Home Blog Page 316

Gujarat : કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે : દર્દીઓને હાલાકી

0

ખેડા જિલ્લાના કપડવંજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે, જેના કારણે સ્થાનિક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

હોસ્પિટલમાં નિયત સમયે ડૉક્ટરો હાજર ન રહેતા હોવાની અને કેટલાક મહત્વના વિભાગો કાર્યરત ન હોવાની ફરિયાદો ઉઠી છે. સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, પરંતુ કપડવંજની આ સરકારી હોસ્પિટલમાં જવાબદાર તબીબો અને સ્ટાફની મનસ્વી કામગીરીને કારણે સરકારના હેતુ પર પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે. સરકારી હોસ્પિટલમાં સવારે ૯.૦૦ વાગ્યાથી ઓપીડી શરૂ કરવાનો સ્પષ્ટ નિયમ હોવા છતાં, અહીં સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના જણાવ્યા અનુસાર, સવારના ૧૦.૧૫ વાગ્યા સુધી પણ ડૉક્ટરોના દર્શન થતા નથી. આ પરિસ્થિતિને કારણે વહેલી સવારે દૂર-દૂરના ગામડાઓમાંથી ખાનગી વાહનો ભાડે કરીને અથવા એસટી બસમાં મુસાફરી કરીને આવતા દર્દીઓને કલાકો સુધી હોસ્પિટલના વરંડામાં બેસી રહેવું પડે છે. માત્ર ડૉક્ટરોની ગેરહાજરી જ નહીં, પરંતુ હોસ્પિટલના કેટલાક વિભાગો પણ અકળ કારણોસર બંધ રહેતા હોવાથી દર્દીઓને અધવચ્ચેથી જ પરત ફરવું પડે છે, અથવા મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા મજબૂર થવું પડે છે. સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ આળસુ તંત્ર સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

Gujarat : રાજકોટમાં 46 લાખનાં એમ્બરગ્રીસ સાથે અમદાવાદના બે શખ્સો ઝબ્બે

0

 ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી એસઓજીએ રૂા.૪૬.૨૦ લાખની કિંમતની એમ્બરગ્રીસ સાથે અમદાવાદનાં અમરાઇવાડી વિસ્તારમાં રહેતા સુમિત શ્રીકાંત ઘુલમ અને વસ્ત્રાલમાં રહેતા મયુર મહેન્દ્ર ભાવસારને ઝડપી લીધા હતા. સપ્લાયર તરીકે ગોમતીપુરનાં આરીફનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરી છે. 

એસઓજીનાં પીઆઇ એસ.એમ.જાડેજા અને પીએસઆઇ એમ.વી.જાડેજાએ બાતમીના આધારે ગ્રીન લેન્ડ ચોકડી પાસેના ગ્રીન લેન્ડ ગ્લોક્સી બિલ્ડિંગ પાસેથી બંને આરોપીઓને અટકાયતમાં લઇ તેમની પાસે રહેલી થેલીની તલાશી લેતા ૪૬૨ ગ્રામ એમ્બરગ્રીસ મળી આવ્યું હતું. તે સાથે જ ફોરેન્સિક નિષ્ણાંત અધિકારીને બોલાવ્યા હતા. પણ તેણે કીટનાં અભાવે અભિપ્રાય આપ્યો ન હતો. ફોરેસ્ટ વિભાગની ટીમે એમ્બરગ્રીસ હોવાની શક્યતા દર્શાવતા પોલીસે તેને બીએનએસની કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મામલો ફોરેસ્ટ વિભાગને સોંપી દીધો છે. કારણ કે પોલીસ આવા કેસની તપાસ કરી શકતી નથી. ફોરેસ્ટ વિભાગે કબ્જે એમ્બરગ્રીસને દહેરાદુનની લેબોરેટરીમાં મોકલી આપવા તજવીજ શરૂ કરી છે. જ્યાંથી બે-ત્રણ મહિના બાદ રિપોર્ટ આવ્યે નિયમ મુજબ ગુનો દાખલ કરશે.

