Home Blog Page 311

Surat : ધુળેટીના રંગ બાદ ‘સ્નેહની પંગત’ : સુરતમાં સદી જૂની પરંપરા આજે પણ જીવંત, અનેક શેરીઓમાં રંગ પાંચમ સુધી સમૂહ ભોજનનું આયોજન

0

સુરતમાં થોડા દિવસ પહેલાં ધુળેટીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હોળી-ધુળેટીના રંગોની મસ્તી પછી શહેરના કોટ વિસ્તારમાં વર્ષોથી ચાલતી અનોખી પરંપરા આજે પણ જીવંત જોવા મળે છે. ધુળેટીના બીજા દિવસથી લઈને રંગ પાંચમ સુધી અનેક શેરીઓમાં દરરોજ સાંજે સમૂહ ભોજનનું આયોજન થાય છે. છેલ્લા સદીથી વધુ સમયથી ચાલતી આ પરંપરા આજે પણ યથાવત રહી સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપી રહી છે. જોકે, પહેલી વાર ધુળેટીના બીજા દિવસના બદલે થોડા દિવસ પછી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કોટ વિસ્તારની મહિધરપુરા, રામપુરા સહિત અનેક શેરીઓમાં ધુળેટી બાદ દસેક દિવસ સુધી સામૂહિક ભોજન યોજાય છે. આ પંગતમાં ગરીબ હોય કે સંપન્ન–તમામ લોકો એક સાથે બેસીને ભોજન લે છે. વડીલોએ શેરીમાં સામાજિક એકતા મજબૂત બને, પરસ્પર સ્નેહ વધે અને આર્થિક રીતે નબળા લોકો પણ તહેવારની ખુશીમાં જોડાઈ શકે તે હેતુથી શરૂ કરેલી આ પરંપરા આજે નવી પેઢી દ્વારા પણ જાળવી રાખવામાં આવી રહી છે.

સુરતના દુધારા શેરીમાં રહેતા ધર્મેશ જરીવાલા જણાવે છે કે, “અમારા વડવાઓ એ શરૂ કરેલી આ પરંપરા આજે પણ અમે યથાવત રાખી છે. સામાન્ય રીતે ધુળેટીના બીજા દિવસથી સમૂહ ભોજન શરૂ થાય છે, પરંતુ આ વર્ષે રસોઈ બનાવતા રસોયા બહાર હોવાથી મંગળવારથી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ધુળેટીની ઉજવણી તો સૌ સાથે ભેગા થઈ કરીએ છીએ, ત્યારબાદ દસ દિવસ સુધી શેરીના ગરીબ અને સંપન્ન તમામ લોકો સાથે બેસીને ભોજન લે છે. અમારા દાદા-પિતાએ જાળવી રાખેલી આ પરંપરા અમે પણ આગળ વધારી રહ્યા છીએ.”

કોટ વિસ્તારમાં રહેતા હેમંત ટોપીવાળા કહે છે કે, “સુરતનો કોટ વિસ્તાર અનેક ઐતિહાસિક પરંપરા માટે જાણીતો છે. તહેવારોની ઉજવણીમાં અગ્રેસર સુરતીઓ માટે ધુળેટી પણ ખાસ તહેવાર છે. કોટ વિસ્તારમાં વિવિધ વર્ગના લોકો રહે છે, તેમની વચ્ચે કોઈ ભેદભાવ ન રહે અને સામાજિક એકરસતા જળવાઈ રહે તે માટે વડીલોએ અનેક પ્રયાસો કર્યા છે. તેમાંથી એક મહત્વપૂર્ણ પરંપરા ધુળેટી પછીના દસ દિવસ સુધી સમૂહ ભોજન યોજવાની છે. જેના કારણે આજે પણ ધુળેટી પછી કોટ વિસ્તારમાં રંગોની મસ્તી સાથે ‘સ્નેહની પંગત’ જોવા મળે છે.”

