Home Blog Page 302

Gujarat : સુરતમાં 40 લાખ સામે 1.85 કરોડ પડાવ્યા છતાં 26 લાખની ઊઘરાણી,આરોપી પકડાયો

0

સુરતમાં બે વર્ષ પહેલાં ખંડણી અને વ્યાજ ખોરીના ઇકો સેલમાં નોંધાયેલા ગુનાનો વોન્ટેડ આરોપી વડોદરામાંથી પકડાતાં તેને સુરત પોલીસને સોંપવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,સુરતમાં વર્ષ-૨૦૨૪માં ઇકો સેલમાં એક ગુનો નોંધાયો હતો.જેમાં ભોગ  બનનાર વ્યક્તિને ત્રણ જણાએ વ્યાજે આપેલા ૪૦ લાખ વસૂલવા માટે ધાકધમકી આપી બળજબરીથી રૃ.૯૦ લાખના ચેકો લખાવી લીધા હતા.ત્યારપછી પણ તેઓ ૯૦ લાખનું  મહિને પાંચ ટકા લેખે વ્યાજ વસૂલતા હતા.

આ ઉપરાંત વડોદરાના ડભોઇ તાલુકાના ઠીકરીયા ગામે ૪૪ વીઘા જમીન પેટે માત્ર રૃ.૫૦ લાખ મૂળ માલિકને ચૂકવી  બાકીની રકમના સાટાપેટે સુરતની મિલકત આપવાના નું નક્કી કરી ભોગ બનનાર વ્યક્તિ સાથે ઠગાઇ પણ કરવામાં આવી હતી.આ બનામાં આરોપીઓએ રૃ.૪૦લાખની સામે કુલ રૃ.૧.૮૫કરોડ વસૂલ્યા હોવા છતાં બીજા રૃ.૨૬ લાખની માગણી કરી ધાકધમકી આપતા હોવાથી મનસુખ બોરડ, ભરત વસરા અને આલા ઉર્ફે લાખા સામે સુરત પોલીસે તપાસ કરી હતી.

આ પૈકી વોન્ટેડ આરોપી આલા ભીમભાઇ જલુ(મહાવીર  પાર્ક,શાંતિકુંજ પાસે,મકરપુરા, વડોદરા મૂળ રહે. મગર વાડા,કેશોદ,જૂનાગઢ) વડોદરામાં હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચે તેને મકરપુરામાંથી ઝડપી પાડી સુરત પોલીસને જાણ કરી હતી.

Vadodara : ગેસ બોટલ નહી મળે તેવો લોકોમાં ગભરાટ LPG સિલિન્ડર બૂકિંગ કરાવવા માટે સવારથી જ એજન્સીઓ બહાર લાઇનો