બંને આરોપીઓએ એસ.ટી.માં આવ્યાની કેફીયત આપી છે. એસઓજીને એમ પણ કહ્યું છે કે આરીફે તેમને રાજકોટ એમ્બરગ્રીસ વેંચવા મોકલ્યા હતા. બદલામાં રૂા.૧૦ હજાર ટ્રીપનાં આપવાનો હતો. જોકે એસઓજીને બંને આરોપીઓ કોઇ ચોક્કસ ગ્રાહકને એમ્બરગ્રીસ આપવા આવ્યાની શંકા છે. જોકે આરોપીઓએ ગ્રાહકની શોધમાં હોવાનું રટણ કર્યું છે.

Article : ​મનની શાંતિ માટે ભૂલને ભૂલતા શીખવું જ પડે: એક આંતરયાત્રા

0

​માનવ જીવન એ અનુભવોનું એક વિશાળ ભાથું છે. આ યાત્રામાં આપણે અનેક લોકોને મળીએ છીએ, અનેક ઘટનાઓનો સાક્ષી બનીએ છીએ અને ઘણી બધી યાદોને હૃદયમાં સ્થાન આપીએ છીએ. પરંતુ, આ બધી યાદો સુખદ હોતી નથી. કેટલીક યાદો એવી હોય છે જે આપણને અંદરથી કોરી ખાય છે, જે આપણી ઊંઘ હરામ કરી દે છે અને આપણી આંતરિક શાંતિને છીનવી લે છે. આ અશાંતિનું મુખ્ય કારણ છે – ‘ભૂલ’. કાં તો એ ભૂલ આપણી પોતાની હોય છે, અથવા તો કોઈ બીજાએ આપણી સાથે કરેલી ભૂલ હોય છે.
​મનની શાંતિ મેળવવી હોય તો એક મંત્ર જીવનમાં ઉતારવો જ પડે: “ભૂલને ભૂલતા શીખવું જ પડે.”
​૧. ભૂલનો ભાર: મન પરની ભારે શીલા
​આપણે ઘણીવાર જોયું હશે કે જ્યારે આપણે કોઈ વજનદાર વસ્તુ માથા પર ઊંચકીએ છીએ, ત્યારે થોડી વાર પછી આપણી ડોક અને ખભા દુખવા લાગે છે. આપણે તરત જ એ ભાર નીચે ઉતારવા ઈચ્છીએ છીએ. પરંતુ વિચાર કરો, વર્ષો જૂની ભૂલોનો ભાર આપણે આપણા મન પર લઈને ફરીએ છીએ, તેનું શું?
​ભૂતકાળમાં કરેલી કોઈ ભૂલનો પસ્તાવો કે કોઈએ આપણી સાથે કરેલા અન્યાયનો ક્રોધ – આ બંને વસ્તુઓ મન માટે ઝેર સમાન છે. જ્યાં સુધી આ ભાર નીચે નહીં ઉતારો, ત્યાં સુધી મન હળવું ફૂલ જેવું નહીં બને. મનની શાંતિ એ કોઈ બહારથી મળતી વસ્તુ નથી, એ તો અંદર રહેલી અશાંતિને દૂર કરવાથી મળતું પરિણામ છે.
​૨. પોતાની ભૂલને ભૂલવી: સ્વ-ક્ષમાનો માર્ગ
​ઘણીવાર આપણે બીજાને તો માફ કરી દઈએ છીએ, પણ પોતાની જાતને માફ કરી શકતા નથી. “મેં આવું કેમ કર્યું?”, “મારી એક ભૂલને કારણે બધું બગડી ગયું”, “હું કેટલો મૂર્ખ હતો!” – આવા વિચારો આપણને આત્મગ્લાનિ (Guilt) માં ધકેલી દે છે.
​સમજવાની વાત એ છે કે:
​માણસ માત્ર ભૂલને પાત્ર છે. જો ભૂલ ન થાય તો એ ભગવાન બની જાય.
​ભૂલ એ શીખવાની પ્રક્રિયાનો એક ભાગ છે. જેણે ક્યારેય ભૂલ નથી કરી, તેણે ક્યારેય નવું કરવાનો પ્રયાસ જ નથી કર્યો.
​ભૂતકાળને બદલી શકાતો નથી, પણ વર્તમાનને સુધારી શકાય છે.
​પોતાની ભૂલને ભૂલવી એટલે એ ભૂલમાંથી મળેલો બોધપાઠ યાદ રાખવો, પણ એની પીડાને છોડી દેવી. જ્યારે તમે તમારી જાતને માફ કરો છો, ત્યારે તમે તમારી જાતને ફરીથી જીવવાની એક તક આપો છો.
​૩. બીજાની ભૂલને ભૂલવી: ક્ષમા એ વીરતાનું આભૂષણ
