Home Blog Page 45

National : દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં પાણી ઘૂસ્યા, ઓરેન્જ એલર્ટ, બિહારમાં ગંગા સહિતની નદીઓ ભયજનક સપાટીને પાર

0

બિહાર, દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડયો છે. બિહારમાં મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે જેને પગલે પૂરની સ્થિતિ સર્જાઇ છે. એવામાં આગામી કેટલાક દિવસોમાં હવામાન વિભાગે ઉત્તરીય તેમજ પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દિલ્હીમાં ભારે વરસાદને પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં પાણી ઘૂસી ગયાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.


ગરમી બાદ રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ પડયો છે, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ધૌલા કુવા વચ્ચે નેશનલ હાઇવે ૪૮ પર પાણી ભરાયા હતા. ટર્મિનલ ૩ પર પણ જળ ભરાવ થતા મુસાફરો ચપ્પલ, જુતા હાથમાં લઇને પોતાની ફ્લાઇટ તરફ આગળ વધતા જોવા મળ્યા હતા. દિલ્હી એરપોર્ટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જ્યારે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ફ્લાઇટો મોડી પડવાની શક્યતાઓ જાહેર કરાઇ હતી. દિલ્હી માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નજીકના ગુરુગ્રામમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઇ હતી.


જ્યારે બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ શનિવારે ભારે વરસાદ પડયો હતો. જેને પગલે બિહારમાં મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી હતી. બુરહી ગંદક, ગંગા, કોસી, બાગમતી વગેરે નદીઓ ભયજનક સપાટીને પાર જતી રહી છે. નેપાળ અને ઝારખંડમાં ભારે પૂરને કારણે બિહારમાં આ સ્થિતિ સર્જાઇ છે. પટણા, ભોજપુર, વૈશાલી, ભાગલપુર વગેરે વિસ્તારોમાં હાલ નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. બિહાર બાદ ઉત્તર પ્રદેશમાં પણ પૂરની સ્થિતિ સર્જાઇ છે. હાલમાં રાજ્યના ૨૬ જિલ્લાના ૩.૫૩ લાખ લોકો પૂરનો ભોગ બન્યા છે. ઉત્તર પ્રદેશમાં પણ ગંગા નદીએ ભયનજક સપાટી વટાવી દીધી છે. હિમાચલ પ્રદેશમાં ૧૦૨થી વધુ રોડ બંધ રહ્યા હતા. પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં પણ વરસાદ પડયો છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં સવાઇ માધોપુરમાં ૨૪ કલાકમાં ૧૩૦ એમએમ વરસાદ પડયો હતો.

Gujarat : ભરૂચના આમોદ તાલુકાના માતર પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માતમાં રવિયાણા ગામના 3 લોકોના મોત, 1 વ્યક્તિ ગંભીર

0

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. સુરત તરફથી આવી રહેલી એક કિયા કાર આગળ ચાલતા મોટા વાહન સાથે ધડાકાભેર અથડાતાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

તમામ લોકો રવિયાણા ગામના એક જ પરિવારના હતા

મળતી વિગતો મુજબ, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો રવિયાણા ગામના એક જ પરિવારના હતા.પરિવાર સુરત તરફથી આવી રહ્યો હતો. રવિયાણા ગામના ચાર લોકો કિયા કારમાં સવાર હતા. દરમિયાન માતર નજીક કાર આગળ જઈ રહેલા એક મોટા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતકોમાં બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. 

ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો

પ્રાથમિક અનુમાન મુજબ, ફૂલ સ્પીડમાં જઈ રહેલી કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.

કરજણ સરકારી હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોને ખસેડાયા

પોલીસે સ્થાનિકોની મદદથી તમામ મૃતદેહો અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલમાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિની કરજણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અવારનવાર બનતી અકસ્માતની ઘટનાઓને પગલે વાહનચાલકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. 

