Home Blog Page 313

Business : સોનાના ભાવમાં વધારો, જાણો 22-24કેરેટ સોનાનો લેટેસ્ટ રેટ

0

ભારતમાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનામાં સતત બીજા સત્રમાં વધારો ચાલુ રહ્યો. છેલ્લા બે દિવસમાં ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે જે બુલિયન બજારમાં સુધારો અને ઈરાનમાં યુદ્ધને લઈને રોકાણકારોની ચિંતાનો સંકેત આપે છે. આના કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે કારણ કે સલામત આશ્રયસ્થાનોની માંગ વધી છે.

બુધવાર, 11 માર્ચના રોજ, ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹93 વધીને ₹16,331 પ્રતિ ગ્રામ થયો. પરિણામે, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹930 વધીને ₹163,310 થયો અને 24 કેરેટ સોનાના 100 ગ્રામનો ભાવ ₹9,300 વધીને ₹16,33,100 થયો.

બુધવાર, 11 માર્ચના રોજ, ૨૨ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ ₹85નો વધારો થયો હતો. જેના કારણે તેનો ભાવ પ્રતિ ગ્રામ ₹૧૪,૯૭૦ થયો હતો. તેવી જ રીતે, 10 ગ્રામ દીઠ 22 કેરેટ સોનાનો ભાવ ₹850 વધીને ₹149700 થયો હતો અને 100 ગ્રામ દીઠ ભાવ આજે ₹8500 વધીને ₹1497000 થયો હતો.

ભારતમાં 11 માર્ચના રોજ 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹૬૯ વધીને ₹12248 થયો હતો. પરિણામે, આજે 10 ગ્રામ અને 100 ગ્રામ દીઠ ભાવ અનુક્રમે ₹1,22,480 અને ₹12,24,800 થયો હતો.

મુખ્ય શહેરોમાં સોનાના ભાવ

મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કેરળ અને પુણેમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹16,331, 22 કેરેટ સોનાનો ભાવ ₹15,120 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹12,248 છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹16,346 છે, જ્યારે 22 કેરેટ અને 18 કેરેટ સોનાનો ભાવ અનુક્રમે ₹14,985 અને ₹12,263 પ્રતિ ગ્રામ છે.

ચેન્નાઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹16,495, 22 કેરેટ સોનાનો ભાવ ₹15,120 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹12,950 પ્રતિ ગ્રામ છે.

ભારતમાં ચાંદીના ભાવ આજે યથાવત રહ્યા. ચાંદીના ભાવ પ્રતિ ગ્રામ ₹290 અને પ્રતિ કિલોગ્રામ ₹290,000 પર સ્થિર રહ્યા. મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગલુરુ, પુણે, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં આજે ચાંદી પ્રતિ 10 ગ્રામ ₹2,900 ના ભાવે વેચાઈ રહી છે. આ શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹2,90,000 છે. ચેન્નાઈમાં, પ્રતિ 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹3,000 છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,61,730 1,48,250
વડોદરા 1,61,730 1,48,250
રાજકોટ 1,61,730 1,48,250
સુરત 1,61,730 1,48,250
મુંબઈ 1,63,310 1,49,700
દિલ્હી 1,63,460 1,49,850

Ahmedabad : ITની સાથે GST પણ પાન નંબરના આધારે કરદાતાને નોટિસ આપશે

ITની સાથે GST પણ પાન નંબરના આધારે નોટિસ આપશે અને અત્યાર સુધી IT અને GST જુદા-જુદા ડેટા પર કામ કરતા હતા અને હવે પાનકાર્ડ આધારિત ડેટા શેરિંગ મજબૂત કરાયું છે.પાનકાર્ડ અને આધારકાર્ડના ડેટાના આધારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ડેટા વેરિફિકેશનની કામગીરી કરાતી હોય છે. જેના આધારે નોટિસ ફટકારાતી હોય છે. જોકે હવે જીએસટીમાં પણ પાનકાર્ડના આધારે ડેટા વેરિફિકેશન કરી નોટિસ ફટકારાશે.