​કદાચ પોતાની ભૂલને માફ કરવી સહેલી છે, પણ બીજાની ભૂલને ભૂલવી ખૂબ અઘરી છે. કોઈએ આપણું અપમાન કર્યું હોય, આપણો વિશ્વાસ તોડ્યો હોય કે આપણને છેતર્યા હોય, ત્યારે આપણું મન બદલાની ભાવનાથી ભરાઈ જાય છે. આપણને લાગે છે કે જો આપણે એને માફ કરી દઈશું, તો એની જીત થશે.
​પરંતુ હકીકત એ છે કે, જ્યારે તમે કોઈની ભૂલને પકડી રાખો છો, ત્યારે તમે એ વ્યક્તિને તમારા મન પર રાજ કરવા દો છો. તમારું રિમોટ કંટ્રોલ એના હાથમાં જતું રહે છે. ક્ષમા એ સામા પાત્ર પર ઉપકાર નથી, પણ તમારી પોતાની શાંતિ માટે લીધેલો નિર્ણય છે.
​જેમ ઘા પર પાટો બાંધવાથી લોહી વહેતું અટકે છે, તેમ ક્ષમા આપવાથી હૃદયમાંથી વહેતી પીડા અટકે છે. ભૂલી જવું એ કમજોરી નથી, પણ માનસિક મજબૂતી છે.
​૪. વિસ્મૃતિ અને શાંતિ વચ્ચેનો સંબંધ
​આપણી સ્મૃતિ શક્તિ આપણને જીવવામાં મદદ કરે છે, પણ આપણી ‘વિસ્મૃતિ શક્તિ’ આપણને સુખેથી જીવવામાં મદદ કરે છે. જો કુદરતે આપણને ભૂલવાની શક્તિ ન આપી હોત, તો માણસ દુઃખના ભાર નીચે ક્યારનોય દબાઈ ગયો હોત.
​મનની શાંતિ માટે ‘Filter’ લગાવવું જરૂરી છે. જે સારું છે તેને અંદર આવવા દો, જે ખરાબ છે તેને બહાર કાઢો. ભૂતકાળની ભૂલો એ એક એવો કચરો છે જે જો લાંબો સમય મનમાં રહેશે તો દુર્ગંધ મારશે. એ કચરાને દરરોજ સાફ કરતા રહેવું જોઈએ.
​૫. કેવી રીતે ભૂલતા શીખવું?
​આ પ્રક્રિયા રાતોરાત સફળ થતી નથી, તે માટે અભ્યાસ જોઈએ:
​સ્વીકાર (Acceptance): જે થઈ ગયું તે થઈ ગયું. સ્વીકારો કે ભૂલ થઈ છે.
​નિષ્કર્ષ (Learning): એ ભૂલમાંથી શું શીખ્યા? બસ એટલું જ યાદ રાખો.
​વર્તમાનમાં જીવો (Present Moment): આજની ક્ષણ સુંદર છે. જૂની વાતો યાદ કરીને આજની સુંદરતાને ન બગાડો.
​પ્રાર્થના અને ધ્યાન: નિયમિત ધ્યાન કરવાથી મન સ્થિર થાય છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે.
​૬. નિષ્કર્ષ
​જીવન ટૂંકું છે અને સફર લાંબી છે. આ સફરમાં આપણી પાસે મર્યાદિત શક્તિ છે. એ શક્તિને જો આપણે ભૂલો યાદ રાખવામાં વાપરી નાખીશું, તો પ્રગતિ ક્યારે કરીશું?
​શાંતિ એ કોઈ મુકામ નથી, પણ જીવવાની એક રીત છે. અને એ રીતનો પહેલો નિયમ છે – “Let go”. જે ગયું તેને જવા દો. જે ભૂલ થઈ ગઈ તેને વિસારે પાડો. જ્યારે તમે ભૂલોને ભૂલીને આગળ વધો છો, ત્યારે તમારા ચહેરા પર એક નવી મુસ્કાન અને મનમાં એક અનોખો સંતોષ છવાય છે.
​યાદ રાખો, માફી માગનાર મોટો છે, પણ માફ કરનાર એનાથી પણ મોટો છે. અને જે ભૂલને જ ભૂલી જાય છે, એ તો પરમ સુખનો અધિકારી છે.
​આવો, આપણે આજથી જ સંકલ્પ કરીએ કે આપણે આપણા મનને ભૂલોનું ગોદામ નહીં, પણ શાંતિનું મંદિર બનાવીશું.


