Home Blog Page 315

Kheda : આંકલાવના અંબાવ ગામે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા

0

આણંદના આંકલાવ તાલુકાના અંબાવ ગ્રામ પંચાયત દ્વારા ગામતળ અને સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની સામાન્ય સભાના ઠરાવ બાદ મંગળવારે પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ સ્થળોએથી ગેરકાયદે દુકાનો અને મકાનોના દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આંકલાવ તાલુકાના અંબાવ ગામે સરકારી અને ગામતળની જમીન પર થયેલા દબાણોને કારણે અનેક અરજદારો દ્વારા પંચાયતમાં રજૂઆતો કરવામાં આવી હતી. આ ફરિયાદોના અનુસંધાનમાં અંબાવ ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાઓને નિયમોનુસાર ત્રણ નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર ન થતા, ગત તા. ૨૪-૦૨-૨૦૨૬ની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય મુજબ તા. ૧૦-૦૩-૨૦૨૬ના રોજ બપોરે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યોની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામો હટાવીને સરકારી જગ્યા સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી છે. આ અંગેનો અહેવાલ અને પંચક્યાસની નકલ તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર આંકલાવને જાણ અર્થે મોકલી આપવામાં આવી છે

Ahmedabad : ભાજપના બે મેયરે લાખના બાર હજાર કર્યાં, VS હોસ્પિટલમાં પેશન્ટ હોય કે ના હોય ખાટલા દીઠ વર્ષે એક કરોડ ખર્ચ

અમદાવાદના વર્તમાન ટર્મના બે મેયર વી.એસ.હોસ્પિટલના અધ્યક્ષ પણ હતા. આમ છતાં બંનેએ હોસ્પિટલ ફરી ઉભીથાય કે ધમધમતી થાય તે જોવાના બદલે માત્ર લાખના બાર હજાર જેવો વહીવટ કર્યો છે.વી.એસ.હોસ્પિટલં ૫૦૦ બેડથી  ઘટાડીને ૨૦૦ બેડની કરી દેવામા આવી છે.વર્ષ-૨૦૨6-૨7 માટે હોસ્પિટલનુ રુપિયા ૨૧૨ કરોડનુ વાર્ષિક બજેટ મંજૂર કરાયુ છે.સીધો અર્થ એ છે કે,હોસ્પિટલમાં પેશન્ટ હોય કે ના હોય ખાટલા દીઠ વર્ષે એક કરોડનો ખર્ચ થાય છે. આ સત્તાવાર આંકડા વી.એસ.ના બજેટ મુજબના છે.૨૦૦ પેશન્ટની સામે સિકયુરીટી ખર્ચ વર્ષે રુપિયા એક કરોડ બતાવાયો છે.અગાઉના હોસ્પિટલના બજેટમાં રુપિયા ૧૦૦થી ૧૨૦ કરોડની રકમ ફળવાઈ હતી.આ વર્ષના બજેટમાં નવીનીકરણના નામે ફૂટી કોડી પણ ફાળવવામા આવી નથી.૯૫ વર્ષ પહેલા શહેરના ગરીબ અને મધ્યવર્ગના દર્દીઓને સારવાર આપવા માટે કાર્યરત કરવામા આવેલી વી.એસ.હોસ્પિટલને તાળાં મારવાની તૈયારી એસ.વી.પી.હોસ્પિટલ શરૃ કરવામા આવી એ પહેલાથી કરી દેવામા આવી હતી.એસ.વી.પી.હોસ્પિટલ શરુ કરવામા આવી તે અગાઉ કોર્પોરેશન તરફથી એક પરિપત્ર કરાયો હતો.આ પરિપત્રમાં વી.એસ.હોસ્પિટલમાંથી એક સોય પણ એસ.વી.પી.હોસ્પિટલમાં લઈ નહીં જવાય એવા બણગાં ફૂંકવામા આવ્યા હતા.હાલની પરિસ્થિતિ જોતા વી.એસ.હોસ્પિટલમા સોઈની ટાંકણી રખાઈ હોય તેવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ઓડીટરે જ વર્ષ-૨૦૨૨ના ઓડીટ અહેવાલમાં વી.એસ.હોસ્પિટલમાંથી એસ.વી.પી.હોસ્પિટલમાં ફાળવવામા આવેલા સ્ટાફના પગાર પેટે રુપિયા ત્રણ કરોડનો ખર્ચ  એસ.વી.પી.ના બદલે વી.એસ.હોસ્પિટલ ખાતે ઉધારવામા આવ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.વર્ષ-૨૦૨૧-૨૦૨૨ અને વર્ષ-૨૦૨૨-૨૩ના વી.એસ.હોસ્પિટલના બજેટમાં હોસ્પિટલના નવીનીકરણ માટે રુપિયા ૧૦૦ અને ૧૨૦ કરોડની રકમ ફળવાઈ હતી.જો કે આ ટર્મમા મેયર રહી ચૂકેલા કીરીટ પરમાર અને પ્રતિભા જૈને હોસ્પિટલને ધમધમતી કરવાની દિશામા કોઈ કામ ના કર્યુ.