હવે પાનકાર્ડ આધારિત ડેટા શેરિંગ મજબૂત કરાયું છે. પ્રોપર્ટી ખરીદી હોય અથવા વિદેશમાં નાણાં મોકલ્યા હોય અને તેના પર ટીડીએસ કાપવામાં આવ્યો હોય, તો તેની વિગતો સીધી જીએસટી પોર્ટલ સાથે લિંક થશે. તેના થકી કરદાતા દ્વારા ભરવામાં આવેલા જીએસટી રિટર્નમાં વિસંગતતા હોવાનું ધ્યાને આવશે તો કરદાતાને તાત્કાલિક નોટિસ ફટકારાશે. જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા વધુમાં વધુ ટેક્સની વસૂલાત કરી શકાય તે દિશામાં કામગીરી શરૂ કરાઈ છે.

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ શરૂ થવાની સાથે મોટાભાગની કાર્યવાહી ટેકનોલોજી આધારિત કરવામાં આવનાર છે. તેના કારણે કરદાતા દ્વારા એક પણ નાની સરખી પણ ભૂલ કરી તો તેને સિસ્ટમ દ્વારા પકડી પાડીને નોટિસ આપી દેવામાં આવશે. તેમાં અધિકારી દ્વારા સ્કૂટિની પણ કરવાની જરૂરિયાત નહીં હોય. આ કારણોસર વધુમાં વધુ ટેક્સ વસૂલાત કરવાની કામગીરી ટેકનોલોજીના માધ્યમથી જ પાર પાડી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.

World : ટ્રમ્પ હેરાન, પેન્ટાગોન પરેશાન! ઈરાનની ‘સરપ્રાઈઝ’ થી અમેરિકાની વ્યૂહાત્મક ગણતરીઓ ઊંધી પડી

0

ઈરાન અને ઈઝરાયલ તથા અમેરિકા વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે ભીષણ થતું જાય છે. તેના કારણે દુનિયાભરમાં સંકટની સ્થિતિ સર્જાઈ રહી છે જેના કારણે ટ્રમ્પ અને નેતન્યાહુ હવે ચોતરફી ટીકાઓનો સામનો કરી રહ્યા છે. આ સૌની વચ્ચે એક અહેવાલે ટ્રમ્પ અને નેતન્યાહૂની ઊંઘ ઊડાડી દીધી છે.

‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સલાહકારોએ ઈરાનની પલટવાર કરવાની શક્તિને ઓછી આંકી હતી, જે હવે ભારે પડી રહી છે. અમેરિકાને ધારણા હતી કે ઈરાન પરના હુમલા બાદ તે નરમ પડશે, પરંતુ ઈરાને બમણી આક્રમકતા સાથે અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયલી વસ્તીવાળા વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોન હુમલા તેજ કર્યા છે.

ટ્રમ્પ પ્રશાસને અગાઉ એવી આશંકાઓને ફગાવી દીધી હતી કે યુદ્ધથી ઓઇલના સપ્લાયમાં મોટો અવરોધ આવશે. જોકે, વાસ્તવિકતામાં અત્યારે કાચા ઓઇલના ભાવ આસમાને છે. ઈરાને વિશ્વના 20% ઓઇલ સપ્લાયના માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં અવરોધો ઊભા કરતાં ગ્લોબલ શિપિંગ રૂટ જોખમમાં મુકાયો છે. આ સ્થિતિને કારણે અમેરિકામાં પણ ગેસ અને ઈંધણના ભાવ વધતા ટ્રમ્પ સરકાર દબાણમાં આવી છે.

સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સ્વીકાર્યું છે કે ઈરાનના વળતા પ્રહારોએ પેન્ટાગોનને ચોંકાવી દીધું છે. સીનેટર ક્રિસ મર્ફીના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર પાસે અત્યારે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને સુરક્ષિત રીતે ફરીથી ખોલવા માટે કોઈ સ્પષ્ટ યોજના નથી. વ્હાઇટ હાઉસના અધિકારીઓમાં પણ જંગ ખતમ કરવાની સ્પષ્ટ રણનીતિના અભાવે નિરાશા જોવા મળી રહી છે.

જ્યારે ટ્રમ્પ ઈરાનમાં નેતૃત્વ પરિવર્તન જેવી મોટી માંગણીઓ કરી રહ્યા છે, ત્યારે વિદેશ મંત્રી માર્કો રુબિયો અને સંરક્ષણ સચિવ હેગસેથ મર્યાદિત લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કરીને કૂટનીતિક રસ્તો કાઢવા મથામણ કરી રહ્યા છે. બીજી તરફ, વ્હાઇટ હાઉસે પોતાના વલણનો બચાવ કરતા કહ્યું છે કે ઈરાનના જોખમને ખતમ કરવા માટે ઓઇલ બજારમાં આવતી આ અસ્થાયી મુશ્કેલીઓ અનિવાર્ય છે.

Vadali : વડાલી ખાતે ભગવાન શ્યામ સુંદરનો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઊજવાયો

0

વડાલી નગરના માણેકચોક વિસ્તાર પાસે આવેલ શ્યામ સુંદર મંદિરના પાટોત્સવ પ્રસંગે મહાપૂજા સહિત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્યામ સુંદરનો પાટોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં યસ દવે, રમીલાબેન સોની, પ્રવિણાબેન સોની તથા ભક્તોએ ભાગ લીધો હતો. પાટોત્સવને સફ્ળ બનાવવા પંકજભાઈ સુથાર, મિલનભાઈ સોની, મનોજભાઈ સોની, પ્રજ્ઞેશભાઈ સુખડિયા રાજુભાઈ સોની, કમલેશભાઈ સુથાર સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. પાટોત્સવ પ્રસંગે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Chhota Udaipur : 20 લાખની એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે અને સગર્ભા મહિલાઓ રઝળવા મજબૂર

0

વિકાસશીલ ગુજરાતના દાવાઓ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી સરકારી વહીવટની અત્યંત શરમજનક તસવીર સામે આવી છે. ડુંગરાળ વિસ્તારો અને કાચા રસ્તાઓ પર દોડવા માટે લાખોના ખર્ચે ખરીદાયેલી એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે, જ્યારે બીજી તરફ આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજની સગર્ભા મહિલાઓને દવાખાને પહોંચાડવા માટે લોકો ‘ઝોળી’નો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.

છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા અંદાજે ₹20 લાખના ખર્ચે ખાસ પ્રકારની એમ્બ્યુલન્સોની ખરીદી કરવામાં આવી હતી. હેતુ એવો હતો કે, 108 એમ્બ્યુલન્સ જ્યાં ન પહોંચી શકે તેવા દુર્ગમ વિસ્તારોમાં આ વાહનો પહોંચે. નસવાડી તાલુકાને આ એમ્બ્યુલન્સો ફાળવી તો દેવાઈ, પરંતુ બ્લોક હેલ્થ ઓફિસરને આ વાહનો કયા PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ને આપવા તેની સ્પષ્ટતા ન કરાતા બે-બે એમ્બ્યુલન્સો ગઢબોરીયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં ભંગાર હાલતમાં પડી રહી છે.