National : દેશભરના અનેક રાજ્યોમા ભારે પવન સાથે મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી

0

શનિવારે દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે પાણી ભરાઈ ગયા હતા. વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને રાજધાનીમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. કનોટ પ્લેસમાં આઉટર સર્કલ પાસે પાણી જમા થઈ ગયું હતું. જોકે, હવે ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશભરના અનેક રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

આ રાજ્યો માટે વરસાદની ચેતવણી

પૂર્વીય ઉત્તર પ્રદેશમાં 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં 6 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહી શકે છે. વધુમાં પૂર્વી રાજસ્થાન માટે 6 સપ્ટેમ્બરે છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યારે ઉત્તરાખંડમાં 6-7 સપ્ટેમ્બર અને ફરીથી 10-11 સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે. 6 સપ્ટેમ્બરે દિલ્હી-એનસીઆરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે, બપોરે અથવા સાંજે હળવો થી ખૂબ જ હળવો વરસાદ પડવાની શક્યતા છે; 7-8 સપ્ટેમ્બરે આકાશ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે.

મધ્યપ્રદેશમાં 6થી 8 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડવાની શક્યતા 

૬ સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્યપ્રદેશ અને ૬ થી ૮ સપ્ટેમ્બર દરમિયાન પૂર્વ મધ્યપ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે. છત્તીસગઢમાં ૮ થી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની ગતિવિધિ વધુ તીવ્ર બનવાની ધારણા છે, ૯ થી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

બિહાર માટે ભારે વરસાદની ચેતવણી

બિહાર (૬-૮ સપ્ટેમ્બર), ઝારખંડ (૯ સપ્ટેમ્બર) અને ઓડિશા (૯-૧૧ સપ્ટેમ્બર) માટે અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. વધુમાં, ૧૧ સપ્ટેમ્બર સુધી ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી છે.

છેલ્લા ૨૪ કલાકમાં, પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં ૧૨ થી ૨૦ સેમી સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, નાગાલેન્ડ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં આગામી કેટલાક દિવસોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

મધ્ય પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદ માટે ચેતવણી

હવામાન વિભાગે ખાસ કરીને બિહાર, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં પણ ઘણા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. ૧૧ સપ્ટેમ્બર સુધી ઉત્તરપૂર્વીય રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

IMD એ ચેતવણી આપી છે કે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, ભૂસ્ખલન થઈ શકે છે, માર્ગ અને રેલ ટ્રાફિકમાં વિક્ષેપ પડી શકે છે, વૃક્ષો પડી શકે છે અને નબળા માળખાઓને નુકસાન થઈ શકે છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના ખેતરોમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા સુનિશ્ચિત કરે, જ્યારે સામાન્ય લોકોને પ્રતિકૂળ હવામાન દરમિયાન સતર્ક રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને નવીનતમ હવામાન ચેતવણીઓ પર નજર રાખવા વિનંતી કરવામાં આવે છે.

National : ગુજરાત માટે ગૌરવની ક્ષણ, રાજ્યના 4 શિક્ષકોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એનાયત થયો ‘રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર’

0

નવી દિલ્હીના ઐતિહાસિક વિજ્ઞાન ભવન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શિક્ષણ ક્ષેત્રે અદ્ભુત પ્રદાન આપનાર દેશના 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવશાળી યાદીમાં ગુજરાતના 4 ઉત્કૃષ્ટ શિક્ષકોનો સમાવેશ થાય છે. જેમાં શાળા શિક્ષણમાંથી એક, ઉચ્ચ શિક્ષણમાંથી બે અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાંથી એક શિક્ષકનો સમાવેશ થાય છે.

શાળા શિક્ષણ ક્ષેત્રે નીતિન પાઠકે ડિજિટલ ક્રાંતિ સર્જી
રંગપુરની આદિવાસી શાળામાં ફરજ બજાવતા શિક્ષક નીતિન કુમાર મહેન્દ્ર કુમાર પાઠકને શાળા શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ પુરસ્કાર મળ્યો છે. તેમણે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારની શાળાને ડિજિટલ શિક્ષણના આધુનિક કેન્દ્રમાં પરિવર્તિત કરી હતી. તેમણે ISRO અને રાષ્ટ્રીય વિજ્ઞાન કોંગ્રેસમાંથી પણ ખાસ તાલીમ મેળવીને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડ્યું છે.

