Home Blog Page 322

Sports : T20 વર્લ્ડકપ જીત્યા બાદ છલકાયું ગૌતમ ગંભીરનું દર્દ! કહ્યું- ‘ખરાબ સમયમાં ફક્ત એક જ વ્યક્તિ…’

0

ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડકપ જીત બાદ હેડ કોચ ગૌતમ ગંભીર ખૂબ જ ખુશ હતા. તેમને મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં પોતાની ખુશી વ્યક્ત કરી અને એક વ્યક્તિનો ખાસ આભાર પણ માન્યો.ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપ 2026માં મુખ્ય દાવેદાર તરીકે પ્રવેશી. ટીમે ટુર્નામેન્ટના અંતે આ વાત સાચી સાબિત કરી, ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો. ટીમ ઈન્ડિયા માટે આ જીત કોચ ગૌતમ ગંભીર માટે પણ ખૂબ જ ખાસ હતી.

ટીમ ઈન્ડિયાના કોચ તરીકે આ તેમનું બીજું ICC ટાઈટલ હતું. આ સાથે તેઓ કોચ અને ખેલાડી બંને તરીકે ICC ટ્રોફી જીતનાર પહેલા ખેલાડી બન્યા. આ વર્લ્ડકપ પહેલા તેમના વિશે ઘણા સવાલો હતા, પરંતુ હાલ માટે ટ્રોલર્સ શાંત થઈ ગયા છે. આ જીત પછી ગંભીરે એક વ્યક્તિનો ખાસ આભાર માન્યો છે.ટીમ ઈન્ડિયાની જીત બાદ હેડ કોચ ગૌતમ ગંભીરનું નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેઓ ખાસ કરીને આઈસીસી પ્રેસિડેન્ટનો આભાર માને છે. તેમને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “છેલ્લે પણ ઓછામાં ઓછું નહીં, મારે તેમનો આભાર માનવો પડશે. જ્યારે હું મારા કરિયરના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ઘણા લોકોએ મને ફોન કર્યો ન હતો.

ન્યુઝીલેન્ડ સામેની હાર હોય કે સાઉથ આફ્રિકા સામેની હાર, તેઓ મને ફોન કરનારા પહેલા વ્યક્તિ હતા. મારા પર વિશ્વાસ કરવા બદલ હું તેમનો આભાર માનવા માગુ છું. મને સારી રીતે યાદ છે કે જ્યારે મેં આ ભૂમિકામાં શરૂઆત કરી હતી, ત્યારે મારી પાસે કોઈ અનુભવ ન હતો.”ગૌતમ ગંભીર જ્યારથી હેડ કોચ બન્યા છે, ત્યારથી ટીમ ઈન્ડિયાનું રેડ-બોલ ટીમમાં પ્રદર્શન ખરાબ રહ્યું છે. ટીમને ઘરઆંગણે સતત સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વ્યાપક ટીકા થઈ હતી. પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન ટીમે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને હવે T20 વર્લ્ડકપ જીતીને ઈતિહાસ પણ રચ્યો છે. આ ટુર્નામેન્ટ જીત ગૌતમ ગંભીર માટે નોંધપાત્ર રાહત હતી. તેમનું આગામી ટાર્ગેટ આવતા વર્ષે યોજાનારા ODI વર્લ્ડકપ હશે.

Business : ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ

0

ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની સીધી અસર વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. 10મી માર્ચે સોના અને ચાંદીના ભાવમાં આસમાની ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને ક્રૂડ ઓઇલના ભાવમાં મોટું ગાબડું પાડ્યું છે.

