રોડ પરથી હટાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માત અંગેની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર વાહનોની સ્પીડ વધારે હોવાથી ટાયર ફાટવાની ઘટનાઓ ઘણીવાર ગંભીર સાબિત થતી હોય છે.

World : અમેરિકાના જાસૂસોની જાણકારી આપો અને 1 લાખ ડૉલરનું ઇનામ મેળવો..’, હવે ઈરાકી રેઝિસ્ટન્સનું એલાન

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાકના સશસ્ત્ર જૂથ ઇસ્લામિક રેઝિસ્ટન્સે અમેરિકન સૈન્ય અને ગુપ્તચર કર્મચારીઓ અંગે એક સનસનીખેજ એલાન કર્યું છે. રેઝિસ્ટન્સ જૂથોએ ઈરાક અને આસપાસના ક્ષેત્રોમાં કાર્યરત અમેરિકન લશ્કર, ગુપ્તચર અને જાસૂસ એજન્સીના અધિકારીઓ વિશે સચોટ માહિતી આપનાર માટે ભારે ઈનામની જાહેરાત કરી છે.

શુક્રવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં રેઝિસ્ટન્સ જૂથોએ કહ્યું હતું કે, જે કોઈ પણ અમેરિકન સૈન્ય અથવા ઉચ્ચ-સ્તરીય ગુપ્તચર અધિકારીઓની ઓળખ અથવા ઠેકાણા વિશે સચોટ માહિતી આપશે તેને 150 મિલિયન ઈરાકી દીનાર (લગભગ $1,14,500 એટલે કે ભારતીય ચલણમાં રૂ. 95 લાખથી વધુ)નું ઈનામ આપવામાં આવશે.આ ઈનામ ઈરાકી નાગરિકોની સાથે-સાથે ત્યાં રહેતા વિદેશી રહેવાસીઓ માટે પણ છે. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે, જમીની સ્તર પર રેઝિસ્ટન્સની વધતી જતી તાકાતના કારણે અમેરિકનો પાસે સુરક્ષાના વિકલ્પો ઓછા થઈ ગયા છે.

ઈરાકી રેઝિસ્ટન્સના મતે અમેરિકન અધિકારીઓને હવે મજબૂર થઈને વૈકલ્પિક અને રહેણાંક વિસ્તારો(Civilian Locations)નો સહારો લેવો પડી રહ્યો છે, જેને તેઓ સુરક્ષિત માની રહ્યા છે. રેઝિસ્ટન્સે ભાર મૂકીને કહ્યું કે માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને તેના માટે સુરક્ષિત ચેનલો તૈયાર કરવામાં આવી છે.

આ એલાન એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે માત્ર એક દિવસ પહેલા જ આ જૂથોએ ઈરાકમાં યુએસ એરફોર્સના રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ(KC-135)ને તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો હતો, જેમાં તમામ છ ક્રૂ મેમ્બર માર્યા ગયા હતા. આ નવા ઈનામના એલાન બાદ ક્ષેત્રમાં તહેનાત અમેરિકન સૈનિકો અને દૂતાવાસના કર્મચારીઓ પર વધુ ખતરો મંડરાયો છે.

Entertainment : આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…

0

બોલિવૂડ એક્ટ્રેસ ફાતિમા સના શેખ જેને દંગલ (2016) થી પહેલી મોટી ઓળખ મળી હતી. તેમણે તાજેતરમાં જ ન્યુરોલોજીકલ બીમારી વિશે જાગૃતિ ફેલાવવા માટે મિર્ગી (ખેંચ આવી જવી) સાથે પોતાની લડાઈ વિશે ખુલીને વાત કરી છે.

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે યાદ કર્યું કે, સેટ પર શૂટિંગ વચ્ચે મને અચાનક ખેંચ આવી જતી હતી અને કેવી રીતે મારા કો સ્ટાર આમિર ખાન અને સાન્યા મલ્હોત્રા તેમજ ક્રૂએ તે મુશ્કેલ સમયમાં મને સાથ આપ્યો હતો.સોહા અલી ખાનના પોડકાસ્ટ પર વાત કરતા ફાતિમાએ ખુલાસો કર્યો કે, આ ઘટના અચાનક બની જ્યારે હું સેટ પર હતી, જેના કારણે મારી આસપાસના લોકો સમજી ન શક્યા કે ખરેખર શું થઈ રહ્યું છે.

