Home Blog Page 300

Sabarkantha : શામળાજી નજીક પોલીસ જાપ્તામાંથી ફરાર થતા આરોપી પર ફાયરિંગ, હાથમાં ગોળી વાગી

0

ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા શામળાજી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (વિજિલન્સ વિભાગ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશી દારૂના ગુનામાં પકડાયેલા આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાનો પ્રયાસ કરતા, પોલીસે સ્વબચાવ અને આરોપીને રોકવા માટે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં આરોપીના જમણા હાથમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

માહિતી અનુસાર, સ્ટેટ વિજિલન્સની ટીમ વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ આરોપી સુખલાલ રામલાલ ડાંગીને રાજસ્થાનના ઘાસા ગામેથી ઝડપીને અમદાવાદ લાવી રહી હતી. આ દરમિયાન શામળાજી નજીક આરોપીએ પોલીસને ચકમો આપી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા અને આરોપી ફરી એકવાર હાથમાંથી નીકળી ન જાય તે માટે વિજિલન્સ પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા રાઉન્ડમાં ગોળી આરોપી સુખલાલના જમણા હાથની આરપાર નીકળી ગઈ હતી. ગોળી વાગતા જ આરોપી લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયો હતો અને પોલીસ તેને ફરી ઝડપી લેવામાં સફળ રહી હતી.

ઇજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક અસરથી પહેલા શામળાજી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલમાં સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે તેની સારવાર ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, જો સમયસર ફાયરિંગ કરીને આરોપીને રોકવામાં ન આવ્યો હોત તો તે ડુંગરાળ વિસ્તારનો લાભ લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હોત. હાલમાં હિંમતનગર પોલીસ અને વિજિલન્સ વિભાગ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે.

Gandhinagar : ગુજરાતમાં 9 થી 15 માર્ચ દરમિયાન ‘ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ’ની ઉજવણી કરાશે

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણભાઇ સોલંકીની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર, વડતાલ ખાતે કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સશક્ત ગ્રાહક, સમૃદ્ધ ભારત’ ના વિઝન અને ગ્રાહક સુરક્ષાને રાષ્ટ્રના વિકાસના અભિન્ન અંગ ગણવાની નેમ સાથે ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગ્રાહક હિતોનું રક્ષણ એ માત્ર કાયદાકીય પ્રક્રિયા નહીં પરંતુ સુશાસનનો એક ભાગ બની ગઈ છે.

આ જ વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ગ્રાહક જાગૃતિ અને સુરક્ષાના ક્ષેત્રમાં અનેક નવતર આયામો સર કર્યા છે. આગામી તા.૧૫ માર્ચ, ૨૦૨૬ના રોજ ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણભાઇ સોલંકીની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર, વડતાલ ખાતે કરાશે. રાજ્યમાં ગ્રાહક જાગૃતિના આ યજ્ઞને વધુ વ્યાપક બનાવવા માટે તા.૦૯ થી ૧૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ‘ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ અભિયાન હેઠળ માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો દ્વારા શાળાઓ, કૉલેજો, સરકારી કચેરીઓ અને ગ્રામ્ય સ્તરે વિવિધ કાર્યક્રમો યોજી ગ્રાહકોને તેમના અધિકારો વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ગ્રાહકોની સુવિધા માટે રાજ્ય સરકારે ટોલ ફ્રી નંબર ‘૧૪૪૩૭’ અને ‘૧૮૦૦ ૨૩૩ ૦૨૨૨’ કાર્યરત કર્યા છે, જેના દ્વારા કોઈપણ નાગરિક ઘરે બેઠા ફરિયાદ નોંધાવી શકે છે. ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે કાર્યરત કન્ઝ્યુમર અવેરનેસ એન્ડ પ્રોટેક્શન યુનિટ -CAPU દ્વારા વર્ષ ૨૦૨૪થી અત્યાર સુધીમાં અંદાજે ૨૨,૭૦૨ જેટલી ફરિયાદોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીના ગતિશીલ નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગ્રાહક સુરક્ષા મંડળોને ગ્રાહક જાગૃતિ અને પ્રચાર – પ્રસારની કામગીરી માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ૧૯૯ શિબિર, ૭૪ વર્કશોપ, ૨૨૧ ગ્રામસભા- શેરીસભા, ૩,૧૧,૧૦૧ પત્રિકાઓનું વિતરણ , ૪૮,૮૩૧ બુલેટીનનું પ્રકાશન અને ૧૧૬૧ જેટલા સેમિનાર યોજીને લાખો નાગરિકો સુધી ગ્રાહક શિક્ષણ પહોંચાડવામાં આવ્યું છે. રાજ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન પરનું ભારણ ઘટાડવા માટે મધ્યસ્થી અને સમજાવટના દ્વારા વર્ષ ૨૦૨૫માં અંદાજે ૫,૧૫૭ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