0

ખાડી યુધ્ધની સ્થિતિમાં ગેસની આયાત પર અસર પડી હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં કોમર્શિયલ ગેસના વપરાશ પર નિયંત્રણો મૂકાયા છે પરંતુ ઘરગથ્થુ એલપીજી ગેસના બોટલના વિતરણ અને પ્રોડક્શન પર કોઇ નિયંત્રણ નહી અને પ્રાથમિકતા આપવામાં આવી છે. હાલમાં એલપીજી ગેસ બોટલની કોઇ તંગી નહી હોવા છતાં લોકો ગભરાટના કારણે ગેસ એજન્સીઓની બહાર લાઇનો બૂકિંગ માટે લગાવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ એલપીજી ગેસ બોટલના બૂકિંગ માટે ઓનલાઇન પ્રોસેસમાં તકલીફ પડતી હોવાની બૂમો વચ્ચે લોકો હવે ગેસ એજન્સીમાં ગેસ બોટલ બૂકિંગ કરાવવા માટે દોડી રહ્યા છે. ગઇકાલથી શરૃ થયેલી ગેસ એજન્સીઓની બહાર લાઇનો આજે પણ યથાવત રહી હતી. આજે શહેરના ચાર દરવાજા વિસ્તાર તેમજ પાણીગેટ, આજવારોડ વિસ્તારની ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઇનો ગ્રાહકોની લાગી હતી.સવારથી જ ગેસ એજન્સીઓની બહાર લોકો બૂકિંગ કરાવવા માટે કામ ધંધો છોડીને લાઇનોમાં ઊભા રહી જાય છે. ગઇકાલે તંત્ર દ્વારા સ્ટોકની વિગતો અને વપરાશની વિગતો મેળવીને એલપીજી બોટલોની કોઇ તંગી નથી તેવી જાહેરાત કરવા છતાં પણ આજે સવારથી લોકો લાઇનમાં ઊભા રહીને બૂકિંગ કરાવતા નજરે પડયા હતાં. ગેસના બોટલોનું બૂકિંગ યોગ્ય સમયે જ કરાવવા અપીલ કરવા છતાં ગભરાટના માર્યા લોકો બૂકિંગ કરાવવા માટે દોડાદોડી કરવા લાગ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે એલપીજી ગેસ બોટલોની સપ્લાય માટે ઓઇલ કંપનીઓએ હવે ક્વોટા સિસ્ટમ શરૃ કરી દીધી છે. જે ગેસ એજન્સી પાસે વધારે ગ્રાહકો હશે તેમને રોજ એક ગાડી તેમજ નાની એજન્સી હોય તેને બે દિવસે એક ગાડી એલપીજી બોટલોની ડિલિવરી કરવામાં આવી રહી છે.

બૂકિંગ માટે લાઇનમાં ઊભેલી મહિલા ઢળી પડી

શહેરના પાણીગેટ વિસ્તારની ગાયત્રી ગેસ એજન્સીમાં બૂકિંગ કરાવવા માટે લાગેલી લાઇન વચ્ચે ગઇકાલે એક મહિલા ઢળી પડી હતી જો કે લોકોએ તેને ઉઠાવીને ફરી પાછી લાઇનમાં ઊભી રાખી હતી. આ ઘટના બાદ પૂર્વ મામલતદાર પણ તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને ઘટનાનો રિપોટ મેળવ્યો હતો.

બૂકિંગ થતા નથી તેવી ફરિયાદો વચ્ચે રોજ ડબલ બૂકિંગ

એલપીજી બોટલ બૂકિંગ કરાવવા માટે ઓનલાઇન નંબરની સુવિદ્યા ઉપલબ્ધ છે. આ નંબરો પર ગ્રાહકો બૂકિંગ માટે સંપર્ક કરે તો નંબરો લાગતા જ નથી તેવી ફરિયાદો મળી રહી છે. બીજી બાજુ તંત્ર દ્વારા એવો બચાવ કરાયો છે કે બૂકિંગ માટે ધસારો થતો હોવાથી  સર્વર સ્લો થઇ જાય છે અને તેના કારણે બૂકિંગમાં તકલીફ સર્જાઇ છે. પાણીગેટ ખાતેની ગાયત્રી ગેસ એજન્સીએ જણાવ્યું હતું કે અમારી એજન્સીમાં રોજ ૮૦૦થી ૯૦૦ બૂકિંગો થાય છે પરંતુ છેલ્લા બે દિવસથી રોજ ૨૧૦૦નું બૂકિંગ કરીએ છે.

Bollywood : 8 વર્ષ જૂની ચેટ લીક થતાં રશ્મિકા છંછેડાઈઃ કાનૂની પગલાંની ચિમકી

0

આઠ વર્ષ જૂની એક પ્રાઈવેટ ઓડિયો ચેટ વાયરલ થતાં રશ્મિકા મંદાના ભારે છંછેડાઈ છે. તેણે તમામ પ્લેટફોર્મ્સ, ઈન્ફ્લુએન્સર્સ તથા મીડિયાને ૨૪ કલાકમાં આ આ ઓડિયો ચેટ ડિલીટ નહિ કરે તો કાનૂની પગલાંની ચિમકી આપી છે.

