Home Blog Page 325

Ahmedabad : અમદાવાદમાં બુટલગેરનો પૌત્ર ફરી વિવાદમાં: ખાનગી કોલેજ બહાર રિવોલ્વર બતાવીને વિદ્યાર્થીઓને ધમકાવ્યા, કારમાં કરી તોડફોડ

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી કોલેજ પાસે ભરબપોરે એક કારમાં તોડફોડ કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ તોડફોડની ઘટનામાં આદિત્ય નામના નબીરા પર આક્ષેપ કરવામાં આવ્યો છે. આદિત્યએ કોલેજ કેમ્પસની બહાર પાર્ક કરેલી કાર પર હથિયાર વડે હુમલો કરી નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં કોલેજ બહાર રિવોલ્વર બતાવીને વિદ્યાર્થીઓને ધમકી પણ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી આદિત્ય કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર હોવાનું કહેવાય છે, જોકે પોલીસ દ્વારા હજુ સુધી આ બાબતે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

મહત્ત્વની વાત એ છે કે, આદિત્ય અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. અગાઉ શાહીબાગ વિસ્તારમાં થયેલા એક હિટ એન્ડ રન કેસમાં પણ તેનું નામ ઉછળ્યું હતું. એ અકસ્માતમાં એક મોપેડ સવારનું મોત નીપજ્યું હતું. હવે ફરી એકવાર તોડફોડની ઘટનામાં તેનું નામ સામે આવતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.

નવરંગપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે, CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આરોપીની ઓળખ અને આ તોડફોડ પાછળના કારણો જાણવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે. તપાસના અંતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે ઉમેર્યું હતું.

જોકે, અમદાવાદ પોલીસ દ્વારા આવા તત્ત્વો વિરૂદ્ધ કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા ગુનાહિત ઈતિહાસ ધરાવનારા તત્ત્વો વધુ આતંક ફેલાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈપણ પોલીસના ડર વિના બેખોફ રીતે ગુંડાની જેમ આતંક મચાવતો આદિત્ય નજરે પડી રહ્યો છે. હવે પોલીસ શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું.

Entertainment : Women’s Day પર આલિયા ભટ્ટને મળી સૌથી કિંમતી ભેટ, દીકરી રાહા અને રણબીર કપૂરે જીત્યું ફેન્સનું દિલ

0

8 માર્ચના રોજ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસરે બોલિવૂડ સેલેબ્રિટીઝે પણ પોતપોતાની શૈલીમાં મહિલાઓને સન્માનિત કરી હતી. રશ્મિકા મંદાના, ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી, પરંતુ આ બધામાં આલિયા ભટ્ટની પોસ્ટ સૌથી વધુ ચર્ચામાં રહી છે. આલિયા ભટ્ટે મહિલા દિવસ પર એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. ફેન્સ આ પોસ્ટ બહુ જ પસંદ આવી અને તેમણે સુંદર પ્રતિક્રિયા પણ આપી. જાણો આખરે વુમન ડેની આલિયાની આ પોસ્ટ કેમ વાયરલ થઈ.

આ મહિલા દિવસ આલિયા ભટ્ટ માટે ખૂબ જ ખાસ રહ્યો, કારણ કે તેને તેના જીવનની સૌથી મીઠી ભેટ મળી હતી. આ ભેટ તેને બીજા કોઈએ નહીં, પણ તેની નાની દીકરી રાહા કપૂર અને પતિ રણબીર કપૂરે આપી હતી. પિતા-પુત્રીની આ જોડીએ આલિયાને ખાસ અનુભવ કરાવવા માટે કોઈ કસર છોડી નહોતી. રાહાએ તેના પિતા રણબીર સાથે મળીને પોતાની મમ્મી આલિયા માટે એક સુંદર ‘હેન્ડ મેડ’ (હાથથી લખેલું) કાર્ડ તૈયાર કર્યું હતું. આ નાનકડી સરપ્રાઈઝે આલિયાના દિલને સ્પર્શી લીધું હતું.