ગઈકાલે જ નસવાડીના ખોખરા અને નલિયાબારી ગામે જ્યારે સગર્ભા મહિલાઓને તાકીદે હોસ્પિટલ ખસેડવાની જરૂર હતી, ત્યારે 108 એમ્બ્યુલન્સ ખરાબ રસ્તાના કારણે પહોંચી શકી ન હતી. જો વહીવટી તંત્રએ ડુંગરાળ વિસ્તારની આ ખાસ એમ્બ્યુલન્સો ચાલુ રાખી હોત, તો તે સરળતાથી ત્યાં પહોંચી શકત. પરંતુ અધિકારીઓના વાંકે દર્દીઓને ઝોળીમાં નાખીને પહાડો ઉતારવા પડ્યા હતા.

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી વહીવટ ચલાવી રહ્યા છે. આ ઇન્ચાર્જ રાજમાં પ્રજાની સુખાકારીની કોઈને પડી ન હોય તેમ દેખાઈ રહ્યું છે. સરકારના લાખો રૂપિયાના સાધનો અધિકારીઓની આળસ અને સંકલનના અભાવે વ્યર્થ સાબિત થઈ રહ્યા છે. શું આદિવાસી વિસ્તારની જનતાને ટેકનોલોજી અને સુવિધાનો લાભ અધિકારીઓના અહમ અને આળસના કારણે ક્યારેય નહીં મળે? તે મોટો સવાલ છે.

National : કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

0

દુષ્કર્મ કેસમાં સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય. કાયદો દિલ તોડવાને અપરાધ નથી માનતો. આ સાથે જ કહ્યું કે, સહમતિથી બનેલા સબંધો બાદ જો લગ્નથી ઈનકાર કરવામાં આવે તો તે દુ:ખદ છે પરંતુ તેને દુષ્કર્મ ન ગણી શકાય. કોર્ટે કાયદામાં લગ્નના ખોટા વાયદાને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરી છે. આ સાથે જ એ બાબત પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું કે, આ સંબંધ વિદેશમાં બંધાયો હતો.

એક મહિલાએ એક પુરુષ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બંને પક્ષો આયર્લેન્ડમાં મળ્યા હતા અને લગભગ બે વર્ષ સુધી રિલેશનમાં રહ્યા હતા. ફરિયાદી તેના પાછલા લગ્નમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી અને તેને સાત વર્ષનું એક બાળક પણ છે. તે આરોપી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. પાછળથી સબંધ ન ચાલ્યો અને જ્યારે આરોપી ભારત પાછો ફર્યો ત્યારે તેણે ફરિયાદી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું.

આ મામલે જસ્ટિસ એમ નાગપ્રસન્ના સુનાવણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં બે પુખ્ત વયના લોકો લાંબા સમય સુધી પરસ્પર સંમતિથી શારીરિક સંબંધો બાંધે છે, અને ત્યારબાદ જો પુરુષ મહિલા સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દે તો આ કૃત્ય ગમે તેટલું ખેદજનક કેમ ન હોય, તે સંબંધને માત્ર એ જ આધાર પર IPCની કલમ 376 હેઠળ દુષ્કર્મના ગુનામાં રૂપાંતરિત ન કરી શકાય.

કોર્ટે કહ્યું કે, ‘ફરિયાદને સંપૂર્ણ રીતે વાંચવાથી ક્યારેય પણ બળજબરી, શરૂઆતથી છેતરપિંડી અથવા બળપ્રયોગનો કોઈ ઉલ્લેખ જોવા નથી મળતો. આ ફરિયાદ બે વર્ષ સુધી ચાલેલો સાથ, લિવ-ઈન રિલેશનશિપ, શેર કરેલ ઘરેલુ જીવન અને સંમતિથી બનેલા સંબંધ વિશે વાત કરે છે. આ સંબંધ આયર્લેન્ડમાં બંધાયો હતો, તેઓ આયર્લેન્ડમાંસાથે રહ્યા અને પોતાનું જીવન શેર કર્યું. ત્યારબાદ જે બન્યું તે હિંસાનો આરોપ નથી, પરંતુ વિશ્વાસઘાતનો આરોપ છે. તેથી આ શરૂઆતથી જ ધોખાથી શારીરિક સંબંધ બાંધવાનો કેસ નથી. આ કાયદાનો એક સ્થાપિત સિદ્ધાંત છે કે ‘કાયદો દિલ તોડવાને અપરાધ નથી માનતો.’