કન્ઝ્યુમર અફેર એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત –CAPAG દ્વારા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર – CERC તથા CARE Edge સાથે કરવામાં આવેલા મહત્વપૂર્ણ એમઓયુ અંતર્ગત વિશ્વમાં પ્રથમ વખત ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ – CRI’ તૈયાર કરવામાં આવશે. આ ઇન્ડેક્સ દ્વારા કંપનીઓને ગ્રાહક પ્રત્યેના વર્તન, ગ્રાહક હક્કોના રક્ષણ અને ફરિયાદ નિવારણના આધારે રેટિંગ આપવામાં આવશે. આ ઉપરાંત, દરેક જિલ્લામાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતે પ્રિ-લિટિગેશન અને સમાધાન કેન્દ્રોની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે ચાલુ નાણાકીય વર્ષમાં સમગ્ર રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પંપની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-૨૯૬ પંપો સામે ગુન્હો નોંધી માંડવાળ ફી તરીકે રૂ.૧,૭૭,૫૦૦, મીઠાઇ-ફરસાણ- ડ્રાયફ્રુટની દુકાનો, ગીફટ શોપની દુકાનોની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ-૨૮૩ મીઠાઇ- ફરસાણ- ડ્રાયફ્રુટની દુકાનો સામે ગુન્હો નોંધી રૂ.૧૪,૪૨,૮૫૦, સોના-ચાંદીના વેપારીઓ તથા જવેલરી શો રૂમની તપાસ કરી ગેરરિતી બદલ કુલ-૨૫૬ એકમો સામે ગુન્હો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ.૬,૮૪,૫૦૦ વસૂલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ક્રિકેટ સ્ટેડિયમમાં આવેલ ખાણીપીણીના સ્ટોલ પર તપાસ કરી વેચાણ કિંમત કરતા વધુ રકમ વસૂલ કરતા કુલ-૦૯ સ્ટોલ સામે ગુન્હો નોંધીને રૂ.૪૨,૦૦૦ માંડવાળ ફી પેટે વસૂલ કરવામાં આવ્યા છે. રેડિયો, આકાશવાણી, હોર્ડિંગ્સ અને કેલેન્ડર જેવા પ્રચાર – પ્રસારના માધ્યમો દ્વારા છેવાડાના માનવી સુધી ‘જાગો ગ્રાહક જાગો’નો સંદેશ પહોંચાડીને ગુજરાત સરકાર ગ્રાહકોને સશક્ત અને સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. નોંધનીય છે કે, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ -૨૦૨૬ની થીમ “Safe Product, Confident Consumers” રાખવામાં આવી છે, જે ગ્રાહકોના આત્મવિશ્વાસને વધારવા અને બજારમાં પારદર્શિતા લાવવાના સરકારના નિર્ધારને પ્રતિબિંબિત કરે છે.

National : CEC જ્ઞાનેશ કુમારને હટાવવા સંસદમાં નોટિસ, 193 સાંસદો એકસાથે! ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોરચો

0

ભારતીય સંસદના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, 193 સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સામે મોરચો માંડી તેમને હટાવવા માટે સંસદમાં નોટિસ આપી છે. INDIA ગઠબંધનના સાથી પક્ષો તૃણમુલ કોંગ્રેસ,આમ આદમી પાર્ટી સહિતના તમામ પક્ષોએ CEC જ્ઞાનેશ કુમારને હટાવવા માટે સંસદમાં નોટિસ આપી છે. રિપોર્ટ મુજબ, વિપક્ષના 193 સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં જુદી-જુદી નોટિસ આપી છે. આ સાંસદોમાં લોકસભાના 130 અને રાજ્યસભાના 63 સાંસદો સામેલ છે.