આ ઓડિયો ચેટમાં રશ્મિકાનાં માતા સુમન મંદાના અગાઉ રક્ષિત શેટ્ટી સાથે સગાઈ વખતે રશ્મિકાને કેટલો ત્રાસ વેઠવો પડયો હતો તેની વાત કરી રહ્યાં હોવાનું કહેવાય છે.

હજુ ગત મહિને વિજય દેવરકોંડા સાથે લગ્ન કરનારી રશ્મિકાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોથી તેની સતત સતામણી કરવામાં આવી રહી છે. મારા પર ટાર્ગેટેડ એટેક થઈ રહ્યા છે અને મારા શબ્દોને ખોટી રીતે ટાંકવામાં આવી રહ્યા છે. હું આ બધા વિશે ક્યારેય નથી બોલી કારણ કે તેનાથી એ અપપ્રચાર અને ધૃણાસ્પદ વાતોને જ વધારે ફેલાવો મળે તેમ છે.હું સમજું છું કે જાહેર જીવનમમાં હોવાને કારણે ક્યારેક બિનઈચ્છનીય ટીકાટિપ્પણીઓ વેઠવી પડતી હોય છે તેમ છતાં આ તમામ બાબતો વિશે મૌન સેવવું જ મેં ઉચિત માન્યું છે. મને હતું કે સમય જતાં આ બધું થાળે પડી જશે. પરંતુ, હવે કેટલાક લોકોએ હદ ઓળંગી દીધી છે. જાણ કે સંમતિ વિના રેકોર્ડ કરી લેવાયેલી આઠ વર્ષ જૂની વાતચીતને કાપીકૂપીને જુદા સંદર્ભમાં રજૂ કરવામાં આવી રહી છે. તાજેતરમાં મારાં લગ્ન થયા બાદ આવી હરકત થઈ રહી છે. આ મારી પ્રાઈવસી પર તરાપ છે. જે લોકોને કશું લાગતું વળગતું નથી કે મારી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો છે તેમને પણ બિનજરુરી ઘસડવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી મારા પર વ્યક્તિગત પ્રહારો થયા ત્યાં સુધી હું ચૂપ રહી હતી પરંતુ હવે અન્ય લોકોને ઘસડવામાં આવી રહ્યા છે ત્યારે હું મૌન રહી શકું નહીં.

Rajkot : યુ-ટયુબર નીતિન જાની સાથેના ઝઘડાનો ખાર રાખી કારમાં તોડફોડ

0

યુ-ટયુબર નિતિન ઉર્ફે ખજુર જાની સાથે થયેલી માથાકુટને કારણે રાજકોટમાં એક મહિલા ઉપર હુમલાનો પ્રયાસ કરી તેના ભાઇની કારમાં તોડફોડ કરાઇ હતી. આજી ડેમ પોલીસે આરોપી યુવરાજ ખુમાણ અને રવિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ખોખળદડ ગામમાં ત્રિશા પાર્કમાં રહેતા મનીષાબેન રામભાઇ લાખનોત્રા (ઉ.વ. 32) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ભાઇ લાલા ઉર્ફે કાળુભાઇ જગમાલભાઇ બામરોટીયા ઉપરાંત નિતિન ઉર્ફે ખજુર જાની અને યુવરાજ ખુમાણ વચ્ચે સાવરકુંડલામાં ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી તેની ઉપર હુમલાનો પ્રયાસ કરી તેના ભાઇની કારમાં તોડફોડ કરાઇ હતી. ગઇ તા.૧૪ ફેબુ્રઆરીના રોજ રાત્રે તેના ઘર બહાર પાર્ક કારનાં કાચ ફુટવાનો અવાજ આવતા બહાર આવીને જોયું તો તેના ભાઇ લાલાની થાર કાર પાસે બારથી તેર શખ્સો ઉભા હતા. જેમના હાથમાં પાઇપ, ધોકા અને તલવાર જેવા હથિયારો હતા. તે વખતે યુવરાજ ખુમાણ અને રવિ તેને જોઇ જતાં તેની ઉપર હુમલો કરવા દોડયા હતા. એટલું જ નહીં તેને બેફામ ગાળો ભાંડી ધમકી આપતા કહ્યું કે તારા ભાઇ લાલાને સમજાવી દેજે કે સીધી રીતે ચાલે, બાકી તેના પરિવારને જીવવા નહીં દઉ, જાનથી મારી નાખીશ. આ પછી તેના ભાઇ લાલાની થારમાં પાઇપ, ધોકાના ઘા ઝીંકવાનું શરૂ કરી તોડફોડ કરી હતી.