ઉચ્ચ શિક્ષણમાં IIT અને NFSUના પ્રોફેસરોએ ડંકો વગાડ્યો

ઉચ્ચ શિક્ષણ વિભાગમાં ગુજરાતના બે તજજ્ઞોને એવોર્ડ એનાયત કરાયો છે. IIT ગાંધીનગરના ડૉ. મિથુન રાધાકૃષ્ણે એન્જિનિયરિંગ, સાયન્સ અને ફાયનાન્સ જેવા વિષયોનું એકીકરણ કરીને વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી એટલે કે ઈનોવેટિવ થિકિંગ કેળવી છે. જ્યારે ગાંધીનગરની રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રો. જયરાજ સિંહ સરવૈયાએ ફોરેન્સિક સાયન્સ, ફૂડ ફાર્મસી અને મેડિકલ ડિવાઇસીસને જોડીને એક નવો શૈક્ષણિક પ્રોગ્રામ વિકસાવી શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચે સેતુ બાંધ્યો છે.

ટેકનિકલ શિક્ષણમાં બીલીમોરા ITI ના રાજેશ પટેલ સન્માનિત

ટેકનિકલ શિક્ષણના ક્ષેત્રમાં બીલીમોરા ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ના રાજેશ કુમાર એમ. પટેલને રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમણે વાહન તાલીમને આધુનિક ઇનોવેશન અને પ્રત્યક્ષ રોજગાર સાથે જોડીને યુવાનો માટે કારકિર્દીના નવા દ્વાર ખોલ્યા છે. આ ચારેય શિક્ષકોએ પોતાની અનોખી કાર્યશૈલી અને સમર્પણથી ગુજરાતની શિક્ષણ પ્રણાલીનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે.

National : શિક્ષક દિને નેશનલ એવોર્ડ વિજેતાઓને PM મોદીની સલાહ, સિલેબસમાંથી બહાર નીકળો અને બાળકના જીવનમાં પ્રવેશો

0

શિક્ષક દિનની પૂર્વસંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ટીચર્સ એવોર્ડ વિજેતા શિક્ષકો સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે શિક્ષકોને માત્ર પાઠ્યપુસ્તકો અને સિલેબસ પૂરતા સીમિત ન રહેવા અને બાળકોના જીવન, તેમની રુચિઓ તથા પડકારોને વધુ નજીકથી સમજવા માટે હાકલ કરી હતી. 7, લોક કલ્યાણ માર્ગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, ‘શિક્ષણ માત્ર પુસ્તકો અને વર્ગખંડ સુધી સીમિત ન રહી શકે.’

બાળકોમાં છુપાયેલી વિશેષ પ્રતિભાને ઓળખો: શિક્ષકોને PM મોદીની ખાસ અપીલ

શિક્ષક દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શિક્ષકોને બાળકોના સર્વાંગી વિકાસ માટે ખાસ ધ્યાન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘શિક્ષણ માત્ર પુસ્તકો અને અભ્યાસ પૂરતું સીમિત ન રહેવું જોઈએ, પરંતુ શિક્ષકોએ દરેક બાળકની અંદર રહેલી આગવી ક્ષમતાઓને પણ પારખવી જોઈએ.’

અભ્યાસમાં નબળા બાળકોમાં પણ હોય છે ખાસ શક્તિ

વડાપ્રધાને શિક્ષકો સાથે વાતચીત કરતા એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘શું તમે એવા બાળકોની ક્ષમતાઓને ઓળખવાનો પ્રયાસ કરો છો જેઓ અભ્યાસમાં કદાચ બહુ હોંશિયાર ન હોય? એ જરૂરી નથી કે દરેક બાળક ભણવામાં જ અગ્રેસર હોય, કારણ કે ઈશ્વરે દરેક વ્યક્તિને કોઈને કોઈ વિશેષ શક્તિ, હુનર કે તાકાત આપી જ હોય છે. શિક્ષકોની મુખ્ય જવાબદારી છે કે તેઓ બાળકના એ છુપાયેલા ગુણ કે પ્રતિભાને ઓળખીને તેને યોગ્ય દિશા આપે.’