​લેખક અશ્વિન ગોહિલ

Rashi : 11 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ: આજનો દિવસ આનંદદાયક તથા સફળતા આપનાર રહેશે. પ્રભાવશાળી લોકો સાથેની વાતચીત ખૂબ જ સકારાત્મક રહેશે. કોઈ લક્ષ્ય હાંસલ કરવામાં ભાઈઓનો પણ પૂરતો સહકાર મળશે.

વૃષભ: વૃષભ રાશિના લોકોને સમય પ્રમાણે પોતાના વર્તનમાં ફેરફાર કરવાનું જરૂરી છે. બાળકો સાથે વર્તન કરતી વખતે તેમની નજરિયેથી જોવું વધુ યોગ્ય રહેશે. પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નજીકીઓ યથાવત રહેશે.

મિથુન: મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. જીવન સંબંધિત કેટલીક બદલાવ આવી શકે છે. સહકર્મચારીઓ સાથે તાળમેલ મજબૂત રહેશે અને કોઈ મહત્વના પ્રોજેક્ટમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે, જે ભવિષ્યની સફળતાનું આધાર બનશે.

કર્ક: કર્ક રાશિના જાતકોને આજે વ્યવસાયમાં લાભ મેળવવાની તક મળશે. પૈસાથી સંબંધિત બાબતોમાં પણ પ્રગતિ થશે. લાંબા સમય સુધી બેસીને કામ કરનારોએ પોતાની સ્થિતિમાં સુધારો કરવાની જરૂર છે.

સિંહ: સિંહ રાશિના લોકોને આજનો દિવસ મિશ્રિત રહેશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. અગાઉની કેટલીક ભૂલોમાંથી શીખીને તમે તમારી કાર્યપદ્ધતિમાં કેટલાક ફેરફાર લાવશો, જે ઉત્તમ રહેશે. યુવાઓને કરિયર સંબંધિત કોઈ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળી શકે છે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ અને તાળમેલ યથાવત રહેશે.

કન્યા: કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારા કાર્ય લઈને આવશે. જીવનસાથી તરફથી સહકાર મળશે. પરિવારના સભ્યોમાં પ્રેમ અને તાળમેલ રહેશે. કોઈ મિત્રને મળવાથી જૂની મીઠી યાદો તાજી થશે.

તુલા: તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. તમારા અટકેલા પૈસા પાછા મળી શકે છે. નોકરીમાં તમારા ઉત્તમ કાર્યની પ્રશંસા થશે અને પ્રમોશન સંબંધિત ખુશખબર મળી શકે છે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ પરેશાનીઓથી ભરેલો રહેશે. સહકર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે. કામમાં નેતૃત્વ, આયોજન અને ઝડપી નિર્ણય લેવાની જરૂર પડશે. સરકારી વિભાગ અથવા કોર્પોરેટ ક્ષેત્રમાં ઈન્ટરવ્યૂ સંબંધિત સંદેશ મળી શકે છે.