ત્યાર પછી તે ઘરમાં જતી રહી હતી અને પોલીસને જાણ કર્યા બાદ ફોટોગ્રાફી કરી હતી. જે તે વખતે તેણે પોલીસને કોઇ કાર્યવાહી કરવી નથી તેમ કહીં દીધું હતું. આખરે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. જેના આધારે આજી ડેમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Rajkot : નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકીનાં 3 સભ્યોની ધરપકડ

0

બોટાદનાં નિવૃત શિક્ષક બટુકભાઇ પટેલ (ઉ.વ. 59)ને ખેતીની જમીન જોવાનાં બહાને રાજકોટ બોલાવી, એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં લઇ જઇ, બળજબરીથી શરીરસંબંધ બંધાવી, નિર્વસ્ત્ર હાલતમાં ફોટા પાડી, દુષ્કર્મના કેસમાં ફીટ કરાવવાની ધમકી આપી રૂ. 12 લાખ પડાવી લેવાના કેસમાં ક્રાઇમ બ્રાંચે બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓમાં નિલેશ મૈયાભાઇ જુંજા (ઉ.વ. 36, રહે. નવા નારણપર ગામ, તા.પડધરી), પાયલ ભાવિનભાઇ પટેલ (ઉ.વ. 35, રહે. રાંદેસણ, ગાંધીનગર) અને તેજલ દિપકભાઇ ટીંડાણી (ઉ.વ. 31, રહે. રાધામીરા સોસાયટી, સેટેલાઇટ ચોક, મોરબી)નો સમાવેશ થાય છે.

આરોપી પાયલ સામે આ અગાઉ અંકલેશ્વરનાં બી ડિવિઝન પોલીસ મથકમાં હનીટ્રેપનો અને આરોપી તેજલ સામે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં બળજબરીથી પડાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાઇ ચુક્યો છે.

હનીટ્રેપનાં આ ચર્ચાસ્પદ કેસમાં ભોગ બનનાર બટુકભાઇએ આરોપી ટોળકીને રૂ. 12 લાખ આપી પણ દીધા હતા. તે વખતે તેને કોઇ ફરિયાદ પણ કરવી ન હતી પરંતુ લાલચમાં આવી ગયેલી આરોપી ટોળકીએ વધુ 3 થી 4 લાખની માંગણી કરી ત્રાસ આપવાનું ચાલું રાખતા આખરે ગઇકાલે એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

તે સાથે જ ક્રાઇમ બ્રાંચની ટીમોએ પણ તપાસમાં ઝુકાવી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. હજુ એક મહિલા સહિત બે આરોપીઓના નામો ખુલ્યા છે. જેમને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચે પ્રયાસો ચાલુ રાખ્યા છે. આ ટોળકીએ બીજા કોઇને શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે પણ ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી છે. ઝડપાયેલ આરોપી નિલેશ ડ્રાઇવીંગ કરે છે. આરોપી તેજલ ઇમિટેશનનું કામ કરે છે.