આલિયા ભટ્ટે મહિલા દિવસ પર એક વાર્તા શેર કરી, જેમાં એક સુંદર હસ્તલિખિત કાર્ડ હતું. રિયાએ તેના પિતા રણબીર કપૂર સાથે મળીને ખાસ કરીને આલિયા માટે આ કાર્ડ બનાવ્યું હતું. આ મહિલા દિવસનું કાર્ડ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા, આલિયાએ લખ્યું, “એક મીઠી યાદ અપાવે છે કે કદાચ આપણે આપણી દીકરીઓને સૌથી સુંદર વસ્તુ શીખવી શકીએ છીએ તે છે પોતાને ઓળખવું, પોતાના પર વિશ્વાસ કરવો અને તેઓ જે બની રહી છે તેની ઉજવણી કરવી.

આલિયા ભટ્ટને તાજેતરમાં 2026 ના બાફ્ટા એવોર્ડ્સમાં હાજરી આપવા બદલ પ્રશંસા મળી. બાફટા એવોર્ડસમાં આલિયા ભટ્ટે એવોર્ડની જાહેરાત માટે હિન્દીમાં સ્પીચ આપી દેશ પ્રત્યે પ્રેમ બતાવ્યો. તેના આ કાર્યની ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકોએ ખૂબ પ્રશંસા કરી. આલિયાએ હિન્દીમાં સ્પીચ આપી લોકોના દિલ જીતી લીધા. જયારે Women’s Day પર દીકરી રાહા અને રણબીર કપૂરે આલિયા ભટ્ટને સૌથી કિંમતી ભેટ આપતી ફેન્સનું દિલ જીત્યું. અભિનેત્રીના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો આલિયા પાસે આલ્ફા અને લવ એન્ડ વોર સહિત ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. દરમિયાન, રણબીર કપૂર તેની આગામી મેગા-બજેટ ફિલ્મ “રામાયણ” ની તૈયારી કરી રહ્યો છે, જેનો પહેલો ભાગ આ દિવાળી પર રિલીઝ થવાનો છે.

Sports : ‘ભારતે ક્રિકેટ બરબાદ કરી નાંખ્યું છે…’ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ખેલાડીઓને ભારતની જીત પચી નહીં

0

T20 વર્લ્ડ કપમાં ભારતના વિજય બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આકરા પ્રહારો કર્યા છે. તેણે દાવો કર્યો કે ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે. અખ્તરે ટીમ ઈન્ડિયાની તુલના ગલી ક્રિકેટમાં દાદાગીરી કરતા કોઈ ‘અમીર બાપના નબીરા’ સાથે કરી હતી.

T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતના શાનદાર પ્રદર્શને વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. અમદાવાદમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો. જ્યાં આખું વિશ્વ ભારતના વખાણ કરી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનના ખેલાડીઓ ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે.

પાકિસ્તાની શૉ ‘ગેમ ઓન હૈ’ના એક એપિસોડમાં શોએબ અખ્તરે ક્રિકેટની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ભારતની વધતી જતી તાકાતે ક્રિકેટને નુકસાન પહોંચાડ્યું છે. આ તો પેલા ગલીના અમીર છોકરા જેવું છે, જે આજુબાજુના ગરીબ છોકરાઓને બોલાવે અને કહે કે ‘ચાલો ક્રિકેટ રમીએ.’ ભારત પણ આપણી સાથે એવું જ કરી રહ્યું છે. 8 ટીમમાંથી તેઓ 4 રાખે છે અને એમાંથી પણ પોતાની મરજી મુજબની ટીમોને આગળ વધારીને છેલ્લે કહે છે કે ‘જુઓ, હું જીતી ગયો.’ તેમણે આખું ક્રિકેટ ખતમ કરી નાખ્યું છે.