વર્ષો પહેલાં આ સામૂહિક ભોજનમાં માત્ર પરંપરાગત દેશી વાનગીઓ જ પીરસાતી હતી. દાળ-ભાત, શાક-પુરી, સાથે મોહનથાળ, લાડવા અથવા અન્ય મીઠાઈ જેવી સાદી અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ થતો હતો. પરંતુ સમયની સાથે ભોજનમાં નવી પેઢીના સ્વાદને અનુરૂપ ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે પરંપરાગત વાનગીઓ સાથે વિવિધ નાસ્તા અને ફાસ્ટફૂડ પણ ભોજનનો ભાગ બની રહ્યા છે. બટાકા વડા, ફ્રૂટ સલાડ, રસપુરી, પાતરા-ઈડડા, પિત્ઝા, ઇડલી-સંભાર, ખીચડી-કઢી, રવૈયા, પાસ્તા, પાણીપુરી-દહીં વડા તેમજ ઢોસા જેવી વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ખાસ કરીને બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને ભોજનમાં આવા વિકલ્પ ઉમેરવામાં આવ્યા છે.

સમય બદલાયો, વાનગીઓ બદલાઈ, પરંતુ શેરીના લોકોમાં રહેલા સમૂહભાવ અને પરંપરા પ્રત્યેનો લગાવ યથાવત રહ્યો છે. સામુહિક ભોજન દ્વારા લોકો વચ્ચે પ્રેમ, એકતા અને આપસી લાગણી વધુ ગાઢ બને છે. તેથી જ સુરતના કોટ વિસ્તારમાં સદી જૂની આ અનોખી પરંપરા આજે પણ ઉત્સાહભેર જીવંત રહી છે.

Ahmedabad : સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ, 10થી વધુ કાર ખાખ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો રૂમના પાર્કિંગમાં આજે(11 માર્ચ) અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં લાગી હતી, જેના કારણે ત્યાં પાર્ક કરેલા વાહનો જોતજોતામાં આગની લપેટમાં આવી ગયા હતા. કાળા ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળતા સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 10થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

BREAKING NEWS : દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ

દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ થયા હતા, જેના કારણે હડકંપ મચી ગયો. અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 2 ઘાના, એક બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. સુરક્ષા પ્રોટોકોલ મુજબ ઘટના પછી તરત જ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હવાઈ ટ્રાફિક પર કોઈ નકારાત્મક અસર પડી નથી અને હવાઈ ટ્રાફિક સામાન્ય રીતે કાર્યરત છે.

દુબઈ મીડિયા ઓફિસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે થોડા સમય પહેલા દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેમાં બે ઘાનાના અને એક બાંગ્લાદેશી નાગરિક અને એક ભારતીય નાગરિકને નાની ઈજાઓ થઈ હતી. હવાઈ ટ્રાફિક સામાન્ય રીતે કાર્યરત છે.’

Entertainment : Dhurandharનું ‘શરારત’ ગીત ગાનાર મધુવંતી બાગચીનો ખુલાસો, નિર્માતા સામે મૂકી એક શરત…પછી જ કામ કરીશ

0

‘ધુરંધર’ ફિલ્મનું ‘શરારત’ ગીત આજે સોશિયલ મીડિયા અને પાર્ટીમાં ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મ સુપરહિટ થવા સાથે આ શરારત ગીત પણ ખૂબ જ લોકપ્રિય થયું. ગાયિકા મધુવંતી બાગચી દ્વારા આ ગીત ગાવામાં આવ્યું છે. ગીતમાં ડાન્સરની સાથે બે લોકો ગીત ગાઈ રહ્યા છે તેમાંથી એક ગાયિકા મધુવંતી પણ છે. હાલમાં ગાયિકાએ આ ગીતને લઈને એક રસપ્રદ ખુલાસો કર્યો. મધુવંતીએ કહ્યું કે શરૂઆતમાં તે આ મ્યુઝિક વિડિયોમાં દેખાવા માટે ખચકાટ અનુભવતી હતી. પરંતુ નિર્માતઓના આગ્રહ બાદ એક ચોક્કસ શરત સાથે જ તે દેખાવા માટે તૈયાર થઈ.