Gandhinagar : કોમર્શિયલ ગેસ ઉપર પ્રતિબંધથી કેન્ટીન-હોટલના સંચાલકોને મુશ્કેલી

પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાક વચ્ચે વણસી રહેલી યુદ્ધની સ્થિતિએ હવે ભારતના રસોડા સુધી માઠી અસર પહોંચાડવાનું શરૃ કર્યું છે. ખાસ કરીને ઈરાકથી આવતા ગેસના પુરવઠામાં અવરોધ ઊભો થવાની આશંકાએ ગુજરાતના વહીવટી તંત્રને ‘ઇમરજન્સી મોડ’માં લાવી દીધું છે. ગાંધીનગર સહિત રાજ્યભરમાં કોમર્શિયલ ગેસના વિતરણ પર મુકાયેલા અંકુશોએ વેપારી આલમમાં ચિંતા વધારી દીધી છે.કોમશયલ ગેસ સિલિન્ડરના વિતરણ પર સદંતર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ નિર્ણયને પગલે ગાંધીનગરના ખાણીપીણી બજારો, કેન્ટીન અને મોટી હોટલોની હાલત કફોડી બની છે.જૂથની આડઅસર ભારત સહિતના અન્ય દેશોમાં જોવા મળી છે ખાસ કરીને ગેસની આયાત ભારત ઈરાન તરફથી કરતું હતું પરંતુ હાલ યુદ્ધના સંકટને પગલે એલપીજી ગેસ ના પુરવઠા ઉપર ચિંતા ઊભી થઈ છે જેના કારણે હાલ સમગ્ર ગુજરાતમાં કોમશયલ રાંધણ ગેસ સિલિન્ડર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યું છે આ પ્રતિબંધને કારણે ગાંધીનગર શહેર અને જિલ્લાની હોટલો ઉપરાંત રેસ્ટોરન્ટ ખાણીપીણી બજાર તથા કેન્ટીના સંચાલકો પર માઠી અસર પડી છે દરરોજ ઘણા બધા ગ્રાહકો માટે મોટા રસોડા ચલાવતા આ સંચાલકોમાં બળતણના વિકલ્પો શોધવા મજબૂર બન્યા છે ઘણી જગ્યાએ ફરી ચૂલા શરૃ થયા છે. જેના કારણે સમય, શક્તિ , ખર્ચ અને પ્રદૂષણ પણ વધશે તે નક્કી છે.

બીજી તરફ, ઘરેલું રાંધણ ગેસના પુરવઠામાં પણ અછત સર્જાશે તેવી અફવાઓ અને ડરને કારણે સામાન્ય રહીશોમાં ગભરાટ ફેલાયો છે. ગાંધીનગરમાં રાંધણ ગેસના એડવાન્સ બુકિંગમાં સામાન્ય દિવસો કરતા ૩ થી ૪ ગણો વધારો નોંધાયો છે. જોકે, ગેસ એજન્સીઓ અને સરકાર સતત દાવો કરી રહી છે કે પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે, છતાં લોકો સાવચેતીના ભાગરૃપે સિલિન્ડર રિઝર્વ કરી રહ્યા છે.એટલું જ નહીં,ગેસ સંકટના ડરથી લોકો હવે ઇલેક્ટ્રિક ઉપકરણો તરફ વળ્યા છે. ગાંધીનગરના ઇલેક્ટ્રોનિક્સ બજારોમાં ઇન્ડક્શન સગડીની ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જે ઘરોમાં માત્ર ગેસ પર નિર્ભરતા હતી, ત્યાં હવે ગૃહિણીઓ બેકઅપ પ્લાન તરીકે ઇલેક્ટ્રિક સગડી વસાવી રહી છે.