ધનુ: ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો રહેશે. તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત بنانے માટે વધુ મહેનત કરશો. જીવનસાથી તમારી કોઈ કઠોર વાતને ગલત સમજી શકે છે, તેથી વાતચીત શાંત રાખો. સિંગલ લોકો કોઈ જવાબદાર અને પ્રભાવશાળી વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવી શકે છે.

મકર: આજનો દિવસ તમારા માટે સારો રહેશે. જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો છો અને બંને સાથે સમય આનંદમાં પસાર થશે.

કુંભ: આજના દિવસે તમે કોઈ પણ પ્રકારની મુસાફરી અથવા પ્રવાસ પર જઈ શકો છો. દાંપત્ય જીવન સારું રહેશે. કામમાં સફળતા મળશે.

મીન: મીન રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. કોઈ સામાજિક કાર્યક્રમમાં પાર્ટનર સાથે સમજણ અને નજીકીઓ વધી શકે છે.

Gujarat : ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે બનાવાયું ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર

0

ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર બનાવવામાં આવ્યું છે. ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર બનાવવાથી હવે મુસાફરો મેટ્રો સ્ટેશન અને રેલવે સ્ટેશન વચ્ચે સીધી અવર-જવર કરી શકશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે 35 કરોડ રૂપિયાના ખર્ચે ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર તૈયાર કરવામાં આવ્યું છે. મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન જવા માટે મુસાફરોને અડધા કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું હતું. પરંતુ હવે ટ્રાવેલેટર બનાવતા મુસાફરોને રાહત થશે.મેટ્રોમાંથી ઉતરતા મુસાફરો સીધા જ સ્ટેશનમાંથી જ ટ્રાવેલેટર મારફતે રેલવે સ્ટેશનમાં અને ટ્રેનમાંથી ઉતરતા મુસાફરો ત્યાંથી જ મેટ્રો સ્ટેશન સુધી પહોંચી શકશે.

Sports : અર્શદીપ વિરૂદ્ધ ICCની કડક કાર્યવાહી, વર્લ્ડ કપની ફાઈનલમાં મિચેલને બોલ મારવો ભારે પડ્યો

0

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર અર્શદીપસિંહ પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કડક પગલાં લેતા દંડ ફટકાર્યો છે. ગત રવિવારે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં અર્શદીપ અને મિચેલ વચ્ચે ચકમક ઝરી હતી. આ વિવાદને લઈને ICCએ અર્શદીપને આચાર સંહિતાના લેવલ-1ના ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવ્યો છે.

અર્શદીપ પર ICCએ મેચ ફીના 15 ટકા દંડ ફટકાર્યો છે. અર્શદીપ સિંહને ICC આચાર સંહિતાના આર્ટિકલ 2.9 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કોઈ ખેલાડી તરફ અથવા તેની નજીક બોલ કે ક્રિકેટના સાધનોને અયોગ્ય કે જોખમી રીતે ફેંકવા સાથે જોડાયેલો છે. દંડ ઉપરાંત, અર્શદીપ સિંહના શિસ્ત રેકોર્ડમાં એક ‘ડિમેરિટ પોઈન્ટ’ પણ ઉમેરવામાં આવ્યો છે. નોંધનીય છે કે છેલ્લા 24 મહિનામાં અર્શદીપ દ્વારા કરવામાં આવેલું આવું પહેલું ઉલ્લંઘન છે.

8 માર્ચે ફાઈનલ મેચ દરમિયાન 11મી ઓવરમાં એક વિવાદાસ્પદ ક્ષણ સર્જાઈ હતી. અર્શદીપે બોલિંગ દરમિયાન પિચ પર ફિલ્ડિંગ કરી, બોલ સીધો ન્યૂઝીલેન્ડના બેટર ડેરિલ મિશેલ તરફ ફેંક્યો હતો, જે તેના પગ પર વાગ્યો હતો. આ ઘટના બાદ મેદાન પર ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. મિશેલે આ અંગે અમ્પાયરને ફરિયાદ કરી હતી અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડ્યો હતો. જો કે અર્શદીપે મેચ બાદ મિશેલની માફી માંગી લીધી હતી.