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત, આ લોકપ્રિય ગીત રણવીર સિંહ અભિનીત ફિલ્મનો ભાગ છે, જેમાં અભિનેત્રીઓ આયેશા ખાન અને ક્રિસ્ટલ ડિસોઝા અભિનીત છે. આ ગીત મધુવંતી બાગચી અને જાસ્મીન સેન્ડલાસે ગાયું છે, બંને વિડિઓમાં દેખાય છે. મધુવંતીએ એક યુટયુબ ઇન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન પોતાનો અનુભવ શેર કર્યો. ગાયિકાએ કહ્યું કે તેને સ્ટુડિયોમાં ગીતો રેકોર્ડ કરવામાં વધુ આનંદ આવે છે. પરંતુ કેમેરા સામે થોડી અસ્વસ્થતા અનુભવે છે. “મને સ્ટુડિયોમાં જવાથી કે ઘરે રહેવાથી અલગ કંઈપણ બાબતે ખચકાટ થાય છે. જ્યારે આદિત્ય ધરે કહ્યું કે હું તમને વિડિઓમાં લેવા માંગુ છું, ત્યારે મેં તેમને પૂછ્યું કે શા માટે? ત્યાં પહેલાથી જ ઘણા બધા કલાકારો અને નર્તકો હતા. પરંતુ તેઓ તેમના વિચારમાં સ્પષ્ટ હતા. તેમનો આગ્રહ હતો એટલે મેં જે શરત મૂકી તે તેમણે માન્ય રાખતા આખરે હું ગીતમાં દેખાવા સંમત થઈ ગઈ.

આખરે એવી કઈ શરત હતી કે જે નિર્માતાએ માન્ય રાખી ગાયિકા મધુવંતી તૈયાર થઈ. તેનો જવાબ આપતાં ગાયિકાએ કહ્યું કે “મારી એકમાત્ર શરત હતી, ‘મને નાચવા ન દો!’ એટલે કે હું મ્યુઝિક વીડિયોમાં ડાન્સ કરીશ નહીં. કારણ કે હું નથી ઇચ્છતી કે લોકો મને નાચતા જુએ!” ગીતના લોન્ચિંગ ઇવેન્ટમાં, રણવીર સિંહે મધુવંતી અને જાસ્મીન સાથે સ્ટેજ પર એક ઉત્સાહી નૃત્ય રજૂ કર્યું, જેણે ગીતની ચર્ચાને વધુ વેગ આપ્યો. ફિલ્મમાં “શરત” ગીત એક લગ્ન સમારંભ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે. આ ગીતનો યુટ્યુબ વિડિઓ 340 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. દરમિયાન, “ધુરંધર: ધ રીવેન્જ” ના એડવાન્સ બુકિંગે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.

Ahmedabad : અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ, ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન અમલી

અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ આકરી ગરમીમાં વાહનચાલકોને રાહત આપવા માટે શહેરના 70 મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે ચાર રસ્તાઓ પર ટ્રાફિક વધુ હોવાથી સિગ્નલ ચાલુ રાખવા અનિવાર્ય છે, ત્યાં CREDAI અને અન્ય સંસ્થાઓના સહયોગથી 24 જેટલા સ્થળોએ ગ્રીન નેટ લગાવવામાં આવશે, જેથી લોકોને સીધા તડકાથી બચાવી શકાય.