વી.એસ.હોસ્પિટલના પાંચ વષમા મંજૂર કરાયેલુ બજેટ

વર્ષ            બજેટ(કરોડમાં)

૨૦૨૦-૨૧     ૨૩૧.00

૨૦૨૨-૨૩     ૧૮૪.૮૩

૨૦૨૩-૨૪     ૧૮૩.૦૧

૨૦૨૪-૨૫     ૨૬૧.૯૫

૨૦૨૫-૨૬     ૨૫૭.૦૦

૨૦૨૬-૨૭     ૨૧૨.૦૦

વી.એસ.હોસ્પિટલમાં પાંચ વર્ષમાં પેશન્ટની સંખ્યા

વર્ષ            પેશન્ટ

૨૦૧૭-૧૮     ૭૪૭૪૬

૨૦૧૮-૧૯     ૭૩૮૬૫

૨૦૧૯-૨૦     ૨૨૦૮૦

૨૦૨૧-૨૨     ૧૦૦૧૩

૨૦૨૨-૨૩     ૯૬૪૬

હોસ્પિટલનો વાર્ષિક અહેવાલ બજેટ  બોર્ડ બેઠકમાં ના અપાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ-૧૯૫૦માં અસ્તિત્વમાં આવ્યુ.એ સમયથી ચાલતી પરંપરા મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન સંસ્થાઓના બજેટ ઉપરાંત વાર્ષિક અહેવાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બોર્ડ બેઠકમાં તમામ કોર્પોરેટરો અને મિડીયાના પ્રતિનિધિઓને આપવામા આવતો હતો. આ વર્ષે તો બજેટ બોર્ડ બેઠકમા પણ વી.એસ.હોસ્પિટલનો અહેવાલ શાસકપક્ષના ઈશારે કોઈને પણ આપવામા આવ્યો નહોતો.

Surendranagar : ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર

0

ધ્રાંગધ્રા હાઈવે પર સોલડી ટોલ ટેક્સ નજીક થયેલી મહિલાની હત્યાના પ્રકરણમાં પોલીસે હત્યારા શખ્સ મેરુભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાને ઝડપી પાડી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યાં છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પોતે પણ દેહ વ્યાપારના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. રવિવારે રાત્રે ગ્રાહકો બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી દરમિયાન મહિલાએ આરોપીને લાફો મારતા, ઉશ્કેરાયેલા મેરુએ છરીના ઘા ઝીંકી મહિલાની હત્યા કરી નાખી હતી.

આ હત્યાકાંડે હાઈવે પર છેલ્લા ઘણા સમયથી ચાલતા દેહ વ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અવાવરું જગ્યાએ ચાલતી આ અનૈતિક પ્રવૃત્તિઓથી સ્થાનિક પોલીસ અજાણ હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ ધોળીધાર વિસ્તારના શખ્સને દબોચી લીધો હતો. હાલમાં પોલીસ આ પ્રકરણમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ વ્યવસાય પાછળ કોનું પીઠબળ છે તે દિશામાં ઉંડી તપાસ ચલાવી રહી છે.