કોર્ટે કહ્યું કે, ‘કાયદાની નજરમાં લગ્નનું વચન માત્ર ત્યારે જ ”ખોટુ” માનવામાં આવે છે જ્યારે તે સાબિત થાય કે વચન માત્ર એક છલ, છેતરપિંડી અથવા જેને ક્યારેય પૂર્ણ કરવાનો ઈરાદો જ નહોતો. તેનાથી વિપરીત બાદમાં હૃદય પરિવર્તન, ભાવનાત્મક તાલમેલ ન બેસવો, પરિવારનો વિરોધ અથવામાત્ર માત્ર લગ્ન કરવામાં ખચકાટ- આ બાબતોને સબંધની શરૂઆતમાં ”અપરાધિક ઈરાદો” ન માની શકાય.’

Gujarat : આજનો દિવસ ચાલે તેટલો જ ગેસ હોવાથી હોટેલ અને રેસ્ટોરન્ટવાળા ચિંતામાં, ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિ

0

ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની મોટી અસર ગેસ સહિતના પુરવઠા પર પડી છે. સમગ્ર દેશમાં ગેસની બોટલોને લઈ ભારે હાલાકી સર્જાઈ છે. નાની હોટેલ અને નાશ્તાવાળાને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે.

ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની મોટી અસર ગેસ સહિતના પુરવઠા પર પડી છે. સમગ્ર દેશમાં ગેસની બોટલોને લઈ ભારે હાલાકી સર્જાઈ છે. નાની હોટેલ અને નાશ્તાવાળાને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. લોકોમાં ગેસ પુરવઠામાં તંગી સર્જાવાની દહેશત ફેલાઈ હોવાથી ગેસ સંચાલકોની ઓફિસો પાસે લાઈનો લગાવી છે. ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી છે.

અમદાવાદમાં ગેસની બોટલને લઈને ભારે હાલાકી સર્જાઈ છે. નાની હોટેલ અને નાશ્તાની રેસ્ટોરન્ટ ચલાવતા લોકોને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. આજે માત્ર આખા દિવસમાં એક જ બોટલ ચાલે એટલો પુરવઠો છે. નવી બોટલ મળશે તો આગળ કામ થશે તેવું હોટેલના સંચાલકોનું કહેવું છે. દુકાનદારો કહી રહ્યાં છે કે ગેસની બોટલ નહીં મળે તો અમારે કામકાજ બંધ રાખવું પડશે. અમારે ત્યાં નોકરી કરનારાને પણ અમે પૈસા નહીં આપી શકીએ. રોજ એક બોટલ જોઈએ છે જો એ પણ નહીં મળે તો અમારે ધંધો બંધ કરવા સિવાય કોઈ રસ્તો નથી. કોમર્શિયલ ગેસની અસરથી કોલેજની કેન્ટિનમાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પીજીમાં રહેતા વિદ્યાર્થીઓને પણ ભોજન મેળવવા મુશ્કેલી થઈ છે.

વડોદરામાં પણ રસ્ટોરન્ટોમાં એક જ દિવસ ચાલે તેટલો જ ગેસ છે. સાંજે રેસ્ટોરન્ટમાં જમવાનું બનશે કે નહીં તે એક સવાલ છે. વડોદરા સ્ટેશન વિસ્તારમાં 25 જેટલી હોટલો આવેલી છે. જ્યાં આજે ચાલે તેટલો જ ગેસનો જથ્થો છે. જો ગેસ નહીં મળે તો રેસ્ટોરન્ટ બંધ કરી પડે તેવી સ્થિતિ છે. રેસ્ટોરન્ટના સંચાલકોનું કહેવું છે કે, ગેસની અછતના કારણે ભાડા કેવી રીતે કાઢવા તે સવાલ સતાવી રહ્યો છે. બેરોજગારીમાં વધારો થશે, બ્લેકમાં પણ બોટલ મળતી નથી. સરકારે સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ. સુરતમાં પણ રસ્ટોરન્ટના સંચાલકો ચિંતામાં છે.