વિપક્ષોની નોટિસમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મુખ્ય સાત આક્ષેપો કરાયા છે. વિપક્ષે સીઈસી વિરુદ્ધ પક્ષપાતી આચરણ, ચૂંટણીમાં થયેલી ગેરરીતિઓની તપાસમાં જાણીજોઈને અવરોધ ઊભો કરવો, મોટા પાયે મતદારોને મતાધિકારથી વંચિત રાખવા અને ચૂંટણી પંચની સ્વતંત્રતાને પ્રભાવિત કરવા જેવા આક્ષેપો કર્યા છે.

પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમુલ કોંગ્રેસે વિપક્ષના તમામ સાથી પક્ષોને એક કરીને આ નોટિસ પાઠવી છે. નોટિસમાં બંગાળમાં SIR કામગીરી દરમિયાન લાખો મતદારોના નામ કાપી નાખ્યા હોવાનો અને ભાજપને ફાયદો પહોંચાડવાનું ષડયંત્ર રચાયું હોવાનો પણ દાવો કરાયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એસઆઈઆરની ટીકા કરીને કડક શબ્દોમાં કહ્યું હતું કે, વિપક્ષના મતદારોને હટાવવાનો પ્રયાસ કરાયો છે. આવી જ રીતે બિહાર અને અન્ય રાજ્યોમાં પણ એસઆઈઆરનો વિવાદ થયો હતો, જેમાં વિપક્ષે એસઆઈઆરથી ચૂંટણીમાં ધાંધલી કરવાનો આક્ષેપ કર્યો હતો.

વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી પંચની કાર્યપ્રણાલી નિષ્પક્ષ નથી અને સત્તાધારી પક્ષની તરફેણમાં કામ કરે છે. વિપક્ષની નોટિસમાં બંધારણની કલમ 324(5)નો ઉલ્લેખ કરાયો છે. આ કલમ મુખ્ય ચૂંટણી કમિશનરને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ હટાવવાની પ્રક્રિયા છે. મહાભિયોગ પસાર કરાવવા માટે બંને ગૃહોમાં બે-તૃતિયાંશ બહુમતી જરૂરી છે, જે વિપક્ષ પાસે નથી. બીજીતરફ આ મુદ્દે સરકાર કે ચૂંટણી પંચ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. અગાઉ CEC જ્ઞાનેશ કુમારે SIRને યોગ્ય મતદારોને સામેલ કરવાની અને અયોગ્ય મતદારોને હટાવવાની પ્રક્રિયા ગણાવી હતી.

World : Hormuz Straitથી 20 ટેન્કર કાઢવા માગે છે ભારત, ઈરાન સાથે ચાલી રહી છે વાતચીત

0

આ અંગે ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપ સિંહ પુરીએ જણાવ્યું કે હાલ દેશમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઈ તાત્કાલિક અછત સર્જાય તેવી શક્યતા નથી.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ભારતીય તેલ ટેન્કરોને લઈને ભારત સક્રિય બન્યું છે. અહેવાલ મુજબ ભારત હોર્મુઝ સ્ટ્રેટમાંથી લગભગ 20 ટેન્કરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા ઈરાન સાથે સતત ચર્ચા કરી રહ્યું છે.

આ અંગે ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપ સિંહ પુરીએ જણાવ્યું કે હાલ દેશમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઈ તાત્કાલિક અછત સર્જાય તેવી શક્યતા નથી. તેમ છતાં પરિસ્થિતિ પર સરકાર સતત નજર રાખી રહી છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી બાદ વૈશ્વિક તેલ બજારમાં ચિંતા વધી છે. યુદ્ધની સ્થિતિને કારણે LPG, ગેસ અને ક્રૂડ ઓઈલથી ભરેલા ઘણા ટેન્કરો હાલ હોર્મુઝ ખાડી વિસ્તારમાં ફસાયેલા છે.

આ દરમિયાન હોર્મુઝ વિસ્તારમાંથી પસાર થતા જહાજો પર હુમલાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અને તેલ પુરવઠા પર અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત અને ઈરાન વચ્ચે રાજનૈતિક સ્તરે પણ ચર્ચા થઈ રહી છે. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે તાજેતરમાં વાતચીત થઈ છે.