રોકાણકારો માટે સુરક્ષિત ગણાતા સોના અને ચાંદીમાં 10મી માર્ચે ભારે ઉછાળો જોવા મળ્યો હતો. એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં 8,000 રૂપિયાનો જંગી વધારો થતા તે 2.75 લાખ રૂપિયા પર પહોંચી છે. MCX ફ્યુચર્સ માર્કેટમાં 24 કેરેટ સોનાના ભાવમાં 1,500 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેનાથી 10 ગ્રામ સોનાનો ભાવ 1.62 લાખ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

યુદ્ધના ભય વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ જે આસમાને પહોંચ્યા હતા, તેમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. 10મી માર્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને 89 ડૉલર થયા છે. એશિયન ટ્રેડિંગની શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ લગભગ 8.5 ટકા ઘટીને 92.50 ટકા પ્રતિ બેરલ થયા. જે નવમી માર્ચે તે 115 ડૉલર પર પહોંચી ગયા હતા. જ્યારે અમેરિકાના ક્રૂડ ઓઇલ (WTI) પણ લગભગ 9 ટકા ઘટીને 88.60 ડૉસક પ્રતિ બેરલ થયું છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં આ ઘટાડા પાછળ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન જવાબદાર માનવામાં આવે છે. સોમવારે (નવમી માર્ચ) ટ્રમ્પે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘વર્તમાન યુદ્ધ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થશે.’ તેમના આ નિવેદનથી વૈશ્વિક સપ્લાય ચેઈનને લઈને રહેલી અનિશ્ચિતતા ઓછી થઈ છે અને રોકાણકારોમાં વિશ્વાસ પાછો ફર્યો છે.

ઉલ્લેખનીય કે, બજારમાં આજે રાહત જોવા મળી હોવા છતાં, નિષ્ણાતો માને છે કે સ્થિતિ હજુ સંપૂર્ણ થાળે પડી નથી. વર્તમાન ક્રૂડના ભાવ યુદ્ધ શરૂ થયા પહેલાની સરખામણીએ હજુ પણ 30 ટકા વધારે છે. જો યુદ્ધવિરામ બાબતે કોઈ નક્કર નિર્ણય નહીં લેવાઈ, તો બજારમાં ફરીથી વોલેટાલિટી જોવા મળી શકે છે.

Gujarat : પ્લેન-હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારનો રૂ. 86 કરોડનો ખર્ચ છતાં ટેકનિકલ ખામી……..

0

ગુજરાત સરકાર દ્વારા મહાનુભાવોની મુસાફરી માટે વપરાતા પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કરવામાં આવતો તોતિંગ ખર્ચ ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડ્યો છે. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા બે વર્ષમાં આ વાહનોની જાળવણી અને સ્ટાફ પાછળ અંદાજે 86 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલા જંગી ખર્ચ છતાં ટેકનિકલ ખામીઓ સર્જાતા મેન્ટેનન્સની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોના ઉપયોગ માટે રાખવામાં આવેલા પ્લેન-હેલિકોપ્ટરની જાળવણી પાછળ વર્ષ 2024-25માં 27.71 કરોડ રૂપિયા, વર્ષ 2025-26માં 28.95 કરોડ રૂપિયા, જ્યારે કુલ મેન્ટેનન્સમાં 56.66 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.

માત્ર જાળવણી જ નહીં, પરંતુ આ વાહનોના સંચાલન માટે રાખવામાં આવેલા સ્ટાફ પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચાયા છે. પાયલટનો પગારમાં 28 કરોડ રૂપિયા, અન્ય સ્ટાફ માટે 1.58 કરોડ રૂપિયા, જે કુલ સંયુક્ત ખર્ચ અંદાજે 86.24 કરોડ રૂપિયા છે. ચોંકાવનારી બાબત એ છે કે કરોડોના ખર્ચ પછી પણ બે વખત એવી ઘટના બની હતી જેમાં ટેકનિકલ ખામીને લીધે પ્લેન-હેલિકોપ્ટર ઉડી શક્યા નહોતા. આ ખામીઓને કારણે મહાનુભાવોની સત્તાવાર મુલાકાતોમાં વિક્ષેપ પડ્યો હતો અને તેમને મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.