શહેરીજનોની સુવિધા માટે આરોગ્ય વિભાગ દ્વારા સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી હાલમાં 350 પાણીની પરબો શરૂ કરાઈ છે, જેની સંખ્યા આગામી દિવસોમાં વધારીને 1,000 થી વધુ કરવામાં આવશે. આ ઉપરાંત, AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર પણ પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. ગરમીથી બચવા માટે શહેરના તમામ બાગ-બગીચાઓ હવે સવારે 6થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે, જેથી લોકો ઠંડકનો આશરો લઈ શકે.

બપોરના સમયે આકરા તડકાથી બચવા માટે બાંધકામ સાઇટો પર કામ કરતા શ્રમિકો માટે બપોરે 1થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાની સૂચના અપાઈ છે. ખાસ કરીને ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન આ નિયમનું કડક પાલન કરવાનું રહેશે. આ સાથે જ આંગણવાડી, શાળાઓ અને સફાઈ કામદારોના કામના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી તેઓ હીટવેવની સીધી અસરમાં ન આવે.

AMCના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને અચાનક ચક્કર આવે, ઉલટી થાય કે અતિશય માથાનો દુખાવો જેવી સમસ્યા જણાય, તો વિલંબ કર્યા વગર નજીકના UHC અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે. ગરમીના આ દિવસોમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને મહત્તમ પાણી પીવું હિતાવહ છે.

શહેરના તમામ UHC/CHC પર ઓ.આર.એસ. સેન્ટર શરૂ કરાયા. સામાજિક સંસ્થાઓ/ બિલ્ડર્સ દ્વારા શહેરમાં 350થી વધુ પાણીની પરબો શરૂ કરાઈ. શારદાબેન, SVP, LG, VS હોસ્પિટલ તેમજ CHCમાં હીટ રિલેટેડ ઈનલેસના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ. તમામ બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ. ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી 70 ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ કરાયા. તમામ આંગણવાડીઓ પર ORS પેકેટની વ્યવસ્થા કરાઈ. તમામ BRTS સ્ટેન્ડ અને AMTS ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ.

પ્રભાત ચોક, ઉમીયા હોલ, સિલ્વર સ્ટાર, ભાગવત કોમ્પલેક્ષ, સુભષ ચોક, ગુરુકુળ ત્રણ રસ્તા, એન.એફ.ડી સર્કલ, સુરધારા સર્કલ, દાદા સાહેબના પગલાં, વિજય ચાર રસ્તા, કોર્મસ છ રસ્તા, સેન્ટ ઝેવીયર્સ, વાઘ બકરી ટી લોન્જ, ગુલબાઈ ટેકરા, દર્પણ છ રસ્તા, ભીમજીપુરા, સ્ટેડિયમ સર્કલ, સ્વાસ્તિક ચાર રસ્તા, સરદાર પટેલ બાવલા, સમર્પણ સર્કલ, બોડીલાાઈન, અંકુર ચાર રસ્તા, ખોડીયાર મંદિર, ઈનકમ ટેક્ષ સર્કલ, નવરંગપુરા, કાલુપુર સર્કલ, ગેલક્ષી ચાર રસ્તા, કૃષ્ણનગર ચાર રસ્તા, નોબલ ટી ત્રણ રસ્તા, રખિયાલ ચાર રસ્તા, અજીત મીલ ચાર રસ્તા, શ્યામ શિખર ચાર રસ્તા, ગરીબનગર ચાર રસ્તા, ખોડીયારનગર ચાર રસ્તા, કંગારૂ સર્કલ (ખોખરા), ગોવિંદવાડી ચાર રસ્તા, હિરાભાઈ ટાવર ચાર રસ્તા, અવકાર હોલ, જવાહર ચોક, ભેરવનાથ ચાર રસ્તા, વૈકુંઠધામ મંદિર ચાર રસ્તા, પીરકમલ ચાર રસ્તા, ફુટબોલ ગ્રાઉન્ડ ચાર રસ્તા, પુષ્પકુંજ ચાર રસ્તા, કાગડાપીઠ ટી, ભુલાભાઈ ચાર રસ્તા, ચાંદખેડા ચાર રસ્તા, જનપથ ટી, અચેર ચાર રસ્તા, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ, ગોદરેજ ગાર્ડન સિટી, ONGC કટ ચાર રસ્તા, વિસત સર્કલ, દધીચીબ્રિજ સર્કલ, શાહપુર ચાર રસ્તા, ટાઉન હોલ પાંચ રસ્તા, વલ્લભસદન રિવરફન્ટ, હરિહરઆનંદ સકલ રિવરફ્રન્ટ, નેહરુબિજ ચાર રસ્તા, એક્સાઇઝ ચોકી, જોધપુર ચાર રસ્તા, સ્ટાર બજાર, ઝાઝરમાન ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા, બાગબાન ચાર રસ્તા, બજરંગ ચાર રસ્તા, સિલ્વર રેસીડેન્સી ચાર રસ્તા, સાણંદ સર્કલ, ગીરીશ ચાર રસ્તા.