ચંડ-મુંડનો નાશ કરનારી ચોટીલાવાળી મા ચામુંડા; મંદિરે સૂર્યાસ્ત પછી પૂજારી પણ ન જઈ શકે!ચંડ-મુંડનો નાશ કરનારી ચોટીલાવાળી મા ચામુંડા; મંદિરે સૂર્યાસ્ત પછી પૂજારી પણ ન જઈ શકે!

એક્ટ્રેસે કહ્યું કે, ખેંચ આવી અને મેં કહ્યું ના, ના, કંઈ નહીં બધું ઠીક થઈ જશે.’ પણ પછી તે વધતું જ ગયું. મેં મારી આસપાસના બધાને કહ્યું કે મને ખેંચ આવવાની છે. કોઈને ખબર નહોતી કે તે શું છે. મને પણ ખબર નહોતી કે તે શું છે અને સદભાગ્યે આમિર ખાન ત્યાં હતા, સાન્યા મલ્હોત્રા ત્યાં હતા, કૃપા શંકર બિશ્નોઈ જે અમને ટ્રેનિંગ આપી રહ્યા હતા, તેઓ પણ ત્યાં હતા અને તેઓએ તરત જ ગૂગલ કર્યું, તેમને જવાબ મળ્યા, મને એક તરફ સુવડાવી અને જે જરૂરી હતું તે કર્યું. અને પછી અંતે મને લાગે છે કે એક પ્રોડક્શન હાઉસ તરીકે તેઓએ તે જાણવાની જવાબદારી પોતે ઉઠાવી કે, તે શું છે, કારણ કે મારા પર ઘણું નિર્ભર હતું, આખી ફિલ્મ હતી.

આ ઘટના બાદ ફાતિમાએ જણાવ્યું કે, ‘મને મેડિકલ તપાસ માટે ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી, જેમાં MRI અને EEG જેવા ટેસ્ટ સામે હતા. બાદમાં મને મુંબઈના એક ન્યુરોલોજીસ્ટ પાસે મોકલવામાં આવી હતી અને સમસ્યાને કંટ્રોલ કરવા માટે દવા આપવામાં આવી.’

જોકે, તેણે જણાવ્યું કે, દવાનો ડોઝ ખૂબ વધારે હતો, જેના કારણે મારા માટે રોજિંદા કામ કરવા મુશ્કેલ થઈ ગયા હતા. મને ચક્કર આવવા જેવું અનુભવાતું હતું, સીધા ચાલવામાં મુશ્કેલી થતી હતી અને અચાનક અને ઝડપી મૂડ સ્વિંગનો અનુભવ થતો હતો. મને ઉદાસી, ગુસ્સો અને આસપાસની દુનિયાથી અલગ હોઉં એવું અનુભવાતું હતું.

ફાતિમાએ આગળ જણાવ્યું કે, ‘દવાની આડઅસરોને કારણે ફિલ્મ માટે જરૂરી કઠોર કુસ્તીની ટ્રેનિંગ ચાલુ રાખવી લગભગ અશક્ય બની ગઈ હતી. કોઈને કહ્યા વિના મેં આખરે દવા લેવાનું બંધ કરી દીધું હતું, ભલે હું જાણતી હતી કે ખેંચ આવવાનું ચાલી રહી શકે છે.’

તેણે સ્વીકાર્યું કે, મને એ વાતનો ખૂબ ડર લાગતો હતો કે, ક્યાંક બીજાની સામે મને ફરીથી ખેંચ ન આવી જાય. જ્યારે પણ મને લાગતું હતું કે, મને ખેંચ આવવાની છે, હું ત્યાંથી ચૂપચાપ નીકળી જતી, બાથરૂમમાં જઈને દરવાજો બંધ કરી લેતી અને ખેંચ આવીને નીકળી ન જાય તેની રાહ જોતી. એક્ટ્રેસે જણાવ્યું કે હું લગભગ ચાર વર્ષ સુધી આ જ ડર અને રુટિન સાથે જીવતી રહી.