આ આંકડાઓ સામે આવતા જ વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, સામાન્ય જનતાની પાયાની સુવિધાઓ માટે બજેટમાં ખેંચતાણ અનુભવતી સરકાર VIP સુવિધાઓ પાછળ અંધાધૂંધ ખર્ચ કરી રહી છે. મેન્ટેનન્સ પાછળ 56 કરોડ રૂપિયા ખર્ચવા છતાં જો ટેકનિકલ ખામી રહેતી હોય, તો આ નાણાં ક્યાં વપરાયા તેની તપાસ થવી જોઈએ. જનતાના પરસેવાના પૈસાનો આ રીતે ‘ધુમાડો’ કરવો એ ચિંતાનો વિષય છે.

Gandhinagar : શહેરોમાં તળાવો અને હવાની ગુણવત્તા સુધારવા લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરાશે

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા તળાવો અને હવાની ગુણવત્તાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ સુનિશ્ચિત કરવા લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરવામાં આવશે.

ગુજરાતના શહેરો ટકાઉ અને સ્માર્ટ બને એ માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ જ પ્રયાસોના ભાગરૂપે,રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા તળાવો અને હવાની ગુણવત્તાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ સુનિશ્ચિત કરવા લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરવામાં આવશે. ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે તળાવોનું પ્રદૂષણ, પાણીની ગુણવત્તામાં ઘટાડો, ભૂગર્ભ જળના કુદરતી રિચાર્જમાં ઘટાડો અને ગીચ વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર અસર થઈ રહી છે.

આ પડકારોને ધ્યાનમાં રાખીને ‘લેક એન્ડ એર વોચ’ પહેલ અંતર્ગત વિવિધ વિભાગોમાં કાર્યરત મોનિટરિંગ વ્યવસ્થાઓને એકીકૃત કરવામાં આવશે જેથી સમયસર કાર્યવાહી સુનિશ્ચિત થાય.આગામી સમયમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા એક સંકલિત,ડિજિટલ અને રિયલ-ટાઇમ માહિતી આપતું પ્લેટફોર્મ વિકસાવવામાં આવશે,જેના માધ્યમથી રાજ્યના શહેરોમાં તળાવો તથા હવાની ગુણવત્તા પર દેખરેખ રાખી શકાશે અને સમયસર ચેતવણી મળ્યા બાદ કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાશે.અંદાજિત 10 કરોડની જોગવાઈ સાથે આ પહેલ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નોંધનીય ભૂમિકા ભજવશે.

Gujarat : એકને ગોળ, બીજાને ખોળ જેવી સરકારી નીતિ : સરકારી અનાજ માટે CBDC કરાવવા મુદ્દે રેશનિંગ દુકાનદારોનો વિરોધ

0

એનએફએસએ હેઠળ સરકારી અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકો માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) યોજના અમલમાં મૂકવામાં આવી છે પરંતુ તેના અમલ માટે દુકાનદારોને એક પણ વધારાનું વળતર નહી ચૂકવતા રાજ્યભરના દુકાનદારોમાં વ્યાપક વિરોધ થયો છે અને સરકારની આ કામગીરી નહી કરવા એસોસિએશન દ્વારા દુકાનદારોને જણાવાયું છે.

રેશનિંગ દુકાનમાંથી અનાજ મેળવતા ગ્રાહકોને કેટલું અનાજ મળશે અથવા મળી રહ્યું છે તેની વિસ્તૃત જાણકારી માટે અગાઉ ઇ કેવાયસી પ્રક્રિયા બાદ હવે રાજ્ય સરકાર નવી સિસ્ટમ સીબીડીસી અમલમાં લાવી છે. પંજાબ નેશનલ બેંક સાથે જોડાણ કરી રાજ્યના લાખો લાભાર્થીઓને નવી નોંધણી માટે હવે દોડાદોડી કરવાનો વારો આવ્યો છે.