Business : 10 રૂપિયાની ચા 20 રૂપિયામાં, મટર-પનીર અને પાણીપુરીના પણ વધ્યા ભાવ

0

મિડિલ ઇસ્ટમાં અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનમાં ચાલી રહેલા સંગ્રામની અસર વિશ્વ પર જોવા મળી રહી છે. જેના કારણે બેરોજગારીનો માહોલ વધી રહ્યો છે. ભારતમાં એલપીજીનું સંકટ સતત વધતુ જોવા મળી રહ્યુ છે. ગેસ કંપનીઓએ એલપીજીની કિંમતમાં વધારો કર્યો છે. કોમર્શિયલ સિલેન્ડરના ઓર્ડર રોકાતા હોટલ-રેસ્ટોરન્ટ માલિકો ચિંતામાં છે. કોમર્શિયલ ગેસ સિલેન્ડરની અસર નાની-મોટી ખાણી-પીણી પર થઇ રહી છે. સવારના નાસ્તાથી લઇને રાતના ભોજન સુધી તમામ વસ્તુઓ પર અસર જોવા મળી રહી છે. મેનુમાં દર્શાવેલી કિંમતમાં પણ વધારો થયો છે.

સ્ટ્રીટ પર મળતી 10 રૂપિયાની ચામાં હવે 20 રૂપિયાની કિંમત બતાવાઇ છે. એક જ દિવસમાં ભારે વધારો થયો છે. 15થી20 રૂપિયા સુધી કિંમતો વધી છે. મોટા રેસ્ટોરન્ટ અને હોટેલોમાં 2 હજારથી 2500 રૂપિયાનો વધારો કરાયો છે. ગેસ સિલેન્ડરના અછતના કારણે પૂરી-શાકની પ્લેટની કિંમતો પણ વધી છે. પાણીપુરીના ભાવ પણ વધ્યા છે. રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકો ચિંતામાં મુકાયા છે. રેસ્ટોરન્ટ અને હોટલને તાળાં મારવાની સ્થિતિ ઉભી થઇ હોવાનું રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકો કહી રહ્યા છે.

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનની વચ્ચે યુદ્ધનું કારણ હોર્મુઝ સ્ટ્રેટમાં આવેલો અવરોધ છે. જેના કારણે તેલ અને ગેસ આયાત પર રોક લગાવવામાં આવી છે. તેમાં ભારત સહિત અન્ય Oil-Gas Import પર આધાર રાખતા દેશોની મુશ્કેલીઓ વધી છે. ભારતમાં સરકારે એલપીજી સંકટને વધતુ જોતા જ આનન-ફાનનમાં તમામ પગલા લીધા છે. પરંતુ વાસ્તવિક્તામાં સ્થિતિ વધુ વણસી રહી છે. સરકારે તેલ કંપનીઓને સ્થાનિક એલપીજી ઉત્પાદન વધારવા માટે આદેશ આપ્યો છે.