ઉલ્લેખનીય છે કે યુદ્ધ શરૂ થાય તે પહેલાં ભારતના કુલ ક્રૂડ ઓઈલ આયાતમાંથી લગભગ 45 ટકા પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આવતો હતો. તેથી આ વિસ્તારની પરિસ્થિતિ ભારતની ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Gujarat : મોંઘા પેટ્રોલ-ડીઝલને કારણે ગુજરાતીઓનો સ્માર્ટ નિર્ણય, ડિલિવરી બોય અને યુવાનોમાં ઈ-વ્હિકલનો ક્રેઝ વધ્યો

0

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ-વ્હિકલ(ઇલેક્ટ્રિક વાહન) પ્રત્યે લોકોનો ઝુકાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, પર્યાવરણ અંગે વધતી જાગૃતિને કારણે રાજ્યમાં ઈ-વ્હિકલ નોંધણીનો ગ્રાફ ઊંચે ચઢતો જોવા મળી રહ્યો છે. એક સમયે માત્ર પ્રાયોગિક ગણાતા ઈ-વ્હિકલ આજે સામાન્ય લોકો માટે પણ પસંદગીનું પરિવહન સાધન બની રહ્યા છે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગના આંકડાઓ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ઈ-વ્હિકલ નોંધણીમાં અનેક ગણો વધારો થયો છે. શરૂઆતમાં માત્ર ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર અને ઇ-રિક્ષા સુધી મર્યાદિત રહેલી નોંધણી હવે ઇલેક્ટ્રિક કાર, બસ અને કોમર્શિયલ વાહનો સુધી વિસ્તરી ગઈ છે. શહેરોમાં વધતા પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યાઓ વચ્ચે ઈ-વ્હીકલને પર્યાવરણમિત્ર વિકલ્પ તરીકે જોવામાં આવે છે.

સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સહાય યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવી છે. ખાસ કરીને યુવાનો અને ડિલિવરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની માગ વધી છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં ઈ-વ્હિકલ નોંધણીનો ગ્રાફ વધુ ઝડપથી વધતો જોવા મળે છે. શહેરોમાં ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા પણ ધીમે ધીમે વધારવામાં આવી રહી છે. ખાનગી કંપનીઓ ઉપરાંત સરકારી સંસ્થાઓ પણ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા આગળ આવી રહી છે.

પર્યાવરણના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ઈ-વ્હિકલ પ્રદૂષણ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. શહેરોમાં હવા પ્રદૂષણ ઘટાડવા માટે પણ ઈ-વ્હિકલઉપયોગી સાબિત થઈ શકે છે.

હાલમાં ઈ-વ્હિકલક્ષેત્રે કેટલાક પડકારો

ચાર્જિંગ સ્ટેશનની મર્યાદિત ઉપલબ્ધતા, બેટરી ખર્ચ અને લાંબા અંતરની મુસાફરી માટેની મર્યાદાઓ જેવી બાબતો લોકો માટે ચિંતાનો વિષય બને છે. જોકે ટેક્નોલોજીના વિકાસ સાથે આ સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં ઈ-વ્હિકલવધવાના મુખ્ય કારણો

  • પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ
  • સરકારની સબસિડી અને રાહતો
  • પર્યાવરણ અંગે વધતી જાગૃતિ
  • ડિલિવરી અને કોમર્શિયલ સેવાઓમાં વધતો ઉપયોગ
  • શહેરોમાં ચાર્જિંગ સ્ટેશનનો વિકાસ

ઈ-વ્હીકલના ફાયદા

  • પ્રદૂષણમાં ઘટાડો
  • ઇંધણ ખર્ચમાં બચત
  • ઓછો મેન્ટેનન્સ ખર્ચ
  • અવાજ પ્રદૂષણમાં ઘટાડો
  • પર્યાવરણ માટે વધુ અનુકૂળ પરિવહન સાધન

ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન

ગુજરાતમાં અત્યાર સુધી ઇલેક્ટ્રિક વાહનોની કુલ સંખ્યા 1,08,209 સુધી પહોંચી છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્યોર ઈલેક્ટ્રીક વાહનોના રજીસ્ટ્રેશનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

વર્ષ 2026 : 15,918
વર્ષ 2025 : 66,534
વર્ષ 2024 : 25,753
ચાર મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરોમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશનના આંકડા આ મુજબ છે