બાળપણની સર્જકતા અને જિજ્ઞાસા જાળવી રાખવી જરૂરી

આ ઉપરાંત, વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘બાળપણની નિર્દોષતા, જિજ્ઞાસાવૃત્તિ અને સર્જનાત્મકતા (ક્રિએટિવિટી) ક્યારેય ઓછી ન થવી જોઈએ. બાળકમાં રહેલો આ સહજ ગુણ જીવંત રહે તે જોવાની સૌથી મોટી અને મહત્ત્વની જવાબદારી શિક્ષકની છે. જ્યારે શિક્ષક બાળકની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપે છે, ત્યારે બાળકનો યોગ્ય અને સકારાત્મક રીતે માનસિક વિકાસ થાય છે.’

સ્ક્રીન ટાઈમ ઘટાડવા રમતગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ પર ભાર

આજના સમયમાં બાળકોમાં વધી રહેલા અતિશય સ્ક્રીન ટાઈમની સમસ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાને સૂચન કર્યું હતું કે, ‘બાળકો ડિજિટલ ઉપકરણોથી દૂર રહે તે માટે તેમને રમતગમત, શારીરિક રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરવા જોઈએ. આનાથી બાળકોમાં કલ્પનાશક્તિ, આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્યોનો વિકાસ થશે.’

સામાજિક જાગૃતિ અને અન્ય વિષયો પર પણ ચર્ચા

વાતચીત દરમિયાન વર્ગખંડ બહારના મુદ્દાઓ જેવા કે બ્રેસ્ટ કેન્સર અંગેની જાગૃતિ અને ડ્રગ્સ વિરોધી જાગૃતિ અંગે પણ ચર્ચા થઈ હતી. એક શિક્ષકે મહિલાઓમાં પ્રાથમિક તપાસ અને જાગૃતિ ફેલાવવાના તેમના કામ અંગે વાત કરી હતી. આ ઉપરાંત, વડાપ્રધાને શિક્ષકોને બાળકોના વર્તનમાં આવતા ફેરફારો પ્રત્યે સજાગ રહેવા અને તેમના પડકારોને સમજવા વિનંતી કરી હતી.

National : વિનાશક પૂર માટે વળતરની માગ કરનારા નેપાળને ભારતનો જવાબ, કહ્યું- ‘ક્લાઈમેટ ચેન્જ સંયુક્ત પડકાર…

0

નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ કુદરતી આપદામાં અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો હજુ પણ લાપતા છે. આ ગંભીર હોનારત બાદ નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનલે એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે નેપાળનું ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન લગભગ શૂન્ય સમાન છે, તેમ છતાં દેશ વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જની ભારે કિંમત ચૂકવી રહ્યો છે.

નેપાળના વિદેશ મંત્રીનું નિવેદન અને સ્પષ્ટતા

શરૂઆતમાં નેપાળના વિદેશ મંત્રીએ વિશ્વમાં સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરતા ત્રણ દેશો—ચીન, અમેરિકા અને ભારત—પાસેથી આ નુકસાનની ઐતિહાસિક જવાબદારી લેવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ દેશોએ નેપાળ જેવા નબળા દેશોને વળતર આપવું જોઈએ. આ કોઈ ‘દાન’ નથી પરંતુ તે દેશોની ‘કાનૂની અને નૈતિક ફરજ’ છે. જોકે, બાદમાં તેમણે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે નેપાળ સરકાર કે તેમણે ખાસ કરીને ભારત, ચીન કે અમેરિકા પાસે વળતર નથી માંગ્યું, પરંતુ તેમની આ અપીલ સમગ્ર વૈશ્વિક સમુદાયને ક્લાઈમેટ ચેન્જની અસર સમજીને લાંબા ગાળાના સહયોગ માટે હતી.