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનમાં યુદ્ધ ચાલી રહ્યુ છે. પરંતુ તેના કારણે ભારતની રસોઇ પર મોટી અસર જોવા મળી રહી છે. ભારત 60%થી વધુ ગેસ આયાત કરે છે. આનો મોટાભાગનો હિસ્સો એટલે કે 85-90% ગેસ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવે છે. હાલ યુદ્ધના કારણે આ માર્ગ બંધ છે. દેશમાં વાર્ષિક 31 મિલિયન ટન એલપીજીનું ઉત્પાદન છે. જેમાંથી 87%નો ઉપયોગ ઘરમાં ભોજન બનાવવા માટે થાય છે. અને બાકીનો ભાગ રેસ્ટોરન્ટ અને હોટેલમાં જાય છે.

National : હથોડો લઈને રોડ ખોદી કાઢ્યો, ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી

0

મધ્યપ્રદેશના ગુનાથી ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ રસ્તાના બાંધકામમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે એક અનોખો મોરચો ખોલ્યો છે. કરોડોના ખર્ચે બની રહેલા PWD વિભાગના રસ્તાનું ઓચિંતુ નિરીક્ષણ કર્યું તો ધારાસભ્ય તેની નબળી ગુણવત્તાથી એટલા નારાજ થઈ ગયા કે તેમણે હથોડો લઈને રોડ ખોદવાનું શરૂ કરી દીધું.

PWD વિભાગના વરિષ્ઠ અધકારીને જ્યારે નિરીક્ષણની ખબર પડી તો તેઓ દોડતા ધારાસભ્ય પાસે પહોંચ્યા. પરંતુ ત્યાં સુધી પન્નાલાલ શાક્ય ન રોકાયા. જ્યારે ધારાસભ્યએ રસ્તાના બાંધકામની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા ત્યારે PWD વિભાગ બેકફૂટ પર નજર આવ્યો. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રસ્તાની ટેન્ડર પ્રક્રિયા પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અવગણના કરવા બદલ પણ ધારાસભ્ય નારાજ છે, તેથી તેમણે પોતાની જ સરકારની નિર્માણ એજન્સીની પોલ ખોલી દીધી. તેમણે સરકારના બાંધકામ પર હથોડો ચલાવ્યો.

જ્યારે ભાજપના ધારાસભ્યને રસ્તાના બાંધકામના કામની ગુણવત્તા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે, હું વિધાનસભામાં કંઈ ખોટું કામ નહીં થવા દઈશ. PWD વિભાગના અધિકારીઓને રસ્તાની ગુણવત્તા અંગે જાણ કરવામાં આવી છે. જનપ્રતિનિધિઓએ તેમના વિસ્તારોમાં વિકાસ કાર્ય જોવા માટે જમીન પર ઉતરીને જોવું જોઈએ.

Surat : સુરતના સારોલીમાં વિધર્મી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા પોલીસે કરી ધરપકડ

0

સુરતના સારોલીમાં વિધર્મી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે અને મિત્રતા કેળવીને દુષ્કર્મ આચરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.સુરતના સારોલીમાં સગીરા પર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યુ છે અને 10 વર્ષની સગીરા પર યુવકે આચર્યુ દુષ્કર્મ, તો ઘટનાની જાણ માતા-પિતાને થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, તો સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ કરીને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરતમાં વિધર્મી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે અને પોલીસે આ મામલે સગીરાને સારવાર હેઠળ ખસેડી છે અને અલગ-અલગ રીપોર્ટ પણ કઢાવ્યા છે, આરોપી અને સગીરા બન્ને મિત્રો હતો અને આરોપીએ ફોસલાવીને દુષ્કર્મ આચર્યુ છે, ત્યારે આ ઘટનામાં પોકસો એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને માતા-પિતા ફરિયાદી બન્યા છે.