Gujarat : ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લોકોની ગેસ એજન્સીમાં દોડ

0

ખાડી યુધ્ધના કારણે ગેસ સપ્લાયની શોર્ટેજ સર્જાઇ છે. એલપીજી ગેસના બોટલોનો સ્ટોક કરવા તેના બુકિંગ માટે ગ્રાહકો દ્વારા ગેસ એજન્સી પર ધસારો વધ્યો છે આ સાથે જ પુરવઠા ખાતુ પણ સક્રિય થઇ ગયું છે અને એલપીજી સ્ટોકનો જથ્થો જાળવી રાખવા ઓઇલ કંપનીઓને સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે યુધ્ધના કારણે ગેસ સપ્લાયને મોટી અસર પડી છે અને તેના કારણે ઔદ્યોગિક તેમજ કોમર્શિયલ ગેસની સપ્લાય પર કન્ટ્રોલ કરવામાં આવ્યો છે જ્યારે ઘરગથ્થુ ગેસની સપ્લાય પર કોઇ અસર નથી તેમ છતાં યુધ્ધના પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હોવાથી ગેસના બોટલોનો સ્ટોક કરવા માટે આજે ગ્રાહકોએ ગેસ એજન્સીઓ તરફ દોડ લગાવી હતી.

એલપીજી ગેસના બોટલ માટે સરકારે બુકિંગની સમયમર્યાદામાં વધારો કરતા જ લોકોમાં પેનિક ફેલાયો છે અને આગળના દિવસોમાં તકલીફ સર્જાશે તેમ માની જેટલા બોટલો ઘરમાં એકત્ર થાય તે કરવા માટે દોડાદોડી કરવા લાગ્યા છે. ગેસ એજન્સીઓમાં કેટલાક સ્થળે ઓનલાઇન બુકિંગ સિસ્ટમ બંધ થતા જ લોકોએ સ્થળ પર જઇને બુકિંગ કરવા માટે આજીજી કરવી પડી હતી.દરમિયાન પુરવઠા વિભાગ દ્વારા આઇઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલના માર્કેટિંગ અધિકારીઓની એક મિટિંગ સવારે લેવામાં આવી હતી. આ બેઠકમાં ત્રણે કંપનીઓના અધિકારીઓએ બાંહેધરી આપી હતી કે ડોમેસ્ટીક એલપીજી બોટલનો પ્રશ્ન નથી આ જથ્થો પૂરતો ઉપલબ્ધ છે, માત્ર કોમર્શિયલ બોટલ પર કંન્ટ્રોલ કરાયો છે જેથી ભવિષ્યમાં પ્રશ્ન ના સર્જાય. 

Vadodara : ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર

0

 રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પેપરલેસ વહીવટ માટે ઈ સરકાર પોર્ટલ પર જ ડીઈઓ કચેરીને ફાઈલો  મોકલવાની સૂચના આપી છે તો બીજી તરફ ડીઈઓ કચેરી દ્વારા પણ વડોદરા શહેર જિલ્લાની સ્કૂલોને એક પરિપત્ર પાઠવીને હવે તમામ ફાઈલોની સોફટ કોપી ઈ- મેઈલ થકી ડીઈઓ કચેરીને મોકલવા માટે પરિપત્ર પાઠવ્યો હતો.

આ પરિપત્ર સ્કૂલોને મળે ૨૦ દિવસ જેટલો સમય થઈ ગયો છે પણ પેપરલેસ વહીવટ માટેનો પરિપત્ર પણ હજી પેપર પર જ છે.શૈક્ષણિક આલમના સૂત્રોનું કહેવું છે કે, ડીઈઓ કચેરી દ્વારા હજી પણ ફાઈલોની હાર્ડ કોપી જ મંગાવવામાં આવી રહી છે.ફાઈલો ઓનલાઈન મંગાવવાની દિશામાં કચેરી દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી.આમ ઉચ્ચતર પગાર ધોરણ, રજાઓ, પેન્શન, ઓલ્ડ પેન્શન સ્કીમ, એરિયર્સ એમ વિવિધ પ્રકારની વહીવટી કામગીરીની ફાઈલો મોકલવા માટે સ્કૂલોના કર્મચારીઓના ડીઈઓ કચેરીના ધક્કા હજી પણ યથાવત છે.