રસપ્રદ વાત એ છે કે, આ ફાઈનલ મેચ પહેલા અખ્તરનો સૂર થોડો અલગ હતો. તેણે કહ્યું હતું કે ‘ભારત ફેવરિટ છે, પરંતુ હું ઈચ્છું છું કે ‘ક્રિકેટના હિતમાં’ ન્યૂઝીલેન્ડની જીત થાય. આ પહેલા પણ તેણે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે ભારત સામે ન્યૂઝીલેન્ડ દબાણમાં આવી જશે કારણ કે, ભારત પર પણ 150 કરોડ લોકોનું દબાણ છે. ટીમ ઈન્ડિયા અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારી ચૂકી છે, પરંતુ હું ભારતને વિજેતા તરીકે જોઉં છું.

જો કે, આ શૉમાં અખ્તરે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું કે મુશ્કેલ સમયમાં ખેલાડીઓને સાથ આપવાની ગંભીરની શૈલીએ ભારતની સફળતામાં મોટો ભાગ ભજવ્યો છે.

માત્ર અખ્તર જ નહીં, અન્ય પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ આમિરે વિચિત્ર તર્ક આપીને ટીમ ઈન્ડિયાને ઉતરતી ગણાવાનો પ્રયાસ કર્યો છે. આમિરે જણાવ્યું કે ભારતની જીતનો શ્રેય ન્યૂઝીલેન્ડના બોલરોને જાય છે! કિવી બોલરો ભારતીય બેટર્સ પર દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે ભારત આસાનીથી મેચ પર પકડ બનાવી શક્યું.જો કે, નિષ્ણાતોના મતે, ભારતની આ જીત કોઈ નસીબ કે અન્યની ભૂલ નથી, પરંતુ સમગ્ર ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ બતાવેલા સાતત્યપૂર્ણ પ્રદર્શનનું પરિણામ છે.

Sports : T20 World Cup જીત્યા બાદ હાર્દિક અને માહિકાનો રોમાન્સ, બંને મેદાન વચ્ચે સૂઇ ગયા

0

ભારતની ધરતી પર રમાયેલા T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને સતત બીજી વખત ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક વિજય બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે જીતનો જશ્ન શરૂ થયો, ત્યારે કેમેરાની નજર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા પર અટકી ગઈ હતી.

ફાઈનલ મેચમાં જીતની જાહેરાત થતાની સાથે જ હાર્દિક પંડ્યા ભાવુક થઈ ગયો હતો. આ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં દોડી આવી હતી. માહિકાએ હાર્દિકને જોરથી આલિંગન આપ્યું અને તેના પર વહાલ વરસાવ્યું હતું. બંને ભારતીય તિરંગામાં લપેટાઈને મેદાન પર નાચતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તો બંને વિજયની ખુશીમાં સ્ટેજ પર સૂતા અને નિરાંતની ક્ષણો માણતા જોવા મળ્યા હતા, જે જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડા બાદ હાર્દિકના જીવનમાં માહિકા શર્માનું આગમન થયું છે. મેચ પછી આપેલા એક ઇન્ટરવ્યુમાં હાર્દિકે ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે માહિકા તેના માટે “નસીબદાર ચાર્મ” સાબિત થઈ છે. તેણે કહ્યું, “જ્યારથી માહિકા મારા જીવનમાં આવી છે, ત્યારથી મારું નસીબ બદલાઈ ગયું છે અને મેદાન પર મારી સફળતાનો સિલસિલો યથાવત છે.” આ આખી ટૂર્નામેન્ટ દરમિયાન માહિકા દરેક મેચમાં હાર્દિકને પ્રોત્સાહિત કરવા સ્ટેડિયમમાં હાજર રહી હતી.

માત્ર અંગત જીવનમાં જ નહીં, પણ મેદાન પર પણ હાર્દિકે આ વર્લ્ડ કપમાં ધૂમ મચાવી છે. તેણે 9 મેચમાં 160.74ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 217 રન ફટકાર્યા હતા, જેમાં બે અડધી સદીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બોલિંગમાં પણ કમાલ કરતા તેણે મહત્વની 9 વિકેટ ઝડપી હતી.