Rajkot : ચૂંટણીને લઇ ભાજપ હંમેશા સજ્જ હોય છે, અમારામાં જૂથવાદ નથી બધા એક છીએ: પ્રભારી અનિરૂદ્ધ દવે

0

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ એક્શનમાં આવી ગઈ છે.

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ એક્શનમાં આવી ગઈ છે. ભાજપના પ્રદેશ મહામંત્રી અને સંગઠન પ્રભારી રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓ કમલમ ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં મનપાની ચૂંટણીની રૂપરેખા નક્કી કરાશે. ભાજપના યુવા મોરચા દ્વારા બાઈક રેલી પણ યોજાશે.

ભાજપના સંગઠન પ્રભારી અનિરૂદ્ધ દવે રાજકોટની મુલાકાતે છે. તેમણે રાજકોટમાં કમલમ ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ભાજપના જૂના જોગીઓ પણ નજરે પડ્યા છે. ધનસુખ ભંડેરી, કમલેશ મીરાણી, કશ્યપ શુક્લ, આશિષ ભટ્ટ, લાખા સાગઠિયા અને ગોવિંદ પટેલ કમલમમાં દેખાયા છે. આજે સમગ્ર દિવસ દરમિયાન કમલમમાં અલગ અલગ બેઠકો યોજાશે.

સંગઠનના પ્રભારી અનિરૂદ્ધ દવેએ કહ્યું હતું કે, ભાજપ હંમેશા ચૂંટણીને લઈને સજ્જ હોય છે. અમે બધા એક છીએ ભાજપમાં જૂથવાદ જેવું કશું જ નથી. ગઈકાલે કોર્પોરેશનની આખરી સભામાં વિપક્ષ દ્વારા શાસકોના બંગલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દા અંગે સવાલ કરતાં જ પ્રભારીએ બોલવાનું ટાળ્યું હતું. રાજકોટ મનપામાં આજે સાંજથી જ વહિવટદારનું શાસન શરૂ થશે.

National : યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?

0

પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે સીધી ભારતીયોના ખિસ્સા પર પડવાની તૈયારીમાં છે. અમેરિકી અને ઈઝરાયલી હુમલા બાદ સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. જેની ગંભીર અસર ભારતના દવા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, દવા બનાવવા માટે વપરાતા કાચા માલની કિંમતોમાં તોતિંગ વધારો થયો છે.

ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દવા બનાવવા માટે અનિવાર્ય એવા ‘કી સ્ટાર્ટિંગ મટિરિયલ’ (KSM) અને ‘એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ’ (API) ના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં 5% થી લઈને 100% સુધીનો ઉછાળો આવ્યો છે. વૈશ્વિક અસ્થિરતા અને ડોલરના ભાવમાં વધઘટને કારણે આયાત કરવી મોંઘી બની રહી છે.

ફાર્મા ઉદ્યોગમાં કાચા માલનો વેપાર ડોલરમાં થાય છે. યુદ્ધની સ્થિતિમાં ડોલર મજબૂત થતા આયાત પાછળનો ખર્ચ વધી ગયો છે. આટલું ઓછું હોય તેમ મુખ્ય દરિયાઈ રસ્તાઓ યુદ્ધને કારણે બંધ અથવા જોખમી બન્યા છે. જહાજો અને કન્ટેનરો સમયસર બંદરો પર પહોંચી રહ્યા નથી, જેના કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ 20 થી 25 ટકાનો વધારો થયો છે. ભારત તેની જરૂરિયાતનું 65 થી 70 ટકા API અને ઇન્ટરમીડિએટ્સ ચીનથી મંગાવે છે, પરંતુ વૈશ્વિક પરિવહન ઠપ્પ થતા આ સપ્લાય ખોરવાયો છે.