Rajkot : રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, સુસાઈડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ

0

રાજકોટ AIIMSના મેડિકલના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી લેતા મેડિકલ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૂળ રાજસ્થાનના અને એઈમ્સમાં MBBSના અભ્યાસ બાદ ઇન્ટર્નશીપ કરી રહેલા ડોક્ટરે શનિવારે (14મી માર્ચ) સવારે પરાપીપળિયા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

મળતી માહિતી અનુસાર, ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ દરમિયાન મૃતક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં ડૉક્ટરે પોતે ‘મેન્ટલી ડિસ્ટર્બ’ હોવાને કારણે આ અંતિમ પગલું ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કોઈ અંગત કે શૈક્ષણિક દબાણ હતું કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યાનુસાર, મૃતક ડૉ. રતનકુમાર મેઘવાલ મૂળ રાજસ્થાનના જેસલમેરનો વતની હતો. તે રાજકોટ એઈમ્સમાં MBBS પૂર્ણ કરી અત્યારે ઇન્ટર્ન ડોક્ટર તરીકે સેવા આપી રહ્યો હતો. યુવાનના આપઘાતના સમાચાર તેના પરિવારને આપવામાં આવતા તેઓ રાજસ્થાનથી રાજકોટ આવવા રવાના થયા છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે,રતનકુમારે અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ તે વહેલી સવારે હોસ્ટેલથી નીકળી આ જ પરાપીપળિયા રેલવે ટ્રેક પર પહોંચ્યો હતો, પરંતુ ગ્રામજનોએ તેને સમયસર બચાવી લીધો હતો. કમનસીબે, આ વખતે તે મોત સામે જંગ હારી ગયો.

Ahmedabad : અમદાવાદના બોપલમાં બાથરૂમના કિંમતી નળ ચોરતી એક ગેંગ નો પોલીસે કર્યો પર્દાફાશ

અમદાવાદના પોશ ગણાતા બોપલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બાથરૂમના નળ અને તેના પાર્ટ્સની ચોરીની ઘટનાઓ વધી રહી હતી. આ મામલે બોપલ પોલીસે સક્રિયતા દાખવીને ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભાંડાફોડ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ગુરુદ્વારા સ્મશાન નજીકથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓની પૂછપરછમાં ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

પોલીસને ખાનગી રાહે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મહત્વની બાતમી મળી હતી કે કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓ ચોરીના મુદ્દામાલ સાથે સ્મશાન નજીક ફરી રહી છે. વોચ ગોઠવીને પોલીસે ચારેય શખ્સોને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી પ્રખ્યાત જગુવાર (Jaguar) કંપનીના બાથરૂમ ફિટિંગ્સ અને નળના પાર્ટ્સ મળી આવ્યા હતા. આ સાથે પોલીસે ચોરીમાં વપરાયેલી એક ત્રણ પૈડાવાળી પેન્ડલ રિક્ષા પણ કબજે કરી છે. પોલીસે કુલ રૂ.1,78,246 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ બોપલ વિસ્તારના નવા બાંધકામ હેઠળના મકાનો અને બંગલાઓને નિશાન બનાવીને કિંમતી નળની ચોરી કરતા હતા. આ ટોળકી ઘરફોડ ચોરી કરવામાં માહિર હોવાનું પણ બહાર આવ્યું છે. હાલમાં બોપલ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેઓ અન્ય કેટલી ચોરીઓમાં સામેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Kutch : પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની કરી કરપીણ હત્યા, મૃતદેહ કૂવામાં ફેંકી દીધા

0

કચ્છના નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે ગત ફેબ્રુઆરી મહિનાથી ગુમ થયેલા પ્રેમીપંખીડાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં 39માં દિવસે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે યુવતીના પિતાએ જ પોતાના ભાણેજ સાથે મળીને પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ખાંભલા ગામની 19 વર્ષીય નાથીબેન રબારીને પોતાના જ સમાજના 21 વર્ષીય નવીન રબારી સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધ પરિવારને મંજૂર ન હોવાથી બંને ત્રીજી ફેબ્રુઆરીના રોજ ઘરેથી ભાગી ગયા હતા. આ અંગે યુવક અને યુવતીના પરિવારો દ્વારા નખત્રાણા પોલીસ મથકે ગુમ નોંધ પણ કરવામાં આવી હતી.

ઓનર કિલિંગની શંકાના આધારે પોલીસે જ્યારે યુવતીના પિતા વકા રબારીની સઘન પૂછપરછ કરી, ત્યારે સત્ય સામે આવ્યું હતું. તેણે કબૂલાત કરી હતી કે પોતાના ભાણેજ પબા રબારી સાથે મળીને ભાગી ગયેલા બંને પ્રેમીઓને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ રસ્તામાં જ બંનેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહોને ખાંભલા ગામના એક કૂવામાં ફેંકી દીધા હતા.