Navsari : મોટા બજારમાં ડામર પીગળતા રાહદારીઓ બેહાલ, નવો બનેલો રોડ પીગળ્યો પાણીની જેમ ઓગળવા લાગ્યો

0

નવસારી શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા જ વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા મોટા બજાર વિસ્તારમાં નવનિર્મિત રોડ પરનો ડામર ગરમી સહન ન કરી શકતા પીગળવા લાગ્યો છે, જેના કારણે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.

નવસારી ટાઉન પોલીસ મથકથી લઈને ટાટા સ્કૂલ સુધીના મુખ્ય માર્ગ પર રોડ સરફેસ સ્મૂથ કરવા માટે લગાવવામાં આવેલો ડામર પ્રવાહી બનીને રસ્તા પર પથરાઈ ગયો છે, હાલમાં તહેવારોની મોસમ હોવાથી મોટા બજારમાં ઈદની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ગરમીમાં ડામર પીગળતા પગપાળા જતા અનેક લોકોના ચંપલ રસ્તા પર જ ચોંટી ગયા હતા, જેના વીડિયો પણ સામે આવ્યા છે. વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર સવાર માટે આ રસ્તો જોખમી બન્યો છે. પીગળેલા ડામરને કારણે ટાયર સ્લિપ થવાનો ભય રહેતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે કરોડોના ખર્ચે બનતા રસ્તાઓ સામાન્ય ગરમીમાં પણ કેમ ટકી શકતા નથી? શું ડામરની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવી છે? હાલમાં ધોમધખતા તાપમાં રસ્તાની આ સ્થિતિને કારણે આખું બજાર પ્રભાવિત થયું છે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા આ માર્ગ પર તાત્કાલિક ધૂળ કે રેતી નાખીને લોકોને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ અપાવવામાં આવે.

Aravalli : શામળાજી રોડ સ્ટેશન પર વંદેભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યુ, રેલવે વિભાગનો મોટો નિર્ણય

0

અમદાવાદથી રાજસ્થાન તરફ જવા માટે અસારવા સ્ટેશનથી ટ્રેન ઉપડે છે. બીજી તરફ આ રૂટ પર તાજેતરમાં જ વંદેભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાને મોટી પરિવહન સુવિધા મળી છે.

અમદાવાદથી રાજસ્થાન તરફ જવા માટે અસારવા સ્ટેશનથી ટ્રેન ઉપડે છે. બીજી તરફ આ રૂટ પર તાજેતરમાં જ વંદેભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાને મોટી પરિવહન સુવિધા મળી છે. સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે મંત્રીને રજૂઆત કરી હતી કે, યાત્રાધામ શામળાજીને વંદેભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે. જે રજૂઆતને ધ્યાને લઈને રેલવે મંત્રી દ્વારા શામળાજી સ્ટેશન પર વંદેભારત ટ્રેનને સ્ટોપેજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Sports : ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે રોહિત શર્મા અને રિતિકા સજદેહ વચ્ચે અમદાવાદમાં થયો ઝઘડો?

0

T20 વર્લ્ડકપ ફાઈનલના દિવસે રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહ બાઉન્ડ્રી લાઈનની બહાર ગંભીર ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.T20 વર્લ્ડકપ 2026 ફાઈનલ દરમિયાન રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર હતા. 8 માર્ચની સાંજે જ્યારે ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ટાઇટલ જીત્યું, ત્યારે આ કપલનો એક વીડિયો વાયરલ થયો હતો.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહ T20 વર્લ્ડકપ 2026 ફાઈનલ દરમિયાન ગંભીર ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ કપલ બાઉન્ડ્રી લાઈનની બહાર ઊભું હતું. તેઓ ગંભીર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે રોહિત રિતિકાની કોઈ પણ વાત સાથે સહમત ન હતો. તે થોડો ગુસ્સે પણ જોવા મળ્યો હતો, પરંતુ રિતિકા તેને સમજાવવાનો ખૂબ પ્રયાસ કરી રહી હતી. ‘હિટમેન’ શરૂઆતમાં તેનાથી દૂર ગયો, પરંતુ તેણે તેની પીઠ થપથપાવી અને તેને બોલાવીને તેની સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ફરી એકવાર અસંમત થયો અને દૂર ગયો.