ભારતીય વિદેશ મંત્રાલયનો વળતો જવાબ

નેપાળના આ નિવેદન પર ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે, ‘ક્લાઈમેટ ચેન્જ એ એક સહિયારો અને વૈશ્વિક પડકાર છે. આ દિશામાં કોઈપણ કદમ ‘સહિયારી પરંતુ અલગ-અલગ જવાબદારીઓ અને સંબંધિત ક્ષમતાઓ’ (CBDR)ના સિદ્ધાંત પર આધારિત હોવું જોઈએ.’ ભારતે સ્પષ્ટ કર્યું કે જે વિકસિત દેશો ઐતિહાસિક રીતે ઉત્સર્જન માટે જવાબદાર રહ્યા છે અને જેમણે આ સંકટ વધારવામાં સૌથી મોટો ફાળો આપ્યો છે, તેમણે જ ઉત્સર્જન ઘટાડવા તેમજ વિકાસશીલ દેશોને ફાઇનાન્સ અને ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા મદદ કરવા આગળ આવવું જોઈએ.

નેપાળને મદદ અને રાહત કાર્યોમાં ભારતનો સહયોગ

આ કપરા સમયમાં ભારતે નેપાળ પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિ અને એકજૂથતા દર્શાવી છે. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક કહ્યું કે એક નજીકના મિત્ર અને ભાગીદાર તરીકે ભારતે આ હોનારત બાદ તુરંત રાહત સામગ્રી અને મદદ પહોંચાડી છે. આ સાથે જ ભારતે ખાતરી આપી છે કે નેપાળમાં પુનઃનિર્માણ અને રિકવરીના તમામ પ્રયાસોમાં ભારત સતત પોતાનો ટેકો અને સહયોગ આપતું રહેશે.

Business : ડોલરનું વર્ચસ્વ ઘટાડવાની તૈયારીઓ, ભારતના UPI મોડેલથી ખુલશે ગ્લોબલ પેમેન્ટનો નવો રસ્તો!

0

BRICS દેશોમાં ડોલર પર નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક ચલણોમાં ચુકવણીને સરળ બનાવવા માટે વિકલ્પો શોધાઇ રહ્યા છે.

તાત્કાલિક ડિજિટલ ચુકવણીની સરળતા 

આ સમગ્ર પ્રયાસમાં ભારતનું UPI મોડેલ ખાસ મહત્વ ધરાવે છે. ભારત BRICS દેશોની વિવિધ ઝડપી ચુકવણી પ્રણાલીઓને એ જ રીતે એકીકૃત કરવા માંગે છે જે રીતે UPIએ દેશની અંદર બેંક ખાતાઓ વચ્ચે તાત્કાલિક ડિજિટલ ચુકવણીઓને સરળ બનાવી છે. આનાથી બે BRICS દેશો વચ્ચે દરેક ચુકવણી માટે મધ્યસ્થી ચલણ તરીકે ડોલરનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઓછી થઈ શકે છે. RBI એ BRICS માં ઝડપી ચુકવણી પ્રણાલીઓને લિંક કરવા અને CBDC ઇન્ટરઓપરેબિલિટી જેવા વિકલ્પો પર ચર્ચાઓની પણ પુષ્ટિ કરી છે. 

ચુકવણી કનેક્ટિવિટી પ્રથમ 

બ્રિક્સમાં ડોલરથી દૂર જવાની ચર્ચાઓ ઘણીવાર સામાન્ય BRICS ચલણ સાથે જોડાયેલી હોય છે. પરંતુ વર્તમાન પ્રયાસ અલગ છે. વર્તમાન ધ્યેય નવી સામાન્ય ચલણ જારી કરવાનો નથી, પરંતુ હાલની રાષ્ટ્રીય ચલણો અને ડિજિટલ ચુકવણીઓને જોડવાનો છે. આનો અર્થ એ છે કે ભારત અને રશિયા વચ્ચે રૂપિયા અને રુબેલ્સમાં અથવા અન્ય BRICS દેશો વચ્ચે તેમના સંબંધિત ચલણોમાં વેપાર કરી શકાય છે અને સમાધાન માટે વધુ સારું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકાય છે. 