મહત્વની બાબત એ છે કે સીબીડીસી માટે લાભાર્થીઓને ઓનબોર્ડિંગ કરવા માટે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા વીસીઇ (બિઝનેશ કોરસસ્પોન્ડન્ટ) માટે પૈસા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એક રેશનકાર્ડની નોંધણી માટે રૂ.20 ચૂકવવામાં આવશે જ્યારે રેશનિંગ દુકાનદારોને પણ આ કામગીરી કરવા માટે જણાવાયું છે પરંતુ તેના માટે કોઇ રકમ નહી ચૂકવવામાં આવે તેમ સ્પષ્ટ કરતા રાજ્યભરના રેશનિંગ દુકાનદારોમાં વિરોધ ઊભો થયો છે.

રાજ્યના બે મોટા એસોસિએશને દરેક જિલ્લાના એસોસિએશનના પ્રમુખને સરકારની આ કામગીરી નહી કરવા માટે સ્પષ્ટ જણાવી દેવાયું છે. રાજ્યભરમાં 17 હજાર જેટલી રેશનિંગ દુકાનોના સંચાલકોએ આ મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી છે અને આગામી દિવસોમાં સરકારને ઉગ્ર રજૂઆત કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. એકને ગોળ બીજાને ખોળ જેવી સરકારી નીતિનો વિરોધ દિવસે દિવસે વધતો જાય છે. ખરેખર રેશનિંગ દુકાનદારોને પ્રોત્સાહન આપવાના બદલે તેમની પાસે જબરજસ્તી કામ કરાવવામાં આવતા તે અંગે રોષ ફાટી નીકળ્યો છે.

ટકેન્દ્ર સરકારના સહયોગથી સીબીડીસી યોજનાને પ્રારંભિક તબક્કામાં પાયલટ પ્રોજેક્ટ અમદાવાદના સાબરમતી ઝોનમાં તેમજ સુરત, આણંદ અને વલસાડ જિલ્લાઓના શહેરી વિસ્તારોમાં અમલીકરણ કરેલ છે. આ પ્રોજેક્ટનું ઉદ્ધાટન તા.15 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું અને હવે સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરવા માટે ઓનબોર્ડિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.

રેશનકાર્ડ ધારકોના ઇ-કેવાયસી માટે અગાઉ વીસીઇને પણ રૂ.5 આપવામાં આવ્યા હતાં તેવી જ રીતે રેશનિંગ દુકાનના સંચાલકોને પણ કોઇ વળતર ચૂકવવામાં નહી આવતા વિરોધ થયો હતો. આખરે સરકારે દુકાનદારોને પણ રૂ.5 આપવાનો વાયદો કર્યો હતો પરંતુ હજી સુધી રેશનિંગ દુકાનના સંચાલકોને રકમ મળી નથી આ અંગે પણ દુકાનદારોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

સીબીડીસી કામગીરી માટે પુરવઠાખાતાના અધિકારીઓ દ્વારા રેશનિંગ દુકાનદારો પર દબાણ કરી રોજ 20 રેશનકાર્ડની કામગીરી કરવાની છે તેમ જણાવવવામાં આવે છે. સંબંધમાં અથવા ધાકધમકીથી બચવા માટે કેટલાક દુકાનદારો કોઇપણ વળતર વગર કામ કરવા લાગ્યા છે પરંતુ મોટા ભાગના દુકાનદારોમાં રોષ ફેલાયો છે.

Entertainment : રિલીઝ પહેલા જ 2.5 લાખ ટિકિટો સોલ્ડ આઉટ, બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નો દબદબો

0

બોલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર 2’ (ધ રીવેન્જ) રિલીઝ થવાને હવે માત્ર નવ દિવસ બાકી છે, પરંતુ ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ અત્યારે આસમાને છે. ફિલ્મની માર્કેટિંગ ટીમે અપનાવેલી એક ખાસ પ્રાઈસિંગ સ્ટ્રેટેજીને કારણે એડવાન્સ બુકિંગના આંકડાઓએ ટ્રેડ એનાલિસ્ટ્સને પણ ચોંકાવી દીધા છે.