જો કોઈ ખેલાડીના ખાતામાં 24 મહિનાની અંદર 4 ડિમેરિટ પોઈન્ટ જમા થાય, તો તેના પર એક ટેસ્ટ અથવા બે વ્હાઇટ-બોલ મેચનો પ્રતિબંધ લાદવામાં આવે છે. , ઉલ્લેખનીય છેકે, ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝના જેડન સીલ્સ પર યશસ્વી જયસ્વાલ તરફ બોલ ફેંકવા બદલ મેચ ફીના 25 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ ફટકારવામાં આવ્યો હતો.

National : LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ

0

ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર ભારતના રસોડા સુધી પહોંચી છે. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સપ્લાય ખોરવી નાખવામાં આવતા ભારતમાં LPG ગેસની અછત સર્જાઈ છે. આ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના ઝાંસીથી LPG સિલિન્ડર ભરેલા ટ્રકની ચોરી થવાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ટ્રકમાં લગભગ 524 ભરેલા LPG સિલિન્ડર હતા, જેની કિંમત લગભગ 18 લાખ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટના ઝાંસીના સિપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ટ્રક માલિકની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ટ્રક માલિક નીરજ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે તેમનો ટ્રક નંબર UP 93 BT 3341, ઝાંસીના કરાડી સ્થિત ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન પ્લાન્ટ સાથે જોડાયેલ છે. 2 માર્ચના રોજ પ્લાન્ટમાંથી ટ્રકમાં 524 ગેસ સિલિન્ડર લોડ કરવામાં આવ્યા હતા અને કાનપુર દેહાતના ગજનેર મોકલવાના હતા.હોળીના તહેવારના કારણે ટ્રક ડ્રાઈવર રાજકુમાર ટ્રકને પ્લાન્ટની બહાર પાર્ક કરીને ઘરે જતો રહ્યો હતો. થોડા દિવસો બાદ 6 માર્ચે માહિતી મળી કે ટ્રક ઝાંસીના બારાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારીછા નજીક હાઈવે પર છે. જ્યારે ટ્રક માલિક પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે, ટ્રકમાંથી બધા ગેસ સિલિન્ડર ગાયબ હતા વાહનની GPS સિસ્ટમ પણ તોડી નાખવામાં આવી હતી.

ત્યારબાદ ટ્રક માલિકે તાત્કાલિક સીપરી બજાર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી. પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે અને નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

સ્ટેશન ઈન્ચાર્જ જયપ્રકાશ ચૌબેએ જણાવ્યું કે, ફરિયાદના આધારે અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ટ્રક કબજે કરી છે અને ચોરાયેલા ગેસ સિલિન્ડર શોધવા માટે ટીમો તહેનાત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, અમે ટૂંક સમયમાં આરોપીઓની માહિતી મેળવીને કાર્યવાહી કરીશું. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, વિદેશથી LPGનો પુરવઠો ઓછો થવાને કારણે કેન્દ્ર સરકારે LPGના કમર્શિયલ ઉપયોગને નિયંત્રિત કર્યો છે.