વર્ષ – 2026

અમદાવાદ – 3,991
સુરત – 3,095
વડોદરા – 1,466
રાજકોટ – 1,056
વર્ષ – 2025

અમદાવાદ – 16,648
સુરત – 12,165
વડોદરા – 6,993
રાજકોટ – 4,381
વર્ષ – 2024

અમદાવાદ – 6,468
સુરત – 4,850
વડોદરા – 2,543
રાજકોટ – 1,779
યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ક્રૂડ ઓઈલમાં અસ્થિરતા, ઈલેક્ટ્રીક વાહનો તરફ લોકોનો વળાંક

વર્તમાન સમયમાં વિશ્વભરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ચિંતાજનક ફેરફારો જોવા મળી રહ્યા છે. તેના પ્રભાવથી પેટ્રોલ-ડીઝલ સહિતના ઇંધણના ભાવ અંગે લોકોમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. બીજી તરફ ઘરેલુ તેમજ કોમર્શિયલ ગેસ માટે પણ ભારે દોડધામ જોવા મળી રહી છે.ઘણા વિસ્તારોમાં ગેસ સિલિન્ડર મેળવવા લોકો લાઈનમાં ઊભા રહેતા જોવા મળે છે. સાથે સાથે કેટલાક શહેરોમાં પેટ્રોલ પંપ પર પણ વાહનચાલકોની લાંબી લાઈનો લાગી રહી છે. ઇંધણની ઉપલબ્ધતા અને ભાવ અંગે લોકોમાં ચિંતા વધતા વાહનચાલકો વિકલ્પો શોધવા લાગ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનો રસ વધતો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે ઘણા લોકો ઈલેક્ટ્રિક બાઈક અને કાર ખરીદવાની વિચારણા કરી રહ્યા છે. વાહન ડીલરોના જણાવ્યા મુજબ છેલ્લા થોડા દિવસોમાં ઈલેક્ટ્રીક વાહનો અંગે પૂછપરછમાં વધારો નોંધાયો છે.વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જો ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા યથાવત્ રહેશે તો આગામી સમયમાં ઈલેક્ટ્રીક વાહનો તરફ લોકોનો વળાંક વધુ વધવાની સંભાવના છે.

Business : મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં ફરી કડાકો, ચાંદી ₹4,800થી વધુ તૂટી, સોનું ₹1.60 લાખની નીચે

0

Gold and Silver Price : મિડલ ઈસ્ટમાં ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ હોવા છતાં, ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. સામાન્ય રીતે યુદ્ધના સમયે સોનું સુરક્ષિત રોકાણ ગણાતું હોવાથી તેના ભાવ વધતા હોય છે, પરંતુ આજના આંકડા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે.

સોનાના ભાવની સ્થિતિ (MCX Gold)

ગઈકાલનો બંધ ભાવ (Prev. Close): ₹1,60,271.00

આજનો ઓપન ભાવ (Open): ₹1,60,251.00

વર્તમાન સ્થિતિ: સોનામાં અંદાજે ₹738 થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં અત્યારે સોનું ₹1,59,667.00 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. દિવસ દરમિયાન સોનાએ ₹1,60,401 નો હાઈ બનાવ્યો હતો.

ચાંદીના ભાવની સ્થિતિ (MCX Silver)

ચાંદીમાં સોના કરતા પણ વધુ કડાકો બોલાયો છે

ગઈકાલનો બંધ ભાવ (Prev. Close): ₹2,67,962.00

આજનો ઓપન ભાવ (Open): ₹2,66,001.00

વર્તમાન સ્થિતિ: ચાંદીમાં અત્યાર સુધીમાં અંદાજે ₹4,861 જેટલો જંગી ઘટાડો નોંધાયો છે. હાલમાં ચાંદી ₹2,63,932.00 ના સ્તરે કારોબાર કરી રહી છે, જે ગઈકાલના બંધ ભાવથી 1.50% જેટલો ઘટાડો દર્શાવે છે.

યુદ્ધ વચ્ચે પણ કેમ બોલાયો કડાકો? મુખ્ય 3 કારણો

સોના અને ચાંદીના ભાવ છેલ્લા કેટલાક દિવસોથી રેકોર્ડ સ્તરે હતા. યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોએ ઉંચા ભાવે પોતાની પોઝિશન ખાલી કરીને નફો વસૂલવાનું શરૂ કર્યું છે, જેના કારણે બજારમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે.

વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર અન્ય કરન્સીની સરખામણીએ મજબૂત થઈ રહ્યો છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે સોના-ચાંદી જેવી કોમોડિટી પર દબાણ વધે છે અને તેના ભાવમાં ઘટાડો થાય છે.

શેરબજારમાં આજે મોટો કડાકો બોલાયો છે (સેન્સેક્સ 900 અંક તૂટ્યો છે). આવા સમયે મોટા રોકાણકારો શેરબજારના નુકસાનને સરભર કરવા અથવા માર્જિન મની ચૂકવવા માટે સોના-ચાંદીમાં રહેલું પોતાનું રોકાણ વેચીને રોકડ (Cash) ઊભી કરે છે, જે ભાવ ઘટાડાનું એક કારણ હોઈ શકે છે.

Entertainment : ‘ધુરંધર: ધ રિવેન્જ’ પહેલા ‘ધુરંધર’ 1,000 સ્ક્રીન્સ પર ફરીથી રિલીઝ થઈ, બોક્સ ઓફિસ પર કરશે ધમાકો

0

આદિત્ય ધર દ્વારા નિર્દેશિત સ્પાઇ થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ 5 ડિસેમ્બર, 2025ના રોજ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી ચૂકી છે. હવે આ સુપર બ્લોકબસ્ટર ફિલ્મનો બીજો ભાગ ‘ધુરંધર: ધ રિવેન્જ’ 19 માર્ચ, 2026ના રોજ રિલીઝ થવા જઈ રહ્યો છે. આ સિક્વલને લઈને ચાહકોમાં રહેલા જબરદસ્ત ઉત્સાહને ધ્યાનમાં રાખીને, મેકર્સે ‘ધુરંધર’ના પહેલા ભાગને સિનેમાઘરોમાં રિ-રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. રણવીર સિંહે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આજથી આ ફિલ્મ વિશ્વભરના થિયેટરોમાં વાપસી કરી રહી છે. આ સૌથી મોટી રિ-રિલીઝ હશે, જેમાં 1000થી વધુ સ્ક્રીન્સ પર 1250થી વધુ શૉ દર્શાવવામાં આવશે.

રણવીર સિંહ ઉપરાંત સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મ જોકે ઓટીટી પર ઉપલબ્ધ છે, પરંતુ મોટા પડદા પર તેનો એક્શન અનુભવ ફરીથી લેવાની ચાહકો માટે આ બેસ્ટ તક છે. અગાઉ જ્યારે ‘ધુરંધર’ રિલીઝ થઈ હતી, ત્યારે તેણે વર્લ્ડવાઈડ 1305.35 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું, જેમાં ભારતમાંથી જ 1005.85 કરોડની કમાણી થઈ હતી. મેકર્સને આશા છે કે રિ-રિલીઝ બાદ આ ફિલ્મ ફરી એકવાર બોક્સ ઓફિસ પર કમાણીની સુનામી લાવશે.

બીજી તરફ, ફ્રેન્ચાઇઝીના બીજા પ્રકરણ ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્લોબલ લોન્ચના એક દિવસ પહેલા એટલે કે 18 માર્ચના રોજ અમેરિકા અને કેનેડામાં સ્પેશિયલ પ્રીમિયર શૉ પણ યોજાશે. આદિત્ય ધર દ્વારા લેખિત અને નિર્દેશિત આ ફિલ્મ 19 માર્ચ, 2026ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ કુલ 5 ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધરે મળીને કર્યું છે.

Ahmedabad : એરપોર્ટ પર લાખોનું વિદેશી ચલણ ઝડપાયું, CISFની સતર્કતાથી 64.56 લાખના અમેરિકન ડોલરની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ

અમદાવાદ એરપોર્ટ પર બે મુસાફરો પાસેથી અંદાજે 64.56 લાખ રૂપિયાની કિંમતનું અમેરિકન ડોલર (USD) વિદેશી ચલણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ એક મોટી દાણચોરીની ઘટનાને પકડી પાડી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ દ્વારા પ્રસ્થાન કરી રહેલા બે મુસાફરો પાસેથી અંદાજે 64.56 લાખ રૂપિયાની કિંમતનું અમેરિકન ડોલર (USD) વિદેશી ચલણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, એરપોર્ટ પર સુરક્ષામાં તૈનાત CISFના જવાનો જ્યારે મુસાફરોની તપાસ કરી રહ્યા હતા, ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન ટર્મિનલ પર બે મુસાફરોની હિલચાલ શંકાસ્પદ જણાતા તેમને અટકાવવામાં આવ્યા હતા. તેમના હેન્ડ બેગેજની ઝીણવટભરી તપાસ દરમિયાન અંદર સંતાડેલું વિદેશી ચલણ મળી આવ્યું હતું. CISF દ્વારા તાત્કાલિક અસરથી આ ચલણને કબજે કરવામાં આવ્યું હતું.