નિર્માતાઓએ ભારતીય બજારના દરેક વર્ગને આકર્ષવા માટે ટિકિટના દરોમાં મોટો તફાવત રાખ્યો છે. મુંબઈ જેવા મેટ્રો શહેરોના પ્રીમિયમ મલ્ટિપ્લેક્સમાં એક રિક્લાઇનર સીટનો ભાવ ₹2,900 સુધી પહોંચ્યો છે, જે હાઈ-એન્ડ દર્શકોને આકર્ષે છે. બીજી તરફ, માસ ઓડિયન્સને ખેંચવા માટે દક્ષિણ ભારતના ચેન્નાઈ જેવા શહેરોમાં ટિકિટ માત્ર ₹59 માં પણ ઉપલબ્ધ છે. આ બેવડા મોડેલને કારણે નાના શહેરોથી લઈને મોટા મલ્ટિપ્લેક્સ સુધી દરેક જગ્યાએ ‘હાઉસફુલ’ના પાટિયા જોવા મળી રહ્યા છે.

ભારતીય બજારમાં અત્યાર સુધીમાં પ્રીમિયર શો માટે 2,37,323 થી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. જેનાથી અંદાજે ₹13.75 કરોડનું ગ્રોસ કલેક્શન થયું છે. જો બ્લોક કરેલી સીટોને પણ ગણતરીમાં લેવામાં આવે, તો આ આંકડો ₹19.46 કરોડની આસપાસ પહોંચે છે. વેપાર નિષ્ણાતોનું માનવું છે કે જે રીતે બુકિંગ વધી રહ્યું છે, તે જોતા આ ફિલ્મ “OG” ના ₹25 કરોડના પેઇડ પ્રીવ્યૂના રેકોર્ડને આસાનીથી તોડી નાખશે.

માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશી ધરતી પર પણ રણવીરનો જાદુ માથા ચઢીને બોલી રહ્યો છે. ઉત્તર અમેરિકા (USA) માં જ 557 લોકેશન પર અંદાજે 38,500 ટિકિટો વેચાઈ છે, જેનાથી $618,911 (આશરે ₹5.15 કરોડ) ની કમાણી થઈ ચૂકી છે. વૈશ્વિક સ્તરે કુલ 2,57,000 થી વધુ ટિકિટો સોલ્ડ આઉટ થઈ છે.

BREAKING NEWS : ગેસ, પેટ્રોલ-ડિઝલની સંગ્રહખોરી રોકવા ભારતમાં ESMA લાગુ

0

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસની ખોટ સર્જાઈ છે. જેની અસર ભારત પર પણ પડી રહી છે. ભારત સરકારે ગેસ સિલિન્ડર બુક કરવાનો સમયગાળો વધારીને 25 દિવસનો કર્યો છે. જે બાદ હવે આખા દેશમાં ESMA કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

ઘરેલુ ગેસ, પેટ્રોલ અને ડીઝલની પુરવઠો લોકોને મળી રહે તે માટે સરકારે સમગ્ર દેશમાં પેટ્રોલિયમ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તથા નેચરલ ગેસ માટે Essential Commodities Act લાગુ કર્યો છે.

આ કાયદાનો અર્થ શું છે?

  • પેટ્રોલ અને ગેસનો પુરવઠો કોઈ રોકી શકશે નહીં. સરકાર નક્કી કરશે કે ક્યાં અને કેટલો જથ્થો મોકલવો.
  • દરેક વિસ્તાર અને નાગરિકને સમાન રીતે ઈંધણ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
  • જે વેપારીઓ કે એજન્સીઓ નફાખોરી કરવા માટે તેલ કે ગેસનો સ્ટોક કરશે, તેમની સામે ગુનો દાખલ થશે.

Surat : શહેરમાં રોડ પર જ રિક્ષા મુકીને દબાણ કરતાં 15 રિક્ષા ચાલકોની અટકાયત

0

સુરત શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા સામે પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરમાં ટ્રાફિકમાં વધારો કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાપોદરા પોલીસે ટ્રાફિક કરી રહેલા 15 જેટલા રિક્ષા ચાલકોની અટકાયત કરી હતી.