આરોપીની કબૂલાત બાદ નખત્રાણા પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ કૂવામાંથી નવીન અને નાથીબેનના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઘટનાને પગલે રબારી સમાજ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Ahmedabad: અકસ્માતનો ઠપકો આપનાર વૃદ્ધને કારના બોનેટ પર લટકાવીને આખા વિસ્તારમાં ફેરવ્યા!

નિકોલ વિસ્તારમાં એક નશામાં ધૂત કારચાલકે સામાન્ય બોલાચાલી બાદ એક વૃદ્ધને કારના બોનેટ પર પછાડીને તેમને ફંગોળવા અને વિસ્તારમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો.અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક નશામાં ધૂત કારચાલકે સામાન્ય બોલાચાલી બાદ એક વૃદ્ધને કારના બોનેટ પર પછાડીને તેમને ફંગોળવા અને વિસ્તારમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે આક્રોશ ફેલાયો છે.

ઘટનાની વિગત મુજબ, કારચાલકે નશાની હાલતમાં કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. આ જોઈને નજીકમાં રહેતા એક વૃદ્ધે કારચાલકને ઠપકો આપ્યો હતો. જેનું માઠું લાગતા ગુસ્સે ભરાયેલા કારચાલકે વૃદ્ધને કચડી નાખવાના ઈરાદે કાર ચલાવી હતી. વૃદ્ધ કારની સામે આવી જતા તેઓ કારના બોનેટ પર આવી ગયા હતા.

ઘટના કેટલી ગંભીર હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કારચાલકે વૃદ્ધને બોનેટ પર લટકાવેલી હાલતમાં જ આખા વિસ્તારમાં દોડાવી હતી. વૃદ્ધ સતત જીવ બચાવવા માટે વિનંતીઓ કરતા રહ્યા અને આસપાસના લોકો ચીસો પાડતા રહ્યા, તેમ છતાં નિર્દય કારચાલકે કાર રોકવાનું નામ ન લીધું.

થોડે દૂર ગયા બાદ આસપાસના જાગૃત લોકો અને સ્થાનિક રહીશોએ સાહસ બતાવીને કારને ઘેરી લીધી હતી અને કારચાલકને બહાર ખેંચી કાઢ્યો હતો. લોકોએ રોષમાં આવીને નશામાં ધૂત આ ચાલકને મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ દ્વારા હવે આ આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

National : કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત

0

કેન્દ્ર સરકારે લદ્દાખમાં ચાલી રહેલા ગતિરોધનો અંત લાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ મળેલી શક્તિઓનો પ્રયોગ કરીને લદ્દાખના પ્રમુખ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર લદ્દાખમાં શાંતિ, સ્થિરતા અને પરસ્પર વિશ્વાસનો માહોલ બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ નિર્ણય તમામ હિતદધારકો (Stakeholders) સાથે “રચનાત્મક અને અર્થપૂર્ણ વાતચીત” ને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે.

સરકારનું માનવું છે કે આ પગલાંથી લદ્દાખની માંગણીઓને લઈને ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવામાં મદદ મળશે. સોનમ વાંગચુક છેલ્લા લાંબા સમયથી લદ્દાખને છઠ્ઠી અનુસૂચિ (6th Schedule)માં સમાવવા અને રાજ્યનો દરજ્જો આપવા જેવી માગોને લઈને આંદોલન કરી રહ્યા છે.

તેમની અટકાયતથી લદ્દાખ અને દેશના અન્ય ભાગોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા. હવે જ્યારે તેમની અટકાયત સમાપ્ત થઈ ગઈ છે, ત્યારે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કેન્દ્ર સરકાર અને લદ્દાખના પ્રતિનિધિમંડળો વચ્ચે વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.

વાંગચુક વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) જેવી કડક જોગવાઈઓના ઉપયોગથી નાગરિક સમાજ અને વિરોધ પક્ષો તરફથી તીખી પ્રતિક્રિયાઓ આવી હતી. ગૃહ મંત્રાલયે હવે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર અને લદ્દાખ વચ્ચેના વિશ્વાસના અભાવને દૂર કરવા માટે ભવિષ્યમાં સકારાત્મક ચર્ચાઓને ધ્યાનમાં રાખીને જ મુક્તિ સુનિશ્ચિત કરવામાં આવી છે.