પકડાયેલા મુસાફરો પાસેથી જપ્ત કરવામાં આવેલી વિદેશી ચલણની રકમ આંતરરાષ્ટ્રીય બજારમાં 64.56 લાખ રૂપિયા જેટલી થાય છે. CISF દ્વારા ત્વરિત કાર્યવાહી કરતા કસ્ટમ્સ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મુસાફરો અને જપ્ત કરવામાં આવેલી વિદેશી ચલણની રોકડને કસ્ટમ્સ વિભાગને સોંપવામાં આવી છે.

Rajkot : જેતપુરનો સાડી ઉદ્યોગ હવે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની ઝપટે ચડી ગયો, રો મટીરીયલની ભારે અછત

0

જેતપુરનો સાડી ઉદ્યોગ હવે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની ઝપટે ચડી ગયો છે.સાડી ઉદ્યોગમાં વપરાતા પ્રિન્ટિંગ માટેના કલર, ફિનીશીંગ માટેના કેમિકલ્સ, પેકિંગ મટિરિયલ તેમજ ગેસ, કોલસા જેવા તમામ પ્રકારના પેટ્રોલિયમ ઉત્પાદનોના વીસ ટકાથી લઈને સો ટકા જેટલો ભાવ વધારો થ

જેતપુરનો સાડી ઉદ્યોગ હવે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની ઝપટે ચડી ગયો છે.સાડી ઉદ્યોગમાં વપરાતા પ્રિન્ટિંગ માટેના કલર, ફિનીશીંગ માટેના કેમિકલ્સ, પેકિંગ મટિરિયલ તેમજ ગેસ, કોલસા જેવા તમામ પ્રકારના પેટ્રોલિયમ ઉત્પાદનોના વીસ ટકાથી લઈને સો ટકા જેટલો ભાવ વધારો થયો તેમ છતાં પણ રો મટીરીયલ્સની અછત સર્જાતા સીધી રીતે એંસી હજાર અને આડકતરી રીતે ત્રણ લાખ લોકોને રોજીરોટી આપતા આ ઉદ્યોગ તાળાં લાગવાની કગાર પર આવી ગયો છે.

પેટ્રોલિયમ પેદાશોથી ચાલતા ઉદ્યોગોમાં પેટ્રોલિયમના રો મટીરીયલ્સના ભાવમાં થયેલ ભયંકર ઉછાળાથી ઉદ્યોગો ખૂબ મોટા આર્થિક બોજ હેઠળ આવી ગયા છે.ભાવ વધારો છતાંય રો મટીરીયલ્સની અછતને કારણે ઉદ્યોગોને તાળાં મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેતપુર પણ ઔદ્યોગિક શહેર છે અહીંનો સાડી ઉદ્યોગ વિશ્વ કક્ષાએ છવાયેલ છે અહીંના ઉદ્યોગના પ્રિન્ટિંગની વિવિધ આઈટમ આફ્રિકન ખંડમાં એક્સપોર્ટ થાય છે.સાડી ઉદ્યોગમાં વપરાતું તમામ રો મટીરીયલ્સ પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું હોય અને તેની અછત સર્જાતા ચિંતાનો વિષય બની ગયો છે.

આ અંગે ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ જણાવેલ કે, જેતપુરના કારખાનેદારો સાડી ઉદ્યોગમાં વપરાતા કાચા રો મટીરીયલ્સમાં વારેવારે ભાવ વધારા જેવી મુશ્કેલીઓની વચ્ચે પણ ગમે તેમ કરીને પ્રિન્ટિંગ એકમો ચાલુ રાખતા આવ્યા છે. કેમ કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા 80 હજાર જેટલા કામદારો રોજગારી મેળવી રહ્યા છે.શહેર અને તાલુકામાં આ ઉદ્યોગની સાથે સીધી કે આડક્તરી રીતે સંકળાયેલા અનેક નાના મોટા આનુસંગીક ઉદ્યોગો અને વેપારીઓના ધંધા રોજગાર મેળવી રહ્યા છે.હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધને કારણે ઉપર આ ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે.