હાઇવેની હોટલો અને કેન્ટીન લાકડાના ચૂલા સળગાવવા મજબૂર

યુદ્ધની સ્થિતિના કારણે કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય બંધ થતા જ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થા શોધવી પડી છે. અનેક જાણીતી હોટલો અને સરકારી કેન્ટીનોમાં હવે રાંધણ ગેસને બદલે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ શરૃ થયો છે. બજારમાં લાકડાના સ્ટોક માટે પડાપડી થઈ રહી છે અને ઘણી જગ્યાએ તો વર્ષો જૂના લાકડાના ચૂલા ફરી ધખધખતા જોવા મળી રહ્યા છે. હોટલ માલિકોનું કહેવું છે કે જો આ સ્થિતિ વધુ સમય ચાલશે તો ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો કરવો અનિવાર્ય બનશે.

Ahmedabad : નરોડામાં પશુ પકડવા ગયેલી એએમસીની ટીમ ઉપર હુમલો, કર્મચારીને ઇજા

કૃષ્ણનગરમાં રહેતા અને મ્યુનિ કોર્પોરેશનની ઢોર પાર્ટીમાં નોકરી કરતા કર્મચારીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નરોડા ખાતે રહેતા મિહીર સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે તેઓ બુઘવારે તેમની ટીમ સાથે નરોડાના મોટા ઠાકોર વાસ અને ભરવાડવાસ પાસેથી રોડ ઉપર રખડતી ત્રણ ગાયોને પકડી ટ્રેક્ટરમાં ચઢાવતી વખતે ગાયો ભગાડી દીધી હતી.

કૃષ્ણનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી

જોકે, બાદમાં ટીમે ફરીથી ગાયો પકડી હતી ફરિયાદી ઘર પાસે પહોચ્યા ત્યારે આરોપીઓએ લાકડી વડે હુમલો કરી બરડામાં અને જમણા હાથે ફટકા માર્યા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat : કેનેડાના બે વર્ષના વર્ક પરમિટને નામે મહિલા એજન્ટે 6 લાખ પડાવતાં ફરિયાદ

0

વાસદની એક યુવતીને કેનેડામાં વર્ક પરમિટ અપાવવાના નામે વડોદરાની મહિલ એજન્ટે રૃ.૬લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઇ છે.

વાસદમાં રહેતા તૃપ્તિબેન પટેલે પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૨૨માં કેનેડા ખાતે જવું હોવાથી ગોરવાની અંકુર વાટિકા સોસાયટીમાં રહેતા નિલ ઓવરસીઝની સંચાલિકા જ્યોતિ પ્રમોદભાઇ ગોસ્વામીને રૃ.૬ લાખ આપ્યા હતા.

પરંતુ ત્યારબાદ તેમણે વારંવાર વાયદા કર્યા હતા અને વર્ક પરમિટ અપાવી નહતી.જ્યોતિબેને મારી પાસે લીધેલા રૃપિયા પણ મને પરત નહિ કરી અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતા.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.

VADODARA : ગેસ સંકટ, શહેરમાં પીજી તરીકે રહેતા 25000 કરતા વધારે વિદ્યાર્થીઓ ચિંતામાં

0

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી તેમજ બીજી  ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા ૨૫૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ શહેરના ફતેગંજ, કારેલીબાગ, નિઝામપુરા, વાઘોડિયા રોડ જેવા વિસ્તારોમાં રહે છે.આ પૈકી સૌથી વધારે વિદ્યાર્થીઓ શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહે છે.