ભારત માટે મોટી અને મહત્ત્વની તક

આ વ્યવસ્થાથી ભારતીય વ્યવસાયોને સૌથી વધુ ફાયદો થઈ શકે છે. BRICS દેશો સાથે વ્યવસાય કરતી કંપનીઓ માટે ચુકવણી ઝડપી અને સસ્તી થવાની અપેક્ષા છે. તે રૂપિયાના આંતરરાષ્ટ્રીય ઉપયોગને પ્રોત્સાહન આપવાના ભારતના પ્રયાસોને પણ વેગ આપી શકે છે. ભારત પહેલાથી જ તેના UPI મોડેલને અન્ય દેશો સાથે એકીકૃત કરવા પર કામ કરી રહ્યું છે. તેથી, BRICSમાં ચુકવણી ઇન્ટરઓપરેબિલિટીનો પ્રસ્તાવ ભારતને તેના ડિજિટલ જાહેર માળખાની શક્તિઓ દર્શાવવાની તક પણ પૂરી પાડે છે.

ચીન સહિત અનેક પડકારો

BRICS માટે આવા ચુકવણી નેટવર્ક વિકસાવવા સરળ રહેશે નહીં. સભ્ય દેશોમાં વિવિધ બેંકિંગ સિસ્ટમ્સ, ચલણો, નિયમો અને ડિજિટલ માળખાગત સુવિધાઓ છે. વધુમાં, ચલણ જોખમ, પ્રવાહિતા, સાયબર સુરક્ષા, ડેટા સુરક્ષા અને નાણાકીય ગુના નિવારણ જેવા મુદ્દાઓ પર સામાન્ય વ્યવસ્થા સ્થાપિત કરવાની જરૂર પડશે. ખાસ કરીને ચીન જેવા મુખ્ય સભ્ય પાસે પોતાનું ડિજિટલ ચુકવણી અને નાણાકીય માળખાગત સુવિધા છે. તે જોતાં, આંતર-કાર્યક્ષમતા, ડેટા સુરક્ષા અને ડેટા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ મહત્વપૂર્ણ રહેશે. તેથી, આને ડોલરને દૂર કરવાની યોજના કહેવું યોગ્ય રહેશે નહીં. બ્રિક્સની વર્તમાન દિશા વધુ વ્યવહારિક છે ડોલર પર નિર્ભરતાની જરૂર ન હોય તેવા વૈકલ્પિક ચુકવણી ચેનલો વિકસાવવા.

Health : હેરફોલથી કંટાળી ગયા છો? નારિયેળ તેલમાં મિક્સ કરો આ વસ્તુઓ અને પછી જુઓ જાદુ…

0

આજકાલ બદલાતી જીવનશૈલી અને પ્રદૂષણને કારણે વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ધૂળ-માટી, ગરમ પાણીથી સ્નાન કરવું, વારંવાર હેર સ્ટાઇલિંગ ટૂલ્સનો ઉપયોગ અને વિવિધ રાસાયણિક સારવારને કારણે વાળ નબળા અને સૂકા થઈ જાય છે. વાળની યોગ્ય સંભાળ માટે લોકો અનેક ઘરેલું ઉપાયો અજમાવતા હોય છે, જેમાં નારિયેળ તેલ સૌથી લોકપ્રિય અને ઉત્તમ માનવામાં આવે છે. નારિયેળ તેલ વાળને ડીપ કન્ડિશનિંગ પૂરું પાડવામાં અને કુદરતી ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. જો કે, માત્ર સાદું નારિયેળ તેલ લગાવવા કરતાં જો તેમાં કેટલાક વિશેષ કુદરતી ઘટકો ભેળવવામાં આવે, તો તેના પરિણામો વધુ સારા મળે છે.

શુષ્ક વાળ માટે એલોવેરા જેલ અને નારિયેળ તેલનો પ્રયોગ

જો તમારા વાળ ખૂબ જ શુષ્ક અને બરડ હોય, તો નારિયેળ તેલ સાથે એલોવેરા જેલનો પ્રયોગ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. આ માટે ૧ ચમચી એલોવેરા જેલને ૨ ચમચી નારિયેળ તેલમાં સારી રીતે મિક્સ કરો અને તેને તમારા વાળની લંબાઈ તેમજ ખાસ કરીને છેડા પર લગાવો. લગભગ ૨૦ થી ૩૦ મિનિટ બાદ હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો. આ મિશ્રણ વાળને કોમળ રાખવામાં અને શુષ્કતા ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, પરંપરાગત સમયથી મેથીના દાણાનો ઉપયોગ પણ વાળની સંભાળ માટે થાય છે. અડધા કપ નારિયેળ તેલમાં ૧ થી ૨ ચમચી મેથીના દાણા ઉમેરીને તેને ધીમા તાપે હૂંફાળું ગરમ કરો. ઠંડુ થયા બાદ તેલને ગાળી લો અને માથાની ચામડી પર હળવા હાથે માલિશ કરો. અડધાથી એક કલાક પછી વાળ ધોવાથી તે મુલાયમ બને છે.