35 વર્ષીય વિધર્મી યુવકે બળજબરીથી આચર્યું દુષ્કર્મ અને વિધર્મી યુવક દ્વારા ઘરના ધાબા પર મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે, સારોલી પોલીસે ગુનો દાખલ કરી આરોપી ફકરુંઉદ્દીન તુરકની ધરપકડ કરી છે, આરોપીએ પણ પોલીસ સમક્ષ કબુલ્યું કે, તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે.

Gujarat : ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે

0

ચોટીલા – ચોટીલા ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે તા.૧૧ અને ૧૨ માર્ચના રોજ બે દિવસીય કલા-સંસ્કૃતિના સુભગ સમન્વયરૃપ ચોટીલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં રાજ્યભરનાં કલાકારો પોતાની કલાની ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરશે.

આ બે દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ ચોટીલામાં શ્રી ચામુંડા માતાજી મંદિરના તળેટી પાકગ પ્લોટ ખાતે દરરોજ સાંજે ૮ કલાકે યોજાશે. જેમાં વિવિધ લોકનૃત્યો અને સંગીતના કાર્યક્રમો દ્વારા ગુજરાતની અસ્મિતાના દર્શન કરાવવામાં આવશે.

ઉત્સવ અંતર્ગત બે દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં તા.૧૧ માર્ચનાં રોજ રાજકોટના સ્પંદન ગુ્રપ દ્વારા ગણેશ વંદના અને લાવણી નૃત્ય રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત પાંચાળ રાસ મંડળ-થાનગઢ દ્વારા હુડો રાસ, ભાવનગરના કલાકારો દ્વારા પ્રાચીન ગરબો અને ડાંગના કલાકારો દ્વારા પાવરી નૃત્યની પ્રસ્તુતિ થશે. પ્રથમ દિવસનું મુખ્ય આકર્ષણ અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘-રંગ મેઘાણી-ફોક ફ્યૂઝન મ્યુઝીક શો રહેશે.બીજા દિવસે, ૧૨ માર્ચના રોજ વડોદરાના ગુ્રપ દ્વારા ફ્યૂઝન ગરબા, જોરાવરનગરના માલધારી રાસ મંડળ દ્વારા ગોફ રાસ અને ભરૃચના ગુ્રપ દ્વારા સિદ્દી ધમાલ નૃત્ય રજૂ કરાશે. કાર્યક્રમના અંતિમ ચરણમાં જાણીતા કલાકારો દ્વારા ભક્તિ સંગીત અને લોક સંગીતની રમઝટ બોલાવવામાં આવશે.

Ahmedabad : ગરમીને લઈ AMCનો નિર્ણય, ગાર્ડન સવારે 6 થી રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમી ધીરે ધીરે જોર પકડી રહી છે, ત્યારે શહેરીજનોને ગરમીથી રાહત મળે તે માટે અમદાવાદ કોર્પોરેશને ગાર્ડન સવારથી રાત સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદમાં ગરમી વચ્ચે ગાર્ડનને લઇ AMCનો નિર્ણય સામે આવ્યો છે જેમાં ગાર્ડન સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે અને ગરમીના કારણે કોઈને પણ ગાર્ડનમાં બપોરે બેસવું હશે અથવા તો આરામ કરવો હશે તો તે વ્યકિત કરી શકશે, બપોરે પણ આ ગાર્ડન ખુલ્લા રાખવા નિર્ણય કરાયો છે.શહેરમાં બુધવારે ઓરેન્જ એલર્ટ એટલે કે સિવિયર હીટવેવની આગાહીને પગલે મ્યુનિ.એ તેનો જૂનો હીટ એક્શન પ્લાન જાહેર કર્યો છે. શહેરમાં 350 સ્થળે પાણીની પરબ તૈયાર કરી છે. 1 હજાર સ્થળે મ્યુનિ. ઓઆરએસ આપશે. ગયા વર્ષે 20 લાખ જેટલા ઓઆરએસ પેકેટનું વિતરણ કર્યું હતું.