રોહિત શર્મા અને રિતિકા સજદેહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટ ફેન્સ તેનું વિવિધ રીતે અર્થઘટન કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે. T20 વર્લ્ડકપ 2026 ફાઈનલ પહેલા આ કપલ વચ્ચે શું થયું તે કહેવું મુશ્કેલ છે.રોહિત શર્માને T20 વર્લ્ડકપ 2026 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો હતો, જેને 2024માં ભારતને ટાઈટલ અપાવ્યું હતું. ભારત ગત T20 વર્લ્ડકપ ચેમ્પિયન રહ્યું છે અને આ સીઝનમાં પણ તેનું ટાઈટલ જાળવી રાખ્યું. રોહિત શર્મા વ્હાઈટ બોલ ક્રિકેટમાં ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે, જેને 2025માં મેન ઈન બ્લુને ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ કેપ્ટનશીપ કરી હતી.

Gandhinagar : નવી બસો ખરીદવા ST નિગમને સરકારે બે વર્ષમાં રૂ. 1445.88 કરોડની સહાય કરી

રાજ્યમાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા રાજ્ય પરિવહન નિગમને મોટી આર્થિક સહાય આપવામાં આવી છે.રાજ્યમાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા રાજ્ય પરિવહન નિગમને મોટી આર્થિક સહાય આપવામાં આવી છે. નવી બસો ખરીદવા અને મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. 1445.88 કરોડની સહાય ફાળવવામાં આવી હોવાનું સત્તાવાર માહિતીમાં જણાવાયું છે.

આ સહાયનો મુખ્ય હેતુ રાજ્યમાં બસ સેવા વધુ સુગમ બનાવવાનો તેમજ જૂની બસોને બદલીને નવી અને આધુનિક બસો સેવા માં મૂકવાનો છે. આ પગલાથી મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ આર્થિક સહાય એસટી નિગમને આપવામાં આવી છે. રાજ્યમાં લાખો લોકો રોજિંદા મુસાફરી માટે એસટી બસ સેવા પર આધાર રાખે છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં એસટી પરિવહન જીવનરેખા સમાન માનવામાં આવે છે.આંકડાઓ મુજબ વર્ષ 2024 દરમિયાન નવી બસો ખરીદવા માટે રૂ. 735.88 કરોડની સહાય ફાળવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2025 દરમિયાન રૂ. 710 કરોડની વધારાની સહાય આપવામાં આવી છે. આ રીતે બે વર્ષમાં કુલ રૂ. 1445.88 કરોડની સહાયથી બસોની સંખ્યા વધારવા તેમજ પરિવહન વ્યવસ્થાને આધુનિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સરકારનું માનવું છે કે નવી બસો સેવામાં આવવાથી મુસાફરોને વધુ સુવિધા મળશે તેમજ સાથે જ એસટી નિગમની સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે પણ આ નાણાકીય સહાય મહત્વપૂર્ણ સાબિત થશે.