ઉદ્યોગ જગતના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે, જો યુદ્ધ લાંબુ ચાલશે તો બજારમાં જીવનરક્ષક દવાઓની અછત સર્જાઈ શકે છે. હાલમાં નાના વેપારીઓ અને સપ્લાયરો પાસે સ્ટોક હોવા છતાં તેઓ યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવી કિંમતો વધારી રહ્યા છે. અનેક ટ્રેડરોએ નવા ઓર્ડર લેવાનું પણ બંધ કરી દીધું છે. જો સ્થિતિ જલ્દી કાબૂમાં નહીં આવે, તો સામાન્ય માણસ માટે તાવ, શરદીથી લઈને ગંભીર બીમારીઓની દવાઓ ખરીદવી મોંઘી સાબિત થશે.

Sports : વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને 131 કરોડનું ઈનામ મળતાં હરભજન સિંહ ચોંક્યો, BCCIને આપી સલાહ

0

સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી રેકોર્ડ ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. આ ઐતિહાસિક જીત બદલ BCCIએ ટીમ ઈન્ડિયા માટે 131 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે, જે 2024માં અપાયેલા ઇનામ કરતા 6 કરોડ વધુ છે. ભારત હવે ટાઈટલ જાળવી રાખનાર અને યજમાન તરીકે ટ્રોફી જીતનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. જોકે, પૂર્વ સ્પિનર હરભજન સિંહે આટલી મોટી સફળતા સામે હજુ વધુ ઇનામની અપેક્ષા વ્યક્ત કરી છે.

મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘હું હજુ પણ વધુ રકમની અપેક્ષા રાખી રહ્યો હતો, કારણ કે જ્યારે આટલું મોટું લક્ષ્ય હાંસલ કરવામાં આવે ત્યારે તેનું ઈનામ પણ એટલું જ મોટું હોવું જોઈએ. જોકે, આખા વર્લ્ડ કપ દરમિયાન શાનદાર પ્રદર્શન કરવા અને વિશ્વને ભારતની તાકાત બતાવવા બદલ હું ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.’

વર્લ્ડ કપ ટ્રોફીને મંદિરે લઈ જવા બદલ કીર્તિ આઝાદે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ‘ટ્રોફી સમગ્ર દેશની છે, તો તેને અન્ય ધર્મસ્થાનો પર કેમ ન લઈ જવાઈ? તેમના મતે વિવિધતા ધરાવતા ભારતમાં તમામ ધર્મોનું સન્માન થવું જોઈએ.’આ નિવેદન પર હરભજન સિંહે આકરો જવાબ આપતા કહ્યું કે, ‘આ મુદ્દાને ખોટી રીતે રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. જો કોઈ ખેલાડીની શ્રદ્ધા મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારામાં હોય, તો તે ત્યાં જઈ શકે છે.જો ખેલાડીઓએ પોતાની આસ્થા મુજબ ભગવાન પાસે પ્રાર્થના કરી હોય અને જીત બાદ આભાર માનવા મંદિરે ગયા હોય, તો તેમાં ખોટું શું છે? રમતની જીતની ઉજવણી કરવાને બદલે આવા નિવેદનો આપવા તે કમનસીબ છે.’

સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત બાદ ICC તરફથી ભારતને વિજેતા તરીકે અંદાજે 21.5 કરોડ રૂપિયા($2.34 મિલિયન)નું ઈનામ મળ્યું છે. જ્યારે રનર્સ-અપ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમને અંદાજે 10.75 કરોડ રૂપિયા($1.17 મિલિયન)ની રકમ ફાળવવામાં આવી છે. આ જીત સાથે ભારતે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.