અખાતી દેશોમાં  યુધ્ધના કારણે ગેસના સિલિન્ડરની છેલ્લા ત્રણેક દિવસથી ચાલી રહેલી ખેંચતાણના કારણે આ વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાયા છે.કારણકે પીજી તરીકે રહેતા વિદ્યાર્થીઓ તેઓ જયાં રહે છે ત્યાં નાના પાયે ચાલતા રસોડામાં કે પછી બહાર રેસ્ટરોન્ટમાં જમતા હોય છે.હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં મળતા હોવાથી તેમને પણ જમવાની મુશ્કેલી સર્જાઈ શકે છે.પીજીના વિદ્યાર્થીઓ માટે નાના પાયે ચાલતા રસોડા બંધ થવાના આરે છે.કારણકે તેમની પાસે ગેસ સિલિન્ડર નથી.કેટલાક પીજી સંચાલકો રસોડા ચલાવવા માટે કોલસાથી ચાલતી ભઠ્ઠી ખરીદવાની મથામણ કરી રહ્યા છે.તેઓ જે રેસ્ટોરન્ટોમાં જમવા જાય છે ત્યાં પણ અનિશ્ચિતતાનો માહોલ છે.રેસ્ટોરન્ટોના સંચાલકો વિદ્યાર્થીઓને કહી રહ્યા છે કે, જ્યાં સુધી ગેસ છે ત્યાં સુધી જમવાનું બનાવીશું. પછી શું થશે તેની ખભર નથી.

બરોડા મેડિકલ કોલેજની એક મેસ બંધ તંત્ર પાસે ૨૦૦ ગેસ સિલિન્ડરની માગણી

સયાજી હોસ્પિટલ સાથે સંલગ્ન બરોડા મેડિકલ કોલેજની ન્યૂ બોયઝ હોસ્ટેલની મેસ ગેસ સિલિન્ડરના અભાવે આજે બંધ કરવાનો વારો આવ્યો હતો.અહીંયા સવાર સાંજ થઈને ૮૦૦ વિદ્યાર્થીઓ જમતા હતા.આ મેસ બંધ થતા તંત્રમાં દોડધામ થઈ ગઈ છે.મેડિકલ કોલેજના ડીન પ્રો.રંજન ઐયરે પુરવઠા વિભાગના અધિકારીઓ પાસે મેસ ચાલુ રાખવા માટે ૨૦૦ ગેસ સિલિન્ડરની માગ કરી છે.સદનસીબે મેડિકલ કોલેજની બીજી બે મેસ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ હોવાથી હજી ચાલુ છે.બીજી તરફ ગોત્રી મેડિકલ કોલેજની ત્રણ મેસ પણ અત્યારે કાર્યરત હોવાથી ત્યાં ભણતા વિદ્યાર્થીઓને વાંધો આવે તેમ નથી.બરોડા મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ વર્તમાન વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવાની તૈયારી બતાવી છે.

એમ.એસ.યુનિ.હોસ્ટેલની મેસ પાઈપલાઈનના કારણે ચાલુ, ખાનગી યુનિ.ઓ અને કોલેજોની મેસ પર સંકટ

એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલના વિદ્યાર્થીઓને ગેસ સિલિન્ડરની ખેંચતાણ વચ્ચે રાહત છે.હોસ્ટેલના ચીફ વોર્ડન ડો.વિજય પરમારે કહ્યું હતું કે, હોસ્ટેલની તમામ મેસ અને કેન્ટીનમાં પાઈપલાઈન ગેસની સુવિધા હોવાથી વિદ્યાર્થીઓનું ભોજન બનાવવામાં તકલીફ આવે તેમ નથી. વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારની અફવાથી દૂર રહેવું.જોકે ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ચાલતી મેસો પર સંકટના વાદળ છે.કારણકે આ મેસોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે.મેસ ચલાવનારા કોન્ટ્રાકટરો ગમે તે હિસાબે અને ગમે તે ભાવે બજારમાંથી ગેસના સિલિન્ડરો ખરીદવાની મથામણ કરી રહ્યા છે.

ત્રણમાંથી એક રસોડું બંધ કરવું પડયું છે

પીજીના વિદ્યાર્થીઓને રાખતા અને તેમના માટે નાના પાયે મેસ ચલાવતા રાકેશ પંજાબીનું કહેવું છે કે, અમારા ત્રણ રસોડામાંથી એક રસોડુ આજે બંધ કરી દેવું પડયું છે.અહીંયા જમતા વિદ્યાર્થીઓને અન્ય બે રસોડામાં જમાડવાની વ્યવસ્થા અત્યારે કરી છે પણ આ બે રસોડા પણ ગેસના અભાવે એકાદ બે દિવસમાં બંધ કરવા પડે તેવી સ્થિતિ આવી શકે છે.ગેસના વિકલ્પ તરીકે કોલસાથી ચાલતી ભઠ્ઠી ખરીદવા માટે વિચારણા કરી રહ્યા છે.