બીજી તરફ  ઈન્ચાર્જ ડીઈઓનું કહેવું છે કે, કોઈ પણ બાબતે લેવાતા નિર્ણય બાદ તેના અમલમાં થોડો સમય લાગતો હોય છે.ફાઈલો ઓનલાઈન મંગાવવામાં ત્રણ થી ચાર મહિનાનો સમય લાગશે.જૂન મહિનાથી ૧૦૦ ટકા કામગીરી ઓનલાઈન થઈ જશે.

Vadodara : ગેસ સિલિન્ડરની અછત, વડોદરામાં પણ ત્રણેક દિવસમાં રેસ્ટોરન્ટો બંધ થવા માંડશે

0

વડોદરાઃ મધ્ય પૂર્વમાં ઈરાન સામે ઈઝરાયેલ અને અમેરિકાએ શરુ કરેલા  યુધ્ધની ગરમી હવે ભારતને પણ દઝાડી રહી છે.યુધ્ધના કારણે રાંધણ ગેસના સપ્લાય પર અસર પડી છે.જેના પગલે કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કાપ મૂકવામાં આવી રહ્યો છે.જેના પગલે મોટા શહેરોમાં રેસ્ટોરન્ટો બંધ કરવાનો વારો આવી રહ્યો છે.

વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાની રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝ પણ ચિંતામાં છે.કારણકે કોમર્શિયલ ગેસ સિલિન્ડરોનો સપ્લાય બંધ થઈ રહ્યો છે.નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના વડોદરા ચેપ્ટરના પ્રમુખ નીતિન નાણાવટીનું કહેવું છે કે, વડોદરામાં નાની  મોટી થઈને ૪૦૦૦ જેટલી રેસ્ટોરન્ટો, કાફે  સહિતના નાના-મોટા ફૂડ આઉટલેટ  છે.જેમાંથી ૭૦ ટકા ગેસ સિલિન્ડર પર જ આધારિત છે.આ પૈકીની કેટલીક રેસ્ટોરન્ટ સંચાલકોના મને ફોન આવી રહ્યા છે કે, કોમર્શિયલ ગેસ સિલિન્ડર આપવાનું બંધ કરી દેવાયું છે.મોટાભાગની રેસ્ટોરન્ટો પાસે ત્રણેક દિવસ ચાલે તેટલો જ ગેસ પુરવઠો છે.જો આ સમયગાળામાં સ્થિતિ સુધરે નહીં તો વડોદરામાં પણ રેસ્ટોરન્ટો, કાફે બંધ કરવાની નોબત આવશે.તેમનું કહેવું છે કે, કોવિડના સમયગાળા દરમિયાન લોકડાઉનના કારણે જે સ્થિતિ સર્જાઈ હતી તેવી જ સ્થિતિ ગેસની અછતના કારણે સર્જાવાની આશંકા છે.

Rajkot : ઓખા-દહેરાદૂન ટ્રેનની દુર્ઘટના અટકાવી 1200 મુસાફરો પરથી મોટી ઘાત ટાળી

0

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલવે સુરક્ષા ક્ષેત્રે ખુબ જ મહત્વપૂર્ણ કામગીરી કરી છે. ફરજ પર અસાધારણ સતર્કતા દાખવી સંભવિત અકસ્માતો અટકાવનારા ૭ રેલવે કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને સમયસૂચકતાને કારણે ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસને મોટી દુર્ઘટનામાંથી ઉગારી લેવાતા આશરે ૧૨૦૦ મુસાફરો પરથી મોટી ઘાત ટળી હતી.

રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું કે, ગત નવેમ્બર, ૨૦૨૫ થી જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન રાજકોટ રેલવે ડિવિઝન ક્ષેત્રમાં રેલકર્મીઓએ અનેક ગંભીર ટેકનિકલ ખામીઓ પકડી પાડી હતી. ખાસ કરીને ઓખા-દહેરાદૂન એક્સપ્રેસ જ્યારે ખંભાળિયા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે જાગૃત કર્મચારીઓએ વ્હીલમાં રહેલા ઢીલા બોલ્ટને ઓળખી કાઢયા હતા. જો આ ખામી પર ધ્યાન ન અપાયું હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના હતી. આ ઉપરાંત એન્જિન શન્ટિંગ દરમિયાન અસાધારણ અવાજ પરથી ટ્રેક પાસે માટીનો ધસારો શોધી કાઢીને તાત્કાલિક સમારકામ કરાવ્યું હતું. જ્યારે માલગાડીના વેગન તપાસતી વખતે નકલ પિન તૂટવાની ઘટના પકડી પાડી તેને રિપેર કરાવી હતી. આ સાથે રાજકોટ સાઇડિંગમાં ટ્રેક પર વેલ્ડિંગ જોઈન્ટની ખામી શોધી કાઢીને ટ્રેન વ્યવહાર સુરક્ષિત બનાવ્યો હતો.

આ તકે સન્માનિત થનારા રિયલ લાઈફ હીરોઝમાં સેક્શન એન્જિનિયર હિતેશકુમાર ગઢિયા ઉપરાંત લોકો પાયલટ જગદીશ પ્રસાદ સાહુ, મિતેશ વાઘેલા, જયદીપ પીઠવા, પ્રકાશ દાસ, સુનિલકુમાર યાદવ, સીતારામ ઘાસવાનો સમાવેશ થાય છે.

Bollywood : લક્ષ્ય લાલવાણીએ પણ કંટાળીને દોસ્તાના ટુ છોડી દીધી

0

કરણ જોહરની ‘દોસ્તાના ટુ’ શરુ થવામાં વિલંબથી કંટાળીને આખરે લક્ષ્ય લાલવાણીએ પણ આ ફિલ્મ છોડી દીધી હોવાનું કહેવાય છે. 

શરુઆતમાં આ ફિલ્મ માટે  કાર્તિક આર્યન અને લક્ષ્ય લાલવાણી સાથે જાહ્નવી કપૂરની કાસ્ટ નક્કી થઈ હતી. 

ફિલ્મનું કેટલુંક શૂટિંગ પણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ, જાહ્નવી અને કાર્તિક વચ્ચે અણબનાવ થતાં કરણ જોહરે  કાર્તિક પર અનપ્રોફેશનલ બિહેવિયરનો આક્ષેપ કરી તેને ફિલ્મમાંથી હાંકી કાઢ્યો હતો. તેના કારણે ફિલ્મ અટકી ગઈ હતી. 

વર્ષો બાદ કરણે આ પ્રોજેક્ટ લક્ષ્ય ઉપરાંત વિક્રાંત મેસ્સી સાથે શરુ કર્યો હતો. મિસ ઈન્ડિયા વર્લ્ડથી જાણીતી  સિની શેટ્ટી આ ફિલ્મથી ડેબ્યૂ કરશે તેવી ચર્ચા હતી. 

જોકે, હવે લક્ષ્ય લાલવાણીએ ફિલ્મ છોડી દેતાં આ પ્રોજેક્ટ ફરી અટકી પડયો છે. 

જોકે, આ સમગ્ર ઘટનાક્રમ અંગે હજુ સુધી કરણ જોહરે કોઈ સ્પષ્ટતા કરી નથી. 

Rajkot : ‘વિવાદિત સિમેન્ટ રોડ નવો બનાવો, નહીતર 18મી માર્ચે ખોદી નાખશું’