Baroda : વડોદરામાં સયાજી બાગના પશુ-પક્ષીઓના પાંજરાને કંતાન બાંધી પાણી છંટકાવ શરૂ

0

હજી તો ઉનાળાની મોસમનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરામાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. ગઈકાલે ગરમીનો પારો 40 અંશ ડિગ્રીને પાર થઈ ગયો હતો. હજીય ગરમી વધવાની સીધી અસર પશુ પક્ષીઓ સહિત જનજીવન પર પડશે. પરિણામે કમાટીબાગના પશુ-પક્ષીઓને ગરમીથી બચાવવાના ઇરાદે પિંજરાની ચારે બાજુએ કંતાન બાંધીને પાણીનો છંટકાવ શરૂ કરી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે હજી તો માર્ચ મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે ગરમીનો પારો દિન પ્રતિદિન ઝડપભેર ઊંચે જઈ રહ્યો છે. તા.8મી માર્ચે શહેરમાં ગરમીનો મહત્તમ પારો 39.4 ડિગ્રીએ હતો પરંતુ ગઈકાલે તેમાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. જેથી ગરમીનો પારો ગઈકાલે 40 અંશ ડિગ્રીને પાર થઈ ગયો હતો અને વધુમાં વધુ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયુ હતું. આમ દિન પ્રતિ દિન ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે બપોરના સમયે રાજમાર્ગો સુમસામ જણાઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ આજે ગરમીનો પારો 41 ડિગ્રી થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.

પરિણામે સયાજી બાગ (કમાટી બાગ) ના પક્ષીઓ અને પશુઓને ત્રાહિમામ ગરમીથી બચાવવા પક્ષીઘર અને પશુઓના પાંજરા આસપાસ કંતાન બાંધીને ચારે બાજુએથી પાણીનો છંટકાવ કરીને પક્ષીઓ અને પશુઓને ગરમીથી રાહત અને ઠંડક પહોંચાડવાના ઇરાદે મૂક જીવોને રાહત આપવાનું શરૂ કરાયું હતું.

Entertainment : લિન લૈશરામ એ પુત્રીને આપ્યો જન્મ, એ પિતા રણદીપ હુડા બનતા શેર કર્યો દિકરીનો ફોટો…….

0

અભિનેતા રણદીપ હુડા પિતા બનતા તેણે પુત્રીની નાની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટામાં રણદીપના પિતા એટલે દાદ તેની પૌત્રીને પોતાના હાથમાં લઈને ખૂબ જ ખુશ છે. રણદીપની પુત્રીનો જન્મ તેમના પિતા રણબીરના જન્મદિવસના દિવસે જ થયો છે. રણદીપે પોસ્ટમાં લખ્યુ છે કે, તેની પુત્રી અને પત્ની લિન લૈશરામ સ્વસ્થ છે. એક ફોટામાં, રણદીપે તેની પુત્રીનો ચહેરો તેના દાદાના ખોળામાં બતાવ્યો છે. અને બીજામાં અભિનેતાએ બાળકીના હાથની ઝલક દર્શાવી છે.

અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે પિતા બનવાના સારા સમાચાર શેર કર્યા છે. અને લખ્યું છે કે, દાદા અને પૌત્રીને જન્મદિવસની શુભકામનાઓ. આજે હું પિતા બન્યો છું. તેમ તમારા પ્રત્યેનો મારો આભાર વધુ ઊંડો થાય છે, પપ્પા. આ રીતે નાની છોકરીનું સ્વાગત કરું છું. રણદીપે આગળ લખ્યું કે, સૌથી અગત્યનું, લિન, મને પિતા બનાવવા અને અમારી નાની દીકરીને આ દુનિયામાં લાવવા બદલ ખૂબ ખૂબ આભાર. એક નાની છોકરી અને જીવનભરનો પ્રેમ.

રણદીપ હુડ્ડાએ આ ખુશખબર શેર કરતાની સાથે જ અભિનંદનનો વરસાદ વરસી પડ્યો. ચાહકો અને સેલિબ્રિટીઓએ દંપતીને અભિનંદન આપ્યા અને તેમની નવજાત બાળકી પર પ્રેમનો વરસાદ વરસાવ્યો. ફૈઝલ મલિકથી લઈને પ્રિયા મલિક અને ફ્રેડી દારુવાલા સુધી, ઘણા ફિલ્મ સ્ટાર્સે રણદીપ હુડ્ડા અને લિન લૈશરામને માતાપિતા બનવા બદલ અભિનંદન આપ્યા છે. રણદીપ અને લિન લૈશરામએ નવેમ્બર 2025 માં તેમની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. રણદીપ અને લિને જંગલમાં અગ્નિની આસપાસ બેઠેલા પોતાના ફોટા શેર કર્યા, જેના કેપ્શનમાં લખ્યું, બે વર્ષનો પ્રેમ, સાહસ, અને હવે એક નાનું સાહસ આવી રહ્યું છે. આ દંપતીએ તાજેતરમાં જ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું.