મેથીના દાણા અને કરી પત્તાથી વાળને પોષણ આપવાની રીત

કરી પત્તાનો ઉપયોગ પણ વાળને પોષણ આપવામાં ખૂબ જ કારગર છે. એક કપ નારિયેળ તેલમાં ૮ થી ૧૦ સ્વચ્છ કરી પત્તા ઉમેરીને તેને ધીમા તાપે ગરમ કરો. પાંદડા કરકરા થાય એટલે ગેસ બંધ કરી, તેલ ઠંડુ કરીને ગાળી લો. આ તેલ મૂળમાં લગાવીને ૩૦ થી ૬૦ મિનિટ પછી શેમ્પૂ કરવાથી વાળ સ્વસ્થ રહે છે.

સ્વસ્થ વાળ માટે યોગ્ય જીવનશૈલી અને પૌષ્ટિક આહાર

માત્ર તેલ લગાવવાથી જ વાળ ખરવાનું સંપૂર્ણપણે અટકતું નથી, પરંતુ જીવનશૈલીમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. વાળ પર વધુ પડતી ગરમીનો ઉપયોગ ટાળો અને ભીના વાળને જોરશોરથી ઘસવાને બદલે હળવાશથી સૂકવો. આ ઉપરાંત, આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, આયર્ન અને લીલા શાકભાજી તથા કઠોળ જેવા પોષક તત્વોનો સમાવેશ કરવાથી વાળ અંદરથી મજબૂત બને છે.

Bollywood : મિર્ઝાપુર ધ મૂવીની બોક્સ ઓફિસ પર પહેલા દિવસે છપ્પરફાડ કમાણી, કાલીન ભૈયા અને મુન્ના ભૈયાને જોઈ ચાહકો થયા ક્રેઝી

0

પ્રાઇમ વિડિયોની સુપરહિટ સીરિઝ પછી “મિર્ઝાપુર ધ મૂવી” 4 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ભારે ક્રેઝ વચ્ચે કાલીન ભૈયા અને મુન્ના ભૈયાને મોટા પડદા પર જોવા માટે ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ સીઝનની સમાંતર ચાલતી આ મૌલિક વાર્તાને દર્શકો અને વિવેચકો બંને તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રિલીઝની સાથે જ ફિલ્મના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા પણ સામે આવી ગયા છે.

પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ

વેબ સીરિઝની સફળતા બાદ ફિલ્મ પાસે મોટી કમાણીની અપેક્ષા રાખવામાં આવી રહી હતી, જે સાચી સાબિત થઈ છે. સેકનિલ્કના પ્રારંભિક અહેવાલો મુજબ, ‘મિર્ઝાપુર: ધ મૂવી’એ પોતાના પહેલા જ દિવસે ભારતમાં ₹24.64 કરોડનું પ્રભાવશાળી કલેક્શન કર્યું છે. વીકેન્ડ દરમિયાન આ આંકડો હજુ વધુ ઊંચો જવાની શક્યતા છે. આ ફિલ્મ હિન્દી અને તેલુગુ એમ બે ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મે હિન્દી વર્ઝનમાં ₹24.50 કરોડની જંગી કમાણી કરી છે, જ્યારે તેલુગુ વર્ઝનમાંથી ₹0.14 લાખ (₹14 લાખ) નો વેપાર નોંધાયો છે.

કાલેન ભૈયા અને મુન્ના ભાઈનું બવંડર

ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ મુખ્ય ભૂમિકામાં છે. આ વખતે શોમાં બબલુ પંડિતનું પાત્ર ભજવનાર વિક્રાંત મેસીના સ્થાને જીતેન્દ્ર કુમાર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રવિ કિશન, અભિષેક બેનર્જી, રસિકા દુગ્ગલ, શ્વેતા ત્રિપાઠી, શીબા ચઢ્ઢા અને રાજેશ તૈલાંગ જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે.