0

ધોરાજીના ગેલેક્સી ચોકથી જમનાવડ સુધીનો રૂા.૪.૧૫ કરોડથી વધુના ખર્ચે બનેલો સીસી રોડ લોકાર્પણના માત્ર ૧૫ દિવસમાં જ તૂટવા લાગતા રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસે માર્ગ અને મકાન વિભાગ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને આગામી તા.૧૮મી સુધીમાં સીસી રોડ ફરીથી નવો બનાવવામાં નહીં આવે તો જાતે જ તેને ખોદી નાખશે, એવી ચીમકી ઉચ્ચારતા વહીવટી તંત્રને દોડધામ થવા સાથે રાજકીય ગરમાવો આવી ગયો છે. બીજી તરફ આર એન્ડ બી વિભાગે કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ ફટકારીને ખુલાસો રજૂ કરવા અને ત્વરિત રીપેરિંગ સહિતની કામગીરી કરવા આદેશ કર્યો છે.ધોરાજીમાં ગેલેક્સી ચોકથી જમનાવડ સુધીનો રોડ બિસ્માર બની ગયો હોવાની વારંવારની રજૂઆતોના અંતે ગત દિવાળી સમયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડીને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂા.૪,૧૫,૮૯,૪૯૦ના ખર્ચે ૩.૯ કિ.મી.માં સીસી રોડ અને જરૂરી રિસર્ફેસીંગની કામગીરી દ્વારકેશ કન્સ્ટ્રક્શન એજન્સીને સોંપવામાં આવી હતી. બાદમાં ફક્ત ત્રણ મહિનામાં જ કોન્ટ્રાક્ટર એજન્સીએ સીસી રોડ બનાવી નાખ્યો હતો, જેમાં નબળા કામની ફરિયાદો ઉઠી હતી. આ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોવા છતાં આશ્ચર્યજનક રીતે જ ૧૫ દિવસ પહેલા ધારાસભ્ય કે અન્ય નેતાઓએ લોકાર્પણનો જશ ખાટવાને બદલે કોઈ કાર્યક્રમ વગર જ નવનિર્મિત રોડ ખુલ્લો મુકી દીધો હતો.

જો કે, એક સપ્તાહ બાદ જ નવા સીસી રોડમાં મોટી તિરાડો અને ખાડા પડવા લાગતા રાહદારીઓમાં રોષભેર ટીખ્ખળો થવા લાગી હતી. રોડ પરથી કાંકરીઓ ઉખડવા લાગતા કામની ગુણવત્તા સામે મોટા સવાલો ઉભા થયા હતા. જેથી સ્થાનિક જાગૃત આગેવાનોએ થોડા દિવસો પહેલા અવાજ ઉઠાવ્યા બાદ આખરે હવે વિપક્ષ કોંગ્રેસ પણ મેદાને આવી છે. તાત્કાલિક વિવાદિત રોડને સારી ગુણવત્તા સાથે ફરીથી બનાવવામાં નહીં આવે, તો ૧૮મી માર્ચના રોજ કોંગ્રેસના કાર્યકરો સાથે મળી મશીનરી લાવી આ રોડ ખોદી નાખવામાં આવશે. બીજી તરફ રાજકોટ આર એન્ડ બી વિભાગના કાર્યપાલક ઈજનેર સુરેશ પટેલે જણાવ્યું કે, હજુ સુધી આ રોડ બાબતે કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ વિવાદ ધ્યાને આવતા તપાસ શરૂ કરાવી છે અને દ્વારકેશ કન્સ્ટ્રક્શન એજન્સીને પણ નોટિસ ફટકારીને વિવાદિત રોડમાં થયેલી ભાંગતૂટનું કારણ આપવા અને ત્વરીત યોગ્ય રીપેરીંગ કરી આપવા સુચના આપવામાં આવી છે.

Surendranagar : ધ્રાંગધ્રાના મુખ્ય પ્રવેશ દ્વાર પર મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન

0

ધ્રાંગધ્રા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર મસમોટા ખાડાઓએ વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી કરી દીધી છે. કચ્છ, મોરબી અને હળવદ જેવા મહત્વના શહેરોને જોડતા આ મુખ્ય માર્ગ પર પ્રવેશતા જ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રોડનું નિર્માણ હજુ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું, છતાં ટૂંકા ગાળામાં રોડની હાલત દયનીય બની ગઈ છે.ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે, જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. આ ગંભીર મુદ્દે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં, જવાબદાર વિભાગો એકબીજા પર દોષારોપણ કરીને કામગીરી ટાળી રહ્યા છે. શહેરની છબી ખરડતા આ પ્રવેશ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જો વહેલી તકે ખાડા પૂરવામાં નહીં આવે તો મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.