લાકડા લાવીને જમવાનું બનાવવું પડે તેમ છે

પીજી વિદ્યાર્થીઓ માટે નાના પાયે રસોડું ચલાવતા હરીશભાઈ ભરવાડ કહે છે કે, મારે ત્યાં ૪૦ થી ૫૦ વિદ્યાર્થીઓ જમે છે અને બે જ દિવસ ચાલે તેટલો ગેસ બાકી છે.લાકડા લાવીને જમવાનું બનાવવું પડે તેવું લાગી રહ્યું છે.૧૯૦૦માં મળતો ગેસ સિલિન્ડર હવે ૩૫૦૦ રુપિયા આપ્યા પછી પણ મળી રહ્યો નથી.

શહેરમાં ઈલેક્ટ્રિક સગડીનું વેચાણ બમણું થયું

અખાતી દેશોમાં યુધ્ધના કારણે ગેસ સિલિન્ડર માટે મુશ્કેલી પડી રહી છે તેવામાં ઈલેક્ટ્રિક સગડીની માગમાં ઉછાળો આવ્યો છે.ઘરેલુ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ હોવા છતા લોકો તકેદારી માટે ઈલેક્ટ્રિક સગડી ખરીદી રહ્યા છે.વેપારી અલ્પેશભાઈનું કહેવુ છે કે, છેલ્લા બે દિવસમાં ઈલેક્ટ્રિક સગડીનું વેચાણ અને માગ બમણી થઈ ગઈ છે.વડોદરામાં ઘણા વેપારીઓ પાસે હવે સ્ટોક નથી અથવા તો ગણતરીનો સ્ટોક જ બચ્યો છે.

Gandhinagar : ગિફ્ટ સિટીમાં ૨૬ લાખના ગાંજા સાથે રાજકોટનો યુવક ઝડપાયો

 ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં આવેલા શોભા ડ્રીમ હાઇટ્સ ટાવરમાં એસ.ઓ.જી.એ બાતમીના આધારે દરોડો પાડીને નશીલા પદાર્થોના વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટાવર નંબર ૧ના ૨૩મા માળે આવેલા ફ્લેટ નંબર ૧૨૩૫ માંથી ૦.૭૪૬ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે રાજકોટના શખ્સની ધરપકડ કરી છે.

ગાંધીનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર અને ટીમને બાતમી મળી હતી કે, અંકિત રાજેશભાઈ કક્કડ નામનો ઇસમ ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઇટ્સમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે પંચો અને એફ.એસ.એલ. અધિકારીની હાજરીમાં રેઇડ કરી હતી. તપાસ દરમિયાન ફ્લેટના બેડરૃમમાં રાખેલી બેગમાંથી લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો, જેનું એફ.એસ.એલ. પરીક્ષણ કરાવતા તે ગાંજો હોવાનું ફલિત થયું હતું. પોલીસે ગાંજો અને મોબાઇલ મળી ૨૬.૬૫ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. અંકિત કક્કડ મૂળ રાજકોટના માધાપર ચોકડી વિસ્તારનો રહેવાસી છે. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા કેટલાક સમયથી રોજના ૩,૦૦૦ ના ભાડાથી આ ફ્લેટમાં રહેતો હતો. આ નશીલો પદાર્થ તે બે દિવસ પહેલા વડોદરાના તાંદલજા વિસ્તારમાં મેકડોનાલ્ડ્સ બર્ગર પાસે અનિકેત રબારી નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે અંકિત કક્કડ અને નશીલો પદાર્થ પૂરો પાડનાર અનિકેત રબારી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.