નિર્માણ અને નિર્દેશન ટીમ

એમેઝોન એમજીએમ સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે. વાર્તા પુનીત કૃષ્ણા દ્વારા લખવામાં આવી છે, જ્યારે ફિલ્મનું નિર્માણ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે કર્યું છે. કાસિમ જગમગિયા અને વિશાલ રામચંદ્રન આ ફિલ્મના સહ-નિર્માતા છે.

Sports : એશિયા કપ 2026માં આજે મહામુકાબલામા ભારત-પાકિસ્તાન આમને-સામને

0

મહિલા એશિયા કપ 2026 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે એશિયા કપ 2026માં પાકિસ્તાન સામે મહામુકાબલો રમશે. સેમિફાઇનલમાં સ્થાન પાકું કરી ચૂકેલી ટીમ ઈન્ડિયાની નજર હવે પાકિસ્તાન સામે સતત પાંચમી જીત પર રહેશે.બીજી તરફ પાકિસ્તાન માટે આ મેચ સેમિફાઇનલમાં પહોંચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.શનિવાર 5 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજનો મુકાબલો રમાશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 7:30 વાગ્યે થશે.ભારતીય ટીમ થાઈલેન્ડ અને હોંગકોંગ સામેની શાનદાર જીત બાદ આત્મવિશ્વાસથી ભરેલી છે. પાકિસ્તાન સામે પણ ટીમ ઈન્ડિયા પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે

ભારત-પાકિસ્તાન વચ્ચે જોરદાર મુકાબલો
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશા ક્રિકેટ ચાહકો માટે ખાસ રહ્યો છે. આ વખતે પણ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને આવશે. ભારત સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યું છે અને હવે ગ્રુપ સ્ટેજમાં અપરાજિત રહેવા માટે મેદાનમાં ઉતરશે. બીજી તરફ પાકિસ્તાન માટે આ મેચનું મહત્વ વધારે છે કારણ કે જીતથી તેની સેમિફાઇનલમાં પહોંચવાની આશા મજબૂત થઈ શકે છે.

પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનું પલડું ભારે

મહિલા ટી20 ક્રિકેટમાં ભારતનો પાકિસ્તાન સામેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતે છેલ્લાં વર્ષોમાં પાડોશી ટીમ સામે સતત સારું પ્રદર્શન કર્યું છે અને 2022 એશિયા કપ બાદ પાકિસ્તાન સામે ટી20માં હાર્યું નથી. આ કારણે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમને આ મેચમાં જીતની દાવેદાર માનવામાં આવી રહી છે.આ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની બેટિંગ પણ ખાસ ચર્ચામાં રહેશે. ટી20 વર્લ્ડ કપ 2026થી તે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. એશિયા કપમાં પણ થાઈલેન્ડ સામે તે માત્ર 5 રન અને સિંગાપોર સામે 10 રન બનાવી શકી હતી. સેમિફાઇનલ પહેલાં કેપ્ટનનું ફોર્મ પરત આવવું ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ બની શકે છે. જોકે ટીમની બેટિંગને સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા જેવા ખેલાડીઓ પાસેથી મજબૂત શરૂઆત મળી રહી છે.

ભારતની નજર સતત પાંચમી જીત પર

ભારતીય ટીમનો એશિયા કપમાં અત્યાર સુધીનો અભિયાન શાનદાર રહ્યો છે. થાઈલેન્ડને 94 રનથી અને હોંગકોંગને 137 રનથી હરાવીને ભારતે સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે પાકિસ્તાન સામે જીત મેળવીને ગ્રુપ સ્ટેજમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો ટીમ ઈન્ડિયાનો પ્રયાસ રહેશે. બીજી તરફ પાકિસ્તાન આ મહત્વપૂર્ણ મુકાબલો જીતીને સેમિફાઇનલની રેસમાં આગળ વધવા માટે પૂરો જોર લગાવશે.