સુરત શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા સામે પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરમાં ટ્રાફિકમાં વધારો કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાપોદરા પોલીસે ટ્રાફિક કરી રહેલા 15 જેટલા રિક્ષા ચાલકોની અટકાયત કરી હતી. રોડ પર જ રિક્ષા મુકીને રિક્ષા ચાલકો ટ્રાફિક સમસ્યા ઉભી કરતા હતાં. પોલીસ એક્શનમાં આવતા રિક્ષા ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

સુરતમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ એક્શનમાં આવી છે. ટ્રાફિક પોલીસે રોડ પર ટ્રાફિકમાં વધારો કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો કરતાં અને રસ્તા પર જ વાહનો મુકીને દબાણો કરતાં રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાપોદરા પોલીસે પંદર રિક્ષા ચાલકોની અટકાયત કરીને તેમની રિક્ષા જપ્ત કરી લીધી હતી.

Baroda : વડોદરામાં 16 વર્ષનો સગીર આઈસ્ક્રીમ ખાવા નીકળ્યો અને 5 લોકોને અડફેટે લીધા! ટોળાંએ માર માર્યો

0

વડોદરામાં મોડી રાત્રે હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી હતી. શહેરના અમિતનગર સર્કલ પાસે એક 16 વર્ષીય સગીરે કાર ચલાવતા દંપતી સહિત પાંચ લોકોને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માત સર્જી ભાગવા જતા સગીરને લોકોના ટોળાએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, હરણી મોટનાથ રોડ પર રહેતો એક 16 વર્ષીય સગીર મોડી રાત્રે ઘરેથી કાર લઈને આઇસક્રીમ ખાવા માટે નીકળ્યો હતો. વી.આઈ.પી. રોડ પરથી પસાર થતી વખતે અમિતનગર ચાર રસ્તા પાસે સગીરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. સૌથી પહેલા ચાલતા જતા એક દંપતી અને તેમના માસૂમ બાળકને અડફેટે લીધા હતા.અકસ્માત સર્જાયા બાદ ગભરાયેલા કિશોરે કાર ઉભી રાખવાને બદલે ભગાવી હતી. ભાગતી કારે રસ્તામાં એક ટેમ્પાને ટક્કર મારી અને ત્યારબાદ ટુ-વ્હિલર પર જઈ રહેલા માતા-પુત્રને પણ જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કુલ 4થી 5 લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ કાર અથડાઈને ઊભી રહી જતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચલાવતા સગીરને બહાર કાઢીને માર માર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સગીરને ટોળાના ચુંગાલમાંથી છોડાવી અટકાયત કરી હતી. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી સગીરના વાલી સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad : PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ જપ્ત, બુટલેગરો ફરાર

અમદાવાદમાં PCB દ્વારા સરદારનગરના કુબેરનગર અને શાહપુર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન લાખોની કિંમતનો વિદેશી દારૂ, બીયરના ટીન અને દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, બંને કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યા છે, જેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સરદારનગરમાં આવેલા કુબેરનગરમાં એક મકાનમાં PCBએ રેડ કરી હતી. આ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીન મળી કુલ 301 નંગ મુદ્દામાલ મળ્યો હતો. આ ઉપરાંત 3 મોબાઈલ ફોન સહિત કુલ 2,11,642 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટના કુલ બે આરોપી ફરાર છે. જેની દ્ધારપકડ કરવા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

શાહપુર મીઠન સૈયદના છાપરાની પાછળ આવેલા મેટ્રો બ્રિજ નીચે રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન PCBએ 1,70,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 6 પ્લાસ્ટિકના કોથળામાં ભરેલો 102 લીટર દેશી દારૂ, એક ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ સામેલ છે. મહત્વનું છે કે, આમ રિક્ષા ચાલક ફરાર છે જેની ધરપકડ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.