Ahmedabad : મંદિર-મસ્જિદની માઈક સિસ્ટમનો અવાજ પરિસર સુધી જ સીમિત રાખવો’, અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

જો તમે અમદાવાદમાં રહો છો અને ધાર્મિક પ્રસંગ કે વરઘોડામાં મોટા અવાજે ડીજે વગાડવાનું વિચારી રહ્યા છો, તો સાવધાન થઈ જજો. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે શહેરમાં ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે કડક જાહેરનામું બહાર પાડ્યું છે. હવેથી શહેરમાં માઈક સિસ્ટમ કે ડીજે વગાડવા માટે પોલીસની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનશે.જાહેરનામા મુજબ, મંદિરો, મસ્જિદો અને ચર્ચ જેવા ધાર્મિક પરિસરોમાં માઈક સિસ્ટમનો અવાજ એટલો જ રાખવો પડશે જે માત્ર સંકુલ સુધી મર્યાદિત રહે. જો માઈકનો અવાજ રહીશો કે રાહદારીઓ માટે અડચણરૂપ બનશે અથવા ભય ઉભો કરશે, તો પોલીસ તેના ઉપયોગ પર તાત્કાલિક મનાઈ ફરમાવી શકશે.

શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી માઈક સિસ્ટમ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ સમયગાળા દરમિયાન પોલીસ કોઈ પણ સંજોગોમાં મંજૂરી આપશે નહીં. જોકે, સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી પોલીસની મંજૂરી સાથે અને નક્કી કરેલા ડેસિબલ મુજબ અવાજ રાખી શકાશે.

હોસ્પિટલો, શાળાઓ અને કોર્ટની 100 મીટરની આસપાસના વિસ્તારને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરાયો છે. આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની માઈક સિસ્ટમ વગાડવા પર સખત પ્રતિબંધ રહેશે. રહેણાંક વિસ્તારો, પાર્ટી પ્લોટ કે ખુલ્લી જગ્યાઓમાં પણ મંજૂરી વગર માઈક વાગશે તો પોલીસ દંડનીય કાર્યવાહી કરશે.પોલીસે સ્પષ્ટ કર્યું છે કે વરઘોડા કે રેલીઓમાં પણ નક્કી કરેલી માત્રામાં જ અવાજ રાખવો પડશે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે, તો પોલીસ માત્ર દંડ જ નહીં વસૂલે પરંતુ ડીજે અને માઈક સિસ્ટમ જેવા સાધનો જપ્ત કરીને ગુનો પણ નોંધશે.

Ahmedabad : અમદાવાદના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓ સોનાની બુટ્ટીઓ ચોરી ફરાર, CCTV તપાસતા ભાંડો ફૂટ્યો


અમદાવાદના પોશ ગણાતા શેલા વિસ્તારમાં તસ્કર મહિલાઓ દ્વારા ચાલાકીપૂર્વક દાગીનાની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહક બનીને આવેલી બે મહિલાઓએ સેલ્સમેનની નજર ચૂકવી અંદાજે 1.48 લાખ રૂપિયાની કિંમતની સોનાની બે બુટ્ટીઓ પર હાથફેરો કર્યો હતો. આ અંગે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત ફેબ્રુઆરી મહિનામાં આ મહિલાઓ શેલા સ્થિત જ્વેલર્સના શોરૂમમાં ખરીદીના બહાને આવી હતી. મહિલાઓએ સેલ્સમેન પાસે સોનાની ચૂની અને કડીઓ જોવાની માંગ કરી હતી. જ્યારે સેલ્સમેન અન્ય દાગીના બતાવવામાં વ્યસ્ત હતો, ત્યારે આ મહિલાઓએ અત્યંત ચલાકીથી સોનાની બુટ્ટીઓ ચોરી પોતાના કબજામાં કરી લીધી હતી.

શોરૂમના કર્મચારીઓ દ્વારા જ્યારે નિયમિત સ્ટોકની ગણતરી કરવામાં આવી, ત્યારે સોનાની બે બુટ્ટીઓ ઓછી હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે મેનેજર અને માલિકને જાણ કરાતા શોરૂમના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં બંને મહિલાઓની કરતૂત કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી. શોરૂમના સિનિયર મેનેજર દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને મહિલાઓની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.