આ ઉદ્યોગમાં પ્રિન્ટીંગ મશીનોમાં વપરાતા એલપીજી કોમર્શીયલ ગેસ બોટલનો પુરવઠો મળતો બંધ થઈ ગયો છે. જેને કારણે નાના યુનિટો તો બંધ જ થઈ ગયા છે. તેમજ મોટાભાગના ટેક્ષટાઈલ એકમોમાં ઉત્પાદન ખુબ જ ઓછું થઈ ગયેલ છે. જેની સીધી અસર જેતપુર શહેરની ઈકોનોમી તેમજ હજારો લોકોના રોજગાર ઉપર અસર પડી રહી છે. સાડી ઉદ્યોગમાં નફાનો ગાળો બે થી પાંચ ટકા જેટલો જ છે એટલે કારખાનેદારો પંદર ટકાની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.ખાડીમાં ચાલતા ચાલતા યુદ્ધની અસર હવે જેતપુરના સાડી ઉદ્યોગને ઠપ્પ કરવા ઉપર લાવી દીધો છે. જો યુદ્ધ હવે અઠવાડિયું ચાલ્યું તો આખો સાડી ઉદ્યોગ બંધ થઈ જશે અને તેની સીધી અસર રોજગારી ઉપર પડશે.

National : સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે’, ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડી

0

દુનિયાના કેટલાક ભાગોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી છે. ભારતમાં ગેસ સિલિન્ડરની અછતનો ફાયદો ઉઠાવીને સાયબર ઠગ હવે સક્રિય થયા છે. સોશિયલ મીડિયા, WhatsApp અને SMS દ્વારા એક નવો સ્કેમ તેજીથી ફેલાઈ રહ્યો છે, જેમાં LPG સિલિન્ડર યુઝર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઠગબાજો લોકોને એવા મેસેજ મોકલે છે કે જો તમે અત્યારે ઓનલાઇન પેમેન્ટ કરશો, તો બીજા જ દિવસે ગેસ સિલિન્ડર તમારા ઘરે પહોંચી જશે. લોકો ગેસની અછતથી ચિંતિત હોવાથી આ લાલચમાં આવીને છેતરાઈ રહ્યા છે.

આ સાયબર ફ્રોડ મુખ્યત્વે ત્રણ સ્ટેપ્સમાં કામ કરે છે. સૌથી પહેલા Facebook, Instagram કે Google પર નકલી એડ બતાવવામાં આવે છે, જેમાં ત્વરિત ગેસ ડિલિવરીનો વાયદો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ એડ કે લિંક પર ક્લિક કરે છે, ત્યારે તે એક એવી વેબસાઇટ પર પહોંચી જાય છે જે અસલી ગેસ કંપની જેવી જ દેખાતી હોય છે. અહીં યુઝર્સ પાસેથી બેન્ક ડિટેલ્સ, UPI આઈડી કે ઓનલાઇન પેમેન્ટ માંગવામાં આવે છે. જેવા તમે પૈસા ચૂકવો કે તમારી વિગતો આપો, તરત જ ઠગબાજો તમારા ખાતામાંથી રકમ ઉપાડીને ગાયબ થઈ જાય છે. ઘણીવાર તો એવા પણ મેસેજ આવે છે કે ‘જો અત્યારે બુકિંગ નહીં કરો તો સિલિન્ડર બીજાને આપી દેવાશે’, જેના ડરથી લોકો ઉતાવળમાં ભૂલ કરી બેસે છે.

સાયબર એક્સપર્ટ્સ અને પોલીસ દ્વારા આ બાબતે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યાદ રાખો કે Indane, BharatGas કે HP Gas જેવી અધિકૃત કંપનીઓ ક્યારેય પણ અજાણી લિંક દ્વારા પેમેન્ટની માંગણી કરતી નથી. ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે હંમેશા કંપનીની અધિકૃત વેબસાઇટ અથવા ઓફિશિયલ એપનો જ ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે OTP, UPI પિન કે બેન્કની વિગતો શેર ન કરવી. જો તમારી સાથે આવો કોઈ ફ્રોડ થાય, તો જરાય મોડું કર્યા વગર 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઇન પર કોલ કરવો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી જોઈએ.