રણદીપ હુડા અને લિન લૈશરામના લગ્ન 2023માં થયા હતા. તેમણે પરંપરાગત મેઇતેઇ રિવાજોનું પાલન કરીને મણિપુરના ઇમ્ફાલમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન તેની સાદગી અને સાંસ્કૃતિક પરંપરાઓ માટે ચર્ચામાં રહ્યા હતા.

Sports : વર્લ્ડકપ જીત્યા પછી પિતાને યાદ કરીને ભાવુક થયો રિંકુ સિંહ,પોસ્ટ થઈ વાયરલ

0

રિંકુ સિંહે T20 વર્લ્ડ કપ દરમિયાન પોતાના પિતાને ગુમાવ્યા હતા. T20 વર્લ્ડ કપ દરમિયાન તેના પિતાનું અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. હવે, T20 વર્લ્ડ કપ જીત્યા પછી, રિંકુ સિંહે તેના પિતા માટે એક ખાસ પોસ્ટ લખી છે

રિંકુ સિંહે T20 વર્લ્ડ કપ દરમિયાન પોતાના પિતાને ગુમાવ્યા હતા. T20 વર્લ્ડ કપ દરમિયાન તેના પિતાનું અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. હવે, T20 વર્લ્ડ કપ જીત્યા પછી, રિંકુ સિંહે તેના પિતા માટે એક ખાસ પોસ્ટ લખી છે. તેમાં તેણે વ્યક્ત કર્યું છે કે તે તેના પિતાને કેટલા યાદ કરશે. રિંકુ સિંહે એ પણ સમજાવ્યું કે તે તેના પિતાના મૃત્યુ પછી T20 વર્લ્ડ કપમાં રમવા માટે કેમ પાછો ફર્યો.

રિંકુ સિંહે ઇન્સ્ટાગ્રામ પર તેના પિતા સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો. તેમાં તેણે એક ખાસ નોંધ લખી: “મેં ક્યારેય તમારી સાથે વાત કર્યા વિના આટલા દિવસો વિતાવ્યા નથી. મને ખબર નથી કે હું તમારા વિના કેવી રીતે રહીશ, પણ મને દરેક પગલે તમારી જરૂર પડશે.”

રિંકુ સિંહે આગળ લખ્યું, “તમે મને શીખવ્યું કે ફરજ પહેલા આવે છે, તેથી હું મેદાન પર તમારા સ્વપ્નને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે જ્યારે તમારું સ્વપ્ન પૂર્ણ થયું છે, તો હું ઈચ્છું છું કે તમે મારી સાથે હોત. હું દરેક નાની-મોટી ખુશીમાં તમને યાદ કરીશ. હું તમને ખૂબ યાદ કરીશ, પપ્પા.”T20 વર્લ્ડ કપમાં રિંકુ સિંહનું બેટ શાંત રહ્યું. ડાબા હાથના આ ખેલાડીએ પાંચ મેચમાં 8 ની સરેરાશથી માત્ર 29 રન બનાવ્યા. રિંકુ સિંહની નિષ્ફળતા બાદ, ભારતીય ટીમે બેટિંગ ક્રમમાં મોટો ફેરફાર કર્યો, સંજુ અને અભિષેક શર્માને ઓપનિંગમાં મોકલવામાં આવ્યા અને રિંકુ સિંહની જગ્યાએ તિલક વર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. બેટિંગ કોમ્બિનેશનમાં આ ફેરફારથી ભારતીય ટીમની બેટિંગ મજબૂત બની, જેના પરિણામે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ જીતી ગઈ.

રિંકુ સિંહના ખરાબ પ્રદર્શન બાદ, હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તે T20 ટીમમાં પોતાનું સ્થાન બનાવી રહેશે. જોકે, રિંકુને હવે IPL પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. રિંકુ સિંહ 28 માર્ચથી શરૂ થનારી IPL 2026 માં KKR તરફથી રમશે.